બાળજોડકણાં: લુપ્ત થઈ ગયેલુ લોકસાહિત્ય સ્વરૂપ

“ બાળજોડકણાં એટલે બાળકોની કાલી‌‌-ઘેલી બોલીમાં બોલાતા મીઠા મધુરા જોડકણા” અથવા મૌખિક પરંપરાથી ઉતરી આવેલુ કઠંસ્થ સાહિત્ય સ્વરૂપ તે બાળજોડકણાં“ અને જો સાદી રીતે કહેવુ હોય તો, “ બાળજોડકણાં એટલે બાળકો માટેના જોડકણાં ” આમ, બાળજોડકણાના સામાન્ય અર્થો ઘણા નીકળે છે. આમ જોવા જઈએ તોબાળજોડકણાએ ઘણું પ્રાચીન સ્વરૂપ છે. તેથી મૌખિક પરંપરાથી ઉતરી આવેલા આ બાળજોડકણાં ક્યારે ઉદ્દ્ભવ્યા ? તેના રચયિતા કોણ? તે ક્યારથી અસ્તિત્ત્વમાં આવ્યા ? વગેરે પ્રશ્નોના ઉત્તર આજ સુધી કોઇ આપી શક્યુ નથી પરંતુ, હા એટલુ ચોક્કસપણે કહી શકાય કે માનવના અસ્તિત્વ સાથે આ બાળજોડકણાં પણ અસ્તિત્વમાં આવ્યા હશે તથા આ બાળજોડકણાં મુખ્યત્વે લોકોના કંઠમાથી જ ઉદ્દ્ભવ્યા હશે એમ માની શકાય. તેથી લોકો જ એના રચયિતા છે અને લોકોના વધુ પડતા ઉપયોગથી જ આ બાળજોડકણાં સતત વિસ્તાર પામ્યા હશે .પરંતુ આ બાળજોડકણાનું સ્વરૂપ લોકસાહિત્યનાં અન્ય સ્વરૂપો જેવા કે ( લોકકથા, લોકવાર્તા, લોકગીતો, કથાગીતો, લોકાખ્યાન ) વગેરેની જેમ પ્રચલિત બન્યુ નથી. એ ખરેખર નિંદનીય બાબત છે . ગુજરાતી લોકસાહિત્ય તરફ નજર નાખતા લોકસાહિત્યના અન્ય સ્વરૂપો વિષયક સંખ્યાબંધ પુસ્તકો મળે છે. જ્યારે બાળજોડકણાં વિષયક સ્વતંત્ર કહી શકાય એવુ એક પણ પુસ્તક મળતુ નથી. માત્ર ત્રણ ચાર – જેવા સંપાદકોએ આ સ્વરૂપ વિશે ચર્ચા કરી છે. તેમાં કાઠિયાવાડના ઝવેરચંદ મેઘાણી,જોરાવરસિંહ જાદવ અને ઉત્તર ગુજરાતના વતની એવા અમૃત પટેલ જેવા લોકસમ્પાદકોનો સમાવેશ થાય છે. જ્યારે એ સિવાય તો આ સ્વરૂપ હમેંશ માટે વણખેડાયેલુ અને વર્ણસ્પશ્યુઁજ બની રહ્યુ છે. કારણ કે આ સંપાદકો સિવાય અન્ય કોઇ સંશોધક સંપાદકનુ આ તરફ ધ્યાન જ ગયુ નથી. એટલે કે, લોકસાહિત્યના આ નાનકડા એવા સ્વરૂપોની સંશોધકોએ અવહેલના જ કરી છે. અથવા એમને મન આ સ્વરૂપનુ કોઇ મૂલ્ય જ નહિ હોય એમ પણ કહી શકાય.પરંતુ લોકસાહિત્યના આ અમૂલ્ય એવા ધનની જાળવણી કરવી એ આપણા હાથમાં છેએ સંપુર્ણ નાશ પામે એ પહેલા તેનો સંગ્રહ કરી લેવો જરૂરી બને છે.જેથી કરીને નવી પેઢી પણ આ લોકવારસાના મૂલ્યને સમજે, તેનો ઉપયોગ કરે તથા અન્ય લોકો સુધી પહોચાડે ત્યારે જ આપણો આ પ્રયત્ન સાર્થક થયો ગણાશે.

