મધ્યકાલીન ગુજરાતી કાવ્યમાં રાધા
(અધ્યાત્મ અને શ્રૃંગારના પરિપ્રેક્ષ્યમાં)
પ્રસ્તાવના::
ભારતીય ઈતિહાસ, ધર્મ. જીવન અને સાહિત્ય અને વિશેષ રૂપે કાવ્યમાં શ્રીકૃષ્ણનો પ્રભાવ સહુથી વધુ રહ્યો છે. સ્વાભાવિક રીતે તેમાં તેમની પ્રિયા રાધાનો પણ મહત્ત્વનો ફાળો હોય. ભારતની તમામ ભાષાઓમાં રાધાકૃષ્ણનાં અનેક કાવ્યો છે. ગુજરાતી ભાષામાં ઊર્મિકાવ્યોના આદિ કવિ નરસિંહ મહેતાથી લઈ આજ સુધી રાધાકૃષ્ણ કાવ્યો છે.
સમસ્યા ::
કૃષ્ણની બાળલીલાથી લઈ મહાભારત અને ભગવદગીતા સુધીનાં અનેક કાવ્યો છે. પરંતુ સમસ્યા એ છે કે રાધાની અનેક મુદ્રાઓ ઉપસાવતાં સંપાદનો નહીંવત્ છે. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના `બૃહદકાવ્યદોહન'ના ખંડોથી લઈ અનેક સંપાદનો આજ સુધી પ્રગટ થયા કરે છે. તેમાં રાધાનાં કાવ્યો એક સાથે જોવા મળતાં નથી. નોંધપાત્ર છે તેમાં શ્રી ભોળાભાઈ પટેલનું ``વૃંદાવન મોરલી વાગે છે'' અને ડો. યશવંત ત્રિવેદીનું ``રાધાકૃષ્ણ ગીતિકા'' છે. ભોળાભાઈએ પણ અનેક ભાષાના કૃષ્ણની અનેક લીલાનાં કાવ્યો લીધાં છે. તો યશવંતભાઈએ પોતાનાં અનેક કાવ્યો તેમ જ ઘણાં અર્વાચીન કાવ્યો મહત્ત્વની જગા રોકે છે.
મધ્યકાલીન ગુજરાતી કાવ્ય સાહિત્યમાં રાધાની અનેક વિલક્ષણ મુદ્રાઓ અને વિભાવનાઓનો છે. તેનો તલસ્પર્શી અભ્યાસ જ્વલ્લે જ જોવા મળે છે. શ્રી રઘુવીર ચૌધરી સંપાદિત ``નરસિંહ મહેતા આસ્વાદ અને સ્વાધ્યાય''માં અનેક લેખકોએ નરસિંહના અનેક પ્રકારનાં કાવ્યોનો આસ્વાદ કરાયો છે. તેમાં છૂટાછવાયા સંદર્ભો મળે છે, પરંતુ સમગ્ર મધ્યકાલીન સાહિત્યના પંદરમી સદીના પૂર્વાર્ધમાં નરસિંહથી લઈ ઓગણીસમી સદીના મધ્યભાગ માં દયારામ સુધીના સાડા ચારસો વર્ષમાં અનેક કવિઓ દ્વારા પ્રગટ થતી રાધાની આધ્યાત્મ અને શ્રૃંગારની વિવિધ રચનાઓનો પરિચય તથા તેના ચેતોવિસ્તારની ગહન અભિવ્યક્તિઓનો તલસ્પર્શી અભ્યાસ મળતો નથી. હું અહીં એક વિનમ્ર પ્રયાસ કરું છું. તે ઉપરાંત આજના વૈજ્ઞાનિક યુગમાં રાધા-કૃષ્ણના હોવાપણાનું અવલોકન કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે.
ગુજરાતી ભાષાના પ્રથમ ઊર્મિ કવિ તેમ જ બ્રહ્મજ્ઞાની નરસિંહ મહેતા (ઈ.સ. 1404-14થી 1469) ઉપરાંત મહત્ત્વના કવિઓ ભાલણ (1434 - 1518) મીરાં (1498 – 1567), પ્રેમાનંદ (1640 - 1712), સંત કવિ મૂળદાસજી (1665-1779), મુસ્લિમ કવિ રાજે (1650-1730), પ્રીતમ (1718-96) કબીર પંથી રવિભાણ સંપ્રદાયના મોરાર સાહેબ (1758 – 1849) અને દાસી જીવણ (1750-1825), સ્વામી નારાયણ સંપ્રદાયના બ્રહ્માનંદ (1772-1863) તથા પ્રેમસખી પ્રેમાનંદ (1784-1855) અને મધ્યકાલીન કવિતાનું છેલ્લું શિખર દયારામ (1777-1852) તેમ જ તે સમયમાં પ્રચલિત રાધા વિષયક લોકગીતોને આવરી લઈ એક બહુરંગી આલેખ ઊભો કરવા પ્રયત્ન કર્યો છે.
ભાવપ્રતીક, ભાષા વગેરેનાં પુનરાવર્તનો શક્ય ત્યાં ટાળી બને તેટલા> વિશિષ્ટ કાવ્યોની પસંદગી કરી છે. આ સંશોધન પછી મધ્યકાલીન રાધા કાવ્યોનું સંપાદન અને તેવી જ રીતે પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક અને અનુઆધુનિક યુગના લેખો અને સંપાદનો કરવા નિર્ધાર કર્યો છે.
અત્યંત મહત્ત્વનું છે કે રાધાના સાહિત્ય પ્રવેશથી પ્રારંભ ક્યારે થયો એ શોધીએ.
અનુક્રમણિકા
1) પ્રસ્તાવના
2) પૂર્વભૂમિકા
अ – રાધા
ब – ગુજરાતી ભાષા
3) ખંડ – ૧
अ – નરસિંહ મહેતા
ब – નરસિંહના પદોમાં શ્રીકૃષ્ણ-છબિ
क – નરસિંહની રાધા
4) ખંડ – 2
अ – ભાલણ
ब – મીરા
5) ખંડ – 3
अ – પ્રેમાનંદ
ब – મૂળદાસજી
6) ખંડ – 4
अ – રાજે
ब – રત્નો
7) ખંડ – 5
अ – મોરારસાહેબ
ब – દાસી જીવતા
8) ખંડ – 6
अ – બ્રહ્માનંદ
ब – પ્રેમસખી પ્રેમાનંદ
9) ખંડ – 7
દયારામ
10) ખંડ – 8
લોકગીતા
11) ઉપસંહાર
12) અવતરણ સૂચિ
13) BIBILOGRAPHY
પૂર્વ ભૂમિકા :
अ ‘રાધા’
સંસ્કૃતના પ્રાચીનતમ ગ્રંથ વેદો અને પ્રાકૃત ભાષાના પ્રાચીન ગ્રંથોમાં રાધાનો ઉલ્લેખ નથી. શ્રી કૃષ્ણ વિષે યુગપ્રવર્તક ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવત’ની હસ્તપ્રત આઠમી સદીની પહેલાં મળતી નથી. વેદ જેવી ‘અષ્ટ વિકૃતિવાળી કંઠ પરંપરા પણ પુરાણોની નહોતી. એટલે કે પુરાણોમાં સર્વશ્રેષ્ઠ ગણાતા એવા શ્રીમદ્ ભાગવતમાં રાધાનું સ્પષ્ટ નામરૂપ જોવા મળતું નથી. છતાં રાધા એ પહેલાં નહોતી એમ પણ ન કહી શકાય.
માત્ર હસ્તપ્રતોના ઈતિહાસને આધારે વિદ્વાનો એમ પણ માને છે કે દક્ષિણ ભારતના અળવારો અને નાયનારો જે ભાગવત પહેલાં હજારેક વર્ષથી ભક્તિ કવિતા લખે છે તેની અસર શ્રીમદ્ ભાગવતમાં જણાય છે. ભોળાભાઈ પટેલ કહે છે તેમ ``ભાગવત પુરાણ અળવારોના દિવ્ય પ્રબંધ પછી રચાયેલો ગ્રંથ છે. ફ્રિડહેલ્મ હાર્ડી નામના વિદ્વાને તમિળની અળવાર ભક્તિનો સઘન અભ્યાસ કરીને ``વિરહ ભક્તિ (VIRAHA BHAKTI) નામે ગ્રંથ (૧૯૮૩) લખ્યો છે. તેણે કૃષ્ણ ભક્તિના વિકાસમાં તમિળ અળવારોના પ્રદાનનું અધ્યયન કર્યું છે. હાડી ભાગવત પુરાણ પર દિવ્ય પ્રબંધનો પ્રભાવ વિગતે બતાવે છે.
