“કર્ણ–કૃષ્ણ” માં કૃષ્ણનું પાત્રાલેખન


‘કર્ણ-કૃષ્ણ’ ઉમાશંકર જોશીનું પ્રથમ પદ્યનાટક છે. ઈ.સ. ૧૯૪૪માં કવિએ સાત પદ્યનાટકનો સંગ્રહ ‘પ્રાચીના’ પ્રગટ કર્યો. તેમાં ડિસેમ્બર ૧૯૩૯માં રચાયેલું ‘કર્ણ-કૃષ્ણ’ મહાભારતનાં કથાનક પર આધારિત છે.
આ કૃતિનું વસ્તુ મહાભારતનાં ઉદ્યોગપર્વમાંના કર્ણોપનિવાદપર્વમાંથી લેવામાં આવ્યું છે. ઉમાશંકર જોશીએ આ કૃતિમાં દુર્યોધન સાથેની વિષ્ટિમાં શ્રીકૃષ્ણ નિષ્ફળ નીવડ્યા પછી પાછા ફરતાં કર્ણને પાંડવ-પક્ષે આવી જવાનું સમજાવવા પોતાના રથમાં બેસાડે છે – એ ક્ષણ લીધી છે. આ ક્ષણ સ્વાભાવિક રીતે સંવાદની ક્ષણ છે. રચનાના આરંભે જ રથમાં બિરાજમાન કર્ણ અને કૃષ્ણ જોવા મળે છે, અને જ્યાં કર્ણ રથમાંથી નીચે ઊતરે છે ત્યાં રચના પણ પૂરી થાય છે.
કૃતિનો આરંભ કર્ણની ઉક્તિથી થાય છે. કર્ણ-કૃષ્ણમાં કેન્દ્રસ્થાને કર્ણનું પાત્ર છે. કર્ણના પાત્રે અને ચારિત્રે આપણા અનેક કવિઓને આકર્ષ્યા છે. પણ મહાભારતના આ પ્રસંગને ઉમાશંકર જોશીએ નવી-કેમકે પોતાની- દષ્ટિથી જોયો છે. અને કવિએ આલેખવા ધારેલા કર્ણના પાત્ર અને તેનાં જીવનના રહસ્યને સારો ઉઠાવ આપે છે કૃષ્ણનું પાત્ર. કૃષ્ણ જ કર્ણના પાત્રને ઊઘડવાની – વિકસવાની તક આપે છે. કૃષ્ણ વિશિષ્ટ અર્થમાં કર્ણ માટે ઉદ્દીપન વિભાવ જેવા બની રહે છે. કર્ણનો વ્યષ્ટિ-સમષ્ટિધર્મના એક અણનમ યોદ્ધા તરીકેનો સાક્ષાત્કાર કરાવવામાં જે રીતે કૃષ્ણ નિમિત્ત બને છે એ તો એમની વિશિષ્ટ કળા – કૃષ્ણલીલા છે !
ગુજરાતી સાહિત્યમાં મોટેભાગે કૃષ્ણની બાળલીલા, દાણલીલા, રાસલીલાનું આલેખન થયેલું જોવા મળે છે. તેમાં નટખટ, તોફાની, નંદલાલ, ગોપીનાથ કૃષ્ણનું સ્વરૂપ પ્રત્યક્ષ થાય છે. સંવાદ પણ બહુધા કૃષ્ણ અને ગોપીઓ વચ્ચેના નિરૂપાયા છે. પરંતુ ઉમાશંકર જોશીએ આ કાવ્યમાં કૃષ્ણનું બીજું જ સ્વરૂપ પ્રગટ કર્યું છે. એ સ્વરૂપ છે ધર્મપ્રાણ કૃષ્ણનું સ્વરૂપ. રસપ્રાણ એવા રસેશ્વર કૃષ્ણથી જુદા જ પૂર્ણ પુરુષોત્તમ, ધર્મગોપ્તા કૃષ્ણ અહીં પ્રત્યક્ષ થાય છે. આ સમગ્ર કૃતિમાં કર્ણ સાથેના સંવાદમાં કૃષ્ણ એક ચતુર આલાપક તરીકે પ્રગટ થાય છે.
અનિચ્છા છતાં કર્ણ કૃષ્ણના આગ્રહને વશ થઈને રથમાં બેઠો જણાય છે. જેમ મહાભારતકારે તેમ ઉમાશંકર જોશીએ પણ કર્ણની ઉદાત્તતા કૃષ્ણ સાથેના સંવાદમાં ઉપસાવવામાં ઔચિત્ય દર્શાવ્યું છે. કવિએ કર્ણમુખે કૃષ્ણ માટે પદ્મની અસરકારક ઉપમા પ્રયોજી છે. કર્ણકૃષ્ણનું એક રથમાં હોવું કેવું વિચિત્ર છે – તે સૂચવવાને જ સૂર્ય હસતો ન હોય જાણે ! જેમ સૂર્ય અને સોમ સાથે સાથે ન શોભે તેમ કૌરવ-પાંડવ પક્ષના બે ‘પ્રવીરો’ કૃષ્ણ અને પોતે એક રથમાં સાથે ન શોભે એમ જણાવતો કર્ણ કૃષ્ણને રથ થોભાવવા વિનંતી કરે છે :-

