અર્વાચીન યુગના આરંભે નર્મદના પ્રશસ્ય પ્રયત્નોથી પશ્ચિમના પભાવ હેઠળ ગદ્યના સ્વરુપોનું અવતરણ ગુજરાતીમાં થયુ: આત્મકથાનુ સ્વરુપ પણ એ રીતે ગુજરાતી ભાષમાં પગલાં માંડે છે. આત્મકથા લખવી અને લોકપ્રિય થવી એવી ઘટના જવલ્લેજ જોવા મળે છે.
નર્મદાશંકર લા.દવેના સંનિષ્ઠ પ્રયત્નોથી ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન યુગની શરુઆત થઇ. ગદ્યમાં નર્મદે અનેક આવિષ્કારો કરી ભોંય ભાંગવાનું કામ કર્યું. વિવેચન, નિબંધ, ઇતિહાસ-લેખનની જેમ આત્મકથા સ્વરુપની શરુઆત પણ નર્મદે પશ્ચિમના પ્રભાવથી કરી. અલબત્ત ગુજરાતી ભાષાની આ પહેલી આત્મકથા ‘મારી હકીકત’ ઘણી મોડી પ્રકાશિત થઇ. એ પછી ગાંધી યુગમાં ગાંધીજીએ લખેલી ‘સત્યના પ્રયોગો’ આત્મકથા, આત્મકથા સાહિત્યના ઇતિહાસમાં સીમાચિહૃન રુપ બની! અને એ રીતે આત્મકથા લેખનની પરંપરા ઊભી થઇ. સાથે અન્ય ભાષાની નોંધપાત્ર આત્મકથાઓના ગુજરાતી અનુવાદો પણ થવા લાગ્યા. મૈત્રેયીદેવી કૃત ‘ન હન્યતે’ અમૃત પ્રીતમ કૃત ‘રેવન્યૂ સ્ટેમ્પ’ કે ર્ડા. અબ્દુલ કલામ રચિત ‘વીંગ્સ ઓફ ફાયર’ જેવી ઉત્તમ આત્મકથાઓ પણ અનુવાદ દ્વારા આપણી ભાષામાં ઉપલબ્ધ બની.
આત્મકથાનું સ્વરુપ આમ તો થોડુંક ઓછું રસપ્રદ ગણાય, પરંતુ ગુજરાતી ભાષાની કેટલીક આત્મકથાઓ એવી રહી કે જે ખૂબ લોકપ્રિય નીવડી. મહાત્મા ગાંધી કૃત ‘સત્યના પ્રયોગો’ એ તો વિશ્વસ્તરે લોકચાહના મેળવી. સ્વભાષામાં સર્જાતી આત્મકથાઓ અને ઇતર ભાષાની અનુદિત આત્મકથા કૃતિઓનો આછો પાતળો પણ સુંદર ઇતિહાસ આપણા ‘માનવીય’ ને સમૃદ્ર કરે છે. આ ઇતિહાસમાં એક બીજું સોનેરી પાનું ઉમેરાય છે ‘અગનપંખ’ થી.
