પ્રયોગશિલતાના પગરવ: ‘પગરવ’ અને ‘સતત’માં
1955 ની આસપાસ ગુજરાતી સાહિત્યમાં સુરેશ જોશીનો વિદ્રોહી સ્વર પ્રગટ થયો. જેણે સાહિત્ય – વિભાવનાઓનો કાયપલટો કર્યો. તેનો પ્રભાવ નવલિકા, કવિતા, નવલકથા, નિબંધ, વિવેચન ઉપરાંત ગઝલ જેવા પરંપરાગત કાવ્યપ્રકાર પર પણ પડયો, 1960 ની આસપાસ જે નવીનતર ગુજરાતી ગઝલ ઊપસી તેણે હતાશા, વિચ્છિન્નતા, નગર-યંત્ર-સંસ્ક્રુતિ પ્રત્યેનો આક્રોશ, વૈયકિતકતા વગેરેમાં વ્યકત થતા વિશ્વકવિતાના સાંપ્રત ભાવવિશેષ સાથે પણ અનુંસંધાન સાધ્યુ અને ગુજરાતી ગઝલ પ્રયોગશીલ બની. આદિલ મન્સૂરી આ ગાળાના પ્રમુખ ગઝલકાર છે. તેમણે ‘પગરવ’ (1966), ‘સતત’ (1970), ‘મળે ન મળે’ (1996) અને ‘ગઝલના આયના ઘરમાં’ ગઝલસંગ્રહો આપ્યા છે. આપણે ‘પગરવ’ અને ‘સતત’ માંની ગઝલો ને જોઇએ.....
“તારા અવાજનું હવે અજવાળુ કયાં રહયું ?
ઘૂમે છે ખંડિયેરમાં પડઘાનો અંધકાર.” ( 1 )
કવિએ અહીં ‘અવાજનું અજવાળુ’ અને ‘પડઘાનો અંધકાર’ જેવા ધ્વનિગત કલ્પનોનો વિનિયોગ કરી અભિવ્યકિતની નૂતનતા પ્રકટ કરી છે. સૂરજ, અંધકાર, મૌન, રેત, મ્રુગજળ, પડઘા જેવા નવી કવિતાના પ્રતીક –અકલ્પનોને આદિલે સરળતાથી ગઝલની આબોહવામાં વહેતા કરી દીધા છે.આમ, કવિના શબ્દો નવા રંગે પ્રગટ થાય છે. છિન્નભિન્ન થતા કવિની સામે તેની આગલી પેઢીના આરાધ્ય દેવો બુધ્ધ, ઇશુ, ગાંધીજી, પ્રભુ, અલ્લાહ ન રહેતા તે માણસ માણસ વચ્ચેના સંબંધને ઝંખવા લાગ્યો. આ ઝંખના તેને સ્વની શોધ તરફ વાળે છે. આ શોધ તેના પોતાના પરિચયની પણ છે અને તેમાંથી પ્રગટ થાય છે ‘હુ’ સર્જક એની ગઝલમાં પરંપરા જાળવીને ‘હુ’ નું વૈવિધ્ય જાળવે છે જુઓ –
‘ત્વચાથી એવો ઢંકાઇ ગયો છુ,
હું ખુદ મારાથી સંતાઇ ગયો છું’ ( 2 )
“સતત લાગે કે બદલાઇ ગયો છું
હું મારામાં જ વહેંચાઇ ગયો છુ.” ( 3 )
આ ગઝલમાં ‘હુ’ ને વિવિધ પરિમાણે ઉપયોગમાં લીધો છે. અસ્તિત્વવાદી વિચારસરણીનો ધ્વનિ એમની ગઝલોમાં સંભળાય છે.આદિલ મોટાભાગે ગઝલની બાનીમાં વાત કરતા હોવાથી એ સીધી અને સરળ હોય છે.
