પ્રસ્તાવના :- ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જ્ઞાનાશ્રયી આપનારા ગણ્યાં ગાંઠયા સર્જકોમાં અખાનું નામ (સને.૧૬૪૯ થી ૧૭૦૫) ખૂબ જાણીતું છે. તેને જીવનમાં સાંપડેલા એક પછી એક આઘાતને કારણે સંસ્કારથી વિમુખ બનેલા તેના મનને શાંતિ અર્પવા માટે તેણે આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો.
‘કહે અખો : હું ઘણુંયે રટયો, હરિને કાજે મને આવટયો, ધણાં કૃત્ય કર્યા મેં બાઝ, તોયે ન ભાગી મનની દાઝ ; દરશનવેરા જોઇ બહુ રહયો, પછે ગુ્રૂ કરવાને ગોકુળ ગયો.
અખાના સંસાર ત્યાગથી તેને આત્માજ્ઞાન અથવા આત્મા સાક્ષાત્કાર થયો કે કેમ ? એ સવાલ છે પરંતુ તેણે મેળવેલ અનુભવ સ્થાનને એણે સાહિત્યરૂપે સંસારમાં ફેલાવી અભાનપણે પણ અમૂલ્ય પ્રદાન કર્યુ છે. અને શ્રી ઉમાશંકર જોશીના શબ્દોમાં ‘તત્વજ્ઞાન કવિતાએ શિખરે પલાંઠી લગાવી છે.’
‘અખો’ એના સમયનો જાગૃત વિચારક :-
અખાના જીવનનો સમય ઇ.સ.૧૫૯૧ થી ૧૬૫૬ સુધીનો મનાયો છે. મધ્યકાળમાં થઇ ગયેલા આ સર્જકના સમયનો સમાજ અરાજકતા, અશાંતિ અને અંધરે થી પ્રવર્તમાન હતો. ધર્મ અને વહેવાર સંબંધી આચાર વિચારમાં સખતાઇ, જ્ઞાતિ પ્રથાના મજબૂત બંધનો, વર્ણાશ્રમ પ્રથા, સ્ત્રીઓની અસલામતી, તેમાંથી જન્મેલા બાળલગ્નો, વર વિક્રય, ઉંચ-નીચના ભેદભાવ, જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ, અંધશ્રધ્ધા અને વહેમો વગેરે થી ભરેલા હતો. અખાના પુરોગામી તથા સમકાલીન જ્ઞાતિ સંત કવિઓ નરસિંહ મહેતા, માંડણ, નરહરિ, ગોપાલ, બુટિયો જેવા અલપ-ઝલપ કવિઓના અલપ-ઝલપ સાહિત્યને સહેજ બાજુ પર મુકતા જ મધ્યકાળમાં ‘અખો’ સમગ્રલક્ષી ધ્યાન બની રહે છે.
‘નિર્ભયતા’ તેનુ મહત્વનું લક્ષણ છે. પોતાના સમયમાં પ્રવર્તમાન અંધશ્રધ્ધા, દંભ, પાખંડ, જ્ઞાનની પોકળતા, મિથ્યાભિમાન જેવા દૂષણોને તે કટાક્ષ્કે ઉપહાસ કરીને ખુલ્લા પાડે છે.
‘પંડ પખાળે પુજે પણ, મનમાં જાણે હું તે જાણ,અપ આતમ બહારે ભમે, મુરખ સામું માંડી નમે; ડાહયો પંડિત થઇ જે આદરે, તે અખા ધાર્યુ કેમ કરે ?’
અખો આ પ્રકારની સંકુચિતતામાંથી મુકત થવા સલાહ આપે છે કહે છે, ‘ ખટને તું ખટપટવા દે, તું અળગો આવી પ્રીછી લે’
સમાજમાં ફેલાયેલી અનેક બદીઓના મૂળમાં જ્ઞાનનો અભાવ પડેલો છે તેમ તે સ્પષ્ટ પણે માને છે. મનાવડાવે છે અને સાચી સમજ એટલે અવિધાનો નાશ અને જ્ઞાનની પ્રાપ્તિ. તેમ સમજાવી તે જ્ઞાન વિનાના સર્વ સાધનોને ઘાણીના બળદ જેવા ગણાવે છે.
