“શ્રીમદ્ ભગવત ગીતામાં અવતાર વિમર્શ”

 

શ્રીમદ્ ભગવત ગીતામાં પરાત્પર પુરુષોત્તમ જે ગીતાની દ્રષ્ટિમાં અંતિમ તત્ત્વ છે તે માત્ર સર્વોપરિ અને અમૂર્ત નથી, પરંતુ સર્વવ્યાપક અને મૂર્ત પણ છે. અંતિમ તત્ત્વ અને આ સૃષ્ટિનું અંતર ઘટાડવાના પ્રયત્નની પ્રક્રિયામાં અવતાર અને વિભૂતિના વિચારોનું ઘણું જ મહત્વ છે. એ પરમ તત્ત્વનું માનવ વ્યક્તિની મર્યાદામાં આવવું એ અવતરણ કે અવતાર છે. સ્વાભાવિક રીતે આપણને એ પ્રશ્ન થાય કે જો ‘આ બધુ બ્રહ્મ છે’ એવી વેદાંતની દ્રષ્ટિ ગીતાને માન્ય હોય તો પરમત્માને આ સૃષ્ટિમાં અવતરવું પડે એ બાબત તેની સાથે સંગત છે ખરી? વાસ્તવમાં સૃષ્ટિના અણુએ અણુમાં પરમાત્મા વ્યાપ્ત છે જ છતાં દરેક સ્થળે તે એકસરખી રીતે અભિવ્યક્તિ થતો નથી. એક જ પ્રકારનું કિરણ પારદર્શક અને ખરબચડી સપાટી પર જુદી જુદી રીતે પરાવર્તિત થાય,  તેવી જ રીતે સૃષ્ટિમાં સર્વત્ર પરમાત્મા છે છતાં સર્વત્ર સમાન રીતે દ્રશ્યમાન નથી. અજ્ઞાન અને સ્વાર્થમય કામનાઓ માનવીમાં રહેલ પરમ તત્ત્વને ઝાંખું કરે છે. અનેક અનિષ્ટો અને મલિન વૃત્તિઓથી આવૃત સંસારમાં પરમાત્માનું તેજ પ્રગટ કરવાનું હોય છે. આ જ મહાન કાર્ય માટે એ સર્વોપરિ સત્તા આ સૃષ્ટિમાં અવતરે છે.
આ જ બાબતને થોડી જુદી રીતે વિચારીએ તો, સર્વ પ્રાણીઓના હૃદયમાં ઇશ્વર જ વસતો હોય તો બધા મનુષ્યો એ પ્રભુના અવતારો જ ગણવા જોઇએ. સામાન્ય માનવમાં પ્રભુતાની હાજરી અને અવતારની પ્રભુતામાં તફાવત એ છે કે પરમાત્માની શક્તિ સીધે સીધી અને પોતાના પૂર્ણ તેજ વડે પ્રકાશિત થાય છે, જ્યારે સામાન્ય માનવચેતનાનું  તેમ નથી હોતું. [1]
અવતાર અને વિભૂતિ:-
આમ, ઇશ્વર અને જગત વચ્ચે એકતા સ્થાપવા માટે, સત્, અને ભવત્ વચ્ચેનો વિરોધ નિર્મૂળ કરવા માટે, આત્મા અને ભૂતો વચ્ચેની ભેદરેખા મિટાવવા માટે અવતાર અને વિભૂતિનો વિચાર ગીતામાં રજૂ થયો છે. અવતાર એટલે પુરુષોત્તમની બાજુએથી દિવ્ય પુરુષનું સૃષ્ટિ તરફ આવવું અને વિભૂતિ એટલે સૃષ્ટિની બાજુએથી પુરુષોત્તમ પ્રતિ પ્રગતિ. બન્ને વિચારો ભેગા મળીને એક સંપૂર્ણ, સુગ્રથિત સિદ્ધાંત બને છે. અંતિમ તત્ત્વનો આદર્શ માનવીમાત્રની પહોંચવાની શક્તિની ભીતર લાવવાની પ્રક્રિયા એટલે અવતાર.
