સાહિત્યમાં નારીસમાજદર્શન
પ્રસ્તાવના
ભારતની પ્રાચીન સામાજિક પરંપરામાં સ્ત્રી-પુરુષને એકસમાન સ્થાન આપવામાં આવ્યું હતું. ‘यत्र नार्यस्तु पुज्यन्ते, रमन्ते तत्र देवताः’ જેવી નારીપ્રેત્યની ઉચ્ચકોટિની ભાવના સાહિત્યમાં અને સમાજમાં પ્રતિષ્ઠિત થયેલી જોવા મળે છે. પરંતુ સમયાન્તરે નારીનું સ્થાન નીચું જતું ગયું. જીવનમાં સ્ત્રીનું સ્થાન ગૌણ, ઊતરતું લેખવામાં આવ્યું. ક્યારેક સ્ત્રી પ્રત્યેનાં કેટલાંક રૂઢિગત, સામાજિક-સંસ્કૃતિગત વલણોને કારણે પણ એના નીચા દરજ્જાને –માત્ર ઉપભોગની વસ્તુ તરીકે-એને ચીતરવામાં આવી છે; એણે નારીત્વની સંતૃપ્તિ જાણે સ્નેહાળ પતિ પામવામાં, બાળકોની માતા બનવામાં, સુંદર ગ્રહ-ગ્રહસ્થીમાં સ્વીકારી લેવાની હોય છે. નારીની આ પરિસ્થિતિ વિશે અનિલા દલાલ નોંધે છે:
“....સાહિત્યમાં કેન્દ્રસ્થાને રહેલું નારીનું નિરૂપણ, પછી તે ભારતીય સાહિત્ય હોય કે વિદેશી હોય, ઘણુંખરું નારીને ઊંચે સ્થાને બેસાડે છે; દેવી કે શક્તિ કહી પૂજે છે; તેનાં ચરિત્રાલેખન દ્વારા એક આદર્શ મૂર્તિને અંકિત કરે છે; પણ પુરુષ સર્જકે કરેલું આ આલેખન સાચા અર્થમાં નારીને નિષ્ક્રિયતાની મૂર્તિમાં ફેરવી દે છે. એની તરલતા, સક્રિયતા, વ્યક્તિતાને આદર્શના અંચળા હેઠળ ઢાંકી, એના અહમને કહેવા ખાતર થોડો પોષી એને પરાધીનતા અર્પે છે; અપેક્ષાઓ ઊભી કરી પરોક્ષ રીતે તેનું શોષણ કરે છે.”
સાહિત્યમાં નારીસમાજનું આલેખન :-
પાશ્ચાત્ય સાહિત્યની વાત કરીએ તો, સ્ત્રીની ભૂમિકા, અધિકારો અને સ્ત્રીસ્વાતંત્ર્યની ચર્ચા ૧૮૬૯માં પ્રગટ થયેલા J.s. Mill ના પુસ્તક “The subjection of woman”માં પ્રથમવાર વિસ્તૃત ભૂમિકાએથી કરવામાં આવી. નારીવાદની વિચારધારાનો પ્રથમ ઉન્મેષ આ પુસ્તકથી થયો હોવાનું મનાય છે. ત્યાર પછીની અર્ધી સદી બાદ વર્જિનિયા વુલ્ફ ‘A Room of one’s own’માં ૧૯૨૯માં સ્ત્રીની મનોદશા અને તેની સામાજિક સ્થિતિ વિશે ગંભીર પયેષણા કરે છે. આ જ વર્ષે ફ્રેન્ચ લેખિકા સીમોન દ બુવા ‘The Second Sex’માં નારીના સામાજિક-સાંસ્કૃતિક અભિજ્ઞાનની ચર્ચા છેડે છે. સમાન્તરે, અમેરિકન લેખિકા મેરી એલમેન થીંકીગ અબાઉટ વીમેનમાં પુરુષસર્જકો દ્વારા કરાયેલા નારીના ચરિત્રચિત્રણની ચર્ચા વડે સાહિત્યમાં નારીના સ્થાનાંકનનો પ્રશ્ન છેડે છે. ભારતીય સાહિત્યમાં નારીવાદી વલણ પછીના વર્ષોમાં પ્રગટે છે પણ ધીરે ધીરે.
