ગુજરાતી નવલકથામાં ચૌલાદેવીનાં વિવિધ રૂપો


સાહિત્યામા, ભારતીય સાહિત્યમાં અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં ગદ્યની શરૂઆતથી કથારસને રસપ્રદ બનાવવા માટે અને કથાના પાત્રને ઉત્તમ અને લોકપ્રિય બનાવવા માટે સર્જક કોઈને કોઈ તરકીબનો ઉપયોગ કરતો હોય છે અથવા જાણીતા ઐતિહાસિક કે પૌરાણિક કથાનકને કેન્દ્રમાં રાખીને કશુક નવું સર્જન કરતો હોય છે. ગુજરાતી સાહિત્યમાં ગદ્યની શરૂઆક પ્રમાણમાં મોડી થઈ કહેવાય, તેમાં પણ સર્જનાત્મક ગદ્ય તો નર્મદ-દલપતરામના સમયગાળાથી લઈને આજ સુધી, તેમાં અનેક સાહિત્ય સ્વરૂપો અને પ્રકારો વિધ વિધ રીતે વિકસતા જોવા મળે છે. ગુજરાતી સાહિત્યમાં કથા - વાર્તા સવરૂપે કે નવલકથા એવા પાચ્શ્રાત્ય સ્વરૂપની શરૂઆતથી ઐતિહાસિક પ્રસંગોનો આધાર લેવામાં આવ્યો છે અને તે દ્વારા વિષય, ભાવ, ભાષા, શૈલી, ઘટના, વાતાવરણ વગેરેની ખીલવણી થતી આવી છે.

ઈતિહાસ આપણે ત્યાં પ્રાચીન પરંપરાથી એટલે કે ધર્મ - તત્ત્વજ્ઞાનની વાર્તાઓ અને રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક ઈતિહાસની પરંપરાનું સર્જન અનેક રીતે થતું રહે છે. ગુજરાતી સાહિત્યની શરૂઆતમાં સર્જનાત્મક સ્વરૂપ તરીકે નવલકથા એ રસપ્રદ બની રહેલો સાહિત્ય પ્રકાર છે. ‘હિન્દુસ્તાન મધ્યેનું ઝૂંપડું’ કે કર્ણદેવ વાઘેલાનો ઈતિહાસ ‘કરણઘેલા’ના સ્વરૂપે ઈ. સ. 1866માં નંદશંકર તુળજાશંકર મહેતા નવલકથા રૂપે આપે છે. ઈતિહાસની સાથે તત્કાલિન પરિવેશ અને બનાવ-ઘટનાનું બયાન તથા ઐતિહાસિક પાત્રોને મુખર કરી આપવાની પરંપરા ઊભી કરી આપે છે. ત્યારબાદ ગુજરાતી નવલકથા સાહિત્યમાં પ્રાચીન ભારત, ગુજરાત અને વર્તમાન ગુજરાતના ઈતિહાસને કથા-રસ સાથે મેળવીને તેનું કલાત્મક નવસર્જન થયું છે. ઐતિહાસિક પાત્રો અને મૌલિક પાત્રો ઊભા કરીને પણ સર્જક તેના સર્જકત્વને ગૌરવાન્વિત કરતો હોય છે. નંદશંકર પછી આપણે ત્યાં મુનશી, ધૂમકેતુ, મેઘાણી, ચુનીલાલ મડિયા, દર્શક, રઘુવીર ચૌઘરી વગેરે સુધીના નવલકથાકારોની કથામાં ઈતિહાસના બનાવો, પ્રસંગો, પાત્રો, વાતાવરણને જીવંત બનાવી લોકપ્રિય અને લાકોપયોગી બનાવ્યા છે.