તરમંગૈ અળવાર, નમમાળવાર, પેરિયારવાર અને ગોદા-આણ્ડાળ આદિની રચનાઓથી ભાગવતકાર પરિચિત છે. જ્યારે આળવારો ભાગવત પુરાણથી અપરિચિત છે. ભાગવતના દશમ સ્કંધની ૨૧થી ૨૯ અધ્યાયોની ગોઠવણી દિવ્ય પ્રબંધના ``તિરુપ્પયા વૈ'' અનુસાર થયેલી છે. કૃષ્ણ ચરિતમાં આવતા શ્રૃંગાર પ્રવણ પ્રસંગો અને એમના પ્રત્યેની ભાવાવિષ્ટ ભક્તિ એ આળવારોની રચનાઓનું પ્રાણપદ તત્ત્વ છે.''
1) વૃંદાવન મોરલી વાગે છે પૃષ્ઠ – ૭
આમ જુઓ તો વૈદિક આર્યોમાં સગુણ શરીરધારી બ્રહ્મના અવતારની કલ્પના નથી. દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની રચના એ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના પુન:સ્થાપિત કરવા જ કરી હતી. એટલે દ્રાવિડ પ્રજાના ‘સંગમ’ કે અળવારોની રચનામાંથી કૃષ્ણસ્તુ ભગવાન સ્વયમ્’ એટલે કે બ્રહ્મ એ જ નારાયણ એ જ વિષ્ણુ અને એ જ કૃષ્ણ છે. એમ મહાભારતની રચના વખતે પ્રતિષ્ઠિત થયું છે અને તે પહેલાંના ગ્રંથોમાં નથી તેમ વિદ્વાનોએ ફલિત કર્યું છે. બ્રહ્મા-વિષ્ણુ-મહેશની ત્રિમૂર્તિ પણ ત્યારે જ પ્રસિદ્ધ થઈ.
અગિયારમી સદીમાં બિલ્વ મંગલ ઉર્ફે લીલાશુકની લાંબી રચના કૃષ્ણ કર્ણામૃત’ પ્રખ્યાત થઈ. તે પછી અતિપ્રિય અને ભાષા, લય, ભાવ અને વસ્તુ વિષયના અનેક સૌંદર્ય સાથે શ્રી જયદેવની બારમી સદીમાં રચિત ‘ગીત-ગાવિંદ’ કાવ્ય રસિકો, વિદ્વાનો અને લોકમાનસમાં ઝડપભેર સન્માનીય થઈ.
અનેક વિદ્વાનો અને ભારતીય સાહિત્યના ઇતિહાસકારોએ સિદ્ધ કર્યું છે તેનું ભોળાભાઈ અનુમોદન કરે છે.
``પરંતુ રાધા એક કેન્દ્રીય ચરિત્ર તરીકે તો લગભગ ૧૨મી સદીમાં થઈ ગયેલા કવિ જયદેવના ``ગીત ગોવિંદ''માં નિરૂપિત થાય છે. જનમાનસમાં રાધા માધવ યુગલની અભિન્ન છબી ``ગીત ગોવિંદ''માં સૌ પ્રથમ સ્થાપિત કરે છે. (राधा माधवयो: जयन्ति यमुनाकुले रह: वोलय: નાન્દી શ્ર્લોક)
રાધા માધવની કેલીલીલાનું જયદેવે જે ગાન કર્યું, તેનો પ્રભાવ ભારતમાં સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટય, ચિત્ર, શિલ્પ આદિ બધી કળાઓ પર આજ દિન સુધી જોઈ શકાય છે.(વૃંદાવન મોરલી વાગે છે પૃષ્ઠ – ૧૧)
ગુજરાતી ભાષા ::
તે જ વખતે સંસ્કૃત-પ્રાકૃત અને લોક બોલીઓના સમાગમથી 27 અપભ્રંશો તે સમયના ભારતમાં પ્રચલિત થયા. જેમાં નાગર, ગૌર્જર અને લાટ અપભ્રંશોથી યુક્ત ગુજરાતી ભાષા જન્મી એ પહેલાં જૂની પશ્ચિમી રાજસ્થાની ગુર્જર હતી. અગિયારમી સદીમાં શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના અદ્ભુત ગ્રંથ ‘સિદ્ધહેમ વ્યાકરણ’માં ગુજરાતી ભાષાનાં મૂળ હશે, પણ તેરમી સદી સુધી તેનું આધુનિક પોત બંધાયું નહોતું. ચૌદ-પંદરમી સદીમાં જૈન અને જૈનેતર કવિઓનાં વર્ણનાત્મક અને કથાત્મક કાવ્યો ‘ફાગુ’ અને ‘રાસા’માં ઊર્મિસભર પદરચના નહોતી. આ પરિસ્થિતિમાં શ્રી નરસિંહ મહેતાનાં પદોમાંના વૈદાંતિક જ્ઞાન અને આધ્યાત્મિક અનુભૂતિની ત્રીજા નેત્રની પ્રસાદીથી આ ખોટ પુરાઈ.
ખંડ - 1
अ નરસિંહ મહેતા
નરસિંહનો જીવનકાળ 1404-1414 વચ્ચે જન્મ અને 1469માં મૃત્યુ એમ સ્વીકાર્ય થયો છે. તેણે ગુજરાતી ભાષાની શબ્દચેતના, લયચેતના, ભાવચેતના અને કાવ્યચેતના જગાડી એવી સરિતા વહાવી કે આજ એકવીસમી સદીમાંય બન્ને કાંઠે લીલીછમ છે. તેણે વાપરેલા બે પ્રમુખ લયનાં મૂળ ગીત ગાવિંદમાં મળે છે. નરસિંહ કાવ્યોની મળેલી હસ્તપ્રતોના પદમાં જયદેવનું સ્મરણ છે. તેમ જ તેણે ટાંકેલી પંક્તિ ઝૂલણા છંદમાં છે. “સ્મર ગરલ ખંડનમ્, મમ શિરસિ મંડનમ્ દેહિ પદ પલ્લવમ્ ઉદારમ્’’ મળે છે. ફરક એટલો જ છે કે તેણે દાલદાનાં 7 આવર્તનો પછી ગુરુ લઈને 37 માતાનો સાડત્રીસીયો ઝુલણા વાપર્યો છે જે આમ છે.
દાલદા દાલદા દાલદા દાલદા, દાલદા દાલદા દાલદા દાલદાદા.
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહને તે સમે તેજ પ્હોંચે, (3)
જાગીને જોઉં તો, (4)
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. (5)
નિરખને ગગનમાં કે (6) જાગને જાદવા જેવાં પદોમાં આ ઝૂલણાં છે. (7) જયદેવના ગીતગાવિંદમાં ચરણાકુળને મળતો લય “લલિત લવંગલતા પરિશિલન કોમલ મલય સમીરે’’ આજ લય નરસિંહના ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ કે ‘નારાયણનું નામ જ લેતાં’ કે ‘ભૂતલ ભક્તિ પદારથ મોટું’ વગેરે પદોમાં છે.
ब નરસિંહનાં પદોમાં શ્રીકૃષ્ણ-છબિ
આદિકવિ નરસિંહ જ્ઞાન, ભક્તિ અને શ્રૃંગારની રચનાઓમાં ખૂબ ખીલે છે. જ્ઞાન કવિતામાં “નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’’,(8)માં માંડુક્ય ઉપનિષદના ચાર સ્તરની કાવ્યમય રજૂઆત છે.
- (1) ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’ – વૈશ્વાનર જાગૃત કે વિરાટ
- (2) ‘ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં’ – તેજસ કે હિરણ્યગર્ભની કે સ્વપ્ન
- (3) ‘હેમની કોર જ્યાં નિસરે મૂલે’ (તે મૂળમાં) – પ્રાજ્ઞ કે સુષુપ્ત આનંદમય કોશ ‘સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે.’
- (4) ‘બત્તી વિણ તેલ વિણ સૂત્ર વિણ જો વળી - તૂર્ય કે આભવ્ય ચળ ઝળકે સદા વિમળ દીવો’ નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો વણ જિહ્વાએ રસ સરસ પીવો.
क નરસિંહની રાધા
“જે નિરખને ગગનમાં''થી બ્રહ્માંડના મૂળમાં છે તે આકાશને નીલવર્ણ આપનાર શ્યામ એ કૃષ્ણ છે અને તેની શક્તિ એ શ્યામા છે. તે જ રાધા છે. વૃષભાનની પુત્રી રાધા ગૌરી છે એટલે કે શુદ્ધ સત્ત્વ પણ આધ્યાત્મિક સ્વરૂપે શ્યામા-શ્યામ છે. સંભોગ શ્રૃંગારનાં પદોમાં બે અપવાદ સિવાય ક્યાંય રાધાનું નામ નથી. તેથી રાધાને કૃષ્ણની આધ્યાત્મિક શક્તિ ગણે છે. જે પ્રેમાનંદ, “પ્રેમસખી પ્રેમાનંદ’’ કે દયારામ કરતાં અલગ છે. ઘણા રાધાને પ્રેમિકા, નાયિકા કે ગોપી માને છે. યશવંત ત્રિવેદી કહે છે તેમ ``રાધા આદિ ગોપીઓ અથવા રુક્મિણી આદી પટરાણીઓ એ ગીતામાં વર્ણવાયેલી પરબ્રહ્મની અષ્ટધા પ્રકૃતિ છે.''