ભારતીય સાહિત્યમાં નારીવાદસમાજનાં નિરૂપણ વિશે વાત કરીએ તો, નારીવાદી વિચારધારા કથાસાહિત્યમાં વિશેષતઃ નવલકથાઓમાં વ્યાપક રીતે જોવા મળે છે તેથી અહીં ભારતીય સાહિત્યની, ભારતની અંગ્રેજી સહિતની ભાષાઓની નવલકથાઓને ધ્યાનમાં રાખીને વાત કરીએ. ભારતમાં લખાતા અંગ્રેજી સાહિત્યની વાત કરીએ તો કમલા માર્કન્ડેયની કેટલીક નવલકાથાઓમાં નારીવાદી વિચારધારા સૌ પ્રથમવાર જોવા મળે છે. જોકે કમલા માર્કન્ડેય સંપૂર્ણપણે નારીવાદી કહી શકાય એવા લેખિકા નથી તેમ છતાં ‘અ સાઈલન્સ ઑફ ડિઝાયર’, ‘અ હેન્ડફૂલ ઑફ રાઈસ’ જેવી તેમની નવલકથાઓ મહત્ત્વપૂર્ણ કહી શકાય તેવી છે. રૂથ નીબવાલા ૧૯૫૮માં પ્રગટ થયેલી તમની નવલકથા ‘એસ્મોન્ડ ઈન ઇન્ડિયા’માં લગ્નજીવનને સ્પર્શતા પ્રશ્નો ચર્ચે છે. નયનતારા સહગલ તેમની ‘The Day in shadeow’ નવલકથામાં પોતાના અંગત જીવનની છૂટાછેડાની ઘટનાને બિનંગત સ્તરે આલેખે છે ત્યારે તેમાં નારીવાદી વલણ પ્રગટતું જણાય છે. શશી દેશપાંડેની નવલકથાઓમાં ઉચ્ચ મધ્યમવર્ગની નારી દ્રશ્યમાન થયા છે અને ‘ધ ડાર્ક હોલ્ડસનો ટેરર’ જેવી તેમની કૃતિ તથા ‘ધેટ લોંગ સાઈલન્સ’ નવલકથા તેમના નારીવાદી દ્રષ્ટિકોણને પ્રસ્તુત કરે છે. અનિતા દેસાઈ ‘ક્રાઈ ધ પીકોક’ અને ‘ક્લીનર લાઈટ ઑફ ડે’ નવલકથાઓમાં પોતાનો સ્ત્રીજીવન વિશેનો દ્રષ્ટિકોણ રજૂ કરે છે. ઇંડીયન ઈંગ્લિંશ લેખકોમાંના અત્યંત મહત્ત્વપૂર્ણ લેખક મુલ્કકાજ આનંદ ‘ધ મોર્નિંગ ફેસ’ અને ‘ગૌરી’ નવલકથાઓમાં નારીવાદી વિચારધારા સાથે કામ કરે છે. તારા અલી બેગ ‘મૂન ઈન રાહુ’ નવલકથામાં ફેમિનિસ્ટ થીમ લઈને આવે છે તો ગીતા હરિહરન ‘ધ થાઉઝન્ડ ફેસીઝ ઑફ નાઈટ’માં નારીવાદી વિચારધારા અનુસ્યૂત કરે છે. બેલિન્દર ધનોઆ ‘વેઈટીંગ ફૉર વિન્ટર’માં આ વિચારધારા-વાદને લઈને કામ કરે છે. ભારતી મુકરજી ‘વાઈફ’ નવલકથામાં તથા આર. ડબલ્યુ. દેસાઈ ‘ફ્રઈલ્ટો’, ‘ધાય નેમ ઈઝ વુમન’માં નારીવાદી વિચારધારાને કથાત્મક-કળાત્મક રૂપ આપે છે. રાજી નરસિંહનું તેમની ૧૯૭૯માં પ્રગટ થયેલી ‘Forever Free’ નવલકથામાં નારીવાદની વિચારણા અલગ પ્રકારે રજૂ કરે છે. જેમાં નાયિકા શ્રી લગ્નજીવનથી