મનુષ્યના મનમાં રહેલી ઈર્ષાની વાર્તા:‘મંડપ’

અનુઆધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં જે કેટલાંક સક્ષમ વાર્તાકારો એ પ્રદાન કર્યું છે તેમાં મોહન પરમારની વાર્તાઓ પોતાની લાક્ષનિક મુદ્રા દ્વારા આગવું સ્થાન ધરાવે છે. ‘કોલાહલ’ ‘નકલંક’ ‘કુંભી’ ‘અંચળો’આદિ વાર્તાસંગ્રહોમાં નોંધપાત્ર વાર્તાઓ આપી છે.આ વાર્તાઓ ખાસ કરીને દલિત સમાજની વ્યથા,પીડા,શોષણ,નારી ગૌરવ, જોહુકમી આદિને વાર્તાના માધ્યમથી સંકોરી છે.એ દૃષ્ટિ આ વાર્તાઓમાં દલિત સમાજની પરિસ્થિતિને જનસમુહ સુધી લઈ જાય છે.

મોહન પરમારની ‘મંડપ’નામની વાર્તામાનવીય ભાવને વાર્તાના સ્વરૂપમાં આલેખીને માનવીના હૈયામાં પડેલી દ્વૈષભાવના અને સમાજમાં અન્યની પ્રતિષ્ઠાને હાનિ પહોચાડવાની વૃત્તિને સર્જકે કટાક્ષકર્યો છે. ખોડભૈની દીકરીની જાન આવે તે પહેલાં વાસમાં રહેતા લોકો અને કુટુંબીજનોને બોલાવીને વ્યવહાર પૂરો કરવાનો પ્રસંગ હતો.વાસમાં રહેતા સોમભૈ સ્ટેશન બાજુ કામ આવ્યું હોવાથી પ્રસંગમાં આવ્યા નથી.આથી ખોડભૈ આ તકનો લાભ લઈને સમાજમાં તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો કીમિયો શોધે છે.સોમભૈ વગર કોઈ પ્રસંગ ઉકલે જ નહીં તેવી માન્યતાને નકારીને ખોડભૈ સાબિત કરવા ઈચ્છે છે કે સોમભૈની ગેરહાજરીમાં પણ કામ થઇ શકે છે.આ માટે તેઓ અનેક મથામણો કરે છે છતાં તેમને સફળતા મળતી નથી.મંડપ બાંધવાનો બાકી હતો.પોતે સોમભૈને બોલાવવા માટે છોકરાને મોકલ્યો છતાં તેઓ ન આવ્યા અને વાસ-વસ્તીના લોકો એમના વગર કોઈ કામ કરશે નહીં તેવો ડર તેમને લાગે છે.વીરો અને લવજી મંડપ બાંધવા મથતા હતા.પવન હિલ્લોળાતો હતો.ખોડભૈની ઈચ્છા હતી કે જલ્દી મંડપ બંધાય જાય તો સારું,પણ પવનના એક ઝાટકે વાંસડો કડડભૂસ કરતો તરડાઇને ભાંગી ગયો.ખોડભૈના મન પર વેધક પ્રહાર થયો તેમણે સોમભૈની દાઝ મંડપવાળા પર કાઢી ‘તમીં તો મંડપ બાંધનારા સો કઅ પછઅ....’કહીને તેમણે વીરા અને લવજીને ન કહેવાના શબ્દો કહ્યાં.ખોડભૈના ક્રોધિત ઠપકાથી મંડપવાળા નારાજ થઈનેખંડેર જેવાં મકાનની ભીંત પર બેસી જાય છે.મંડપ બાંધવામાં વિલંબ થયો એ માટે તેઓ પોતાને જ દોષિત માને છે.એમનાં મનમાં એક જ ધ્યેય છે કે સોમભૈઆવે તે પહેલાં બધું કામ પતાવી દેવાનું છે. પત્ની લીલાબહેન મંડપવાળાને સમજાવવા (મનાવવા)જાય છે,પણ મંડપવાળા કહે છે કે ખોડભૈ બોલાવવા આવે તો જ અમે આવીએ નહિતર નહીં.ખોડભૈ ગમ ખાય જાય છે અને કહે છે કે
“આ જોનઅ મંડપવાળું ખીલ્યું છઅ તીં. ગોમમાં બીજો મંડપવાળો નથી એટલે ઈના ભાવ વધી જ્યા છઅ.મારાં બેટાં ખરાટાણે ચેવી જીદ પકડીનઅ બેઠાં છઅ.”

બોલતા તેઓ જાતે મંડપ બાંધવા તૈયાર થાય છે.અહીં તેમના મનમાં રહેલી ઈર્ષા,અહમ અને ગુસ્સો ત્રણેયનો સંયોગ થાય છે.ખોડભૈને હવે આશા બંધાઈ ગઈ હતી કે વાંસડા પર દોરડાથી એક છેડો બંધાય જાય એટલે મંડપ તૈયાર.તેઓ મનમાં થોડું હસે છે કે
“હારુ થ્યુંકઅ હજુ હુધી સોમો ટેશનથી ના આયો.ઈની જરૂરેય નઈ પડઅ હવઅ...”

