ભેખડ


આકાશમાં ઊડતી ટિટોડીનો અવાજ બપોરની સૂકી વેળામાં ગુંજતો હતો.આખા વરસથી પડતર પડી રહેલા ખેતરમાં તારોડિયાના ઘાસમાંથી ઊડતી જીવાતને ખાતાં બગલાં હવે ડોક નીચી કરી થોરની વાડમાં સંતાતાં હતાં !
ખાતરનો છેલ્લો ફેરો ફેંદી તે શેઢા પર બેઠો.શમુ હજી ભાત લઈને આવી નહોતી. ઘડામાં પાણી પણ ખૂટી ગયું હતું. બાજુના ખેતરમાં મકાઇ ઊપણતા મેઘજીએ સાદ કર્યો:
“દામજી ! બૈજા ચા લઈને આવી છે. પીવી હોય તો હેંડ ! સવારનો એકધારો કામ કરે છે તે...થોડો પોરો ખા. ”
“ ના મેઘજી કાકા તમે પી લ્યો ! મારે તો હજી બપોરનું જમણ પણ બાકી છે !”
“ કેમ ? ભલા આદમી અત્યાર લગી ભૂખ્યા રહેવાતું હશે ! શમુ હજી નથી આવી કે શું ?”
“ ના રે ના કાકા ! એ ઘરનું કામ પરવાળી ને પછી આવશે !”
“ આ તારી કાકી તો કે’ છે કે શમુ તો ક્યારનીય હાથમાં ભાત અને માથે પાણીનો ઘડો લઈને નીકળી છે !”
“હેં...કાકી ! આ કાકા કે’છે તે...?”
“ હા દામા. હું ગામના કૂવેથી પાણી ભરીને આવતી હતી ત્યારે તે સામે મળી હતી. મને આવેય પા કલાક થયો.”
દામજીના પેટમાં ફાળ પડી.તેને પાવડો ખભે ચઢાવ્યો. દૂર તળાવની પાળ સામે નજર કરી. હરોળબંધ ઊગેલા લીલાછમ બાવળિયામાંથી ઉપર ઊઠતો સફેદ ધુમાડો તેના શકને મજબૂત કરતો હતો.તે હાંફળો ફાંફળો થઈ તળાવની નજીક પહોંચ્યો.ચારપાંચ લબરમૂછીયાની સાથે ગલબો તળાવની પાળે બેઠો હતો.બાજુમાં ઉદો લીલાં લાકડાં સળગાવી કોલસા પાડતો હતો.
જતાંવેંત દામજી ઘૂરક્યો:
“ શું કરો છો....લ્યા ! ખરા બપોરે ? આખો દા’ડો આ તળાવની પાળ ભાંગો છો તે કાંઇ કામ ધંધો નથી ?”
“ હેંડતો થા. દામા ! ગામનું તળાવ છે. કોઈના બાપનું નથી તે ના બેસીએ !”
“ બાપ સામે ના જા.... લ્યા... તરી વરસના થઈ આમ બેસી રહ્યા છો એટલે કહું છું ! બાકી અમારે શું તમારી ડાબા હાથની પડી છે ! ”
“ બૈરાં છોકરાં હોય એને લાય ! અમે તો ફક્કડ ગિરધારી ! ” ગલબાએ ઉદા સામે નજર કરતાં કહ્યું .
“ તમારા આવા લખણ છે એટલે જ હજુ વાંઢા ટીચાઓ છો !” દામજીએ થોડા આકરા અવાજમાં કહ્યું એટલે બાજુમાં બેઠેલો ઉદો ગાલમાં હસ્યો.
“ દામજી મોં સંભાળીને વાત કર. જે કામે આવ્યો હોય એ કરીને હેંડતો થા.ના જોઈતી પંચાત કરે છે તે.”
દામજીને વધુ બોલવું મુનાસિબ ના લાગ્યું. તે તળાવનો ઢાળ ઊતરી સીધો ઘરે આવ્યો. શમુ ઘરે નહોતી.
પાછલા ઓરડામાં જઇ તેને કોઠલો ઉઘાડ્યો છાબડીમાં નજર નાખી. કટકો રોટલોય નહોતો પડ્યો!
“આ બૈરાંની જાત .... હાહરી... ગમે એમ કરો તોય...! હજુ મોળિયું ઊતારતાં વારેય લાગી નથી ને...!”
બબડતા દામજી એ રૂખીમાને સાદ કર્યો:
“ રૂખીમા આ શમલીને જોઈતી ? બપોરની ભાત લઈને ઘરેથી નીકળી છે ને કોણ જાણે કયા પાતાળમાં પેસી ગઈ છે તે કાંઇ પત્તો જ જડતો નથી ! એને ખબર નહીં પડતી હોય કે એનો માંટી સવારનો ભૂખે મરે છે !”