દુઃખી હોવાને કારણે તેથા પતિના શંકાશીલ સ્વભાવને કારણે લગ્નવિચ્છેદ પામે છે અને પોતાની જાતને મુક્ત સમજે છે. ઉમા વાસુદેવ તેમની ૧૯૭૮માં પ્રકાશિત નવલકથા ‘ધ સોંગ ફોર અનસૂયા’ની નાયિકા અનસૂયાને પુરુષોની જેમ જ, પોતાની પ્રગતિ માટે પુરુષોનો સીડી તરીકે ઉપયોગ કરતી વર્ણવે છે. તો રમા મહેતા તેમની ૧૯૭૭માં પ્રગટ થયેલી નવલકથા ‘ઈનસાઈડ ધ હવેલી’માં એક એવી નાયિકાની વાત કરે છે જે મુંબઈમાં રહે છે અને રાજસ્થાની પરિવારની પુત્રવધૂ બને છે જ્યાં તે તેના પતિને ક્યારેય દિવસ દરમ્યાન મળી જ શકતી નથી પરંતુ ગીતા પોતાની કાબેલિયત અને સૂઝસમજથી પોતાના શ્વસુરપક્ષની વિચારસરણીમાં પરિવર્તન લાવે છે. કિરન નગરકર પોતાની ‘કુકોલ્ડ’ નામની અકાદમી પુરસ્કૃત નવલકથામાં મીરાંની મિથ દ્વારા અને કૃષ્ણ-મીરાંના પાત્રોનું માનવીયકરણ કરીને નારીની સહજ સ્વાભાવિક પ્રણયપિપાસાનું હૃદયગંમ નિરૂપણ હળવાશભરી શૈલીમાં કરે છે. ભવાની ભટ્ટાચાર્યની નવલકથા ‘So many hungers’ની નાયિકા કાજોલી જીવનની સમસ્યાઓ-સંઘર્ષો સામે બાથ ભીડતી બહાદુર નાયિકા છે. કોલકત્તાના એક કૂટણખાનામાં તેને વેચી દેવામાં આવે છે ત્યાંથી તે પોતાની જાત બચાવીને નીકળી જાય છે અને છાપાં વેચીને ગુજરાન ચલાવવાની હિંમત પણ તેનામાં છે.
હિન્દી સાહિત્યમાં નારીવાદી નવલકથાઓની વાત કરીએ તો, હિન્દી ભારતની રાષ્ટ્રભાષા અને સંખ્યાબંધ રાજ્યોની રાજ્યભાષા છે અને હિન્દી સાહિત્ય એક વિરાટ ફલક પર ફેલાયેલું છે. હિન્દી કથાસાહિત્યની કેટલીક નારીવાદી કૃતિઓની વાત કરીએ તો સુરેન્દ્ર વર્માની અકાદમી પુરસ્કૃત નવલકથા ‘મુઝે ચાંદ ચાહિયે’ આ પ્રકારની કૃતિ છે. જેની નાયિકા યશોદા શર્મા ઉર્ફે સિલબિલ પોતાના નામ અને અટકની સામે જ વિદ્રોહ નોંધાવે છે. ક્રિશ્ના સોબતીની ‘મિત્રો મરજીની’ નવલકથા પણ નારીવાદની વિચારધારા અલગ તરહથી પ્રસ્તુત કરતી કૃતિ છે. મૈત્રેયી પુષ્પા ‘અલ્પા કબૂતરી’માં આદિવાસી કબીલાની કન્થા અલ્પાના જીવનની ઘટનાઓ નિરૂપે છે. મન્નુ ભંડારી, શિવાની, ક્ષમા શર્મા, નાસિરા શર્મા ઇત્યાદિની નવલકથાઓમાં નારીસમાજનું નિરૂપણ થયેલું જોવા મળે છે.
