સુમન શાહની નવલકથાઓ
સુમન શાહ 1886માં ‘ખડકી’ની પ્રસ્તાવનામાં લખે છે- ‘મને હવે દર વર્ષે ઓછામાં ઓછી એક નવલકથા લખી શકવાની હામ સાંપડી છે ને એટલે હું મારી સાહિત્યિક સક્રિયતાની દિશા જુદા જ આનન્દથી બદલી શકીશ.’ –[1] એમની આ મન્છા પછીના વર્ષોમાં ફળી નથી. ‘બાજબાજી’ નામે બીજી નવલકથા લખી. પણ એક બે વિવેચકોએ એને ‘કામકથા’ કે ‘બાજંબાજી’- કહીને ખરા અર્થમાં પ્રમાણી નહીં. એક નવલકથાકારને બળવાન બનવાનું વાતાવરણ ન મળ્યું. જો કે સુમન શાહની સાહિત્યિક સક્રિયતાની દિશા ફંટાઈનેય સુ-ફળ આપનારી જ નીવડી છે. – ભાષાભવનમાંઅધ્યાપન અને અધ્યાપકલક્ષી સેમિનારો, શિબિરો અને સિદ્ધાંત વિવેચન, સામયિકોના પ્રકાશનની દિશામાં એ વધું ને વધું નિજ-આનંદથી વિસ્તરતા ગયાં. માત્ર વિવેચક તરીકે જ નહીં પણ સમ્પાદક, અધ્યાપક, સંશોધક, અનુવાદક, સંયોજક-ના રૂપમાં એ વિસ્તરતાં જ રહ્યાં છે. વયનિવૃત્તિ પછીના ગાળામાં એમણે જે વૈવિધ્ય સાથેની વાર્તાઓ અને દીર્ઘ નવલિકાઓ લખવાનો આરંભ કર્યા છે એ પેલી પ્રતિજ્ઞાને થોડા જૂદા અર્થમાં પણ પૂરી કરી રહ્યાં છે. નેમ છે વિશ્વકક્ષાએ નિપજી આવે એવી કમસે કમ બે-પાંચ વાર્તાઓ લખાઈ આવે એ .[2] અત્યારે લખે છે એટલી વાર્તા અગાઉ નહોતા લખતા. આજે એ આપણા પ્રમુખ વાર્તાકાર તરીકે મોખરે બેસે છે. એમની વાર્તાઓને સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પણ પોંખવામાં આવી છે .[3] હવે, એમણે સમયને પોતાની રીતે બદલી નાંખ્યો છે. એમની વાર્તાઓ વિશે સ્પષ્ટ નોંધી શકાય એવી બાબત હોય તો એમના જેવી સભાનસર્જકતા દાખવતા વાર્તાસર્જક આ સમયમાં બીજા કોઈ દેખાતા નથી. કથાબીજથી આરંભી વાર્તાના અંગે અંગને સભાન કલાપ્રપંચ વડે આકાર આપનારાં સંવેદનશીલ વાર્તાકાર તરીકે સુમન શાહ હવે પ્રસ્થાપિત છે.
