‘ચક્ર’ : કલમ અને કેમેરાનું સર્જનાત્મક એકાત્મ
(સર્જક જયવંત દળવી – દિગ્દર્શક રવિન્દ્ર ધરમરાજના સંદર્ભે)ભૌગોલિક સીમામાં ન બંધાય તે ભારતીય સાહિત્ય. ભારતીય સાહિત્યનો ચહેરો ભક્તિ આંદોલને ઘડ્યો. વેદોનું ગાન વૈશ્વિક છે, અને એ ભારતીય સાહિત્યની વિશેષતા છે. ટાગોર એ આપણા વિશ્વ કવિ છે અને પૂર્ણરૂપે ભારતીય નરસિંહ મહેતા, પ્રેમાનંદ, ગોવર્ધનરામ ત્રિપાઠી અને ગાંધીજી છે.
સિનેમાની યાત્રા એની શતાબ્દી ઉજવણી કરી ચુકી છે ત્યારે પણ સાહિત્ય એ એનો નાભિશ્વાસ રહ્યો છે. સાહિત્ય અને સિનેમા માનવીય કરુણાના ગીત છે.
ભારતીય સિનેમાના પાયામાં સાહિત્યની ભાષા છે. આપણી પ્રથમ સિનેમા ‘રાજા હરિશ્ચંદ્ર’ પૌરાણિક કથાનો એક ભાગ હતી. રામાયણ અને મહાભારત એ ભારતીય જનજીવનનો હિસ્સો છે. અને હિન્દુ આસ્થાળુઓ એનાથી પ્રભાવિત થયા વગર રહી શકે નહિ. શરૂઆતમાં શ્રદ્ધા, ધર્મ અને આસ્થાનો વિષય લોક્ભોગ્ય હતો એટલે દાદા સાહેબ ફાળકેએ ‘રાજા હરિશ્ચંદ્ર’ને નાટ્યના પ્રવાહમાંથી બહાર લાવીને સિનેમાના ઢાળમાં રજૂ કરી.
ઈ.સ. ૧૯૨૫ સુધી સતત કોઈને કોઈ ધાર્મિક ગ્રંથો કે પુરાણોની વાર્તાનો આધાર રાખીને સિનેમા બનતી પરંતુ સિનેમાની માળખાકીય માવજત કરીને ઈ.સ. ૧૯૨૫માં પ્રથમ વખત બાબુરાવ પેન્ટરે ફિલ્મ ‘સાવકરી પાશ’ રજુ કરીને સાહિત્યને સિનેમામાં સમાવી લીધું.આગળ જતાં સાહિત્ય અને સિનેમા સર્જનાત્મકતાના બે કિનારા સંગમ પામી એકમેકમાં વિલીન થવા લાગ્યા.આ સાથે ભવાઈ, રામલીલા, નૌટંકી, કૃષ્ણકથા, થિયેટર વગેરેનો વિનિયોગ સિનેમામાં થતો રહ્યો. આજે તો સાહિત્ય કૃતિ પરથી નિર્માણ પામેલી સિનેમાનો પોતાનો એક સુદીર્ઘ ઈતિહાસ છે, અને આ માધ્યમ રૂપાંતર પાછલાં ઘણાં વર્ષોથી અભ્યાસુઓના રસનો વિષય રહ્યો છે.
નવલકથા, નવલિકા, કવિતા, આત્મકથા, ચરિત્રકથા જેવા સાહિત્યના સ્વરૂપો સિનેમાને અનુકુળ આવ્યા છે. સાહિત્ય પરથી સિનેમાનું નિર્માણ થાય છે ત્યારે આ માધ્યમ રૂપાંતરની કળા મોટે ભાગે પોતાની યાત્રા માટે આ ત્રણમાંથી એક માર્ગ પસંદ કરે છે.
(૧) મૂળ સાહિત્ય કૃતિનું સીધું જ સિનેમામાં રૂપાંતર, જે મૂળ કૃતિનું સીધું પ્રતિબિંબ હોય.
(૨) મૂળ સાહિત્ય કૃતિમાં થોડા ફેરફારો સાથે સિનેમા રૂપાંતર,જેમાં કશુંક છોડીને કશુંક નવું ઉમેરવામાં આવ્યું હોય અને દિગ્દર્શક સર્જકની કૃતિ સાથે થોડી છૂટ લે.
