મન્ટો કૃત વિભાજન વેદનાની વાર્તાઓ
૧૮મી જાન્યુઆરી ૨૦૧૫ના રોજ મન્ટોના અવસાનને ૬૦ વર્ષ પૂરા થશે.સઆદત હસન મન્ટો(૧૧-૦૫-૧૯૧૨થી ૧૮-૦૧-૧૯૫૫) એક એવું નામ જેણે ઈશ્વર-અલ્લાહના મહામુલા સર્જન ગણાતા સજ્જન અને સંસ્કારી માણસનો કદરૂપો ચહેરો કોઈ પણ જાતનો છોછ રાખ્યા વિના પૂરેપુરી નિષ્ઠાથી પોતાના સર્જનાત્મક ચિત્રમાં ચીતર્યો.શરીફા વીજળીવાળાએ મન્ટોની વાર્તાઓ ગુજરાતીમાં અનુવાદિત કરીને પ્રગટ કરેલા પુસ્તકના પ્રાસ્તાવિક લેખમાં મન્ટોની સાહિત્યિક પ્રતિભા-વેદના અને જીવન જીવવાની લાક્ષણિક્તાઓ સુપેરે રજૂ કરી છે.મન્ટોએ તેમની કૃતિઓમાં સામાજિક-રાજનૈતિક મુદ્દાઓને ઊંડાળતાથી તપાસ્યા છે.એ ઊંડાળને પામવા માટે પણ માણસાઈની જરૂર પડે॰ભારતની આઝાદી સાથે વેઠવો પડેલો ભાગલાનો કારમો ઘા આ લેખકની આંતરચેતનામાં તેમના મૃત્યુ સુધી સજીવન રહ્યો હતો અને એમના રચાયેલા સર્જનમાં સૃષ્ટિપર્યંત સજીવન રહેશે.એ વેદનાના પડઘા તેમની વાર્તાઓમાં એટલી પ્રમાણિકતાથી પડ્યા છે કે કહેવાતા સભ્ય સમાજે પોતાની નીચતા સ્વીકારી લેવી પડે અથવા આંખ આડા કાન કરવાનો પ્રચલિત રસ્તો અપનાવવો પડે.તેમની લગભગ બધીજ વાર્તાઓમાં વિભાજનની વેદનાના સૂર પ્રબળતાથી પ્રગટ થયા છે. અહી તેમની ‘ખોલ દો’,’ઠંડા ગોશ્ત’ અને ‘ટોબા ટેકસિંહ’ એ ત્રણ વાર્તાઓ વિશે વાત કરવી છે જેમાં વિભાજને પાથરેલી ક્રૂરતા વ્યક્ત થયેલી છે.
‘ખોલ દો’નું અનુવાદિત શીર્ષક છે ‘ખોલી નાખ’.વાર્તામાં ભારત પાકિસ્તાનનાં ભાગલાને લીધે ફાટી નીકળેલા કોમી રમખાણોમાં સિરાજુદ્દીનની પુત્રી સકીના ખોવાઈ ગયેલી છે.સિરાજુદ્દીન પોતે રાહતકેમ્પમાં આશરો લઈ રહ્યો છે અને પોતે જે દુખ વેઠયું અનુભવ્યું એનાથી સાવ ભાંગી પડ્યો છે.એની સામે જ એની પત્નીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. ”એના બધા આંતરડા બહાર ઢગલો થઈ ગયાં હતા..***સિરાજુદ્દીનની નજર સામે જ એનો જીવ ગયો.”(સઆદત હસન મન્ટો કેટલીક વાર્તાઓ ,અનુ.