“સિગરેટ એશટ્રેમાં બુઝાઇ ગઇ, અને
કોફીના કપમાં કાળી વ્યથા ઓગળી ગઇ.” ( 4 )
ઉપરના શેરમાં ‘એશટ્રે’ જેવા અંગ્રેજી શબ્દનો ઉપયોગ કવિએ કર્યો છે. ઉર્દૂ, અંગ્રેજી, ગુજરાતી એમ વિવિધ ભાષાના શબ્દો ગઝલમાં ગોઠવાઇ જઇને એક વિશિષ્ટ વાતાવરણ નિર્માણ કરે છે. એટલે કહી શકાય કે આદિલને કોઇપણ ભાષાનો છોછ નથી. ‘કોફીના કપમાં ઓગળી જતી કાળી વ્યથા’ ની આખી વાત આપણને રોમાંચકારી અનુભવ કરાવે છે. કોફીની કાળાશની જગ્યાએ વ્યથાની ઓગળી જતી કાળાશ આપણને વિચારતા કરી દે છે. એક નવા કલ્પન દ્રારા પ્રવેશેલી નવીનતાનો તેમાંથી આપણને પરિચય થાય છે તો ક્યાંક એમની ભાષા ભાવસંક્રમણની દિશામાં ગતિ કરે છે. આની ઝાંખી તેમના કેટલાક શેરોમાં થાય છે.-
“હજીયે તાજા છે શબ્દોના સર્વ ઘા આદિલ,
હજીયે લોહી ટપકતું કલમની ધાર વિષે.” ( 5 )
“જ્યાં અર્થ અંધાકારની ભીંતો ચણી રહયો,
ત્યાં કેવી રીતે થઇ શકે વ્હેવાર શબ્દનો.” ( 6 )
ભાવસંક્ર્રાંતિ માટે ભાષા અઘરી પડવાનો આદિલ નો વિચાર એક સમસ્યા છે. અવ્યક્તને વ્યક્ત કરવાની આ મથામણ જ કવિને અભિવ્યકિતની નવી નવી શક્યતાઓ શોધવા પ્રેરે છે. એ માટે એ અનેકવિધ પ્રયોગો કરે છે. આદિલ ગઝલની પરંપરીત શૈલી, પ્રતીક અને શબ્દોને નવો ઓપ આપે છે. તેમને પરંપરીત વાતોને વાગોળવામાં જરાય રસ નથી બલ્કે એમને તો કંઇક નવું જ કહેવાની આશા છે. તેથી જ એમની ગઝલો સૂરા, સાકી અને સનમની વાતમાં જ સીમાબધ્ધ એવી આગળની ગઝલો કરતાં જુદી પડે છે જુઓ-
“ક્ષિતિજરેખ પર અર્ધ ડૂબેલ સૂરજ,
કોઇની ઢળેલી નજર હોય જાણે.” ( 7 )
સૂરજ, પવન અને અંધકાર એ આદિલના પ્રિય પ્રક્રુતિરૂપો છે. તેમની ઉપરની ગઝલમાં જોઇ શકાય છે કે ક્ષિતિજમાં ડૂબતા સૂરજને કોઇની ઢળેલી નજરનું રૂપ આપી સંધ્યાનું કેવું નજાકતભર્યું ચિત્ત આલેખ્યુ છે. ઉપરનો શેર રૂઢ ઉત્પ્રેક્ષાનું ઉદાહરણ બની રહેવાને બદલે બળવાન ર્દશ્યકલ્પન બની શક્યુ છે. અહીં ડૂબતા સૂરજની સરખામણી ઢળેલી નજર સાથે કરતાં આ કલ્પન રુચિકર લાગે છે. તો અનરાધાર વરસી ગયા પછે ભીની માટીમાંથી ઉગી નીકળતી સુંગંધ ને આદિલ આ રીતે વર્ણવે છે –
“હવે વરસાદ તો થંભી ગયો ને,
છતાં પાલવ હવાનો નીતરે છે.” ( 8 )
