કૃષ્ણભક્ત રાજે
દયારામના નજીકના પુરોગામી તરીકે પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાન બોધની મધુર અને પ્રાસાદિક કવિતા રચનાર કવિ તરીકે રાજે નોંધપાત્ર છે. રાજેનાં પદોમાંથી એનો કૃષ્ણ પ્રેમ ઝળકે છે. રાધાનો કૃષ્ણપ્રેમ વર્ણવતા રાજે પોતાની પદરચનામાં કહે છે,
“ હરિ મેં હાવે ક્યમ રહેવાય, હું પણ આ તે ક્યમ સહવાયે’’
‘મોહન તું વાત સંભાળ મારી, હું તો બેઠી સહુથી હારી.’
દુરીજન દે છે મુને મહેણાં, મારા તમશું લાગા નેણાં’
જ્યારથી કૃષ્ણનાં નયન સાથે નયન મળ્યા છે ત્યારથી ગોપીને મન એમ જ થઇ ગયું છે કે હવે આ સંસારમાં કેમ રહેવાશે ? એક તરફથી ગોપીને કૃષ્ણ પ્રેમને કારણે આ જગત તરફથી ઉપાલંભ મળે છે તો બીજી તરફ કૃષ્ણવિયોગ સહેવાતો નથી. ગોપીની આ દ્વિધાભરી મનોદશાનું વર્ણન કવિએ કર્યું છે. પોતે પણ કૃષ્ણ ભક્ત છે એવું સૂચન પણ કવિ કર્યા વગર રહી શકતા નથી.
‘રસિઆ છો રાજેના વાલા, ભગત તારણ છો નંદલાલા.’
પોતાના વહાલા સ્વામી કૃષ્ણ રસમૂર્તિ છે. તેને પામવા તો આખું ગોકુલ ગામ ઘેલું ચ્ચે.જેને જેને કૃષ્ણ મળ્યા તે સર્વ આ સંસાર પ્રત્યે વિરક્તિનો ભાવ અનુભવતા થઇ ગયા અને ગિરધારીના ગુણાનુરાગી બની ગયા.
‘જેને મળ્યો તું મોરાર, તેને મુકાવ્યા ઘરબાર.’
‘રસિઆ છો રાજેના નાથ, સર્વે સોંપ્યું તમારે હાથ.’ અહીં ‘સર્વે સોંપ્યું’ એ શબ્દો સમર્પણની ભાવના વ્યક્ત કરે છે. આમ પણ પ્રેમલક્ષણા ભક્તિના માર્ગમાં સર્વ સમર્પણનું જ મહત્વ છે ને!
પણ ભક્તિનો માર્ગ જેટલો દેખાય છે એટલો સરળ નથી. આ હકીકત કવિ ગોપીમુખે વર્ણવે છે, “ વ્હાલા ચઢ્યા ન ઉતરે આળ, જુગમાં રહેવું મહાજંજાળ.’ અને આ ગોપી કાઈ કુંવારિકા નથી. સંસારના ભૌતિક સુખો માણી ચુકેલી પરિણીતા છે પણ કૃષ્ણને જોયા પછી માયા ક્યાં કામ લાગે ? હવે તો પોતાના પ્રભુ સાથે દિવ્ય મિલનની ઝંખના છે. ‘મોહન મળવું તે એકાંત, એવી મનની વિચારો ભ્રાંત.’
પોતાના પદોના અંતે ‘દાસ રાજેના સ્વામી’ દ્વારા કવિ ‘દાસ્ય ભાવ’ દર્શાવે છે.
‘મારા મનગમતા મહારાજ , મારે ઘેર આવોને,
હું તો તલસું તમારે કાજ, હસીને બોલાવોને.’
કવિ રાજેનું આ પદ ખરેખર એક સુંદર પદગીત છે. જેની રમતી રસળતી શૈલીમાં પ્રસાદ ગુણ સચવાયો છે.
રાજેના પદની ભાષા સાદી, રસળતી અને પ્રવાહી શૈલી યુક્ત છે. એક મુસ્લિમ કવિ આવી ઘનતા અને ઘનિષ્ઠતાથી કૃષ્ણભક્તિ અને કૃષ્ણલીલાનું ગાન કરે એ એક વિશિષ્ટ ઘટના તો ખરી જ. કદાચ એટલે જ રા.વિ. પાઠકને દયારામમાં રાજેનું પ્રતિબિંબ દેખાય છે. તેઓ કહે છે, “ રાજે અને દયારામનાં પદોમાં કેટલુંક વિષયવસ્તુ અને રાગ ઢાળ સમાન જણાય છે.”
કૃષ્ણના ગોકુલ જીવનના ઘણા પ્રસંગોને લઈને એમણે કૃતિઓ રચી છે. એમાં સાખી ને ચોપાઈની ચાલના ૧૮ ટૂંકા કડવાંમાં રચાયેલી ‘રાસપંચાધ્યાયી’ / ‘કૃષ્ણનો રાસ’ માં ભાગવતના મૂળ પ્રસંગને અનુસરી કવિએ ગોપીઓની કૃષ્ણ પ્રત્યેની ઉત્કટ પ્રીતિનો મહિમા કર્યો છે. આ રાસપંચાધ્યાયીમાં ચોપાઈની સાથે સાથે ક્યાંક ક્યાંક ચરણાકુળ પણ દેખા દઈ જ જાય છે.
