કાવ્ય રચના દ્વારા સંવેદનશીલતાના વિકાસ તરફ એક કદમ
વીસમી સદી પૂર્ણ થવાને હજુ ચાલીસ વર્ષની વાર હતી ત્યારે જેઇમ્સ સી. કૉલમેને ઇ.સ.૧૯૬૦માં લખ્યું હતું કે ‘વીસમી સદી ચિંતાની સદી છે.’ કોઇપણ વિચારકને ચિંતનમાં પ્રેરી દેતું આ વિધાન હાલ બિહામણી વાસ્તવિકતા ભાસે છે. સામાન્ય માણસ ચિંતા કે હતાશા તેમજ તાણના કળણમાં ફસાતો જ જાય છે. વર્તમાન પત્રોમાં છપાતાં સમાચારો આ જ વાતને સમર્થન આપતાં હોય તેમ જણાય છે. અને અત્યારે એકવીસમી સદીના ૧૬ વર્ષ પછી પણ માણસ માત્ર પ્રકૃતિથી જ નહીં પણ માણસથી જ દૂર થતો જતો હોય તેવું જણાય છે. ઘણી વખત તો એવું લાગે છે કે સમગ્ર શહેર એક તરફડાટ વચ્ચે જ જીવે છે. રમેશ પારેખ એક કવિતામાં આ વ્યથાને અદ્ભુત રીતે રજૂ કરે છે.
“આ શહેર તમારા મનસૂબા ઊથલાવી દે કહેવાય નહીં,
આ ચહેરા પર બીજો ચહેરો ચીપકાવી દે કહેવાય નહી.”
માત્ર તર્ક અથવા વ્યક્તિગત સ્વાર્થ કે ગણતરીઓને મહત્ત્વ આપીને સંબંધોની દિશામાં આગળ વધે છે. અને પરિણામે મનોવિજ્ઞાન આ દિશામાં ચેતવણી આપતાં જણાવે છે કે જો માણસના બૌધ્ધિક,સાંવેગિક, સામાજિક, નૈતિક વગેરે વિકાસોમાં એકસૂત્રતા અને સાતત્ય ન જળવાય તો તેના વ્યક્તિત્વનો સંર્વાગીણ વિકાસ થઇ શકતો નથી. તેના વ્યક્તિત્વની સમતુલા જ ખોરવાઇ જાય છે. પરિણામે વ્યક્તિ પાસે બૌધ્ધિક સમૃધ્ધિ હોવા છતાં જિંદગી જીવવાની અને માણવાની સંવેદના ખોઇ બેસે છે અને બધું જ હોવા છતાં જીવન ખાલીખમ અને બોજરૂપ લાગે છે. આધુનિક મનોવિજ્ઞાન તો જણાવે છે કે માણસ પ્રખર બુધ્ધિશાળી હોય તો પણ જો સંવેદનાના વિકાસમાં ઓછપ હોય તો બુધ્ધિની પ્રતિભા પણ ઝાંખી પડી જાય છે.અને એટલે જ હવે મનોવિજ્ઞાનીઓ સંવેદના વિકાસના કાર્યક્રમો પ્રતિ સભાન અને જાગરૂક બન્યા છે.
સંવેદના વિકાસની આ પ્રક્રિયા તો ઘણી જ જટીલ અને ધીરજ માંગી લે તેવી છે. આમ તો કોઇ પણ વિષય પરત્વે લાગણી અનુભવવી અથવા તે પ્રત્યે જાગ્રત થવું એ સંવેદન વિકાસની શરુઆત છે. આ સંદર્ભમાં કાવ્ય એ સંવેદન અનુભૂતિ અને અભિવ્યક્તિનું સૌથી સહજ સાધન છે. કેમ કે કાવ્ય એટલે જ ઊર્મિની અભિવ્યક્તિ. જો વિદ્યાર્થીઓમાં કાવ્ય પરત્વે જ સંવેદના જગાવીએ તો કેમ! અને એથીય વિશેષ કાવ્યની રચના કરતા કરીએ તો કેમ! આ એક મૂલગત વિચારને ઉદ્દેશનું સ્વરૂપ આપીને સંવેદન વિકાસના ક્ષેત્રમાં એક કદમ ભરવાની ઇચ્છાને સાકાર કરવાની કોશિશ કરી. આ હેતુને સિધ્ધ કરવા બી.એડ. કૉલેજની તાલીમાર્થી બહેનોને કેટલીક કાવ્ય પંક્તિઓ આપીને તે પંક્તિઓનો ઉપયોગ કરીને કાવ્યની રચના કરવાની પ્રવૃત્તિ કરાવી.