શરીફા વીજળીવાળા,પ્રકાશક-સ્વમાન પ્રકાશન અમદાવાદ,પ્રથમ આવૃતિ-૨૦૦૩,પૃષ્ઠ-૩૯) એક બીજાના દુશ્મન બનેલા હિન્દુ-મુસ્લીમે જે રીતે માનવીયતાનું ખૂન કર્યું તેનાથી નિર્દોષ અને સંવેદનશીલ લોકોએ જે વેઠયું એનું વર્ણન અહી સિરાજુદ્દીન-સકીનાના પાત્ર દ્વારા થયું છે.કોમી હુલ્લડોએ ભય અને હિંસાનું જે વાતાવરણ ઊભું કર્યું તેનાથી બચવા અને રાહત મેળવવા ઠેર ઠેર રાહતકેમ્પ ઊભા કરવામાં આવેલા.જુઓ-“અમૃતસરથી સ્પેશિયલ ટ્રેન બપોરે બે વાગ્યે ઊપડી અને આઠ કલાક પછી મુગલપુરા પહોંચી.રસ્તામાં કેટલાય માણસોની હત્યા થઈ ,સેંકડો ઘાયલ થયા અને કેટલાય રખડી પડ્યા .***એમ તો કેમ્પમાં ચોતરફ કોલાહલ મચેલો હતો પણ વૃદ્ધ સિરાજુદ્દીનના કાન સાવ બહેરા થઈ ગયાં હતા.એને કશુ જ સંભળાતું નો’તું.કોઈ એને જુએ તો એમજ ધારી લે કે એ કોઈ ઊંડી ચિંતામાં છે.પણ હકીકતે એ સાનભાન ગુમાવી બેઠો હતો.એનું સમગ્ર અસ્તિત્વ જાણે જડવત થઈ ગયું હતું.”(એજન) વળી આવી સ્થિતિમાં કુસેવા કરવાના આશય સાથે શોધખોળ કરનારા સ્વયંસેવકો ઉપર સિરાજુદ્દીન સાચો ભરોસો રાખીને પોતાની ખોવાયેલી પુત્રી સકીનાનો દેખાવ વર્ણવે છે.સિરાજુદ્દીન આ સ્વયંસેવકોના ભલા માટે ખુદાની બંદગી પણ કરે છે.સ્વયંસેવકોને સકીના મળે છે પણ તેઓ તેને સિરાજુદ્દીન પાસે લઈ જતા નથી અને સકીનાની ખૂબ કુસેવા કરે છે.
ઘણા દિવસો પછી બેભાન અવસ્થામાંસકીના મળે છે,દવાખાનના અંધારા ઓરડામાં પ્રકાશ થતાં જ ચહેરા પરનો તલ જોઈને સિરાજુદ્દીન સકીનાને ઓળખી જાય છે.ડોક્ટર સિરાજુદ્દીનને બારી ખોલી નાખવાનો આદેશ આપે છે પણ ‘ખોલી નાખ’ સાંભળીને સકીના પોતાના બેજાન હાથો વડે સલવારની નાડી ખોલીને સલવાર સરકાવી દે છે ત્યારે પોતાની દીકરી જીવતી હોવાને લીધે સિરાજુદ્દીન ખુશ થાય છે. અંતનું વાક્ય છે-“દાક્તર પગથી માથા સુધી પરસેવામાં નહાઈ ચૂક્યો હતો.” સકીના પોતે સ્ત્રી,તેમાય રૂપાળી સ્ત્રી એટ્લે બસ જ્યાં જુઓ ત્યાં શારીરિક શોષણ!અંતમાં ડોક્ટર પણ એજ પુનરાવર્તન કરે છે.એના ઉપર થયેલા વારંવારના બળાત્કારના કારણે એના ચિત ઉપર જે અસર થઈછે તે અહી તેની સલવાર સરકાવવાની ક્રિયાથી એવી વેધક રીતે રજૂ થઈ છે કે સકીના-સિરાજુદ્દીનની વેદનશીલતા ખરા વાચક-ભાવકના ચિતમાં હંમેશા માટે યાદ રહી જાય છે.
