ભાલણનું ‘રામવિવાહ આખ્યાન’
ભારતીય સાહિત્ય એટલે ભારતની વિવિધ ભાષાઓ અને બોલીઓમાં રચાતું સાહિત્ય. તેમાં મૌખિક તેમજ લેખિત-મુદ્રિત એમ બેય પરંપરાઓના સાહિત્યનો – લોકસાહિત્ય તેમજ શિષ્ટ સાહિત્યનો - સમાવેશ થાય છે. ભારત એ અનેક રાજ્યો, પ્રજાઓ-કોમો, ભાષાઓ, બોલીઓ, સંસ્કાર-સંસ્કૃતિના આગવા વિશેષોની બહુરંગી ભાત ધરાવતો વિશાળ દેશ છે.
‘રામાયણ’ની રચના વૈદિક કાળમાં થઈ હોવાનું મનાય છે પણ, સંશોધક કામિલ બુલ્કે નોંધે છે કે – ‘વૈદિક કાલમેં રામાયણ કી રચના હુઈ થી અથવા રામકથા સમ્બન્ધી ગાથાએં પ્રસિદ્ધ હો ચુકી થીં, ઇસકા નિર્દેશ સમસ્ત વિસ્તૃત વૈદિક સાહિત્ય મેં કહીં ભી નહીં પાયા જાતા.’[1]
સાહિત્યિક અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ ધરાવતી ‘રામાયણ’ની કથાનો પ્રવાહ ભારતના વિવિધ પ્રદેશોમાં વહેતો રહ્યો છે. જેના પરિણામે તમિળ, તેલુગુ, મલયાલમ, કન્નડ, આસામી, બંગાળી, ઉડિયા, હિન્દી, મરાઠી, ઉર્દૂ-ફારસી જેવી ભાષાઓમાં તેમજ બોંડો, ઉરાંવ, સંથાલ, મુણ્ડા, અસુર, પરધાન, આગારિયા જેવી આદિવાસી જાતિઓમાં પણ રામકથા મળે છે. ઉપરાંત, તિબેટ, ભૂતાન, જાવા, ચીન, બર્મા જેવા પાડોશી દેશોમાં પણ રામકથાનો પ્રભાવ જણાય છે. હિન્દુ રામાયણો ઉપરાંત જૈન રામાયણોની પણ એક પરંપરા પ્રાદેશિક ભાષાઓમાં ઊભી થઈ. ભારતના સર્વ પ્રાદેશિક સાહિત્યો પર રામાયણનું મોટું ઋણ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં રામનું પાત્ર લોકોત્તર પુત્ર, લોકોત્તર ભાઈ, લોકોત્તર મિત્ર, લોકોત્તર પતિ અને લોકોત્તર રાજા તરીકે ઘણું જાણીતું રહ્યું છે. આદર્શો અને જીવનમૂલ્યો સાથે જીવી નરમાંથી નારાયણ કઈ રીતે બની શકાય તેનું નિદર્શન રામે પોતાના પાત્ર દ્વારા કરી બતાવ્યું.
વાલ્મીકિ રામાયણની રચના બાબતે કામિલ બુલ્કે નોંધે છે કે –
ઇક્ષ્વાકુ-વંશ કે સૂતોં દ્વારા રામકથા સમ્બન્ધી આખ્યાન-કાવ્ય કી સૃષ્ટિ પ્રારમ્ભ હુઈ થી, વહ ચૌથી શતાબ્દી ઈ.પૂ. કે અન્ત તક પર્યાપ્ત માત્રા મેં પ્રચલિત હો ચુકા થા (દે.અનુ.૧૩૧) તબ વાલ્મીકિ ને ઉસ સ્ફુટ આખ્યાન-કાવ્ય કે આધાર પર રામકથા વિષયક એક વિસ્તૃત પ્રબન્ધ-કાવ્ય કી રચના કી.[2]
વાલ્મીકિકૃત આદિરામાયણમાં તો અયોધ્યાકાંડથી લઈ યુદ્ધકાંડ સુધીની કથા જ હતી. બાલકાંડ અને ઉત્તરકાંડની કથા લોકોની જિજ્ઞાસાને સંતોષવા માટે પાછળથી ઉમેરાઈ છે.