આધુનિક ગાળામાં ‘અવરશુંકેલુબ’-ની વાર્તાઓ લખતા આ સર્જક 86ની સાલમાં આ નવલકથાઓ લખે છે ત્યારે સુરેશ જોશી, મધુરાય, શ્રીકાંત શાહ, રાધેશ્યામ શર્મા, કિશોર જાદવ જેવા પ્રયોગશીલ નવલકથાકારોની રચનાઓ પ્રગટ થઈ ચૂકી હતી. બીજી બાજુ પોતાની રીતે આધુનિકતાની આરાધના કરતા ચંદ્રકાન્ત બક્ષી, રઘુવીર ચૌધરી, સરોજ પાઠક, ધીરુબેન પટેલ જેવા નવલકથાકારોની રચનાઓ પણ નજર સામે હતી-એવા સમયગાળામાં સુમન શાહ પોતાના લક્ષ્ય પ્રતિ સ્પષ્ટ છે. પ્રસ્તાવનામાં લખે છે- ‘મારે વાચકની જોડે બેસીને વાર્તા કહેવી હતી, જુદા પડીને ચીતરવી નહોતી. મારે મુખ્યત્વે નેરશનની પ્રશસ્ત પરિપાટી પર મૌલિક પદ્ધતિએ પાછા જવું હતું ને મારે આપણી પરમ્પરામાં ચાલ્યા આવતા કરામતિયા પ્લોટોથી બચવું હતું. કહેવાતી પ્રયોગશીલતાઓથી અને નિરર્થક ભાષાક્રીડાઓથી પણ બચવું હતું. ટટ્ટાર, સીધી શૈલીએ જી-વ-નને કહેવું હતું.’- પોતાની આ ભૂમિકા સ્પષ્ટ કર્યા પછી નવલકથા લખનારાં સુમન શાહ જે રચનારીતિ અપનાવે છે તે એકદમ સરળ છે.
મારે વાત કરવાની છે એમની નવલકથાઓની. પહેલા ‘ખડકી’- વિશે. સ્વરૂપ લઘુનવલનું છે. (સમયના આટલા પટના વિસ્તાર પછી નવલકથા અને લઘુનવલ- એ બે અલગ સ્વરૂપ વિશેની વિચારણા પણ ફેર વિચારણા માગી લે તેવો મુદ્દો છે.) કથાનો મોટો ભાગ એકાદ સપ્તાહ જેટલા ભૌતિક સમયમાં વિસ્તરે છે. પરમ્પરાગત સર્વજ્ઞ કથનપદ્ધતિ અને પ્રથમપુરુષ એક વચનની પદ્ધતિના મિશ્રણથી આ કથા આલેખાઈ છે. કથાનાયક સોહન મુંબઈમાં રહે છે, વતન વડોદરા પાસેનું એક ગામ. અમદાવાદ ઓફિસના કામે આવ્યો છે. પણ મુડ બદલાતા અચાનક જ વતન જવાની ઇચ્છાએ અઠવાડિયાની લિવ લઇ બસમાં બેસે છે. બસમાં એક જ સીટમાં એક સ્ત્રી – દામીની ગીદવાણી- મળે છે. આછા સ્પર્શથી શરુ થયેલી કથા અંતે જવાહર સોહન પરીખના જન્મ સુધી વિસ્તરણ પામે છે. બસમાં સહપ્રવાસીરૂપે મળેલી અજાણી સ્ત્રી એજ રાતે શૈયાસંગીની બને અને ત્રણ રાત્રી સુધી એ દેહ સંબંધો વિસ્તરે છે બાહ્યસ્તરે, પણ એને નિમિત્ત બનાવીને જે આંતર સ્તરે અને સમાન્તરે થોડી ઘટનાઓ બને છે તે મહત્વની છે.-દામીની, ભીખુબા, રેખા, હીરાકાકા, રત્ના જેવા પાત્રો ક્રમશઃ આકારિત થતાં જાય છે. આખીએ રચનામાં ત્રણેક સ્થળે સ્વપ્ન અને તન્દ્રાઅવસ્થાના દૃશ્યો આલેખાયા છે [4] (એક સ્વપ્નમાં નાયક કહે છે- ‘સ્વપ્નમાં દામિની, એ હાસ્ય કશા સમુદ્ર–જળની ભરતીની જેમ વધતું ને ઊછળતું લાગેલું. પરન્તુ એ જ વખતે મને હાથ આપીને કોઈએ ઉઠાડ્યો. હથેળીએથી પકડમાં લઇને ત્વરાથી મને અંદરના ખંડમાં લઇ જવાયો. અંદર પલંગ પર સાવ જ નિર્વસ્ત્ર યુવતી હતી. એણે મને આંગળીથી પોતાની પાસે આવવા ઇશારો કરેલો ! એ કદાચ પેલી મારી બગલમાં ભરાયેલી સ્ત્રી હતી, કદાચ એ જ હતી જેણે મને કઠેરેથી ઉપર બોલાવેલો. ક્ષણાર્ધ એનો ચહેરો મને સીમા જેવો લાગ્યો હતો ને હું દામિની, મારી પથારીમાં સડાક દઇને બેઠો થઈ ગયેલો. મને બધે ખૂબ પરસેવો વળેલો ને મારે પાણી પીવું હતું’.) એનું અનેક અર્થોમાં વિસ્તરણ થઇ શકે.
