નમણી સંધ્યા નમતી હતી. સૂર્યના આચાં, મૃદુ કિરણો અવનિને ચૂમી ચૂમી છેલ્લી વિદાય આપતાં હતાં. પેલો તોફાની મસ્ત પવન ધીરો પડી ધરતીના ખોળે આળોટી આળોટીને અનંત અવકાશમાં દૂર દૂર વહી જતો હતો. ક્ષિતિજપટને આવરી બેઠેલી સંધ્યા કોમળ કુસુમોમાં સમાઇ જતી હતી. અને ધીમે ધીમે.....
દૂર દૂર ગગનને ઝરૂખેથી પૂર્ણિમાએ મુક્ત હાસ્યાંકુરો એ નાની સરખી ગુલબાઇની ટેકરી પર ફેંકવા માંડ્યાં. સૂર્યના પ્રખર તાપમાં સીઝાઇને સૂકી બનેલી એ ટેકરી પૂર્ણિમાના મૃદુ કિરણસ્પર્શે અભિનવ શાંતિ અનુભવતી ઘડીભર ખીલી ઉઠી ને મીઠો ગૂંજારવ કરવા લાગી.
પરંતુ ઓહ ! કોણ એની હૈયાની વાણીને કુંઠિત કરી પાછી ઠેલતું હતું ! કોણ એના સરોદના મીઠા સૂરોમાં ભંગ પાડતું હતું ? એનેન ખોળે કોણ હાસ્ય અને રુદનનાં આંસુ ઠાલવતું હતું ? એ કોની હ્રદયવ્યથા...? લાવ, સાંભળવા તો દે માનવ હૈયાની વાત. અને સ્ત્રીસહજ સ્વાભાવિક ઉત્સુકતાથી ગુલબાઇની ટેકરીએ માનવહૈયાના ધબકાર સાંભળવા પોતાના કર્ણપુટ ધર્યા.
‘ સ્મૃતિ ?’
‘ હં...’
‘ શો વિચાર કરે છે ? ‘
‘ સુહાગ !... કેમ કરીને તને સમજાવું ? હું તને ચાહી શકું તેમ નથી... ચાહવાની મારામાં શક્તિ પણ નથી. અને તું તો મારો મિત્ર છે.’
‘ મિત્ર ? મિત્રતા મારે નથી જોઇતી. મને તો તું જોઇએ છે. સ્મૃતિ, તારા વગર હું રહી શકવાનો નથી.’
‘ સુહાગ... કાળના વહેણમાં બધું ય ભૂલાઇ જશે... અને પુરુષ...? ! ‘
‘ શું તને હજીયે મારા પર વિશ્વાસ નથી આવતો ! તું મારામાં વિશ્વાસ મૂક ને પછી જો...’
‘ તમે બધા જ પુરુષો ‘ અમારામાં વિશ્વાસ મૂકો ‘ એમ વારંવાર કહ્યા કરો છો સુહાગ, પરંતુ પુરુષ જેવું વિશ્વાસઘાતી પ્રાની બીજું કોઇ નથી. ખાસ કરીને પ્રેમની બાબતમાં...આકર્ષણ પૂરું થયું કે ખલાસ અને તેમ છતાંય અમે સ્ત્રીઓ તમને ચાહીને જ તમારામાં જીવનસમર્પણ કરીએ છીએ ને તમે...તમે...’
‘બસ, બસ હું તને નથી...નથી છોડવાનો, તું...મારી, મારી પોતાની છે, મને તારામાં સમાવી લે...’
* * *
અને પછી તો ધીરે ધીરે બંનેનો પ્રણયભાવ જેમ જેમ ગાઢ થતો ગયો તેમ તેમ જગતને ભૂલી તેઓ પ્રેમના ઘેરા પ્રવાહમાં મસ્ત બની તણાવા લાગ્યાં.
પરંતુ જગત આંખ આડા કાન કર્યા કરે તેમ હતું ? જગત જોતું, જાણતું હતું, અને ઢોલ વગાડીને જાહેર કરતું હતું....સ્મૃતિ ને સુહાગ...સુહાગ ને સ્મૃતિ...
