Sahityasetu
A leterary e-journal

ISSN: 2249-2372

Year-3, Issue-6, Continuous issue-18, November-December 2013

પુસ્તક સમીક્ષા- 'દુહો દશમો વેદ'

લોકસાહિત્યના સ્વરૂપોનો જયારે વિચાર કરીએ ત્યારે તેમાં સૌથી વધારે લોકપ્રિય સ્વરૂપ તરીકે દુહાનો ઉલ્લેખ કરવો રહયો, કારણ કે દુહાની દુનિયા સંસાર જેટલી વિશાળ છે. સંસારના તમામ ભાવસંવેદનો દુહામાં પડધાય છે. આથી જ જયમલ્લ પરમારે દુહાનું મહત્વ બતાવતા લખ્યું, ' દુહો પોતાના મલમલી દુપટ્ટાથી પ્રેમીઓનાં દિલને જેટલી સહજતાથી ડોલાયમાન કરે છે, એટલી જ સહજતાથી વૈરાગ્યનો ભગવો નેજો લહેરાવે છે, તો વીરરસને દુહો જેવો ચગાવણહાર બીજો એકેય પ્રકાર આપણને  સાંપડતો નથી, શૌર્યના ઉછરંગ, સમરજાદ શૃંગાર અને મસ્ત પ્રણયની બરછિયુંના મીઠા ઘા મારતો આવે, ઋતુએાની  લીલાના અણસારે ચિત્રો ઉઠાવતો આવે, પ્રમત કે મુરઝાઈ ગયેલા હૈયાને આટલી મોકળાશ એકેય કાવ્યપ્રકારે નથી આપી. એમાં ગુંજન પણ છે ને ગહેકાટ પણ છે. એનો પમરાટ સીધો પ્રાણને સ્પર્શે છે. એની હલકમાં જેટલી મધુરતા છે  એટલું જ દર્દીલાપણું છે. એનો કરુણ –ઢંગ તો કલેજા-વિંધણ હોય છે. વાર્તાઓ અને કથાગીતોને  તે આ દુહાએ જ જીવતાં રાખ્યાં છે.'' દુહામાં સંસારના તમામ ભાવો આલેખન પામ્યાં છે. વ્યકિતગત પ્રણય, દર્દની ઊંડી લાગણી બિરદાવલીઓ, ઋતુસૌદર્ય, પ્રદેશસૌદર્ય, વ્યકિતગત ખમીર, બોધ- ઉપદેશ જીવનના તમામ ક્ષત્રોમાં દુહો ફરી વળ્યો છે. દુહાથી પરિચિત ન હોય એવી ભાગ્યે જ કોઈ વ્યકિત આપણને મળે ટૂંકમાં લોકસાહિત્યમાં સૌથી નિરાળું અને ઠાવકું સાહિત્ય સ્વરૂપ દુહાનું છે.

