અખેપાતર : કહેવત સંગ્રહ

લોકસાહિત્ય કલ્પવૃક્ષ સમુ છે. તેની નીચે બેસો અને જે માગો તે મળે. સંસારની વ્યવહાર પટુતા અને સામાન્ય બુદ્ધિનું જ્ઞાન આપણનેલોકવાર્તા, દંતકથા, વાકપટુતા માટે વપરાતી કહેવતો-રૂઢિપ્રયોગો વગેરેમાંથી પ્રાપ્ત થાય છે. માનવ સ્વભાવ અને તેમની બુદ્ધિકુશળતાને માપવા માટે કહેવતોનો ઉપયોગ ખૂબ જ પ્રચલિત છે. કહેવતો માનવીના કોઠાસૂઝમાંથી ઉપસેલા મોતીના દાણા જેવી છે. પ્રજાના અનુભવોનો નીચોડ કહેવતોમાં રહેલો છે. કહેવતોમાં પ્રજાનું શાણપણ અને ડહાપણ વ્યક્ત થતું જોવા મળે છે.આમ કહેવતોમાં માનવના અનુભવો અને અવલોકનની અનેકશાખાઓ સમાવિષ્ટ છે. આથી જ “કહેવત એ લોકોની પેઢી દર પેઢીનો વારસો છે.”એમ કહેવાય છે.

‘કહેવતકોશ’માં રતિલાલ સા.નાયક નોંધે છે કે ‘જેમ મીઠા વગરનું ભોજન લૂખું તેમ કહેવત વગરનું બોલવું લૂખું’ મતલબ કે કહેવત વગરની ભાષા નીરસ લાગે છે. કહેવતથી ભાષા પ્રભાવક, અસરકારક અને ચોટદાર બને છે. કહેવત લોકબોલીનું સૌંદર્ય વધારે છે ને ભાષાને સમૃદ્ધ કરે છે.” (પૃ.૪) જેટલુંલોકબોલીમાં કહેવતોનું મહત્વ છે. તેટલું સાહિત્યમાં પણ છે. સાહિત્યની ભાષામાં કહેવતોથી વાક્યો આલંકારીક બને છે. જેમ અલંકાર વિનાની સ્ત્રી શોભતી નથી તેમ ભાષા પણ અલંકાર વિના શોભતી નથી. કહેવતો દર્શાવવાથી ઓછા લખાણમાં વધુ કહેવાની તાકાત ભાષાને મળે છે. પ્રસંગને અનુરૂપ સચોટ અને સબળ દૃષ્ટાંતપૂર્તિ માટે કહેવતોનો વિનિયોગ કરવામાં આવે છે.

‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ જેને‘ગોવર્ધનરામ પુરસ્કાર’ (૧૯૯૧-૯૩) અને ‘અખેપાતર’ જેને કેન્દ્રિય સાહિત્ય અકાદમી પુરસ્કાર (ર૦૦૩) પ્રાપ્ય નવલકથા છે. તથા ‘બાંધણી’ જેવો વાર્તાસંગ્રહ આપનાર બિન્દુ ભટ્ટનું નામ મોખરે છે. ૧૯૯૯માં લખાયેલી બિન્દુ ભટ્ટની ‘અખેપાતર’ નવલકથામાં આવતી કહેવતો જોવાનો ઉપક્રમ છે. નવલકથાનું મુખ્ય પાત્ર કંચનબાના પાત્રને કેન્દ્રમાં રાખીને લખવામાં આવેલ નવલકથામાં કંચનબા પોતાનો ભૂતકાળ વાગોળવા બેઠા છે. ફલેશબેકમાં જતી નવલકથામાં ભારતના ભાગલા પડ્યા ત્યારે કંચનબા કરાંચીમાં હતા તેનું વર્ણન છે. ત્યારે તેમને જે સુખો, દુઃખો પડ્યા તેનું સ્મરણ આ નવલકથામાં ઝીલાય છે. આ નવલકથા૩૬ પ્રકરણોમાં અને ર૭૬ પૃષ્ઠોમાં વિભાજીત છે. તેમાંથી ૩૦ જેટલી કહેવતોની તારવણી કરવામાં આવી છે જે નીચે મુજબ છે :