(૩) મૂળ સાહિત્ય કૃતિનો માત્ર અર્ક જ અકબંધ રાખીને થતું સિનેમા રૂપાંતર જેમાં સિનેમા સાહિત્ય કૃતિથી ઘણી દુર નીકળી ગઈ હોય.
મૂળ સાહિત્ય કૃતિનું સીધું જ સિનેમા રૂપાંતર થયું હોય, જે મૂળ સાહિત્ય કૃતિનું સીધું પ્રતિબિંબ હોય તેવા સંઘેડાઉતાર માધ્યમ રૂપાંતરનું ઉત્તમ ઉદાહરણ એટલે ‘ચક્ર’ નવલકથા પરથી નિર્માણ પામેલી સિનેમા ‘ચક્ર’.
‘ચક્ર’ જયવંત દળવીની મરાઠી નવલકથા ઈ.સ. ૧૯૬૩માં પ્રકાશિત થઇ જેનો જેનો ગુજરાતી અનુવાદ ગાંડીવ પ્રકાશન દ્વારા આપણને મળ્યો. માધ્યમ ‘મયુરક’.
‘ચક્ર’ નવલકથા એ કોઈ એક નાયક, નાયિકાની વાત નથી, પરંતુ નામઠામ વિનાના જેને પોતાની કહી શકાય તેવી ઓળખ જેવું કાઈ નથી તેવા રોજ-બ-રોજના જીવન સાથે યુદ્ધરત અને એકંદરે એક સરેરાશ મનુષ્ય જીવનથી તદ્દન અલગ ‘અસામાન્ય’ વસાહતમાં વસતાં લોકોના સમૂહની કથા છે.
‘આજે અહી તો કાલે તહીં’ એવી ભટકતી જીંદગી પ્રત્યેકની, કોઈ એજ પોતાની જીંદગી બીજાની સાથે લાગલગાટ ગાળી નથી આવા પાત્રોને મિષે સર્જકને મહાનગરની નારકીયતાનો ચહેરો ચિતરવો છે.
અહીં અમ્મા તેનો પતિ સુનકા, પુત્ર બેનવા અને પતિના મૃત્યુ પછી અમ્માના જીવનમાં આવેલા બે પુરૂષો પૈકી લુક્કા અને અણ્ણાના પાત્રો મુખ્ય છે.આ પાત્રોની આસપાસ પુન્ના ડોસો અને એની બે પુત્રીઓ આયેશા અને ચેન્ના જે દેહવિક્રય કરી ગુજરાન ચલાવે છે, અને પુત્ર નાગુ જે પાલીસપેટી લઇ સ્ટેશને બેસે છે,ઉપરાંત રૂકો રૂકાની પત્ની, માંદલો પુત્ર ચમનિયો, લક્ષ્મી અને પાવરો અને પુત્ર રઘુરામા, લુકાએ ભોગવેલી સ્ત્રી ભાગી, બેનવાના મિત્રો અંતુડો,ઝિપરો અને ઝિપરાની બહેન અમલી જેવાં પાત્રોની આ નવલકથા છે.
અમ્માની સાથે અનુક્રમે લૂકા અને અણ્ણા નામના પુરૂષો છે. બેનવા મોટો થઇ રહ્યો છે, પોતાના જીવન સાથે યુદ્ધરત અમ્મા એક તરફ પોલીસ દમનની ફડક સાથે જીવે છે અને બીજી તરફ ‘પોતાની’ કહી શકાય તેવી એક છાપરી, ઝૂંપડીનું સ્વપ્ન સતત સેવે છે. નવલકથાને અંતે એક નાની છાપરી એમાં નવપરણિત બેનવા અને એની પત્ની અમલી છે. અમ્માને આશરે રોગિષ્ટ લુકા જે દવાની ચોરી કરીને અમ્માની ઝૂંપડીમાં સંતાયો છે અને એને પકડવા જતાં પોલીસ અમ્માના પુત્ર બેનવાને પણ પકડીને લઇ જાય છે.અચાનક પોલીસ દમનથી તૂટતી ઝૂંપડી અને સગર્ભા અમ્મા પોતાનું સંતાન ગુમાવે છે. નિ:સહાય અણ્ણા મુક સાક્ષી બને આમ બધું જ સાફ ઝૂંપડુ ને પેટ. બેનવા જેલના સળિયા પાછળ.આરંભે સુનકા પત્ની અમ્મા પોલીસથી ઠાર મરાતા સુનકા પછીનો સુનકાર અનુભવે, અંતે અમ્મા પુત્ર બેનવાને પોલીસ મારનો ત્રાસ સહન કરતાં જુએ. અહીં અનેક સંદર્ભોમાં ‘ચક્ર’ શીર્ષક સાર્થક થાય છે.