“આજ્ઞા કરો, કૃષ્ણ ઉતારવા મને
ક્ષણેક થંભે રથ, દો અનુજ્ઞા,”

ત્યારે કૃષ્ણ કર્ણને સમજાવવા – પાંડવપક્ષમાં ખેંચવા હજુયે પ્રયત્ન કરવા માંગે છે. તેથી કૃષ્ણ કર્ણની –

“આર્યાવર્તે આણ જેની યશસ્વી,
એવા મહારાજ – “

એ ઉક્તિની સાથે પોતાની ઉક્તિ જોડી સંવાદને પોતાને ઈષ્ટ એવી દિશામાં ખેંચી જાય છે કર્ણ – એવા મહારાજ – કહી ‘દુર્યોધન’ બોલે તે પહેલાં જ કૃષ્ણ ચતુરાઈથી

“- ની ધર્મરાજને
આજે ભલી રીતથી ભેટ છો થતી,
ધર્મધ્વજાળા શિબિરે પાંડવોના.”

- એમ કહી કર્ણનું ‘મહારાજ’ તરીકે સૂચન કરી, યુધિષ્ઠિર સાથેના તેના નૈકટ્યને ઉપસાવી આપે છે. અહીં નાટ્યગત પતાકાયોજનાનો લાભ કવિએ લીધો જણાય છે. કૃષ્ણ કુશળતાથી – મનોવૈજ્ઞાનિક ઢબે કર્ણના ચિત્તમાં કૌરવોને બદલે પાંડવો પ્રત્યે પક્ષપાત જગાવવા મથે છે. કૃષ્ણ પાંડવોની ‘પ્રીતિપ્રતીક્ષા’ નો નિર્દેશ કરે છે, કૌરવોના સહવાસને કારાગાર-નિવાસ જેવો વર્ણવે છે. વળી ‘શસ્ત્રે તેવો શાસ્ત્રમાંયે પ્રવીણ’ એમ કહી કર્ણની પ્રશંસા કરતાં કરતાં હળવેથી ‘કુન્તીજાયો પાટવીપુત્ર કર્ણ’ એમ કહી કર્ણના જન્મરહસ્યનો સ્ફોટ પણ કરી આપે છે. આમ, કૃષ્ણ કર્ણને પ્રથમ એના જન્મની સાચી હકીકત – ‘કુન્તીજાયો પાટવી પુત્ર કર્ણ’ – કહે છે. પણ તેર વર્ષો સુધી પોતે માતાને યાદ ન આવ્યો, એક જ નગર હસ્તિનાપુરમાં વસતાં છતાં એ કર્ણને – ‘એ ભારતે અદભુત માપ ધર્મનું !’ – લાગે છે. માતાએ પોતાનો ત્યાગ કર્યો એ ઘટનાથી હ્રદયમાં ભારે વેદના અનુભવતો કર્ણ ધર્મગોપ્તા કૃષ્ણને આમ –

“અપૂર્વ આશ્વર્ય ન એ શું કૃષ્ણ ?
એ ભારતે અદભુત માપ ધર્મનું !”