કાવ્ય પંક્તિઓની પસંદગી તાલીમાર્થીઓની રુચિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. અધ્યાપકશ્રીએ આ સમગ્ર કાર્યક્રમની પૂર્વભૂમિકા બાંધતાં જણાવ્યું કે સંવેદના અનુભવવી અને તેની અભિવ્યક્તિ કરવી એ માનવ વિકાસની પારાશીશી છે. કેટલાક કાવ્યોનું ભાવવાહી પઠન કરીને વર્ગખંડમાં એક ભાવાવરણ સર્જ્યું. કા.પા. પર પંક્તિઓ લખવામાં આવી અને પ્રત્યેક તાલીમાર્થીને કાગળો આપવામાં આવ્યાં. તાલીમાર્થીઓને મુક્ત રીતે બેસવાની અનુકૂળતા આપવામાં આવી. વર્ગખંડમાં એકાંત અનુભવી શકે અને પોતાની જાત સાથે સંવાદ રચી શકે એ રીતનું વાતાવરણ સર્જવામાં આવ્યું. હવે તાલીમાર્થીઓમાં એક ઉત્સુકતા હતી કે તેઓએ ચીલાચાલુ કાર્યથી માત્ર ભિન્ન નહીં પણ કોઇ નવીન પ્રકારનું કાર્ય હાથ ધરવાનું છે.
પાદપૂર્તિનો વિષય રાખ્યો હતો, ‘ભાવ’. આ શીર્ષક અંતર્ગત નીચેની પંક્તિઓ આપવામાં આવી હતી.
- “તું છે સતત ચોપાસ,
તો ય તારી જ તપાસ”. - “એક પણ લિપિ ઉકેલી ન શક્યા,
જિંદગી આખી ભણી લીધી અમે”.
આમ તો કવિતા એ કવિતા છે અને તેની તુલના ન જ હોય કેમ કે તે શુધ્ધ સંવેદનાની શુધ્ધ અભિવ્યક્તિ છે. એટલે જેટલા પણ કાવ્યો રચાયાં તે કાવ્યના સ્વરૂપ કરતાં સંવેદનાને જ મુક્ત રીતે વ્યક્ત કરનારાં હતાં. કાવ્ય રચનાને અંતે તાલીમાર્થીઓએ પોતાના કાવ્યોનું મુખપઠન પણ કર્યું. આમ થતાં તાલીમાર્થીઓને પોતાની ભાવનાઓ અને વિચારોને જાહેરમાં વ્યક્ત કરવાની તક મળી. અરસ પરસની સંવેદનાઓને જાણવાની તક મળી. બધાંએ એકબીજાની લાગણીઓને વધાવી. અહીં લેખિત અભિવ્યક્તિની મર્યાદાને ધ્યાનમાં લેતાં સર્વ કાવ્યો તો રજૂ કરી શકાય તેમ નથી એટલે કેટલાક કાવ્યો અને કેટલીક પંક્તિઓ અત્રે પ્રસ્તુત કરી છે. ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી વિષયોમાં સ્નાતક કે અનુસ્નાતક થયેલી બહેનોએ વિષયના બંધનો છોડીને માત્ર સંવેદનાઓને ઢંઢોળવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
વિજ્ઞાન વિષય પધ્ધતિના એક તાલીમાર્થીએ લખ્યું હતું કે,
“સિમેન્ટ, કોંક્રિટના મકાનોની ચાલી છે તપાસ,
સપનાનું એક ઘર બનાવવાનો કરી રહ્યા છે પ્રયાસ.
પારકામાં પોતાનાને જોવાની ચાલી છે તપાસ,
ખુદની અંદરના આતમને જાણવા ક્યાં છે પ્રયાસ.
તું છે સતત ચોપાસ, તો ય તારી જ તપાસ.
વેરવિખેરને જ જોડવાનો વૃથા છે પ્રયાસ.”
અન્ય એક તાલીમાર્થીએ કાવ્યમાં જણાવ્યું કે,
“જ્યારે પણ શોધું તને આ વિશ્વમાં
ત્યારે શોધું તને ગગનમાં,
ત્યારે શોધું તને સૂર્યમાં,
ત્યારે શોધું તને ચંદ્રમાં
ત્યારે શોધું તને તારાઓમાં
અને બસ એમ જ પૃથ્વીમાં,
સાગરમાં, નદીમાં, ફૂલોમાં,
કૈં કેટલીય મૂર્તિઓમાં અને મંદિરોમાં,
તો પણ સતત એ જ ભાવ,
તું છે સતત ચોપાસ,
તો ય તારી જ તપાસ.”
માણસ પર કટાક્ષ કરતાં એક તાલીમાર્થીએ લખ્યું હતું કે,
“વાઘ વાઘને મારે છે?
ના.
સિંહ સિંહને મારે છે?
ના.
કૂતરો કૂતરાને મારે છે?
ના.
પણ
માણસ જ માણસને મારે છે…
સર્વત્ર છે એક સાચા માણસની તપાસ,
કે છે એક નકામો પ્રયાસ!!!!
તું છે સતત ચોપાસ,
ને તો ય તારી જ તપાસ!”
‘ભણતર’ને ‘ગણતર’ સાથે જોડતાં એક તાલીમાર્થી લખ્યું કે,
“અંતે રહ્યા અણઘડ માટલા સમ,
છતાં છીએ ખાટલાના પાયા સમ.