ગુજરાતી લોકસાહિત્ય સંપાદનમાં દુહાના એક કરતા અનેક સંપાદનો થયા છે. કયારેક દુહાઓ લોકવાર્તાના પ્રાણ તરીકે વાર્તામાં વચ્ચે - વચ્ચે ગૂંથાતાં આવતા તો કયારેક દુહાબધ્ધ ગીતકથાઓ પણ મળતી રહી છે તો એની સાથે નગદ(સંપૂર્ણ) દુહાના પુસ્તકો કહેવાય એવા સંપાદનો પણ પ્રાપ્ત થતાં રહયાં છે. એમા સૈાથી અગત્યનું સંપાદન આપણે જયમલ્લ પરમાર પાસેથી 'દુહો દશમો વેદ' ર૦૦૪માં મળે છે એનો ઈતિહાસ પણ તપાસવા જેવો છે. ગુજરાતી લોકસાહિત્ય સંપાદનમાં 'ઊર્મિ નવરચના' સામાયિકનો ફાળો સારો એવો રહયો છે. ઈ.સ. ૧૯૩૦ના એપ્રિલમાં કરાંચીથી 'ઊર્મિ ' નામનું સામાયિક શરૂ થયું , ગુજરાતમાં આવ્યું, 'નવરચના' સાથે જોડાયું. ઇ. સ.૧૯૪પ થી મેઘાણીના લેખો 'ઊર્મિ નવરચના'માં પ્રગટ થવા લાગ્યાં. ઈ.સ. ૧૯૬૭ થી જયમલ્લ પરમારે 'ઊર્મિ નવરચના'નું સંપાદન સંભાળ્યું ત્યારથી તેનો જોક લોકસાહિત્ય તરફ વિશેષ રહયો. 'ઊર્મિ નવરચના'નો આયુષ્યકાળ ૬૧ વર્ષનો. છેલ્લા અંક પરનો ક્રમાંક ૭૩ર હતો. આટલી લાંબી સફરમાં 'ઊર્મિ નવરચના'એ ભાષા, બોલી, સાહિત્ય, સંસ્કાર, ઈતિહાસ, ધર્મ, તત્વજ્ઞાન, પુરાતત્વ, સંસ્કૃતિ, વિવિધકલાઓ, લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય, લોકસંગીત, લોકનૃત્યો, લોકનાટય, લોકગીતો, લગ્નગીતો, શિલાલેખો, પાળિયાઓ, હસ્તપ્રતોમાં દટાયેલી સામગ્રી, લોકકંઠે સચવાયેલી  લોકવિદ્યાના અંશો, સતી, શૂરા, સંતોના ચરિત્રો, ઐતિહાસિક તથ્યો, સમકાલીન સાંસ્કૃતિક જીવન પ્રવાહો, એમ લોકસંસ્કૃતિ, લોકજીવન, લોકસાહિત્યના અનેકવિધ પાસાંઓ ઉપર તલસ્પર્શી અભ્યાસપૂર્ણ સંશોધન, અધ્યયન કરતું આગવું સામાયિક બની ગયું હતું.

જયમલ્લ પરમારે 'ઊર્મિ નવરચના'ને ર૪ વર્ષ સંભાળ્યું. આ સમયગાળા દરમ્યાન આપણે જુદા જુદા વિષયના જે વિશેષાંકો મળ્યા – લોકવાર્તાઅંક, લોકસાહિત્યઅંક, સિંહઅંક, અશ્વઅંક, ભરતકંડારઅંક, નારીઅંક, નદીઅંક, ધર્મ સાધનાઅંક, ખાંભી-પાળિયાઅંક, દુહાઅંક, વનપ્રવેશઅંક, સંત સાહિત્ય અંક, જેવા ૧૮ વિશેષાંકો મળ્યા.

ઈ.સ. ૧૯૭૮નો ઓકટોમ્બર નવેમ્બરનો સંયુકત અંક 'દુહો દશમો વેદ' પ્રગટ થયો. દુહાને ચૈાતરફથી કડારવાનો  પ્રયાસ આ અંકે કર્યો. 'ઊર્મિ નવરચના' ના ૧૮૬૭ થી ૧૯૯૧ સુધીના ર૪ વર્ષો દરમ્યાન પ્રસિદ્ઘ થયેલી સામગ્રીનુ સંપાદન - સમાર્જન અને વર્ગીકરણ કરીને પુસ્તક રૂપે મૂકવાની કામગીરી શરૂ થઈ તેના ફળ સ્વરૂપ ૧૯૯ર થી ર૦૦૪ માં ૩૩ પુસ્તકોનું પ્રકાશન થયું તેમા ૩૩મું પુસ્તક એટલે 'દુહો દશમો વેદ' એ રીતે જોતા 'દુહો દશમો વેદ'  એ 'ઊર્મિ નવરચના'ની દેણ ગણી શકાય.