અહીં હવાનો પાલવ એટલે મોસમના પ્રથમ વરસાદથી ભીંજાયેલી માટીની સુંગંધ. વરસાદનું થંભી જવું એ સાવ સામાન્ય ઘટના છે પરંતુ આ સાવ સામાન્ય ઘટનાને કવિ ર્દશ્યકલ્પન દ્રારા સરળતાથી અભિવ્યક્ત કરે છે. ધોધમાર વરસાદમાં ભીંજાયેલી હવાનો પાલવ નીતરે છે એમ કવિ કહે છે ત્યારે તેમની કવિપ્રતિભા નિખરી આવે છે. હવાના પાલવની વાત કરીને કવિ ભાવકની ત્વચા પાસેથી લેવાનું કામ ચક્ષુ પાસેથી લે છે. અન્ય એક ગઝલના શેરમાં પણ ચાંદનીની નીતરતી આંખ દ્રારા પવનમાં પલળવાની વાત કરીને પવનનું અને ચાંદનીનું મૂર્તિકરણ થયું છે જુઓ-
“ને પવનનું વસ્ત્ર ભીનું થઇ ગયું
ચાંદનીની આંખ નીતરતી રહી.” ( 9 )
અહીં, ચાંદનીની આંખની નીતરવાની ક્રિયા અને એના પરિણામે પવનના વસ્ત્રની ભીના થવાની ક્રિયામાંથી એક રમણીય ર્દશ્ય સર્જાય છે તેમજ આદિલને અંધકારનું પણ આગવું આકર્ષણ છે અને તેના પરિણામે આ કવિ પાસેથી અંધકાર ના જુદાજુદા રૂપો આપણને મળે છે. કઇ રીતે સૂરજ ઢળે છે અને રાત પડે છે એનું કવિએ યોજેલુ કલ્પન જુઓ-
“ભાલાઓ અંધકારના ભોંકાય સૂર્યમાં,
તડકાના તીર વાંકાં વળી જાય સૂર્યમાં.” ( 10 )
અહીં અંધકારને ભાલા જેવા અસ્ત્રનું રૂપ આપ્યું છે અને ‘તડકાના તીર’ પ્રયોગ પણ ઉત્તમ છે. અંધકારના ભાલા અતૂટ રહે અને તડકાના તીર વાંકાં વળી જાય એવું ભાલા અને તીરની આતશબાજીનું ર્દશ્ય ભાવકના મન પર રચાય છે.
ચિત્રાત્મકતા એ ગઝલનું એક મહત્વનું ઘટક છે. વિવિધ પ્રકારની ચિત્રાત્મક્તા આલેખીને આદિલે પોતાની અભિવ્યકિતને સજીવ બનાવી છે. આ ચિત્રોમાં સ્થૂળતા, સૂક્ષ્મતા, કાલ્પનિકતા, ચેતન-અચેતન વગેરેનું નિરૂપણ છે. આ બધા ચિત્રો વિવિધ વિચારો, ભાવો અને અનુભૂતિઓને સ-રસ રીતે વર્ણવે છે. તેના ઉ.દા. રૂપે કેટલાક શેર જોઇએ-
“દૂર ક્ષિતિજની પાર જઇને,
અંધારાઓ ચરતો સૂરજ.” ( 11 )
“ઉતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપ રંગ વિષે વાત થઇ હશે.” ( 12 )
અહીં ઉપરના ર્દષ્ટાંતમાં આપણને અનુંક્રમે આસ્વાધકલ્પન, સ્થિર કલ્પન, ગતિકલ્પન અને રૂપ-સૌદર્ય કલ્પન જોવા મળે છે. નીચેના શેરમાં કવિની ઉત્ક્રુષ્ટ ચિત્રાત્મકતા આપણે જોઇ શકીએ છીએ. કવિ કહે છે –
“સાગરના ભૂરા ભેજમાં ભીંજાય ચાંદની,
રેતીમાં સૂર્યસ્પર્શથી સુકાય ચાંદની.” ( 13 )
ઉપરના શેર પરથી કહી શકાય કે આધુનિકતા અન્ય સર્જકોની તુલનામાં આદિલમાં વધુ છે. ગઝલની રીત એ એમના લોહીમાં વણાયેલી હોય એવું લાગે છે. મૌનની ભાષા કવિને વધુ ગમે છે. એટલે જ મુખર રીતે ત કશું કહેતા નથી, પરંતુ મૌનનો આધાર લઇને તેઓ કહે છે –
“સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.” (14)