ઉડતી વાત સ્મૃતિ-સુહાગને કાને પણ પડી, જગતની આજ્ઞાને અવગણી બન્નેયે એક બીજાની હુંફને જ પસંદ કરી, એક બાજુ ભર્યું ઉષ્ણાભર્યું હ્રદય, બીજી બાજુ ઠંડુ, તિરસ્કારયુક્ત, સૂકું જગત ...એવા જગતની સામે ટક્કર ઝીલીને આ બન્ને જીવોએ પોતાની મંઝિલ ભણી પ્રયાણ આદર્યું.
પણ ...સુહાગને મા હતી. ભાઇ અને પતિપ્રેમથી વંચિત થયેલી એ નારી હતી. એવી માનો સુહાગ એકનો એક લાડકવાયો પુત્ર હતો. આંખના રતન જેવા પુત્ર પ્રત્યે અપાર વાત્સલ્ય ઠાલવતી મા કોઇ રીતેય પુત્રને અળગો કરવા ઇચ્છતો ન હતી. અને મા પોતાથી સુખી થાય એવી સુહાગની આકાંક્ષા હતી. પર&તુ સુહાગનું સ્વપ્ન એમ સહજે ક્યાં સિદ્ધ થાય એમ હતું ?
* * *
સ્મૃતિ-સુહાગની ઉડતી વાતો માએ સાંભળી તેના હૈયામાં ફાળ પડી.આંખમાંથી ઉનાં ઉનાં આંસુ ઝર્યાં. ‘સુહાગ...હવે મને છોડી દેશે !’ ઘરના ખૂણે બેસી મા અંતરની અગાધ વેદનાને ઠાલવવા લાગી.
સુહાગે માના મુખપૃષ્ઠ ઉપરની કરુણ કથા વાંચી લીધી. માનાં આંસુ હ્રદયપટને વીંધી સોંસરા ઉતરી ગયાં ને તેની કલ્પના સૃષ્ટિ તેને જમીનદોસ્ત થતી લાગી. માના હેતભાવે તે નવજીવન પામ્યો હતો. સહચારિણીના સંગે એની માનવસૃષ્ટિ સર્જાતી જતી હતી... પરંતુ ...મા...મા
જગતને જીતી શકાય...માત્રુહ્રદય શેં જીતાય ? !
* * *
સ્મૃતિ ! ભલે આપણે જગતની દ્રષ્ટિએ એક ન થઇ શકીએ.તેમ છતાં ય આપણે એક જ છીએ, જુદાં નથી. સ્મૃતિ તું બધી વાત જાણે છે, ચાલ માને ખાતર જીવન-સમર્પણ કરીએ.
સ્મૃતિ બોલી શકી નહિ. એની મનની મનમાં જ રહી. એ ધારત તો કહી શકત કે ‘ સુહાગ, મા મને ય બાળકની જેમ ચાહે છે ને તેમની ઇચ્છાને અનુસરીને રહેવાનો હું પ્રયત્ન કરીશ ને આનંદ મેળવીશ. તેમનું દિલ જીતી લઇશ...’ પરંતુ તે ન બોલી શકી. તે વિચારે ચઢી...’ તો પછી સુહાગ ના શા માટે કહે છે ? મા અને સુહાગ વચ્ચે શું પોતે કંટક સમી બને એ સંભવિત છે ? મા શું સુહાગને સુખી જોવા નથી ઇચ્છતી ? ને એક અંધકારભર્યા વાદળે સ્મૃતિના અંતરપટને ઘેરી લીધું તે આગળ ન વિચારી શકી.
‘માના હ્રદયને આઘાત આપી એ શું પ્રેમ પામી શકવાની હતી ? તેણે એક જબરદસ્ત આંચકો અનુભવ્યો ...’ ના, ના. શા માતે મા-દીકરાના વિયોગનું કારણ હું બનું ? માની દારુણ વેદનાને દૂર કરનાર એના એકના એક પુત્રને ખેંચી લેવાનો મને શો અધિકાર ? એનું દુ : ખ તો કાપવું જ રહ્યું...’ ને સ્મૃતિએ ધીરે રહી સુહાગના ખોળામાં માથું ઢાળી દીધું.
