ઉમાશંકર જોશીની કવિતામાં દલિત-પીડિત શોષિતનું આલેખન
દલિત-પીડિત-શોષિત સંજ્ઞા સૌ પ્રથમ તો સ્પષ્ટતા માગી લે છે, આ શબ્દોના અર્થ સાર્થ ગુજરાતી જોડણીકોશમાં આ મુજબ આપ્યા છે : જેમાં દલિત એટલે દબાયેલું, કચડાયેલું, પીડિત; પીડિત એટલે પીડા, દુઃખ, નડતર અને શોષિત એટલે શોષાય ગયેલું, શોષાયેલ. ઉમાશંકર જોશીની અસંખ્ય કવિતાંથી કેટલીક કવિતાને અલગ તારવીને આખરે કવિની ભાવનાને મૂર્ત કરવાનો અહીં ઉપક્રમ છે. આમ, આ અર્થ સંદર્ભને કેન્દ્રમાં રાખીને ઉમાશંકર જોશીની ‘સમગ્ર કવિતા’ માંથી તેમની મહત્વની અને સ્પષ્ટ રીતે સમજાય તેવી કવિતાના ઉદાહરણ સાથે અહીં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.
ઉમાશંકર ગાંધીયુગના સમર્થ કવિ તરીકે ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. તત્કાલીન ભારતની પરિસ્થિતિ અને ભારતના ગામડાંની સ્થિતિનું એક આખું ચિત્ર પણી સમક્ષ ખડું થાય છે. કવિ તરીકે ઉમાશંકરે જેવું જોયું-જાણ્યું-માણ્યું તેને કવિતા દ્વારા આપણા સુધી પહોંચાડવાનો સરાહનીય પ્રયત્ન કર્યો છે. બામણામાંથી નીકળેલો શબ્દ કવિને ક્યાં ક્યાં લ્રઈ ગયો. આ સમયગાળો એવો છે જ્યારે સ્વતંત્રતાની લડતે વેગ પકડ્યો છે. લડતમાં જોડાવાનું આહવાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા અપાયું, હરિજન આશ્રમની શરૂઆત. આ મહત્વની ઘટના એટલા માટે છે કે સમાજના કચરાયેલા, દબાયેલા અને અસ્પૃશ્ય લોકો જેનો અવાજ સુદ્ધાં દબાયેલો છે તેને બહાર લાવવાનું કાર્ય સાહિત્ય અને ખાસ કરીને કવિતાના માધ્યમ દ્વારા થયું. આ દીન-હીન લોકોની સંવેદનાને વાચા આપવાનું ભગીરથ કાર્ય સાહિત્યના માધ્યમથી થયું તે ભૂલી શકાય તેમ નથી. પ્રેરણા અને પરિશ્રમ બંનેની એક તાકાત સમગ્ર દેશમાં ફેલાઇ, અને તેને સફળ અને સબળ બનાવવા કવિતાના માધ્યમ દ્વારા આપણા સુપ્રસિદ્ધ કવિ ઉમાશંકરનું યોગદાન નાનું-સુનું નથી. તેમનામાં વ્યક્તિ, વસ્તુ, પદાર્થ અને વિષયને જોવાની, પારખવાની વૃત્તિ અને દૃષ્ટિ તેમના સમગ્ર સર્જનમાં મ્હોરી ઊઠે છે અને તેમાંથી તેમનું સંવેદનશીલ હૃદય આવા દલિત-પીડિત-શોષિત વર્ગને બહાર લાવવાનું કાર્ય ન કરે તો જ નવાઇ કહેવાય.