આપણે બે પદો દ્વારા તેનો આનંદ લઈએ. ભાગવતમાં ‘અન્યારાધતિ’ શબ્દમાં કથા છે. અનેક ગોપીમાંથી એક પ્રમુખ ગોપી જે અતિપ્રિય છે. તેને કૃષ્ણ, રાસલીલામાં એકાંતમાં લઈ જાય છે. તે પરથી ગોપીઓ તેનાં પગલાંને જોઈ અનુમાન કરે છે તે પછીથી આ જ ‘રાધા’ છે તેમ પ્રચલિત થયું. એમ પણ બન્યું હોય કે રામાયણ પછી એક પત્નીવ્રતની દૃઢતા સમાજમાં સ્થપાઈ એટલે બ્રહ્મા-બ્રહ્માણી, શિવ-પાર્વતી અને વિષ્ણુ-લક્ષ્મીની જોડ ઉત્પત્તિ થઈ. ઋગ્વેદમાં વિષ્ણુનાં માત્ર 3 સુક્ત છે. એક સુક્ત ‘પુષાન’નું છે. તેનું વર્ણન ગોપાલ, ભરવાડ-કૃષ્ણને મળતું આવે છે. એટલે આ જોડીઓ વેદકાલીન નથી, ૐની અ + ઉ + મ્ આજે એ ત્રણ શક્તિ સત્ત્વ, રજસ, તમસ કે સજર્નશક્તિ, પાલક શક્તિ અને સંહારક શક્તિ એ સંપૂર્ણ સત્ય છે. જેને આજે Electron, Neturon અને Proton એના કરતાં પણ જડબેસલાક પ્રત્યેક અણુમાં રહેલા શૂન્યાવકાશ (Ground State or Vaccume of Atom)માં જ્યારે પહેલી આણ્વિક ક્રિયા થાય છે ત્યારે ત્રણ તત્ત્વોનાં સામૂહિક કાર્ય વિના કશું થઈ શકતું નથી. તે Creating operator, propagator અને Annhilator એ જ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ છે - તેનું મૂળ બ્રહ્મ છે અને તે જ કૃષ્ણ છે તો તેની શક્તિ રાધા છે એમ જનસમુદાય માને તે સ્વાભાવિક છે.
તો રાસલીલામાંથી એકાંતમાં જનારી રાધાનો સંદર્ભ નરસિંહના લોકપ્રિય અને લોકપરંપરાથી પ્રાપ્ત પદમાં છે.
‘નાગર નંદજીના લાલ...’
રાધાને સમજવા માટે ગોકુળ અને વૃંદાવન સમજવું આવશ્યક છે. ગો એટલે ઈન્દ્રિય અને કુળ એટલે તેનું સંકુલ કે સમૂહ એટલે કે શરીર. ભગવદ્ ગીતામાં શરીરને ‘ઈન્દ્રિયગ્રામ’ કહ્યું છે. તેજ ભાગવતનું ગોકુળ સમજવાનું. ત્યાં બાલકૃષ્ણની વાત્સલ્યલીલા છે. વૃંદાવનમાં ત્રણ ભાગ છે. કુંજ, નિકુંજ અને નિભૃત. વૃત્તિઓનું વન એટલે વૃંદાવન એટલે કે મન અથવા આપણી ચેતના. કુંજમાં સર્વ સખીઓને પ્રવેશ છે અને એ Private yet public garden party છે. તે જ્યાં થાય છે તે કુંજ એટલે જાગૃત મન. Conscious mind. યોગની ભાષામાં કહીયે તો અન્નમય કોશ અને પ્રાણમય કોશ. કુંજ એટલે મનોમય કોશ. નિકુંજમાં માત્ર અષ્ટ સખીઓને પ્રવેશ છે. તે વધુ ગહન સ્થળ છે. એ વિજ્ઞાનમય કોશ કે sub – conscious mind છે. સૂક્ષ્મ શરીર છે.
નિભૃત નિકુંજ - એટલે સંપૂર્ણ શાંત એકાંત સ્થળ એટલે કે આનંદમય કોશ કે કારણ શરીર છે. તે subconscious અને supra - consciousની વચ્ચેનો unconscious સેતુ છે. જ્યારે કૃષ્ણ અનેક ગોપીઓ વચ્ચેથી રાધાને નિભૃત નિકુંજમાં લઈ જાય છે ત્યારે તેને અહમ થાય છે કે આટલામાંથી મને એકને જ પસંદ કરી છે એટલે “હું’’ કંઈક છું આ ‘હું’ભાવ 'I'ness છે. તે પરમાત્માના મિલનમાં બાધારૂપ થાય છે અને કૃષ્ણ તે જ વખતે અંતર્ધાન થઈ જાય છે. પછી રાધા કલ્પાંત કરે છે અને મિલનમાં વિરહ અને પછી વિરહમાંથી મિલનની અદ્ભુત ગતિ રચાય છે.
લોકપરંપરામાંથી મળેલું નરસિંહનું પદ આ સંદર્ભમાં જુઓ.
નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથણી ખોવાણી, કાના જડી હોય તો આલ.
અહંકારનું, ગર્વનું પ્રતીક નાક છે અને નાકનો શણગાર નથણી છે. કૃષ્ણના અંતર્ધાન થતાં તે નથણી ખોવાઈ જાય છે. કવિતા આગળ વધે છે.
નાની અમથી નથણીને માંહે ભરેલાં મોતી
નથણી આપોને કાના, ગોતી ગોતી ગોતી.
નાની અમથી નથણી ને માંહે જડેલા હીરા
નથણી ગોતીને આપો સુભદ્રાના વીરા
જ્યારે ભૌતિક પદાર્થનું સ્મરણ હોય ત્યારે ‘હીરા’, ‘મોતી’ વાળી ચેતનામાં એ ન જ મળે. હજી સમજવું હોય તો અદ્ભુત રૂપક આપે છે.
નાનેરી પ્હેરૂં તો મારે નાકે ના સોહાય
મોટેરી પ્હેરૂં તો મારા મુખ પર ઝોલાં ખાય
અહંકાર એવી વિચિત્ર વસ્તુ છે કે સ્વયમ્ને પ્રતિષ્ઠિત થવું જ છે. બહુ સૂક્ષ્મ હોય તો નજર ન ચડે અને બહુ મોટા હોય તો અળખામણો થઈ જાય. કવિતા આગળ વધે છે. નથણી ક્યાં હશે? પ્રકૃતિ પોતે જ બ્રહ્મનું સર્જન છે અને તે ભોગ (આનંદ) અને અપવર્ગ (મોક્ષ) માટે સર્જાયેલી છે તેથી જ સંકેત આપે છે.
આંબે બોલે કોયલડી ને વનમાં બોલે મોર
રાધાજીની નથણીનો શામળિયો છે ચોર
જે અહંકાર વિરહનું કારણ બન્યો છે તે પણ કૃષ્ણએ જ આપ્યો છે. આ લીલા અને સંપૂર્ણ સત્ત્વ સંશુદ્ધિ માટેની આવશ્યકતા પૂરી થાય તો નથણી મળે. માટે માન છોડીને માગ. નરસિંહ બહુ મોટા ગજાનો કવિ છે. બે વત્તા બે ચાર ન કરે. છેલ્લે કહે છે-
નથણી આપોને પ્રભુ નંદના કુંવર
નરસૈયાના સ્વામી ઉપર જાઉં બલિહર.
નથણી આપવી જોઈએ કે નહીં? આપી કે નહીં એ તમારી ઉપર છોડીને એ કૃષ્ણ પર વારી જાય છે. એટલે જ કહે છે બીજા કાવ્યમાં –
“વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને.’’
તો આ મારી સમજ પ્રમાણે નરસિંહની રાધા-કૃષ્ણ કવિતાનો આનંદ છે. રાધા એક રૂપક અને રાધાની કાવ્યમય અસ્તિ અતિરમણીય છે.
બીજું કાવ્ય છે જેમાં નરસિંહ રાધાને અધ્યાત્મ અને રુક્મિણીને વહેવાર એમ બે ભાગ પાડે છે. બન્ને વાસ્તવમાં ક્યારેય મળ્યા નથી. સુરદાસની એક કવિતામાં “રુક્મિણી રાધા ઐસી ભેટી, જૈસે બહુત દિનનકી બીછરી હુઈ એક બાપકી દોઉ બેટી’’ જેવી રમ્ય વાત કરે છે. અહીં મામલો જુદો છે. રાધાજી રિસાયાં છે.
“આજ રે શામળીયે વ્હાલે અમ શો અંતર કીધો રે, (9)
રાધિકાનો હાર હરિએ રુક્મિણી ને દીધો રે.’’