સોહન, સતત માનતો રહ્યો છે કે લોનાવાલા બસ અકસ્માતમાં સીમાનું મૃત્યું થયું નથી. સીમા એને છોડીને ચાલી ગઇ છે. એમની દીકરી રત્નાને પણ છોડી ગઈ છે. કારણ સ્પષ્ટ નથી પણ એણે જે પ્રેમની કલ્પના કરી તી એમાં કદાચ સોહન ફીટ ન બેઠો. સોહને એ આવશે એવી રાહમાં ફરી લગ્ન પણ નથી કર્યાં અને અન્ય સ્ત્રી સાથે સંબંધ પણ નથી બાંધ્યો. હા, એ વિચારે છે એમ- આ તું શું કરી આવ્યો સોહન...? તારી આટલા વર્ષોની જૅન્ટલમેન તરીકેની ઇમેજ ધૂળમાં મળી ગઈ.. ! તારું ઘોર પતન થયું. પણ શી ખબર અમદાવાદની આ ટ્રિપમાં મને શું થઈ ગયું..? હું શું કરવા વતન ગયો ? એના કરતાં મુંબઈ પાછો ફર્યો હોત તો ? તો બધું સીધી લીટીએ જ ચાલ્યા કર્યું હોત...!! -[5] અહીં નાયકના મનોસંઘર્ષને આલેખવા માટે સ્વપ્ન, તંદ્રાવસ્થા અને જાગૃત ચિન્તનનો સરસ ઉપયોગ કરવામાં આવ્યો છે. સોહન એના વ્યવસાયમાં, એના કૌટુંબિક સંબંધોમાં સરળ, તેજસ્વી, હસમુખો અને કામઢો છે. હા, અંદરથી સહજ રીતે જ સીમા જે રીતે ઝઘડીને ગઇ હતી એનો ડંખ ભૂલી નથી શક્યો પણ સાથોસાથ એ બહારથી સ્વસ્થ રહીને જીવન જીવી રહ્યો છે.
સામાજિક મુલ્યો સાથે વૈયક્તિક જરૂરિયાતો, પરિસ્થિજન્ય પ્રતિભાવરૂપ ઘટનાઓ અને આંતરમન સાથેનો સંઘર્ષ આ કથાના ચાલકબળ તરીકે કામ કરે છે. સોહન અને રેખાનું દાંપત્યજીવન, પ્રેમના સંકુલરૂપને પ્રગટ કરે છે. તો દામિની સાથેનો સંબંધ શારીરિક જરૂરિયાત પૂરતો સિમિત ન રહેતા અવકાશને ભરનારાં અનેરા અર્કરૂપ બને રહે તે પ્રકારનું આલેખન વાચકચિત્તને સંતૃપ્ત કરે છે. સોહન પ્રમાણમાં ખુલ્લા મનનો, આધુનિક વિચારસરણીવાળો પણ સમાન્તરે જ ચોક્કસ મુલ્યોના જતન કરનારો અને એમ ન થાય ત્યારે ચિત્તસંગ્રામમાં ખૂંપી જનારો છે. એ કશુંય છોડી શકે તેમ નથી. ભલે એ બેપરવાહ લાગે પણ છે નહીં. એ પત્નીના અકસ્માતે થયેલા મૃત્યુને સ્વીકારવાના બદલે પોતે પોતાને જવાબદાર ઠેરવીને આત્મપીડનમાં રાચે છે. તો દામિની સાથેના અફેરને એ સહજ રીતે છોડવાને બદલે જવાબદારીથી નિભાવવા તત્પર બને છે એમાંય આંતરમન સાથે સંઘર્ષમાં છે. હરિકાકા સાથેનો પ્રત્યક્ષ સંઘર્ષ અને એમનું અપમૃત્યુ પણ પોતાના જ કારણે હોવાનું એ અનુભવે છે એમાં એની માનવીય સંવેદનશીલતા રહેલી છે. પ્રેમાળ પુત્ર, પ્રેમાળ પતિ, પ્રેમી, પિતા, બાહોશ વ્યવસાયી, સાહસિક વ્યક્તિ ઉપરાન્ત પોતાની આસપાસની વ્યક્તિઓ સાથે આંતરમનથી ગાઢ રીતે સંકળાયેલો અનુભવાય છે.