સ્મૃતિ પોતાનું જીવનસર્વસ્વ સમર્પી ચૂકી. સુહાગ એનો જીવનસાથી, બીજો કોઇ નહી. ને એણે જગત અને કુટુંબથી અજ્ઞાત સુહાગની કલ્પિત છાયામાં જીવન વિતાવવા માંડ્યું...સુહાગથી દૂર રહીને ય સુહાગને સુખી જોવામાં તેને આનંદ આવતો હતો. જો કે સુહાગને જોવા એ દરરોજ તલસતી તો હતી જ. એની તલસતી આંખો ભરાઇ જતી. ધરતીને ધૃજાવતા એના એક એક પગલાને હ્રદયના ધબકાર સાથે મેળવી એ નાચી ઉઠતી. એને થતું. ‘આવે છે. એનો સુહાગ...ભલે ને એ દૂર હોય...છતાંય કેટલો પાસે છે ?’
અને એમને એમ એમના દિવસો કમનીય કલ્પનામાં પસાર થવા લાગ્યા. જાણે કિલ્લોલ કરતાં બે પંખીઓ અનંત આકાશમાં મુક્ત મને વિહરતાં ન હોય !
પણ ધરતીનાં માનવીઓ ધરતીને છોડી કેટલે ઉંચે જઇ શકે ? ઉંચા આકાશની હવા ભલે ને આકર્ષક હોય પણ ધરતીની ગરમ, ભેજવાળી જીવનધાત્રી હવા છોડી કોઇ પણ પ્રાણી બીજી હવામાં જીવી શકે જ નહિ. અને આ તો માનવ હૈયાં...હૂફાળાં, હૂંફ શોધનારાં, એક બીજામાં સમાઇ જવા ઇચ્છતાં...........મુક્ત પંખીઓ સમાં વિહરતાં આ બે માનવ દિલો આખરે તો માટીનાં માળખાં જ હતાં ને ? ! પ્રણયનો વંટોળ ઘણીયે વખત એમના દિલ પર ધસમસતો દોડી આવી આંધી જગાવી ચાલ્યો જતો હતો ને પળભરને માટે પેલી પ્રતિજ્ઞાને જર્જરિત બનાવી વંટોળની ઘૂમરીમાં ફગાવીને નષ્ટ કરવા તોફાન મચાવતો હતો. પરંતુ સ્મૃતિના મન ઉપર ભારે સંયમ હતો. કારણ, એનામાં પણ સુહાગની માતાના જેવું માતૃવત્સલ હૈયું ધબકતું હતું.
સ્મૃતિ સુહાગને ખાતર જ લગ્ન કરવા નહોતી ઇચ્છતી, અને તેમ છતાંય જીવન-સહકાર માટે ઇચ્છતી હતી-એક માત્ર માનવદિલની હુંફ. જગત બદલાય, માનવી બદલાય, પરંતુ માનવીનું દિલ કંઇ બદલાય છે ? વળી, માનવજીવનના પેલા સનાતન ભાવો તો ક્યારેય બદલાતા નથી : આશા ને ઉષ્માભર્યું દિલ, સરળતા, સુંદરતાને જ્ઞાનથી ભરપૂર એવું અંતર ક્યારેય કટાતું નથી. જે માનવ હરહંમેશ ઉર્ધ્વ માર્ગે જવા પ્રયત્નશીલ રહે છે, જેના દિલમાં સનાતન સત્યનો પરમ વાસ છે ; એવા એ માનવીનું દિલ સ્મૃતિ ઇચ્છતી હતી. પછી ભલે ને એ દિલ સૂક્ષ્મ સ્વરૂપે આવી તેના આત્માને પ્રફુલ્લ ગૂંજારવે ભરી ભરી ચાલ્યું જતું હોય ! એન્ને તો માત્ર જીવનવિકાસ માટે, ઉર્ધ્વગમન માટે ભર્યો ભર્યો સહકાર જોઇતો હતો, કાર્યમાં એ જીવનનો આનંદ જોતી, ત્યાગમાં જીવનનું પરમ સાર્થક્ય જોતી, સમર્પણમાં જીવનની પરિપૂર્ણતા જોતી. બસ એ જ એનો સનાતન આનંદ, જીવનનો પરમ આદર્શ, અને અને આજે એ એને મળી ચૂક્યો હતો.