ભ્રમાણાઓની હવેલીઓ બાંધી,
શમણાંઓની સેજ સજાવી,
અકથ્ય જગમાં સાવ શૂન્યમનસ્ક સમ,
રહ્યા કેવા બનીને સાવ ‘હાજી’ સમ!
ઊરનાં અનેક ગૂંચવાડા અહીં,
ટળવળ્યા સંબંધોના વાડા મહીં,
માની લીધું સઘળું એક દાખલા સમ,
નથી આ જિંદગી કોઇ ગણિત સમ!
એક પણ લિપિ ઊકેલી ના શક્યા,
જિંદગી આખી ભણી લીધી અમે.
અન્ય એક તાલીમાર્થીએ ભાવ તરફ સરકતાં લખ્યું કે,
“સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રોનો કર્યો કેવો અભ્યાસ,
જાણે માહિતીથી જ થયો શિક્ષણમાં વધારો.
વેદ, પુરાણ અને મહાકાવ્યોની મિમાંસાનો કર્યો કેવો અભ્યાસ,
જાણે તર્ક થકી જ કર્યો જ્ઞાનમાં સતત વધારો.
પણ….
માણસને જ ના કળી શક્યો….
મને ખુદને જ એમ છળી શક્યો,
એક પણ લિપિ ઊકેલી ના શક્યા અમે,
જિંદગી આખી ભણી લીધી અમે.
અન્ય એક તાલીમાર્થીએ વિરોધી ભાવોને ગૂંથતાં લખ્યું છે કે,
“દરિયા ભર્યા છે મારી આસપાસ,
પણ હ્રદયને છે બસ, મૃગજળની જ પ્યાસ!
બાથમાં ભરી દીધું છે આખું આકાશ,
પણ મનને છે બસ, ક્ષિતિજની જ આશ!
આત્મા તો ઝંખે પરમ મુક્તિનો શ્વાસ,
પણ હથેળીમાં છે બસ, મારી મંજિલનો વાસ!”
પોતાની મૂંઝવણને વાચા આપતાં એક તાલીમાર્થીએ કહ્યું કે,
“શું લખવું ને શું ના લખવું,
ખબર કંઇ પડતી નથી!
આ હર્યાભર્યા વાતાવરણમાં
નજર ક્યાંય દોડતી નથી!
સર્વસ્વ ચોમેર છલકાયું છતાં,
શાંતિ શોધી જડતી નથી.
ઉપકાર તારો કદી માન્યો નથી,
અતૃપ્તિને જિંદગી ઘડતી નથી.
તું છે સતત ચોપાસ,
છતાં તારી જ તપાસ….
આવી તો ઘણી કાવ્ય પંક્તિઓ દ્વારા તાલીમાર્થીઓએ પોતાના ભાવોને સંવેદનાપૂર્ણ શબ્દદેહ આપ્યો. વાંચીને સહજ એવો ભાવ થાય છે કે તાલીમાર્થીઓએ સંવેદનામાં ડૂબકી લગાવી છે. જિંદગીના ગણિત અને ગણતરીઓ સામે સવાલો વ્યક્ત કર્યા છે. જે જીવાય છે તે જિંદગી જાણે મંજૂર નથી. આ એક પ્રયાસ હતો. હા, કાવ્ય સ્વરૂપને લઇને પ્રશ્નો અચૂક થાય અને એ સંદર્ભમાં ઘણી મીમાંસા થઇ શકે. પણ આ સમગ્ર કાર્યક્રમનો હેતુ કાવ્યના સાહિત્યિક સ્વરૂપને શીખવવાનો નહોતો, તેઓના ભાવ જગતને ઢંઢોળવાનો હતો. આ પરિપ્રેક્ષ્યમાં પ્રવૃત્તિની સર્વગ્રાહી અસરને તપાસીએ તો તાલીમાર્થીઓ પોતાની અંદર રહેલા ભાવોને ઉજાગર કરી શકી છે. તેઓએ સંવેદના તરફ ચોક્કસ એક કદમ માંડવાની કોશિશ કરી છે. આ પ્રવૃત્તિ પછી અમે એ જોઇ શક્યા કે ઘણી તાલીમાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોમાં વિવિધ સાહિત્યિક સ્વરૂપો- કાવ્ય, ટૂંકીવાર્તા,ગરબો, ભવાઇ વગેરેનો અધ્યાપન પ્રયુક્તિ તરીકે ઉપયોગ કરતાં થયાં હતાં.
આમ, કાવ્ય રચના દ્વારા વ્યક્તિની સંવેદનાઓને ઢંઢોળવાનું અને તેનો વિકાસ કરવાનું એક બળ મળે છે. અને શરૂઆતમાં કહ્યું તેમ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ તરફ કદમ ભરી શકાય છે. જરૂર છે માત્ર સંવેદનાપૂર્વક એક પહેલ કરવાની!