અવતારના સિદ્ધાંત દ્વારા ગીતા એક અત્યંત મહત્વનું પ્રેરણાપ્રદ સત્ય હિંમતપૂર્વક રજૂ કરે છે. જગતના વિવિધ ધર્મોમાં ‘દિવ્યતત્ત્વ’નું આ સૃષ્ટિ પર આવવું એ કદી વિચારી જ ન શકાય એવી બાબત છે. ઇસ્લામ ધર્મ ‘અલ્લાહ’ને જગતથી નિરાળો અને સ્વતંત્ર કલ્પી ‘અલ્લાહ’ નહિ પણ તેના પયગમ્બરો અને ફિરસ્તાઓ આ સૃષ્ટિ પર આવે છે એમ કહે છે. ખ્રિસ્તી ધર્મ મહાન જિસસ ક્રાઇસ્ટને ‘પ્રભુનો પનોતો પુત્ર’ માને છે. પ્રભુ પોતે નહિ પરંતુ તેનો પુત્ર આ રીતે જગતમાં આવે છે, જ્યારે ગીતાનો વિચાર ખુદ પરમાત્માને જ પોતાની તમામ શક્તિઓ સાથે આ સૃષ્ટિમાં અવતરતો જણાવી માનવતા અને પ્રભુતા વચ્ચે અભિન્નતા સ્થાપવાનો પ્રયત્ન કરે છે. પરમાત્મા મહાન જરૂર છે પણ સૃષ્ટિથી નિરાળા રહેવામાં જ તેની મહત્તા જળવાતી નથી. એ સૃષ્ટિ વચ્ચે પણ આવે છે. આ પ્રકારનો અવતારનો સિદ્ધાંત એ જગતના તમામ ધર્મિક સાહિત્યમાં ગીતાએ ઉઠાવેલું તદ્દન મૌલિક અને સાહસપૂર્ણ પગલું છે.
ભારતીય પરંપરા અને અવતાર:-
ભગવત ગીતાનો અવતારનો સિદ્ધાંત તદ્દન મૌલિક હોવાને લીધે અવતારના વિચારનો વિરોધ પણ એટલી જ પ્રબળતાથી થયો છે. વૈદિક પરંપરાના પ્રખર પુરસ્કર્તા સ્વામી દયાનંદ સરસ્વતી[2] આ સિદ્ધાંતને અવૈદિક અને તેથી સ્વીકારતા નથી. વળી, પરમાત્માની સર્વોપરિતાને જ મહત્વ આપનારા દ્વૈતવાદી દર્શનોને આ સિદ્ધાંત ‘પ્રભુની નિંદા સમો’ કે ‘પ્રભુનું ભયાનક અપમાન કરનારો’ લાગે છે. તો વળી અન્ય વિદ્વાન ડો. મેકનીકોલ[3] જેવાને આ સિદ્ધાંત ભારતીય ઇશ્વરવાદમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવતો પણ લાગે છે.
ઉપનિષદોમાં ‘અવતાર’નો સિદ્ધાંત પ્રત્યક્ષ રીતે રજૂ નથી થયો, પરંતુ અનેક સ્થળોએ તેવા બ્રહ્મતત્ત્વના વર્ણનમાં આ વિચારના બીજ પડેલાં જણાય છે. અવતારની ભાવના ખરેખર તો પુરાણોએ વિકસાવી અને વિસ્તૃત બનાવી. તે મુજબ વિષ્ણુના ચોવીસ અવતારો ગણવામાં આવ્યા છે. મત્સ્ય, વરાહ, કચ્છપ, નૃસિંહ વગેરે અર્ધમાનવ યોનિઓ અને રામ, કૃષ્ણ, બુદ્ધ વગેરે માનવ અવતારોમાં કેટલાક વિદ્વાનોના મતાનુસાર ક્રમશ: ઉત્ક્રાંતિ પણ જોવા માળે છે. જો કે ગીતામાં થયેલી અવતારના સિદ્ધાંતની રજૂઆત ઘણી જ સંક્ષિપ્ત છે અને પૌરાણિક માન્યતાનો ઘણો ઓછો આધાર ગીતામાં લેવાયો છે. અવતારવાદના સિદ્ધાંતની પ્રાચીનતા તો ગીતા પોતાની રીતે દર્શાવે જ છે. લાંબા ગાળે રાજર્ષિઓમાં ઓછો પ્રચલિત થયેલો વિચાર સૌપ્રથમ પરમાત્માએ વિવસ્વાન(સૂર્ય)ને કહ્યો હતો. વિવસ્વાને તે મનુને કહ્યો હતો. મનુએ તે જ વિચાર ઇક્ષ્વાકુને કહ્યો હતો. અને તે જ વિચાર ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે.[4]
અવતારનું પ્રયોજન:-
વિવિધ ધાર્મિક પરંપરાઓ ગમે તે વિચારધારા ધરાવતા હોય પણ અવતારનો સિદ્ધાંત ભારતીય દાર્શનિક પરંપરામાં અને તેમાં પણ ગીતાના સમગ્ર વિચાર માળખામાં એક વિરલ અને અત્યંત મહત્વની ઘટના ગણવી જોઇએ. શ્રી અરવિંદના મતાનુસાર તો ગીતામાં અવતારવાદ સમગ્ર તત્ત્વ દર્શનના સારરૂપ છે. લોકસંગ્રહનો જે ઉમદા વિચાર ગીતા રજૂ કરે છે, તેને અવતારવાદ ખૂબ જ દૃઢ બનાવે છે.