સમગ્ર કૃતિમાં સર્જકની નીરિક્ષણ શક્તિ મજા કરાવે છે. મુંબઇથી અમદાવાદની ફ્લાઈટમાં ઉડાનથી આરંભાઈ રત્નાને અમેરિકા વળાવવા નીકળતો સોહન નાનામાં નાની વિગતો જીણવટથી જુએ છે. એને સંવેદે છે. નાનકડા ફેરફારને પણ એ ચૂકતો નથી. ભૂતકાળ- વર્તમાન કાળ સમાન્તરે વિસ્તરતા જઈને એના બદલાવો સમેત ચિત્તમાં ઝીલાતા હોવાથી કૃતિનો સમયપટ પેઢી બે પેઢી વિસ્તરતો અનુભવાય છે. વતનનું આખું ગામ, ખડકીનો આખો માહોલ આકારિત થતો રહે છે. વર્ણનોમાં તાજગી છે- ‘ચાલતાં ચાલતાં એને થયું ગઇ રાતે પોતે આ જ ખડકીમાંથી દામિની જોડે પસાર થયેલો. અત્યારે ખડકી એને વધારે ઉડજ્જડ લાગી. કદાચ એકલો હતો એટલે પણ એમ લાગ્યું હોય. એને થયું બધું માણસ વગરનું સૂનું અને જીર્ણ થઈ ગયું છે. એક જમાનાની આ શેઠ દામોદર પારેખની ખડકી..કેવી છે અત્યારે...મકાનોની ભીંતોને ચૂનો ઠેકઠેકાણે ઊખડી ગયો છે. થાંભલા ને ઝરુખાનું લાકડું નર્યા ભૂખરા રંગનું, આંખોને અખરે છે. લાકડાંમાં બધે ફાટો-ફાટો પડી ગઈ છે. સોહને માન્યું કે અહીંના ભડુઆતો ક્રમે ક્રમે ચાલી ગયા હશે, ને પછી ગમે એને હીરાકાકા ભાડે નહીં આપતા હોય. ખડકીનાં આ બધાં જ મકાન દામોદર શેઠે સંપડાવેલાં. બંગલો જોકે એમને એમના બાપા હરિવલ્લભ પારેખના વારસામાં મળેલો. એ જમાનામાં દામુ પારેખની ગામ આખામાં ભારે પ્રતિષ્ઠા હતી. એ ધીરધાર કરતા ને એમનો રૂ-કપાસનો બહોળો વેપાર હતો. દાદા મુત્સદી હતા. વડોદરાના દીવાન પણ બે વાતે એમની સલાહ લેતા.’ [6] એમાં રહેતી વ્યક્તિઓના ભૂતકાળ સમેતના બદલાવો આપણા ચિત્તમાં આકારિત થતાં જાય છે- આ પ્રકારનું સંકુલ વિશ્વ એમણે સરળ કથનપદ્ધતિએ આપણી સામે આલેખી આપ્યું છે. મને આશ્ચર્ય છે, આવી જિવન્ત કૃતિ કેમ આપણા ગુજારાતી સાહિત્યમાં જોઈએ એવી સ્વીકારાઈ નથી. એ આપણી બેપરવાઈ અને બાયસ બતાવે છે.