ઉમાશંકર જોશી ગામડામાંથી આવતા કવિ છે. જ્યાં તેમણે અરવલ્લીની ગિરિમાળાની દક્ષિણ તળેટી, નદી, વહેળા, જંગલ, ડુંગર, પોતાનો અભ્યા, જાહેરજીવન અને ગાંધીવિચારને વળગી રહીને પોતાની સર્જનયાત્રા સુપેરે વહાવી છે. તેમના ગૂજરાત વિદ્યાપીઠના નિવાસ દરમિયાન કાકાસાહેબના અંતેવાસી તરીકે રહેવાનું બન્યું અને જ્યાંથી ‘વિશ્વશાંતિ’નો સંદેશો આપ્યો તે આ સર્જકની વ્યથા અને પીડા દર્શાવે છે. તેમના દેશ-વિદેશના પ્રવાસ, ભારતીય સંસ્કૃતિનું આકર્ષણ અને રવીન્દ્રનાથની અસર પણ તેમની દ્રષ્ટિને નૂતનતા બક્ષે છે. એમની તળપદી વાણીનો લલકાર એમના કાવ્યોને, કાવ્યભાવને, વિષયને સહજ અને સરળ બનાવે છે. મેળા અને ઉત્સવોની સંસ્કૃતિ, નવી ચેતના, તાજગી અને નવો લય પૂરા પાડે છે. કવિતાને આત્માની માતૃભાષા તરીકે સ્થાપી આપે છે. એમની કવિત્વસૂઝનો પરિચય અહીં રજૂ કરેલ કેટલીક કાવ્યપંક્તિ દ્વારા મળશે જ, પણ લોહીથી વાયેલી કવિતા વિખાતા અને પીંખાતા ગયેલા માણસના અસ્તિત્વને ઢંઢોળીને બહાર લાવે છે. સામાજિક ન્યાય અને માનવીય ગૌરવની વાત તેમજ સ્વાતંત્ર્યની ભાવના જગાવવાનું કાર્ય તેમની આ પ્રકારની કવિતામાંથી જોવા મળે છે. જે કવિની જીવનદ્રષ્ટિનો પરિચય બની રહે છે.
‘વિશ્વશાંતિ’ કાવ્યમાં કવિની વેદના માત્ર માનવ પૂરતી સિમીત નથી બલ્કે પ્રાણીમાત્રને ચીંધી આપે છે. છેવાડાના માનવીનો અવાજ આ રીતે રજૂ કરે છે ;
‘ધનિકો મૂડીને યંત્રે પીસે છે દીન માનવી,
સામ્રાજ્યોના મહાયંત્રો પીલે માનવતા અતિ (પૃ. 18)’
આ ઉદગાર કવિના આત્માને ઢંઢોળે છે. સમગ્ર વિશ્વની ચિંતા અને સાથે-સાથે માનવીના દુઃખ દર્દ-પીડા ભર્યું આલેખન કંપાવી જાય તેવું છે. સત્ય, અહિંસા, કરુણા, પ્રેમ, બંધુતા, માનવીયતાની કસોટી તો ત્યારે થાય...
‘વિશાળે જગ વિસ્તારે નથી, એક જ માનવી
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ ! (પૃ. 20) ’
વિશ્વશાંતિનો આ નાદ આજે પણ આપણને સૌને સંભળાતો જોવા મળે છે. જીવનની કઠોર, કોમળ વાસ્તવિક્તાઓ અને સપનાઓ સમેતની સફર માનવનિયતિ સમેત આ કાવ્ય સામગ્રી જુદા જુદા પ્રકારોમાં નિખરી આવે છે.
‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’ (પૃ. 241)
એવી આશા સેવનાર કવિ ‘આત્માના ખંડેર’ સોનેટમાળાના પહેલા સોનેટના અંતે ‘આગંતુક-અતિથિ’ કહીને કાવ્યાનાયકના મુખે ઉપરોક્ત ગર્વિષ્ઠ ઘોષણા કરાવે છે. ગુલામીની પીડામાં સપડાયેલા માનવીની વેદના કવિ ‘ગુલામ’ કાવ્યમાં આ રીતે રજૂ કરે છે :
‘હું ગુલામ ?
સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ ?