સામાન્ય માનવીનો જન્મ પ્રકૃતિના પ્રભાવવશ હોય છે, જ્યારે પરમાત્મા પ્રકૃતિના સ્વામી બનીને જન્મ લે છે. હવે મૂળભૂત પ્રશ્ન એ છે  કે શા માટે પરમાત્માને જન્મ લેવો પડે છે? આ જગતમાં આવવું પડે છે?[5] ગીતા આ બાબતને બે રીતે સમજાવે છે. અને અવતારનું પ્રયોજન આપે છે.
સત્ય- અસત્ય, ધર્મ-અધર્મ, ઇષ્ટ- અનિષ્ટ વચ્ચેનો સંઘર્ષ જ્યારે પરાકાષ્ટાએ પહોંચી જાય છે ખલ પરિબળો પ્રભાવશાળી બની જાય છે, સત્પુરુષોના રક્ષણનું અતિવિકટ કાર્ય કરવા પ્રત્યેક યુગમાં પરમાત્મા જન્મ લે છે [6]. પ્રકૃતિના પ્રભાવથી સામાન્ય રીતે સૃષ્ટિ ઇષ્ટ તરફ ગતિ કરે જ છે, પરંતુ તેમાં કોઇ મોટો અંતરાય ઉભો થાય છે ત્યારે હતાશ, નિરાશ અને નિ:સહાય માનવજાતિને પ્રેરણા અને ઉત્સાહ પૂરો પાડવા અને સત્ય પ્રત્યેની અપાર શ્રદ્ધા અને નિષ્ઠા ઉભી કરવાનું પણ અવતારનું એક પ્રયોજન છે. જો કે આ કાર્ય એવું ખાસ કોઇ વિકટ પણ નથી કે તેને સામાન્ય માણસ ન કરી શકે. જગતના ઇતિહાસમાં એવા ઘણાં નરચરિત્રો મળે છે, જેમણે પોતાના દૃઢ સંકલ્પ અને આત્મવિશ્વાસથી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું હોય. જો એમ હોય તો અવતારનું આ સૃષ્ટિ પર આવવું નિરર્થક છે. પરંતુ તાત્વિક રીતે જરા ઉંડાણથી વિચાર કરતાં જણાશે કે આ જ કાર્ય અવતારના આગમનનું મુખ્ય પ્રયોજન નથી. આ તો માત્ર તેનું બાહ્ય અને આનુષંગિક કાર્ય થયું. તેનું મુખ્ય પ્રયોજન તો કોઇ આંતરિક નિયમરૂપ છે.
