પરિચિત કથાવસ્તુને લઈને એને સમકાલીન પરિવેશમાં મુકીને મુક્તકથી માંડીને બૃહદ કાવ્યો રચવાનું વલણ સંસ્કૃત, પ્રાકૃત, મધ્યકાલીન અને આધુનિક સર્જકોમાં જોવા મળે છે. આજે આપણે એક નવા વિશ્વમાં જીવીએ છીએ. વિજ્ઞાને અસાધારણ પ્રગતિ કરી છે. વિજ્ઞાને એવી એવી શોધો કરી છે કે જાણે આપણે પરીલોકમાં જીવતા હોઈએ એવું લાગે. વિજ્ઞાને આપણી પ્રાચીન માન્યતાઓ, રૂઢીઓ, ભય, વહેમ વગેરેને નિર્મૂળ કર્યા છે. તેમ છતાં એ પણ સાચું છે કે ભલે આપણે આધુનિક જગતમાં જીવતા હોઈએ, પરંતુ અસંપ્રજ્ઞાતપણે આપણે અતીતમાં પણ જીવતા હોઈએ છીએ. પુરાકથાના કોઈ પાત્ર દ્વારા જે માનવીય સ્થિતિનો અધ્યારોપ થાય છે તેમાં પ્રાકૃત અને સંસ્કૃત માનવ બંને સરખી રીતે પોતાપણું અનુભવે છે, પ્રત્યેક વ્યક્તિમાં કોઈ એવું રહસ્યાત્મક પરિબળ રહેલું છે જેને પુરાકથા, પુરા કલ્પન હૃદયના ઊંડાણથી સ્પર્શે છે.
પરિચિત કથાવસ્તુ લઈને કૃતિ સર્જવામાં મૌલિકતાને અવકાશ ઓછો રહે પરંતુ એ કથાના પાત્રોની ભાવ પરિસ્થિતિઓ સર્જકને નવા અર્થઘટનો તારવીને સર્જકતા દાખવવાની તક પણ આપે. કથાવસ્તુ પરિચિત હોવાને કારણે સર્જક પર સંપૂર્ણ કથા કહેવાનું ભારણ રહેતું નથી અને પોતે જે વાત ઉપસાવવા માગે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. મનુષ્યે આજે અસાધારણ વિકાસ કર્યો છે તે સાચું પણ મનુષ્ય અંતે તો મનુષ્ય જ છે અને ઈર્ષ્યા, રાગ-દ્વેષ, મહત્વાકાંક્ષા, હતાશા, કામ, ક્રોધ, લોભ, મોહ જેવા સનાતન ભાવો એનામાં રહેલા જ છે. આવા જ ભાવોનું આલેખન કરતાં આપણા બે લબ્ધપ્રતિષ્ઠિત કવિ શ્રી ચિનુ મોદી અને સિતાંશુ યશશ્ચંદ્રે પુરાકાથાના બે પાત્રો નો સંદર્ભ લઇ રચેલા બે દીર્ઘકાવ્ય અનુક્રમે “’બાહુક”’ અને “’જટાયુ”’ વિશે વાત કરવાનો અહી ઉપક્રમ છે.
‘બાહુક’ તેના વિલક્ષણ વૃતાન્તને કારણે, તેની વિશિષ્ઠ સંરચનાને કારણે અને પ્રભાવશાળી કાવ્યભાષાને કારણે સુજ્ઞ ભાવકોનું ધ્યાન ખેંચતું રહ્યું છે.