‘ઠંડા ગોશ્ત’ વાર્તાનું અનુવાદિત શીર્ષક છે-‘ટાઢું ગોશ્ત’.આ વાર્તાના મુખ્ય બે પાત્રો ઈશરસિહ અને કુલવંત કૌર બંને એકબીજાને શારીરિક આનંદ આપનારા છે.ઈશરસિહ ઘણા દિવસ પછી મળવા આવ્યો છે એટ્લે કુલવંત કૌર એને વળગી વળગીને ચુંબન કરે છે.ઘણા દિવસો પછી મળેલા ઈશરસિહમાં કુલવંત કૌર પરીવર્તન જુએ છે,હમેશા તેને શારીરિક સુખનો આનંદ આપનાર ઈશરસિહ આજે તેની સાથે શારીરિક સંબંધ બાંધી શકતો નથી.કુલવંત કૌરને શંકા જાય છે કે ઈશરસિહ કોઈ બીજી સ્ત્રી સાથે મજા કરી રહ્યો છે એટલેજ ઘણા દિવસો પછી પોતાની પાસે આવ્યો હોવો જોઈએ અનેશારીરિક સંબંધ બાંધી શકતો નથી .”કુલવંત કૌરે એને ઉશ્કેરવાનીબહુ કોશિશ કરી પણ એની બધી કોશિશ નિષ્ફળ ગઈ.આજ દિવસ સુધી તો બધું વગર કહ્યેજ થતું આવ્યું હતું.કુલવંત કૌરના તલપાપડ અંગોને હદ બહારની નિરાશા સાંપડી ત્યારે કાળઝાળ કુલવંત પલંગથી હેઠે ઊતરીગઈ.”(એજન,પૃ.૫૨) તે ઈશરસિહને એ બાબતે પૂછે છે અને ઈશરસિહ આ બધાના મૂળમાં એક છોકરી હોવાનું કબૂલે છે ત્યાં જકુલવંત કૌરઈશરસિહનું કિરપાણ ઈશરસિહના ગળા ઉપર ફેરવી દે છે.આ વાર્તામાં મરતા મરતા ઈશરસિહનું બયાન રજૂ થયું છે.હકીકતે કેટલાક દિવસો સુધી ઈશરસિહે કોમી હુલ્લડોમાં લૂટફાટ ચલાવી હતી અને પોતાની કિરપાણથી છ માણસોની હત્યા કરીને એક છોકરીને ભોગવવાના ઇરાદાથી ઈશરસિહ ઉચકી જાય છે પણ જ્યારે એ છોકરીને ભોગવવા જાય છે ત્યારે-“એ તો મરી ગઈ હતી...લાશ હતી...બિલકુલ જ ટાઢું ગોશ્ત...”(એજન પૃ-૫૪) આ ઘટનાએ ઈશરસિહના મનોજગતમાં હલચલ મચાવેલી હોવાથી તે કુલવંત કૌર સાથે પણ શારીરિક સંબંધ બાંધી નથી શકતો કારણ કે પોતે નપુંસક બની ગયો છે.
અહી કુલવંતના પાત્રમાં લેખકે Hyper Sexuality-અતિકામુકતા રજૂ કરીને તેની સામે ઈશરસિહની Hyper Sensitising-અતિસંવેદનશીલતાના નિર્માણની સ્થિતિ દ્વારા Hypertension-અતિતંગ અવસ્થા રજૂ કરી છે.વાર્તાકારે વિભાજન સમયની ક્રૂરતા વખતે બચેલી કુચેલી માનવિયતાના દર્શન કરાવ્યા છે. ઈશરસિહ છ લોકોને માર્યા પછી પણ મૃત છોકરીને જોઈને ઘેરા પ્રત્યાઘાતથી પોતાના દિલમાં પસ્તાવાનો ભાવ-માનવતા પ્રગટાવી શકે છે અને જે કિરપાણથી એણે લોકોને મારેલા એજ કિરપાણ પોતાના ગળા ઉપર કુલવંત કૌર ફેરવે ત્યારે મરતી વખતે શાંતિથી ડર્યા વિના,ગભરાયા વિના ઈશરસિહ જાણે કે પ્રાયશ્ચિત કરી રહ્યો છે.અંતમાં ઈશરસિહની હાલત પણ પેલી છોકરી જેવી જ થાય છે-“ઈશરસિહનો હાથ બરફથી પણ ટાઢો હતો.”(એજન)
