“ અનુસંધાન ”
લેખક : ડૉ. કેશુભાઈ દેસાઈ

કોઈપણ સર્જક એની નીજી અનુભૂતિને પાત્રોના માધ્યમથી પ્રસ્તુત કરી ઉરના ઉધામાને હળવો કરી લેતો હોય છે. ‘દિવ્ય ભાસ્કર’ ના ‘DB ગોલ્ડ’ માં ૨૪, ડિસેમ્બર, ૨૦૦૭ થી ૫ જાન્યુઆરી, ૨૦૦૮ દરમિયાન લેખકની આ નવલકથા ધારાવાહીરૂપે પ્રસિદ્ધ થઈને સારી લોકચાહના મેળવેલી. આ નવલકથા કુલ બાર પ્રકરણોમાં વિસ્તરેલી છે. કેશુભાઈ લખવા ખાતર લખનારા લેખક નથી.
                ‘ઊધઈ’ નવલકથાના આપદધર્મમાં લેખકનો કળાત્મક અભિગમ રજૂ કરતાં કહે છે કે, લેખક માત્રને હું જવાબદાર નાગરિક ગણતો રહ્યો છું. પ્રત્યેક સર્જકની સમાજ પ્રત્યે કેટલીક વણલખી ફરજો હોય છે. એ સંદર્ભમાં સર્જનકાર્યને હું શુદ્ધ નિજાનંદલીલાથી એક કદમ આગળ મૂકવાનો આગ્રહી છું.
પ્રસ્તુત નવલકથામાં એવી જ બે ખંડિત જિંદગીઓની વ્યથા એમના વડીલો પોતાના માટે ઘેર બેઠેલી દીકરી વહાલનો દરિયો તો છે જ, પરંતુ એ એમની હ્રદયશૂળ પણ છે. નાનુભાઈની પત્નીની કૂખે જન્મેલી કોઈ અજાણ્યા પુરુષનું ફરજંદ હોવા છતાં એ એમને નંદબાવાને કૃષ્ણ વહાલા હતા એટલી જ વહાલી છે અને જિંદગીને ખંડિત જોઈ એમનું હૈયું અવિરત વલોવાતું હતું. એ જ એમની જીવાદોરી છે અને મૃત્યુંનું નિમિત્ત પણ. પરંતુ મરીનેય નાનુભાઈમાં જીવતો પિતા એની પુત્રીના યોગક્ષેમની રખેવાળી કરે છે બલકે એની વિખંડિત જિંદગી એવા જ બીજા દુખિયારા જીવ સાથે જોડાવા જાય છે.
‘અનુસંધાન’નું વિષયવસ્તુ અત્યંત અલ્પ અને ચીલો ચાતરનારું છે. ખૂબ જ ઓછા કાળખંડમાં કથાપ્રવાહ વહે છે. પૂરો એક દિવસ પણ નહીં, દિવસના ત્રીજા ભાગ જેટલા સમયમાં કથાનો આરંભ થાય છે ને સમેટાઈ જાય છે. પાત્રો પણ એ દ્રષ્ટિએ ઓછાં છે, પરંતુ એમાં માનવ સંવેદના ભારોભાર આલેખાઈ છે. ‘અનુસંધાન’ અંગે વાત કરતાં શ્રી દક્ષેશ ઠાકર કહે છે કે, “ કોઈ તબીબ લેખકને જ સૂઝે તેવું આ નવલકથાનું કથાબીજ છે. કેશુભાઈ દેસાઈ તબીબ હોવાને કારણે તેમને આ વસ્તુ સૂઝી અને લખી એટલું જ નહીં એને બરાબર ન્યાય પણ આપ્યો.” (પૃષ્ઠ ૧૪-પ્રસ્તાવના)
‘અનુસંધાન’ના લેખકે એમની અન્ય નવલકથાઓ કરતાં સાવ જુદા પ્રકારના વિષયની વાત અહીં આલેખી છે. આદર્શો અને સિદ્ધાંતો પાછળ સીધી લીટીની જિંદગી જીવતા, લોકસેવાની ધૂનને લીધે વકીલાતના વ્યવસાયમાં ખાસ કશી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત ન કરી શકેલા, કરકસરિયા સ્વભાવના પણ સ્વમાની એવા