‘ઘણાં પરમેશ્વર એ કયાંની વાત’
ઇશ્વર એક છે પરંતુ મનુષ્યે પોતાના માનસ સ્વભાવ પ્રમાણે અનેક ઇશ્વરનું નિર્માણ કર્યુ છે તેથી જીવ +જગત + ઇશ્વરનું સ્વરૂપ = બ્રહમ. અને તે એક જ છે એમ સમજાવી અખો સંત સમાગમ અને સદગુરૂના સંગનું મહત્વ દર્શાવે છે. કહે છે આપણે રઢિયાળ જીવન જીવવા ટેવાયેલા છીએ. તેથી સારાં- નરસાંનો ભેદ પામી શકતા નથી. અને બધું જ શંકાસ્પદ નજરે નિહાળ્યા કરીએ છીએ. પોતાનું અનુભવજન્યે જ્ઞાન લોકો સુધી પહોંચાડવા માટે તે ઘરભથ્થું દૃષ્ટાંતો અને ઉપમાઓ યોજે છે. જેમકે :-
ઓછું પાત્ર ને અદકું ભણ્યો, વઢકણી વહુએ દિકરો જણ્યો,
કહયું કંઇ ને સમજયા કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યુ.
એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પુજે દેવ.
‘‘અખો માણસના દંભ અને નિર્બળતા ઉપર કટાક્ષના લક્ષયવેધી બાણો જાણો મારણો હોય એમ લખે છે તે જેને વાગે છે તે હસી શકવાનો નથી. અને તે તો વાંચનાર પણ હસી શકવાનો નથી. અખાની આગળ વાંચનારે હસવું એ જાણે છૂટ લેવા જેવું છે’- એમ રામનારાયણ વિશ્વનાથ પાઠકે યોગ્ય જ કહયું છે.
અખાનો મુખ્ય ઉદેશ :- -------- અખાનું સમગ્ર કવન એ એના અનુભવજન્ય જ્ઞાન અને પરિપકવ સમજણનું પરિણામ છે. જગતમાં રહેલ તમામ સ્થૂળ અને સૂક્ષ્મ વસ્તુઓમાં બ્રહ્મ જ પ્રધાન છે. અને બધાથી પર છે. એ એના સર્જનમાં ઓગળી ગયેલો વિષય છે. તેથી જ એના સાહિત્યમાં પિંડ-બ્રહ્માંડવિવેક, દ્રેતાદ્રેતવિવેક, જીવ, જગત અને ઇશ્વરનું સ્વરૂપ, જગતને ભૂલભૂલામણીમાં ફસાવી માયા, તેનું સ્વરૂપ, માયાના નાશના ઉપાય, આત્માસાક્ષાત્કારના સાચા સાધનો, મોક્ષ મેળવવા મથતો જ્ઞાની ભકત, સદગુરૂસંતનો મહિમા, બ્રહ્માનંદ વગેરે તેના વિષયો છે.
બ્રહમવિધા એનો મુખ્ય વિષય છે. તેને જે કાંઇ કહેવું છે, પરબ્રહ્મનું સ્વરૂપ્અને તેની લીલા, માયાને વશ જીવની દુર્ગતિ, માયામાંથી જીવની મુકિત, કૈવલ્ય ઇશ્વર અને જીવનો છેલ્લો ભેદ વગેરેને તે ઉદાહરણ સહિત સમજાવે છે.
જયમ મહારત્ન મળે વેરાગર, સંતસમાગમ એવો રે આકર ;જયમ અભ્રની ઓથે વિધુત ચમકે, ત્યમ અને રામ મળે ગુરૂ સંગકે,
જે જનને ભવસાગર તરવો, ર્દઢ નૌકા સંત સમાગમ કરવો.સોય મૂંક જયમ ચાલે રોદો, ત્યમ હું જાઉં ત્યાં જાય જનમારો;
અખો કહે છે કે, બાહયાચાર વિનાની, ઇશ્વર પ્રીતિવાળી ભકિત અને વૈરાગ્ય બ્રહ્મને ઓળખવામાં મદદ કરશે પરંતુ શ્રેષ્ઠ સાધન તો આત્માજ્ઞાન જ છે.
અખાના સાહિત્ય સર્જનમાં છપ્પા અને સાખીઓ ગણાવો કે પદો અને દુહા પરંતુ એ બધાનું પરિણામ તો એક જ છે કે, તેણે આ બધા દ્વારા એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે,
માયા મીંડેની મીંડેઅર્થાત્ જગતમાં સર્વ મિથ્યા છે અને એક બ્રહ્મ જ સત્ય છેતે પોતાને માટે પણ સ્પષ્ટ જ કહે છે કે,
‘જ્ઞાનીને કવિતા (કવયેતા) ન ગણીશ’
તેના કવનના વિષયમાં માધુર્ય કે લાલિત્ય નહી પરંતુ તત્વજ્ઞાન, વેદાંત, બ્રહ્મ વગેરેની વિચારણ છે.