પરમાત્મા પ્રાપ્તિમાં સંસાર છોડીને અધ્યાત્મમાં પ્રવેશવાનું હોય છે.અહીં નરસિંહ અવળી રમત માંડે છે. અધ્યાત્મના કંઠમાંથી આભૂષણ લઈ સંસાર પક્ષને આપે છે. એટલું જ નહીં Platonic કે આધ્યાત્મિક પ્રેમના પાત્રને નિતાંત સંસારી વાઘા પહેરાવે છે. આ હાર જવાનું દુ:ખ અને રોષ જુઓ.
શેરીયે શેરીયે સાદ પાડું, હીંડું ઘેર ઘેર જોતી રે,
રુક્મિણીને કોટે (કંઠમાં) મેં તો ઓળખ્યાં મારાં મોતી રે
ચોરી પકડાઈ ગઈ અને ચોર પકડાઈ ગયો. કૃષ્ણ સિવાય આપે કોણ આ મોતીનો હાર અને તે પણ રુક્મિણીને! આ ક્રોધની પરાકાષ્ઠા છે.
“ધમણ ધમાવું ને ગોળી ધપાવું, સાચા સમ ખવરાવું રે
આજ તો મારા હારને કાજે નારદને તેડાવું રે’’
1000 નહીં પણ બસ્સો ડિગ્રી ઉકળતાં પાણીની ગોળી પર હાથ રાખીને સોગંદ ખવરાવી સાચું બોલાવું. રામાયણમાં રામ સીતાની અગ્નિપરીક્ષા કરે છે ત્યારે નરસિંહ મહેતાની રાધા શ્રીકૃષ્ણની અગ્નિપરીક્ષા લે છે. એટલું ઓછું હોય તો નારદજીને તેડાવું. આજની ભાષામાં આખું U.N.O.ને ભેગું કરું. એટલું જ નહીં સત્યાગ્રહ કરું (ગાંધીજી પહેલાં પાંચસો વર્ષની રચના છે.)
“રાધાજી અતિ રોષે ભરાણાં, નેણે નીર ન માય રે
આપો રે હરિ હાર અમારો નહિ તો જીવડો જાય રે.’’
હવે નિર્ણયાત્મક ઘડી આવી ગઈ છે. નટવર નાગર કૃષ્ણ શું ખુલાસો આપશે? શું બ્હાનાં કાઢશે? કેમ મનાવશે? ગુજરાતી સાહિત્યની અદ્ભુત પંક્તિઓમાંની એક છે.
“થાળ ભરી શગ મોતી મગાવ્યાં, અણવીંધ્યાં પરોવ્યાં રે
ભલે રે મળ્યો નરસૈનો સ્વામી, રૂઠયાં રાધિકા મનાવ્યાં રે.’’
આ અણવીંધ્યા મોતીની માળામાં અનેક અર્થ અને અર્થોના અતિક્રમનો ચમત્કાર છે. તમે એનો “યોગ: ચિત્તવૃત્તિ નિરોધ’, ‘અક્ષત યોનિ,’ ‘નિષ્કામ કર્મ’ જે કરો તે થઈ શકે. પરંતુ ફરી આધુનિક વિજ્ઞાનની વાત કરીએ તો UNIFFIED QUANTUM FIELD એટલે કે પરબ્રહ્મ અખંડ અને અલખ છે જેને Perfect Symmatry છે. એ Symmatry કે સંપૂર્ણ ત્રિગુણાતીત અવસ્થાની અક્ષુણ્ણતા એ અણવીંધ્યા મોતીની માળા છે. એટલે નરસિંહ સંકેતથી કૃષ્ણ પાસે કહેવડાવે છે કે તારી પાસે વીંધેલા મોતીની માળા છે તે તારા ગૌરવને અનુરૂપ નથી. ભલે રુક્મિણીની શોભા વધારે. તારે માટે આ અણવીંધ્યા મોતીની માળા (ઢગલો નહીં) જ યોગ્ય છે. કેવું અદ્ભુત.
આમ નરસિંહથી શરૂ થયેલી રાધાની યશોગાથા આજ સુધી ચાલી આવે છે. જે ગુજરાતી કાવ્યપ્રેમીઓને સુવિદિત છે. થોડો ચિતાર જોઈએ. નરસિંહ મહેતાએ રાધાના નામ સાથે અને રાધાભાવનાં અનેક કાવ્યોમાં પ્રેમના અનેક ચહેરાઓ ઉપસાવ્યા છે. જેમ કે શ્રી શિવલાલ જેસલપરાની ‘નરસિંહ મહેતાની કાવ્ય કૃતિઓ’માં -
રાસ રમે, રાધાવર રૂડો, શામલડાને સંગે રે માન મૂકવા કારણ કામ, અનંગ થરતી સંગે રે
અમને રાસ રમાડ વ્હાલા... (10)
એક હસે એક તાળી લે, બીજા તે કુંકુમ – રોળ રાધા માધવ રાસ રમે તાંહી ઝામા ઝાકળઝોળ (11)
રાતીમોલ ધરો, મારા વ્હાલા, રાતી ઋતુ રૂડી રે,
રાતે દાંતે હસે રાધાજી, રાતી કરમાં ચૂડી રે
રાતાં ફૂલ ખરે ખાખરનાં, રાતી તે રજ ઉડી રે
રાતી ચાંચ સોહે પંખીજન, સૂડોને વળી સૂડી રે
રાતા સાળુ સહુ સહિયરને, શિરે છૂટે જૂડી રે
નરસૈયાના સ્વામી સંગ રમતાં, રહીને રસમાં બૂડી રે (12)
……
શૈં ન સરજી તારા વદનની વાંસળી અધર-અમૃત રસપાંત કરતી
શોક્ય તણું દુ:ખ દોહૃલું દેવા, વૈકુંઠ નાથનું મન હરતી
રાધિકા, રુક્મિણી, લક્ષ્મી, ચંદ્રાવલિ, સત્યભામા એણી પર બોલે
‘સોળ સહસ્સ્ત્ર ગોપી પરી તેહમાં નાવે કોઈ નાર એની તોલે (13)
…..
સજની ! શામળીયો વ્હાલો, રાધા ગોરી ને કાન કાળો
તમે નેણ ભરી નિહાળો, રસપૂરણ છે રઢિયાળો (14)
…..
મારે આંગણ આવીને કોણે પંચમ ગાયો
ચાર પહોર રમતાં હજી ન ધરાયો
શંખ - ચક્ર - ગદાધર, ને ગરૂડ ગામી સેજડીએ રાધાશું મળીયો નરસૈયાનો સ્વામી. (15)
રોજે રમતાં ખટકે કડલાં, રાધા - માધવ તેવતેવડાં
બાંહોડીનો લટકો મોડામોડ, રાધા - માધવ સરખી જોડ (16)
કે વળી બીજા પદમાં કહે છે
વૃંદાવનમાં રાધા માધવ થનક થનક થૈ સારી રે
ચોપાસા દીપક ધરી ચોગમ, ઝલલ જ્યોત અભ્યારી રે (17)
આત્મ ચરિત્રના પદોમાં પણ જેમ કે મામેરાનાં પદ
રાધિકા સુંદરી સકળ શિરોમણી (18)
અનેક પદો એવાં છે જેમાં રાધાનું નામ સ્પષ્ટ આવતું ન હોય પણ એ ભાવ ફલિત થાય. એક રમણીય પદથી આ પ્રકરણ પૂરું કરીએ. વસંતઋતુમાં ફૂલો ખીલ્યાં છે. રાધાએ કૃષ્ણ સાથે મળવાનું સ્થળ અને કાળ નક્કી કર્યાં છે. એ સમયે પ્રિયતમને મળવા પણ એકલાં ન જવાય સાથે સખી હોય. રાધા સોળે શણગાર સજી સખીને ત્યાં આવે છે અને હજી છાશ વલોવતી હોય છે. ત્યારે રાધાની ઉત્કટતાનો, અભિસારિકાની આતુરતાનો અદ્ભુત ભાવ આલેખાયો છે.
ચાલ રમીએ સહી, મેલમથવું હી વસંત આવ્યો વનવેલ ફૂલી
મહોરીયા અંબ, કોકિલા લવે કદંબ, કુસુમ, કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી
પ્હેર શણગારને હાર ગજગામિની, ક્યારની કહું છું જે ચાલ, ઉઠી,
રસિક મુખ ચુંબિયે, વળગીયે, ઝુંબીયે આજ તો લાજની દુહાઈ છૂટી.
હેતે હરિ વશ કરી, લાવ લે ઉર ધરી કર ગ્રહી કૃષ્ણજી પ્રીતિ પળશે
નરસૈયો રંગમાં અંગ ઉન્મત્ત થયો ખોયેલા દિવસનો ખંગ વળશે. (19)
તીવ્ર ભક્તિના ઉદ્રેકમાં મિલન ઝંખનાનો વા જીવ સંસારમાં રચી-મચી પડેલા જીવને જગાડી પરમાત્માની એકતાનો લ્હાવો લઈ ભવસાગર તરી કાલાતીત અવસ્થામાં ખોયેલા દિવસનો ખંગ વાળવાનો રંગ માણવા પ્રેરે છે.