સ્વતંત્ર પુષ્પ ખીલતાં,
સ્વ-છંદ પંખી ઊડતાં,
હલાવતા સુડાળ ઝાડ, ના કહેતું કોઇ ના’ (પૃ. 30)
સૃષ્ટિબાગના અમૂલ ફૂલની નજાકતાને, તેની કૂમળાશને પામી શકાય છે. તો ‘અંતિમ સંબોધન’ કાવ્યમાંનો કવિનો પ્રશ્ન ઉચિત જ છે :
‘કવિ ! ક્યમ તને જ સંકુચિતતા વરી તો પછી ? ’ (પૃ. 39)
તો ‘કરાલ દર્શન’ અને ‘આંસુ’ કાવ્યની વેદનાને પણ રજૂ કરી શકાય. સ્વતંત્રતાની લડતનો રણકો સંભળાતો જોવા મળે છે, ‘બારણે બારણે બુદ્ધ’ કાવ્યમાં :
‘માનવતા ઉર ત્રાસી રહી રણ-આંગણ-શોણિત-શુબ્ધ,
વીર, ઊઠી આજ લડી લો ત્યારે જુદ્ધની સામે જુદ્ધ,
ઓ રે ! જુદ્ધની સામે જુદ્ધ,
ઘરે ઘરે વીર ગાંધી જગાવો, બારણે બારે બુદ્ધ’ (પૃ. 43)
તો કવિની જાણીતી ઉક્તિ
‘ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે’(પૃ. 45)
કે પછી,
‘તને ગણી ક્ષુદ્ર અબૂજ માનવી
છો કોઇ ફેકી દઇને ગયું હસે,
અમે પરંતુ તવ ધન્ય દર્શને
તૃપ્તિ મળેલી ગણતા નવી નવી’ (પૃ. 53)
એવા ‘એક ચુસાયેલા ગોટાલાને’ માં પણ તીવ્ર સંવેદનાની ચીસ સંભળાય છે.
‘કાયા પીલીને તેલ નિકાલો, વીરા ! કાયાનું તેલ નિકાલો !’ (પૃ. 56)
‘ધાણીનું ગીત’ માં કચડાવાની વાત જુદી રીતે લઇને આવે છે. તેમજ ‘હથોડાનું ગીત’માંની કેટલીક ઉક્તિઓ હૃદયને ખળભળાવી મૂકે છે.
‘ફેંફસા ફૂંકી હાંફી હાંફીને ધમણ ખૂબ ધમાવી
ભડભડ બળા હૈયાની ભાઇ ! ભઠ્ઠી લાલ ધિકાવી
મુઠી ધાનની આશા લાવી
ઊકળે લોહીનું આંધણ ભાઇ ! ઊકળે, સોરાઉં પંડ,
ધણના ઘેરા ઘોર અવાજે ગરજી ઊઠે ખંડ,
મારે હૈયે પડે પડછંદ’ (પૃ. 57)
આ કાવ્યમાં કવિત્વશ્કિત ઝળકી ઊઠી છે અને તેમ છતાં એવા હથોડાની વાત કરી છે જે સદાય ટીચાતા અને ઉકળતા રહે છે. આમ, સમજની વચ્ચે સેન્ડવીચ બનીને સપડાતા માનવીની કરુણકથની અહીં વ્યક્ત કરી છે અને તેમાંથી જ ઊભો થતો વિશ્વમાનવીનો અવાજ પોકાર કરી ઊઠે છે ;
‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી,
માથે ધરું ધૂળ વસુન્ધરાની’
તો ‘ભાવના’ કાવ્યમાં પતિતના પાપને અને દલિતના દુઃખને જોઇને નિમંત્રણ આપે છે. ‘ભિખારી’ કાવ્યમાં ભિખારીની વેદના, ‘ઝંખના’ માં માનવીની ઝંખનાને, ‘બુલબુલ અને ભિખારણ’માં ભિખારણની સ્થિતિ તેમજ ‘દળણાના દાણા’માં ડોશીની સ્થિતિ, ધોબી, મોચી વગેરે પછાત જાતિઓ તેમજ ‘ઉકરડા’ કાવ્યમાં ઉકરડાની મનોદશા અને પરિસ્થિતિને હૃદયવિદારક આલેખી છે. ‘ઉરખાખ’ અને ‘બાણપથારી’ (સોનેટમાળા) પણ આ સાથે જોઇ જવી ઘટે.