'દુહો દશમો વેદ'ના સંપાદન માટે જેટલી જવાબદારી જયમલ્લ પરમારે ઉઠાવી એટલી જ જવાબદારી રાજુલ દવેએ સંકલન માટે ઉઠાવી છે. પુસ્તક પ્રગટ થયું છે પ્રવિણ પુસ્તક ભંડાર રાજકોટમાંથી. પાકા પૂઠામાં, ડેમી સાઈઝમાં ૭૦૪ પેઈઝમાં, ૪૧૦૦ જેટલા દુહાઓનું સંકલન થયું છે. મુખપૃષ્ઠ પર મૂકાયેલ દુહાગીરનું ચિત્ર પુસ્તકના ભાવાર્થ ઉપસાવી આપે છે: ઢોલિયા પર હાથમાં  હોકો લઈને બેઠેલો દુહાગીર અને તેને હોકારો આપતા અને બિરદાવતા ડાયરાનું ચિત્ર પુસ્તકના ભાવાર્થ સુધી આપણે લઈ જાય છે. પુસ્તક ખોલતા જયમલ્લ પરમારની કલમે લખાયેલો દુહાનો મિતભાષી પરિચય મળે છે. ત્યાર પછી નરોત્તમ પલાણની અને નિરંજન રાજયગુરૂના અભિવાદન પત્રો મૂકાયા છે. 'દુહા વિશેનો લઘુ વિશ્વકોષ' અંતર્ગત કે.કા.શાસ્ત્રી, અનંતરાય રાવળ, હીરાબેન પાઠક, જશવંત શેખડીવાલા, દુલેરાય કારાણી, ખોડીદાસ પરમાર, જોરાવરસિંહ જાદવ, ભોગીલા સાંડેસરા જેવા બહુશ્રુત વિદ્વાનોની કલમે લખાયેલા અભિવાદન પત્રો મૂકાયેલા છે.

૧૦પ પ્રકરણોમાં લગભગ ૪૧૦૦ દુહાઓ અને ૭પ છકડિયા પુસ્તકમાં સંગ્રહાયા છે. 'દુહો દશમો વેદ'ના અભ્યાસની સરળતા ખાતર આપણે તેની સામગ્રીને નીચે પ્રમાણે વિભાજિત કરી શકીએ.

          (૧) દુહાના સ્વરૂપની સમીક્ષા કરતા સમીક્ષાત્મક લેખો.
          (ર) દુહાની અન્ય સામગ્રી સાથે નિકટતાની સમીક્ષા કરતા અભ્યાસ લેખો.
          (૩) વ્યકિત વિશેના દુહાઓ.
          (૪) માનવજીવનના દુહાઓ.
          (પ) પ્રકૃતિ જગતના દુહાઓ.
પ્રસ્તુત મુદાઓ વિશે વિગતે વિચાર કરીએ.

૧) દુહાના સ્વરૂપની સમીક્ષ કરતા સમીક્ષાત્મક લેખો:-

ગુજરાતનું દુહા સાહિત્ય, લોકસાહિત્યમાં દુહો, દુહાના મૂળ,  દોહા સાહિત્યની પ્રાચીન પરંપરા આ ચાર લેખમાં દુહાના સ્વરૂપને કંડારવાનો પ્રયત્ન થયો છે. 'લોકસાહિત્યમાં દુહો' - જયમલ્લ પરમાર,  'દુહાના મૂળ' - કે.કા. શાસ્ત્રી, 'દોહા સાહિત્યની પ્રાચીન પરંપરા' - હરિવલ્લભ ભાયાણી આ ત્રણેય અભ્યાસ લેખોમાં દુહાની વ્યુત્પત્તિને તપાસવાનો પ્રયાસ થયો છે. 'લોકસાહિત્યમાં દુહો' - લેખમાં જયમલ્લ પરમારે દુહાના ભાવ પ્રમાણે પ્રકારો બતાવ્યાં છે. 'ગુજરાતી ચારણી સાહિત્યમાં દુહા: પ્રકાર, રસ અને અલંકાર'માં રતુદાન રોહડિયાએ દુહાના પ્રકારોની સદ્રષ્ટાંત સમીક્ષા કરી છે. 'દુહો દશમો વેદ'માં દુહાના સ્વરૂપની સમીક્ષ કરતા આ ચાર લેખો જ આપણે પ્રાપ્ત થાય છે. 'પ્રાચીન ગુજરાતી દુહા' - ભોગીલાલ સાંડેસરાનો લેખ તો સાવ આડે રસ્તે જ ચડી  ગયેલો લાગે એ થોડી નિરાશ  કરે એવી બાબત પણ ખરી.