‘અગનપંખ’ એ આદરણીય મહોમય ર્ડા.એ.પી.જે. અબ્દુલ કલામની આત્મકથા " Wings of Fire " નો શ્રી હરેશ ધોળિકયાએ કરેલો સુંદર અનુવાદ છે. હકીકતે તો આ શ્રી અરુણ તિવારીએ રાષ્ટ્રપતિ ર્ડા. કલામ સાથે કરેલા સંવાદોની ચરિત્રકથા છે. જો કે પ્રસ્તાવનામાં શ્રી તિવારી પોતાને ચરિત્રકાર તરીકે ઓળખાવવાનો ઇન્કાર કરે છે. તેમના મતે, ‘‘આ પુસ્તક ભારતના સામાન્ય લોકો માટે લખાયું છે, જેમના માટે ર્ડા. કલામને ઊંડો આદર છે, અને કલામ પોતે પણ તેમાંના એક છે. તેમનામાં સાદામાં સાદા લોકો સાથે તાદાત્મ્ય અનુભવવાની એક આંતરપ્રજ્ઞા છે, જેમની પોતાની સાદાઇ અને આંતર-આધ્યાત્મિકતાની નિશાની છે’’
‘અગનપંખ’ માં ર્ડા. કલામનાં શૈશવના સ્મરણોથી લઇ એમનું શિક્ષણ, કૌટુંબિક જીવન, પ્રકૃતિ સાથેનું એમનું તાદાત્મ્ય, જીવનનો સંઘર્ષ, મિત્રતા, ધર્મ, ઇતિહાસ, વિજ્ઞાન, સાહિત્ય વગેરે જેવાં એમના જીવનનાં વિકાસ સોપાનો અને રસકીય ક્ષેત્રોની વાતો ખૂબ સરળ અને સાલસતાથી થઇ છે. અહીં, અલબત્ત કેન્દ્રમાં 'વિજ્ઞાન' છે. ભારત વર્ષનાં સર્વતોમુખી વિકાસ અને ભારતીય અવકાશ કાર્યક્રમો ક્ષેત્રે ર્ડા. કલામની સંનિષ્ઠ ખેવના અને સંશોધનની કપરી-કર્મઠ-વણથંભી યાત્રાની આ એક અત્યંત આદરણીય ગાથા છે. તેઓ કહે છે, ‘‘વિજ્ઞાન તો એક નાદ (Passion) છે - વચનો અને સંભાવનાઓમાં કદી પૂરી ન થતી યાત્રા છે.’’ પ્રત્યેક ભારતીયને એની સાથે નિસ્બત હોવી ઘટે. આપણી રાષ્ટ્રીયતા અને રાષ્ટ્ર ગૌરવને ઉજાગર કરતી આ કથા ચાર પ્રકરણો-અનુક્રમે ‘તૈયારી’, ‘સર્જન’, ‘પરિણામ’ અને ‘ચિંતન’ માં વિભાજિત થાય છે. પ્રથમ પ્રકરણમાં શ્રી કલામ શૈશવ, ઘર, કુટુંબ, સંબંધીઓ, મિત્રો, અભ્યાસ, ધર્મ, વતન રામેશ્વરમ્ ની આછીપાતળી ભૂગોળ, પ્રકૃતિ, મંદિર, મસ્જિદ, વગેરેનો પોતાનો પ્રગાઢ અનુભવ શબ્દાંકિત કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એમનો રસ અને ઉચ્ચ શિક્ષણ મેળવવાની એમની મનસા, વતન છોડવાની પડેલી ફરજ અને એક નવા જ ઉઘાડ વચ્ચે શરુ થયેલા જીવનની વાતો તેઓ આ પ્રકરણમાં કરે છે.
'HLA' માંથી એરોનોટિકલ ઇજનેર તરીકે સ્નાતક થઇ એરફોર્સમાં જોડાવાની ઉંડી ઇચ્છા બરના આવ્યાનો વસવસો અને નિયતિનો સ્વીકાર કરીને DDT & PC (AIR) માં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટંટ તરીકે કલામ સાહેબ જોડાયા. અહીં પ્રગતિના જોમભર્યા ત્રણ વર્ષ વિતાવી બેંગ્લોરની ‘એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ’ (ADE) નામની સંસ્થામા’ જોડાયા. જેમાં સ્વદેશી હોવરક્રાફટ પ્રોટોટાઇપની ડિઝાઇન બનાવવા ક્ષેત્રે એમણે મેળવેલી સિદ્રિઓની રસપ્રદ વાતો રોમાંચનો અનુભવ કરાવે છે. એ પછી ‘ધ ઇન્ડિયન કમિટી ફોર સ્પેસ રિસર્ચ’ માં (INCOSPAR) રોકેટ ઇજનેર તરીકે જોડાયા એ દરમિયાન ર્ડા. વિક્રમ સારાભાઇ અને અન્ય વિજ્ઞાન ક્ષેત્રનાં ખેરખાંઓ સાથેનો એમના ગાઢ પરિચયની વાત એમણે ‘સર્જન’ નામના બીજા પ્રકરણમાં કરી છે. ભારતીય વિજ્ઞાન સંસ્થાઓની મુશ્કેલીઓ અને ખૂબીઓને વિવેકપૂર્વક દર્શાવતા જઇ, પોતાના સાથી વૈજ્ઞાનિક-મિત્રોનો આબેહૂબ પરિચય કરાવતા જઇ સખત પરિશ્રમની તરફેણ કરતા રહે છે. અહીં ‘એસ.એલ.વી.-૩’ ના મેનેજમેન્ટ, રચના અને સફળ પરીક્ષણની રોમાંચક વિગતો છે.
