મનાલીની હવા


(લઘુકથા)

સાવ વિચિત્ર માણસ. અળવીતરો લાગે કપડા અને વર્તનથી. ઉનાળો પરીક્ષા બધાની જેમ મારી પણ પરીક્ષા લેતો હતો. અંદર બહારના તાપથી હાથ ખંખેરવા વડલા નીચેના શેરડીના સંચોડે જઈ ઊભો ને પરિવાર સાથે પી શકાય એટલે રસ પાર્સલ કરવાનો ઓર્ડર આપ્યો.

રોફ જાણે જમાવતો હોય તેમ આંગળી ચીંધી કહ્યું, ‘સામે બેસો.’

રાજસ્થાનની ગરમીનો પારો મારામાં ઉતર્યો. જરીકેય હાલ્યા વગર બેય ખીસ્સામાં હાથ ભેરવી એની સામે જ ઊભો. ચહેરો કડક. શરીર કડક. એ મારી સામે હસ્યો. પણ હું કાંઇ ગાંજ્યો જાવ તેમ નહોતો. ભાવમાં કોઈ પરિવર્તન નહિ.

શેરડીના સાંઠા મશીનમાં પીસાઇને બીજી તરફ નીકળતા. વચ્ચે એ લીંબુ નાખે, આદુ ભેળવે. બીજી વખત સાંઠા પીસતા વેળા વળી મને કહે, ‘ખુરશીઓ તમારા માટે જ છે.’ એનું બોલવું બંદુકની નાળને દીવાસળી ચાંપવા સમાન હતું પણ સાવ અમથે અમથે રાજસ્થાન રણનો પારો ઢોળી નાખવો !

મેં જવાબ આપ્યા વિના ઝીણી આંખો કરી એની સામે તાક્યું. આંખો ઉલાળી. શરીરને હલાવ્યું. પગ લાંબા પહોળા કર્યા.

રસ પવાલામાંથી લઇ ગ્લાસ ભરવા લાગ્યો. એક પછી એક મેં ગણ્યા. સાલ્લો છેતરપીંડી કરી જાય. ધ્યાન રાખવું પડે. એથી બરાબર ગણ્યા. બરાબર જ રસ પેક કર્યો.

ઉપકાર કરતો હોઉં એમ કહ્યા એટલા પૈસા ચૂકવી ચાલતી પકડવા કરી કે, ‘ઊભા ર્યો.’

હું ઊભો રહ્યો. મારી સામે આ વખતે એણે નેણ ઉલાળ્યા ને આંખો પણ ઝીણી કરી. સસ્મિત ચહેરે મને કહે, ‘સાહેબ, રસ પીતા જાવ. આના પૈસા નથી.’

મારા હાથમાં ગ્લાસ પકડાવી જ દીધો. ઠંડા ગ્લાસનો ઠંડો રસ પેટમાં ગયો કે મનાલીની મનોહર હવા મને વીંટળાઈ રહી. પછી હોઠ પહોળા થયા વિના રહે?

હરીશ મહુવાકર, ‘અમે’, 3 /A, 1929, નંદાલય હવેલી પાસે, સરદારનગર, ભાવનગર 364002. Mobile : 9426 22 35 22 Email: harishmahuvakar@gmail.com