આ વાર્તામાં મારદબખ્ત,ભડવી,હરામજાદી,રાંડ,છીનાળ જેવા શબ્દો-ગાળ અને શારીરિક સંબંધ પહેલાના ઉત્કટ આવેગશીલ ચુંબનોનું વર્ણન છે,જે વાર્તાની જરૂરિયાત મુજબ સહજ છે,પણ આ વાર્તાને લઈને પાકિસ્તાન સરકારે લેખક ઉપર અશ્લીલતા સંદર્ભે કેસ ચલાવીને દંડ કરેલો. વિચારીએ તો આ વાર્તા અશ્લીલતા નહીં પણ માનવિયતા જન્માવી શકે એ મન્ટોની વાતમાં ખરેખર દમ છે અને એ ખરેખરા વાચકને સમજતા વાર નથી લાગતી.તેમ છતાં જેને કળા-સાહિત્ય-માનવિયતાની સમજ ના હોય એવાં કોઈને એમાં એ બધુ ખરાબ લાગે તો મન્ટોએ તો કહ્યું જ છે કે-
“ If you find my stories dirty the society you are living in is dirty.With my stories,I only expose the truth”
‘ટોબા ટેકસિંહ’વાર્તા મન્ટોની અત્યંત નોંધપાત્ર કૃતિ છે.શરૂઆતનું વર્ણન જુઓ-“વિભાજનના બે-ત્રણ વર્ષ પછી પાકિસ્તાન અને હિંદુસ્તાનની સરકારોને વિચાર આવ્યો કે જેલ ભોગવી રહેલા કેદીઓની જેમ જ ગાંડાઓની પણ અદલાબદલી થવી જોઈએ.એટલે જે મુસલમાન પાગલ હિંદુસ્તાનના પાગલખાનામાં છે,એને પાકિસ્તાન પહોચાડી દેવામાં આવે અને જે હિંદુ અને શીખ પાકિસ્તાનના પાગલખાનામાં છે,એમને હિંદુસ્તાનને હવાલે કરી દેવામાં આવે.”(એજન,પૃ.૧૧) આ સમાચારે પાગલખાનામાં વાતાવરણ બદલી નાખ્યું છે.કેટલાક પાગલોનું વર્ણન લેખકે રમૂજપૂર્વક એ રીતે કર્યું છે કે જેના દ્વારા આપણને વિભાજન સમયની અમાનવીય સ્થિતિએ સંવેદનશીલ લોકોના ચૈતસિકજગતમાં શું પરિવર્તન કરી નાખ્યું એની ખબર પડે છે.એકજ દેશના થયેલા બે ટુકડામાં હવે પાગલોએ પણ વહેચાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું છે.
વાર્તાનું મુખ્ય પાત્ર છે પાગલ બિશનસિંહ જેને બધા ટોબા ટેકસિંહના નામે ઓળખે છે.એ બધા પાગલોમાં જુદો તરી આવી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે,પોતાના વતન ટોબા ટેકસિંહ વિશે બધાને પૂછતો રહે છે.૧૫ વર્ષથી એને કોઈએ સૂતેલો જોયો નથી.એ પૈસાવાળો માણસ હતો અને ટોબા ટેકસિંહ નામના ગામડામાં પોતાની જમીન ધરાવે છે,બસ અચાનક જ પાગલ થઈ ગયેલો.પહેલા એને એના સ્વજનો મળવા આવતા હતા પરંતુ કેટલાય સમયથી તેને કોઈ મળવા આવ્યું નથી અને હાલમાં અદલાબદલીની વાતને લીધે તે પોતાના વતન ટોબા ટેકસિંહ વિશે વધુ સભાન બનીને બીજા પાગલોનેટોબા ટેકસિંહ વિશે પૂછી રહ્યો છે.ટોબા ટેકસિંહ ભારતમાં છે કે પાકિસ્તાનમાં એના વિશે કોઈ પાસેથી તેના માહિતી મળતી નથી.અદલાબદલીના થોડા દિવસો પહેલા તેને મળવા આવેલ મિત્ર ફઝલદીન તેને જણાવે છે કે તેના કુટુંબને સલામત રીતે ભારત પહોચાડી દેવામાં આવ્યું હતું.એ મિત્ર દ્વારા જ તેને જાણવા મળે છે કે તેનું વતન ટોબા ટેકસિંહહવે પાકિસ્તાનમાં છે.