ગુજરાતી નવલકથાની શરૂઆત જ ઐતિહાસિક નવલકથાથી થઈ છે. ઈતિહાસ કહે છે કે મહમૂદ ગઝનવીએ પ્રભાસ પાટણના સોમનાથ પર સત્તર વખત ચડાઈ કરેલી. ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં આલેખાતી નવલકથાઓ ગુજરાતી નવલકથાકારોનો અને ભાવક-વાચકોનો રસનો વિષય રહ્યો છે. ખાસ કરીને પ્રાચીન - પૌરાણિક જ્યોતિર્લિંગમાંનું ગુજરાતમાં આવેલુ સોમનાથ અને તેના ધ્વંસને તથા તેના ઉપર સમયાન્તરે થયેલા આક્રમણ અને મહમૂદ ગઝનવીનું સોમનાથ ઉપર આક્રમણ ઉપરાંત સોલંકીવંશના રાજા ભીમદેવનું સોમનાથ બચાવવાનું સાહસ આલેખતી કથાને વણીને ધૂમકેતુએ ૧૯૪૦માં 'ચૌલાદેવી' સર્જી હતી. કનૈયાલાલ મુનશીએ ૧૯૪૦માં જ 'જય સોમનાથ' નવલકથા લખી હતી. એ પછી ચુનીલાલ મડિયાએ ૧૯૬૨માં 'કુમકુમ અને આશકા' નવલકથા લખી હતી તથા 1995માં રઘુવીર ચૌધરીની ‘સોમતીર્થ’ને ગણાવી શકાય.

મારા આ સંશોધન લેખમાં ગુજરાતનો 11મી સદી એટલે કે સોલંકી યુગના ઈતિહાસની કથા અને ખાસ કરીને તેનું પાત્ર ચૌલાદેવીને કેન્દ્રમાં રાખી તેની વિવિધ મુદ્દાઓનો પરિચય કરાવવાનો છે. નવલકથા દ્વારા મુનશીએ ‘જય સોમનાથ’માં ધૂમકેતુએ ‘ચૌલાદેવી’માં, ચુનીલાલ મડિયાએ ‘કુમકુમ અને આશકા’માં તથા રઘુવીર ચૌધરીએ ‘સોમતીર્થ’માં ચૌલાનાં પાત્રને મુકવાનો સરાહનીય પ્રયત્ન કર્યો છે તે તપાસવાનો છે. ચૌલાદેવીના પાત્રને ચારેય નવલકથાકારોએ જુદા જુદા દૃષ્ટિકોણથી કથારસને અનુરૂપ ખોલ્યું છે અને ખીલવ્યું છે.

એક સ્ત્રી તરીકે ચૌલાદેવી અસ્ત પામતા આ સોલંકી કાળમાં ભીમદેવની પ્રેયસી, નર્તકી, વારાંગના, વીરાંગના અને અડગ વ્યક્તિત્વવાળી સ્ત્રી દેખાય આવે છે. તે નર્તકી તરીકે તો જાણીતી છે જ. સાથે સાથે પરાક્રમ અને શોર્ય તથા ખૂમારીનું પણ દ્યોતક બની રહે છે.