‘મહાભારત’ના ‘નાલોપાખ્યાન’માં નૈષધ દેશના ચંદ્રવંશી રાજા વીરસેનના પુત્ર નળ અને તેની પત્ની દમયંતીની કથા છે. નળ સુંદર અને ગુણવાન રાજા હતો પરંતુ કોઈ કારણે કલિયુગ અને દ્વાપરે અસંતુષ્ટ બની નળને દુખ આપવા ઇચ્છ્યું. કલિયુગ નળના શરીરમાં પ્રવેશ કરવાની તક શોધતો હતો પરંતુ બાર વર્ષ સુધી એ ફાવ્યો નહિ. બાર વર્ષ પછી એક દિવસ તક મળતા કળીએ નળના શરીરમાં પ્રવેશ કર્યો. નળના ભાઈ પુષ્કરને નળની સાથે જુગટું રમી નિષધ દેશ જીતવા ઉશ્કેર્યો. જુગટામાં નળ હાર્યો. પુષ્કરે રાજ્ય લઇ લીધું અને આજ્ઞા કરી કે નળ અને તેના પરિવારને કોઈએ આશ્રય આપવો નહિ કે ભોજન આપવું નહિ. દમયંતીએ બાળકોને પિયર મોકલી દીધા. એ પછી નળ અને દમયંતી નિષધ નગરીની બહાર રહે છે. ત્રણ દિવસ સુધી અન્ન-જળ મળતું નથી એટલે જંગલમાં ચાલ્યા જાય છે. નગર બહાર વિતાવેલી આ ત્રણ રાત્રિઓમાં નળે દમયંતીની ઉપસ્થિતિમાં અનુભવેલા વિવિધ ભાવો એ આ ‘બાહુક’ કાવ્યનો વિષય છે.
કવિ શ્રી ચીનુંમોદીએ ૧૯૭૧માં આ કાવ્યને શબ્દબદ્ધ કરવાનું આરંભેલું. ૧૯૭૯-૮૧ દરમ્યાન એમને સર્જનાત્મક કાર્ય માટે ‘ડીપાર્ટમેન્ટ ઓફ કલ્ચર, નવી દિલ્હી’ દ્વારા મળેલી ફેલોશીપ અંતર્ગત આ કાવ્ય પૂર્ણ થયું.
‘મહાભારત’માં દ્યુતનું ‘મોટીફ’ એક કરતા વધુ વખત આવ્યું છે. દ્યુતમાં હારેલો નળ રાજા મટી સામાન્ય જન બની ગયો છે. એની પત્ની દમયંતી; પ્રેમાનંદે પ્રયોજેલા શબ્દોમાં કહીએ તો નળની એ ‘મનગમયંતી’ની પણ એ જ દશા થઇ છે. નળ માનભંગ થયો છે, હતાશ થયો છે. એ આ સ્થિતિમાં આત્મતિરસ્કાર અનુભવે છે. શૂન્યતા અને દૈન્યના ભાવો એને ઘેરી વળે છે. એ નગરનો જીવ છે, નાગર છે અને હવે એની સામે અરણ્યવાસની સ્થિતિ આવી પડી છે. કવિએ નળની આ મન:સ્થિતિને ત્રણ સર્ગમાં આલેખી છે.
પ્રથમ અને બીજા સર્ગમાં પ્રવક્તા બૃહદશ્વ, નળ અને વૈદર્ભીની ઉક્તિઓ છે અને ત્રીજા સર્ગમાં પ્રથમ વૈદર્ભીની, પછી બૃહદાશ્વની અને અંતે નળની ઉક્તિઓ છે. બૃહદ્શ્વ આ કાવ્યમાં પ્રવક્તા પણ છે અને હરિવલ્લભ ભાયાણી કહે છે તે પ્રમાણે ‘સમભાવી’ સમીક્ષક પણ છે. આ ત્રણે પત્રો એકમેક સાથે આંતર સંબંધ ધરાવતા હોવા છતાં કવિએ એમનું એકાંત અકબંધ રાખવાનો પ્રયત્ન કર્યો છે. કવિનો મુખ્ય ઉદ્દેશ કથાના વિકાસમાં કે વસ્તુ વિધાનમાં નથી પરંતુ વિષમ પરિસ્થિતિમાં મુકાયેલા નળની મનોદશા અલેખાવાનો છે.
પ્રથમ સર્ગના પ્રારંભે પુષ્કરના પ્રવેશનું ચિત્ર જોવા મળે છે;
‘હાથમાં પાસા ખખડાવતો ,
ચાલતા વૃષભની
ડોલતી શિંગડીઓ સાથે
તાલ મેળવતો;
ખાલી ખાલી
અટ્ટહાસ્ય કરી
દિશાઓ ગજવતો; અને
ક્ષણાર્ધમાં મૌન ધારણ કરી
નિસ્તબ્ધ આકાશને
ધરાતલ પર ઉતરતો;
-પુષ્કર –
નિષધ નગરીના રાજમાર્ગ પર
હવે વૃષભ સાથે ચાલતો હતો.’
મૂળ કથામાં તો ‘વૃષભ’ નામનો પાસો છે પરંતુ અહીં સાક્ષાત ઋષભ છે !