કહેવત : આંખ આડા કાન કરવાં.
અર્થ : નજર આગળ જાણીજોઈને ખોટું કામ થવા દેવું.
વાક્ય : સમતાનો પ્રશ્ન કંચનના કાળજામાં પડઘાવા લાગતો. એ પડઘાસામે ‘આંખ આડા કાન કરતાં’ કહેતી મારા મોટા સસરા જેવો છે.(પ્રકરણઃર૧, પૃ.૧પર)

કહેવત : ઉપર આભને નીચે ધરતી
અર્થ : સાવ નિરાધાર
વાક્ય : મને તો રાત ને દિ’બસ એક જ ચિંતા કોરી ખાય છે. મારીસ્મિતાનું શું થશે ? એને તો આ સંસારમાં ‘ઉપર આભને નીચેધરતી’ કાલ સવારે મારો પંડ નહીં હોય ત્યારે એનું કોણ ?”(પ્રકરણ-૭, પૃ.૪૩)

કહેવત : કયાં રાજા ભોજને કયાં ગાંગો તેલી ?
અર્થ : સદંતર અસમાનતા
વાક્ય : લે, એમનો વિચાર તો આ શિયાળામાં જ લગન લેવાનો છે.લગન અને પરણ્યાનું આણું બધું સાથે જ.આ ગંગા બા એડ્યા છે. એમનાથી કામ થતું નથી એટલે તો કંચનનેલેવા તૈયારથયા છે. બાકી કયાં ‘રાજા ભોજને કયાં ગાંગો તેલી?’ (પ્રકરણ-૧૪, પૃ.૯૬)

કહેવત : કીડીને કણ અને હાથીને મણ
અર્થ : જેવી જેની જરૂરિયાત
વાક્ય : ભગવાન જો કીડીને કણ અને હાથીને મણ આપી રહેતો હોય તોશું મને ભૂખી રાખશે ?..(પ્રકરણ-૩પ, પૃ.ર૬પ)

કહેવત : ગુરૂ ગરમાં રહી ગયાને ચેલા ચમકી ગયા.
અર્થ : ગુરૂ કરતાં શિષ્ય સવાયો.
વાક્ય : મા તમે જ નથી આપતાં વાલિયા લૂંટારાનું ઓઠું, કંચનને થાય કેઆ તો ગુરૂ ગરમાં રહી ગયાને ચેલા ચમકી ગયા’ (પ્રકરણ-ર૯,પૃ.ર૧૯)

કહેવત : ઘરનાં ભૂવા ને ઘરનાં ડાકલાં
અર્થ : માંહી એકના એક
વાક્ય : ના રે, એ માથાફોડ કોણ કરે ? આપડે તો આઠ-નવના જ લેવાના. પરીક્ષા નિશાળે હોય એટલે..’,‘ઘરનાં ભૂવાને ઘરનાંડાકલાં?’ જગાએ પૂરું કર્યું. (પ્રકરણ-૬,પૃ.૩૮)

કહેવત : ઘા ભેગો ઘસરકો
અર્થ : કાર્ય પૂરું કરવું
વાક્ય : અને હું તો કહું છું કંચનના લગન સાથે વિશુને જનોઈએ આપીદે, ‘ઘા ભેગો ઘસરકો’ (પ્રકરણ-૧૪, પૃ.૯૬)

કહેવત : ઘેર બેઠા ગંગા
અર્થ : જોઈતું હતું તે સામે આવી ગયું
વાક્ય : લ્યો મૂકો આંધણ લાપસીનું. જેઠું, તારે તો ઘેર બેઠા ગંગા આવી’(પ્રકરણ-૧૪, પૃ.૯પ)

કહેવત : ચોરના ભાઈ ઘંટી ચોર
અર્થ : ખરાબ માણસનો સોબતી ખરાબ
વાક્ય : હા, ‘ચોરનો ભાઈ ઘંટી ચોર’ની ઉત્સુકતા ભારતસિંહની આંખમાંડોકાતી હતી. (પ્રકરણ-ર૦, પૃ.૧પ૦)

કહેવત : છોડી અને ઉકરડો બેય સરખાં વધતાં વાર જ નહીં ને ?
અર્થ : ઉકરડાની જેમ છોકરીને વધતા વાર લાગતી નથી.
વાક્ય : હા, પણ હવે શું છે ? આમને આમ ચૌદ વરહની તો થઈ છોડીઅને ઉકરડો, બેય હરખાં વધતાં વાર જ નહીં ને ?” (પ્રકરણ-૧૪, પૃ.૯પ)