મર્મવચન ઠીક સંભળાવે છે ત્યારે કૃષ્ણ પરોક્ષ રીતે કર્ણને કુંતીનો આ રહસ્યસ્ફોટ કરતાં જે ક્ષોભલજ્જા નડે તેનું સૂચન કરે છે. કૃષ્ણ કર્ણને કુંતાના તેના માટેના ઊંડા સ્નેહની પ્રતીતિ આપવા અર્જુન - કર્ણની સ્પર્ધા વખતે તે મૂર્છાવશ થઈ હતી એ વાતની યાદ આપે છે ને ત્યાં કર્ણનું હ્રદય ફરીથી હાલી ઊઠે છે. કર્ણ કૃષ્ણને ભાવપૂર્ણ વાણી નહિ પ્રેરવા વીનવે છે. કુંતીએ કર્ણનો ત્યાગ કર્યો તે માત્ર પંડને જ કલંકથી બચાવવા માટે નહિ, પરંતુ કર્ણને પણ કલંકથી બચાવવા માટે – એ વાત કૃષ્ણ કર્ણને સમજાવે છે. કૃષ્ણ કર્ણને અબોલ શિશુનો ત્યાગ કરતી માતાના હ્રદયની વેદનાની કલ્પના કરવા જણાવે છે. કૃષ્ણ કર્ણને કહે છે :

“એ ક્રોધ, એ ચિત્તનું કાલકૂટ,
સંતોનું એ પેય પીયૂષ પુણ્ય,
પી જા, પી જા, કર્ણ, એ રોષ પી જા !
જણનારાંના, કર્ણ, બે દોષ પી જા !”

– આ શબ્દોમાં કૃષ્ણનો આર્તસ્વર કેવો વરતાઈ આવે છે ! કૃષ્ણ કુંતીનું લોહી, કુંતીનો ચહેરોમહોરો એનામાં ઊતર્યાનું જણાવી, યુધિષ્ઠિરાદિ સાથેની તેની સાહજિક ઘનિષ્ઠતાને ઉપસાવવા મથે છે, ને એમ કરતાં કર્ણ ભરી સભામાં એકાકિની દ્રુપદાત્મજાને જે કુવાક્યો સુણાવતો હતો તે પ્રસંગની યાદ આપે છે. કર્ણ દ્રૌપદીની યાદે વધુ ઉશ્કેરાય છે. ‘અભિજાત કન્યા’, ‘અભિજાત અર્જુન’ એમ કહી પોતાની કટુતા કર્ણ ઠાલવે છે. ત્યારે કૃષ્ણ દ્રૌપદી ને અર્જુન તરફનાં અસૂયા ને રોષને કુંતી તરફ – જેની તરફ કર્ણને ઊંડે ઊંડી પ્રીતિ છે. – વાળી લેવા મથે છે. ને એમ કરતાં દ્રૌપદી જે પહેલાં ન મળી તે હવે જયારે કર્ણ કૌન્તેય કે પાંડવ તરીકે પ્રગટ થશે ત્યારે તો અધિકારપૂર્વક તે પણ દ્રૌપદીના પાંડવલગ્નનો ભાગીદાર બનશે ને એમ દ્રૌપદીને પણ પામશે એ બતાવે છે. આમ, રાજનીતિજ્ઞ કૃષ્ણ બીજો દાવ અજમાવે છે. કર્ણને જ્યેષ્ઠ પાંડવ તરીકે ભારતના સામ્રાજ્યપદની, અંગરાજને બદલે ભારતસમ્રાટ થવાની તેમ જ તે જ કારણે દ્રોપદીના ભર્તા થઈને તેનાથી સેવાવાની તકની લાલચ આપે છે :

“ક્રમેક્રમે તેવી જ સેવશે સુખે
એ પંચના અગ્રજ જ્યેષ્ઠ કર્ણને.”