નાનુભાઈના પાત્રને લેખકે ખૂબ જ ઊંડી સૂઝથી પ્રયોજ્યું છે. તો વળી તેમનાં પત્ની પ્રભાબહેન પણ પતિના સુખદુ:ખમાં સતત સાથ આપતાં સમજુ, ભોળાં ગૃહિણી જણાય છે. નાનુભાઈ અને પ્રભાબહેનની આંખોની અમી એવી તેમની ત્રીસ વર્ષની દીકરી મુન્ની આ કથાના કેન્દ્રમાં છે. મુન્ની જ્યારે દસ વર્ષની હતી ત્યારે સમાજના રીતરિવાજ મુજબ ગામમાં જ- સામેના ફળિયામાં રહેતા મયંક જોડે તેની સગાઈ થઈ ગઈ હતી. પરંતુ મયંક અભ્યાસમાં નબળો હોવાથી તેમજ સંસારરથનાં બે પૈડાં સરખાં ન જણાતાં પ્રભાબહેને જાતે જ સમાજ સામે પડી હિંમતપૂર્વક દીકરીની સગાઈ તોડી નાખી હતી. સમાજમાં સગાઈ તોડવાના પ્રશ્નો એ વખતે બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળતા. પર્‍ંતુ દીકરીનો ભવ ન બગડે તે આશયે પ્રભાબહેન જરાય ખચકાયા વિના આ પગલું ભરે છે. પછી ઉંમર થતાં મુન્નીએ પોતાની ઈચ્છાથી જ્ઞાતિમાંના પસંદગીમેળામાં મનગમતો વર પસંદ કર્યો ને ઉતાવળે લગ્ન કરી લીધા. પંદર વર્ષ પહેલાં આખી નાત સામે અળખામણાં થઈ દીકરીને રક્ષણ આપનાર મા-બાપ આ નવા લગ્નજીવનને લઈને પણ મૂંઝાઈ જાય છે. પહેલાં છ મહિના બધુંય સારું ચાલતું હતું પરંતુ વિધિની વક્રતાએ ફરી મુન્નીને પોતાની ઝાળમાં ફસાવી. જાતે પસંદ કરેલો છોકરો આટલી હદે વામણો નીવદશે એવો તો સ્વપ્નેય ખ્યાલ ન આવે ! એટલે પાંચ વર્ષ પહેલાં ફરી એકવાર પ્રભાબહેન પોતે જ એના સાસરિયે જઈ એને એ લોકોના ત્રાસમાંથી છોડાવી લાવ્યાં હતાં. નસીબ વાંકું તે માવડિયા અને મારકણા પતિ સાથે મુન્નીને ફાવ્યું નહીં ને ફક્ત છ મહિનાના ટૂંકા સમયગાળામાં પિયરની વાટ પકડી પાછી આવી ગઈ. જુવાનજોધ દીકરી એના સંસારમાં ન ગોઠવાઈ શકી એ ચિંતા નાનુભાઈ-પ્રભાબહેનને આજે પણ કોરી ખાય છે. પ્રત્યેક પળે મુન્નીના વિચારોમાં ખોવાયેલા નાનુભાઈ પોતાના જીવનને પણ ઘણીવાર ભૂલી જતા જણાય છે. મુન્નીના જીવનને લઈને પણ એક રહસ્ય છે જેની મુન્નીને કે પ્રભાબહેનને પણ જાણ નથી ! નાનુભાઈ –પ્રભાબહેનને લગ્ન પછી બાળક થતું નથી. આ અંગેનો ઈલાજ કરવા નાનુભાઈ અનેક ડૉક્ટરોને મળી ચૂક્યા છે.
        પછી તેઓ પોતાનો આ પ્રશ્ન લઈને ડો. મોહનલાલ મહેતાને મળે છે. નાનુભાઈ બાપ બની શકે એમ નહોતા એટલે ડૉ. મહેતાએ આર્ટિફિશયલ ઇન્સેમિનેશનથી પ્રભાબહેનને માતૃત્વ આપ્યું હતું ને નાનુભાઈને પિતૃત્વ. જે નાનુભાઈ પર ડૉ. મહેતાનો આ ઉપકાર હતો. અને એ ફળ એટલે આ મુન્ની.