કહેવત : ટાઢા પાણીએ ખસ ગઈ
અર્થ : નુકશાન થયું નહિ ને સફળ પરિણામ આવ્યું
વાક્ય : આ માજીને તો કંઈ જોઈતું નથી. પણ હજી કંઈ જોઈતું નથી એવાકય મન પૂરું કરે એ પહેલાં શંકાએ માથું ઊંચું કર્યું. કયાંકઆમનો પ્લાન મોટો ન હોય ? બાપુને કાન ભંભેરણી કરીને‘ટાઢા પાણીએ ખસ ન કાઢે’ (પ્રકરણ-પ, પૃ.૩પ)

કહેવત : તુંબડાના તેર ભવ
અર્થ : તૂમડીમાં શું છે એ ભેદ કોણ જાણે ? ભલે ને પછી એમાં તેરસોલોક છે. એમ કહેવાતું હોય.
વાક્ય : શિવચંદભા કંચનને વાંચતી જોઈ ખૂબ રાજી થતા. ઉપરવાળાએશું ધાર્યું હશે ? આ બે અક્ષર વાંચતા-લખતાં આવડ્યું તે પારઉતર્યા. તુંબડાનાતેરભવ? કોને ખબર ?(પ્રકરણ-૩, પૃ.૧૯)

કહેવત : દુઃખનું ઓસડ દહાડા
અર્થ : સમયના વીતવા સાથે ગમે તેવું દુઃખ હોય તો પણ ભુલાઈ જાયછે.
વાક્ય : ઘર જાણે ખાલીખાલીકાર્તિક ખરો, પણ એની હાજરી દેખાય કેટલી ? ધીરે ધીરે કંચન ટેવાતી ગઈ..‘દુઃખનું ઓસડ દહાડા?’દિવસ,મહિનાને વર્ષ વીતતાં ચાલ્યાં’ (પ્રકરણ-ર૪, પૃ.૧૮૬)

કહેવત : દુષ્કાળમાં અધિક માસ
અર્થ : દુઃખમાં દુઃખની ઉમેરણી
વાક્ય : એ રાત્રે સામેવાળી અધણિયાતસ્ત્રીને વેણ ઉપડી. દુષ્કાળમાં અધિક માસ, પણ જીવન કયાં કોઈની રાહ જુએ છે. (પ્રકરણ-૧૯,પૃ.૧૪ર)

કહેવત : નરો વા કુંજરો વા
અર્થ : અજાણપણું- અસ્પષ્ટ વચન
વાક્ય : કોઈ ત્રીજાની તો ઠીક પણ મારાં ખુદનાસંતાનોની હાજરી દેખાડોકરવાનો ? છેવટે જયાને નરો વા કુંજરો વાનો માર્ગ સૂઝ્યો.(પ્રકરણ-ર૪, પૃ.૧૮૪)

કહેવત : પડ્યા પર પાટુ
અર્થ : એક તો પડ્યાને ઉપરથી પાટુ વાગ્યું.
વાક્ય : ભગવાનેય કેવો છે પડ્યા પર પાટુ મારે છે. આવા કપરાકાળમાં ધરતી જેવી ધરતીના ઝરાય સુકાઈ જાય ત્યાં આ તોબિચારું રાંક બાઈ માણસ. (પ્રકરણ-ર૮, પૃ.ર૧પ)

કહેવત : પાણી પહેલાં પાળ બાંધવી
અર્થ : અણધારી આવનાર આફતોનો વિચાર કરી એનાથી બચવાનીયોજના કરી રાખવી.
વાક્ય : જગદીશ સીધે સીધા પ્રશ્નનો સામનો થતાં થોથવાઈ ગયો. શુંકહેવું? પાણી પહેલાં પાળ બાંધવા નીકળેલા જગદીશને અંદાજન હતો કે ખરેખર શું કહેવું ?(પ્રકરણ-૬, પૃ.૩૮-૩૯)

કહેવત : પાંચેય આંગળી ઘીમાં ને માથું વાઢીમાં
અર્થ : બધામાં પોતાનો લાભ.
વાક્ય : છોકરાવાળા કહેતો છૂટું કરવા માટે મોં માગી રકમ મળે. વળીબીજે છોકરી નાતરે આપીએ તો રોકડા મળે. આમ પાંચેયઆંગળી ઘીમાં ને માથું વાઢીમાં?’ (પ્રકરણ-૧૮, પૃ.૧૩૦)