વાલ્મીકિ રામાયણના ત્રણ પાઠ પ્રચલિત છે: દાક્ષિણાત્ય, ગૌડ તથા પશ્ચિમોત્તરીય. તેમાં જોવા મળતા પાઠાંતરોના કારણ વિશે કામિલ બુલ્કે જણાવે છે કે –
ઇસકા કારણ યહ હૈ કિ પ્રારમ્ભ મેં વાલ્મીકિકૃત આદિરામાયણ કા કોઈ પ્રામાણિક લિખિત રુપ નહીં મિલતા થા. વહ કઈ શતાબ્દિયોં તક મૌખિક રુપ સે હી પ્રચલિત થા જિસસે ઉસકા પાઠ સ્થિર ન રહ સકા. કાવ્યોપજીવી કુશીલવ અપને શ્રોતાઓં કી રુચિ કા ધ્યાન રખકર લોકપ્રિય અંશ બઢાતે રહે. ઇસ પ્રકાર આદિરામાયણ કા કલેવર બીચ કે પ્રક્ષેપોં કે કારણ બઢને લગા.[3]
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બહુધા પદ્યસ્વરૂપમાં હોવાથી રામકથા આધારિત ઘણી કાવ્યકૃતિઓ મધ્યકાળના સર્જકો પાસેથી મળે છે. જેમાં ‘રામવિવાહ આખ્યાન’, ‘રામબાલચરિતનાં પદો’ (ભાલણ), ‘સીતાહરણ’ (કર્મણ), ‘હનુમંતોપાખ્યાન-રામાયણ સીતાસંદેશ’ (માંડણ), ‘રાવણ મંદોદરી સંવાદ’ (શ્રીધર), ‘અંગદવિષ્ટિ’ (કીકુ વસહી), ‘હનુમંત રાસ’ (બ્રહ્મજીનદાસ), ‘રાવણ મંદોદરી સંવાદ’ (લાવણ્યસમય), ‘રામાયણ’ અને ‘લવકુશાખ્યાન’ (નાકર), ‘રામાયણ’ અને ‘અંગદવિષ્ટિ’ (વિષ્ણુદાસ) ‘રણજંગ’, ‘સીતાસંદેશ’ અને ‘સીતાવેલી’ (વજીઓ), ‘સીતારામ ચઉપાઈ’ (સમયસુંદર), ‘રણયજ્ઞ’ (પ્રેમાનંદ), ‘રઘુનાથજીનો વિવાહ’ અને ‘રામવનવાસની ૧૩ સાખીઓ’ (ગોવિંદ), ‘રાવણ મંદોદરી સંવાદ’ અને ‘અંગદવિષ્ટિ’ (શામળ), ‘સીતામંગળ’ (પુરીબાઈ), ‘સીતાજીની કાંચળી’ (કૃષ્ણાબાઈ), ‘રામનાથ મહાત્મ્ય’ (રાધાબાઈ), ‘રામરાજ્ય’, ‘રામબાળલીલા’, ‘રામવિવાહ’ અને ‘રામરાજ્યાભિષેક’ (દિવાળીબાઈ), ‘હનુમાન ગરુડ સંવાદ’ (દયારામ), ‘રામાષ્ટક’ (જુગનાથ), ‘રામાયણ’ (ગિરધર) આદિ પદ્યરચનાઓનો સમાવેશ થાય છે.