ચૌલાદેવી ઐતિહાસિક પાત્ર છે, જે મુનશીની નવલકથા ‘જય સોમનાથ’ શરૂઆતમાં જ ‘સં. 1882ની કાર્તિક સુદ એકાદશી હતી શ્રદ્ધાળુઓ લોહચુંબકથી ખેંચાતા સોમનાથ જ્યોર્તિલીંગના દર્શને આવતા હતા.’ થી શરૂ કરીને કથાને વેગવંતી બનાવે છે. આ નવલકથાની પ્રથમ આવૃત્તિ 1940માં પ્રકાશિત થઈ. ગૌરાશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ની ‘ચૌલાદેવી’ નવલકથા પણ 1940માં પ્રકાશિત થઈ છે. જેમાં ચૌલાદેવીનું સમગ્ર ચરિત્ર પ્રગટે છે. ધૂમકેતુ સુસજ્જ સર્જક હતા એમની કૃતિઓમાં પાત્રો ,ઘટનાઓ ,અર્થઘટનો બધું ઇતિહાસના તથ્યને વફાદાર રહે એવી એમની સતત કોશિશ રહી છે. ચુનીલાલ મડિયાની નવલકથા ‘કુમકુમ અને આશકા’માં બઉલી, બઉલા કે બહુલાદેવીનું પાત્ર આવે છે તે જ ચૌલા છે. આ નવલકથાની પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી 1962માં પ્રકાશિત થઈ. ‘જન્મભૂમિ- પ્રવાસી’માં 1 જાન્યુઆરી 1961થી 24 સપ્ટેમ્બર 1961 દરમ્યાન હપ્તાવાર પ્રગટ થઈ ચુકી છે. તો રઘુવીર ચૌઘરી ‘સોમતીર્થ’ નવલકથામાં ચૌલાને લઈ આવે છે. આપણી ભાષાના આ ચારેય નવલકથાકારોની કથાગૂંથણી અને પ્રસંગોની જમાવટ જાણીતી છે ત્યારે ઔતિહાસિક પાત્ર ચૌલાદેવીના વિવિધ રૂપોને એમની જરૂરિયાત મુજબનું નવલકથામાં ચિત્રણ કરીને સર્જક તરીકેની એમની પ્રતિબધ્ધતા તો ચોક્કસ ઉપસી આવે જ છે, પણ સાથે સાથે ચૌલાના પાત્રને ન્યાય આપીને તેની ખાસિયત ઉપસાવવામાં સફળ રહ્યા છે તેવું જણાય આવે છે. ઐતિહાસિક પૃષ્ટભૂમિકાએથી રજૂ થતાં આ પાત્રની ખૂબી સુંદર રીતે બખૂબી ઉપસી આવે છે. તથા અગિયારમી સદીના ગુજરાતનું વર્ણન અને દર્શન સાંપડે છે.

કનૈયાલાલ મુનશીની નવલકથા ‘જય સોમનાથ’ એ એમની નવલત્રયી ‘પાટણની પ્રભુતા’, ‘રાજાધિરાજ’નો એક ભાગ છે. નવલકથાના આમુખમાં જ એમણે ઈતિહાસની થોડીઘણી સ્પષ્ટતા કરેલી છે. સુલતાન મહમૂદના આક્રમણનો ગુજરાતે કરેલા પ્રતિરોધનું વર્ણન કરવાનો મુનશીનો ઈરાદો મુનશી પોતે જણાવે છે. સાથેસાથે ચૌલાની પ્રણય વિહ્વળ ભક્તિનું નિરૂપણ પણ મુનશી કરે છે.

ચંદ્રકાન્ત ટોપાવાળા નોંધે છે તેમ “ ‘જય સોમનાથ’ નવલકથા સોલંકીયુગનો સંદર્ભ આપતી કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા છે. મહંમદ ગઝનીએ સોમનાથ પર કરેલા આક્રમણને ભીમદેવ સોલંકીએ સર્વ રજપૂતોની સાથે રહી કઈ રીતે ખાળ્યુ અને ચૌલાદેવી સાથેનો ભીમદેવનો પ્રણય કઈ રીતે પરિણયમાં પરિણમ્યો, એની જીવંત માંડણી કરતી આ પ્રેમશોર્યની કથાનું સૌથી મહત્વનું અંગ વર્ણન છે. યુદ્ધના આલેખનમાં કચાશ કે અસંગતિઓ જરૂર મળી આવે, તેમ છતાં રણની આંધી, ઘોઘારાણાની યશગાથા, ચૌલાનું નૃત્ય આદિ વર્ણનો આ નવલકથાનાં જબરાં આકર્ષણો છે.”

