ટાવરિંગ પર્સનાલિટી ધરાવતા વૃધ્ધનું ગૌરવંતું જીવંત ચરિત્ર રજૂ કરતી વાર્તા: ‘માજા વેલાનું મૃત્યુ’ (સુન્દરમ્)


નીતિના પ્રશ્નોની ચિંતા કર્યા વગર સાચુકલું આલેખન કરનાર સુન્દરમ્ ની માજા વેલાનું મૃત્યુ’ વાર્તા તેની નિરૂપણ રીતિ, વાસ્તવ દર્શન તથા તળના જીવનનું સચોટ દર્શનને કારણે જુદી પડે છે. કદાચ આ નક્કર અનુભવનું ભાથું તેમણે તેમના વતનની આસપાસ અનુભવ્યું હશે, એવું કહી શકાય.

‘માજા વેલાનું મૃત્યુ’ વાર્તાનાં આરંભનું વર્ણન- માજા વેલાને ‘કુલપિતાની અદાથી’ શહેરના ટાવરની નીચે સમયનું વંશવૃક્ષ લઈને બેઠો છે. તે દ્વારા વાર્તાકારની ઉપમા તથા ભાષા પ્રભુત્વ પ્રગટ્યું છે. તપોવનના યજ્ઞના જેવો ધુમાડો અને ગટરની ગંધ વચ્ચે શહેરની વચોવચ ભીખ માગવા બેઠેલા માજાને સારું ન હોવા છતાં અને પરિવારના સભ્યોએ ‘ના’ પાડી હોવા છતાં તે ભીખ માંગવા આવ્યો છે.

વધતી જતી ઉંમર તથા બીમારીને (બરાગત) કારણે માજાને હાંફ ચડી જાય છે. છતાં તેની પ્રબળ જિજીવિષા રજૂ થઈ છે. વાર્તાનું અસલ નિરૂપણ બાળકો સાથેના માજાનાં સંવાદોમાં પ્રગટે છે. પોતે ક્યાંને કેવી રીતે ધાડે પાડી છે. તથા કેવી રીતે પોલીસોનો માર ખાધો છે તે દરેકનું બયાન માજાના મુખે વાર્તાકારે કર્યું છે. નીતિની દૃષ્ટિએ અનીતિ ભર્યું કામ કરતા માજા પ્રત્યે ભાવકને ઘૃણા ઉપજતી નથી. કે અહીં વાર્તાકારનો ઈરાદો ઉચ્ચ-નિમ્ન વર્ગની વિષમતા પાછળના કારણોની ચર્ચા કરવાનો પણ નથી. સહજ રીતે નિમ્ન વર્ગના માજા વેલાનું બયાન વાર્તામાં રજૂ થયું છે.

ખાવાનો શોખીન માજાએ જીવનના મોટાભાગના શોખ પૂરા કર્યા છે. પોતાના નાના બાળશ્રોતાએ ‘સૂતર ફેણી’ ખાધી નથી તેનો વસવસો પણ તે પ્રગટ કરે છે. તથા વાર્તામાં વાનગીઓનું વર્ણન ચિત્રાત્મક છે તો જેના પર વિશેષ હેત છે તેવી ‘ખુડી’ આઈસક્રીમ લાવે છે તે ખાય છે. ઠંડી વધારે ચડી હોવા છતાં તે પોતાના ભત્રીજા ‘વના’ને લીધા વિના ઘેર જતો નથી. વનો આવ્યા બાદ તે જે લાવ્યો છે તે તમામ મીઠાઈને તે ખાય છે. તથા સૂતરફેણી ખાવાની ઈચ્છા બાળકોની વનો પૂરી કરે છે. ‘ખોડિયાર મા બધુ હેમખેમ રાખજે’ની પ્રાથના કરતો માજો અંતે વનાને ખુડીને સારા વર સાથે પરણાવાનું કહીને મોતને ભેટે છે. વાર્તાનો અંત જુઓ-‘ ‘કોઈએ રડવાનું નથી. ખબરદાર. ડોસા સુખી થઈને ગયા છે!’