“મૌનમાં મારા વિચારો વિસ્તર્યા,
આજ શબ્દો કેટલા પોકળ ઠર્યા.” (15)
શબ્દ અને અર્થની આવી અનુભૂતિ એમના અન્ય કાવ્યોમાં પણ વ્યકત થઇ છે, ‘સતત’ કાવ્યસંગ્રહની ‘અવાજના ખેતર વચ્ચે’ નામક રચનામાં આદિલ કહે છે:
“અવાજના ખેતરની વચ્ચે
મૌન – ચાડિયો ઊભો,
શબ્દો
પીળાં પંખીઓના ટોળા
થઇને આવે.” (16)
આમ, આ અનુભવ એક સર્જક મનુષ્યનો છે એટલે એ શબ્દોના ઉપયોગની પોતાની લાચારીને પ્રગટ કરતાં કહે છે કે-
“ને મૌન દ્રારા વાત હું સમજાવી ના શક્યો,
લેવો પડ્યો ન છૂટકે આધાર શબ્દનો.” (17)
અહીં ‘ન છૂટકે આધાર શબ્દનો’ લેવાની કવિની લાચારી જ કાવ્યસર્જનની તીવ્રતા સૂચવી જાય છે. મૌનની ભાષામાં વિચારો વ્યકત કરવાની ખૂબી આદિલને હાથવગી છે. સાદી ભાષાશૈલીમાં એ સચોટ ભાવાભિવ્યકિત સાધે છે તેમાં ક્યાંય અસ્પષ્ટતા જણાતી નથી. એમની રચનાઓ વાંચતા ખબર પડે છે કે ભાષાની ઓછપનો એમનો અનુભવ એમને ભાષા સાથે ચેડાં કરવા તરફ દોરી ગયો નથી. આદિલની મૌનની, શૂન્યની,અંધકારની અનુભૂતિ સદા બરકાર રહે છે. –
“ફાટે, કશું ન હોવાનો ‘ જ્વાળામુખી અગર
લાવા સ્વરૂપે વિશ્વમાં પથરાય શૂન્યતા.” (18)
આ ‘કશું ન હોવાનો’ અનુભવ જ બીજી પંકિતમાં ‘શૂન્યતા’ છે. અહીં કશુ ન હોવાના ભાવને જ્વાળામુખીનું રૂપક આપવામાં આવ્યું છે. અહીં રહેલી શૂન્યતા એ મનનું એકલવાયાપણું નથી પરંતુ મનની નિર્મળતા છે.
પ્રક્રુતિ હોય કે પછી પ્રણય બધે જ આદિલની રચનાઓમાં એક પ્રકારનું રહસ્ય જોવા મળે છે. પ્રકુતિમાંય એમને સૂર્ય, વન, તારા, ચાંદની, પુષ્પો, વરસાદ વગેરેનું આકર્ષણ વધુ છે. પણ આ બધામાં અંધકાર ના આલેખનનું વૈવિધ્ય આગળ તરી આવે છે. કવિ અંધકારને લઇને કહે છે. –
“કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે
તમે કહો તો કરું વાત અંધકાર વિષે.” (19)
અને અહીં અંધકારની તેમણે સાદી વાત જ નથી કરી પરંતુ અનેક રીતે તેમણે એ અંધકારને જીવંત બનાવી આપણી આંખો સમક્ષ ખડો કરી દીધો છે. એ એના વર્ણનના વિષય કરતા વધું આકર્ષણનું કારણ બને છે. કેટલીક એવી પંકિતઓ જોઇએ ......
“તમારી છાયા બની અન્ય કંઇ મળ્યું ન ભલે ,
છું અંધકારનો ટુકડો છતાં ઊજાસમાં છું.” (20)
“સૂરજમાં અંધકારના પડઘા સમી ગયા”. (21)
આમ, અનેક રીતે આવતો ‘અંધકાર’ નો સંદર્ભ એમને અંધકારના ગાયક વિશે ઠેરવે એમાં શી નવાઇ ? આ અંધકારને તેઓ મૌન સાથે જોડીને તેઓ કહે છે.