ગુજરાતી સાહિત્યમાં જેમને ‘આખ્યાનના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે એવા મધ્યકાલીન કવિ ભાલણે રામકથાના આધારે ‘રામવિવાહ આખ્યાન’, ‘રામબાલચરિત્રના પદ’, ‘મામકી આખ્યાન’, ‘સીતાહરણ’, ‘અંગદવિષ્ટિ’ અને ‘રામાયણ’(અપૂર્ણ)ની રચના કરી છે. આ સિવાય ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’, ‘કૃષ્ણવિષ્ટિ’, ‘ચંડી આખ્યાન’, ‘મૃગી આખ્યાન’, ‘જાલંધર આખ્યાન’, ‘શિવ-ભીલડી સંવાદ’, ‘ધ્રુવાખ્યાન’, ‘નળાખ્યાન’, ‘કાદંબરી આખ્યાન’ જેવી રચનાઓ પણ તેમની પાસેથી મળી છે. જે કૃષ્ણકથા, શિવકથાનક, શક્તિકથાનક અને મહાભારતના પ્રસંગો પર આધારિત છે. ભાલણનો સમય ઈ.સ.૧૫૧૭થી ૧૬૦૧ માનવામાં આવે છે. તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. તેમની કૃતિઓમાંથી સંસ્કૃત ભાષાનું જ્ઞાન, પૌરાણિક શાસ્ત્રોનું અધ્યયન અને વેદાંત જ્ઞાનનો પરિચય મળે છે.
રામકથા આધારિત ભાલણની કૃતિ ‘રામવિવાહ આખ્યાન’ની ચર્ચા કરવાનો અહીં ઉપક્રમ છે. ૨૧ કડવામાં આ આખ્યાનની રચના થઈ છે. પ્રારંભે કવિએ રાગ કેદારોમાં રામને પ્રણામ કરી વિધ્નહર્તા ગણેશની સ્તુતિ કરી છે. ત્યારબાદ રઘુનાથના વિવાહ વિશે પદબંધ રચવાની પોતાની ઇચ્છાનું આલેખન કર્યું છે. સુબાહુ, મારીચ અને અન્ય અસુરોના વિધ્નથી યજ્ઞની રક્ષા કરવા ઋષિ વિશ્વામિત્ર સૂર્યવંશી રાજા દશરથના પુત્ર રામની મદદ લેવાનું વિચારી, રામની માગણી કરવા અયોધ્યા જાય છે. અહીં પ્રથમ કડવું સમાપ્ત થાય છે. બીજા, ત્રીજા અને ચોથા કડવામાં રાજ્યસભામાં વિશ્વામિત્રનું સ્વાગત, સુબાહુ, મારીચ આદિ અસુરોથી ઉત્પન્ન થયેલ સમસ્યા, યજ્ઞ રક્ષા માટે વિશ્વામિત્ર દ્વારા રામની માગણી થતાં દશરથનો તર્કપૂર્ણ રીતે ઇનકાર, વિશ્વામિત્રનું પુન: તર્કપૂર્ણ રીતે જ પ્રત્યુત્તર આપીને રામની અનિવાર્યતા સમજાવવી, અંતે વશિષ્ઠનું આગમન થતાં તેમની આજ્ઞાથી રાજા દશરથ રામ-લક્ષ્મણને ઋષિ વિશ્વામિત્ર સાથે વનમાં મોકલે છે – તેની કથા આલેખાઈ છે.
રસ્તામાં ચાલતાં-ચાલતાં ઋષિ વિશ્વામિત્ર રામ-લક્ષ્મણને બલા-અતિબલા વિદ્યા શીખવે છે. આગળ જતાં બે રસ્તા આવે છે. જેમાં એક રસ્તો ‘સુંદરવન’નો હોય છે. જ્યાં તાડકા રાક્ષસી રહે છે. ક્ષત્રિય ધર્મનું પાલન કરતાં બંને ભાઈ તાડકા, સુબાહુ, મારીચ જેવા અનેક રાક્ષસોનો સંહાર કરી ઋષિના આશીર્વાદ મેળવે છે. એ પછી જનકરાજા તરફથી સીતા-સ્વયંવરમાં આવવાનું નિમંત્રણ આવે છે. અહીં ભાલણ જનકરાજા, વિદર્ભ નગરી, સીતા જન્મકથા અને ત્રંબુક ધનુષ્યની કથાને મૂળ કથા સાથે જોડી દે છે.