બધાં ઉપર એક શાંતિ છવાઈ રહી. બેએક જણે ભેગા મળી માજા વેલાને ઉપાડવા પ્રયત્ન કર્યો. પણ છેવટે વનો બોલ્યો: ‘નહિ ફાવે એમ તો.’ અને છેવટે તે એકલો જ ડોસાને પોતાને ખાંધેલે નાખી ચાલવા લાગ્યો.

તેની સાથે ધીરે ધીરે ચાલતી માજા વેલાની ત્રીસેક જણની સંતતિ અંદર અંદર ધીરેથી વાતો કરતી ચાલવા લાગી, ‘માજો વેલો બહુ સારું મોત પામ્યા. બહુ સુખી મોત, બહુ સારું મોત !’ ’(સુન્દરમ્ ની શ્રેષ્ઠ વાર્તાઓ, સં. ચંદ્રકાન્ત શેઠ, આદર્શ પ્રકાશન, અમદાવાદ, ત્રીજું પુનર્મુદ્રણ: 2008, પૃ.78) જેવો વાર્તાનો અંત સચોટ છે.

વાર્તાના અંતે જીવનનાં તમામ સુખોને ભોગવીને સુખેથી મોતને વળગતો માજો ‘સારું મોત’ પામ્યાની વાત કુટુંબીજનો કરે છે. તો માજા જેવી જ ખુમારી ‘વના’માં અંતે દૃષ્ટિ ગોચર થાય છે. કદાચ માજાની પ્રતિકૃતિ ‘વના’માં ‘ડોસાને એકલો ખાંધેલે નાખી ચાલવા લાગ્યો’ જેવા શબ્દો દ્વારા પ્રગટ થઈ છે. વનો જે મીઠાઈઓ લાવે છે તે ખાય છે. બાળકોને સૂતરફેણી ખવડાવાની ઈચ્છા માજો વ્યક્ત કરે છે અને અંતે વનો (કંઈક મારું નામ રાખે એવો!’) પૂરી કરે છે. બાળકોની અને પોતાની ઈચ્છા પૂરી થયાનો સંતોષ તે અંતે પ્રાપ્ત કરે છે.

વાર્તાનું મુખ્ય પાત્ર માજો છે. અને તેની આસપાસ આખું વાર્તાનું પોત રચાયું છે. વાર્તાનું શીર્ષક ‘માજા વેલાનું મૃત્યુ’ બોલકું બની જાય છે. પરંતુ અંતે તે સાર્થક થતું દેખાય છે. તેથી વાર્તાકારની શીર્ષકની યથાર્થતા દેખાય છે. ભીખ માંગનારી પ્રજાનું જીવન, તેના પાત્રો, તેમના ચોરી-લૂટફાટના વ્યવસાયો, રહેઠાણ તથા ખાવાના પ્રશ્નો વગેરે ‘માજા’ની આસપાસ રજૂ થયું છે. એક ભીખ માંગનારનું સાચુકલું, કોઈપણ અતિશ્યોક્તિ વગરનું સાચું ચિત્ર વાર્તામાંથી સાંપડે છે. આ વાર્તાના સંદર્ભમાં સુરેશ દલાલ નોંધે છે કે ‘ઊંચા ટાવર,-માત્ર કાળપુરુષનો જ નહીં- પણ કાળપુરુષનો પડછાયો ઓઢીને બેઠેલો-માજા વેલાના પડી ચૂકેલા ટકોરાનો અને પડનારા ડંકાનો પણ સંકેત આપી શકે છે. ‘શહેરના સત્તર દરવાજાની બહાર’-અઢારમે દરવાજે-જે નીચલા થરની વસ્તી છે એનું વાસ્તવિક ચિત્ર માત્ર વસ્તુ પૂરતું જ મર્યાદિત નથી રહેતું. એ વસ્તીની વાસ્તવિક્તા,- વર્તન અને ભાષા દ્વારા પણ આબેહૂબ પ્રકટ થાય છે.’ (સુન્દરમ્ ની શ્રેષ્ઠ વાર્તાઓ, સં. સુરેશ દલાલ, આદર્શ પ્રકાશન, અમદાવાદ, બીજું પુનર્મુદ્રણ: 2007, પૃ .07) આ શબ્દો વાર્તાના હાર્દને રજૂ કરે છે.