અહિં પ્રસ્તુત બાળજોડકણાં ઉત્તર ગુજરાતના પાટણ પંથકના સિધ્ધપુર તાલુકાના સિધ્ધપુર ગામ ના વતની એવા ઇંદિરાબેન લખેશકુમાર પરમાર પાસેથી, તો વળી નાના બાળકો પાસેથી સાંભળીને અને કેટલાક જે મારી સ્મૃતિમાં સંગ્રહાયેલા હતા તેને પણઅહીં લિપિબધ્ધકરીને મૂક્યા છે. અહીં લુપ્તથઇ ગયેલા એવા બાળકોના કંઠેથી ગવાતા મીઠા મધુરા બાળજોડકણાં વિષયક ચર્ચા કરવાનો મે ઉપક્રમ સેવ્યો છે.

બાળક એ સ્વૈરવિહારી છે. જે ખુલ્લા આકાશ નીચે અને ધરતીની ગોદમાં મુક્તમને વિહરનારુ છે. એથી જ તો બાળકને ભગવાનનુ સ્વરૂપ પણ માનવામા આવે છે. આવા કોમળ હ્રદયના બાળકોના કંઠેથી ગવાતા જોડકણાંએ તો જાણે દરિયાના મોતી. જેમ દરિયામાથી નીકળેલા મોતીનુ મૂલ્ય ઘણું છે તેમ આ બાળજોડકણાંનુ મૂલ્ય પણ આમ ઓછુ ન આંકી શકાય. બાળજોડકણા એ મુખ્યત્વે લોકકંઠે વર્ષોથી ગવાતા આવ્યા છે અને પરંપરાગત પેઢી દર પેઢીથી ઉતરી આવેલા છે. પ્રાચીન સમયમા આ બાળજોડકણાનું ઘણું મહત્વ હતુ. આ બાળજોડકણા તે મુખ્યત્વે ગામડાઓમાં વધુ પ્રમાણમા બોલાતા જોવા મળતા.પહેલાના સમયમા ગામડાઓમા શાળાઓ ન હતી કે, ન હોતા કોઈ શિક્ષકો. એથી ગામડાના લોકો આવા બાળજોડકણાંના માધ્યમે બાળકોને શિક્ષણ પુરુ પાડતા.તો વળી તળપદી લોકબોલીમાં પ્રયોજાતા એવા આ બાળજોડકણાં બાળકો સરળતાથી સમજી શકતા તથા ચિત્તમા ગ્રહણ પણ કરી શકતા અને સાથે બાળકોનો બૌધ્ધિક વિકાસ પણ થતો . જેમ કે...
“ એકડે એક,પાપડ શેક,
પાપડ કાચો, દાખલો સાચો...”

એજ રીતે આગળ પણ ગણતરી કરવામા આવતી. જેથી કરીનેબાળકોનો અભ્યાસ પણ પાકો થતો સાથે-સાથે તેમનુ બૌધ્ધિક કૌશલ્ય પણ વિકસતુ. તો વળી કેટલાક બાળજોડકણાં તે બાળકોના માનસમા ઘેરી અસર પાડે છે અને બાળક જાણે ત્યારે કલ્પનાની દુનિયામાં વિહરતુ હોય એવુ લાગે છે. અમૃત પટેલે ‘ આપણો ઉપેક્ષિત વારસો ’ પુસ્તકમાં આવા જોડકણાં વિશે વાત કરી છે જેને અહી ઉદાહરણ તરીકે લેવામા આવે છે.
“ આયંથી નાખુ દોઈડી , આભલામાં ચણું ઓઈડી,
ઓઈડી ઉપર નળિયા, શેર કંકુ દળિયા,
દળતે દળતે રાત પડી , કાળા હાલે ભાત પડી,
ભાતે ભાતે દિવા બળે, વાણિયાની છોડીના વિવા કરે “
( નીચે જમીન ઉપર ઉભા રહીને આકાશમાં દોરડી નાખવાની વાત, ઉપર આભલામાં ઓરડી ચણવાની વાત, ઓરડી કેવી તો નળિયાવાળી , કંકુ દળવી , કંકુ દળતા દળતા રાત પડવી , રાત્રે દેખાતા તારા જાણે સાડલા ઉપર ભાત પાડી હોય તેવા વાણિયાની છોડીના વિવાહ વખતે જેવા દિવા બળતાતા તેવા તારા દેખાય છે. પૃ.1, 2 )