અખાની કૃતિઓ વિશે પોતાનું મંતવ્ય રજુ કરવા વિવેચક શ્રી વિજયરાય વૈધે કહયું છે કે- ‘જો બાંધે ભારે કહેવુ હોય તો કહી શકાય કે આમાંની પહેલી કૃતિમાં અખો શાસ્ત્રકાર છે; બીજી , ત્રીજી અને ચોથીમાં ક્રમે-ક્રમે ચડતી કક્ષાએ સાધક છે. ‘અખેગીતા’ માં તેની સિધ્ધાવસ્થાના મહનતમ સંવેદન તેણે શબ્દ દેહે મૂર્ત કર્યા છે, અને છપ્પા. એના દરેક અંગમાંના વિચાર કે ભાષાની મર્મગામિતાના પ્રમાણમાં એના સમગ્ર જીવનની સંસ્મરણીય પિછાન આપણને આપે છે.’ ઉપનિષદો અને અનુભવ બિંદુમાં રહેલી સમાનતા ‘તત્વચિંતન’ છે તેથી કેશવ હ. ધ્રુવે કહયું છે કે. – ‘‘ પ્રાકૃત ઉપનિષદ જોવાની ઇચ્છા હોય તેણે ‘અનુભવબિંદુ’ વાંચવું ’’ પ્રેમલક્ષણા ભકિત કે જ્ઞાનભકિતનું ધ્યેય :- ‘બ્રહ્માનંદ’
અખાએ રચેલ મનાતા ૧૬૭ જેટલા પદોમાંના ૩૮ પદ પ્રેમલક્ષણા ભકિતના ગણાવાય છે. જેમકે :-
મન ન લાગે બીજે ભામે જી, જનમ- મરણનાં સુખ દુઃખ વામે જી, જયમ જલ ઢળી આવે નીચે ખામે જી.
અહીં અખાના પ્રથમ બે પદો અને અંતિમ બે પદોની સરખામણી કરતાં પ્રથમ બે પદોમાં અખાની સર્જન કલાનો એક નવો જ પ્રવેશ જોવા મળે છે. અહીં જ્ઞાની, અદ્રેતવાદી, અખો કયાંક ખોવાઇ ગયો હોય એવી પ્રતીતી થયા વિના રહેતી નથી. પરંતુ આ પદોની શૈલી જોતા એ શંકાનુ સમાધાન થાય કે આ પદો અખાના જ છે પણ અહીં રજૂ થયેલા ગોપીભાવવાળા શૃગાંરસના પદો, અખો કવિ કે જ્ઞાની કવિ ? એ પ્રશ્ન ઉપજાવે પરંતુ તેના સમાધાનરૂપી બે કારણો પણ આપણને જડી આવે છે. તેમાં એક કે, આ પદોમાં ઘણાં અખાની ઉત્તરવયની હોવાની શકયતાં છે જેમાં તેના વૈષ્ણવધર્મી સંસ્કારની અસર છે અને બીજું કે ભકિતનો પ્રકાર ગમે તે હોય (પ્રેમલક્ષણાભકિત કે જ્ઞાનભકિત) તેનું અંતિમ ધ્યેય અંતે તો ‘બ્રહ્માનંદ’ જ છે. જે અખાના કવનનું કેન્દ્રબિંદુ ‘‘અનુભવ બિંદુ’’ છે. આત્માજ્ઞાન માટે ગુરૂનું મહત્વ :-
અખાના સમગ્ર કવનમાં પડતો પડઘો છે ‘‘ ગુરૂનું મહત્વ ’’ અખાના જીવન વિશે લોકોમાં જાણીતી અનેક દંતકથાઓમાં ધર્મની બહેનનો અવિશ્વાસ, દ્રેષિલા જ્ઞાતિબંધુઓએ નોકરીમાં તેમના ઉપર મૂકેલા ખોટા આક્ષેપો અને નાની ઉંમરથી જ માતા ત્યારબાદ પિતા, નાની બહેન અને બબ્બે પત્નીઓના અવસાન જેવા એક બાદ એક આઘાતથી અખાનું વૈરાગ્યવૃત્તિથી ઉભરાતું મન સંસારમાંથી વિરકત બન્યું અને મોક્ષની પ્રાપ્તિ માટે સાચું જ્ઞાન, અને સાચા જ્ઞાન માટે સાચા સદગુરૂને મેળવવા તે સદગુરૂની શોધમાં ચાલી નીકળ્યો અને ગોકુળ મથુરા મહોંચેલા અખાને ગોકુળનાથ નામે ગુરૂ મળે છે. જેના વિષે અખાએ નોંધ્યું છે. ‘ગુરૂ કીધા મેં ગોકુળનાથ ઘરડા બળદને વાળીનાથ,