મૂળ મહાભારતની કૃષ્ણની આ ઉક્તિ – ‘ષષ્ઠે ચ ત્વાં તથા કાલે દ્રૌપદ્યુપમિષ્યતિ.’ ૫, ૧૩૮, ૧૫. – ને ઉમાશંકર જોશીએ વધુ કલાત્મક રીતે અહીં ઉપયોગમાં લીધી છે. રામપ્રસાદ બક્ષી કૃષ્ણની આ ઉક્તિમાં સૂક્ષ્મ રીતે ઔચિત્યનો ભંગ જુએ છે. (‘ગુજરાતી’, ૨૪, ફેબ્રુઆરી, ૧૯૫૨, પૃ.૧૪૯ ) કૃષ્ણનો સફળ પ્રયત્ન એક દષ્ટિએ કૃષ્ણને એના સ્વધર્મમાંથી ચ્યુત કરાવનારોય લાગે, પરંતુ આવે વખતે ઔચિત્યના આગ્રહોમાંય વિવેક કરવાનો રહે. કૃષ્ણ છેવટે તો ધર્મપક્ષે હોવાથી જ પાંડવપક્ષને જિતાડવા મથે છે ને એમ કરતાં ક્યારેક ચાહીને વ્યાવહારિક ભૂમિકાએ કંઇક બાંધછોડ જેવું પણ કરી લેતા હોય છે. તેથી જ કૃષ્ણના કાર્યનું ઔચિત્ય તપાસતાં એક બાજુ આદર્શ ધર્મની વિભાવના, અને ધર્મને વ્યાવહારિક ભૂમિકાએ અવતારવામાં જરૂરી દક્ષતા – એ બેયનો યુગપત્ રીતે વિચાર કરવાનો રહે. કર્ણ કૃષ્ણના આ પ્રલોભનને સ્વીકારતો નથી. આ લાલચને પણ કર્ણ ઠોકર મારે છે. એને મતે

“એકીસાથે દ્રૌપદીને ન શોભે
ભર્તાસ્થાને કર્ણ ને – ને કિરીટી.”

અને અર્જુન સાથે એકવાર તો તે લડી લેવા માગે છે. કર્ણ અર્જુન સાથે યુદ્ધ કરવા દઢસંકલ્પ છે અને તેથી કૃષ્ણ ‘અહો ! જનોની ચિર યુદ્ધશ્રદ્ધા !’ – એવો ઉદગાર કાઢે છે. કૃષ્ણની ધર્મ-શ્રદ્ધા દઢ છે. આથી ન હારતાં કૃષ્ણ ભેદનીતિ અજમાવે છે. મહાભારતકારે કૃષ્ણ દ્વારા સામ, દામ, અને દંડનો વિનિયોગ કરેલો તો ઉમાશંકર જોશીએ એમાં ચોથો ઉપાય ભેદ ઉમેર્યો છે. ભેદના ઉપાયરૂપે કૃષ્ણ કર્ણને ભીષ્મે તેનો તિરસ્કાર કર્યાની ઘટનાની યાદ આપે છે. કૃષ્ણ કર્ણને ‘મહારથી’ શબ્દથી સંબોધી, ભૂતકાળમાં દ્રોણ, ભીષ્મ જેવાથી તેની જે અવમાનના થયેલી તેની યાદ આપે છે અને એ રીતે ભેદના ઉપાયથી ભીષ્મથી કર્ણને છૂટો પાડવા મથે છે. ‘અર્ધરથી’ કહીને એનું અપમાન કરનાર કૌરવસેનાના અધિપતિ-ગાંગેય-ભીષ્મના હાથ નીચે રહી એ યુદ્ધ માણશે એ વાતની યાદ આપી કૃષ્ણ ટકોર કરે છે અને આમ કૌરવસેનાપતિએ કરેલા અપમાનના બહાના હેઠળ કૃષ્ણ કર્ણને કૌરવપક્ષમાંથી અલગ કરવા મથે છે; પણ આ ટકોરનો જવાબ ધનુષ્યની પણછના ટંકાર જેવો જ કર્ણ તરફથી આવે છે :

“હું કૌરવોમાં રહી કૌરવોની
ગાંગેયથીયે કરું ઝાઝી રક્ષા,
છે એ જ પ્રત્યુત્તર ભીષ્મયોગ્ય,
અને ન કે આજ બનું હું પાંડવ.”

કૃષ્ણનો એ પ્રયત્ન પણ નિષ્ફળ જાય છે. એ પ્રયત્ન કર્ણને હીણા કુલ અંગેની પોતાની પરિસ્થિતિ પ્રત્યે સભાન કરે છે. કર્ણ કુજ્ન્મના કલંકને ભૂંસી નાખવા માગે છે. એ માટે એ કર્ણ રહીને ભીષ્મથીયે અદકું પરાક્રમ કરી પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા મથે છે.
પછી થાકીને કૃષ્ણ એને ટોણાં મારે છે. ઘા ઉપર ઘા લગાવે છે. કૃષ્ણ કર્ણની સંકલ્પદઢતા જુએ છે, એની સ્વત્વ માટેની સજાગતા જુએ છે. એની વ્યક્તિત્વનિષ્ઠા સામે કૃષ્ણ સમષ્ટિનો પ્રશ્ન ખડો કરે છે. તેઓ કર્ણને કહે છે :

‘તું વ્યક્તિ આડે ન જુએ સમષ્ટિને.’