પ્રતિષ્ઠિત કલાકૃતિ એ સાહિત્યની હોય કે સિનેમાની મોટેભાગે પ્રતિબદ્ધ હોય છે. સમાજના મોટાવર્ગને પ્રસ્તુત લાગે છે અને અનેક કારણોમાંનું આ પણ એક કારણ છે કે જે કલાકૃતિને ચિરંતનતા અર્પે છે.
‘ચક્ર’ નવલકથાને ૧૯૬૩ના વર્ષનો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળે અને ‘ચક્ર’ સિનેમાને વર્ષ ૧૯૮૧નો ફિલ્મફેર એવોર્ડ મળે.એની પાછળનું એક મહત્વનું કારણ આઝાદીના આટલા વર્ષો પછી પણ ભારતનું એ ચિત્ર બદલાયું નથી, એ બૃહદ થયું છે. ગરીબી,ભૂખમરો અને એના કારણે નૈતિકતાનું પતન એ આજેપણ જ્યાં ને ત્યાં જ છે,સ્થાયી છે.મધ્યમવર્ગ કે શ્રીમંતવર્ગને આ ભારત સાથે દેખીતી રીતે ઝાઝી લેવા દેવા નથી પરંતુ કોઈ ને કોઈ રીતે સીધી કે આડકતરી રીતે એને અસર તો કરે જ છે.
કૃતિની કલાત્મકતા કે પ્રસ્તુતતા એકસાથે વિવિધ ભાષાઓના સાહિત્યમાં એકસરખી ઝિલાય છે, એની પ્રતીતિ ત્યારે થાય જયારે ‘ચક્ર’માંથી પસાર થતા-થતા પન્નાલાલ અને એની કૃતિઓના પાત્રો સ્મરણપટ પર ઝબકી જાય.
એક તબ્બકે જયારે કારમી ગરીબીનું નિરૂપણ મરાઠી ગદ્યમાં થતું હતું, નર્યો-નિતર્યો વાસ્તવ સાહિત્ય સ્વરૂપોમાં નિરુપાતો હતો. આ એક સામાજિક પ્રતિબિંબ હતું. એ વંચાય, પ્રસ્તુત પણ લાગે પણ જયારે આ વાસ્તવને સિનેમા કળા ઝીલે છે ત્યારે એનો પડઘો તીવ્ર નથી પડતો, દર્શકો પૈસા ખર્ચીને જલ્દી જોવા તૈયાર નથી માટે આવે વખતે સાહિત્ય સ્વરૂપ પાસે બહોળો વાચક વર્ગ છે પણ સિનેમા પાસે સિમિત દર્શકો છે. વાસ્તવનું આવું નિરૂપણ મોટો દર્શકવર્ગ પચાવી શકતો નથી.
એક ઇન્ડિયા જે શાઈનિંગ ઇન્ડિયા છે ને સામે છેડે વંચિતો,ઉપેક્ષિતો, દરિદ્રોથી ખદબદતું ભારત છે એનો ચહેરો વિરૂપ છે. જ્યાં સુધી કળા રૂપાંતરને લાગેવળગે છે ત્યાં સુધી સાહિત્ય સ્વરૂપો જયારે અંતરિયાળ, છેવાડાના ગરીબોની તૂટતી નાડ ને રુંધાતા શ્વાસોશ્વાસનું ભારત નિરૂપે છે ત્યારે તો એ કળા છે પણ સિનેમામાં આ શુદ્ધ કળા નથી ઉધોગ છે, વેપાર છે. એવે સમયે ‘ચક્ર’ જેવા કથાનકોની કળા રૂપાંતરની ઘટના એ હવે સાહસ ગણાય.