પ્રસ્તુત બાળજોડકણામાંથી પસાર થતા લોકકવિએ બાળકના માધ્યમે કેવી સરસ એવી વાત કરી છે. તેનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. આ બાળજોડકણા ને વાંચતા જબાળકમાં રહેલ કાલ્પનિકતાનો ખ્યાલ આવે છે.તથા બાળકના ચિત્ત પર જાણે કલ્પનાના ઘોડા પુરપાટ દોડતા હોય તેવો ભાસ થાય છે. આ બાળજોડકણાં બાળકોના માનસ પર કેવી કલ્પનાસભર અસર પાડે છે એ તો જ્યારે આપણે બાળક બનીને વિચારીયે ત્યારે જ તેનો અનુભવ થઈ શકે. એ સિવાય એની કલ્પનાકરવી નિરર્થક છે અહિં બાળકોના કંઠે ગવાતાપ્રચલિત એવા કેટલાક બાળજોડકણા અહી ટાંક્યા છે .....
“ વારતા રે વારતા, ભાભા ઢોર ચારતા,
ચપટી બોર લાવતા, છોકરા સમજાવતા,
એક છોકરુ રીસાણું,કોઠી પાછળ સંતાણું,
કોઠી પડી આડી,અરર....ર.....માડી “.

“ ચકા રાણા, ચકા રાણા,
નથી ઘરમાં દાણા !
ચક ચક કરતા ચકારાણા,
લાવ્યા ઘરમાં દાણા “.

“ ચાંદો સૂરજ રમતા ‘ તા,રમતા રમતા કોડી જડી ,
કોડીના મે બીજ લીધા,બીજ મે વાડે નાખ્યા,
વાડે મને વેલો આપ્યો,વેલો મે ગાયને નાખ્યો,
ગાયે મને દૂધ આપ્યુ ,દૂધ મે મોરને પાયુ,
મોરે મને પીંછુ આપ્યુ,પીંછુ મે બાદશાહ ને આપ્યુ,
બાદશાહે મને ઘોડો આપ્યો,ઘોડો મે બાવળે બાંધ્યો,
બાવળે મને શૂળ આપી,શૂળ મે ટીમ્બે ખોસી,
ટીમ્બે મને માટી આપી,માટી મે કુંભારને આપી,
કુંભારે મને ઘડો આપ્યો,ઘડો મે કૂવાને આપ્યો,
કૂવાએ મને પાણી આપ્યુ,પાણી મે છોડને પાયુ,
છોડે મને ફૂલ આપ્યુ,ફૂલ મે મહાદેવ ને ચડાવ્યુ,
મહાદેવે મને ભાઇ આપ્યો,ભાઈ મે ભાભીને આપ્યો,
ભાભીએ મને કેરી આપી,કેરી કેરી ખાઇ ગયો,
ગોટલો એ પડ્યો...પેલે પાર..”

આમ, પસ્તુત બાળજોડકણાં બાળકોની અભ્યાસ ની દ્દ્ષ્ટિએ ખપ લાગે તેવા છે તથા બાળકોની પાઠશાળાની કમી પણ પૂરી કરતા સાથે સાથે તેમની સમજ કેળવવામા પણ ઉપયોગી નીવડતા..આ બાળજોડકણાં તે સામાજિક, સાંસ્ક્રુતિક ,ઐતિહાસિક અને ભાષાશાસ્ત્રીની દ્દ્ષ્ટિએ પણ એટલા જ ઉપયોગી છે.