કહેવત : બકરું કાઢતાં ઊંટિયું પેસી જવું
અર્થ : નાની મુશ્કેલી દૂર કરવાં જતાં બહુ મોટી મુશ્કેલી આવી પડે.
વાક્ય : આ બાપુને કેમ અચાનક મારા ઉપર આટલી બધી દયા આવીગઈ? આમાં બકરું કાઢતાં ઊંટિયું તો પેસી નહી જાય ને ?(પ્રકરણ-ર૯, પૃ.રર૪)

કહેવત : બેઠાં કરતાં બજાર ભલી
અર્થ : બેસી રહેવું એના કરતાં નાનું, મોટું કામ કરવું.
વાક્ય : આમાં ક્યાં ચોકડિયું ખોદવાની છે ? આ તો બેસાડી રાખવાના. ભણે તો ઠીક બાકી અક્ષર સુધરે તોયઘણું, ઠીક છે, ‘બેઠા કરતાંબજારભલી’(પ્રકરણ-૬, પૃ.૩૮)

કહેવત : માને મૂકીને મીનીને ધાવવા જવું
અર્થ : પોતાનાં છોડીને બીજાને વહાલ કરવાં તે.
વાક્ય : હું કે’તી’તી, ગામના બ્રાહ્મણને મૂકીને બહારગામનાને લાવવાનો?માનેમૂકીને મીનીને ધાવવા જવાનું ને ? (પ્રકરણ-ર, પૃ.૯)

કહેવત : મીઠાં ઝાડનાં મૂળ નો કઢાય
અર્થ : કોઈની ભલમનસાઈ કે ઉદારતાનો ગેરલાભ ન લેવાય.
વાક્ય : જો ભાભી, કેટલાં બધાં વરસ તારી ઓથે રહી, નાનાં-નાનાંછોકરાં લઈને કરાંચીથી આવી’તી, ત્યારે મા ગણો કે બાપ તું જતો હતી મારો આધાર પણ હવે ‘મીઠાં ઝાડનાં મૂળ નો કઢાય’(પ્રકરણ-૭, પૃ.૪૪)

કહેવત : મોંએ ગરણું બાંધવું
અર્થ : અસંખ્ય લોકોને બોલતા અટકાવી શકાતા નથી.
વાક્ય : જેને નહિ લાજ એને પૂરા રાજ. તું કોના કોના મોંએ ગરણુંબાંધવા જઈશ. (પ્રકરણ-રપ, પૃ.૧૯૩)

કહેવત : રાજાને ગમી તે રાણી અને છાણા વીણતીઆણી.
અર્થ : જેને જે ગમતું હોય, તે ખરાબ હોવા છતાં ઉત્તમ લાગે છે.
વાક્ય : અહીં તો પેલી કહેવત જેવું હતુ, રાજાને ગમી તે રાણી અને છાણાંવીણતી આણી. પણ કંચનને દીકરાની મા થઈને મોંઘપમાણવાની હોંશ તો હતી... (પ્રકરણ-ર૬, પૃ.ર૦)

કહેવત : લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જવું.
અર્થ : શુભ સમય આવે ત્યારે પાછા પગલાં કરવા.
વાક્ય : લે તુંય ખરો બ્રાહ્મણ, લખમી ચાંદલો કરવા આવે ત્યારે મોઢુંધોવાની વાતું કરે છે ? તારા બાપા તો એક અધૂરી અબળખાલઈને શી ખબર મારું મોત કેવુંય લખ્યું હશે ? (પ્રકરણ-૧૪,પૃ.૯પ)

કહેવત : લાગ જોઈ સોગઠી મારવી
અર્થ : સમય જોઈને વાત કરવી.
વાક્ય : લાગ જોઈ સોગઠી મારતા વીરભદ્રે કહ્યું : ઈશું કરતા તો? ફૂઈનીકૂઈનું પાણી ઈના લોહીમાં ભળી ગયું હશે..(પ્રકરણ-ર૯, પૃ.રર૩)