જયવંત દળવી ‘ચક્ર’ ૧૯૬૩માં આપે છે જયારે દિગ્દર્શક રવિન્દ્ર ધરમરાજ વર્ષ ૧૯૮૧માં એને કચકડે કંડારે છે. આ વચ્ચેના બે દાયકામાં કોઈ ખાસ સામાજિક ફેરફારો એ રીતે નથી થયા. આર્થિક સમસ્યાઓ અને ખાસ કરીને ભૂખમરો અને ગરીબી કદાચ વધ્યા છે, ઘટ્યા નથી. ભારતના અલગ-અલગ પ્રદેશોની આવી વસાહતો જ્યાં ભૂખ્યાં અભણ લોકોના જ્ઞાતિ-જાતિ વિનાના સમાજો વસે છે. એમની પીડા સમાન છે અને સમાન પીડાથી જોડાયેલો એ સમાજ છે, જેને વર્ગ,જ્ઞાતિ,જાતિ કે બીજા કોઈ વાડાબંધન નથી અને હવે પાછલા વર્ષોમાં આ પ્રકારની ઝુંપડપટ્ટી એ ગુનાઓ અને ગુનાખોરીનું પ્રોડક્શન હાઉસ બની ગયા છે. વંચિત છે, ત્યજાયેલા છે, દુભાયેલા છે, ઉપેક્ષિત છે એની પાસે એક જ રસ્તો છે ગુનાખોરીનો.
આઝાદીના આટલા વર્ષો પછી પણ બિસ્માર રસ્તાઓની જેમ બિસ્માર સમાજો પણ એ જ સ્થિતિમાં છે જે કોઈ મસીહાની પ્રતીક્ષામાં નથી, એને સંઘર્ષ કોઠે પડી ગયો છે.અને એ પોતાનું જીવનજળ પોતે ગોતી લે છે. એ વ્યસન છે, વારાંગના છે અથવા ગુનો કરવાની વૃતિ અને તેની હથોટી છે.
’૭૫ પછી અને ’૮૦ ની આસપાસનો દસકો ‘આર્ટ ફિલ્મસ’નો હતો. બાસુ ચેટર્જી, બાસુ ભટ્ટાચાર્ય અને ઋષિકેશ મુખર્જી જેવા તેનાં સુત્રધાર. આ પ્રકારની સિનેમા ટીકીટબારીને ધ્યાનમાં રાખીને કરવા પડતાં સમીકરણો નહોતા, એક ગીત માટે પહાડના ઢોળાવો પરથી ગબડતાં અને છતાં જેમના વસ્ત્રોમાં એકપણ કરચલી ન પડે એવા નાયક-નાયિકા નહોતા. આ પ્રકારની સિનેમા ટંકશાળ નહિ જ પાડે એનો વિશ્વાસ દિગ્દર્શકોને હતો છતાંપણ આ પ્રકારના સાહસ કરતાં અને આ પ્રકારની સિનેમાનું નામ તે ‘ચક્ર’.
ઝળહળતી પ્રતિભા બળબળતા તાપમાં તપતી હોય છે, દાઝતી હોય છે. ‘ચક્ર’ નવલકથા કચકડે કંડારાય છે, કેમેરાની આંખે ઝિલાય છે ત્યારે આ સાહિત્યિક કૃતિ સિનેમા તરીકે અવતરતા બે દાયકાનો પ્રવાસ ખેડે છે. એક છેડે ‘ચક્ર’ના સર્જક જયવંત દળવી છે તો બીજે છેડે ‘ચક્ર’ના દિગ્દર્શક રવિન્દ્ર ધરમરાજ છે.
૧૯૮૧માં જયારે આ સિનેમા કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ માટે મોકલવામાં આવી, તે વર્ષનો શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કાર સ્મિતા પાટીલ મેળવે ત્યારે દિગ્દર્શક રવિન્દ્ર ધરમરાજની મૃત્યુનોધ, શ્રન્દ્ધાંજલિ પ્રસિદ્ધ થઇ ચુકી હતી. ૩૪ વર્ષનું ટૂંકું આયુષ્ય ભોગવનાર દિગ્દર્શક રવિન્દ્ર ધરમરાજ ‘ચક્ર’ સિનેમાને આટલી આટલી ખ્યાતી અપાવી શકે, સિનેમા સફળ થાય તેના સ્થિત્યાન્તરો કે પડાવો આટલા છે.