સમાજમાં એક નિષ્ઠાવાન, હોંશિયાર અને સેવાભાવી તબીબ તરીકે ડૉ. મહેતાની નામના હતી. લેખક શ્રી કેશુભાઈ દેસાઈની કલમે અવતરિત ડૉ. મોહનલાલ મહેતાનું પાત્ર એ વિસનગરના તબીબશ્રી મોતીભાઈ ચૌધરીની છબિરૂપે મૂકાયું છે.
સવારે ચાર વાગ્યે ઊઠીને રોજિંદી ક્રિયાઓ કરતાં કરતાં અનેક વિચારોનાં વાદળો તેમનાં મનમાં ચાલતાં રહે છે. આટલા બધા વહેલા ઊઠવાનું કારણ એટલું જ કે વર્ષો પહેલાં જેમણે પોતાના ઉપર ઉપકાર કરી મુન્નીની ભેટ ધરી હતી એવા ડૉ. મહેતાનો વિસનગરમાં અભિવાદન સમારોહ યોજાવાનો હતો. અને પોતાને આપેલા આમંત્રણનો સ્વીકાર કરી અચૂકપણે હાજરી આપવા તેઓ જઈ રહ્યા છે. પરંતુ નાનુભાઈ સ્વભાવે જેટલા ઉતાવળિયા એટલા જ ભૂલકણા પણ ખરા. ઘરેથી નીકળી ગયા બાદ જે સમારંભમાં જવાનું હતું એનું નિમંત્રણકાર્ડ જ સાથે લેવાનું ભૂલી ગયા. ઘડીક પાછા વળી કાર્ડ લઈ આવવાનો વિચાર આવી ગયો. પણ એમ કરવા જતાં સાડા સાતવાળી માઉન્ટ આબુ નીકળી જવાનો વિચાર પણ હતો. પછી મનમાં આશ્વાસનીય વિચારો આવવા લાગ્યા કે મહેતાસાહેબને શહેરમાં કોણ નહીં ઓળખતું હોય ? ગમે તેને પૂછીએ તોય એમનું સરનામું બતાવી દે. તો વળી એમ પણ થતું કે અગાઉના વર્ષોનું વિસનગર હાલ અનેક રીતે બદલાઈ ગયું હશે. આમ ઉલટસુલટ વિચારો સાથે તેઓ ઘ-૫ બસસ્ટેન્ડ તરફ ચાલી નીકળે છે.
વિચારોના વમળોની સાથોસાથ પગની ગતિ પણ ઉતાવળી હતી. પરંતુ ઘ-૫ સર્કલ પાર કરતાં જ તેમની નજર સામેથી અમદાવાદ-માઉન્ટાઆબુ એક્સપ્રેસ નીકળી જાય છે. ને પછી રાહ જોતા તેઓ ઊભા રહે છે ત્યાં જ થોડીવાર બાદ એક હોન્ડાસીટી કાર આવતી દેખાઈ. અનાયાસે તેમનાથી હાથ ઊંચો થયો ને કાર એમની પાસે આવીને ઊભી થઈ ગઈ. પછી વિસનગર જવાની વાત કરતાં અંદર ડ્રાઈવરની પાછળની સીટ પર બેઠેલા બુઝુર્ગે તેમને આવકાર્યા. ને પછી ગાડી એની ગતિએ ચાલવા લાગી. પ્રવાસ દરમિયાન પેલા બુઝુર્ગ માણસ અને નાનુભાઈ વચ્ચે પરિચયનો સેતુ બંધાયો. એમને લીફ્ટ આપનારા ગોરધનદાસ અમીન હતા. જેઓ પોતે જોગાનુજોગ ડૉ. મહેતાના મિત્ર હતા અને વિસનગર ડૉ. મહેતાના સન્માન સમારોહમાં જ જવા નીકળ્યા હતા !