ખંડ - 2
નરસિંહ પછી પંદરમી સદીના ઉત્તરાર્ધમાં ‘રઘુનાથ ભક્ત’ ભાલણ નોંધપાત્ર આખ્યાનકવિ છે. એણે રચેલા દશમ સ્કંધમાં રાધા અને રાધા ભાવનાં પદો મળે છે.
રાધા કહે : સુણો સુંદર વર તમને કહું હું વાત (20)
અથવા – 18
મુરલી વાય છે રસાલ
લોકલાજ મેં પરહરી, સોંપું રે એહને શરીર
પરવશ થયો આત્મા, રાખ્યો ન રહે ધીર
એ મારે હઈડે વસો, રહો દિન ને રાત
ભાલણ પ્રભુ રઘુનાથ, અંતરગત મલીએ સાથ (21)
ભારતભરમાં અતિ પ્રખ્યાત મીરાંબાઈ સોળમી સદીના પ્રારંભમાં 1503, શરદપૂનમ રાત (અન્ય 1498) મેડતા પ્રાંતના કુકડી ગામે જન્મ. છેલ્લાં દસ વર્ષ ગુજરાતમાં રહ્યાં તેથી અનેક ગુજરાતી પદો તેને નામે છે જેમ કે
બોલે ઝીણા મોર, રાધે !
તારા ડુંગરીયામાં બોલે ઝીણા મોર (22)
અથવા
બોલમાં બોલમાં બોલમાં રે
રાધાકૃષ્ણ વિના બીજું બોલમાં (23)
પરંતુ ઈ.સ. 1585માં ડાકોરના મંદિરના ગર્ભગૃહમાંથી મળેલી હસ્તપ્રતમાં જે 69 પદો છે તે શુદ્ધ મીરાંની મેડતી – રાજસ્થાની ભાષાનાં છે અને તે પછી કાશીમાં બીજાં 34 પદો મળી 103 પદો સિવાય મીરાંનામી પદો છે. ભાવ અને ભાષાની દૃષ્ટિએ ખૂબ જાણીતાં પદો પણ તેના નથી તેમ કહી શકાય.
ઉદાહણ અર્થે :‘પાયોજી મૈને રામ રતન ધન પાયો’ એ મીરાંનું પદ ન હોય તેવી શક્યતા વધારે છે. મીરાંનાં 69 પદોમાં ક્યાંય ‘રામ’ શબ્દ આવતો નથી. “મ્હારા રે ગિરધર ગોપાલ દૂસરા ન કૂયા’’ એ મીરાંનાં જીવન અને કવનનું સત્ય છે. વળી અસ્સલ ભાષા ‘ગોવિંદ રા ગુણ ગાણા, રાજા રૂઠે નગરી ત્યાંગા, હરિ રૂઠે કઠ જાણાં’ જેવી ભાષામાં ‘આયો’. ‘પાયો’ વાળી ભાષા ન આવે. અને સહુથી ધ્યાન ખેંચે એવી વાત તેમાંની પંક્તિ “સત્ કી નાવ કેવટીયા સદ્ગુરુ’’ તો નરસિંહ કે મીરાંના કોઈ પદમાં ગુરુની વાત જ નથી. રૈદાસ જીવતા હોય તો મીરાંના જન્મ વખતે 105 વર્ષના હોય. તે મીરાંની દાદી સાસુ ધ્રાંગધ્રાની રતનકુંવરબા અથવા ઝાલી રાણી (ઝાલાવડાની હોવાથી) તરીકે પ્રખ્યાત હતી અને ત્યાં રૈદાસજી અવશ્ય આવતા હતા. પરંતુ ગુરુ બનાવ્યા હોય તો પદમાં અવશ્ય આવે. જે એનાં પદોમાં નથી.
તેવી જ રીતે મીરાંનાં ગુજરાતી પદોનું છે. છેલ્લાં દસ વર્ષ મીરાં ગુજરાતમાં રહી એટલે હોઈ શકે; પણ મને ઝાઝી શ્રદ્ધા નથી. જેમ દંતકથા બની ગયેલ ઘટના દ્વારકાની મૂર્તિમાં મીરાં સમાઈ તેમાંય નથી. એ મીરાં પહેલાં સાતસો વર્ષ ગૌડા કે આંડલાની પણ વાત હતી કે તે મૂર્તિમાં સમાઈ ગઈ. એ બન્ને વાતો મને રૂપકાત્મક (Metaphorical) રીતે ભાવની સ્થિતિમાં અવશ્ય માન્ય છે. ભૌતિક કે વાસ્તવ દૃષ્ટિએ નહીં, મીરાંનાં 69 પદોમાં એક પ્રમુખ ભાવ એ જ ફલિત થાય છે કે તેને કૃષ્ણ સાથે અનેક જન્મોના સંબંધ છે. અને શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંદમાં નિભૃત નિકુંજમાં વિરહ પામેલી રાધા અથવા તો રાસમાંથી છૂટી પડેલી ગોપી એ પોતે જ છે. વિષયાંતર ન થાય એટલે અવતરણો મૂકતો નથી પણ ‘મિલ-બિછુડણ મત કીજો’ એ મીરાંની આજીજી કાયમની રહી છે.
ખંડ - 3
સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી ભાષાનો શ્રેષ્ઠ કવિ પ્રેમાનંદ આશરે (1640-1712) કડવા અને પ્રબંધનો આખ્યાન કવિ છે. ભાલણની જેમ તેણે પણ ‘દશમ સ્કંધ’ની રચના કરી છે. તેની ‘ભ્રમર પચીસી’માં સુંદર પદ કવિતાના અંશો છે.
ગોપીનાથ મથુરા જઈ વસિયા
કુબજા હાથ કમાન ગ્રહીને દોહને બાણે અમને કસિયાં
શું મોહ્યા ચંદનને માધવ ! કપૂર – કાચલી ઘઉંલા ધસિયા
દામોદર ! દાસીને ભેટતાં એમ ન જાણ્યું જે દુરિજન હસિયા
પ્રેમાનંદ પ્રભુ ! ગોકુળ આવો, રાસ રમીયે રાધામાં રસિયા (24)
પ્રેમાનંદના સમકાલીન મૂળદાસજી (1665-1779) નરસિંહની જેમ વેદાંતી કવિ હતા. નિર્ગુણની અનુભૂતિ સાથે મૂળદાસજીનાં પ્રેમલક્ષણા ભક્તિનાં કાવ્યગુણથી અોપતાં પદો મળે છે. તેમના 124 વર્ષના જીવનકાળમાં હજારો પદની રચના કરનાર આ સંતકવિએ ગરબી પ્રકારનાં અને રાસ પ્રકારનાં પદોમાં રાધા-કૃષ્ણનું ગાન કરે છે.
હરિ વેણ વાય છે રે હો વનમાં
તેનો વ્રેહ વાધ્યો મારા તનમાં (25)
...બીજા પદમાં કહે છે
રંગભંર રમતાં રે હો રજની
તે સુખ સાંભળ મારી સજની (26)
નરસિંહ ખ્યાતવૃત્ત ઝૂલણામાં મૂળદાસજી ‘ગીત ગોવિંદ'નો અંતભાગ એક પદમાં કહે છે.
આજ મૈં અનુભવ્યા નાથ આનંદમાં
દીન જાણી મને દાન દીધું
કંઠસુ બાંહડી, નાથ ક્રીડા કરી,
કુસુમની સેજમાં સુખે સૂતા
જોબનનો રસ પ્રેમે પીધો ઘણો,
કૂચ કટાક્ષ તે ઉર ખૂતા
ઉર્ધ્વ આસનનું સુખ બીજું ઘણું
મર્મ જાણી ઘણું માન રાખ્યું
મૂળદાસ માનની માન મોરારશું
દંગ (દ્રગ)ના રૂપમાં સર્વ દાખયું ? (27)
ઉર્ધ્વ આસન એટલે વિપરીત રતિના અર્થમાં અને યૈગિક પરિભાષામાં બ્રહ્મ રંધ્રના શૂન્ય મહેલના પરમાત્માની સાથે એકતાના ભાવમાં પણ લઈ શકાય છે.
ખંડ - 4
સત્તરમી સદીમાં વિશ્ર્વનાથ જાની અને સંત પ્રાણનાથ “ઈન્દ્રાવતી’’નાં પદોમાં રાધાભાવ મળે છે. અઢારમી સદીમાં રસખાનની જેમ મુસલમાન કવિ રાજે (1650 કે 70 થી 1720 કે 30) રાધાના કૃષ્ણ સાથેના સંબંધની યોગ્યતા વિસરે છે.