હવે પોતાને અદલાબદલીમાં ટોબા ટેકસિંહ નહીં પરંતુ ભારત જવું પડશે એવી સ્થિતિ સર્જાયેલી છે અને પોતે ટોબા ટેકસિંહને છોડવાનું તેના પસંદ નથી. પાગલખાનામાં પણ હંમેશા તેના ચિતમાં જીવીત રહેલું ગામ,પોતે જ્યાં જીવ્યો હતો- એ હવે સરકારી ચોપડે પાકિસ્તાનમાં છે .અધિકારીઓ પાગલોની અદલાબદલીની કપરી કામગીરી આરંભે છે એ અદલાબદલીના દિવસનું બંને દેશની બોર્ડર પરનું દ્રશ્ય જુઓ-
“મોટા ભાગના તો ખટારાની બહાર જ નો’તા નીકળતા,અને જે નીકળવા તૈયાર થતાં હતા એમને સંભાળવા અતિમુશ્કેલ થઈ પડ્યા હતા,કારણ કે બહાર નીકળીને એ આમતેમ ભાગતા હતા.જે સાવ ઉઘાડા હતા એમને કપડાં પહેરાવે કે તરત જ ફાડીને ફેંકી દેતા હતા.કેટલાક ગાળો ભાંડી રહ્યા હતા...કેટલાક ગાતા હતા...કેટલાક અંદર અંદર લડતા હતા...કેટલાક રોતા હતા,કકળતા હતા....કાને પડ્યો બોલ ન સંભળાય એવો દેકારો હતો.ગાંડી બાઈઓનો કકળાટ તો વળી પાછો અલગ...અને ઠંડી એવી ગજબની હતી કે દાંત કકડી રહ્યા હતા.”(એજન,પૃ-૧૭) બિશનસિંહનો(ટોબા ટેકસિંહનો) વારો આવતા તે અધિકારીને પૂછે છે-“ટોબા ટેકસિંહ ક્યાં છે?પાકિસ્તાનમાં કે હિંદુસ્તાનમાં...?”(એજન-પૃ.૧૭) અને અધિકારી ટોબા ટેકસિંહ પાકિસ્તાનમાં છે એવું જણાવતા જ બિશનસિંહ પાછળ હટી જઈને આગળ જવા તૈયાર થતો નથી.બધા એને સમજાવે છે કે ટોબા ટેકસિંહ ભારતમાં જ છે અને ન હોય તો જલ્દીથી ભારતમાં મોકલી દેવાશે,પણ બિશનસિંહ તો એકજ જગ્યાએ ઉભો રહી જાય છે.આજદિન સુધી બિશનસિંહ કોઇની સાથે ઝગડ્યો નો’તો એટલે અધિકારીઓએ ચિંતા વગર એને ત્યાંજ ઉભો રહેવા દીધો. અને-
“સૂરજ ઉગતા પહેલાં હલ્યા ચલ્યા વગર,થાંભલાની જેમ ઊભેલાબિશનસિંહના ગળામાંથીહૈયું વીંધી નાખે એવી ચીસ નીકળી.બેઉ બાજુથી કેટલાય અધિકારીઓ દોડી આવ્યા.એમને જોયું કે જે આદમી પંદર પંદર વરસથી રાત દિવસ ઊભો જ રહેતો એ અત્યારે ઊંધા માથે પડ્યો હતો.કાંટાવાળા તારોની પાછળ પેલી બાજુ હિંદુસ્તાન હતું,એવા જ કાંટાળા તારોની પાછળ આ બાજુ પાકિસ્તાન હતું.આ બેઉ તાર વચ્ચે આવેલા જમીનના ટૂકડા પર ,જેનું કોઈ નામ નો’તું, ટોબા ટેકસિંહ પડ્યો હતો.”(એજન-પૃ.૧૭-૧૮) પંદર વરસ સુધી તો વતન જવાની આશામાં એ જીવ્યો પણ જ્યારે કાયદાની વાડને લીધે વતન પહોચવાની કોઈ આશા જ ન રહી ત્યારે કાયદા મુજબટોબા ટેકસિંહની જગ્યા છોડીને તેના ભાગે આવેલા ભારતમાં જવાને બદલે તે પોતાના જીવનનો જ ત્યાગ કરી દે છે. આ વાર્તા મન્ટોની પોતાની સ્થિતિને રજૂ કરે છે.ભારત અને પાકિસ્તાન એમ બે જગ્યાએ વહેચાઈ ગયેલા તેના અસ્તિત્વની આ વેદના છે.