કર્ણ આ અભિપ્રાયનો સચોટ રીતે પ્રતિકાર કરતાં કહે છે કે –

‘સમષ્ટિના સત્યનું હુંય રશ્મિ.
મનુષ્ય જે જન્મ થકી દુભાયાં
તેનું રચું ઉજ્જ્વલ ભાવિ આજ હું.’

કર્ણ કુજન્મના કલંકને ભૂંસી નાખવા માગે છે. એ માટે એને ‘પાંડવ’ થવું મંજૂર નથી. કર્ણ પોતાના સ્વત્વસ્થાપન માટેના સંકલ્પમાં સમષ્ટિહિત પણ જુએ છે. મુત્સદ્દી કૃષ્ણ છેલ્લી નીતિ – દંડનીતિ અજમાવે છે :

“ પ્રિય, ત્યાં રણાંગણે
ન ચાલશે દ્યુતસભાનું કૂડ,
પાસાની આડાઅવળી ભૂંડી કળા,
પ્રત્યુત્તરો જ્યાં શરથી શરોના.”

ભાવની અહીં પરાકાષ્ઠા આવે છે. કર્ણ-કૃષ્ણના વાગ્યુદ્ધને શોભે તેમ સંવાદ પણ અહીં એના ઉચ્ચતમ સ્થાને ઔચિત્યથી સભર છે. પણ કર્ણ બહુ જ શાંતિથી, ઊંડાઊંડા ભાવભર્યા મનથી, આજન્મ યોદ્ધાને શોભે તેવા આત્મવિશ્વાસથી કૃષ્ણની ઉપરની ધમકીનો જવાબ આપી દે છે :

“એ ભીતિ ના દંડની હોય કર્ણને.
એ ભીતિ ? કે જીવનલ્હાણ ભવ્ય ?”

આમ કૃષ્ણ કર્ણને પાંડવપક્ષે લેવા સામ, દામ, ભેદ અને દંડ – એમ ચારે નીતિદાવ અજમાવી જુએ છે, પણ કર્ણ ઉપર એકેની કૃષ્ણધારી અસર થતી નથી. પરંતુ કૃતિના અંતે કૃષ્ણ કર્ણને રથમાંથી નીચે ઉતારી ભિન્ન માર્ગે સરતાં, કર્ણને ભારત મહારથ ખોટકાઈને થંભી ગયાનો અનુભવ થાય છે :

“થંભી ઊભો ભારતનો મહારથ
શો ખોટકાઈ અહીં કારમો ! ... અરે !’

