પી.ટી.સી. કરીને શિક્ષક થવું હતું પણ મેરિટમાં અડધો ટકો ઓછો પડ્યો એ વર્ષમાં, એટલે પી.ટી.સી.ચૂક્યો ને એ.ટી.ડી.(આર્ટ ટીચર્સ ઇન ડિપ્લોમા)માં દાખલ થઈ ગયેલો. પણ એય ન ચાલ્યું ને ગાડું અવળે પાટે ચડી ગયું. ફોટગ્રાફી કરીને લગ્નો, સિમંતના ફોટા પાડ્યા ! સાઈન બોર્ડ ચીતર્યા ને બાકી હતું તે પડોસમાં એક છોકરો સિલાઈ કામ શીખતો’તો, તે એક લેડિઝ ટેલરને ત્યાં જઈ બ્લાઉઝ- ચણિયા સિવવાનું શીખ્યો, પણ ઉમર 16-17ની અને પહેલેથી જ ગુરુકુળ અને બોયઝ હોસ્ટેલમાં રહેલો તે સ્ત્રીઓ સાથે વાત કરતાં ય થોથવાઉં !! તે ભાગી ગયો લેંઘા-બુશકોટ-પેન્ટ સીવવા. પણ ઘરમાં સૌ કોઈ મને ઘઘલાવે કે ‘આ ધંધો કરીશ તો આખી જિંદગી વાંઢો રહીશ. આપણામાં ભણીશ નહીં તો કોઈ છોકરીય નહીં આપે...તે ગ્રેજ્યુએટ સુધી તો ભણવું જ પડશે...ગાંધીનગરની સરકારી કોલેજમાં વિષય રાખ ગુજરાતી જેવો સહેલો..તો ચાલે...ધંધાની સાથે ભણી પણ જવાશે.’ - ને મેં કોલેજમાં એડમિશન લીધું ! ટેલરિંગની દુકાનમાં સોમવારે રજા રહેતી. એ દિવસે કોલેજ જવાનું. સરકારી કોલેજમાં ત્યારે વિદ્યાર્થી સંખ્યા હતી પાંચ હજાર જેટલી !
શોધતો શોધતો એક થિયેટર જેવા મોટા ક્લાસમાં ભરાયો. ડો. આરતી ત્રિવેદી લેકચર લે. હું સાવ નાના ગામડેથી આવેલો ગાંધીનગરમાં, એટલે એક ફડક હતી મોટા શહેરની. આરતીબેને એફ.વાય.બી.એ.ના એ નવા આવેલા વિદ્યાર્થીઓને સવાલ પૂછ્યો પહેલો જ... “કે ગુજરાતી મેઈન રાખનારાં આ વિદ્યાર્થીઓમાંથી કક્કો કોને આવડે છે ?” મારા આશ્ચર્ય વચ્ચે કોઈ આંગળી ઊંચી ન થઈ. હું એક જ એવો હતો ક્લાસમાં જેને કક્કો આવડતો હતો !! -મારા ઉત્સાહ જન્મી આવ્યો ફરી.
અડધા વર્ષ પછી ટેલરિંગ છૂટતું ગયું, કોલેજ અને લાઈબ્રેરીનો સમય વધતો ગયો. રોજનીશી લખવાની શરુઆત કરી. આરતીબેન અને ગોર સાહેબને એ વંચાવતો રહ્યો. એસ.વાય.વખતે પહેલી વાર્તા લખાઈ ‘અવની’. એ ‘સ્ત્રી’ - નામની પૂર્તિમાં છપાઈ હતી. પણ પછી એવી વાર્તા ક્યારેય ન લખવી-એવું નક્કી કર્યું કેમકે, પછીના અઠવાડીયે જ અમારા ક્લાસના બીજા એક છોકરાની વાર્તા પણ છપાઈ હતી એમાં. પાણી મુક્યું કે આવી પૂર્તિઓમાં કંઈ લેવલવાળું નથી છપાતું. તેથી ન લખવું. પછી જે વાર્તા લખાઈ તે – ‘ખબર નથી ’. એ મારા અધ્યાપકોને વંચાવી, પણ કહ્યું ‘આ આધુનિક વાર્તા જેવું છે. એ રવાડે ન ચડીશ.’ અંગ્રેજીના એક અધ્યાપક સમજશે એવી આશાએ એમને પણ વંચાવેલી પણ એમનોય પ્રતિભાવ નબળો જ રહ્યો. પણ મને દિશા મળતી ગઈ.