એ માટે ઉઠાવેલા શ્રમની કાવ્યાત્મક અભિવ્યકિત કરતાં શ્રી કલામ કહે છે, ‘‘ વહેવું’ એવી અનુભૂતિ છે, જે આપણે સંપૂર્ણ તલ્લીનતાથી કામ કરતા હોઇએ ત્યારે અનુભવાય છે.’’ એમને મન વિજ્ઞાનની ખોજ એ ગતિ, આનંદ અને અતિ નિરાશાનો સમન્વય છે. આપણે સૌએ આપણાં ‘સફળતારુપી વસ્ત્રો’માં સજજ રહેવું જરુરી છે. ‘અગ્નિ’ મિસાઇલ અને ‘રોહિણી’ ઉપગ્રહની સફળતા અને એ પછી ‘પદ્મભૂષણ’ના બિરુદથી સન્માનિત ર્ડા. કલામ ગૌરવપૂર્ણ રીતે ભારત વર્ષની સિદ્ધિઓ બદલ પોતાને એકલાએ જ નહીં પણ એ સમયની ઇન્દિરા ગાંધીની સરકાર અને સમગ્ર વૈજ્ઞાનિકોની ટુકડીને એના ભાગીદાર માને છે. આત્મકથાના પાને પાને ર્ડા. કલામની નમ્રતા, ૠજુતા, ભારત વર્ષને એક મહાન અને શકિતશાળી રાષ્ટ્ર બનાવવાની નેમ, ભારતીય હોવાનુ ગૌરવ, કામ કરવાની ધગશ, ધૈર્ય, પરિશ્રમ, ધન્યતા પ્રગટયા કરે છે જે એમના મૂઠી ઊંચેરા માનવી તરીકેનો પરિચય આપી જાય છે.
ત્રીજા પ્રકરણમાં ‘પરિણામ’માં ‘પૃથ્વી’, ‘ત્રિશુળ’, ‘આકાશ’ વગેરે શસ્ત્રોની સર્જનયાત્રા બારીકાઇથી આલેખાય છે. એની સફળતાનો સંતોષ વ્યકત કરતાં તેઓ કહે છે કે, ‘‘ગાઇડેડ મિસાઇલ’’ના ક્ષેત્રમાં ભારતનાં સ્વાવલંબી દેશ તરીકેના પ્રગટીકરણે વિશ્વના બધા વિકસિત દેશોને અસ્વસ્થ કરી નાખ્યા વળી ‘અગ્નિ’ના સફળ ઉડ્ડયનની કાવ્યાત્મક અભિવ્યકિત તેઓ આ રીતે કરે છે,
‘‘ ‘અગ્નિ’ તરફ
ને કોઇ સેતાનને અટકાવનાર
યા
તમારી શકિતને પ્રદર્શિત કરનાર
એક શકિત તરીકે ન જુએ.
તે તો
ભાયતીયના હદયમાં પ્રજજવળતો
અગ્નિ છે.
તેને પ્રક્ષેપાસ્ત્રનો આકાર પણ ન આપો.’’
‘અગ્નિ’નાં સફળ ઉડ્ડયનને બિરદાવતાં વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું - ‘આપણા સ્વાતંત્ર્ય અને સલામતી જાળવવાના સ્વાવલંબી રીતે થતા પ્રયાસોની એ એક મહત્વની સિદ્ધિ છે.’
આમ ર્ડા. કલામનાં સમર્પણ, પુરુષાર્થ અને પ્રતિભાનાં દર્શન આપણને થાય છે. ‘અગ્નિ’-ના આગમન સાથે ભારત એક એવા તબક્કે પહોંચી ગયું, જ્યાં તેને સંડોવતાં યુદ્ધો અટકાવવાનો વિકલ્પ ભારત પાસે હતો.