કર્ણની આ સ્વગતોક્તિમાં જ કૃષ્ણના પાત્રની – ચારિત્રની મહત્તા બહુ જ કલાત્મકતાથી ઉમાંશંકર જોશીએ વ્યક્ત કરી લીધી છે અને એ પણ કર્ણમુખે !
મૂળ મહાભારતમાં પણ કર્ણ કૃષ્ણની સમજાવટને અનુકૂળ ન થતાં પોતાની દુર્યોધન માટેની નિમકહલાલી, પોતાનાં કુટુંબીજનો પ્રત્યેની સ્નેહનિષ્ઠા, યુધિષ્ઠિરાદિ પ્રત્યેની સન્માનબુદ્ધિ વગેરેને સાહજિક રીતે પ્રગટ કરે છે. કર્ણ કદાચ કૃષ્ણની ચતુરાઈ – મુત્સદીગીરી ને તે સાથે સાથે ઉદાત્ત ધર્મનિષ્ઠા – ઉભય સમજતો જણાય છે. તેથી કૃષ્ણની સમજાવટ કર્ણના શીલની કસોટીરૂપ જણાય છે અને કૃષ્ણની સમગ્ર સંવાદમાં તેથી જ એકંદરે તો પીછેહઠ દેખાય છે. એ પીછેહઠ સત્યોપકારક – સત્યનિષ્ઠ હોઈને જ કૃષ્ણના પાત્રને વધુ લાભકારક બની રહે છે. કૃષ્ણનો સામ, દામ, દંડ અને ભેદાદિ ઉપાયો દ્વારા કર્ણને પાંડવપક્ષમાં લાવવાનો પ્રયત્ન પણ કદાચ કર્ણને અપમાનભરી સ્થિતિમાંથી આમ તો ઉગારનારો છે, પણ તે પુરુષાર્થબળે નહિ પણ જન્મના અકસ્માતબળે; ને તેથી જ પ્રવીર, ધર્મજ્ઞ, શસ્ત્રજ્ઞ અને શાસ્ત્રજ્ઞ એવા કર્ણને એવો કૃષ્ણપ્રયત્ન માન્ય ન હોય એ દેખીતું છે.
કૃષ્ણના મુખે કવિ મુત્સદ્દીની અદાથી શોભે એવી દલીલો મૂકે છે. કર્ણના સંકલ્પના કોટને તોડવાના – ડગાવવાના કૃષ્ણના એકાગ્ર પ્રયત્નો સમગ્ર કૃતિમાં રસપ્રદ રીતે નિરૂપાયેલા છે ને એ સામે કર્ણની અડગતા વધુ ને વધુ પ્રતીત થતી જાય છે. કૃષ્ણ લોભ, લાલચ, થોડીક ધમકી, થોડું મદને ઉત્તેજન આપવા જેવું કરે છે. કાવ્યના અંતમાં કૃષ્ણની વિદાય લઈ, એમનાથી વિખૂટો પડતો કર્ણ છેલ્લે

‘ને જગ જોઈને આ
હસી રહ્યો અંબરગોખ સૂર્ય.’

એમ કહી વિરમે છે. અહીં સૂર્યનું – કર્ણપિતાનું હાસ્ય અર્થપૂર્ણ બની રહે છે.
ઉમાશંકર જોશીનું પ્રથમ પદ્યનાટક ‘કર્ણ-કૃષ્ણ’ તેમાંના સફળ પાત્રાલેખનને કારણે તથા તેમાં ગૂંથાયેલી ભાવનાને લીધે આકર્ષક છે. વિષ્ટિમાં નિષ્ફળ શ્રીકૃષ્ણ કર્ણને પોતાના રથમાં બેસાડીને તેને પાંડવોને પક્ષે મોવડી થવા સમજાવે છે; પરંતુ સ્વમાનશીલ અને સ્વત્વનો આગ્રહી કર્ણ જન્મ નહીં પણ પૌરુષ જ સન્માન પામે એ સિદ્ધાંતને જીવી બતાવવા, વિનાશ આવે તોપણ ભલે એમ ગણીને એ સમજાવટને સ્વીકારતો નથી. અણનમ કર્ણના પાત્રના રંગરેખા સમગ્ર કાવ્યને પ્રભાવિત કરે છે. કૃષ્ણ એ આગ્રહી મહારથીના હ્રદયને આર્દ્ર કરી શકે છે, પણ અંતે એની બુદ્ધિને નિશ્વલ જ અનુભવે છે. રાજ, સ્ત્રી, પ્રતિષ્ઠા કોઈ વાત તેને ખેંચી શકતી નથી. એના શૌર્યની પ્રશસ્તિ પણ એને એના પથ પરથી દૂર લઈ જઈ શકે તેમ નથી.
‘કર્ણ-કૃષ્ણ’માં કૃષ્ણ રાજનીતિજ્ઞ, ચતુર, મુત્સદી, ધર્મજ્ઞ, ધીરવીર, ધીરોદાત્ત અને પાંડવોના હિતેચ્છુ છે.

સંદર્ભગ્રંથો :

  1. 1. ‘પ્રાચીના’ – ઉમાશંકર જોશી
  2. 2.‘ઉમાશંકરનો વાગ્વૈભવ’ ખંડ : ૧ – ચંદ્રકાન્ત શેઠ
  3. 3.‘અવલોકન’ – રમણ કોઠારી
  4. 4.‘અન્વય’ – હસિત બૂચ
  5. 5.‘તપાસ અને તારતમ્ય’ – પરમ પાઠક

પ્રા. બીના ડી. પંડ્યા, એસોસિએટ પ્રોફેસર (ગુજરાતી), ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ, ડૉ. યાજ્ઞિક રોડ, રાજકોટ. beenapandyaom@gmail.com