તેમણે મંડપનો છેડો દોરડા સાથે બળપૂર્વક બાંધ્યો,પણ કેવી રીતે એમના હાથમાંથી મંડપના છેડાનું દોરડું સરક્યું,પરંતુ બળપૂર્વક તેમણે દોરડાને પકડી લીધું. એટલાંમાં સોમભૈનો ખડખડાટ હસવાનો અવાજ સંભળાય છે.તરત જ ખોડભૈ અચંબામાં પડી જાય છે.ખોડભૈને મંડપ બાંધતા જોઈને સોમભૈ કહે છે:
“અલા ખોડભૈ ! તમીં તો ચેવા સો ?ઘરધણીનઅ વળી અતારે કાંમ કરવાનું હોતું હશી.આ જોન આવવાની થઈ તોય હજુ મંડપ બાંધી રયા નથી.ચ્યાં જ્યા’લા આ વીરીયો અનઅ લવજીડો ! ઈમ નેમોણા થઈનઅ બેઠા વના ઉભા થાવ અનઅ મંડપ બાંધવા મંડીપડો....”

સોમભૈનો સાદ સાંભળીને લવજી અને વીરો મંડપ બાંધવા લાગે છે.અહીં ખોડભૈનું સ્વમાન હણાય છે.તેઓ સ્વગત જ બોલી ઊઠે છે કે ‘આ મંડપે મારો ખેલ બગાડ્યો’ મંડપની નીચે બેઠેલા લોકો સોમભૈને બધાની વચ્ચે બેસવા માટે આગ્રહ કરવા લાગ્યાં.સોમભૈ બધાની વચ્ચે બેસે છે.આ દૃશ્ય જોતા જ ખોડભૈનો અહમ વધુ હણાય છે.ધારેલું કાર્ય પણ તેઓ ન કરી શક્યાનું દુઃખ તેમનાં ચિત્તને કોરી ખાય છે.વાર્તાના અંતમાં દીકરીની જાન આવવાની થોડી જ વાર છે અને મંડપ નહીં બંધાય તો પોતાને નીચું જોવાનું થશે અને આબરુંના ધજાગરા થશે તેની ચિંતા કર્યા વગર ખોડભૈ માછલાં પકડવાની જાળ પાણીમાં નાખતાં હોય તેમ મંડપને હિલ્લોળીને મંડપનું દોરડું હાથમાંથી સરરર કરતું છોડી મૂકે છે.અહીં ખોડભૈની વેરવૃત્તિ અને માનવસહજ ઈર્ષા કેટલી હદ વટાવી શકે છે તેનું વાર્તાકારે સરસ ચિત્રણ કર્યું છે.સામાપક્ષે સોમભૈ આવે છે ત્યારે ડાળાનાં પાંદડાં પણ હલતાં નહોતાં અને મંડપવાળા દ્વારા મંડપ પણ બાંધવાનો શરૂ થઈ ગયો હતો.પરંતુ અહીં માનવવૃત્તિની ખાસિયતોને વાર્તાકારે ખોડભૈના પાત્ર થકી લાક્ષણિકરીતે મૂકી આપી છે,તો વળી,સોમભૈનું આખી વાર્તામાં ક્યાંય ચિત્રણ કર્યું નથી તેમ છતાં તેમની હયાતી આખી વાર્તામાં દૃશ્યમાન થાય છે.જે વાર્તાકારની સર્જનક્ષમતા અને લાક્ષણિક મુદ્રાનું કૌવત છે.વાર્તાકરે ખોડભૈના મનની ક્રિયાઓ સાથે સોમભૈનું આખું ચરિત્ર રજૂ કર્યું છે.સોમભૈનો સ્વભાવ અને માન મરતબો દરેક પ્રસંગોમાં દેખાય છે.માનવીના અંતરમાં રહેલી અન્યની પ્રતિષ્ઠાને અવગણવાની અથવા તો અપમાનજનક કરવાની ઘેલછાને વાર્તાકારે નવા રંગ-રૂપ દ્વારા આપણી સમક્ષ મૂકી છે.અહીં પ્રકૃતિના તત્વો વ્રુક્ષ,પવન સાથે પણ ખોડભૈના સ્વભાવને આલેખીને વાર્તાને નવું રૂપ આપ્યું છે.

મોહન પરમારે માનવીના અંતર મનમાં રહેલી સ્વભાવગત ખામીઓને અંકિત કરવામાં જે જે પ્રયોજનો રજૂ કર્યા છે તે નિરાળા છે.એક વ્યક્તિની ઈર્ષા અને અદેખાઈને વાર્તાકારે જુદા જ પરિમાણો દ્વારા વહેતી કરી છે.દલિત સમાજમાં બોલાતી બોલી અને રીત રીવાજોને વાર્તાકારે અનુચિત ઉપયોગ કરીને આલેખી છે.એ દૃષ્ટિએ આ વાર્તા પોતાના કથાનક,બોલી-પ્રયોગો,સચોટતા અને લાઘવના કારણે ધ્યાન કેન્દ્રિત કરે છે.

સંદર્ભ:
અનુઆધુનિક વાર્તાસૃષ્ટિ :સં.મોહન પરમાર,પ્ર.આ.૨૦૦૮,રન્નાદે પ્રકાશન,અમદાવાદ.

જિતેન્દ્ર મકવાણા
૨૯,હાદાનગર,મેઈન રોડ,
ભાવનગર પરા,
ભાવનગર.
મો.૦૯૯૧૧૭૯૫૧૪૦.
jitendrabvn@gmail.com