“અંધકારના કવિ અમે તો
શબ્દ શબ્દના ખંડેરોમાં
મૌન થઇ સંતાતા ફરીએ.” (22)
આદિલની ગઝલોમાં આવતું ચિંતન પણ નોધપાત્ર છે. એમની ગઝલોના અનેક શેરોમાં જીવન, મ્રુત્યુ વગેરે વિશે ચિંતન આલેખાયેલું જોવા મળે છે. જેમકે.-
“જીવન એક રણ છે ઓ ભટકેલ પંથી,
કદી રણમાંય શું પગલાં મળે છે ?” (23)
ઉપરના શેર પરથી જ્ણાય છે કે કવિ ‘રણ’ ના પ્રતીક દ્રારા જીવનની ખરી સચ્ચાને સરળતાથી પ્રત્યક્ષ કરી આપે છે. ‘રણ’ જેવા સનાતન પ્રતીકો અને વિષયોની સાથે એમને આધુનિકતાને પણ સ્પર્શી છે. આજનો કવિ આજના માનવ પર વિચારતો થઇ ગયો છે.
“આઘાત પ્રત્યાઘાતથી તરડાયેલું આ શહેર,
એને ગર્વના ગળફા ગળે અટકે.” (24)
અહી ‘ગળફા’ જેવો શબ્દ વાચકના મનમાં સૂગ ઉપજાવે છે. તો આ જ કાવ્યમાં આગળ જતાં પીળી સંધ્યાનું પાન અરૂઢ ચિત્ર આ પ્રમાણે અંકાયું છે.
“આ પીળા લોહીના લચકા,
હથેલીમાં લઇ બેસી રહેલી સાંજ.” (25)
તો આદિલે પ્રયોગશીલતા ખાતર એક એક શબ્દની પંકિત રચવાનો પણ ગઝલપ્રયોગ કર્યો છે જુઓ –
“ઇશ્વર,
પથ્થર,
પ્રશ્નો,
ઉત્તર,
બિન્દુ,
સાગર,
માનવ,
પામર,
આદિલ,
શાયર.” (26)
આમ, આ ગઝલ શબ્દયુગ્મોની ગોઠવણીથી શોભે છે. ‘આદિલ’ ની આંતરિક જરૂરિયાતે એમની ચેતનાને ઢંઢોળી છે ત્યારે જ એમણે ગઝલમાં નવા નવા પ્રયોગો કર્યા છે. -
“ક બહું લિસ્સો હતો લપસી ગયો,
ખ ના પગમાં ખોડ તે મોડો પડ્યો,
ગ ના બે કટકા છતાં સાથે રહયા,
ઘ નું મોઢું બંધ, ગૂગળાઇ મર્યો.” (27)
અહીં કવિએ બાળસહજ વ્રુત્તિઓને ગઝલમાં ગુજરાતી મૂળાક્ષરો ‘ક’ થી ‘ક્ષ’ સુધી એની વિશિષ્ટતા દ્રારા પ્રકટ કર્યા છે. ભાષા અને અભિવ્યકિતની તાજગી આ ગઝલમાં જોવા મળે છે. પ્રયોગની ર્દષ્ટિએ પણ આ ગઝલ અનોખી છે.
“તડકાના અંગેઅંગ એ ચટકા ભરી જતા,
કંઇ કેટલીયે કીડીઓ ઊભરાય સૂર્યમાં.” (28)
‘આદિલ’ ના શબ્દમાંથી આધ્યાત્મિકતા જીવન પ્રત્યેની વિરકિત દ્રારા પ્રગટ થાય છે.
“ઘટે છે મોહ ક્યાં માટીનો ‘આદિલ’
હજીયે જીવ અટવાયા કરે છે.” (29)
રહસ્યને પામવાની સતત ઝંખના એમનામાં જોવા મળે છે. એક અધ્યાત્મવાદી શેરમાં એમનામાં અસ્તિત્વવાદ ની ઝાંખી આપણને થાય છે જુઓ.-
“મેં તારી શોધમાં સૌ પરદા ઊંચકી જોયા,
દરેક પરદાના પાછળથી નીકળ્યો છું હું.” (30)
પ્રયોગની ર્દષ્ટિએ ગઝલના આ શેર જોઇએ......