બાળજોડકણા સાથે સાથે બાળરમતોનાં જોડકણાં પણ એટલા જ જાણીતા છે. બાળપણમાં ટોળીબધ્ધ ભેરુબંધ સાથે રમાયેલી અવનવી રમતો એ સ્મૃતિમાં એવી તો અકબંધ જળવાયેલી છે કે જેનો ઉલ્લેખ થતા જ એ રમતો બાળ સંસ્મરણોરૂપે ફરી તાજી થઈ ઉઠે છે. બાળપણમાં મિત્રો સાથે રમાતી રમતો સાથે સંકળાયેલા બાળજોડકણાંને અહીં નોંધ્યા છે.

  1. 1) બેઠા બેઠા રમતી વખતેના જોડકણાં
    “ અડકો દડકો દહી દડૂકો,
    સાવન ગાજે , પીંલુ પાકે,
    ઉલ મૂલ , ધતુરાનુ ફૂલ “

  2. 2) ઉભા ઉભા રમતી વખતેના જોડકણાં
    “ ટામેટુ રે ટામેટુ,
    ઘી ગોળ ખાતુ ‘તુ,
    નદીએ નાવા જતુ’તુ,
    અસમસ ને ઢસ “

  3. 3) દોડીને પકડવા જતી વખતેના જોડકણાં
    “ ઇતે ઇતે પોણી, શેર શેર ધોણી,
    યે દરવાજા ખોલુંગા , છરા લેકે મારુંગા‘’

  4. 4) સામ- સામે સવાલ જવાબ કરતા જોડકણાં
    ડોશીમાં ડોશીમાં ક્યાં ચાલ્યા ?
    છાણા વીણવા ...
    છાણામાંથી શુ મળ્યુ ?
    રૂપિયો...
    રૂપિયાનુ શુ લાવ્યા ?
    ગાંઠિયા...
    બળ્યા તમારા ટાંટીયા.....”

    “ મારા માથા પર કોણ છે ?હોલોરાણો....
    શુ ખાય...? ઝારનો દાણો..
    ઉતર હોલા...નહી ઉતરુ..
    તને નવડાવુ....નહી ઉતરુ..
    તને ખવડાવુ ....નહી ઉતરુ..
    તારી બેનને બોલાવુ ...આ ઉતરુ ....! “