ર) દુહાની અન્ય સામગ્રી સાથે નિકટતાની સમીક્ષા કરતા અભ્યાસ લેખો :

કોઈએક સાહિત્ય સ્વરૂપ અંગેનો જયારે વિશેષઅંક તૈયાર થતો હોય ત્યારે આપણી એવી અપેક્ષા રહે કે જે વિષયને તપાસવાનો હોય તેની આસપાસનું સુંદર નકશી કામ કરવામાં આવે જેથી કરીને એક સંપૂર્ણ સંદર્ભગ્રંથ આપણને પ્રાપ્ત થાય. 'દુહો દશમો વેદ'માં આપણી આવી અપેક્ષા સંતોષાતી નથી. દુહા જેવા સાહિત્યસ્વરૂપને સાહિત્યના અન્ય માધ્યમો સાથે તપાસવામાં આવ્યો નથી. 'ગુજરાતી ચારણી સાહિત્યમાં દુહા: પ્રકાર, રસ અને અલંકાર', 'ગુજરાતી કવિતામાં દુહો : શિલ્પ અને સર્જન', 'દુહામાં પ્રદેશ લક્ષણો', 'દુહામાં ગુજરાતના પરંપરાગત પ્રદેશો' આ લેખોમાં દુહાને અન્ય સ્વરૂપો સાથે તપાસવાનો પ્રયત્ન થયો છે.

આ સિવાય દુહામાં અલંકાર, રસ, ધ્વનિ, વક્રોકિત, કલ્પન, પુરાકલ્પન, પ્રતીક, દુહાનું શબ્દભંડોળ જેવા મુદાઓ પર સારું એવું કામ થઈ શકયું હોત પણ એવું કશું જ આપણે 'દુહો દશમો વેદ'માં પ્રાપ્ત થતું નથી એ  'દુહો દશમો વેદ'ની મર્યાદા ગણી શકાય.

૩) વ્યકિત વિશેના દુહાઓ :-

'દુહો દશમો વેદ'માં વ્યકિત વિશેના દુહા મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે જેમ કે દાદવાના દુહા, લાખા ફૂલાણીના દુહા, મેનાજીની સાખીઓ, મેહ અને ઉજળીના દુહા, મેહ અને ઉજળીના અપ્રગટ દુહા, દુહા લાખા ફૂલાણીના,ઢોલામારૂના,બાનરાના અને અન્ય, દુહા શામળાના, વિંઝરાના દુહા, આણંદ - કરમાણંદના દુહા, નાગડાના દુહા વગેરેમાં જે તે વ્યકિત વિશેના દુહાઓ પ્રાપ્ત થાય છે.