"સતત એક પળ વિસ્તરે છે (પરંતુ)
સમય રિક્તતાને ભરે છે (પરંતુ)
કોઇ એક છાયા, કોઇ એક છાયા,
દીવાલોને તોડી સરે છે (પરંતુ)" (31)
કવિએ અહીં 'પરંતુ' રદીફને કૌંસમાં મૂક્યો છે. 'પરંતુ' થી વાત અધૂરી રહે છે અને અધૂરી વાતને પૂરી કરવા માટે તે સાની મિસરામાં પ્રવેશે છે ત્યાં પણ તેમની વાત અધૂરી રહે છે ત્યારે તે બીજા શેરમાં પ્રવેશે છે. આમ, વિચારોનો તંતુ લંબાતો જાય છે. અહીં આદિલની અભિવ્યકિતમાં રહેલી સાદગી ગમી જાય તેવી છે.
આમ, આદિલની નૂતન ભાષાશૈલી, નવ્ય પ્રતીકયોજના અને કલ્પનયોજના વગેરેએ એમને આધુનિક ગઝલના અગ્રણી બનાવ્યા, એટલુ જ નહીં તેઓ સ્વાતંત્ર્યોત્તર આધુનિક ગઝલના પ્રયોગશીલ પ્રવર્તક પણ બન્યા. આમ, આદિલની ગઝલોમાં આધુનિકતા પ્રગટ થઇ છે. પરંપરાથી પ્રયોગ સુધી ગઝલને લઇ આવવાનું શ્રેય ત્રીજા તબક્કાના ગઝલસર્જકોની સાથે સાથે આદિલ મન્સૂરીને જાય છે, જે યથાયોગ્ય છે.
પાદટીપ
- 1. પગરવ , પ્રુ.46
- 2. સતત , પ્રુ.11
- 3. એજન , પ્રુ.11
- 4. પગરવ , પ્રુ.62
- 5. સતત , પ્રુ.5
- 6. એજન , પ્રુ.10
- 7. એજન , પ્રુ.7
- 8. એજન, પ્રુ.24
- 9. એજન , પ્રુ.28
- 10. પગરવ , પ્રુ.15
- 11. એજન , પ્રુ.44
- 12. પગરવ , પ્રુ.13
- 13. એજન , પ્રુ.72
- 14. એજન, પ્રુ.19
- 15. એજન , પ્રુ.73
- 16. સતત , પ્રુ.64
- 17. એજન , પ્રુ.10
- 18. પગરવ , પ્રુ.68
- 19. સતત , પ્રુ.5
- 20. એજન , પ્રુ.39
- 21. એજન , પ્રુ.45
- 22. એજન , પ્રુ.83
- 23. પગરવ , પ્રુ.21
- 24. સતત , પ્રુ.77
- 25. એજન , પ્રુ.77
- 26. પગરવ , પ્રુ.34
- 27. એજન , પ્રુ.31
- 28. સતત , પ્રુ.16
- 29. એજન , પ્રુ.55
- 30. એજન , પ્રુ.19
- 31. એજન , પ્રુ.58
સંદર્ભગ્રંથો
- (1) અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, પ્રસાદ બ્રમ્ભભટ્ટ , પ્ર. આ. 2010
- (2) આધુનિક કવિતાપ્રવાહ, જયંત પાઠક, પ્ર.આ 2007
- (3) અમર ગઝલો , ર્ડા.એસ એસ રાહી, પ્ર.આ.2013
- (4) ગઝલ: પરંપરા, પરિવર્તન અને પ્રયોગ, હરીશ વટાવવાળા પ્ર.આ.2005
- (5) પગરવ, આદિલ મન્સુરી , પ્ર.આ.1970
- (6) સતત, આદિલ મન્સૂરી, પ્ર.આ. 1966
- (7) સાહિત્યમાં આધુનિકતા, સુમનશાહ, ત્રી.આ. 2014