નગરજનો દાવાનળને સમીપ આવતો જોઈને જેમ મૃગ નાસે એમ નાસતા હતા. નળ નિષધનગરના અંતિમ પ્રાસાદથી શતાધિક પગલા દૂર મોતી વગરની છીપ જેવો પડ્યો હતો. નિર્વાસિત થયેલો નળ અસ્તાચળ તરફ જતા સુર્યને, નીડ તરફ જતા પંખીને, બંદીવાન થતા ભમતા ગુંજારવને, વટવૃક્ષને પોતાના વસવાનું ઠેકાણું પૂછે છે. દમયન્તીથી છુટા પડ્યાની વેદના અનુભવે છે. પોતાના મૂળમાંથી ઉખડી ગયાની વેદના અનુભવે છે.
પોતાના મૂળમાંથી ઉખાડી જવાનો ભાવ, up rootedness, આધુનિક છે. કવિએ પ્રાચીન કથાનકમાંથી લીધેલા પાત્ર નળમાં આ ઉન્મુલનનો ભાવ છે તેને આધુનિક સંદર્ભમાં મૂકી આપ્યો છે. અહી સતીશ વ્યાસનું એક નિરીક્ષણ નોધવા યોગ્ય છે. આધુનિક ગુજરાતી સાહિત્યમાં મોટે ભાગે ગ્રામ જીવનમાંથી ઉન્મુલિત થઈને નગર જીવનમાં રોપાવાની અસમર્થતાનું આલેખન થયું છે. પરંતુ બાહુક કાવ્યમાં નાગર નળની નગર વિચ્છેદની વેદના નિરુપાઈ છે:
‘હે નગરી !
હું નગર છું –
હું કેમ કરીને તારાથી વિખુટો થાઉં ?’
પ્રથમ સર્ગનો ત્રીજો ખંડ દશા પરિવર્તને નળના કચરાયેલા ધૈર્ય, પૌરુષ, ઉત્તુંગ વ્યક્તિત્વ અંગે વૈદર્ભીનો મૂક અને વેદનામય પ્રતિભાવ નિરૂપે છે:
બીજા સર્ગનો વિષય છે નળની સ્થગિતતા, અકર્મણ્યતા, ચૈતન્યની લુપ્તતા. એને પ્રશ્ન થાય છે કે:
‘ગૃહ વગરનો
હું
હવે શાનો ગૃહસ્થ ?’.
વૈદર્ભી નળના ચૈતન્યને જાગૃત કરવા માથે છે.
ત્રીજા સર્ગના આરંભે જ પ્રશ્ન કરે છે:
‘આકાશમાર્ગ પ્રવાસી
-વાદળનું-
પૃથ્વી પરનું આગમન
એ શું પતન જ લેખાય ?’
આ પ્રશ્ન બે વાર પુછાયો છે. એ પણ નળની જેમ વૃક્ષને પ્રશ્ન પૂછે છે. પછી નિરાશ થઈને કહે છે:
‘-બધાંય બસ ચુપ
ચુપ
નહિ સાંભળે
કોઈ તે ?’
એને બાળ સૂર્યમાં એના બાળકોના ચહેરાનું એને સ્મરણ થાય છે. સર્ગ બે માં એણે કહ્યું હતું કે ‘હે ચક્રવાક /આજે/હું સૂર્યાસ્ત નહિ થવા દઉં.’ પરંતુ હવે કહે છે :
‘જ્યાં સૂર્યનું કિરણ હોય નિષિદ્ધ
છાયા
જેથી વિભાજીત બને નહિ
એ અરણ્યે
ચાલો, સખે....’
બૃહદ્શ્વ કઠોર વાસ્તવિકતાનો ચિતાર આપે છે. નળનું વસ્ત્રાહરણ આમ નીરુપાયું છે:
‘એકમાત્ર જે વસ્ત્ર
વસ્ત્ર પણ
મને ત્યજી ગયું
ગયું
ઓ ગયું....
*
‘ઊડ્યાં પંખી, વસન લઈને
નગ્ન હું, નગ્ન છું હું;
.....
જન્મ ક્ષણે હતો
એવો જ હું
વિવસ્ત્ર થઇ ગયો છું પાછો.’