અહીં આપણે માનવસ્વાભાવની એક સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક વૃત્તિનો વિચાર કરવો પડશે. બધુ જ હોવા છતાં ઘણી વખત માનવી એવું વિચારવા લાગે છે કે આ વિશાળ જગતમાં પોતાના અસ્તિત્વનું અને પ્રયત્નો તથા પુરુષાર્થનું કોઇ મહત્વ નથી. ઇતિહાસમાં ઘણાં મહાન પુરુષોએ અથાક પ્રયત્ન કર્યો છતાં જગતની વાસ્તવિક પરિસ્થિતિમાં કોઇ ફેર પડ્યો નથી. જો આ રીતે અનિષ્ટ કદી નષ્ટ થતું જ ન હોય તો વ્યર્થ પ્રયત્ન શા માટે કરવો? જેમાં નિષ્ફળતા નક્કી જ હોય તેવી પ્રવૃત્તિ શા માટે કરવી? આવી હતાશા અને નિરાશાની લાગણી જ્યારે સમાજના મોટા ભાગના લોકોમાં ફેલાય જાય છે.  વિચાર કરતા જણાંય છે કે ઊંડે ઊંડે અર્જુનના મનમાં પણ આ જ વિચાર હતો. યુદ્ધ કરવા કરતા તેને ભીખ માંગવી વધારે સારી લાગી[7]. આવા સંજોગોમાં અવતાર સિવાય કોઇ માનવ શક્તિ આવા માનવીઓને પ્રેરણા અને ઉત્સાહ આપી શકતી નથી. હતાશા અને નિર્વેદની આ સ્થિતિ શંકાની પણ સ્થિતિ છે. જે વિનાશક સાબિત થાય તેમ છે[8]. આવા સંજોગોમાં માનવજાતિને આલંબન માટે અવતારની જરૂર પડે છે. અને એ રીતે અવતાર માનવજાતિને ઇષ્ટ પ્રત્યેની અપાર શ્રદ્ધા અને નિષ્ઠા ઉત્પન્ન કરવા- કટિબદ્ધ કરવા આ સૃષ્ટિમાં આવે છે. માનવી જ્યારે સંગ્રામથી પીછેહઠ કરે છે અને નિવૃત થવા તૈયાર થાય છે ત્યારે અવતારનો આદર્શ તેમનામાં ફરી પ્રેરણા અને ઉત્સાહનું સિંચન કરે છે. આ આદર્શના નિર્માણ અર્થે પરમાત્મા આ સૃષ્ટિમાં આવે છે[9]. શ્રી અરવિંદ કહે છે- ‘અવતારની બેવડી પ્રક્રિયા છે, એક બાજુ નારાયણનું નર થવું અને બીજી બાજુએ નરનું નારાયણ થવું.’ [10] આ દ્દ્રષ્ટિએ અવતાર એ માનવજાતિનો સમર્થ નેતા છે અને ગીતાએ આ સિદ્ધાંત દ્વારા નેતૃત્વનું એક સુંદર દર્શન માનવજાતિ સમક્ષ રજૂ કર્યું છે.

પરમાત્મા અને પ્રકૃતિની એકરૂપતા સ્થાપવા વિભૂતિ:-
અવતાર અંગેની પ્રચલિત પૌરાણિક પરંપરામાં અવતારના વિવિધ રૂપ, પ્રકાર અને પ્રયોજન દર્શાવેલ છે, પરંતુ ગીતાને ધ્યાનમાં રાખીને ખાસ કરીને બે પ્રકારો વિશે વિચારવામાં આવે છે. જો કે ગીતામાં તેનો સ્પષ્ટ નિર્દેશ નથી. છતાં અંશાવતારનો ખ્યાલ ગીતાના ‘અવતાર’ અને વિભૂતિ’ના વિચારને પરસ્પર જોડવામાં ખૂબ જ મહત્વનો છે. એ રીતે જોતા પરમ તત્ત્વ ક્યારેક પોતાની સંપૂર્ણ શક્તિવડે પ્રગટ થાય છે, ત્યારે તે પૂર્ણાવતાર અને જ્યારે પરમાત્મા પોતાની શક્તિના એકાદ નાના અંશ વડે પ્રગટ થાય તે અંશાવતાર કહેવાય છે. બધા જ અવતારો વિભૂતિરૂપ હોય છે, પરંતુ તમામ વિભૂતિઓ અવતાર ન ગણી શકાય. અર્થાત્ માનવમર્યાદામાં સંપૂર્ણ ઢળેલ અવતાર વિભૂતિ કહેવાય છે. શ્રી અરવિંદ કહે છે, ‘અંશાવતાર એ માનવીની બાજુએથી પરમત્માને પોતાનામાં વસવા થયેલાં આહવાનનું પરિણામ છે.[11]’ આમ, અંશાવતાર એ વિભૂતિના ખ્યાલને તદ્દન મળતો વિચાર છે. અર્જુન વિભૂતિયોગ નામના દસમાં અધ્યાયમાં શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછે છે, ‘હે પ્રભુ, હું હંમેશા આપનું ચિંતન કરું છું તો આપને હું કંઇ રીતે જાણું? ક્યા કયા ભાવો વડે તમારું ચિંતન કરું? ઉત્તરમાં શ્રીકૃષ્ણ પોતાની મૂખ્ય દિવ્ય વિભૂતિઓ કહેવાનો પ્રારંભ કરે છે. આમ, તો પરમાત્માની વિભૂતિ અને વિસ્તારનો કોઇ અંત નથી. સામાન્ય રીતે આપણે અનંતનું ચિંતન કરી શકતા નથી. તેવા સંજોગોમાં ગીતા આપણને અનંતનું ચિંતન કરવાની રીત આપી છે.