આ વાર્તામાં બિશનસિંહ દ્વારા (ટોબા ટેકસિંહ દ્વારા) વારંવાર થોડાક ફેરફાર સાથે બોલાતું વિચિત્ર વાક્ય નોંધનીય બની રહે છે.જુઓ-
“ઔપડ દિ ગડગડ દિ અનૈક્સ દિ બેધ્યાનાં દિ મુંગ દિ દાલ ઓફ દી લાલટેન...!”
હિંદુસ્તાન પાકિસ્તાન વિશે બીજા પાગલો તેને પૂછે તો કહે છે-
“ઔપડ દિ ગડગડ દિ અનૈક્સ દિ બેધ્યાનાં દિ મુંગ દિ દાલઓફ દી પાકિસ્તાન ગવર્નમેંટ”
અને ત્યાર બાદ-
“ઔપડ દિ ગડગડ દિ અનૈક્સ દિ બેધ્યાનાં દિ મુંગ દિ દાલઓફ દીટોબા ટેકસિંહ”
એક પાગલ પોતાને ખુદા માનતો હતો એને બિશનસિંહટોબા ટેકસિંહના સ્થાન વિશે પૂછે પણ એ પાગલ જવાબ નથી આપતો ત્યારે-
“ઔપડ દિ ગડગડ દિ અનૈક્સ દિ બેધ્યાનાં દિ મુંગ દિ દાલઓફ વાહે ગુરુજી દા ખાલસા એનું વાહે ગુરુજી દિ ફતહ...”
ફઝલદીન ટોબા ટેકસિંહ પાકિસ્તાનમાં હોવાનું જણાવે ત્યારે-
“ઔપડ દિ ગડગડ દિ અનૈક્સ દિ બેધ્યાનાં દિ મુંગ દિ દાલઓફ દી પાકિસ્તાન એન્ડ હિંદુસ્તાન ઓફ દીદુર ફીટે મૂહ...”
અંતમાં પાકિસ્તાનમાંથી ભારતની સરહદમાં પ્રવેશવા ના કહી દેતો બિશનસિંહ કહે છે-
“ઔપડ દિ ગડગડ દિ અનૈક્સ દિ બેધ્યાનાં દિ મુંગ દિ દાલઓફ દીટોબા ટેકસિંહ એન્ડ પાકિસ્તાન...!”