૪) માનવજીવનના દુહાઓ :-

'દુહો દશમો વેદ'માં જીવનના અનેક પાસાઓને સ્પર્શતા દુહાઓ મળે છે. માનવજીવનની પ્રત્યેક ક્ષાણોને દુહાએ પોતામાં સમાવી છે. જીવનનો એકપણ ખૂણો એવો નથી જેમાં દુહાએ અજવાળું ન પાથર્યું  હોય. વિધિના હાથે વિખાય જતા માનવજીવન પર દુહાએ આસું સાર્યા છે તો મનની અદભુત કલ્પનાઓને પણ દુહાએ પોતાનામાં સમાવી છે. 'દુહો દશમો વેદ'માં જીવનના તમામ અંશોના દુહાઓ મળે છે જેમ કે દુહાનીતિ અને અનીતિના, બોધના દુહા, દુહા પ્રણયના, વિષાદ અને વિરહના દુહા, જીવન અને મૃત્યુના દુહા, જોબન અને જરાના દુહા, દુહામાં નારી, ખાંભી પાળિયાના દુહા, દુહા માનવ સ્વભાવના, દુહા જીવનના રંગના, વીરરસના દુહા, ગૂઢાર્થના દુહા જેવા પ્રકરણો અંતર્ગત દુહાઓ મળે છે.

પ) પ્રકૃતિ જગતના દુહાઓ :-

આપણી આસપાસની પ્રકૃતિ હંમેશા આપણા આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. એના રુદ્ર અને રમ્ય સ્વરૂપોને કયાંક ઈશ્વરીય સંકેત સુધી આપણે લઈ જઈએ છે. મનુષ્યની આંખોએ જયાં સૈાંદર્ય અનુભૂતિ કરી તેને પોતાના ચિતમાં હંમેશા સાચવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. વહેતી નદી, વરસતો વરસાદ, ચમકતી વીજળી, વાદળ સાથે વાતો કરતો પર્વત, ઊડતું પંખી, દોડતું હરણ, ત્રાડ પાડતો સિંહ, ટહુકા કરતો મોર આ તમામ સજીવ અને નિર્જીવ તત્વો માણસને હંમેશા પોતાના તરફ આકર્ષિત કરતાં રહયાં છે. સંવેદનશીલ માનવહદયે પણ તેને પોતાની કવિતામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો જ છે.

દુહાઓમાં પણ આ સૈાંદર્યનો ભંડાર ભર્યો છે. 'દુહો દશમો વેદ'માં પણ આ સૈાંદર્યનો ભંડાર ભરેલો પડયો છે. દુહા વર્ષાઋતુના, દુહા દુકાળના, દુહામાં સિંહ, દુહામાં અશ્વ, દુહામાં પક્ષીલક્ષણ, દુહામાં નદીઓ જેવા લેખો અંતર્ગત પ્રકૃતિજગતના દુહા મૂકાયેલા છે.

'દુહો દશમો વેદ'નું એક આકર્ષક અંગ એ પણ છે કે લેખ પ૬માં દુહાના દુહા આપવામાં આવેલ છે. જગતમાં અનેક પ્રકારની કવિતાઓ મળે છે પણ એ કવિતા વિશેની કવિતા તો કયાંય મળતી નથી. દુહો એક એવું સાહિત્ય સ્વરૂપ છે જેમાં દુહા વિશેના પણ દુહા મળે છે. એ દુહાઓ આસ્વાદીએ......

'' કાળોતરો કરડેલ, અવળી રૂંવાડી અંગશું,
દુહાનાં ડંખેલ, ઘેને ઘેઘૂર આંખડી.'' ૧પ
''કામણ કર્યા કમાલ, ખાંભી ખોડી ખળભળે,
પાણા કરે પ્રીતાળ, દુહો અમણા દેશનો.'' ૧૯
''દુહો દસમો વેદ, સમજે તેને સાલે,
વિંયાતલની વણ્ય, વાંઝણી શું જાણે ?'' ર૦
''દુહો ત્યાં જઈ કહીએ, જયાં બેઠા હોય સુજાણ,
અધૂરો પૂરો કરે, પૂરો કરે વખાણ.'' ૦પ

આ દુહાઓમાં દુહાની જ બિરદાવલીઓ ગાવામાં આવી છે, એ જ દુહાની લોકપ્રિયતા બતાવે છે.

