અંતિમ હપ્તો
માસ્ટર ઝચારીઅસ
(વિજ્ઞાનના અતિરેકના માઠા પરિણામોની કલ્પના કરતી વિશિષ્ટ નવલકથા)
લે. જૂલે વર્ન
અનુવાદ- જીગર શાહ

(વિજ્ઞાનને પોતાના જીવનનું સંપૂર્ણ ધ્યેય માની બધું દાવ પર લગાડી દેનારા જૂલે વર્નની વાર્તાઓના પાત્રો અદભુત રોમાંચ આપનારાં છે. માસ્ટર ઝચારીઅસ – આવું જ એક ધૂનિ પાત્ર છે. તેના મગજ ઉપર સવાર થયેલી વિજ્ઞાનની ગાંડી ધૂન તેની આસપાસની દુનીયાને પણ ભૂલાવી દેનારી નીવડે છે. આ મૂળ ફ્રેંચ કથા      Maitre Zacharius ઈ.સ. 1854માં જૂલેવર્ને લખી હતી. લાંબો સમય અપ્રકાશિત રહ્યાં પછી તેનો સમાવેશ 1874માં પ્રકાશિત થયેલા Dr. OX Experiments નામના કથાસંગ્રહમાં થયો હતો. આ કથામાં જૂલે વર્ને વિજ્ઞાનના અતિરેકના માઠાં પરિણામોની ભવિષ્યવાણી કરવાનો પ્રયત્ન કર્યો છે. જે હાલના સમયમાં સર્જાયેલી પર્યાવર્ણીય સમસ્યાઓને જોતાં સાચી પડતી જણાય છે. આ રીતે પણ આ કથાનું અનેરું મહત્વ છે. એમાં અનુભવાતો કથા વેગ તો અદ્વિતીય છે જ આપને એ અનોખા આનંદની અનુભૂતિ કરાવનારી નીવડશે એવી શ્રદ્ધા છે. હવે પછીના હપ્તાઓમાં આ કથા પ્રકાશિત થવાની હોવાથી જલ્દીથી આપ સામયિકમાં રજિસ્ટર્ડ થાવ અને નવા અંકને પોતાના જ ઇ-મેઈલ પર મેળવી વાંચો.....) ન.શુ.
આગળનો હપ્તો વાંચવા માટે નીચે ક્લિક કરો.
http://www.sahityasetu.co.in/issue15/jigar.php

..........................................................................................................................................................................................................