આ સંદર્ભમાં ઓશો એક ખૂબ જ સરસ વાત કરે છે કે જો શ્રીકૃષ્ણ બગીચામાં આવીને કહે કે આ બધા ફૂલોમાં સૌથી વધારે ખીલેલું ફૂલ હું છું. તો એનો અર્થ શો?  એનો અર્થ એ થયો કે બીજા ફૂલ પણ એટલાં જ ખીલી શકે તેમ હતાં, પણ ખીલી શક્યા નથી. શ્રીકૃષ્ણ અર્જુનને એ જ કહી રહ્યા છે કે તું પૂરેપૂરો ખીલી જા. તું ક્ષત્રિયત્વનું પુરું ફૂલ બની જા. વસંત બની જા ક્ષત્રિયત્વની. તો તું મને પ્રાપ્ત કરીશ. મને પ્રાપ્ત કરીશનો અર્થ કે તું પોતાના-તારી અંદરના ઇશ્વર- પરમતત્ત્વને પ્રાપ્ત કરીશ.
આમ, વિભૂતિ એટલે પોતાના પૂરા ઐશ્વર્યમાં પ્રગટ થવું.  વિભૂતિનો આ જ અર્થ છે કે જેની વાસ્તવિકતા અને સંભવના વચ્ચે કોઇ અંતર રહ્યું નથી. અર્થાત્ સંભવના વાસ્તવિકતા બની ગઇ છે. જેના સંભવના અને વાસ્તવિક્તામાં અંતર છે, તેઓ હજી એ યાત્રા કરી રહ્યા છે. જે વ્યક્તિની અંદર છૂપાયેલું છે તે જે દિવસે પૂરી રીતે પ્રગટ થઇ જાય તે દિવસે તે વિભૂતિ થઇ જાય છે. ઘોડામાં ઉચ્ચૈશ્રવા કે હાથીમાં ઐરાવત, ગાયોમાં શ્રેષ્ઠ ગાય કામધેનુ હું છું એમ જ્યારે શ્રીકૃષ્ણ કહે છે ત્યારે એનો સીધો અર્થ એ થયો કે ઉચ્ચૈશ્રવામાં અશ્વત્વ, ઐરાવતમાં હસ્તિત્વ કે કામધેનુમાં ગોત્વ તેની પરાકાષ્ઠાએ પ્રગટી ગયું છે, તેનાથી વધારે શક્ય નથી. વળી,  દરેક ઘોડામાં, હાથીમાં કે ગાયમાં ઉચ્ચૈશ્રવા, ઐતાવત કે કામધેનુ થઇ શકવાની સંભવના છે.  
આ રીતે ગીતાનો વિભૂતિવાદ પરમાત્મા અને પ્રકૃતિ વચ્ચે એકતા સ્થાપવાના પ્રયાસ રૂપ છે. શ્રી અરવિંદ કહે છે તેમ ‘વિશ્વના આવિર્ભાવમાં પરમાત્મા સ્વયં પ્રકૃતિ સ્વરૂપ બને છે.’