રવિન્દ્ર ધરમરાજ સાહિત્ય અને ઇતિહાસના વિધાર્થી એ સમયમાં સામાજિક ચળવળમાં સક્રિય રહી યુવા નેતા તરીકેની સામાજિક, રાજકીય ઓળખ મેળવી ચુક્યા હતા. કૉલેજ કેમ્પસના ડ્રગ કલ્ચરનો એ પણ ભોગ બન્યા. રચનાત્મકતા, સર્જનશીલતા અને સાથોસાથ તંદુરસ્તીનો ભોગ લેવાવો શરુ થઇ ગયો હતો,માર્ક્સવાદની પ્રબળ અસર વિયેતનામની બે મુલાકાત દરમ્યાન એમણે જે ફોટોગ્રાફ્સ અને લેખો તૈયાર કર્યા તેની તેમના ચિત્ત પર ઘેરી અસર પડી.૧૯૬૮ અને ૧૯૭૦ એમ બે વાર વિયેતનામની મુલાકાત પત્રકાર તરીકે,સંવાદદાતા તરીકે લીધી જ્યાં યુદ્ધગ્રસ સમાજની અવદશાનો ચિતાર નજરે નિહાળ્યો.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામાયિક અને વર્તમાનપત્રોમાં આ યુદ્ધના ફોટોગ્રાફ્સ અને લેખો પ્રસિદ્ધ થયા. વિયેતનામનો અનુભવ જીવનપર્યંત એમના આંતરિક જગતને હચમચાવતો રહ્યો. સફળ કારકીર્દી એ પુરાવો છે તેમની બુદ્ધિમત્તા રાજકીય અને સામાજિક જાગતિકતાનો.રવિન્દ્ર ધરમરાજ ‘ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હી’ સાથે જોડાયા, યુનીવર્સિટી ઓફ કેલીફોર્નિયા માંથી ફોર્મલ ટ્રેઇનિંગ કોર્સ ઇન એડવાન્સ ફિલ્મ એન્ડ વિડિઓ ટેકનિકનો કોર્સ કરી પદ્ધતિસરનું આ ક્ષેત્રનું શિક્ષણ મેળવ્યું.અનેક દસ્તાવેજી ચિત્રો, મુંબઈ દુરદર્શન માટે બનાવેલી ફિલ્મસ, એડ ફિલ્મસ વગેરે બનાવતા રવિન્દ્ર ધરમરાજનું ધ્યેય ફીચર ફિલ્મ બનાવવાનું હતું કારણ સોલિલોઇડ લેડનું એમને અજબ આકર્ષણ હતું.૧૯૭૩માં ડેપ્યુટી ફિલ્મ એક્ઝુકેટીવ ફોર લીંટાલ ઇન્ડિયા લીમીટેડ, પ્રખ્યાત એડવરટાજિંગ એજન્સી સાથે કામ કરતાં અહી સિનેમા કળાના માધ્યમની પ્રવીણતા કેળવતા ગયા.એમનો ઉત્સાહ એમની કાર્યદક્ષતા અને પ્રતિબદ્ધતા એ એમની બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિની ઓળખ આપી.તેવો લીન્ટાસ માંથી હિન્દુસ્તાન થોમસ એસોસિયેટ સાથે જોડાયા દ્રશ્યાત્મકતાનું ઊંડાણ અને અદભુત સંકલન કુશળતાએ આગવી ઓળખ આપી અને અહી જન્મ થયો ‘ચક્ર’ સિનેમાનો.
‘ચક્ર’ સાંગોપાંગ રૂપાંતરનો ઉત્તમ નમુનો હોવાનું એક કારણ એ પણ હોઈ શકે કે કદાચ જયવંત દળવી સિનેમાની ઊંડી સુજ-સમજ ધરાવતા હોવાથી એક એક વર્ણનસંકલના કેમેરાથી કંડારે છે, કલમનો વિનિયોગ કેમેરાની જેમ કરે છે.તો સામે પક્ષે દિગ્દર્શક રવિન્દ્ર ધરમરાજની પ્રથમ ફિચર ફિલ્મ છે, તેવો દિગ્દર્શક છે પણ સાથે સાથે તે સાહિત્યના વિધાર્થી છે, પત્રકાર છે, સમાજવાદના પક્ષકાર છે અને એ સામાજિક ચળવળ કે ક્રાંતિમાં ભાગ લે છે,સક્રિય થાય તેવા યુવા નેતા છે.સર્જક જયવંત દળવીની સિનેમા નિર્માણની પ્રક્રિયામાં સીધી સામેલગીરી છે. અહી કલમ કેમેરા સાથે અને કેમેરા કલમ સાથે તાદાત્મ્ય કેળવે છે.