વાર્તાની રજૂઆત કળાત્મક છે. કથનરીતિ આસ્વાદ્ય છે. તેના લીધે વાર્તા રસ ક્યાંક ખોરવાતો દેખાતો નથી. એકાદ અપવાદને બાદ કરતાં વાર્તાનું ગદ્ય સચોટ રીતે રજૂ થયું છે. કેટલાક ગદ્યના ઉ.દા. જોઈએ. –
-‘સાંજનો શિયાળાનો સાતેકનો વખત હતો. અને તપોવનના યજ્ઞના ધુમાડાની પેઠે કારખાનાનો ધુમાડો સર્વત્ર વ્યાપેલો હતો. યજ્ઞના ધુમડાની પેઠે તે પણ આંખોને બાળતો હતો. યજ્ઞના ધુમાડાની પેઠે તેનામાં પણ ગંધ હતી. પણ તે માત્ર ગટરની, સુગંધિત હવિની નહિ. શહેરના કોટ બહાર મોટરોના એક અડ્ડા પાસે એક ઊંચા ટાવરની પડખે ફૂટપાથ ઉપર રોજની પેઠે આજે પણ માજા વેલાની સંતતિ ભેગી થયેલી હતી.’ (સુન્દરમ્ ની શ્રેષ્ઠ વાર્તાઓ, સં. ચંદ્રકાન્ત શેઠ, આદર્શ પ્રકાશન, અમદાવાદ, ત્રીજું પુનર્મુદ્રણ: 2008, પૃ. 67)
-‘માજો વેલો બોલ્યો: ‘આવ, મારા દીકરા, સો વરસની થજે.’ કહી તેણે ખુડીને માથે હાથ મેલ્યો: ‘વનો, મારી ખુડીને સારો વર પરણાવજે હોં કે !’ અને ‘ખોડિયાર ! ખોડિયારમા...મા !’ બોલતાં બોલતાં ડોસાએ ભત્રીજાના ખોળામાં માથું ઢાળી દીધું.’ (એજન, પૃ. 78)

ઉપરના ગદ્યના ઉ.દા.માં પ્રતીકાત્મકતાની સાથે તળના વર્ગની ભાષાનો ટોન પણ પ્રાપ્ત થાય છે. તેથી વાર્તાનું વર્ણન વધુ પ્રતીતિકર લાગે છે. વાર્તાનો પરિવેશ સામાજિક વિષમતાનો રહ્યો હોવા છતાં પણ અહીં સહજ આલેખન તથા વસ્તુ સંકલન ધ્યાનપાત્ર હોવાથી વાર્તામાંથી પૂરા સંતોષથી અવસાન પામેલા માજાનું વ્યક્તિત્વ પ્રગટ થાય છે.