ચૌલાને જોવાની દૃષ્ટિ સર્જકે સર્જકે અલગ જ હોવાની, એના રૂપ, ગુણના વર્ણનથી માંડીને એનું સમગ્ર વ્યક્તિચિત્ર પણ નિરાળી ભાત પાડે છે. મુનશીની ચૌલા નૃત્યાંગના તો છે જ પણ તે ભીમદેવને પ્રેમ કરે છે. ખાસ તો મહમદ ગઝનીએ સોમનાથ પર આક્રમણ કર્યું ત્યારે દેશ અને ગુજરાતની કેવી સ્થિતિ હતી તેનું નિરૂપણ મુનશીએ કર્યું છે. સોમનાથના સંરક્ષણની ભૂમિકા પર ભીમદેવ સોલંકી અને દેવનર્તકી ચૌલાનાં પ્રેમનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કથાના અંત સુધી ચૌલાનું સમર્પણ વિશેષ પ્રભાવ ઊભો કરે છે. પ્રેમભક્તિ ભર્યું ચૌલાનું વ્યક્તિત્વ નિર્દોશ મુગ્ધતા, સુંદરતા, ભાવનામયતા અને માધુર્યથી નીખરી ઊઠે છે.

મુખ્યત્વે ગાંધી યુગના વાર્તાકાર ધૂમકેતુ ઐતિહાસિક નવલકથાની હારમાળા ઊભી કરી આપે છે. ધૂમકેતુ પહેલા મુનશીની ઐતિહાસિક નવલકથાની ઝાંખી ગુજરાતે કરી છે. ધૂમકેતુએ ગુપ્તયુગની ગ્રંથાવલિમાં ભારતના ભવ્યયુગની ગાથાને ચરિતાર્થ કરી છે. ‘આમ્રપાલિ’, ‘નગર વૈશાલી’, ‘મગધપતિ’, ‘મહાઅમાત્ય ચાણક્ય’, ‘ચંદ્રગુપ્ત મૌર્ય’, ‘પ્રિયદર્શી અશોક’, ‘પ્રિયદર્શી સમ્રાટ અશોક’, ‘સેનાપતિ પુષ્યમિત્ર’ વગેરે તથા ચાલુક્ય વંશમાં ‘વાચિનીદેવી’, ‘ચૌલાદેવી’, ‘રાજસંન્યાસી’, ‘ત્રિભુવનગંડ સિદ્ધરાજ’, ‘જયસિંહ સિદ્ધરાજ’, ‘ગૂર્જરેશ્વર’, ‘રાજર્ષિ કુમારપાળ’, ‘રાય કરણઘેલો’ ગણાવી શકાય.

ગૌરાશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ની ચાલુક્ય વંશની ‘ચૌલાદેવી’ નવલકથા રાજા ભીમદેવના સમયની નવલકથા છે. એટલે કે એમા પણ મુનશી પછી લખાયેલ કથામાં અગિયારમી સદીનો જ ઈતિહાસ છે. પણ ચૌલાનું સમગ્ર ચરિત્ર કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. આ નવલકથાને કેન્દ્રમાં રાખી શ્રી દિનુભાઈ દવેએ નાટ્ય રૂપાંતર કરી ‘ચૌલાદેવી’ એવું ત્રિઅંકી નાટક પણ કરેલું છે.

ધૂમકેતુની ‘ચૌલાદેવી’ નવલકથા સંદર્ભે જયંત પંડ્યા નોંધે છે તે મુજબ “સોમનાથ-પાટણના પતન પછી ગુજરાતની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી ચૂકી હતી; પરાક્રમી રાજા ભીમદેવ ભગવાન પિનાકપાણિના દેવમંદિરની રક્ષા કરી શક્યા નહીં તે કારણે ગુજરાતનો રાજ્વી ઉપહાસપાત્ર બન્યો હતો; બરાબર તે જ વખતે પાટણ આંતરિક અસંતોષથી ધૂંધવાતું હતું. બહારનાં ઉપહાસ અને અંદરના જવાળામુખી વચ્ચે ગુજરાતની ગર્વોન્નત પ્રતિમા ઉપસાવવા મંત્રી વિમલ, સંધિવિગ્રાહક દામોદર અને અભિજાતસુંદરી ચૌલાદેવી મથે છે. ચૌલાદેવીની ઉદાત્તત્તાનો અને સ્વપ્નમંડિત ભાવનાનો સ્પર્શ લગભગ તમામ પાત્રોને થયો છે. ગુજરાતના નિર્માણની એ પ્રેરણામૂર્તિ બને છે.”