ધનુષ્યશાળામાં રાખેલ ત્રંબુક ધનુષ્યને જે ઉઠાવી શકે, એની સાથે સીતાનો વિવાહ કરવાની શરત જનકરાજાએ સીતા-સ્વયંવરમાં રાખી છે. મંદોદરીનો પતિ લંકાપતિ રાવણ સીતાને પરણવાની ઇચ્છાથી મધ્યરાત્રિએ ધનુષ્ય જોવા અને ઉઠાવવા માટે સજ્જ થાય છે પણ તેમાં તે નિષ્ફળ જાય છે. એનું વર્ણન ભાલણે સાતમા કડવામાં કર્યું છે. આઠમા કડવામાં વિદર્ભ નગરી જનાર રસ્તાઓનું પ્રાકૃતિક વર્ણન આવે છે. ત્યાં જ એક આશ્રમ સૂનો સૂનો લાગતાં રામ ઋષિ વિશ્વામિત્રને તેનું કારણ પૂછે છે. જેના પ્રત્યુત્તર રૂપે ઋષિ વિશ્વામિત્રના મુખે ગૌતમ ઋષિ અને તેમની પત્ની અહલ્યાની કથા, ગૌતમ ઋષિનો શાપ, ઇન્દ્રનો વ્યાભિચાર અને મતિભ્રમની પૌરાણિક કથા ભાલણે આઠમા અને નવમા કડવામાં રજૂ કરી છે.
આપણાં ઘણા પુરાણોમાં આવે છે તે મુજબ અહીં પણ શાપની સાથે તેનું નિરાકરણ પણ બતાવ્યું છે. દસમા કડવામાં ગૌતમ ઋષિ પોતાના શાપથી પાષાણ બનેલ પત્ની અહલ્યા ઉપર દયા લાવી કહે છે કે,
દશરથસૂત આવસે રઘુરાય તૂં ઉપર તે ધરશે પાય
ચરણરજ અડશે જેટલે સુંદર સ્ત્રી થાઈશ તેટલે ॥ ૧૪૧ ॥
( જ્યારે દશરથપુત્ર રામ અહીં આવશે ત્યારે તેઓ તારા ઉપર પગ મૂકશે એટલે તેની ચરણરજથી તું પુન: સ્ત્રી રૂપ પામીશ. )
ધીખ પિતા પણ શો કરો ધનુષ કઠિણ પીષ્ટ કઠોર
કોમલ કરે કંમ ધરી શકશે રઘુનાથજી કિશોર ॥ ૧૭૮ ॥
( કિશોર, કોમળ રઘુનાથ કેવી રીતે ધનુષ્ય ધરી શકશે? શા માટે પિતાએ આવું કઠોર વચન લીધું હશે?)
જનકરાજા રામના પિતા દશરથને સહપરિવાર મિથિલા આવવા માટે નિમંત્રણ આપે છે. આ નિમંત્રણથી નગરમાં ઉત્સવનું વાતાવરણ સર્જાય છે. દશરથ રાજા અઢારે વર્ણના લોકોને જાનમાં સામેલ કરી મિથિલાથી વિદર્ભ નગરી લઈ જાય છે. બ્રાહ્મણો, જ્યોતિષીઓ, કવિઓ, ક્ષત્રિયો, વૈશ્ય, સોની, સુખડિયા, લુહાર, કુંભાર, માળી, તંબોળી અને ગંધર્વો આદિ વિવિધ જાતિ અને વ્યવસાયના લોકોની ક્રિયાઓનું ભાલણે અઢારમા કડવામાં વિગતે આલેખન કર્યું છે. ઓગણીસમા કડવામાં મિથિલા તરફ આવતાં જાનને વાડીમાં ઉતારો અપાય છે. રામ, લક્ષ્મણ, જનકરાજા અને વિશ્વામિત્ર દશરથ રાજાને મળવા આવે છે. રામ-લક્ષ્મણ અંબાડીમાં બેઠેલા પિતાના ખોળામાં બેસે છે. બંને પુત્રને છાતી સરસા ચાંપે છે. જે રામનાં ચરણસ્પર્શથી અહલ્યા પાષાણમાંથી સુંદર સ્ત્રી બની એ રામનાં ચરણ દશરથ રાજા જોવા લાગે છે, અને રામને પૂછે છે,