નવલકથાની ભાષા સિનેમાને અનુરૂપ છે. સિનેમામાં સીધી જ ખપમાં લેવાઈ શકે તેમ છે. સમાજના વાસ્તવને સીધો જ ઝીલવો, જે છે તેવું જ દર્શાવવું એ સિનેમાને માફક આવે છે. આમ પ્રકાશિત સાહિત્ય કૃતિ ઉપરથી પ્રદર્શિત થયેલી સિનેમા આ માધ્યમ રૂપાંતરનું ઉત્તમ ઉદાહરણ ‘ચક્ર’ છે.
સંવાદ અને પટકથાનો પ્રશ્ન છે ત્યાં સુધી આ સીધેસીધું રૂપાંતરણ છે, જ્યાં સર્જક જયવંત દળવી એ નમૂનેદાર વર્ણનઆવલીઓ આપી છે એ દિગ્દર્શક રવિન્દ્ર ધરમરાજે કચકડે કંડારી છે.જે બાકી રહી જાય છે તે સીધાં સંવાદો સિનેમાના ખપમાં લેવાયા છે.
‘ચક્ર’ નવલકથામાં જે પ્રકારની ઝૂંપડપટ્ટીનું વર્ણન છે એ આમ તો નવલકથાનું મુખ્ય પાત્ર છે અથવા તો એ વસાહત કે વસ્તી એ આ નવલકથાનો ચહેરો છે.
દેખીતી રીતે આ પ્રકારની ઝૂંપડપટ્ટીએ ‘ચક્ર’ સિનેમાનો નાભિશ્વાસ હોય તો પણ સાચુકલી વસ્તીમાં જઈને ત્યાં સિનેમા બનાવવી એ ઘણું અઘરું કામ છે, કદાચ અશક્ય છે.
સિનેમાની આવશ્યકતા એ હોય કે આ ઝૂંપડપટ્ટી જ્યાં દર્શાવવાની હોય એ જગ્યા શહેરની નજીક હોય,રેલવેના પાટાની નજીક હોય કારણ જયારે દ્રશ્યાંકન માટે વાસ્તવિક જગ્યાઓ પર શુટિંગ શક્ય ન હોય ત્યારે સેટ્સ ઉભા કરતા હોય છે. આરંભના દાયકાઓના દાયકાઓ સુધી તો સિનેમા સ્ટુડીયોઝમાં બંધ હતી.
અહીં રવિન્દ્ર ધરમરાજ નથી સ્ટુડીઓઝમાં જતા કે નથી સેટ્સ ઉભા કરતાં, વાસ્તવિક ઝૂંપડપટ્ટી માં જઈને ફિલ્મ બનાવવી શક્ય ન હોઈ દિગ્દર્શક પોતાની સુઝથી જગ્યા ગોતી લે છે.
આર્ટ ડિરેક્ટર, કલા સંયોજક બંસી ચંદ્રગુપ્ત અને રવિન્દ્ર ધરમરાજ એક મોટી ખુલ્લી જગ્યા શોધે છે, જે The Fertilizer Corporation of India નું પરિસર હતું. બે મહિના માટે ખુલ્લી જગ્યા વાપરવાની પરવાનગી આપે છે, જ્યાં આ ઝૂંપડીપટ્ટી ઉભી કરવામાં આવી. સિનેમાના અંતમાં G.S.F.C એ સાચેજ બુલડોઝર ફેરવ્યા ત્યાં રસ્તો બનાવવા માટે.
ખુલ્લી જગ્યાને જયારે ગંદીગોબરી ઝુંપડપટ્ટી ઉભી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે સ્વાભાવિક રીતે ઝુંપડપટ્ટી સિવાયનો આસપાસનો આખો ખુલ્લો વિસ્તાર એની સઘનતાને થોડી હળવી કરી નાખે, ગીચતા અને ગંદકીની અપેક્ષા છે, ત્યાં લોંગ શોર્ટમાં આવતા દ્રશ્યોનું ખુલ્લાપણું થોડુંઘણું અપ્રીતિકર લાગે છે.