અહીં પણ ભીમદેવ ચૌલાદેવી નામની નર્તિકાના પ્રેમમાં છે. અને દામોદરે એને રા’ ની દીકરી ઉદયમતી સાથે પરણાવે છે. ભીમદેવ ચૌલાને મહારાણી બનાવે છે પણ ચૌલાદેવી પાટણ માટે પોતાના વારસો ગાદી નહિ સ્વીકારે એવું વચન આપે છે. ધૂમકેતુની આ ચૌલા પાટણ માટે મોટું બલિદાન આપે છે એ વાત બહુ ઊંડાણથી વણી લેવામાં આવી છે.

ચુનીલાલ મડિયાની નવલકથા ‘કુમકુમ અને આશકા’માં બહુલાદેવીનું પાત્ર આવે છે તે જ ચૌલા છે. એ પણ નર્તકી જ છે. ભીમદેવને પોતાનું હ્રદય આપી બેસે છે. આ કથા ચાલીસ પ્રકરણોમાં વિભાજિત થઈ છે. ભોગાવો નદીના તીરેથી શરૂ કરીને સરસ્વતી નદીના તીરે અને સૌરાષ્ટ્રની ધરતી પરથી આશકા સુધી વિસ્તરે છે. વચ્ચે આવતું દાણી માતાનું મંદિર અને ભીમદેવ સાથે બઉલાનો પ્રથમ પરિચય તથા સોમનાથ મંદિરને સમર્પિત ત્રણસો દેવ નર્તકીઓમાની શાંભવ યોગિનિ અને ભુજંગસ્વામીની પુત્રી બઉલા મુખ્ય છે તથા તે ધનુર્વિદ્યામાં પણ પારંગત છે.

રઘુવીર ચૌધરીની નવલકથા ‘સોમતીર્થ’માં ચૌલાનું પાત્ર આવે છે. આ નવલકથા પણ સોમનાથના ઈતિહાસને જરા જુદી રીતે અને જુદા અર્થમાં પ્રકાશિત કરે છે. 1995માં લખાયેલ આ નવલકથા ‘ફૂલછાબ’ના તંત્રી શ્રી હરસુખભાઈ સંઘાણીના આમંત્રણથી ખાસ કરીને સૌરાષ્ટ્રના એમના વાચકોના આકર્ષણને ધ્યાનમાં રાખીને પ્રગટ થઈ. રઘુવીર ચૌધરી આપણા સારા અને ઉત્તમ નવલકથાકાર છે. એમની અન્ય નવલકથામાં પણ પાત્રોની ગૂંથણી, વાતાવરણ નિરૂપણ, વર્ણનકળાની શોભા નાવિન્ય ધારણ કરે છે. સમાજ, સાહિત્ય અને ઈતિહાસના અભ્યાસી લેખક છે. સોમતીર્થ નવલકથામાં મંદિર તૂટવાથી ધર્મ તૂટતો નથી એવું સિદ્ધ કરતી કથા પૌરાણિક અને વર્તમાન સોમનાથ મંદિર નિમિત્તે ગુજરાત-સૌરાષ્ટ્રના ભૌગાલિક-રાજકીય ફલકને કેન્દ્રમાં રાખી સદાશિવ અને ચૌલાના પાત્ર દ્વારા શૈવ ધર્મના આદર્શોનું આલેખન કરે છે. રા'નવઘણના વ્યક્તિત્વનો વિકાસ, સોરઠીની પ્રજાની સમૂહચેતના, સત્તા અને સંપત્તિની ભૂખ ધરાવતા માહમૂદ ગઝનવીના સોમનાથ પરના આક્રમણનું વર્ણન, વજા ઠાકોર, અલ બરુની, ફરીદ, દેવાયત આહિર વગેરે જેવા ઐતિહાસિક પાત્રોના આધારે રચાયેલી નવલકથા છે. ગુજરાતી તથા હિન્દી ભાષામાં પણ વ્યાપક આવકાર પામેલી નવલકથા તરીકે ‘સોમતીર્થ’ને ગણાવી શકાય. તેમણે “સોમતીર્થ શા માટે ?” માં સર્જકે પોતે નિવેદન કર્યું છે એ મુજબ “ઈતિહાસના અભ્યાસે માહમૂદના અંતનું અર્થઘટન સુલભ કરી આપ્યું. એના વિજયોના રૂઆબ કરતાં એના અંતની કરૂણતા વધારે હતી. માનવીય નિયતિને સમજવામાં એ નિમિત્ત બની શકે છે. ધર્મસ્થાનનું ખંડન કરવાથી ધર્મશ્રદ્ધા નષ્ટ નથી થતી. ક્યારેક દ્વિગુણિત બને છે. પ્રભાસતીર્થે કેટકેટલા ઘા ઝીલીને પણ મસ્તક ઉન્નત રાખ્યું છે.”