“ પેલી ઉદાની વહું કેશલી સવારની તારા ઘરે આવી હતી તે ઠેઠ હમણાં તારી મોર્ય મોર્ય બેઉ જણીઓ નીકળી છે. દઈનો ભા જાણે બેઉ ક્યાં ગઈ ?” ચોપાળ વાળતાં રૂખીમાએ જવાબ આપ્યો .
"સારું. મા...આ... ઘરનું બારણું ઉઘાડું છે તે જરા જો જો હું ઉદાના ઘરે જોતો આવું !” કહી દામજી ઉદાના ઘરે જવા નીકળ્યો . રસ્તામાં ગલબો હાથમાં બાવળનાં દાતણ લઈ સામે મળ્યો.
“ લે દામા આ દાતણ !”
“ નથી જોઇતા...સડકમાં કેટલાય બાવળિયા છે !”
“ કેમ ખોટું લાગ્યું છે !”
દામજીએ વળતો જવાબ ન આપ્યો છતાં તેને બોલે રાખ્યું.
“ અલ્યા ! એમને એમ કાંઈ નથી આપતો . શમુભાભીએ મને કહ્યું હતું કે તમારા ભાઈ માટે દાતણ કાપતા આવજો એટલે આપું છુ !”
“ ક્યારે ? હમણાં ? એ તો ખેતરમાં આવી જ નથી...ને પાછો મને ઊઠાં ભણાવે છે !”
“ લ્યા....આવ્યાં હતાં...! સાચું કહું છું. તું નીકળ્યો ને તરત તે ભાત લઈને આવ્યાં હતાં...! મે પાછું કહ્યુંય ખરું કે દામો તો હમણાં જ અહીંથી ઘરે ગયો ! પણ એ તો... ! ”
ગલબાની વાતમાં તથ્ય જણાતાં તે રાતોપીળો થઈ અધવચ્ચેથી જ પાછો ફર્યો. ઘરે આવી બશેરામાંથી થોડી છાશ કાઢીને પીધી પણ જીવને ટાઢક ના વળી. તેને પરસાળમાંથી ખાટલો બહાર કાઢી લીમડા નીચે ઢાળ્યો. લીમડાની છૂટી છૂટી ડાળખીઓમાંથી આવતો તડકો દામજીની આંખ મીંચાવા દેતો નહોતો ! સામે ડાળ પર બેઠેલા કાગડાનો કા કા અવાજ તેની ભીતરની શાંતિને ડહોળતો હતો. તેને પડખું ફેરવી ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ ખાડો કરીને કૂતરાની બાજુમાં બેસીને હાંફતી કૂતરીનો અવાજ કાનમાં અથડાતો હતો.રઘવાયા થઇ દામજીએ ઢેખાળો મારી તેને દૂર ભગાડી મૂકી ! થોડીવાર શ્વાસ નીચો બેઠો ન બેઠો ત્યાં સામી શેરીમાંથી કોઈ કે બૂમ પાડી.
“દામા... ઓ....દામા !”
દામજીએ ખાટલામાંથી ઊંચા થઈ જોયું તો હરજી હતો ! તે ઊભો થઈ તેની પાસે ગયો.
“ શું છે ? હરજી !”
“ કઉ છું .... આ ભાત લઈ જા...!”
“કોણે મોકલાવ્યું છે અત્યારે ? ”
“તારી ભાભીએ બનાવ્યું હમણાં. તારા માટે !”
“શું કામ ભાભીને તકલીફ આપી ?”
“એમાં તકલીફ શાની , દામા ? બપોરે શમુ બજારમાં મળી હતી ! એને કહ્યું કે હું પરબારી આવી છું , હરજીભાઇ ! જતી હતી કરચીવાળા ખેતરમાં તમારાભાઈનું ભાત લઈને પણ ઓચિંતું આવવું પડ્યું ! તમારા ભાઈ સવારના ભૂખ્યા છે. તમે ઘેર જાઓ તો એમના માટે એક રોટલો મોકલાવજો . એટલું કહી તે ઝપાટાભેર ચાલતી થઈ. તેની પાસે ખોટી થવાનો વખત નહોતો એવું લાગ્યું એટલે હું બીજું કાંઇ પૂછી ના શક્યો !”
બેઉ જણ વાત કરી રહ્યા હતા ત્યાં રિક્ષાનો અવાજ સંભળાયો.
“ લે શમુ આવી ગઈ ! ” કહી હરજી તેના ઘરે પાછો વળી ગયો !