    પ્રસ્તુત બાળજોડકણાનો અનુભવ કરતા જ દરેકની સામે પોતાના બાળસંસ્મરણો ફરી જાગૃત થઈ ઉઠે છે અને બાળપણ જાણે ફરી સાદ કરીને બોલાવતુ હોય એવો ભાસ થાય છે.અહીં બાળજોડકણાંની વાત કરતા નાના બાળકોની માંડીને પુખ્તવયનાં લોકો સુધી આ જોડકણાં બદલાતા રહે છે એટલે કે, જેમ બાળકના શરીરનો વિકાશ થતો જાય ,તેમ તેમ આ બાળજોડકણાં પણ વિકસિત થતા જાય છે તથા આ બાળજોડકણાં બાળકો તથા પુખ્તવયના લોકોનું ઘડતર ચણતર કરવામાં પણ મહત્વના બની રહ્યા છે . પરંતુ કંઠોપકંઠ તથા પરંપરાગત રીતે ઉતરી આવેલા આ બાળજોડકણાનો ઈતિહાસ હવે લુપ્ત થઈ ગયો છે. આધુનિક યુગમાં સુધારાની હવા એવી તો ફૂંકાઈ છે કે જેને કારણે બધું જ નામશેષ થઈ ગયું છે, અથવા થવાના આરે છે.તો વળી દિન-પ્રતિદિન વધી રહેલા સમૂહ માધ્યમોને કારણે પણ લોકસંસ્કૃતિ પર માઠી અસર પહોંચી છે.મોબાઈલ, કોમ્પ્યુટર, લેપ-ટોપ જેવા સમૂહ માધ્યમોની સ્પષ્ટ અસર લોકો પર વર્તાઈ રહી છે. તેમાં સૌથી વધુ અસર બાળકો પર થઈ છે. મોટેરાંઓની જેમ બાળકો પણ ઈન્ટરનેટના રવાડે ચડી ગયા છે . જેથી કરીને એ પોતાના બાળપણથી વંચિત જ રહી ગયા છે. બાળકો પોતાના બાળપણની મહત્વની ક્ષણોને ગૂમાવી ચૂક્યાં છે. તો પછી આવા બાળજોડકણાં અને બાળરમતોની શું વિશાત? અત્યારે તો બાળકો પણ ઈન્ટરનેટના માધ્યમે રમાતી વિડિયોગેમ, મોબાઈલ ગેમના શોખીન બની ચૂક્યાં છે. જેથી કરીને એમને આવી બાળરમતો રમવામાં ક્યાંથી રસ હોય ? તો બીજી તરફ શિક્ષણનું પ્રમાણ પણ સમયાનુસંધાને વધતું જતું જવાના કારણે બાળકોની રમવાની ઉંમરે તેમને નિશાળમાં ધકેલી દેવામા આવે છે તથા પુસ્તકોનો ઢગ તેમની સામે ખડો કરી દેવામાં આવે છે.બાળકોની રમવાની, કુદવાની ઉંમરે તેમની સામે ભણતરનો બોજો નાખીને આજના યુગના માતાપિતાઓ એ બાળકોનું બાળપણ જ છિનવી લીધું છે. ભણતરના બોજા હેઠળ અને વધુ પડતા દબાવને કારણે બાળકોની માનસિક સ્થિતિ પણ બગડી જવાનો ભય રહે છે, તો ક્યારેક બાળકો ગેરમાર્ગે દોરાતા જોવા મળે છે .જેથી કરીને આજના યુગના માતા-પિતાઓને ચેતી જવાની જરૂર છે તથા બાળકો તમારી પાસે જે પ્રેમ અને હૂંફની અપેક્ષા રાખે છે એ અપેક્ષા પર ખરા ઉતરવાની જરુર છે તથા તેમના બાળપણની જાણવણી કરવી એ તમારા હાથમાં જ છે તો જ બાળકોનુ સારી રીતે સિંચન થઈ શકશે .

    અહીં પ્રસ્તુત બાળજોડકણાં ઉત્તર ગુજરાતના ભિન્ન-ભિન્ન વિસ્તારોમાં ભિન્ન-ભિન્ન રીતે બોલાય છે. પરંતુ પ્રદેશે, પ્રદેશે,ગામડે, ગામડે જે તે લોકબોલી અનુસાર બોલાતા બાળજોડકણામાં થોડાક અંશે ફેરફાર પણ જોવા મળે છે.પરંતુ તેમ છતા બાળજોડકણામાં રહેલી મીઠાશ અને લહેકો એવોને એવો જળવાઈ રહે છે.

    માહિતીદાતા
    1. પરમાર ઈન્દિરાબેન લલિતભાઈ, ઉંમર – 34 વર્ષ સિદ્ધપુર
    2. પરમાર આયુષીબેન લલિતભાઈ, ઉંમર -10 વર્ષ સિદ્ધપુર

    સંદર્ભસૂચિ ; -
    1) ‘ આપણો ઉપેક્ષિત વારસો ‘, સં: અમૃત પટેલ , પ્રકાશક : પાશ્ર્વઁ પબ્લિકેશન , અમદાવાદ, આવૃત્તિ. 2003, પૃષ્ટ 1,2

મકવાણા નમ્રતા કાંતિલાલ
M.phil , Net ( JRF )
Ph.d( cont )
સિદ્ધપુર ;
Mo : 9558296665