સંસ્કૃત નામ “સૂર્યપુર” પરથી “સુરત” નામનો ઐતિહાસિક અભ્યાસ
વિશ્વ ફલક પર “ડાયમંડ સીટી” ટેક્ષટાઇલ સીટી જેવા ઉપનામોથી તથા કાપડ વ્યાપાર માટે પ્રસિધ્ધ થયેલું વર્તમાન સુરત શહેર ગુજરાતનું ઘરેણું છે. આજે ઉભેલી આ સુરતરૂપી તોતિંગ ઇમારતના ચણતરમાં તેના પાયારૂપી ભાતીગળ ઐતિહાસિક ભૂમિકા અવર્ણનીય છે. ચડતી-પડતીના વારાફેરામાં સુરતે જાહોજલાલી અને બેહાલી એમ બન્ને જોયા છે. આમ છતા, ઘણી એવી ઘટનાઓ જે સુરતની ધરા નાં રંગમંચ ઉપર રચાય હતી તે આજેય ગર્વપ્રદ લાગે છે. જેમ કે , ચોર્યાસી બંદરનો વાવટો સુરતના બંદરે ઉડતો, દુનિયાભરના શાહ સોદાગરો અહીં આવતા, વિદેશી મુસાફરો એ સુરતની મુલાકાત લઇ એના રોમાંચક વર્ણનો કરેલા, મુઘલો સુરતથી આકર્ષાયેલા , શિવાજીએ પણ તેને મન ભરીને લૂંટેલું, આવી મહત્વની ઘટનાઓમાં આપણું મન ધકેલાતું જ જાય પણ ત્યા એકાએક એવો વિચાર પણ પ્રગટ થાય છે, કે “સુરત” એ નામની વ્યુત્પત્તિ કેવી રીતે થઇ હશે? “સુરત” શબ્દનો સંસ્કૃત ભાષા સાથે અનુબંધ શો હશે? તો આવા સમસ્ત પ્રશ્ર્નોના હલ માટે “સુરત”નામને સંસ્કૃત સાહિત્યૈક ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં પ્રમાણભૂત પુરાવાના આધારે અભ્યાસ કરવો અતિ આવશ્યક છે.
સંસ્કૃત તેમજ જૂની ગુજરાતી ભાષામાં લખાયેલા કાવ્ય ગ્રંથો માં પણ “સૂર્યપુત્ર” નામનો ઉલ્લેખ મળે છે. સોળમી સદીના અંત ભાગમાં લખાયેલ હેમવિજયકૃત “વિજય પ્રશસ્તિ” કાવ્યમાં એક કરતાં વધારે વખત “સૂર્યપુર” ના ઉલ્લેખો મળે છે. પ્રસિધ્ધ વિદ્વાન જૈનાચાર્ય શ્રી વિનય વિજયજી મહારાજે તેમના સાધુ જીવન દરમ્યાન ચારેક ચોમાસા સુરત અને રાંદેર માં ગાળ્યા હતા. તેમના આ ચર્તુમાસના નિવાસ દરમ્યાન તેમણે પાંચેક જેટલી કૃતિઓની રચના કરી હતી, તેમાં “સૂર્યપુરચૈત્યપરિપાટી” નામનું ગુજરાતી કાવ્ય પણ રચ્યું હતું. જેના શિર્ષકમાં જ “સૂર્યપુર” નો ઉલ્લેખ તેમણે કર્યો છે. વિનય વિજયે સંસકૃત ભાષામાં રચેલા ખંડકાવ્ય “ઇન્દુદૂતમ્” માં સૂર્યદ્વંગ (સૂર્યનું નગર) અને તરણિનગર (સૂર્યનું નગર) જેવા શબ્દનો પ્રયોગ કર્યો છે. સૂર્યપુરના કાવ્યાત્મક ભાષામાં પ્રયોજેલા રૂપાંતરો જણાય છે.
સંસ્કૃતમાં સૂર્ય માટે “સવિતૃ” શબ્દ પ્રયોજાયેલો છે. સવિતૃ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે.