ઉમાશંકર જોશી કવિતાના વિષયોને કલ્પનો અને પૌરાણિક પાત્રોની સાથે જોડીને આધુનિક માનવીની વેદનાનો એક ચિતાર આપણી સમક્ષ મૂકી આપે છે. એવું જ એક કાવ્યનું શીર્ષક છે ‘પાંચાલી’ જેમાં કહેવાતા ધનિકોની દ્રષ્ટિએ મજૂરોનું સુંદર આલેખન કર્યું છે. અજ્ઞાની અને ભદ્રવર્ગની ખાઇને પુરવા મથતા કવિ ગરીબ મજૂરોની વાતને વેધકતાપૂર્ણ વ્યક્ત કરે છે ;
‘એવા રાકાં,
અર્ધા ઢાંક્યા,
અંધારામાં દૂર રહેતાં મજૂરો’
નું ચિત્રાત્મક વર્ણન છે. તેમજ ‘રામાયણના છ પાત્રો’માં ‘શબરી’ અને ‘ખિસકોલી’ જેવા પાત્રોને ઉપસાવવા મથે છે. ભીલ કન્યા શબરી ભગવાન રામની આતુરતાપૂર્વક રાહ જુએ છે. તેમજ રામસેતુ માટેનું ખિસકોલીનું કાર્ય બિરદાવવા લાયક છે. તેવી જ રીતે ‘પ્રાચીના’માં ‘કૃષ્ણ-કર્ણ’ સંવાદાત્મક કાવ્યમાં કર્ણના પાત્રને માતાથી તરછોડાયેલ દર્શાવ્યો છે અને કર્ણના મુખમાં મૂકેલા ઉદગારો જોવા જેવા છે. તેમજ ‘બીજું વિશ્વયુદ્ધ’ કાવ્યમાં મહાભારતના કથાનક સાથે બીજા વિશ્વયુદ્ધને સરખાવીને તેના કુમળા પાત્રો અભિમન્યુ અને ઘટોત્કચ છે. ‘હીરોશીમા’ની રનચામાં પૂલની વાત કરી છે જે સેતુ બનીને અડીખમ ઊભો છે. મૂંગા પશુ સાથે ખેડૂત કે સ્કૂલે જતી કન્યાની વેદનાને રજૂ કરે છે. કાવ્યને અંતે કવિ કહે છે ;
‘ભલે અમાનુષિતાની મનુષ્યે બતાવી સીમા,...,
અંતે તો મનુષ્ય સામે અમાનુષિતા જ થાતી.’ (પૃ. 531)
‘જનશક્તિ હું’ (પૃ. 544) કાવ્યમાં તેમજ ‘વાંસળી વેચનારો’ (પૃ. 196) ચચ્ચાર પૈસામાં વેચવા નીકળેલ વ્યક્તિની પીડા જોઇ શકાય છે. અંતે, કવિનો નિશ્વાસ સાંભળવા મળે છે. ‘છિન્નભિન્ન છું’ માં,
‘છિન્નભિન્ન છું,
નિચ્છેદ કવિતામાં ધબકવા કરતા લય સમો,
માનવજાતિના જીવનપટ પર ઊપસવા મતતી કોઇ ભાત જેવો,
ઘેર ઘેર પડેલ હીજ નવ-હાથ-લાગ્યા ભિક્ષુકના ટુક જેમ,
વિચ્છિન્ન છું.’ (પૃ. 799)
આમ, ઉમાશંકર જોશીની કવિતાને કેટકેટલી રીતે મૂલવી શકાય. હજી આ ઉપરાંત ઘણા કાવ્યોમાંથી કવિની દલિત-પીડિત-શોષિત પ્રત્યેની સહાનુભૂતિને ખાળી શકાય. કોઇપણ કવિનું સંવેદનવિશ્વ જુદી જુદી રીતે અભિવ્યક્તિ કરે છે. તેવી જ રીતે ઉમાશંકરની આ કવિતામાંથી તેમના ભાવના પામી શકાયો હોય તો મારું આ કાર્ય સાર્થક થયું લેખાશે. અહીં માત્ર એક બારી ઉઘાડી આપવાનું કાર્ય થયું છે જે સુજ્ઞ ભાવકોને ગમશે જ. આભાર...
સંદર્ભઃ
'સમગ્ર કવિતા' ઉમાશંકર જોષી માંથી,,,