‘બાજબાજી’ -1989માં પ્રકાશિત થઈ હતી. ‘ખડકી’ અને ‘બાજબાજી’ એક સાથે વાંચીએ ત્યારે અવશ્ય બંનેની તુલના થયા વિના રહે નહીં. આલેખન રીતિ વિશે લેખકે પોતે જ સ્વીકાર કર્યો છે એમ- ‘વાચકની જોડે બેસી વાર્તા કરહેવાની જુદી જ કથનશૈલીનો ખડકી પછીનો આ મારો બીજો પ્રયોગ છે. એ શૈલીનો મેં અહીં વધુ લાભ લીધો છે. નૅરેશનની પ્રશસ્ત પરિપાટીએ છતાં મૌલિક પદ્ધતિએ પાછા જવાની મારી એ નૅમમાં મેં જોયું કે મને અહીં વધુ સફળતા મળી છે.- પાવરફુલ સ્ટોરી ટેલિન્ગ છતાં જૂની પદ્ધતિનું નહીં એવી સ્વકીય પરિપાટીએ આ કથનશૈલીને હવે પછીની નવલોમાં હજી વધારે જુદી રીતે વિકસાવીશ...’- એમ કહીને એમની પાસેથી વધારે નવલકથાઓ મળવાની હોવાનો અંદેશો તો રજૂ કરી જ દીધેલો. આ કથન શૈલી એમને માફક આવી ગઈ છે, એનો વધુ કસ કાઢવાની એમની નેમ છે, અને આ કથાના અન્તે જાહેરાત પણ કરી છે ત્રીજી નવલકથા- ‘ફાર્મહાઉસ’ની.
આ કથામાં કથાનક તો પાંખુ જ છે. બાહ્યસ્તરે ઘટતી ઘટનાઓ પણ પ્રમાણમાં ઓછી છે. ચિત્તમાં ચાલતી રમણાઓનું આલેખન સવિશેષ છે અને એ રીતે ચરીત્રો, ઘટનાઓની ગડ પછી ગડ ઉઘડતી જાય, મુખ્ય પાત્ર સંજય શાહ અને સોમી, સોમીની બહેન લીલી, જગદીશ- જગો એની બહેન મંજૂ અને અને દાણચોરીમાં સક્રિય રાજાબાબુ. આસિસ્ટન્ટ લાઈબ્રેરીયન તરીકે અમદાવાદની હાઇકોર્ટની લાઈબ્રેરીમાં નોકરી કરતા સંજયના મનોરથ બહુ મોટા નથી, પણ ગામના અને લંગોટિયા મિત્રો એવા જગા અને મંજૂની મૈત્રી એને સમયે સમયે બહેકાવનારાં છે અને એમાં તણાવું ગમે- એવો તરલ, થોડો લલચાઈ જાય એવો સ્વભાવ તો છે જ. એની પત્ની અને બાળસખી એવી સોમીને એ અનહદ ચાહે છે, પણ સાથોસાથ એની સાથે પહેલીવાર શરીર સંબંધ જગાએ બાંધ્યો હોવાની વાત એના મનમાં પડેલી છે- એ શંકાના વલયો વિસ્તરતાં જ જાય છે. જગો અને મંજૂ ભાઇ બહેન, નાનપણથી અનાથ થયેલા, લગ્ન નથી કર્યા એકેયે. બને મિત્રો જેમ વધારે રહે છે. એમને કોઈ વાતનો છોછ નથી. બિન્દાસ છે. પ્રગટરૂપે એ મ્યુઝિક ગૃપ ચલાવે છે, શૉ કરે છે. મંજૂ મોનિકા નામે ગાયિકા છે. રાજાબાબુ- મૂળમાં