બંનેનો વાર્તાલાપ આગળ ચાલતો જાય છે. ડ્રાઈવરની સીટ પર બેઠેલો યુવાન ડૉ. અમીનનો દીકરો આશિષ હતો. જે વિધુર હતો. વળી પત્નીના અકાળે થયેલ અવસાનને લીધે તે ડિપ્રેશનથી પીડાય છે. જેનો ખ્યાલ નાનુભાઈને તેની ચૂપકીદી પરથી આવી જાય છે. એકલતા એનાથી જીરવાતી નથી. જીવનસત્વ જ જાણે ખોઈ બેઠો હોય એવું એના ચહેરાથી જણાઈ આવે છે. વાતો આગળ વધતી જાય છે ને એ જ વખતે ડૉ. અમીન તેમના સહાધ્યાયી ડૉ. મહેતાના પરોપકારી સ્વભાવ વિશેની વાત માંડે છે, અને એક પ્રસંગ કહે છે : એક દિવસ અચાનક ડૉ. મહેતા ચેમ્બરમાં આવ્યા અને ઈન્ફર્ટિલિટીના કેસની વાત કરી. વાંઝિયાપણાનું કારણ હસબન્ડ છે તેવું જણાવ્યું એટલે સિમેનની શોધમાં ફરવા કરતાં સલાહ આપી કે યુ કેન યુઝ યોર ઓન સ્ટોક. તમે જાતે જ ડોનર બનો. આ વાત સાંભળીને જ નાનુભાઈ ભીતરથી હચમચી ઊઠે છે. પગ નીચેથી જાણે ધરતી સરી જતી હોય એવું એમને લાગે છે. પત્ની અને દીકરીથી છૂપાવી રાખેલા સત્યનો અપરાધભાવ ઘૂંટાઈને વધારે ઘેરો બને છે. ડૉ. મહેતા જ મુન્નીના પિતા છે એ સત્ય જિંદગીની અનેક તડકી છાંયડી જોઈ ચૂકેલા નાનુભાઈ જીરવી શકતા નથી. જિંદગીની આ આઘાતજનક હકીકત નાનુભાઈ માટે વજ્રઘાત પૂરવાર થાય છે. તેમને ગાડીમાં જ હાર્ટએટેક આવે છે.
ઝડપથી તેમને ડૉ. મહેતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. બીજી બાજુ પોતાના સન્માન સમારોહની શરૂઆત થઈ ગઈ હોવા છતાં ડૉ. મહેતા પોતાના દર્દીના ઈલાજ માટે દોડતા પગલે આવી પહોંચે છે. પરંતુ અથાગ પ્રયત્નો બાદ નાનુભાઈને તેઓ બચાવી શકતા નથી. ડૉ. મહેત અને ડૉ. અમીન મુન્ની તથા પ્રભાબહેનને નાનુભાઈના મૃત્યુની જાણ કરી એમ્બ્યુલન્સમાં તેમનો પાર્થિવ દેહ લઈ ગાંધીનગર આવવા રવાના થાય છે. સાથે આશિષ પણ પોતાની હોન્ડાસીટી કાર લઈને આવે છે. મુન્ની અને આશિષ એકસાથે નાનુભાઈના મૃતદેહને મુખાગ્નિ આપે છે ત્યાં જ કથા પૂર્ણ થાય છે.
નવલકથાના વિષયવસ્તુ તરફ નજર કરીએ તો એવું લાગે છે કે જાણે કોઈ ફિલ્મમાં જેમ એક પછી એક ઘટનાઓ ઘટતી જાય એમ અણધારી રીતે અહીં પણ બને છે. કેટલાક અકસ્માતો સુખદ પણ હોય છે તેની આપણને પ્રતીતિ થાય છે. જે નિયતીએ મુન્ની અને આશિષનું જીવન ખંડિત કર્યું હતું તે જ નિયતિ બે ખંડિત જીવનને જોડી આપે છે. નાનુભાઈનું મૃત્યુ બે ખંડિત હૈયાંને જોડી આપનાર કડી બને છે. બે તૂટેલા જીવનનું કથાના અંતે મિલન થાય છે તેને સંકેતમાં લેખક સરસ રીતે મૂકી આપે છે. ‘અનુસંધાન’ શીર્ષક આ રીતે યથાતથ બંધ બેસે છે.
કથાના અંતે આશિષ દોણી ઉપાડે છે તે પ્રસંગ લેખકના પ્રયોજનની દ્રષ્ટિએ બરાબર રીતે કાર્યસાધક નીવડે છે. જો કે અતિ સામાન્ય વાચકને એ ઘટના તર્કસંગત નહીં લાગે પણ એમાં બે જિંદગીઓ જોડાતી હોવાનો ગર્ભિત સંકેત મળે છે. અજાણ્યો આશિષ મરનાર નાનુભાઈનો જમાઈ બનવાનો છે. અલબત્ત સંકેત આપીને લેખક છટકી જાય છે એથી કૃતિનો અંત વધુ કલાત્મક અને ચોટદાર બની રહે છે. લેખકે આ રચનામાં વિવિધ સ્થિતિઓ રચી છે ને એ પરિસ્થિતિઓ વચ્ચે પાત્રો વિકસાવ્યાં છે. પરંપરાગત નવલકથાનાં નાયક-નાયિકા અહીં ગેરહાજર છે. પ્રણય-નિરૂપણ કે વર્તમાન સમયમાં જે બહુ ચાલે છે તે પ્રણય ત્રિકોણ પણ અહીં નથી.