ઉગત વહાણે (પરોઢે) રાધાની માડી જાડી રે
એના ચિત્તમાં ચટકી લાગી રે
તેના જવાબમાં રાધા કહે છે :
‘એટલે ત્યાં તો બોલ્યાં છે રાધા વાત
તું સાંભળ મારી માત ! રે બહુ સારું કીધું’
માતા મારી શિશ તમારાં નથી વહેર્યાં
પાનેતર પ્રભુનાં પહેર્યાં ! રે બહુ સારું કીધું’ (28)
રાધા તેની માતાને બરાબર હૈયાધારણ આપે છે કે ‘ મારાં લગ્નમાં તેત્રીસ કરોડ દેવતા આવ્યા'તા અને ખુદ જગદંબા ઉમાએ કંસાર જમાડયો હતો.’ મીરાંબાઈના આ પદ સાથે સરખાવો.
માઈ મ્હાને સુપણામાં પરણ્યા રે દીનાનાથ
છપ્પન કોટા (કરોડ) જણા પધાર્યા દુલ્હો શ્રી વ્રજનાથ. (29)
એ સમયમાં સુંદર કવિ રત્નો બારમાસી કાવ્ય પ્રકારમાં મધુર ભાવો વ્યક્ત કરે છે. ‘ગીત ગોવિંદ’ના પ્રારંભના વર્ણનનો પ્રભાવ અહીં છે :
‘ફાગણ આવ્યો હે સખી કેશુ ફુલ્યાં રસાળ
હૃદે ન ફૂલી રાધિકા ભ્રમર કનૈયાલાલ
વેરી વિધાતાએ લખ્યો વ્હાલા તણો રે વિજોગ
‘રત્ના’ના સ્વામી શામળા આવી કરો સંજોગ’ (30)
પ્રીતમ (1718 - 98) જ્ઞાનમાર્ગ અને કૃષ્ણલીલાનાં પદોનો કવિ કહે છે.
રૂપ રાશિ-શી રાધિકા પ્રેમસાગર પ્યારી,
હિંડોળો રળીયામણો ઝૂલે પિયાપ્યારા. (31)
ખંડ – 5
આ તરફ લોકગીતો અને ભજનવાણીમાં રાધા અને રાધાભાવનો મહિમા ગવાવા લાગ્યો. ગોરખપંથી, કબીર પંથી, નિજારી, મહાપંથી વગેરે સંત મતની નિર્ગુણી વાણીના સંત કવિઓ પણ રૂપક – કાવ્યોમાં ‘કટોરી’, ‘ચુંદડી’ તથા પ્રભુ મિલનની પરિભાષામાં જ્ઞાન ભક્તિના મૂળ પ્રવાહમાં અને જીવની આરાધનાની અભિવ્યક્તિ રૂપે રાધાભાવનાં સંવેદનો પોતાની રચનાઓમાં સ્પર્શવા લાગ્યાં. ખાસ કરીને રવિભાણ પરંપરાનાં ઉદાહરણ જુઓ. મોરાર સાહેબ (1758/1849)ની રચનામાં :
ચુંદડી સુંદર શ્યામ સોહાગ, ઓઢે અનુરાગ, ચેતન વરની ચુંદડી. (32)
બીજું પદ છે. :
કે’જો સંદેશો ઓધા/શ્યામને તમારો ઓધાર
નિરખ્યા વિના રે મારા નાથજી સૂનો લાગે છે સંસાર (33)
મોરાર સાહેબનું એક પદ મીરાંથી લઈ અનેકને નામે ચડયું છે.
લાવો લાવો કાગળીયો હોત કે લખીયે હરીને
એવો શું છે અમારો દોષ, ન આવ્યા ફરીને
માથડે ભરિયલ મહી કેરાં માટ, ગોકુળથી આવ્યાં રે
જાદવ! ઉભા રો’ને જમનાને તીર, બોલડીએ બંધાણા રે (34)
તો જેમણે જીવણ દાસમાંથી નામ બદલી દાસી જીવણ (1750-1825) રાખ્યું હતું તે સંતનાં અનેક પદો છે.
પ્રેમ કટારી આરંપાર નિકલી મેરે નાથ કી
ઔર કી હોય તો ઓખદ (દવા) કીજે હૈ હરિ કે હાથ કી. (35)
ખંડ - 6
સ્વામીનારાયણ સંપ્રદાયમાં સુંદર પદોની રચના રાધા-કૃષ્ણના અનેક ભાવમાં થઈ છે. બ્રહ્માનંદ (1772-1863)નું પદ છે જેમાં રાધા તેની સખીઓ સાથે બાલકૃષ્ણને પોતાને ત્યાં લઈ જઈ ‘સ્ત્રી’ ‘રાધા’ બનાવે છે.
હરિ કું રાધે નાચ નચાવે, હરિ કું રાધૈ નાચ નચાવે
પાવન મેં નેપૂર કરી દીને, કર ચૂડી ઠહરાવે
મિલકે જુથ સબે વ્રજનારી લાલકું પ્યારી બનાવે
કછનિ કંબરીયા દૂર બહાય કે, લે લેંઘો પહરાવે
પાઘ ઉતાર, ઓઢાઈ ચૂનરીયાં, નૈનન કજરા લગાવે
માંગ સંભાર ભાલે દે બીંદી, કર ગ્રહી તાલ શિખાવે
રાધૈ રાધૈ, કહાન કહાન કહી નચવત તાન મિલાવે
રૂપ બનાય, લગાય કે ઘૂંઘટ, જસોમતી પૈં લે જાવે
બ્રહ્માનંદ કહે તેરે સૂત કું એહિ કુંવરી પહનાવે (36)
યશોદા પાસે “પ્યારી’’ કૃષ્ણને લઈ જઈ કહે છે કે તારા કૃષ્ણ માટે આ યોગ્ય કન્યા છે. આની મસ્તી સ્ત્રી-પુરુષનું અન્યોન્ય ભાવ અને પરમ ઐક્યની રસ લ્હાણ છે. બીજા એક પદમાં બ્રહ્માનંદ કહે છે :
ઝુલત શ્યામ હીંડો રે, રાધૈ સંગ ઝુલત શ્યામ હીંડો રે
દંપતિ વદન વિલોકન કારણ ભીર મચી ચહું ઓરે (37)
ગુજરાતીભાષી કવિઓ હિંદી, વ્રજ અને મિશ્ર ભાષામાં લખે ત્યારે અનેક ગુજરાતી પદો વચ્ચે વધુ ધ્યાન ખેંચે છે.સ્વામીનારાયણ પરંપરાના બીજા કવિ પ્રેમસખી પ્રેમાનંદ (1784-1855)ના પદમાં મળે છે :
‘રમ્યો રાસ પિયા ઘનશ્યામ રી’ (38)
તેમાં મૃદંગના બોલ, સરગમ, નૃત્યનું વર્ણન વગેરે સુંદર છે. એવું જ બીજું પદ લઈએ જેમાં ઝાંઝર પ્હેરી રાધા રાસ રમે છે.
વારી લાલ નાચત ગત સંગીત ઝનનનન નૂપર બાજે
તનનનન લનત તાન બનવારી...વારી
બ્રજનારી કર ગ્રહી જુગલ જુગલ પ્રતિ કરત ખ્યાલ લાલ લાલ
નાર થોગિડ ગિડ બજત મૃદંગ ગત,
ઉઘટ થે થે તતત તતત
સરર રરર ભ્રમત ભોમિ પર બ્રજલની ઉનમત બાલ
છોમ છનનન છોમ છનનન ઘુંઘરું બાજત ગત અત ન્યારી
ઝલલ ઝલલ ઝલકત ભૂજભૂખન હાવભાવ હિતકારી – વાટી
લટક લટક લટકત લટકીલો કરત મુગટ કી છાંઈ
રાધામુખ શ્રમજલ હરિ પોંછત ગ્રહી ભુજ કંઠ લગાઈ બાલ
નિરખત ગગન સુમન સુર બરખત આનંદ ઊર ન સમાત
પ્રેમાનંદ ઘનશ્યામ છબી પર, તન મન ધન બલજાત બાલ (39)
રાસમાં સહભાગી થવાનો આનંદ આપ્યા બદલ કૃષ્ણ પોતાના મુગટનો છાંયો કરી રાધાના પ્રસ્વેદ લૂછી ગળે લગાવે છે.
ખંડ – 7
વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, આંતર્પ્રાસ અને ઝડઝમકથી પદની મધુરતા વધારવામાં પ્રેમ સમાન પ્રેમાનંદ મધ્યાકાલીન યુગના છેલ્લા સૂર્ય સમા દયારામ (1777-1852)ની યાદ આપે છે.
‘વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ,
રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લહી લહી લહી,
બીજું કંઈ નહી નહી રે
હાં રે નુપુર ચરણ, કનક વરણ, ઝાંઝર જોડો
હાં રે ઘૂઘરી આળો અોવ અક્કો તોડો
હાં રે મોર મુગટ, મણિ, વાંકડો અંબોડો
હાં રે કુંડલી કાન, ભ્રૂકટિ બાન, તિલક તાન
નેન બાણ, કંપમાન ફફા ફેઈ ફેઈ ફેઈ રે
વૃંદાવનમાં...’ (40)
બંસીબોલના કવિ દયારામનાં પદોનો લય, ભાષા, ભાવ અને સંગીતાત્મકતા ભર્યાં ભર્યાં પદરસનો ખજાનો છે.નરસિંહ મહેતાના “મારે વનરાવન છે રૂંડું, વૈકુંઠ નહીં આવું’’નો પડઘો દયારામમાં સંભળાય છે :
વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં આવું
મને ન ગમે ચતુર્ભુજ થાવું
ત્યાં શ્રી નંદકુંવર ક્યાંથી લાવું
જોઈએ લલિત ત્રિભંગી મારે ગિરધારી,
સંગે જોઈએ શ્રી રાધૈ પ્યારી
તે પીતા નવ આંખ ઠરે મારી.. વ્રજ વહાલે (41)
રાધાભાવની અનેક સુંદર રચના દયારામે આપી છે.