અંતે પણ પોતાની નગરીને ત્યજવાનો વિશાદ એને ઘેરી વળે છે:
“’ત્યજું મ્હોરેલી આ નગરી, કુમળી વેલ; બળતી
ત્વચાથી બાળું એ પ્રથમ, સઘળાને ત્યજી દઉં
સ્વીકારું શાપેલું બૃહદ-ગુરુ એકાંત અ-ચલ
ભલે એના ડંખે – અનલવિષથી – ના રહું નળ”’
અનલવિષથી નળ અ-નળ બને છે. નળના બાહુક ભાવનું આ નૂતન અર્થઘટન છે. નળ જે આંતરિક વિરૂપતા અનુભવે છે તે વિરૂપતા અહીં પ્રતીકાત્મક રીતે આલેખાઈ છે.
આ કાવ્યનો વિશેષ એના અલંકાર વિધાનમાં છે. ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, વ્યતિરેક જેવા અલંકારો અહીં બાહ્ય નથી પરંતુ અંગભૂત છે. ઉપમાનો પ્રયોગ વિશેષ થયો છે. કવિએ ભાવ નિરુપણમાં એનો અર્થપૂર્ણ ઉપયોગ કર્યો છે. અછાંદસ સાથે શીખરિણી, મંદાક્રાન્તા જેવા છંદો પણ ગૂંથાયા છે.
આ કાવ્યના કવિ નાટ્યકાર પણ છે તેની સતત પ્રતીતિ થયા કરે છે.
કવિએ આ કાવ્યમાં મૌલિક અર્થઘટનો પણ આપ્યા છે. ઉદાહરણ તરીકે મત્સ્ય સજીવનનો પ્રસંગ લઇ શકાય. સાથે એ પણ નોધવું જોઈએ કે આ સંસ્કૃતપ્રધાન કાવ્યબાની પ્રતીકાત્મક બનવા ચાહે છે અને પાત્રોની ભિન્ન સંવેદના નીરુપવા યોજાયેલા સાંકેતિક રૂપો પાત્રનિર્માણમાં થોડે ઘણે અંશે અમાનવીયકરણ આણે છે. ‘બાહુક’ ખંડકાવ્યનો આધુનિક અવતાર છે.
** ‘જટાયુ’
સિતાંશુ યશશ્ચન્દ્ર પાસેથી ‘મોએ-જો –દડો: એક સુરરીયલ અકસ્માત’, ‘મનું, યમ અને જળ : એક સર્ રિયલ પુરાણકથા’, દા.ત.મુંબઈ: હયાતીની તપાસનો એક સર્ રિયલ અહેવાલ’ પ્રલય, ‘જટાયુ’ જેવા દીર્ઘ કાવ્યો પ્રાપ્ત થયા છે. આ દીર્ઘ કાવ્યો એની આગવી રચના રીતિને કારણે જુદી ભાત પાડે છે.
‘જટાયુ’માં પ્રાચીન વૃત્તાન્તનો આશ્રય લઈને મધ્યકાલીન ગુજરાતી આખ્યાન શૈલીનું નવસંસ્કરણ કરવાનો પ્રયાસ થયો છે.
પુરાણોમાં જટાયુનો સંદર્ભ મળે છે. પુરાણોમાં જટાયુને દશરથનો મિત્ર કહ્યો છે. એકવાર રાજા દશરથ શનિ પાસેથી સીતાને લેવા ક્રાંતિ મંડળમાં ગયા હતા. શનિની દ્રષ્ટિથી એનો રથ બળી ગયો અને રાજા નીચે પડ્યો. જટાયુએ એને ઝીલી લીધો અને બચાવ્યો.
‘પદ્મપુરાણ’માં એવી કથા છે કે પોતાના રાજ્યમાં દુકાળ પડ્યો હોવાથી દશરથે શનિ પર ચડાઈ કરી પરંતુ શનિએ એને રથ સહીત ફેંકી દીધો અને જટાયુએ ઝીલી લીધો.
જટાયુને આપણે વિશેષ તો ‘રામાયણ’ના સંદર્ભથી જાણીએ છીએ. રામ પંચવટીમાં રહ્યા ત્યારે સીતાજીના રક્ષણનું કામ તેણે માથે લીધું હતું. એ રામભક્ત હતો. સીતાનું હરણ કરીને લઇ જતા રાવણને તેણે રોક્યો હતો. વૃદ્ધ હોવા છતાં એણે રાવણ સાથે યુદ્ધ કર્યું હતું. રાવણે એની પાંખો કાપી નાખી અને નાસી ગયો. એની આવી દશા જોઈ રામ-લક્ષમણ વ્યાકુળ થયા. રામની ગોદમાં એ મૃત્યુ પામ્યો. રામે જ તેની અંત્યેષ્ટિ કરી હતી.