“સવિતા સર્વસ્ય પ્રસવિતા, અન્ધકારમધ્યાદાગચ્છન પ્રકાશઃ સવિતેતિ કથ્યતે” (ૠગવેદ)
“સુરત” શહેર માટે સૂર્યપુત્ર અને “સુરત” નામનો ઉલ્લેખ પંદરમી સદીના મધ્યભાગથી માંડીને ઓગણીસમી સદીના અંત સુધીના આધારોમાં જાણવા મળે છે. ઉપર્યુક્તબન્ને નામોના ઉલ્લેખ મુખ્યત્વે જૈન ધાતુ પ્રતિમાઓ ઉપરના ઉત્કીર્ણ લેખોમાં સંસ્કૃત કાવ્ય ગ્રંથોમાં તેમજ અર્ધ ઐતિહાસિક એવા જૂની ગુજરાતી, હિન્દી ભાષામાં લખાયેલા કાવ્યોમાં થયેલા છે. “સૂર્યપુર” આમ સૂર્યનુ નગર કે સૂર્યપુત્ર એટલેકે “યમ” નું નગર અર્થથાય છે.
યમ-યમી સંવાદ ૠગવેદમાં ૧૦/૧૦ માં દર્શાવેલ છે. જેમાં યમ-યમીને કહે છે “ગન્ધર્વો અપ્સ્વપ્યા ચ યોષા સા નો નાભિઃ પરમં જામિ તન્નો” અર્થાત્ અંતરિક્ષમાં સ્થિત ગન્ધર્વ, અપ્સરા, આદિત્ય તથા અંતરિક્ષમાં રહેવાવાળી યોષા (સૂર્યસ્ત્રી સરવ્યુ, સૂર્યપત્ની રન્નાદે) આપણા માતા-પિતા છે. તેથી આપણે સહોદર ભાઈ-બહેન છીએ. આમ સૂર્યપુત્રને યમ અને સૂર્યપુત્રી તરીકે તાપી નદી(યમી) ને ગણવામાં આવે છે. અંતરીક્ષમાં રહેવાવાળી યોષા સૂર્યસ્ત્રી (રન્નાદે) માનવામાં આવે છે. તો આના ઉપરથી ફલીત થાય છે કે વર્તમાન રાંદેર (સુરત શહેરનો વિસ્તાર) જેનું નામ રન્નાદે પરથી અપભ્રંશથઈ રાંદેર થયું હશે.
“સૂર્યપુર” શબ્દ પ્રયોગ સૌપ્રથમ વિ. સં. ૧૫૧૩ (ઇ.સ. ૧૪૫૭) ના એક ધાતુ પ્રતિમા લેખમાં જોવા મળે છે. વિ.સં. ૧૫૧૯ (૧૯૬૩) ના એક અન્ય લેખમાં પણ ગાંધી વરસિંગના પુત્રેશ્રી વિમલનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા સંવત ૧૫૧૯માં “સૂર્યપુર” માં કરાવી હોવાનો ઉલ્લેખ મળે છે. સુરતમાં આવેલા ગોડી પાર્શ્ર્વનાથ ના જીનાલયમાં પ્રતિષ્ઠિત શ્રી વિમલનાથના બિંબની પ્રતિષ્ઠા “સૂર્યપુર” વાસી શ્રી માલી જ્ઞાતિના જયંતસિંહ વિ.સ.૧૫૩૯(૧૪૮૩) માં કરાવી હતી એવો ઉલ્લેખ મળ્યો છે. સુરતની નજીકના વિસ્તારમાં જ આવેલા મહુવા ગામના શ્રી વિઘ્નહર પ્રાર્શ્વનાથ જિનાલયમાં પ્રતિષ્ઠિત શ્રી શાંતિનાથની પ્રતિમા ઉપર વિ. સં. ૧૬૪૮ (ઈ.સ. ૧૫૯૨) નો લેખ મળ્યો છે, તેમા પણ સૂર્યપૂર નામનો ઉલ્લેખ થયેલો જાણવા મળે છે.