રણછોડ અને સંજયનો પિતારાઈ ભાઈ- બાળપણથી અવળા રવાડે ચડીને દાણચોરી, નશીલા પદાર્થોનું વેચાણ- જેવા ધંધામાં જતો રહેલો. એ આ બંનેને સ્પોન્સર કરનારો છે. સંજયની સાળી લીલી એની મૃત બેન સોમી જેવી જ સુન્દર પણ બાળપણમાં શીળી નીક્ળ્યા એમાં જીભ ગુમાવી બેઠેલી. મુંગી છે. જે જગા પર સોમી સાથેના આડા સંબંધનો વ્હેમ છે, એ જ જગો લીલી પર રેપ કરવાની કોશીશ કરે છે- એમાંથી સંજય લીલીને બચાવે છે પણ ઝપાઝપીમાં જગો ત્રીજા માળેથી ફેંકાઈ જાય છે.- આમ, પત્ની સોમી અને જગાના અપમૃત્યુમાં સંજય પોતાને ઓછાવત્તા અંશે જવાબદાર ગણે છે, બને છે.- બાહ્ય કથા આ છે. આ ઉપરાન્ત અન્ય ગૌણ પાત્રોમાં મંગળકાકા, સસરા જમનાદાસ, રમેશના ચરિત્રો ટૂંકા હોવા છતાં આછા લસરકે પણ ઘાટી રીતે આકારિત થયાં છે.
આરંભે જ સોમીનું મૃત્યુ થઈ ગયું છે. બારમાની વિધિ ચાલતી હોય છે- એ વખતે સંજયના ચિત્તમાં ચાલતી સ્મૃતિઓ નિમિત્તે કથા ભૂતકાળની ઘટનાઓથી માંડી વર્તમાનના અંકોડાઓ સરસ રીતે ઉકેલાતા જાય છે. સાવ સહજ રીતે. એમાં આ પાત્રોના સ્વભાવની ખાસીયતો, એમના સંબંધોના આટાપાટા, બાહ્યસંબંધો પાછળની એમની દાનતો, આંતરિક સંબંધોની પોકળતા અને જરૂરિયાતો- ખાસ તો શરીરસંબંધી. પ્રગટ થતી રહે છે. કપડાઓ પહેરવાથી માંડી, ખાવું-પીવું, વેજ-નોનવેજ ખાવાથી માંડી સિગારેટ, ન્યૂડ ફિલ્મો સુધીનું એમનું ખેંચાણ, વિસ્તરણ તો છેક ચોરી અને બ્રાઉન સુગરની હેરાફેરી સુધી વિસ્તરે છે- અને એ ખેંચાણ પાછળની એમની માનસિકતા સરસ રીતે આલેખાઈ છે. આ વલયો જન્મ્ય છે પેલી શંકાની નાનકડી કાંકરી પડવાથી. સંજયનું ચિત્ત સોમીમય તો છે જ, એ ચાહે છે, પણ લગ્ન પહેલાની પિતાજી બિમાર હતા ત્યારે સોમીને – વાપરવાના ઇરાદાથી જ બોલાવેલી સંજયે- પણ અચાનક જવું પડ્યું પિતાની દવા લેવા ને કળા કરી ગયો જગલો. એ વાત પછીથી ખટક્યા કરી જિંદગી ભર તે જગાના ખૂન કરવા સુધી- ભલે અકસ્માતે પણ ત્યાં સુધી પહોંચે છે. એનું સ્વાભાવિક લાગતું, કશીય મસાલા સ્ટોરી જેવું નહીં પણ પૂરું ગમ્ભીર આલેખન અહીં થયું છે.