'દુહો દશમો વેદ' દ્વારા જયમલ્લ પરમારે ૪૧૦૦ દુહા અને ૩૬ છકડિયા જેવો વિશાળ ભંડાર ભાવક સામે મૂકી આપ્યો એ આપણા લોકસાહિત્યની અમૂલ્ય સેવા ગણી શકાય. ૭૦૪ પેઈઝમાં આ પ્રાપ્ત દુહાઓ કોઈ નાનુંસૂનું કામ નથી. એક વ્યકિત આખી જિંદગી ખરચી નાખે તો પણ કદાચ આટલું સાહિત્ય એકઠું ન કરી શકે એ નિર્વિવાદિત સત્ય છે. એક અભ્યાસી તરીકે જયારે 'દુહો દશમો વેદ' પુસ્તકમાંથી  આપણે પસાર થઈએ ત્યારે પુસ્તકની મર્યાદાઓ પણ આપણી નજરમાં આવ્યાં વગર રહેતી નથી જેમ કે....

  • દુહાના ઐતિહાસિક તપાસ અંગેના એટલે કે દુહાના મૂળ અને કૂળ વિશેના લેખોની સંખ્યા મર્યાદિત છે.
  • દુહાનો સાહિત્યના અન્ય માધ્યમો સાથે તપાસવાનો ઉપક્રમ જણાતો નથી. દુહાને જો રસ, ધ્વનિ, અલંકાર, વક્રોકિત, કલ્પન, પુરાકલ્પન, પ્રતીક સાથે તપાસવાનો પ્રયત્ન કર્યો હોત તો 'દુહો દશમો વેદ' ખરેખર 'દુહો દશમો વેદ' બની રહેત.
  • અમુક લેખો સાવ બિનજરૂરી જણાય છે. દા.ત. 'દુહો દશમો વેદ' -મકરંદ દવેનો લેખ,'દુહામાં ઈતિહાસનું પગેરું' - જયમલ્લ પરમાર, 'મરશિયા' - રાજુલ દવે, 'ચૂડ વિજોગણની ભૂતકથાના છકડિયા' -જયમલ્લ પરમાર વગેરેના લેખોની ઉપકારકતા કેટલી એ પણ એક પ્રશ્ન ખરો !
  • રાજુલ દવે એમ કહે દુહાનું પુનરાવર્તન ટાળવાનો પ્રયત્ન કર્યો છે પણ ખરેખર પુનરાવર્તન તો થયું જ છે જેમ કે 'મેહ અને ઉજળીના દુહા' વરસાદના દુહામાં મુકાયા છે.
  • 'મેહ અને ઉજળી', આણંદ કમાણંદ, શામળો, નામદે નાગવાળો, ઢોલા મારૂ, લાખા ફુલાણીના દુહા, ચૂડ વિજોગણના દુહા 'સોરઠી ગીત કથાઓ'માં મેઘાણીએ આપ્યા જ છે તો ફરી પુનરાવર્તન કરવાનો અર્થ શું ? પુનરાવર્તનમાં પણ કોઈ તાર્કિકતા જણાતી નથી.
  • દુહાના પાઠભેદ, પાઠાંતરો વિશે તો કયાંય માહિતી મળતી જ નથી. જે કામ મેઘાણીએ ગીત કથાઓમાં કર્યું  તેવું અહી તો કયાંય મળતું જ નથી.

આટલી બાબતોની તપાસ પછી 'દુહો દશમો વેદ' વિશે આટલું કહી શકાય કે,'' 'દુહો દશમો વેદ' માં દુહા વિશેની કાચી સામગ્રી વિપુલ પ્રમાણમાં છે, પણ તેમાં વૈજ્ઞાનિક સંશોધનનો પૂરો અભાવ છે. 'દુહો દશમો વેદ' દુહાનો સંદર્ભગ્રંથ નહીં પણ સંગ્રહગ્રંથથી વિશેષ કોઈ મહત્વ ધરાવતો નથી.''

*******************************************************

પ્રા. હરેશભાઈ પી. વરૂ
સરકારી વિનયન, કોલેજ, ભાણવડ
જિ. દેવભૂમિ દ્વારકા