પરંતુ આ કાવ્યમાં આપણે કવિ સિતાંશુના જટાયુને જોઈશું.
‘જટાયુ’ કાવ્ય સાત ખંડોમાં વહેંચાયેલું છે. આરંભના ચાર ખંડોમાં વન ભૂમિની રૂઢિજડ પરિસ્થિતિ અને જટાયુની વિલક્ષણતાનું નિરૂપણ છે. ઉત્તરમાં અયોધ્યા અને દક્ષિણમાં લંકા વચ્ચેનું આ વન છે. વનમાં-
“’વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે
ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે”’
વનનું જીવન બીબાઢાળ છે. સૌ પોતપોતાની જરૂરિયાત સંતોષાઈ જાય તો રાજી છે. એમનું જીવન યંત્રવત ચાલે છે અને ‘દેહની ડાળો મોત ફળતી રહે છે’.
આ વનમાં એક ગીધ છે. એનું નામ જટાયુ છે. આમ તો એમાં કઈ વિશેષ નથી માત્ર એને ‘ઉડવાની બહુ ટેવ છે.’ એ ઉંચે ઉડે છે તો એને વિચાર પણ અવનવા આવેછે. તેથી એ ગોળ ગોળ ઉડે છે ને મુંઝાય છે. આમ પણ એ ગીધ છે, એની નજર ઝીણી છે અને એમાં આ ધખારો ઉમેરાય છે. માં-બાપને ચિંતા થાય છે કે આનું શું થશે? બંધાયેલી સીમામાં જે રહ્યા હોય તેમને સીમાની સહેજ પણ બહાર જતાં ડર લાગે, અસુરક્ષિતતાનો અનુભવ થાય. મા-બાપને પોતાના સંતાનની વધારે ચિંતા થાય. ‘આમ તો બીજું કઈ નહિ પણ આને ઉડવાની બહુ ટેવ’. બોલચાલની ભાષાનો અહીં સહજ પ્રયોગ છે.
ઊડતા ઊડતા વર્ષો વિત્યા છે ને જટાયુ ઉડ્યા કરે છે પરંતુ એ જાણતો નથી કે આ વન તો મોટો ઠગ છે! એ ઉંચે ઉડે છે ને નીચે વનનો ઘેરાવો વધ્યે જાય છે. મા શિખામણ આપે છે:
‘હસીખુશને રહો ને ભૂલી જતા ન પેલી શરત
કે વનના વાસી , વનના છેડા પાર દેખના મત’
વર્ષો પછી પ્રૌઢ જટાયુ મુખી થયો છે. એક દિવસ ભૂખ્યો ઉંચે ઉડ્યો. વન સાવ ખાલીખમ લાગ્યું. એ ખાલીપાની ઢીંક થી થથરી ઉઠ્યો. વન ના ના કહેતું રહ્યુંને એ અવશ અધ્ધર ઉછાળ્યો અને જટાયુએ વનના છેડા દીઠા. અયોધ્યા અને લંકા બેય નગરીનો ભાર એને પીંછે પીંછે ફૂટ્યો. સ્વાંગ રચીને રાવણ આવ્યો. સીતા ઊંચક્યા ને જટાયુ દોડ્યો:
“’એક યુધ્ધે મચ્યો, એક યુધ્ધે મચ્યો, એક યુધ્ધે મચ્યો
હા હા ! હા હા ! હાર્યો જીવનનો હવે ઢુંકડો અંત’ “
સીમા ઓળંગનારા અંતે તો એકલા જ હોય છે !!
સૌ ગીધ આવ્યા છે’ એમની પાસે જે છે તે અંધારા લઈને. આ જટાયુ જે બોલે છે તે તેમને સમજાતું નથી. એ રાઘવને ઝટ આવવા પ્રાર્થના કરે છે. એને રાઘવને કૈક કહેવાનું છે.