કથાનો પૂર્વાર્ધ સીમાના મૃત્યુ, એની ઉત્તરક્રિયા અને ગંગામાં અસ્થિ પધરાવવા જાય છે- એમાં ખર્ચાય છે. એ દરમિયાન ભાવક ચિત્ત સામે સંજય, સોમી, લીલી અને અન્ય ગૌણ પાત્રો ક્રમશઃ આકારિત થતાં જાય છે. એ તબક્કામાં સંજયની બદલાતી મનોસ્થિતિઓ, ઉઠતા આવેગો, સીમા સાથેના ગાળેલા ઉત્તેજક પ્રસંગો ને સમાન્તરે જ કઠતા પ્રસંગોની હારમાળા આપણી સામે ઉઘડતી આવે છે. રેલવેની મુસાફરી દરમિયાન એક સ્ટેશને ઉતરે ને ડબ્બો ચૂકી જાય, એના પૈસાની ચોરી કરી જતાં રાજસ્થાની ફેરિયાઓ, ધરમશાળાના રૂમમાં નીકળતો સાપ, અમદાવાદમાં આવ્યા પછી સાળી લીલીને સાથે રાખીને રહે છે ત્યારે ઉઠતા પ્રશ્નો- આ કથાને બહેકાવીને ભાવકને જકડી રાખવામાં સફળ થાય છે. રાજાબાબુ-જગા-મંજૂ-ની ત્રિપુટી એક સમયે આ કથાને મનોરંજક-રહસ્યભરી કથાની લગોલગ લાવી મુકનારાં પાત્રો લાગે છે, પણ સંજય પર નવલકથાકારનું ફોકસ અકબંધ રહેવાના કારણે કથા ટકી જાય છે. તેમ છતાં કહી શકાય કે એક કારણે સંજય સીવાયના પાત્રો એકધારા અને સપાટ પણ રહી ગયા છે. એ આરંભે જેવા છે એવા જ પછી પણ રહે છે. જે જે ઘટનાઓએ સંજયમાં આંતર પરિવર્તનો માટે ધધક જગવી છે એવી કોઈ બીજા પાત્રોમાં જન્મી નથી. એ પણ હકીકત છે. કદાચ એ વાતે સભાન સુમન શાહે આ કથાના પશ્ચાદકથનમાં લખ્યું છે- સંજયના જીવનના ચારેક માસની આ કથા હકીકતે એની સમગ્ર કારકિર્દીની કથા છે અને એ એની જ કથા છે. પરિણામે બાજબાજી બાયોગ્રાફિકલ નૉવેલ હોવાનો ભ્રમ ઊભો થાય છે. હકીકતે એ એની આસપાસનાંનીય કથા છે, એક વીતી ચૂકેલા સમયની કથા છે, એ સમયમાં પ્રગાઢપણે જીવાયેલા પ્રેમ-સંવેદનની અને પ્રેમમૂલ્યની કથા છે... [7] જો કે, કથાને સમગ્ર રીતે જોઈએ ત્યારે એમની આ વાત સાથે પૂરેપૂરા સહમત થઈ શકાતું નથી.
હા, શારીરિક આવેગો, રતિક્રિડાઓ તરફનું નાયકનું ખેંચાણ અવારનવાર એક સમ પર આવી જતું હોવાથી, કથામાં એ જ કેન્દ્રમાં રહેતું અનુભવાય પણ જયંતિ પટેલે કહ્યું હતું એમ આ ‘કામકથા’ નથી. લેખકે સભાન રીતે ‘બાજબાજી’- ફાલ્કનરી- આલેખી છે. કોણ સાપ, કોણ નોળીયો, કોણ બાજ- એ વાચકે નક્કી કરવાનું રહે. જોકે એ પણ નક્કી ન થઈ શકે. બધા જ બાજ છે, બધા જ સાપ છે. બધાને કશીક ભૂખ છે, ને બધાને ધધકતી ઇચ્છાઓના પૂર છે. જીવન છે. તક મળે ત્યારે સૌને બગડવું છે. સાથોસાથ બગ્ડ્યા પછીનો પસ્તાવો પણ છે. આ ઉભય પર અટવાયેલા સાચુકલા માણસની આ કથા છે.