વાર્તાના પાત્રો ચોરી કેમ કરે છે? મહેનતકસ જીવન કેમ જીવતા નથી? આવાં નીતિવિષયક પ્રશ્નો કે વર્ગ વિષમતાના કોઈપણ વાડામાં પડયા વિના એક તળના ભિખારીનું ચિત્ર પ્રાપ્ત થયું છે. એટલે કે કોઈ વર્ગનું નહીં પણ એક વૃધ્ધનું ગૌરવંતું જીવંત ચરિત્ર વાર્તામાંથી સાંપડે છે. સુન્દરમ્ પર માર્ક્સવાદનો પ્રભાવ હતો તે છતાં વાર્તામાં બધુ સહજ રીતે મુકાયું છે. આ વાર્તાને કોઈ પ્રભાવ નડયો નથી. આ વાર્તા સૌંદર્યબોધ કરાવે છે. માટે જ રમણ સોની વાર્તાની આ વિલક્ષણ બાજુને બિરદાવતાં નોંધે છે કે, ‘સમાજના સંપન્ન વર્ગની સામે શોષિત ને દરિદ્ર વર્ગ માટેની વકીલાતમાં દીનદુખિયાંના બેલી તરીકેનો લેખકનો પોઝ દેખાય છે તે કલાકારની સંવેદનશીલતાને બદલે એનું કંઈક વિલક્ષણ રૂપ-વ્યક્તિની અભિનિવેશયુક્ત લાગણીનું એક પ્રાથમિક રૂપ-ઉપાસવી રહે છે. આથી આવી કૃતિઓ ભાવકચિત્તમાં કોઈ સૌંદર્યબોધ જગાડવાને બદલે સામાજિક વિષમતાએ લેખકચિત્તમાં જન્માવેલી પ્રતિક્રિયા એક ટેમ્પરામેંટ- મિજાજની છાપ મૂકી જાય છે.’ (શબ્દયોગ, સં. મફત ઓઝા અને અન્ય પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, દ્રિતીય આવૃત્તિ:૨૦૦૮, પૃ. 275) વિવેચક રમણ સોનીનો આ મત વાર્તાકાર સુન્દરમ્ ની સર્જકતાની મહત્ત્વની બાજુને ચિંધે છે. જ્યારે આ વાર્તાના નાયક સંદર્ભે ચંદ્રકાન્ત શેઠ જણાવે છે કે, ‘જે ટાવર આગળ માજો વેલો બેઠલો એ ટાવરના જેવું જ ઉન્નત વ્યક્તિત્વ (ટાવરિંગ પર્સનાલિટી) તેનું વરતાય છે.’ (સુન્દરમ્ ની શ્રેષ્ઠ વાર્તાઓ, સં. ચંદ્રકાન્ત શેઠ, આદર્શ પ્રકાશન, અમદાવાદ, ત્રીજું પુનર્મુદ્રણ: 2008, પૃ.12) જે જીદંગીને મોજથી પૂરી લિજ્જતથી જીવી લેવાના ભાવવાળો માજો ‘સારું મોત’ પામ્યો છે. જેવું ભાવકને પણ અંતે લાગે છે.

સંદર્ભ:

  1. ૧) સુન્દરમ્ ની શ્રેષ્ઠ વાર્તાઓ, સં. ચંદ્રકાન્ત શેઠ, આદર્શ પ્રકાશન, અમદાવાદ, ત્રીજું પુનર્મુદ્રણ:2008
  2. ૨) સુન્દરમ્ ની શ્રેષ્ઠ વાર્તાઓ, સં. સુરેશ દલાલ, આદર્શ પ્રકાશન, અમદાવાદ, બીજું પુનર્મુદ્રણ:2007,
  3. ૩) સુન્દરમ્ ની પ્રતિનિધિ વાર્તાઓ, પ્ર.આ.1989, સં. ડૉ. રમણલાલ જોશી
  4. ૪) સુન્દરમ્(સર્જક-પ્રતિભા શ્રેણી). ડૉ. રમેશ એમ. ત્રિવેદી, આદર્શ પ્રકાશન, અમદાવાદ, પ્ર.આ.:૨૦૦૭
  5. ૫) સ્નેહરશ્મિ અને સુન્દરમ્ ની વાર્તાકલા, પ્રો. ડૉ. કે.જે. વાળા, પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ, પ્ર.આ. 2006
  6. ૬) વાર્તાવિમર્શ, બાબુ દાવલપુરા, ડિવાઇન પબ્લિકેશન, અમદાવાદ, બીજી આવૃત્તિ: 2012
  7. ૭) શબ્દયોગ, સં. મફત ઓઝા અને અન્ય પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, દ્રિતીય આવૃત્તિ:૨૦૦૮

ડૉ.નીતિન રાઠોડ, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, ડો. એ.પી.જે. અબ્દુલ કલામ સરકારી કોલેજ, સિલવાસા- 396230, Email: ngr12687@gmail.com