લઘુકથા
કાવડ

રઘુ અમદાવાદના બસ સ્ટેન્ડ પર બેઠો બેઠો લાલ અક્ષરવાળી બસ સામે તાકી રહ્યો હતો ! તેનું મન આજે ખૂબ વ્યથિત હતું. પોતે પેટે પાટા બાંધી જેને ભણાવ્યો, ગણાવ્યો,પરણાવ્યો એ નોકરી મળી ત્યાં ...... હું તો એની ખબર કાઢવા આવ્યો હતો ! નહીં કે..... આવા કંઇ કેટલાય વિચારો રઘુના માનસપટ પર ફરતા હતા !
ત્યાં જ એનું ધ્યાન વૉલપીસ.......વૉલપીસ..... બોલતા એક વૃદ્વ પર ગયું.મેલાં કપડાં , ચઢેલી દાઢી અને હાથમાં લઇને  ફરવાથી મેલા થયેલા વૉલપીસ તેને જોયા ! આ વૃદ્વની દશા પણ ....... નહીંતર આ ઉંમરે એને થોડી આવી....
રઘુએ પેલા વૃદ્વને પાસે બોલાવી પોતાની પાસેના રૂપિયામાંથી બધા વૉલપીસ ખરીદી લીધા !!
એક સાથે બધા વૉલપીસ વેચાઇ જવાથી વૃદ્વના કરચલી પડી ગયેલા ગાલ પર એક આનંદની લહેરખી દોડી ગઇ ! તે બધા વૉલપીસ દઇ ચાલતો થયો ! ને રઘુ વૉલપીસમાં ચિતરેલા શ્રવણને જોતા જોતા દૂર ચાલ્યા જતા વૃદ્વની કાવડનો વિચાર કરતો પોતાના પગ સામે તાકી રહ્યો!!!

કિશનસિંહ પરમાર
મું:વક્તાપુર, તા:તલોદ,
જિ:સાબરકાંઠા. મો:૯૪૨૮૧૦૪૭૦૩

000000000

***