કુંવર જુધ તે ક્યમ કરું ક્યમ આણો અસુરનો અંત
પગપાલા ક્યમ ચાલીયા ક્યમ વાઈ રહ્યા તહમો સંત ॥ ૨૫૫ ॥
( કુંવર, તેં યુદ્ધ કઈ રીતે કર્યું? અસુરોનો સંહાર કઈ રીતે કર્યો? પગપાળા કેવી રીતે ચાલી શક્યા? )
વિહવા રામ લક્ષમણ તણો જે કરે શ્રવણે પાન
તે માત ઉદરે આવે નહી રે લક્ષ ચોરાસી ખાણ ॥ ૨૬૮ ॥
શીખે ગાએ સાંભળે તે વૈકુંઠ પામે વાસ
નવ રાગ સોહામણા પદબંધ લીલ વિલાસ ॥ ૨૬૯ ॥
ધન્ય ગુરુની ક્રિયા એ પુરણ હવા સાર
કર જોડી કહે ભાલણ જન પદબંધ કરાં વિસ્તાર ॥ ૨૭૦ ॥
‘વાલ્મીકિ રામાયણ’ના ‘બાલકાંડ’ના ૧ થી ૭૭ સર્ગના બધા મુખ્ય કથા પ્રસંગોમાંથી ઘણી ઓછી કથાઓનો ઉપયોગ કરી ભાલણે પોતાની સૂઝથી ‘રામવિવાહ આખ્યાન’નું સર્જન કર્યું છે. જેમાં તેઓએ કેદારો, રામગ્રી, ગોઠી, ગોડી જીતમાન, ધંન્યાશી, વિરાડી, અસાઉરી, સામેરી, દેશાખ વગેરે વિવિધ રાગ પ્રયોજ્યા છે.
ભાલણે સમગ્ર કૃતિના કેન્દ્રમાં રામના પરાક્રમી અને તેજસ્વી વ્યક્તિત્વનું આલેખન કર્યું છે. રામને બલા-અતિબલા વિદ્યાની પ્રાપ્તિ, પડકાર હોય તે રસ્તે ચાલવાની ઇચ્છા, તાડકા, મારીચ અને સુબાહુ જેવા અસુરોનો નાશ જેવા પ્રસંગોમાંથી બાળ રામનું પરાક્રમી અને શૂરવીર વ્યક્તિત્વ ઊપસ્યું છે. અહલ્યા અને નાવિકની કથા દ્વારા રામનું અવતારી ચરિત્ર પ્રગટ્યું છે. મિથિલાનગરીમાં પ્રવેશ અને નગરજનોના ઉદગારથી રામનું પ્રભાવી ચરિત્ર તેમજ ત્રંબુક ધનુષ્યને ચડાવવામાં રામનું અદ્વિતીય વ્યક્તિત્વ ઊપસી આવ્યું છે, તો સીતાએ પ્રથમ દર્શનથી જ રામને પોતાના સ્વામી માની લીધા તેમાં રામનું હૃદયસ્પર્શી વ્યક્તિત્વ પ્રગટ થયું છે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધક ડૉ. બળવંત જાની ‘રામવિવાહ’ કૃતિ વિશે અભિપ્રાય આપતાં જણાવે છે કે -
ગતિશીલ-સીધી ગતિએ ઝડપી-કથાનક, દ્રષ્ટિપૂર્વકની કાંટ-છાંટમાંથી કથાનકનું નિર્માણ, કથાનો ક્રમિક વિકાસ, દેશી, ઢાળ, પ્રાસ, અનુપ્રાસમાંથી પ્રગટતો લય, ચરિત્રના વ્યક્તિત્વને ઉપસાવવાની સૂઝ, પિતૃવાત્સલ્યનું નિરૂપણ, ઉચિત સ્થાને તત્કાલીન પરિવેશનું નિરૂપણ ‘રામવિવાહ’ને એક ધ્યાનાર્હ આખ્યાનકૃતિની કક્ષાએ સ્થાપે છે.[4]
સંદર્ભ :
- ૧. ‘રામકથા’ લે.કામિલ બુલ્કે પૃ.૧૯
- ૨. ‘રામકથા’ લે.કામિલ બુલ્કે પૃ.૫૯૦
- ૩. ‘રામકથા’ લે.કામિલ બુલ્કે પૃ.૫૯૦
- ૪. ‘રામવિવાહ આખ્યાન’ સંપા. બળવંત જાની પૃ.૬૯