“સૂર્યપુર” શબ્દ પ્રયોગની સાથે-સાથે વર્તમાન “સૂરત” શહેર માટે “સૂરત”અથવા “સુરત”શબ્દ પણ પંદરમી સદીના મધ્ય ભાગથી પ્રયોજાતો જોવા મળે છે. વિ.સં. ૧૫૧૨ (ઇ.સ. ૧૪૫૬) માં લખાયેલા “કાહ્ નડદેપ્રબંધ” નામના હિન્દી કાવ્યમાં કવિ પદ્મનાભે “સૂરતિ” નગરનો ઉલ્લેખ વર્તમાન સૂરત નગર માટે કર્યો હતો.
આ ઉપરાંત જૈનધાતુ પ્રતિમા લેખોમાં , જૈન અને જૈનેત્તર કવિઓ ની સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં લખાયેલી કૃતિઓમાં અને ફારસી માં લખાયેલા ઈતિહાસ ગ્રંથોમાં “સુરત” શબ્દ ઉચ્ચાર ભેદે પ્રયોજાયેલો જોવા મળે છે. તેમાં “સુરત” , સુરતબિંદીર, સુરત બંદર, સુરતબિંદર, સુરતનગર, સૂરતિ, સુરતિબિંદર, સુરતિન્દર, સુરબિંદર, સુરતિપુર, સુરતિસહિર (શહેર) વગેરે ઉલ્લેખો મળેલ છે.
આમ સુરત માટે વ૫રાતો “સૂર્યપુર” શબ્દ અને તેને મળતા ઐતિહાસિક પ્રમાણભૂતતાની વિશ્વસનીયતાની વાતો કર્યા ૫છી મૂળ શબ્દ “સુરત” ની વ્યત્પત્તિ કેવી રીતે થઇ હશે તે સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રાચીન ભારતીય આર્યભાષા એટલે સંસ્કૃતભાષા. પ્રાચીન ભારતીય આર્યભાષા નો સમગાળો ઇ.સ. પૂ. ૧૫૦૦ થી માંડીને ઇ.સ. પૂ.૫૦૦ સુઘીનો છે. જયારે મઘ્ય ભારતીય આર્યભાષાનો સમય ગાળો ઇ.સ. પૂ.૫૦૦ થી. ઇ.સ. ૧૦૦૦ સુઘીનો છે. ત્યાર૫છી, અર્વાચીન આર્યભાષા નો સમયગાળો ઇ.સ. ૧૦૦૦ ૫છીનો છે.સંસ્કૃતની જે રૂ૫ સમુદ્ધિ છે.તે પ્રાકૃતમાં ઉતરતાં તેમાં કેવા પ્રકારનું ૫રિવર્તન થવા પામ્યુ છે. એની પ્રતીતિ માટે પ્રાચીન ભારતીય આર્યભાષાની ભૂમિકા માંથી મઘ્ય ભારતીય આર્યભાષા ની ભૂમિકા સુઘી થયેલા સ્વરો અને વ્યંજનો ના ૫રિવર્તનો ને જોવાથી આપણાને તેનો ખ્યાલ આવે છે. આમા ભાષા સિઘ્ઘાંત પ્રમાણે સંસ્કૃતમાંથી પ્રાકૃત અને પ્રાકૃતમાંથી ગુજરાતી અને તેમાથી તળ૫દી ભાષા ઉત્પન થાય છે. ઉદાહરણ તરીકે ,
સંસ્કૃત
પ્રાકૃત
ગુજરાતી
તળ૫દી
મુખં
મુહુ
મોં
મોઢું
“સુરત” શબ્દ ની વ્યત્પત્તિ
“સુરત ” શબ્દ મૂળે “સૂર્યપુર” અથવા “સૂરજપુર” ઉપરથી વ્યતત્પન્ન થયો હતો તેવી દ્રઢ માન્યતા પ્રર્વતે છે. ગુરાતના કેટલાંક લબ્ઘ પ્રતિષ્ઠિત વિદ્વાનો એ પણ ઉ૫ર્યુકત માન્યતાને ટેકાનું વલણ દર્શાવ્યું છે. શ્રી ઉમાશંકર જોષી એ શ્રી નંદલાલ ડે ના જીઓગ્રાફિકસડીક્ષનરી એન્ડ મેડિઇવલ ઇ ઈન્ડિયા નો અભિપ્રાય ટાંકીને જણાવ્યું છે કે , “સુરત” મૂળ “સૂર્યપુર” ઉ૫રથી વ્યત્પન્ન થયો છે.