‘મુક્યા મન કોનું ન થાય, તારી શરમે જદુરાય,
આવી સરવ દેવતા ભાળે, તાંહાં ઇન્દ્રવિમાન ન ચાલે.’
૧૦૦ કડીની ‘ગોકુળલીલા’ બાળકૃષ્ણને જશોદા અને ગોપીઓ પાસે કરેલાં તોફાનો વર્ણવે છે. પ્લવંગમની ૫૦ કડીઓમાં રચાયેલી ‘ચુસરાસોહાગી’માં કવિ ગોપી રૂપે દીનભાવે કૃષ્ણના પ્રેમની ઝંખના કરે છે. ઘણી પંક્તિઓમાં આદિ લલકાર માટે ‘એ’ એવો કોઈ શબ્દ પણ ક્યારેક આવે છે.
“એ કુહના માં ને બાપ કે કુહના છોરડાં,
એ કુહુનું ઘર વેપાર કેહૂનાં ઢોરડાં’
કવિની જ્ઞાનવૈરાગ્યમુલક રચનાઓની અંદર પ્લવંગમ છંદમાં રચાયેલાં આવા ૫૦ ‘જ્ઞાન ચૂસરા’ માં સંસારની માયાનો ત્યાગ કરીને હરિભજન કરવાનો બોધ તળપદી ભાષામાં આપે છે. રાજે એ સુંદર કુંડલિયા અને પ્લવંગમ લખેલા છે. કુંડળીયામાં રચાયેલ ‘વૈરાગ્યબોધ’ વધારે ભાવસભર કૃતિ છે. પ્રારંભમાં એમાં ઈશ્વરસ્મરણનો બોધ છે પરંતુ પાછળથી કવિ ઈશ્વર કૃપા યાચે છે.
‘અરજ તું અપરાધતણી કાં ન ધરે કિરતાર,
કાં ન ધરે કિરતાર, કળા તું રાખે મારી,
અવર મળે નહિ આશ, આશ છે એક જ તારી .....
અરજ તું અપરાધતણી, કાં ન ધરે કિરતાર.’
સવૈયાની ૩૨ કડીની ‘માંનસમો’ માં કૃષ્ણ દૂતી દ્વારા પોતાનાથી રિસાયેલી રાધાને મનાવવાનો પ્રયત્ન કરે છે એ પ્રસંગને વિશેષ દૂતી અને રાધાના સંવાદ દ્વારા આલેખ્યો છે. સવૈયાની ૨૪ કડીના ‘દાણસમું’ માં ગોપી, કૃષ્ણ અને જશોદા વચ્ચેના સંવાદ રૂપે દાણલીલાનાં પ્રસંગને આલેખી એમાંથી કૃષ્ણના નટખટ ચરિત્રને ઉપસાવ્યું છે. ગોપીવિરહનાં ‘બારમાસ’માંથી માંતુરા ગયેલા કૃષ્ણનો રાહ જોતાં ગોપીના વિરહભાવ અને દૈન્યને એટલી મધુર વાણીમાં વ્યક્ત કરે છે કે ગુજરાતીની સત્વશીલ મહિના કૃતિ બની છે.
કવિ રાજે પદ, ગરબી, ખયણા, મહિના જેવાં વિવિધ સ્વરૂપો પણ ખેડે છે. વિષય વૈવિધ્યના ઉદાહરણ સમું એમનું ‘ગોરસડાનું ગીત’ જુઓ-
“ ઘૂમે રે ગોરસડું મારું, પીળી પલવટ વાળી રે,
મહીડું મારું મેળ ન આવે, તુજને અદકા ટાળી રે..’
અહીં રાજે વલોણાને જ વિષય કરીને આખું કાવ્ય લખે છે. વલોણું જ જાણે બંને વચ્ચેનો રાસ હોય એમ એને લાગે છે. વળી, શબ્દોનું વૈવિધ્ય અને રૂપકનો ઉપયોગ તો જુઓ-
‘પ્રીતે મન પરબોધીએ રે, સ્નેહની શેરી શોધીએ રે...’ વાહ ‘સ્નેહની શેરી’ સંભાળીને જ પ્રેમાનુભૂતિ નથી થતી ! વળી ક્યાંક ‘પ્રેમની પોળ’ જેવો શબ્દ પણ વાપરે છે. ‘શ્યામલું’ જેવા શબ્દો જૂની ગુજરાતીના છે. આ ઉત્પ્રેક્ષા અને ઉપમા પણ આકર્ષક છે, ‘ મને ઉર સાથે એમ લીધી, જાણે અમૃત પેરે પીધી.’ તો ‘મોહનજી તમે મોરલા હું વારી રે, કાઈ અમે ઢળકતી ઢેલ આશ તમારી રે..’ નો રૂપક. કવિની શક્તિના ચમકારા બતાવ્યા વગર રહેતો નથી.
આમ, કવિની ખરી કવિત્વશક્તિ પ્રગટ થાય છે એમના પદોમાં, ગરબીમાં, મહિનામાં, તિથિમાં... ભાષાનું માધુર્ય, કલ્પનાની ચમત્કૃતિ અને ભાવની આર્દ્રતા, દેશી ઢાળ, લયનો સહજ ઉપયોગ, છંદ અને અલંકારની સરળ અભિવ્યક્તિ રાજેને સારા કવિઓની હરોળમાં મૂકી આપે છે.