દામજીએ પાછા વળી જોયું તો શમુ રિક્ષામાંથી ઊતરી ધીમે ધીમે આવતી હતી. શમુ જેવી નજીક આવી કે તરત દામજીએ છણકો કર્યો :
“ક્યાં ફરી આવ્યાં ? આ... સવારના ભૂખ્યા મરીએ છીએ... તે કાંઇ ભાન...બાન છે કે નહીં ?”
શમુ બોલ્યા ચાલ્યા વગર ઘરે આવી. બહાર ટાંકીમાંથી પાણી કાઢી મોઢું ધોયું.
દામજીથી રહેવાયું નહીં તેને શમુનો હાથ ઝાલી ઝાટકી નાખ્યો.
“ જવાબ તો આપ ? નહીંતર.... ! ”
“ તમે જમ્યા ?” શમુએ હળવેકથી કહ્યું.
“વાત ફેરવ નહીં.... જવાબ આપ !”
દામજીની અધીરાઇ જોઈ શમુ ઘરનું કામ આટોપ્યા વગર બહાર લીમડા નીચે આવીને બેઠી . તેની પાછળ પાછળ આવી દામજી ખાટલામાં આડો પડ્યો.
“ હું મંછાને લઈને દવાખાને ગઇ હતી.” શમુએ પોતાનું અર્ધમૌન તોડ્યું .
“ કેમ ?” દામજીએ ભવાં ચઢાવી પ્રશ્ન કર્યો.
“હું તમારું ભાત લઈને શેઢે શેઢે આવતી હતી ત્યાં આપણા ખેતરની વાડ પડખે ચીસ સાંભળી. જઈને જોયું તો મંછા પોક મૂકીને રડતી હતી મેં કારણ પૂછ્યું તો તેને રડતાં રડતાં કહ્યું કે સામે રૂમાલભગતના ખેતરમાં બેઠી બેઠી પોતે ચાર વાઢતી હતી ત્યાં ખીજડીના નીચે ચારનો કલ્લો લેતાંવેંત હાથ પર એરૂ આભડ્યો ! તેના ધ્રૂજતા હાથને જોઈ મેં ઘડીનોય વિચાર કર્યા વિના મારો રૂમાલ તેના હાથ પર બાંધી દીધો અને તમને બોલાવા આપણા ખેતર તરફ દોડી પણ તમે ત્યાં નહોતા !”
“ હું વાટ જોઈ જોઈને થાક્યો એટલે ઘરે આવી ગયો હતો.” દામજીએ ઉમેર્યું.
“ હા એ તો ગલાબા એ મને કહ્યું હતું પણ એની એકેય વાત ક્યાં સાચી હોય છે તે હું વિશ્વાસ કરું ?”
“ એની વાત મનાયે નહીં... એ તો આખા ગામનો ઉતાર છે ... પછી ?” દામજીએ ખાટલામાંથી ઊભા થતાં કહ્યું .
“એટલે હું તેને લઈ સીમાડો વટાવી ઠેઠ સડક પર આવી . ભગવાનની દયાથી હિંમતનગર જતો એક રિક્ષાવાળો મળી ગયો ને તેને દવાખાને દાખલ કરી દીધી . દાક્તરે જતાં જ તપાસી કહ્યું કે ગભરાવાની કશી જરૂર નથી આ દવા લખી આપું એ મેડિકલમાંથી લેતાં આવો. એટલે હું દવા લેવા બજારમાં નીકળી ત્યાં હરજીભાઈ મળ્યા . એમને મેં ભાત મોકલવાનું કહ્યું હતું. તેમણે ભાત મોકલાવ્યું ?”
દામજી જાણે ધરાઈ ગયો હોય એમ બોલ્યો:
“ હવે સાંજે સાથે જમી લઈશું !” કહેતાંક પોતાનું ખમીસ સરખું કરતો તે ઘરમાં જઇ તબકડાંમાં છાશ કાઢી લાવ્યો અને બહાર પેલી કૂતરીને બોલાવી પીવડાવી દીધી ! શમુ આશ્ચર્યભરી નજરે દામજી સામે જોતી રહી અને પોતે જંગ જીતી હોય એમ મનમાં બબડવા લાગી . “ હાશ માની ગયા ! કેશલીએ શીખવાડ્યું એમ જો ના કહ્યું હોત તો ? પણ આ મારા પિયરના જગલાને મારા ઘરવાળાની જરાય બીક નહીં હોય તે લગન પછીય સીમમાં આવીને મને બજારમાં લઈ ગયો ? ”

કિશનસિંહ પરમાર, મુ: વક્તાપુર, તા: તલોદ, જિ: સાબરકાંઠા. મો: ૯૪૨૮૧૦૪૭૦૩ ઇ-મેઇલ:kishansinhp@gmail.com