પ્રદેશગત ભાષાસાહિત્યની વાત કરીએ તો જ્ઞાનપીઠ પુરસ્કૃત અસમિયા લેખિકા ઇન્દિરા ગૌસ્વામી ‘છિન્નમસ્તા’ અને ‘ચેનાબર સ્રોતા’ જેવી નવલકથાઓમાં નારીવાદી વિચારણાને આલેખે છે. ઓરિયા લેખિકા પ્રતિભા રાય ‘દ્રોપદી’ નવલકથા નારીવાદને સૂક્ષ્મસંપત ઢબે વણી લે છે તો ઊમિજી લેખિકા શિવશંકરની વાર્તાઓમાં નારીનાં વિવિધ રૂપો જોવા મળે છે. ‘ખાના ઠંડા હો રહા હે’ સંગ્રહની વાર્તાઓમાં તેમણે કરેલી તમિળ ગ્રામીણી નારીની જીવનની યાતનાઓની ગવેષણા વિચારપ્રેરક બની રહે છે. સુનીલ ગંગોપાધ્યાયની ‘ચણણ્યેર દિનરાત્રિ’ નવલકથામાં સ્ત્રીવિમર્શ ધ્યાનાર્હ છે.
ગુજરાતી સાહિત્યની નવલકથાની વાત કરીએ તો ગુજરાતી ભાષાની સૌથી ચર્ચાસ્પદ નવલકથા ‘સાત પગલાં આકાશમાં’ વિષાથી માંડી વિષય સુધીના મુદ્દાને લઈને ચર્ચાસ્પદ બનેલી કૃતિ છે. કુંદનિકા કાપડિયાની આ નવલકથાની નાયિકા વસુધા એક સુંદર, બુદ્ધિશાળી મહિલા છે. જેનો જીવનવ્યાપાર મુંબઈ, આનંદગ્રામ અને હિમાલય સુધી વિસ્તરે છે. કથાના અંતે ૫૦ વર્ષની વયે, સંતાનો સ્થાયી થઈ જાય છે ત્યારે વસુધા ગૃહત્યાગ કરવાનું નક્કી કરે છે. પોતાનું ઘર અને પરિવાર છોડીને આનંદગ્રામમાં જતી રહેલી વસુધા ત્યાં મોટો પરિવાર મેળવે છે. સ્ત્રીપુરુષ સમાનતાની અને નારીમુક્તિની જિકર કરતી આ નવલકથા ખાસ્સી ચર્ચાસ્પદ બની હોવા છતાં તેના સાહિત્યિક મૂલ્ય અને ગુણવત્તા અંગે પણ એટલી જ ચર્ચાઓ થઈ છે.
બિંદુ ભટ્ટની નવલકથા ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ પણ નારીવાદી નવલકથા છે. નાયિકા મીરાં યાજ્ઞિક દ્વારા લખાયેલી ડાયરીના સ્વરૂપની આ નવલકથા નાયિકા મીરાં કોઢ ધરાવતી એક એવી નાયિકા છે જે સજાતીય સંબંધ ધરાવે છે. આ કથામાં પણ સ્ત્રીની જાતીયતાથી માંડીને એકલતા અને માનસિકતા જેવા પ્રશ્નો છેડાયા છે પણ તેનો વ્યાપ સીમિત હોવાથી અહીં કશી ઠોસ વિચારણા પ્રાપ્ત થતી નથી.
ધીરુબહેન પટેલ ‘આંધળી ગલી’ લઘુનવલમાં ઢળતી યુવાવસ્થામાં પહોંચી ગયેલી નાયિકા કુંદનની કરુણગંભીર કથા આપે છે. પોતાના ભાડુઆત પરેશ-શુભાંગીનું સુખી દામ્પત્યજીવન જોઈને તથા શુભાંગીના પ્રયાસ-પ્રેરણાથી કુંદન પણ ઢળતી વયે લગ્ન કરવાનું વિચારે છે પણ એને જ્યારે જાણ થાય છે કે પોતાના ઉછેર માટે વિધુર રહેલા પિતાને પણ એક સ્ત્રી સાથે સંબંધ હતો ત્યારે તેને પિતાએ પોતાની સાથે જાણે વંચના કરી હોય એવી પ્રતીતિ થાય છે અને પરેશના સહકર્મી પારેખ સાથે લગભગ નક્કી થવા આવેલા સંબંધને ઠુકરાવી દઈ, અપરણિત, એકલા રહેવાનું સ્વીકારે છે. આ જ લેખિકા ‘વડવાનલ’માં રેખા નામની નાયિકાની વણસંતોષાયેલી ઇચ્છાઓ અને કામનાઓની વાત, તેની યાતના અને વેદના-સંવેદનાની વાત વિસ્તારથી કરે છે. ધીરુબહેનની ‘શીમળાનાં ફૂલ’ તથા ‘કાંદબરીની મા’ નવલો પણ નારીવાદની સૂક્ષ્મ અસર લઈને આવે છે.