અહીં સાચા ગુરૂ ન મળવાનો અખાનો અસંતોષ સ્પષ્ટ દેખાઇ આવે છે. અને કહેવાય છે કે, અખાને કાશીમાં સાચા ગુરૂ ‘બ્રહ્માનંદ’ ની પ્રાપ્તિ થઇ હતી પરંતુ તેમના સમગ્ર કવનનો પ્રધાનરસ ‘બ્રહ્મરસ’ છે. એમ જોતા અહી બ્રહ્માનંદ એ સંજ્ઞાવાચક શબ્દ ન હોવાનો પૂરેપૂરો સંભવ છે. તેમના સાહિત્યમાં પણ તેમણે ‘બ્રહ્માનંદ’ ને મહતવનો ગણાવ્યો છે. જેમકે :-
અહીં ‘બ્રહ્માનંદ’ નો અર્થ ‘‘સદગુરૂ’’ હોય કે ‘‘ પરમાત્મા’’ પરંતુ જ્ઞાનમાર્ગનો રસ્તો બતાવનાર ગુરૂનો મહિમા અપાર છે તે સર્વથા સત્ય છે. ‘ચરણ કમળ ગુરૂદેવનાં સેવંતા સધ હરિ મળે ; જેમ અર્કતણા ઉધોતથી અંધકાર અખા પળે ;
જો કે, ગુરૂ મહિમા દર્શાવ્યા પછી પણ તે આત્માજ્ઞાનને પ્રથમ મહત્વ આપે છે. ‘ચરણ કમળ ગુરૂદેવનાં સેવંતા સધ હરિ મળે ; બાહ્યાચાર વિનાની શુધ્ધ નિર્ગુણ ભકિત :-
બ્રહ્મને પામવા બાહ્યાચાર વિનાની શુધ્ધભકિત અને વૈરાગ્ય મોટા પરિબળો છે અખો એના સમયમાં સમાજમાં ફેલાયેલ પાખંડ, દંભ વગેરેને દૂર કરવા ‘અનુભવ-બિંદુ’ રચે છે. એમ કહીએ તો તેમાં જરાય અતિશયોકિત નથી. ‘અનુભવબિંદુ’ માં મુખ્ય શબ્દ અનુભવ છે. અને એ અનુભવ બ્રહ્મ વિષયક છે. આ અનુંભવ મનુષ્યને ત્યારે જ થાય જયારે કામ, ક્રોધ, માહ, અહંકાર, માયા, લોભને છોડવામાં આવે. આ પ્રકારના માયાજાળના બંધનોમાં ફસાયેલો માણસ આખરે તો કંઇક અપેક્ષા સાથે જ ઇશ્વરની ઉપાસના કરતો હોય છે. અને એની પૂર્તિ માટે તે અનેક પ્રકારના કર્મકાંડોમાં માનવા લાગે છે જેની સામે અખાએ છપ્પા ધ્વારા કટાક્ષો કર્યા છે માટે માત્ર ભાષા જ પૂરતી નથી સાથે – સાથે ર્દષ્ટાંતો પણ જરૂરી બની જાય છે. અજ્ઞાની માનવબુધ્ધિથી પ્રગટેલા ર્દષ્ટાંતો બ્રહ્મને મેળવવા માટે અધૂરા છે એમ તે સ્પષ્ટપણે માને છે કહે છે,- કૈવલ્યતામાં કો અખા બુધ્ધિબળ પોહોચે નહી ; સ્થૂળનૂં કહયું ર્દષ્ટાંત એ, કો ધીમંત શકે ગ્રહી.
વેદ, ઉપનિષદના જ્ઞાન સાથે મળતી આવતી તેની તત્વવિચારણા આત્મા અને પરમાત્માને ઓળખવાનો પુરૂષાર્થ છે.
સદગુણ ભકિતને તે મોહનું જ એક સ્વરૂપ માની ત્યજવા કહે છે, સગુણ ભકિત મોતી ઘુધરી, મને મોહન દીસે તે ખરી ; અંતરતાપ ક્ષુધા નવ શમે, સામા મનોરથ પેરે દમે ;અખા સમજ એ દેહ – વહેવાર, જન્મ મરણ ન ટળે સંસાર.
ભકિત વિશે પૂર્ણ સજાગ અખો દંભભકિત, જડ ભકિત અને પાખંડ ભકિતને, ત્યજીને માત્ર આત્મજ્ઞાનનું મહત્વ દર્શાવે છે. અને ભકિતને જ્ઞાનનું એક માત્ર અંગ જ ગણે છે જો કે, અને મન ‘ભકિત’તો ઠીક, મુકિત પણ નિરર્થક જ છે. ઉપસંહાર :-
ટૂંકમાં ‘ભાષાન. શું વળગે ભૂર રણમાં જે રીતે તે શૂર’ એમ કહેનાર અખાને મન જેમ ભાષા તેમ કવિતા પણ સાધ્ય નહિ, સાધન જ હતી. પોતાને કવિ ન ગણાવતા આ સર્જકે બીજાઓને પણ ‘અમો જગણ મગણ નથી જાણતા’ એમ જણાવતો અખો જ્ઞાની કવિ જ છે જેમાં ‘જ્ઞાની’ અને ‘કવિ’ બંને અર્થ સમાવિષ્ટ જ છે.