* * *
શું મને મારો સાથ આનંદ, આદર્શ પ્રાપ્ત થઇ ચૂક્યો છે ખરો ? સ્મૃતિના દિલને પ્રશ્ન થયો.
ના...ના...કેટલાય દિવસોથી એનો આનંદ ધીરે ધીરે લૂંટાતો જતો હતો. સુહાગના હ્રદયમાં કોઇ ભયંકર આંધિ ચડી ચૂકી હતી.તે પ્રણયઘેલો બનતો જતો હતો. એ સ્મૃતિને ઇચ્છતો હતો છાતીમાં સમાવવા માટે, એન્ને સ્મૃતિનું તન, દિલ, દેહ સર્વસ્વ જોઇતું હતું- હ્રદયની તૃષા છીપાવવા માટે. એ દૂર નહોતો રહી શકતો. અનેક બહાને તે સ્મૃતિને છંછેડતો, માતા તરફને ફરજ ભૂલી જૈને પશુત્વને આવકારી બેઠો : ને અવનતિને પંથે સ્મૃતિનો વિનાશ કરવા તત્પર બન્યો. સ્મૃતિ, સુહાગનું આ પરિવર્તન જોઇ રહી, તે બધું ય સમજતી હતી. પરંતુ ઉપાય એકેય નહોતો. લગ્ન કરી તે ન તો સુહાગને સ્વીકારી શકતી ન તે સુહાગને તરછોડી શકતી.
‘શું કરવું ?’ સ્મૃતિ મૂંઝાવા લાગી. સુહાગની ઇચ્છાને સંતોષતી નથી તો વિશ્વાસઘાતી બને છે અને સંતોષે છે તો તે જ તેનો વિઘાતક બને છે.
અને અચાનક એક દિવસે વંટોળની જેમ ઘસી આવી સુહાગે સ્મૃતિને કહ્યું : ‘કા તો દારૂ આપ...કાં તો તું ચાલી આવ.’
સ્મૃતિ ચમકી. તે મૌન રહી...ને એમ જ છૂટી પડી.
પરંતુ પરિણામ વિપરીત આવ્યું. સુહાગે દારૂ પીવો શરૂ કર્યો. તે સ્મૃતિથી, માથી, જગતથી વિમુખ બનવા લાગ્યો. દિલની વાત માને કહી શકતો નથી, સ્મૃતિના પ્રેમને સમજી શકતો નથી. અને માટે એક જ રાહ...વિસ્મરણ ...ને દારૂ.
સ્મૃતિથી આ દરદ સહ્યું જતું ન હતું. એનું ચિત્ત વિચાર-વમળોમાં અટવાવા માંડ્યું. ‘માનવજીવનની કેવી કરુણતા ! સ્ત્રી અને પુરુષના પ્રણયની આ કેવી અધોગતી ? શાસ્ત્રકારોએ ગાયેલી પ્રણયગાથાની આવી અધમતા ! જગતે શું આને કલ્યાણકારી ભાવના ગણી છે ? સ્ત્રી અને પુરુષ જગતનાં બે સનાતન સત્ત્વો-સાથે રહેવા ઇચ્છતાં, ઝંખતા, છતાંય જગતને ખાતર જીવન કુરબાન કરી સંયમ મેળવવા પ્રયત્ન કરે...પરંતુ પેલો સનાતન ભાવ સહકાર...સહચાર માગે જ ને ? એક તરફ જગતની કઠોરતા, બીજી તરફ દિલની દારુણ વેદના. મિલન અને વિરહનો મેળ હોઇ શકે ખરો ? ! અને આ તો જગતે અમાન્ય કરેલા, કાયદા વિરુદ્ધ પોષેલા કૌમાર્યલગ્ન – પ્રણયને, પ્રેમીઓને, કુટુંબને, સમાજને ભસ્મીભૂત કરી નાખે એવી આગ. શું કરવું ? કૌમાર્યનું ખંડન કરી સુહાગને સંતોષું ! ‘ સ્મૃતિ જાગ્રુત દશામાં યે ઓથાર જોતી હતી.