કહેવત : વહેતી ગંગામાં હાથ ધોવા
અર્થ : કોઈ કાર્ય કરતું હોય તેમાં પોતાનું કાર્ય થઈ જાય.
વાક્ય : દીકરા વીરભદ્રના નાના-મોટાં પરાક્રમોને સંકેલવામાં વરસમાંવીસ વાર ભલાભાઈનું અહેસાન લેવું પડતું. જો પદ છોડતાંયઉપર હાથ રહેતો હોય તો ‘વહેતી ગંગામાં હાથ ધોવા’માં કોનેવાંધો હોય? (પ્રકરણ-૬, પૃ.૩૭)

કહેવત : સિંહાસનનો બેસનાર બાપ મરજો પણ પારકાં દળણાં દળનારી મા નો મરશો.
અર્થ : માતાનું સ્થાન ઊંચુ હોય છે.
વાક્ય : કહેવતમાં કહ્યું છે કે ‘સિંહાસનનો બેસનાર બાપ મરજો પણ પારકા દળણા દળનારી મા ના મરશો’ વાતેય કાંઈક અંશે સાચીછે પણ કંઈક અંશે અધુરી. ખરેખર તો બાળકને જીવનમાં મા કેબાપ એકેય વિના ચાલતું નથી. (પ્રકરણ-રપ, પૃ.૧૯૦)

કહેવત : સોળ વાલને એક રતિ
અર્થ : એકદમ સાચી વાત.
વાક્ય : કંચનને થયું રૂખી ભાભીની વાત ‘સોળ વાલને એક રતિ? આસંસારમાં ઈશ્વરનું પ્રમાણ માણસ દ્વારા જ મળે છે.આટલા બધાજીવોમાં એક માણસ જ એવો જીવ છે, જે બીજાની મદદ કરે છે. (પ્રકરણ-ર૦, પૃ.૧૪૭)

કહેવત : સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ
અર્થ : સ્ત્રીઓમાં બુદ્ધિ ઓછી.
વાક્ય : સરકારમાં મોટાભાગે એક જ ધારણા ચાલે છે કે ‘સ્ત્રીની બુદ્ધિપગની પાનીએ’ વહીવટમાં એને શું ખબર પડે ? (પ્રકરણ-૩૪,પૃ.રપપ)

આમ,આનવલકથામાં આવતી કહેવતો તત્કાલીન સમાજની પરિસ્થિતિને વ્યક્ત કરતી છે. તો કોઈ સંસારના વ્યવહાર અને શાણપણને લગતી કહેવતો છે.કયાંક ‘કયાં રાજા ભોજ ને કયાં ગાંગો તેલી’ જેવી એકાદ કહેવત આપણને અસમાનતા પ્રગટ કરાવતી જોવા મળે છે.

હિન્દુ સમાજમાં દીકરી અને દીકરા વચ્ચે ભેદ દર્શાવવામાં આવે છે. અને દીકરીને સાપના ભારા સમાન ગણે છે તેવી કહેવત છે : ‘છોડી અને ઉકરડો બેય સરખાં વધતાં વાર જ નહીં ને’ તો સ્ત્રીને પણ ઊંચી આવવા દીધી નથી કહેવત : ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ’ પિતૃપ્રધાન સમાજમાં સામાજિક પ્રતિષ્ઠાના જે ખોટા ખ્યાલો ઊભા થયા છે તે આ કહેવતોમાં પ્રતિબિંબિત થાય છે. માતૃપ્રેમ પ્રગટ કરતી અને માતાના દરજ્જાને ઊંચે ઉઠાવતી કહેવત :‘સિંહાસનનો બેસનાર બાપ મરજો પણ પારકાં દળણાં દળનારી મા ના મરશો.’

‘પડ્યા પર પાટુ’, ‘લાગ જોઈ સોગઠી મારવી’, ‘આંખ આડા કાન કરવાં’ જેવી લોકવ્યવહારની કહેવતો પણ જોવા મળે છે. બિન્દુ ભટ્ટની ‘અખેપાતર’ નવલકથામાં ઢગલાબંધ કહેવતો અને રૂઢિપ્રયોગોનો વિનિયોગ કરેલ નજરે ચઢે છે.

પાદટીપ

  1. (૧) કહેવત કોશ - રતિલાલ સાં.નાયક
  2. (ર) અખેપાતર - બિન્દુ ભટ્ટ

પટેલ અનોખી કનુભાઈ
M.A., M.Phil, Ph.D. (Cont.)
M. 9510109741