આમ, અંતિમ તત્ત્વ અંગેનો ગીતાનો વિચાર આ રીતે જગતલક્ષી છે એમ કહી શકાય. વ્યક્ત અને અવ્યક્તથી પર પુરુષોત્તમ છે. સૃષ્ટિ આખી એક અત્યંત વિશાળ અને દિવ્ય જીવન પ્રત્યે વિકસી રહી છે. વિકાસની એ પ્રક્રિયાને વેગવંતી બનાવવા અને તેમાં નવપ્રાણનું સિંચન કરવા પરમાત્મા સૃષ્ટિની મર્યાદાઓમાં આવિર્ભાવ પામે છે. તે જ અવતાર વળી અંતિમ તત્ત્વ નિરાકાર- નિર્ગુણ રૂપે કલ્પવું મુશ્કેલ છે, તો તેની એ સ્વરૂપે ઉપાસના તો ક્યાથી શક્ય હોય. આથી જ ગીતા સગુણ- સાકારને મહત્વ આપે છે. પરમાત્માના આવિર્ભાવરૂપે અવતાર માનવીની ઉપાસનાનું – શ્રદ્ધાનું ઉત્તમ પ્રતીક બની રહે છે. આમ છતાં ગીતામાં પરમાત્માના કોઇ એક પ્રતિકને સર્વસ્વ માનવામાં આવ્યું નથી. આથી અંતિમ તત્ત્વ અંગેની માનવબુદ્ધિની અપેક્ષાઓ સંતોષવાની સાથે ભાવનાપ્રવાહ માટેનું પણ સુયોગ્ય માધ્યમ આ રીતે ગીતામાં ઉભું કર્યું છે.
પુરુષોત્તમ સર્વથી મહાન અને સર્વવ્યાપક છે. સૃષ્ટિ દિવ્ય જીવન પ્રત્યે વિકસી રહી છે. પોતાની અનંત ભવ્યતામાંથી એ પુરુષોત્તમ અવતાર રૂપે આ સૃષ્ટિની મર્યાદાઓ વચ્ચે આવે છે અને સૃષ્ટિના સ્વાભાવિક વિકાસ દરમ્યાન એ જ પુરુષોત્તમના દિવ્ય તેજની ઝલક વિભૂતિ રૂપે જોવા મળે છે. અવતાર અને વિભૂતિ બંન્ને પ્રક્રિયાઓ આખરે પરમાત્મા અને પ્રાકૃત જગત વચ્ચેનું અદ્વૈત સાધે છે.

इति शुभम्

-: પાદટીપ :-
1. શ્રી અરવિંદ, ગીતા નિબંધો (1) પૃ. 20
2. સ્વામી દયાનંદ સરસ્વતી, ‘સત્યાર્થ પ્રકાશ’
3. Dr. MacNicol Indian Theism, P. 20
4. શ્રીમદ્ ભગવત ગીતા, અ. 4. શ્લોક- 1 થી 3
5. अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन्।
प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया॥
6. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।
अभ्युत्थानमधर्मस्य तदाऽत्मानं सृजाम्यहम्॥
परित्राणाय साधुनां विनाशाय च दुष्कृताम्।
धर्मसस्थापनार्थाय संभवामि युगे युगे॥
7. શ્રીમદ્ ભગવત ગીતા,  2. 5
8. संशयात्मा विनश्यति – श्री मद् भगवत गीता- 4. 40
9. न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन।
नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि॥  श्री मद् भगवत गीता- 3. 22
10. શ્રી અરવિંદ, ગીતા નિબંધો (1), પૃ. 248
11. શ્રી અરવિંદ, ગીતા નિબંધો (1), પૃ. 273
12. कथं विद्यामहं योगिंस्त्वां सदा परिचिंतयन्।
केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया॥ श्री मद् भगवत गीता- 10. 17

-: સંદર્ભ ગ્રંથો :-
(1) પંડિત નીલકંઠની ટીકા સહિત- શ્રીમદ ભગવત ગીતા, ગુજરાતી ભાષાંતર, સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય
(2) શ્રીમદ ભગવત ગીતા - તાત્વિક અભ્યાસ, કે.કા. શાસ્ત્રી, સરસ્વતિ પુસ્તક ભંડાર, પ્રથમ આવૃત્તિ.
(3) કૃષ્ણનું સંગીત - ગુણવંત શાહ
(4) કૃષ્ણ મારી દ્રષ્ટિએ - ઓશો
(5) ગીતાતત્ત્વવિચાર – પ્રો. કિશોર એસ. દવે, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-6,

પ્રા. કે. એમ. ચાવડા,
સંસ્કૃત વિભાગ,
એમ. એન. કોલેજ, વિસનગર

000000000

***