* * *
અને એક રાતે .....
અંધારી રાતે આકાશમાં લાખ લાખ તારલા ઝબૂકતા હતા. સારી સૃષ્ટિ શાંત હતી પવન પણ પાંદડાની જેમ થરથર કંપતો વહી જતો હતો. પંખીઓ માળામાં લપાઇ ગયાં હતાં ત્યારે એવી મધરાતે બાર વાગે સ્મૃતિએ અંતરની સાક્ષીએ ગૂપચૂપ ઘરમાંથી નીકળીને સુહાગના ઘર તરફ દોટ મૂકી. ધીમે રહી બારણાં ખખડાવ્યાં. પરંતુ આ શું ? બારણાં તો ખુલ્લાં જ હતાં અંદર એક નજર ફેંકી તો દારૂ પીધેલ અસ્તવ્યસ્ત હાલતમાં સુહાગ બબડતો હતો.
ક્યાં પહેલાંનો સુંવાળો, સૌને વહાલો લાગતો સુહાગ...ક્યાં આજનો...! એનું અધ:પતન મારે જ ખાતર થયું ને ? પણ મારે ને એને શો સબંધ જગતથી છાનો, માથી છાનો, એવા પ્રેમનું પ્રયોજન ય શું ? સુહાગે એના દિલને છેતર્યું, મને છેતરી, માને છેતરી...જગતને ય છેતરવા પ્રયત્ન કર્યો. ‘સ્મૃતિને ધૃણા ઉપજી.’ આ શું પ્રેમ હતો ? ના...હોત તો...તો મારી સાથે લગ્ન કરવા તૈયાર થાત...અને મા શું પોતાના એકના એક પુત્રની આવી હાલત ખમી શકે ખરી ? તો તો શું આ પ્રેમના ઓથે માત્ર આકર્ષણનો દંભ હતો ? સુહાગનો પ્રેમ આવો હોઇ શકે...? વ્યક્તિ પ્રેમ કરે સહકાઅર માટે, સહાયતા માટે, હુંફ માટે, નહિ કે જીવનને ભસ્મીભૂત કરવા માટે...પણ સુહાગના દિલની વાત,એના હૈયામાં શું શું ભર્યું છે તે હું કેમ જાણી શકતી નથી? એ માને સુખી કરવા ઇચ્છે છે. પરંતુ કેવી રીતે ? ? ? જે હોય તે, મારે કશું જ જાણવું નથી...હું સુહાગને ચાહું છું...મારો પ્રેમ મારું બલિદાન માગે છે...જો હું સુહાગને બચાવી ન શકું તો મારો પ્રેમ ખોટો. અને ભૂલ તો મેં જ કરી...યુવાનીને હેલે ચડેલું મારું હૈયું અમારા બંનેના જીવનનો પાર પામી ન શક્યું. અંતરના નાદને અવગણીને પછાડ્યું. કંઇ નહિ, એક સમયે જે પળને હું ધન્ય માનતી હતી તે પળને આજે પતન રૂપે...ના, ના...એ પળને તો હું હંમેશને માટે ધન્ય બનાવી દઉં.
ધીરે પગલે તે સુહાગ પાસે આવી. માથે હાથ ફેરવવા લાગી...
‘ સુહાગ !’ ગળગળે સાદે તેણે બૂમ મારી.
‘ કોણ ? સ્મૃતિ ! અત્યારે ?’
‘ હા’
‘જા...ચાલી જા નહિ તો...’