ર્ડા. કલામે એટલી જ જહેમત ‘ત્રિશૂળ’ જેવા વ્યૂહાત્મક પ્રક્ષેપાસ્ત્રો અને ‘પૃથ્વી’ જેવા મિસાઇલ બનાવવામાં ઊઠાવી હતી.
‘ચિંતન’ એ આત્મકથાનો અંતિમ પડાવ છે. ર્ડા. કલામને હવે ‘પદ્મ વિભૂષણ’ થી સન્માનિત કરાયા હતા. એ ખિતાબ પ્રાપ્ત કરતી વખતે પોતાની સંવેદના વ્યકત કરતા તેઓ કહે છે, ‘મોટાભાગના વિજ્ઞાનીઓ અને ઇજનેરો પરદેશમાં પૈસા કમાવા તક મળ્યે દેશ છોડી દે છે. એ સાચું છે કે તેઓ ત્યાં ખૂબ નાણાંકીય લાભો મેળવે છે, પણ પોતાના દેશવાસીઓ દ્વારા મળતાં પ્રેમ અને સન્માન આગળ તે કશું આવી શકે?’’
ર્ડા. કલામની રાષ્ટ્રપ્રતિ, રાષ્ટ્રભાવના રાષ્ટ્રગૌરવ કેવા ખુમારીથી અહીં પ્રગટે છે! એમની દેશદાઝ દાદ માંગી લે છે. મહાન સ્વપ્નદૃષ્ટાઓ હંમેશા ઊર્ધ્વ થતા હોય છે તેમ ર્ડા. કલામની આ ઊર્ધ્વીકરણની કથા છે, કારણ તેઓ મહાન સ્વપ્નદૃષ્ટા છે, આ સ્વકીય સ્વાર્થનું નહીં પરંતુ ભારતને ન્યુકલીઅર શકિત ધરાવતો દેશ બનાવવાનું મહાન સ્વપ્ન છે. તેઓ ભારતના ઉત્થાન વિષે કહે છે, ‘ખરેખર તો, દરેક ભારતીયના હદયમાં રહેલા સુષુપ્ત અગ્નિને પાંખો મળે તો આ મહાન દેશની ભવ્યતાથી આકાશ ઝળહળી ઊઠે !’
પોતાના વિશિષ્ટ અંગત વિચારોને આધારે હાથમાં લીધેલા કામોને જે ખૂબી અને ખંતથી ર્ડા. કલામે સફળ કર્યા છે તેનાથી એ ભારત વર્ષની ઉમદા વ્યકિત - મહાન ભારતીય - મૂઠી ઊંચેરા માનવી બન્યા છે. ભારતને વધુને વધુ શકિતશાળી બનાવવાનું એમણે સેવેલું સપનું એમણે સાકાર કરી બતાવ્યું છે. સાચા અર્થમાં તેઓ એક ‘પાક’ (પવિત્ર) મુસલમાન છે જે રાષ્ટ્રને પ્રમાણિક રહી વર્તે છે.
આમ આ પુસ્તક પરમાણુ ઊર્જા, સંરક્ષણ, સંશોધન, ટેકનોલોજી સાથે સંલગ્ન છે. ર્ડા. કલામના જીવનને સમૃદ્ધ બનાવનાર ર્ડા. વિક્રમ સારાભાઇ, પ્રા. સતીશ ધવન અને ર્ડા. બ્રહ્મપ્રકાશ રેખાચિત્રો પણ આબેહૂબ રીતે આલેખાય છે.
રાષ્ટ્રને આર્થિક સમૃદ્ધિ તથા વિકાસ અને વૃદ્ધિ માટે મજબૂત સંરક્ષણની જરુર છે. જે જરુર પૂરી કરવામાં ર્ડા. કલામનો સિંહફાળો છે. ર્ડા. કલામે પ્રથમ સ્વપ્ન સેવેલું - ‘સંરક્ષણ વ્યવસ્થામાં સ્વાવલંબન’ - જે સિદ્ધ થયું હવેનું એમનું સ્વપ્ન છે - ‘ધ ટેકનોલોજી વિઝન-ર૦ર૦’. એ માટે તેઓ આ સ્વપ્ન પૂરું થાય તેની પ્રાર્થના કરતા રહે છે, જે આપણાં દેશને વિકાસશીલમાંથી ‘વિકસિત’ દેશ બનાવે!