જટાયુ કહે છે:
‘તું તો સમયનો સ્વામી છે, ક્યારેક આવવાનો એ સહી
પણ હું તો વનેચર મર્ત્ય છું હવે ઝાઝું ટકીશ નહિ”
એને થાય છે:
‘આ કેડા વિનાના વન થી કેટલું છેટું હશે અયોધ્યા?
અંતમાં કહે છે:
‘આ અણસમજુ વન વચ્ચે શું મારે મરવાનું છે આમ ?
નથી દશાનન દક્ષિણે અને ઉત્તરમાં નથી રામ.”’
અહીં કવિ એક પરમ સત્યનું ઉદઘાટન કરે છે. જે સમજણો છે, જે સમાજની રૂઢિથી ઉફરો ચાલે છે તે અંતે એકલો જ હોય છે. આપણને અહીં રામ, કૃષ્ણ, વેદ વ્યાસ, ગાંધીજી, જીસસ જેવા મહાનુભાવોનું સ્મરણ થશે જે અંતકાળે સાવ એકલા હતા.
અંતિમ ખંડમાં જટાયુની આત્મકથનરૂપ ઉક્તિમાં જટાયુની આંતર સંવેદનાને પુરતો અવકાશ મળે છે. આ અંતિમ ખંડ માટેની ભૂમિકા કવિએ આરંભથી જ રચી છે.
કાવ્યમાં મધ્યકાલીન વન વર્ણનની રૂઢ પરિપાટી સામે ‘વન પથરાયું રંક’, ‘વનમાં લીલો અંધકાર’, ‘અધર્મનો જ્યોતિ રાતોચોળ’ જેવા વ્યંજના સભર પ્રયોગો સહૃદય ભાવકોના ચિત્તમાં તણાવ ઉભો કરે છે. આ કાવ્યમાં કવિએ ‘આયરની’નો પ્રયોગ કર્યો છે. એક તરફ જડ સમાજ અને બીજી તરફ અતિ સંવેદનશીલ અને સીમા પાર જવા ઉત્સુક જટાયુ એમ બે વિરોધી સ્થિતિને સામસામે મૂકી ભાવકને વિચારતો કરી મુકે છે. મૃત્યુ સમયની જટાયુની અસહાયતા, નિરર્થકતા વેદના જન્માવે છે. માનવ સમાજની એકાંગી, રૂઢિજડ જીવન શૈલીની સામે કવિએ જટાયુની કાર્યશીલતાને ઉપસાવી છે. જટાયુની વેદના એ બધાં જ વિચારશીલ વ્યક્તિઓની વેદના છે.
આ બંને દીર્ઘ કાવ્યો પુરાકાથાઓને કેન્દ્રમાં રાખીને રચાયા છે. બંને કવિએ બે સંવેદનશીલ નાયકોની વેદનાને આધુનિક અર્થઘટન દ્વારા સમકાલીન સવેદનશીલ વ્યક્તિઓની આંતરવ્યથા નિરુપી છે. ચિનુ મોદીએ ખંડકાવ્યનું અને સિતાંશુએ આખ્યાનના સ્વરૂપનું નવસંસ્કરણ કર્યું છે. ‘બાહુક’ની ભાષા સંસ્કૃત પ્રચુર છે જ્યારે સિતાંશુની ભાષા સહજ બોલચાલની ભાષા છે. બંને કાવ્યોમાં નાટ્યાત્મકતા છે. ‘બાહુક’ તો ‘એકોકતી’ રૂપે કે ‘રેડીઓ નાટક’ તરીકે ખુબ સફળતાથી ભજવી શકાય તેવું છે. ‘જટાયુ’ પણ નાટ્યાત્મકતાથી ભરપૂર છે. દીર્ઘ કવિતાની દીર્ઘતાને આ નાટ્યાત્મકતા જ બાંધી રાખે છે. કવિ વિવિધ લય પ્રયોજે છે. જરૂર પડે ત્યાં છંદોનો ઉપયોગ પણ કરે છે. બંને સર્જકો, સિતાંશુભાઈ અને ચિનુ મોદી સફળ નાટ્યકારો છે અને એમની એ કુશળતાનો લાભ આ કાવ્યોને મળ્યો છે. દીર્ઘ કવિતા એ સર્જકની ધારક ક્ષમતાની કસોટી છે અને આ બંને કવિઓ આ કસોટીમાંથી સુપેરે પાર ઉતર્યા છે.