‘ભલે...ભલે’ સ્મૃતિ સ્વપ્નની સૃષ્ટિમાં ઉંડી ઉતરવા લાગી. ‘ આ એ જ વ્યક્તિ જે એનું કૌમાર્ય ખંડિત કરશે, નારીત્વ લુંટશે, માતૃત્વ હણશે, ને જગતમાં હંમેશને માટે કલંકિત બનાવી દેશે ?...પણ એમાં સુહાગનો શો વાંક ? વાંક તો મારો જ. હું જ પ્રેમના સત્ય સ્વરૂપને પારખી શકી અન્હિ. જે પ્રેમ સદાય મહાસાગરની જેમ હ્રદયના ઉંડાણમાંથી છલક્યાં કરે છે તેના અવિરત પ્રવાહને રોકનાર હું કોણ ? પ્રેમ એતટલે જ આત્માનું ઐક્ય. એ સમર્પણ માગે છે, માટે જ તે સદા દુ:ખરૂપે અવતરે છે. તે જન્મે છે આકર્ષણની હૂફમાં, પરિણમે છે પ્રેમના બલિદાનમાં.મારો પ્રેમ મારું જ બલિદાન માગે છે.મારે તે આપવું જ રહ્યું. સુહાગનું સુખ તે મારું સુખ.’
‘ સુહાગ !’ સ્મૃતિ વહાલભર્યા ઘેરા સાદે બોલી.
ને સુહાગે સ્મૃતિને પોતામાં સમાવી લીધી. સ્મૃતિ રુદન અને હાસ્ય વડે છલકતા વિસ્ફારિત હ્રદયે સુહાગને આત્માનું બલિદાન અર્પી ચૂકી.
* * *
પરોઢિયે જ્યારે સુહાગ પંખીના કલરવે જાગ્યો ત્યારે તેનું મસ્તાન હૈયું તૃપ્ત પ્રીતિના અવનવા ભાનપલટાઓ લેતું ગુંજતું હતું. પરંતુ કોણ જાણે શાથી, એમાં રંગત જામતી ન હતી. હ્રદયને ઉંડે ઉંડેથી નીકળતો એક ઘેરો કરુણ સૂર, એની સંવાદી સૂરાવલિને ભેદીને ગંભીર નાદે અવરોધી એના હ્રદયપટ પર પછડાટ ખાઇ એના આનંદને વીંધીને હવામાં ભળી જતો હતો. અને વારે વારે ઘેરા કરુણ આક્રંદના અનેક સૂરોના પ્રવાહને સુહાગના હ્રદયમાં ઠાલવી દેતો હતો. સુહાગના કર્ણપટ પર ધીરે ધીરે એ આક્રંદના સૂરો ઘેરા થવા લાગ્યા. ત્યાં તો અચાનક સુહાગે સ્મૃતિની સફેદ વસ્ત્રમાં ઢંકાયેલી લાશને લઇ જતાં લોકોને જોયા.
‘ સ્મૃતિ ! સ્મરણોના છેલ્લા અવશેષ શી સ્મૃતિ ! ભલે તું ચાલી ગઇ. પરંતુ તારી પ્રણયગાથા તો મારા હ્રદયપટ પર સોનેરી રેખાએ અંકિત થઇ ગઇ. પારિજાતકના ફૂલ સમી તું ખીલી અને કરમાઇ, પરંતુ તારી સ્મૃતિસુવાસ નારીહ્રદયની મહાન સમર્પણભાવનાને ચિરંજીવી કરતી ગઇ.’
* * *
ફરી પાછી શરદપૂર્ણિમા આવી. એ રાત્રે સુહાગ ગુલબાઇની ટેકરીને ખોળે બેસી ઉનાં ઉનાં આંસુની અંજલી આપતો, સ્મરણોની કિતાબમાં પ્રણયપુષ્પો રચતો જાણે કંઇક શોધી રહ્યો હતો.
અને ગુલબાઇની ટેકરી પણ ઉનો નિ:સ્વાસ ઢાળી વેરાન રણ શી ઝૂરતી પેલા માનવ હૈયાને આશ્વાસન દેતી હતી. ત્યાર પછી ગુલબાઇની ટેકરીને ફરી પાછી નવપલ્લવિત થતાં કોઇએ જોઇ નથી.