        ડૉ. મહેતાનો સન્માન સમારોહ, સમારોહમાં જવા નાનુભાઈનું નીકળવું, હોન્ડાસીટીમાં લિફ્ટ લેવી. ડૉ. અમીન અને તેમના પુત્ર આશિષનું પણ ડૉ. મહેતાના સન્માન સમારોહમાં જવું, આશિષનું વિધુર હોવું, ગાડીના પ્રવાસ દરમિયાન વાતવાતમાં હાર્ટએટેક અને અવસાન આવી ઘટનાઓની ગોઠવણી લેખકે ખૂબ ચતુરાઈપૂર્વક કરી છે. જેથી તેમનો આયાસ ખુલ્લો ન પડી જાય.
કેશુભાઈ એમની બીજી કૃતિઓની જેમ જ અહીં પણ જિંદગીના અવલોકન અને અનુભવને કામે લગાડી નાનુભાઈના પાત્ર દ્વારા જીવનનું રૂપ હજી વધારે ઉજાગર કરી શક્યા હોત તો તે વધારે આવકાર્ય બનત. પરંતુ એ માટે તેમને સમયની મર્યાદા નડતર બની છે. બધું બહુ જ જલદી જલદી આટોપી લીધું છે. બાર હપ્તામાં નવલકથા સમેટી લેવાનું પૂર્વાયોજિત છે એથી લેખક નિરાંતે વાત માંડી શક્યા નથી.
કથામાં રહેલા સંવાદો અને અભિવ્યક્તિ વિશેષો વિશેનાં કેટલાંક દ્રષ્ટાંતો જોઈએ. “પોતાના કિસ્મતમાં સુકાઈ ગયેલાં ઠૂંઠાં પર કૂંપળો થોડી ફૂટવાની હતી ?” (પૃષ્ઠ ૧૯)
“ લોહી કરતાં સવાયું એવું એની સાથે એમને શ્વાસનું સગપણ છે.” (પૃષ્ઠ ૨૧)
“ માયા જ માનવીને જીવવાનું ઇંધણ પૂરું પાડે છે.” (પૃષ્ઠ ૧૧૧)
નાનુભાઈ સાથેની મુલાકાત સમયે જ ડૉ. અમીન તેમના ખભે હાથ મૂકીને જે શબ્દો બોલે છે તેમાં સમગ્ર કૃતિનું હાર્દ રહેલું છે. નહીંતર માનવીની જિંદગીમાં પ્રશ્નો તો રહ્યા જ કરવાના, પડકારો પણ આવ્યા કરવાના. એ બધાની વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવવાનું છે. એમાં ક્યારેક અણચિંતવી આફતો પણ આવી મળે અને ક્વચિત્ આવા સુખદ અકસ્માતોય સર્જાય. આખરે બધી ઈશ્વરની લીલા છે. જે કંઈ થાય છે એની પાછળ કંઈક ને કંઈક દૈવી આશય છૂપાયેલો હોય છે. બધું એકદમ સુયોજિત હોય છે. ભલેને આપણને એ સેટ રેન્ડમ લાગતું હોય. આ બ્રહ્માંડમાં કશુંય સેટ રેન્ડમ નથી, બલકે હોઈ પણ ન શકે.
આમ આ નવલકથા વાચકને સાદ્યંત જકડી રાખે તેવી મર્મસ્પર્શી બની છે. કથાવસ્તુનું નાવીન્ય તાજગીસભર યાત્રાલેખન અને તેની વિશિષ્ટ લાઘવયુક્ત માવજત એક સરસ નવલકથા નિર્માણ કરે છે.

પ્રા. ડૉ. મનીષ બી. ચૌધરી
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,
સમી.
મો. ૯૬૬૨૫૨૭૫૯૭
મેઈલ : mbbhai@gmail.com

000000000

***