(1)


'મૌન બનીને અફળાઉં'

હવા બનીને લહેરું સઘળે
પાણી થઈને પ્રસરાઉં
વાતે વાતે અટકી પડતું
મૌન બનીને અફળાઉં

આમ ઝૂરાપો લાગે જીવન
આમ જીવું છું આનંદે
સૂઝે નવ કો એક શબદ
જે ઘૂંટાતો રહેતો રુદે
પાન બનીને ખરી પડું હું
પુષ્પ બનીને પથરાઉં
વાતે વાતે... ... ... ...

શ્વાસો સાથે ગણું છું દિવસો
જીવન પછીનું જીવન શું ?
એક પળે પામું પડછાયો
નિજમાં રમતો આતમ શું ?
હું મારાથી પડી વિખૂટી
હું જ મારામાં અથડાઉં
વાતે વાતે... ... ... ...

********************

(2)

‘મા’

મા, મને હોંકારો દઈને બોલાવ,
ઉંમર વીતી, મારા વર્ષો વીત્યા, મને ઘેરી વળે છે તારી યાદ
મા, મને હોંકારો દઈને બોલાવ,

નાનકડી ઓઢણીમાં ઝળહળતાં તારલાઓ, તારલામાં ડોકાતી તું,
ક્યાંથી ભૂલું તારી ખરબચડી આંગળીયે ઊંગી’તી વાયરાની લૂં.
મને કોરે છે કાળો અંધાર
મા, મને હોંકારો દઈને બોલાવ.

રોજ રોજ દયણાં તું દળતી ને ખાંડતી, છાતીમાં ખેંચાતા શ્વાસ,
કાળી મજૂરી તારા નયણેં ડોકાતી, મને ભોંકાતી હૈયાની પાર
જાણું છું, કેમ તને આવ્યોં‘તો તાવ
મા, મને હોંકારો દઈને બોલાવ.

તારા આવાસનું મઘમઘતું ફૂલ હું, તારા અહેસાસનું ગૂંજતું નૂપુર
તારી હથેળીમાં આજે પણ શોધું છું, મારા તોફાનનું વાસંતી ઊર
મને એકવાર ઠપકો તો આપ !
મા, મને હોંકારો દઈને બોલાવ.

આજ નહીં આવે તો કાલે તો આવજે,
આવે જો, આવવાની એંધાણી આપજે.

જોજે હો ! છેતરીને જાતી ના મા, હવે ઘેરી વળે છે તારી યાદ.
મા, મને હોંકારો દઈને બોલાવ.

ડૉ. વર્ષા એલ. પ્રજાપતિ,(ઝરમર) ગુજરાતી વિભાગ, એસ.એલ.યુ. આર્ટસ એન્ડ એચ. એન્ડ પી. ઠાકોર કોમર્સ કોલેજ ફોર વિમેન, અમદાવાદ.