‘ખડકી’ અને ‘બાજબાજી’ વચ્ચે આલેખનની સામ્યતા છે, કેટલાક સ્થળો, પાત્રો અને એમના માનસની સામ્યતા પણ ક્યાંક જણાય. મોટી સામ્યતા છે એના નાયક વડે બે પાત્રોના અકસ્માતે થતાં મૃત્યુ માટે જવાબદાર હોવાનો ઑથાર. ખડકી પ્રમાણમાં વધારે ચૂસ્તીવાળો આકાર ધરાવે છે. એમાં સંવેદનવિશ્વનો એક આકાર સર્જાયતો અનુભવાય છે તેની સરખામણીએ બાજબાજી થોડી શિથિલ અનુભવાઈ. ખડકીમાં સોફેસ્ટિકેટેડ વાતાવરણ છે, એમાં માનવીય સ્ખલનોનું આલેખન છે તે બાજબાજીમાં પણ છે, પણ બાજબાજીના પાત્રો વધારે પડતાં રફ, વધારે પડતાં મુખર અને કંઈક અંશે દબંગ ટાઈપના છે. એમાં સુમન શાહે જે ગાળો, અંગોના દેશી નામો સાથેના જાતીયક્રિડાઓના આલેખનો કર્યા છે એ નર્યાં દેશી અને વલ્ગર લાગે તે હદના છે. કદાચ એ જ એમણે ઉપસાવવું છે. પણ વાચક જો સંજયના ચિત્તને ઊંડાણથી ન સમજે તો લેખકના ઉદ્દેશને હાનિ પહોંચવાનો સંભવ પૂરેપૂરો છે.
એમણે કશાય મોટા બાહ્ય સંઘર્ષને નહીં પણ આંતરસંઘર્ષ- ખાસ કરીને દૈહિક સંબંધો, મૈત્રીના અર્થો, કુટુંબીઓ સાથેના સંબંધોમાં રહેલ સારપ, આસારતાને આગવી રીતે આલેખી આપ્યાં છે. ‘ખડકી’માં ઉપસતા ભીખુબા અને હરિકાકા-ના પાત્રો આપણા ચિત્તમાં જડાઈ જાય એટલી હદે અસરકારક નીવડ્યા છે. તો ‘બાજબાજી’ના મંગળકાકાનું પાત્ર પણ એમના બેવડા ચહેરાઓ સાથે આપણાં ચિત્તમાં આકાર પામે છે. સુમન શાહ સભાન રીતે પાત્રો અને એના મૂડને વ્યક્ત કરનારી ભાષા પ્રયોજે છે. બોલી, શુદ્ધ ગુજરાતી ઉપરાન્ત અંગ્રેજી મિશ્રિત ગુજરાતીના પ્રયોગો કથાને પરિમાણો આપનારાં નીવડે છે.
આ નવલકથા વાર્તા કહેવા માટે છે. વાર્તા આનંદ માટે છે. સાથે કશા મોટા જીવનસંદેશને કે આનંદથી ઇતર એવા કોઈ ઉદ્દેશ માટે આ રચના લખાઈ હોય એવું નથી. એટલે એ ઉતરતી છે એમ કહેવાનો આશય જરા પણ નથી. સ્ત્રી-પુરુષના જીવનમાં આવતા વારા-ફેરાઓ, સંબંધોના તાણાવાણાઓ, ઉથલ-પાથલો અને પરિવર્તનો અહીં પ્રતિબિમ્બિત થયાં છે. સાચકલા માણસ કેવા કેવા જીવનપ્રવાહમાં અટવાયા કરતા હોય છે ને જીવન વહ્યે જતું હોય છે તેનું બહુપરિમાણિય રૂપ આ કથાઓમાં મળે છે.
ગુજરાતી ભાષામાં બે દાયકાઓથી નવલકથાઓમાં જે સુસ્તી આવી છે એને ઉડાડવા માટે સુમન શાહ પાસેથી વધારે રચનાઓ મળે તે ઇચ્છનીય લાગે છે.