“હાંવા હું સખી નહીં બોલું રે નંદકુંવરની સંગ
“શ્યામ રંગ સમીપે ન જાવું’’ (43)
“ઉભા રહો તો કરૂં વાતડી બિહારીલાલ’’ (44)
“હું શું જાણું જે વહાલે મુજમાં શું દીઠું’’ (45)
“તું જોને સખી શોભા સલૂણા શ્યામની’’ (46)
ઉપદેશના પ્રખ્યાત પદ “(ચત્ત તું શીદને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે’’માં છેલ્લે કહે છે.
“થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે રે
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે.’’
ખંડ – 8
લોકગીતોમાં સમાજ નિરૂપણ, પરંપરા, પ્રશ્નો ઉપરાંત મુખ્ય વિષય શ્રીકૃષ્ણની અનેકવિધ લીલાઓની રચના છે જેનો કર્તા અજાણ છે એમાં રાધાભાવની પણ આસ્વાદ્ય રચનાઓ છે.
રાધાજીના ઊંચાં મંદિર નીચા મોલ,
ઝરૂખડે દીવા બળે રે લોલ...
રાધા ગોરી ગરબે રમવા આવો
સાહેલી સહુ ટોળે વળે રે લોલ... (47)
ઊંચા મંદિરમાં બળતા દીવા આનંદ, સમૃદ્ધિની સાથે વિરહ કે પ્રતીક્ષામાં બળતા દીવા પણ હોઈ શકે. સહુ સાહેલીઓ પતિને મૂકી ગરબે રમવા આવે છે તો રાધા તમારા ‘મંદિર’માં કૃષ્ણ હોય કે ન હોય તમે પણ સહુની સાથે તાલ મિલાવવા આવો તેનું ઈજન છે.
“કાન તારી મોરલીએ માંહીને ગરવો ઘેલો કીધો’’... (48)
“ખમ્મા મારા નંદજીના લાલ મોરલી કાં રે વગાડી’’... (49)
“ઝાલર વાગે ને કાનો હરિરસ ગાય’’... (50)
હો રંગરસિયા ક્યાં રમી આવ્યા રાસ રે’’... (51)
“ઓધવજી મારા ઘર પછવાડે મોહન મોરલી વગાડેજી’’... (52)
“ટીલ્ડી ચોડીને રાધા મંદિર પધાર્યા સાસુને પાયે પડીયાંજી’’... (53)
“રાધા કરસન રમે હોળીએ રે લોલ
ઊડે છે કંઈ અબીલ ગુલાલ કાજ
કરસન વાડીમાં કમળ ઊઘડયાં’’... (54)
“રૂડાં આસોપાલવનાં ઝાડ, કદંબની છાયા રે
ત્યાં બેઠાં રાધાજી નાર, કસુંબલ પ્હેરીને’’... (55)
“મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન !
ક્યાં રમી આવ્યા’’... (56)
વગેરે અનેક પદોમાં અનેક ભાવોની ઝાકમઝોળ લોકગીતોમાં છે.
ઉપસંહાર
કૃષ્ણ કાવ્યોની, ઓગણીસમી સદીના પૂર્વાર્ધ સુધીની ગુજરાતી કાવ્યયાત્રામાં રાધા પ્રમુખ નાયિકા છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પરિસ્થિતિ બદલાય છે. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, રાણી વિકટોરિયાનો ઢંઢેરો એકહથ્થુ અંગ્રેજી રાજ્ય વ. રાજકીય પરિબળો ધ્યાનાર્હ બન્યાં અને ગુજરાતી ભાષાપ્રેમી ફાબર્સની પ્રેરકતા વગેરેથી રાધા-કૃષ્ણ કવિતાની ઉત્કટતા ઓછી થઈ ગઈ. સાહિત્યકારો નવલકથા, નિબંધ, હાસ્ય, ચિંતન, જીવનચરિત્ર, આત્મકથા જેવા નવા પ્રકારોમાં શક્તિ અને નિપુણતાનો ઉપયોગ કરતા થઈ ગયા. એક બાજુથી સોનેટ અને બીજી બાજુથી ગઝલનો યુગ આરંભાયો. પંડિત યુગમાં નવી ક્ષિતિજો ખેડવાનો સુંદર પ્રયાસ થયો. તે પહેલાં સુધારક યુગમાં દલપતરામ અને નર્મદની સુધારાલક્ષી કવિતાઓ સાથે અન્ય વિષયની કવિતાઓ પણ મળી. બાલાશંકર કંથારિયા, મણિલાલ ન. દ્વિવેદી, કલાપી વ.ની ગઝલમાં તો કાન્ત - ખંડકાવ્ય અને બ. ક. ઠાકોરના સોનેટમાં ભાવ, બુદ્ધિ અને નવી સૌંદર્યલક્ષિતા પ્રગટતી થઈ, પરંતુ મધ્યકાલીન ગુજરાતી કવિતામાં રાધાની દિપ્તી હજી આજેય ઝળહળ થયા કરે છે.
અવતરણ સૂચિ
- 1) વૃંદાવન મોરલી વાગે છે. સંપાદન ભોળાભાઈ પટેલ. પ્રકાશક – ગુજરાતી સાહિત્ય પરિષદ. પહેલી આવૃત્તિ – 2007. પૃષ્ઠ-2.
- 2) રાધાકૃષ્ણ ગીતિકા. સંપાદન ડાƒ. યશવંત ત્રિવેદી. પ્રકાશક એન. એમ. ઠક્કરની કંપની. મુંબઈ-400002. પૃષ્ઠ-5.
- 3) નરસિંહ મહેતાની કાવ્યકૃતિએ. સંપાદન – ડાƒ. શિવલાલ જેસલપુરા. પ્રકાશક – શિવલાલ જેસલપુરા 1981. પૃષ્ઠ –
- 4) અંજન પૃ. 387
- 5) અંજન પૃ. 383
- 6) અંજન પૃ. 385
- 7) અંજન પૃ. 362
- 8) અંજન પૃ. 385
- 9) અંજન પૃ. 273
- 10) અંજન પૃ. 168
- 11) અંજન પૃ. 175
- 12) અંજન પૃ. 188
- 13) અંજન પૃ. 201
- 14) અંજન પૃ. 266
- 15) અંજન પૃ. 330
- 16) અંજન પૃ. 336
- 17) અંજન નરસિંહ મહેતા. આસ્વાદ અને સ્વાધ્યાય. સંપાદન. ડાƒ. રઘુવીર ચૌધરી. પ્રકાશક ધૈર્યબાળા વોરા. મુંબઈ-૧૯૩૩. પૃ. 288.
- 18) નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ. સંપાદન ડાƒ. શિવલાલ જેસલપુરા. પ્રકાશક : શિવલાલ જેસલપૂરા પ્રકાશક : શિવલાલ જેસલપુરા. પૃ. 34
- 19) અંજન પૃ. 182
- 20) ભાલણના શ્રેષ્ઠ પદ : સંપાદન પ્રસાદ બ્રહ્મભટ્ટ. પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર. અમદાવાદ પૃ. 101.
- 21) અંજન પૃ. 99
- 22) મીરાંના પદો : સંપાદન : ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી, અનસૂયા, જયેન્દ્ર ત્રિવેદી. પ્રકાશન : પાર્શ્ર્વ પબ્લિકેશન. અમદાવાદ. પ્રથમ પાર્શ્ર્વ આવૃત્તિ ૨૦૦૨. પૃ. 127.
- 23) અંજન પૃ. 132
- 24) પ્રેમાનંદ : દશમ સ્કંધ. ભ્રમર પચ્ચીસી. સંપાદન : ડાƒ. કે. કા. શાસ્ત્રી, ડાƒ. શિવલાલ જેસલપુરા. અંડર પૃષ્ઠ 104.
- 25) મૂળદાસજીનાં કાવ્યો. સંપાદન ડાƒ. નિરંજન રાજ્યગુરુ. પ્રકાશન : નવભારત સાહિત્ય મંદિર. અમદાવાદ ૧૯૯૬. પૃ. 66
- 26) અંજન પૃ. 67
- 27) અંજન પૃ. 76
- 28) રાધાકૃષ્ણ ગીતિકા – સંપાદન ડાƒ. યશવંત ત્રિવેદી. પ્રકાશન : અƒન. અƒમ. ઠક્કરની કંપની. મુંબઈ પૃ.૮૨.