વાસ્તવવાદની તાસીર પ્રમાણે અહીં પણ દિગ્દર્શકે જરૂર લાગી છે ત્યાં કથાને અનુષંગે દ્રશ્યમાં મૂળ અવાજો આમેજ કર્યા છે, જે કથાની સઘનતા અને પાત્રની કરુણતાને તીવ્રતાથી નિરૂપી આપે છે.
પાછલી રાત્ર પછી ફરતી ચેન્ના ચંપલ ઘસડતી ચાલે છે, ત્યારે એના ઘસડાતા ચંપલનો અવાજ એ એનું જીવન પણ ઢસડી રહી છે.મોડી રાત્રે બિમાર લૂકા પોતાને માટે દવા લેવા જાય ત્યારે કૂતરાના રડવાનો અવાજ, તમરાના બોલવાનો અવાજ.બેનવા અમલી સાથે છે મોડી રાત્રે બોલતા તમરા અંત તરફ જતાં ઝુંપડપટ્ટી તૂટે ત્યારે ફરતા બૂલડોઝરનો અવાજ, ચાલવાનો અવાજ ( લોકના) નળમાંથી પડતા પાણીના ટીપાંનો અવાજ, કોગળા કરે ત્યારે તેનો અવાજ, કચરો વળાતો હોય ત્યારેસાવરણાનો અવાજ, ઉલ્ટીનો અવાજ, સીટીઓ મારતો રઘુરામા, બિમાર લૂકા ઘસડાઇને ચાલે, રાત્રે ચેન્ના પણ પગ ઘસડતી ચાલે જે એના થાકને વ્યક્ત કરે, મરઘાને બોલાવવા માટે મોં માંથી કાઢતા અવાજો આ વાસ્તવિક અવાજોનો વિનિયોગ દિગ્દર્શક કરે છે.
આમ વિવિધ અવાજો ‘ચક્ર’ના વાસ્તવને રચી આપે છે. અંધકારથી આરંભાતુ દ્રશ્ય અને કાંટાળા તારો પાછળથી ઉગતો સૂર્ય આ એકથી વધુ વખત રૂપક તરીકે ઉપયોગમાં લેવાયા છે.
કથાતંતુ, પાત્રવરણી, દ્રશ્યસંકલના, ( એડીટિંગ ) દ્રશ્યાત્મકતા, ( સિનેમેટોગ્રાફી ) ધ્વનિ, પ્રકાશ, કથાને અનુરૂપ પદ્ય – ગીત –સંગીત આરંભ અને અંત આ દરેક તબક્કે નવલકથા અને સિનેમાનો સૂર એક જ રહ્યો છે એટલે કે ‘ચક્ર’ માં કલમ અને કેમેરાની સર્જનાત્મક એકાત્મકતા સાંગોપાંગ જળવાઈ છે.
સંદર્ભ સૂચિ :
- (૧) નવલકથા : સ્વરૂપ અને વૈવિધ્ય, સંપાદન : શિરીષ પંચાલ. અરુણોદય પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, જુલાઈ, ૨૦૧૪
- (૨) ફિલ્મ દર્શન, ડૉ. યાસીન દલાલ. પ્રવીણ પુસ્તક ભંડાર, પ્રથમ આવૃત્તિ, ઓગષ્ટ, ૧૯૮૪
- (૩) ભારતીય સાહિત્ય કોશ (હિન્દી) ખંડ-૩, મીમાંસક અને સંપાદક : ડૉ. સુરેશ ગૌતમ. સહાયક સંપાદક : ડૉ. વીણા ગૌતમ સંજય પ્રકાશન, દિલ્હી.
- (૪) રૂપાંતર, અમૃત ગંગર. અરુણોદય પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૪
- (૫) વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મોનો આસ્વાદ, સુભાષ શાહ. નવભારત સાહિત્ય મંદિર, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૮
- (૬) સિનેમા વિમર્શ, અમૃત ગંગર. ગુજરાત સાહિત્ય અકાદમી, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૨
- (૭) સાહિત્ય અને સિનેમામાં ઈતિહાસ, સંપાદક : ધ્વનિલ પારેખ. ગુજરાત વિદ્યાપીઠ,( અમદાવાદ) પ્રથમ આવૃત્તિ, ૨૦૧૨