શ્રી ભોગીલાલ સાડેસરા એ પણ “સુરત” નામ સૂર્યપુર> સૂરજપુર >સુરતપુર એ પ્રમાણે વ્યત્પન્ન થયાનું સ્વીકાર્યું છે. આ ઉ૫રાંત ભાષા શાસ્ત્રની દ્રષ્ટી એ જેમની ઉ૫રથી “સુરત” શબ્દ વ્યત્પન્ન થઇ શકે તેવા કેટલા શબ્દો પણ મળે છે. “સૂર્યાવર્ત” , “સૂર્યાત્રા “ અથવા “સૂર્યપત્રન“ વગેરે શબ્દો ઉ૫રથી “સુરત” શબ્દની વ્યત્પત્તિ નીચે મુજબ સરળતાથી સમજી શકાશે.
(૧) સૂર્યાવર્ત – સૂરવત્ત - સૂરત્ત – સુરત
(ર) સૂર્યાત્રા – સુરાત્રા – સુરતા– સુરત
(૩) સૂર્યપત્રન – સૂરવત્તન- સુરત્ત- સુરત
ઉ૫રના ઉદાહરણમાં “સૂર્યાવર્ત” શબ્દ પ્રાચીન અથવા મઘ્યયુગ દરમ્યાન ગુજરાતના અથવા સુરત આસપાસના તાપીકાંઠાના વિસ્તાર માટે પ્રયોજવામાં આવતો પરંતુ આ બાબતે ઇતિહાસકારોમાં મત મતાંતરો છે. અલબત દક્ષિણ ગુજરાત ના તાપી કાંઠાનો વિસ્તાર સંસ્કૃતમાં “ભાનુક્ષેત્ર” શબ્દમળે છે. આ ઉપરાંત જેમા ગુજરાતના શબ્દની વ્યત્પતિ માટે “ગુર્જર + લાટ” એ શબ્દ ઘ્યાનમાં લેવા જેવા છે. અને એ પ્રમાણે સમજાવી શકાય સૂર્ય + લાટ સૂરલાટ – સૂરાત – સુરત આમ ઉપરોકત આઘારો જોતા “સુરત” શહેરનું મૂળનામ “સૂર્યપુર” હતુ એ માન્યતાને સમર્થન મળે છે. અશ્વિન કુમારો , રન્નાદે , ઓખા, સાંઘિયેર , ભાનુસૂતા વગેરે સંસ્કૃત ભાષાના નામો ઘરાવતા સ્થળોની વચ્ચે આવેલુ શહેરે સ્વાભાવિક રીતેજ “સૂર્યપુર” હોવું જોઇએ એ માન્યતા સ્વકારી શકાય એવી છે. અને આજ કારણ થી “સૂર્યપુર” નામની પરંપરા લેખો સાહિત્યકૃતિઓ અને સંસ્કૃત ભાષામાં લાંબા સમય સુઘી ટકી રહી હતી. આમ સંસ્કૃત ભાષામાં રહેલું “સૂર્યપુર” વર્તમાન “સુરત” સાબિત થાય છે. જયારે સુરતને યાદ કરીખે ત્યારે નર્મદ ને કેમ ભૂલી શકાય !
- સંદર્ભ સૂચિ-
(૧) ઋગ્વેદ સંહિતા (યમ યમી સંવાદ ૧૦/૧૦)
(૨) ભાષા: સિઘ્ઘાંત અને વ્યવહાર (ભારત પ્રકાશન પ્રકાશક ભરતભાઇ ચૌઘરી)
(૩) ૧૬ મી સદીનું સુરત – મોહનલાલ વી. મેઘાણી
(૪) સુરત ઇતિહાસ દર્શન ભાગ-૧ સુરત મહાનગર પાલિકા
(૫) કેસરી ચંદ ઝવેરી કૃત સૂર્યપુર નો સુવર્ણયુગ
(૬) સૌરભ વર્ષ ૨૦૦૮-૦૯ (સંપાદક પ્રા.નીતાબેન પટેલ , ધર્મીબેન પટેલ)