- 29) મીરાં ભજન્સ. ગ્રામોફોન કંપની આ[ફ ઈન્ડિયા. મુંબઈ. 1971 પદ 5
- 30) બૃહદ ગુજરાતી કાવ્ય સમૃદ્ધિ. સંપાદન સુરેશ દલાલ. ઈમેજ પબ્લિકેશન. મુંબઈ 2004. પૃ. 31
- 31) પ્રીતમદાસનાં શ્રેષ્ઠ કાવ્યો. નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ, પૃ. 29 (સંપાદન : શિવલાલ જેસલપુરા)
- 32) સતની સરવાણી, સંપાદન : ડાƒ. નિરંજન રાજ્યગુરુ. પ્રકાશન : અષ્ટનિર્વાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ. ઘોઘાવદર. ૨૦૦૦ પૃ. 95.
- 33) અંજન પૃ. 96
- 34) અંજન પૃ. 99
- 35) અંજન પૃ. 71
- 36) રાધાકૃષ્ણ / ગીતિકા. સંપાદન ડાƒ. યશવંત ત્રિવેદી. પ્રકાશન એન. એમ. ઠક્કરની કંપની. 2000 પૃ. 39
- 37) અંજન પૃ. 111
- 38) પ્રેમસખી પ્રેમાનંદનાં શ્રેષ્ઠ પદો – સંપાદન : નિરંજન રાજગુરુ, પ્રકાશન નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ પૃ. 83
- 39) અંજન પૃ. 79
- 40) દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો. સંપાદન ધીરુ પરીખ. પ્રકાશન : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ, 1995. પૃ. 60
- 41) અંજન પૃ. 63
- 42) અંજન પૃ. 74
- 43) અંજન પૃ. 67
- 44) અંજન પૃ. 19
- 45) અંજન પૃ. 47
- 46) અંજન પૃ. 68
- 47-56) લોકગીતો
- 1) 1913 નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ : સંપા. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ. મુંબઈ : ગુજરાતી પ્રેસ, 1913. 654+75 પૃ. (ઇચ્છરામ કાવ્યમાળા, ગ્રં. 1)
- 2) 1981 નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ : પ્રમાણભૂત અને શુદ્ધ પાઠયુક્ત 807 પદોનો સંગ્રહ. આમુખ વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી. સંપા. સંશો. શિવલાલ તુલસીદાસ જેસલપુરા : અભ્યાસલેખ ધીરુ પરીખ : સંદર્ભસૂચિ પ્રકાશ વેગડ અમદાવાદ : સાહિત્ય સંશોધન પ્રકાશન 1981. 16 + 118, 459 પૃ.
- 3) 1885 નરસિંહ મહેતાનાં પદ : સંપાદક હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાલાલ પુ. શાસ્ત્રી. વડોદરા : 1885. 62 પૃ. જીવનચરિત્ર સાથે.
- 4) 1950 હાર-સમેનાં પદ અને હારમાળા : સંપા. કેશવરામ કા. શાસ્ત્રી. મુંબઈ ફાર્બસ ગુજરાતી સભા, 1950. 96, 240 પૃ. (ફાર્બસ ગુજરાતી સભા આશ્રિત ગ્રંથમાળા, 45)
- 5) 1977 નરસિંહ પદમાલા : સંપાદક જયંત કોઠારી સાથે રોહિત કોઠારી અને દર્શના ધોળકિયા ગુર્જર ગ્રંથ કાર્યાલય 1977
- 6) 1992 નરસિંહ ચરિત્ર વિમર્શ, પ્રકાશક : દર્શના ધોળકિયા, 1992
- 7) 1994 નરસિંહ મહેતા : દર્શના ધોળકિયા : સરદાર પટેલ યુનિવર્સિટી
- 8) 1965 નરસિંહ મહેતાનાં પદ : 208 નવાં પદો સાથે : સંપા. કેશવરામ કા. શાસ્ત્રી અમદાવાદ : ગુજરાત સાહિત્ય સભા, 1965. 38, 218 પૃ. (ગુજરાત સાહિત્ય સભા. હીરક મહોત્સવ ગ્રંથમાળા, ગ્રં 1).
- 9) 1969 આત્મચરિતનાં કાવ્યો : સંપા. કેશવરામ કાશીરામ શાસ્ત્રી. જૂનાગઢ : નરસિંહ મહેતા ચોરા સમિતિ, 1969. 29, 134 પૃ. અવલોકન : ભોગીલાલ સાંડેસરા, સ્વાધ્યાય, 7-3 મે 1970.
- 10) 1980 નરસિંહ મહેતા આસ્વાદ અને અધ્યાય : સંપાદક : રઘુવીર ચૌધરી મુંબઈ, ધૈર્યબાળા વોરા 1983. પૃ. 178
- 11) સોરઠી સંતવાણી સંપાદન : જવેરચંદ મેઘાણી. પ્રકાશક : પ્રસાર. ભાવનગર. પ્રથમ આવૃત્તિ 1997. 1993
- 12) મધ્યકાલીન ઊર્મિકવિતાના ઉત્તુંગ શિખરો. સંપાદન : સાવિત્રિ શાહ. પ્રકાશક : સુમન પ્રકાશન. મુંબઈ. 1985
- 13) નરસિંહ વંદના, મોરારી બાપુ. પ્રકાશન : રૂપાયતન. જૂનાગઢ-2008
- 14) નરસિંહનાં પદોમાં સિદ્ધ રસ. મકરંદ દવે. પ્રકાશન – આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનધિ, જૂનાગઢ. 2000
- 15) ભાલણનાં કાવ્યો. સંપાદન : ડાƒ. બળવંત જાની. આદર્શ પ્રકાશન. અમદાવાદ. 1987
- 16) મીરાં-નિરંજન ભગત સદ્ભાવ પ્રકાશન. 1982
- 17) મીરાંબાઈ મધુરાભક્તિ અને ધર્મક્રાંતિની અગ્નિશિખા. ડાƒ. યશવંત ત્રિવેદી. પ્રકાશન : એન. એન. ઠક્કરની કંપની. મુંબઈ 1998
- 18) મીરાં. કાવ્યવિશેષ. સંપાદન : ડૅા. સુરેશ દલાલ, શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ. મુંબઈ. 1991
- 19) નિજાનંદે : સંપાદન : કીકુભાઈ રતનજી દેસાઈ. પ્રકાશક : મણિબેન ઝવેરભાઈ પટેલ. અમદાવાદ 1988. પૃ. 464
- 20) આપણી ભજનવાણી. સંપાદન : ગંગાદાસ પ્રાગજી મહેતા. કુસુમ પ્રકાશન. 1997. પૃ. 516
- 21) સંત કેરી વાણી. સંપાદન : મકરંદ દવે. પ્રકાશન : નવભારત સાહિત્ય મંદિર. મુંબઈ, અમદાવાદ. 1991 પૃ. 216
- 22) આપણી કવતા સમૃદ્ધિ (ઉત્તરાર્ધ), સંપાદક : ચંદ્રકાંત ટોપીવાલા. પ્રકાશન ગુજરાતી સાહિત્ય પરિષદ. 2004. પૃ. 440
- 23) ગુજરાતી કાવ્ય મુદ્રા. સંપાદક : ચંદ્રકાંત શેઠ અને અન્ય. પ્રકાશન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ 2007. પૃ. 866
- 24) બૃહદ ગુજરાતી કાવ્ય સમૃદ્ધિ. સંપાદક : સુરેશ દલાલ. ઈમેજ પ્રકાશન, મુંબઈ 2004. પૃ. 630
- 25) લાગી કટારી પ્રેમની. સંપાદન : સુરેશ દલાલ. ઈમેજ પ્રકાશન, મુંબઈ. 2007. પૃ. 588
- 26) જીવનને હૂંફ આપતાં 125 કાવ્યો. સંપાદન : સુરેશ દલાલ. ઈમેજ પ્રકાશન, મુંબઈ. 2011. પૃ. 504
- 27) Radha. સંપાદન ડૅા. હર્ષ દહેજીયા. પ્રકાશન : નિયાંગી બુક્સ. 2014. પૃ. 260
- 28) સર્જનહારનાં સંભારણાં ભાગ – 1/2. સંપાદન : ડૅા. શિવલાલ જેસલપુરા, પ્રસાદ બ્રહ્મભટ્ટ. પ્રકાશન : નવભારત સાહિત્ય મંદિર 1997. ભાગ-૧. પૃ. 112 + ભાગ-2. પૃ. 136
- 29) સૌરાષ્ટ્રનું સંત સાહિત્ય. ડૅા. નિરંજન રાજ્યગુરુ. પ્રકાશન સત નિર્વાણ ફાઉન્ડેશન, ઘોઘાવદર, 2000. પૃ. 156
- 30) ભજન રસ. સંપાદન : મકરંદ દવે. પ્રકાશન : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ. 1987. પૃ. 174