એમ.એ.માં આવ્યો ત્યારે અધ્યાપક બનવાનું નક્કી કરી લીધેલું. કિશોર જાદવની ‘રિક્તરાગ’ નવલકથા અમારે અભ્યાસક્રમમાં હતી. યુનિ.ના કેટલાય અધ્યાપકોએ એમાં રહેલા સંભોગના દૃષ્યો અને દુર્બોધ હોવાના કારણે કૃતિને અભ્યાસક્રમમાંથી કાઢી નાંખવા વિરોધ પ્રદર્શનો કરેલા. ચિનુ મોદી અમને ભણાવે. એમણે એ નવલકથા વાંચીને ‘એ કેવી સમજાય છે’ એ જાણવા વિદ્યાર્થીઓને તેના પર લેખ લખી લાવવાનું લેશન આપ્યું. પાંચ-છ વિદ્યાર્થીઓ એ લખી આવ્યા. મેં ક્લાસમાં એ લેખ વાંચ્યો. મોદીસાહેબે એ લેખ લઇ લીધો, મારી પાસેથી. કશુ જ કહ્યા વિના. એક મહિના પછી એક દિવસ ક્લાસમાં આવ્યા ઉત્સાહથી, ને બધા વિદ્યાર્થીઓની વચ્ચે મને ઊભો કર્યો. ‘શબ્દસૃષ્ટિ’નો અંક એમના હાથમાં હતો. ને એ બોલ્યા...”નરેશ શુક્લ-આ લેખ સાથે વિવેચન જગતમાં સ્વાગત છે.” મેં પરીક્ષા માટે તૈયાર કરેલો પ્રશ્નનો જવાબ આ લેખરૂપે ત્યાં છપાયેલો હતો !! મોદીસાહેબે આપેલ સરપ્રાઈઝ મને વિવેચનલેખો લખવા પ્રતિ દોરી ગઈ. સાથી વિદ્યાર્થીઓએ પરીક્ષામાં જે જવાબો લખ્યા એમાં ‘રિક્તરાગ વિશે વિવેચક નરેશ શુક્લ કહે છે કે....’ કરીને મારા ક્વોટેશન લખતા હતા. એમને ફર્સ્ટ ક્લાસ આવ્યો. મારે આવ્યા માત્ર 47 ટકા એ પ્રશ્નપત્રમાં.!!
પાર્ટ-વનનું રિઝલ્ટ એટલું ખરાબ આવ્યું કે હચમચી ગયો. હું જ નહીં, મારા ગુરુઓ પણ. રિએસેસમેન્ટ ને પછીની લડત શરુ કરી. સાથોસાથ હવે નોકરીની શોધ પણ અનિવાર્ય બની ગઈ. અભિયાન મેગેઝિનમાં પત્રકાર તરીકે જોડાયો. પચાસ ટકાથી નીચે હોવાથી ડિસ્સર્ટેશન પણ મળ્યું નહીં. પાંચ-છ મહિને માર્ક્સ સુધારાઈને આવ્યા. પત્રકારત્વ છોડ્યું. પાછો ઉત્સાહ જન્મ્યો. ડૉ. સુમન શાહે પ્રોત્સાહિત કરી માત્ર 20 દિવસ આપ્યા, ડિસ્સર્ટેશ કરવા માટે. મેં માત્ર 21 પાનાનો શોધ નિબંધ લખ્યો- ને હાઈએસ્ટ માર્ક્સ મેળવ્યા !!
બીજી બાજુ સર્જનાત્મક દિશાએ પણ માર્ગ મળ્યો. ગભરાતા ગભરાતા એસ.વાય.બી.એ. દરમિયાન લખેલી વાર્તા- ‘ખબર નથી’ સુમનભાઈને વાંચવા આપી. બે દિવસ પછી મને ચાલુ ક્લાસે ઓફિસમાં બોલાવ્યો...ઉત્સાહથી સામે આવ્યા. ‘અરે વાહ..નરેશ..મારે આવી જ વાર્તા જોઈએ છે..જલદીથી સારા અક્ષરે લખીને લઈ આવ ફરીથી, ‘ખેવના’માં છાપીશ.’ આમ, મારો જન્મ થયો. ‘ખેવના’માં એ છપાઈ પછીના પંદરમાં દિવસે બાજુમાં જ ચાલતા હિન્દીના ક્લાસમાંથી એક વિદ્યાર્થીમિત્ર બોલાવવા આવ્યો. ત્યાં જઈને જોયું તો શ્રી રઘુવીર ચૌધરી ક્લાસમાં હતા. એમણે ક્લાસમાં મને ઊભો રાખ્યો ને વિદ્યાર્થીઓને કહ્યું. ‘આ ભાઈ નરેશ શુક્લ. ગુજરાતીમાં ભણે છે. એ એવી સરસ વાર્તાઓ લખે છે કે સુમનભાઈ એમના ‘ખેવના’માં છાપે છે....’ મારી આંખો સામે ધુમ્મસ છવાઈ જાય છે.
પીએ.ડી. માટે સુમનભાઈનું આમંત્રણ હતું જ. ચિનુ મોદી સાહેબને ગાઈડશીપ મળી- એ ઇચ્છતા હતા કે હું એમનો પહેલો વિદ્યાર્થી બનું. પણ ફોર્મ લઈને હું મોદી સાહેબની ઓફિસમાં એમની રાહ જોતો બેઠેલો. નાટકોને લઈને કામ કરવાનું વિચારી રાખેલું. ત્યાં હંમેશની જેમ ભગવાન વ્યાસ- ડૉ. સતીશ વ્યાસ પ્રગટ થયા. ‘કેમ નરેશ..શું લઈને બેઠા છો..?’.- પછી થોડી વાતો થઈ. મોદી સાહેબ ન આવ્યા બે કલાકેય. પછી સતીશ ભાઈએ કહ્યું – ‘ફોર્મ લાવ્યા જ છો, ને મારી પાસે જગ્યા છે - લાવો હું સહી કરી દઉં.’ – ને વિષય વિચાર્યો –‘ગુજરાતી દીર્ઘ નવલિકાઓ-એક અભ્યાસ...’ આમ હું ડોક્ટરેટ થયો.
બ્રહ્મા-વિષ્ણુ ને મહેશની દેવત્રિપુટી તો જોઈ નથી. જન્મારાઓ વિત્યા પછીએ જોવા મળે કે કેમ એ પ્રશ્ન છે. પણ મારું એ સદ્-ભાગ્ય મળ્યું છે, ગુરુત્રિપુટીને પામ્યો છું.