સરોજ પાઠક ‘મારો અસબાબ’ તથા ‘સારિકા પિંજરસ્થા’ જેવી વાર્તાઓ અને ‘નાઈટમેર’ તથા ‘મન નામે મહાસાગર’ નવલોમાં નારીવાદની વિચારણા લઈને આવે છે. સરોજ પાઠક અને ધીરુબહેન પટેલની નવલકથાઓમાં પ્રગટતો નારીવાદ અનાક્રમક, વિનીત છે અને તેમની નવલકથાની નાયિકાઓ વિદ્રોહ કરવાને બદલે યથાસ્થિતિ સ્વીકારીને ચાલવાનું પસંદ કરે છે, ‘સાત પગલાં આકાશમાં’ની વસુધાની જેમ ગૃહત્યાગ જેવું પગલું ભાગ્યે જ ભરે છે. સરોજ પાઠકની ટૂંકી વાર્તાની જેમ જ ધીરુબહેન પટેલની કેટલીક ટૂંકી વાર્તાઓમાં પણ ભાવો વિનીત નારીવાદ પ્રગટતો જોઈ શકાય છે. ગુજરાતી ભાષાની કેટલીક ટૂંકી વાર્તાઓમાં માય ડિયર જયુની ‘અલ્પા પીછાણ’માં નારીવાદી વલણ જોવા મળે છે જેમાં બે જોડિયા બહેનો ગાયત્રી અને સાવિત્રીમાંની એક બહેન સાવિત્રી પોતાના સ્વતંત્ર અભિજ્ઞાન માટે પ્રયાસ કરે છે તો આ જ લેખકની ‘ઇત્સેનાઉટ્સ’ વાર્તાની નાયિકા જસુમતિ પણ જીવનભર પોતે ભોગવેલી કજોડાની પીડા પુત્રીને ન ભોગવવી પડે એવી ભાવનાથી પુત્રી સોનિયાના લગભગ નક્કી થઈ ચૂકેલા સગપણને અટકાવી દે છે. મોહન પરમારની ‘કુંભી’ પણ આ પ્રકારે તપાસવી જોવા જેવી વાર્તા છે. તો, કીરીટ દૂધાતના વાર્તાસંગ્રહ ‘બાપાની પીપર’ની ‘બાયુ’ વાર્તા પણ નારીવાદનો વામણો આક્રોશ રજૂ કરે છે.
આ ઉપરાંત ઈલા આરબ મહેતાની ‘વિસ્તાર’, નવલકથા વર્ષા અડાલજાની ‘શીરો’, રમેશ દવેની ‘શબવત્’, હર્ષદ ત્રિવેદીની ‘આઢ’, મોહન પરમારની ‘થળી’ વગેરે કૃતિઓ સાહિત્યમાં નારીસમાજદર્શન સંદર્ભે તપાસવી જોઈએ.
સંદર્ભગ્રંથ :
- 1. નારી-વિમર્શ. અનિલા દલાલ, શબ્દસૃષ્ટિઃ નવેમ્બર-ડિસેમ્બર-૨૦૦૨, પૃ.૨૩૩-૨૩૪
- 2. સં. ચૌધરી રઘુવીર,પારિભાષિક કોશ. પ્રથમ આવૃત્તિ-૧૯૬૮, પ્રકાશક-ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ. પૃ. ૮૯