આમ ચારેય નવલકથામાંથી પ્રગટતા ચૌલાદેવીની વિધ વિધ રૂપો અને તેની વૈયક્તિક ખાસિયત તથા તત્કાલિન સમયના રીત-રિવાજો, માન્યતાઓ અને રાજ-કારભારની વિશદ છણાવટ કરી છે. સાથે સાથે ચૌલાના પાત્ર દ્વારા એક સ્ત્રી તરીકેની તેની મુગ્ધતા, સુંદરતા, નર્તકીયકળાનું નિરૂપણ મનભર અને મનોહર બની રહે છે. આમ જોવા જઈએ તો આવી નવલકથા લખવાનો સર્જકનો ઉદ્દેશ સર્જકે સર્જકે અલગ-અલગ હોવાનો જ. પણ કથાને રસપ્રદ બનાવીને પાત્રનું નખશિખ વર્ણનથી માંડી પાત્રની માનવીય ખાસિયતને ઊભી કરી આપે છે. મૂળ ઈતિહાસ તો છે જ. વાસ્તવિકતા પણ હોવાની જ. અહીં નવલકથા તરીકે કેન્દ્રમાં સોમનાથનું મંદિર અને એને અનુષંગે બનતી ઘટનાઓ, સાથે ઈતિહાસનું નિરૂપણ અને ચૌલાદેવીના પાત્રનિરૂપણની ચારેય નવલકથાકારોએ કરેલી કળાત્મકતાની અમીછાંટ ઊભી કરવામાં કથાકારનું ભાવવિશ્ર્વ પણ ઊભું થતુ જોવા મળે છે.

સંદર્ભગ્રંથો :

  1. 1. જય સોમનાથ - કનૈયાલાલ મુનશી
  2. 2. ચૌલાદેવી - ગૌરાશંકર ગોવર્ધનરામ જોશી ધૂમકેતુ
  3. 3. કુમકુમ અને આશકા - ચુનીલાલ મડિયા
  4. 4. સોમતીર્થ - રઘુવીર ચૌધરી
  5. 5. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ, ભાગઃ 4 - ગુજરાતી સાહિત્ય પરિષદ
  6. 6. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - રમેશ એમ. ત્રિવેદી
  7. 7. શબ્દઃ બિંબ-પ્રતિબિંબ - રવીન્દ્ર ઠાકોર
  8. 8. ધૂમકેતુ - ડૉ. ભરચકુમાર ઠાકર

ડૉ. સંજય મકવાણા, સહપ્રાધ્યાપક, ગુજરાતી વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠઃ રાંધેજા. Email: sanjay8md@gmail.com Mobile no. 094274 31670