બિશનસિંહને તો ટોબા ટેકસિંહ સાથે લાગણીથી નિસ્બત છે એટલે એ ટોબા ટેકસિંહજે પાકિસ્તાનમાં આવેલું છે એ કઈ રીતે છોડી શકે? જગ્યા સાથે જોડાયેલા ભાવનાત્મક જોડાણને કઈ રીતે અલગ કરી શકાય?વારિસ હુસેન અલવીઆ વાર્તા સંદર્ભે નોંધે છે- “ માણસ ભાન ભૂલી જાય,ગાંડો બની જાય પણ એનાથી એની પ્રકૃતિ બદલાતી નથી.જે ધરતીમાં એનોજન્મ થયો હોય,જ્યાં તે રહેતો હોય એ જગ્યા સાથે માણસનો સંબંધ નૈસર્ગિક ગૂઢ અને રહસ્યમય હોય છે.ગાંડાઓ પણ આપણે જોઈએ છીએ કે કોઈ ગામના સીમાડે કે શહેરના મહોલ્લામાં કે ગલીમાં ગોઠવાઈ જાય છે અને ત્યાંથી ખસતા નથી.પણ શાણા માણસો તર્ક વિતર્ક કરીને જે દેશમાં એમને વધારે ફાયદો થવાનો હોય ત્યાં હિજરત કરે છે.તેમને એ વાતની ચિંતા નથી કે આવું પરદેશગમન છોડને મૂળિયાં સાથે ધરતીમાંથી ઉખાડી નાખવા જેવુ છે.***બિશનસિંગ ગાંડો હતો.આ પરિવર્તનોને તે સમજી શકતો ન હતો.તે જ્યાં હતો ત્યાંથી તેને બીજે જવાનું ગમતું ન હતું.આવી ફેરબદલી તરફ એની પ્રકૃતિ બંડ પોકારતી હતી.જ્યારે અંતે તેને ખસેડવામાં આવ્યો ત્યારે તે તો બંને દેશોની સરહદને અડીને આવેલા એના વતન ટોબા ટેકસિંહમાં જ પ્રાણ છોડી દે છે.”(શ્રેષ્ઠ ઉર્દુ વાર્તાઓ,અનુ.મોહનદાંડીકર,પ્રકાશક-આનંદપ્રકાશન મંદિર-દાંડી,નવસારી,પ્ર.આ-૧૯૯૧,વારિસ હુસેન અલવીના ઉપોદઘાતમાંથી)
‘સઆદત હસન મન્ટો’ એક એવું નામ જેને વાંચ્યા પછી વાચક હચમચી જશે,સૂનમૂન થઈ જશે.ઈતિહાસને વાહિયાત શાહીથી ખરડી નાખનાર આપણાંમાના જ માણસો હતાં એ જાણીને માણસથી નીચ કોઈ બીજું નથી એ તારણ પર આવી જશે.મન્ટોની વાર્તાનો ભયંકર નગ્નતાથી ભરેલો માણસ,કહેવાતા ધર્મ અને જાતિને રસ્તે સંકુચિત વૃતિથી ચાલી બીજાને દુખી-હેરાન કરતો હરામી માણસ આપણાં જેવા માણસને ગમે કે ન ગમે,પણ એ નરી વાસ્તવિક્તા છે અને આજેય એટલી જ પ્રસ્તુત છે.સઆદત હસન મન્ટો એટલે કળાના બેટ વડે વાસ્તવિક નગ્નતાના સિક્સર ફટકારતો સર્જક.જીવનભર અદાલતના ચક્કર કાપીને દુખી દુખી થઈ ગયેલો સર્જક.એ માનવીયતાનો-વાસ્તવિક્તાનો ચાહક હતો એટલે એને દુખી કરનારાઓની લાઇન પણ લાંબી હોય એ સમજાય તેમ છે.ગુજરાતી કવિ બરકત વિરાણી ‘બેફામ’કહે છે તેમ-
“એ બધાના નામ દઈ મારે નથી થાવું ખરાબ
સારા સારા માનવીઓએ સતાવ્યો છે મને.
એ બધા બેફામ જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.”
સંદર્ભપુસ્તક-
- (૧)સઆદત હસન મન્ટો કેટલીક વાર્તાઓ,અનુ.શરીફા વીજળીવાળા,પ્રકાશક-સ્વમાન પ્રકાશન અમદાવાદ,પ્રથમ આવૃતિ-૨૦૦૩
- (૨)શ્રેષ્ઠ ઉર્દુ વાર્તાઓ,અનુ.મોહનદાંડીકર,પ્રકાશક-આનંદપ્રકાશન મંદિર દાંડી,નવસારી,પ્ર.આ-૧૯૯૧