‘કેમ છો.. ? માસ્ટર ઝચારીઅસ...?’ - ખંધું હસતાં તે બોલ્યો.
‘તું ખરેખર છે કોણ..?’
‘તમારો સેવક...સિન્યૉર પિનોકીયો....!’
“છેવટે તમે તમારી પુત્રને મારી સાથે પરણાવવા માટે આવી જ પહોંચ્યા. તમને મેં કહેલા મારા શબ્દો યાદ છે ને...”જીરાડ ક્યારેય ઔબર્ટને પરણી શકશે નહીં.- તારે તેને મારી સાથે જ પરણાવવી પડશે. જો તારે આ ઘડિયાળ ચાલુ સ્થિતિમાં જોઈતી હોય તો.”
પિનોકીયોના આ શબ્દો સાંભળતાં ઔબર્ટથી રહેવાયું નહીં. એવા વિચિત્ર વામનને પાઠ ભણાવવા તેના પર હૂમલો કરવા તે આગળ વધ્યો પણ પિનોકીયો તેના હાથમાં આવ્યો નહીં. છાયાની જેમ તેની જગ્યા પરથી અદૃશ્ય થઈ તે બીજી બાજુ આવી ગયો.
‘ઔબર્ટ રહેવા દે....’ ઝચારીઅસે ઔબર્ટને અટકાવતાં કહ્યું.
‘શુભરાત્રી ઝચારીઅસ...’- આ શબ્દો સાથે પિનોકીયો ત્યાંથી ગાયબ થઈ ગયો.
‘ચાલો પિતાજી આ ડરામણી જગ્યાથી આપણે ચાલ્યા જઈએ.’ -જીરાડે કહ્યું.
જીરાડના આ શબ્દોની ઝચારીઅસ પર કોઈ અસર ન થઈ. તે પિનોકીયોને શોધવા હવેલીના કોરીડોરમાંથી વધું અંદર ગયા. વધું આગળ જતાં તે દેખાતા બંધ થયા. રાત થઈ ગઈ હતી. અંધારિયા ખંડમાં જીરાડ, સ્કોલાસ્ટીક અને ઔબર્ટ ત્યાં જ રહ્યાં. જીરાડ થાકી ગઈ હતી. નજીકની પથ્થરની બેઠક પર તે બેસી ગઈ. સ્કોલાસ્ટિક પણ તચેની બાજુમાં બેઠી અને ઝચારીઅસ માટે ઇશ્વને પ્રાર્થના કરવા લાગી. ઔબર્ટ જીરાડ સામે જોઈ રહ્યો હતો. તેને કોઈ રસ્તો સૂઝતો ન હતો. અંધારિયા, ભયાનક વાતાવરણમાં ત્રણે જણા ચૂપચાપ બેઠાં રહ્યાં. માત્ર ચામાચીડિયાં કે નાનાં ઊંદર જેવા જીવોનો બહાર નીકળવાનો અવાજ સંભાળાતો હતો. ઘડિયાળમાં પડતા કલાક સૂચક ટકોરા સાંભળીને તેઓ સમયની ગણતરી કરતાં રહ્યાં.
ભયના ઓથાર તળે આખી રાત વીતી ગઈ. અજવાળું થતાં ત્રણે જણાં ઝચારીઅસને શોધવા કોરીડોરમાંથી આગળ વધ્યાં. ત્યાં અધારા ભોંયરામાં ઊતરતો વિશાળ દાદર તેમના જોવામાં આવ્યો. તેમાં તેઓ નીચે ઊતર્યાં. પરંતુ ત્યાં કોઈ જીવિત માણસ કે પ્રાણી હોવાના સંકેત તેમને મળ્યા નહીં. દાદર જાણે અંધારામાં જ ઓગળી જતો હતો. સૌ ભ્રમિત દશામાં હતાં. તેમને લાગતું હતું કે જમીનથી હજારો ફૂટ નીચે તેઓ જઈ રહ્યાં હતાં. તો ક્યારેક પહાડોની ટોચ પર ઊભા હોય તેવુ લાગતું હતું.
આખરે સૌ થાક્યાં. આવ્યાં હતાં તે જ રસ્તે ઉપર પાછાં ફર્યાં. તેઓ ફરી પાછા વિશાળ ખંડમાં આવી પહોંચ્યાં. જ્યાં તેમણે આગલી રાત ગુજારી હતી. તેમને એ જોઈ આશ્ચર્ય થયું કે ઝચારીઅસ અને પિનોકીયો ત્યાં વાતો કરી રહ્યાં હતાં. પિનોકીયો પોતાની મારબલની બેઠક પર અક્કડ થઈ બેઠો હતો. જ્યારે ઝચારીઅસ તેની સામે ઊભા ઊભા કરગરતા હતાં.
જીરાડ, ઔબર્ટ અને સ્કોલાસ્ટીક તરફ ઝચારીઅસનું ધ્યાન ગયું. તે જીરાડ પાસે આવ્યા. તેનો હાથ પકડી પિનોકીયો પાસે લઈ ગયા અને બોલ્યા.
“જીરાડ આ તારા ભાવિ પતિ છે. આ જ હવે તારો ઈશ્વર છે. તારું ભવિષ્ય હવે આની સાથે જ છે.”
“નહીં એવું ક્યારેય નહીં બની શકે.”- ઔબર્ટે બૂમ પાડી.- “તે મારી પ્રેમીકા છે.”
“ના પિતાજી હું આની સાથે લગ્ન નહીં કરું”.-જીરાડે રડતાં રડતાં કહ્યું.
પિનાકીયો તેની રાક્ષસી શૈલીમાં હસવા લાગ્યો.
“જીરાડ...તું શું એવું ઈચ્છે છે કે હું મૃત્યું પામું....? ઝચારીઅસે આશ્ચર્યથી પૂછ્યું. “જો પેલી ઘડિયાળ...મારો આત્મા એમાં છે. તે ચાલી રહી છે તો હું જીવી રહ્યો છું. તે પિનાકીઓની માલિકીની છે. તેણે મને વચન આપ્યું છે કે જો હું તાર લગ્ન એની સાથે કરું તો તે મને ઘડિયાળ પરત કરશે. જો તું એની સાથે લગ્ન નહીં કરે તો, તે તેને તોડી પાડશે. તેની ચાવી તેની પાસે છે. તેમાં ચાવી નહીં ભરતાં ઘડિયાળ આપો આપ અટકી જશે. એ સાથે મારું પણ મોત થશે. તું નથી ઇચ્છતી કે હું અનંત જીવન જીવું....? તું મને પ્રેમ નથી કરતી....?”
“પિતાજી તમને શું થયું છે...?” તમે કેવી વાત કરી રહ્યાં છો...?”
“આ ઘડિયાળ અહીં રહેશે તો તેની સંભાળ કોઈ નહીં લે. અન્ય ઘડિયાળોની માફક તે પણ ખોટકાશે. તેને એ રીતે નષ્ટ થવા દેવાને બદલે હું મારા હાથે તેની સંભાળ લેવા ઇચ્છું છું. હું તેને ક્યારેય નહીં અટકવા દઉં. ઘડિયાળના આયુષ્ય સાથે મારું આયુષ્ય પણ આપોઆપ લંબાશે. હું અનંત સમય સુધી જીવીત રહીશ. મેં જીવનના રહસ્યને પામવા મારી આખી જિંદગી ખર્ચી નાંખી છે. પ્રકૃતિના અસ્તિત્વના રહસ્યનો હું મહાન શોધક છું. તેથી મને અમર બનવાનો પૂરો અધિકાર છે. અને તે હવે તારા હાથમાં છે તું પિનાકિયોને પતિ તરીકે સ્વીકાર કર.”- ઘડિયાળ સામે જોતાં ઝચારીઅસે આગળ બોલવાનું ચાલું રાખ્યું. “જો પાંચ વાગવાની તૈયારી છે. હમણાં તેના ટકોરા પડશે અને સુવાક્ય પણ તેની નીચેની તકતીમાં દેખાશે.”
પાંચ વાગ્યાનો સમય થતાં જ ઘડિયાળમાં જોરથી પાંચ ટકોરા પડ્યાં. ઘડિયાળના ડાયલની નીચેના ભાગમાં લાલ અક્ષરોમાં લખેલી તકતી દેખાઈ. તેમાં લખ્યું હતું.

માનવજાતે વિજ્ઞાનના અતિરેકના ફાયદાઓ સાથે માઠાં પરિણામો ભોગવવા પડશે.

જીરાડ અને ઔબર્ટ એકબીજા સામે મૂર્ખની જેમ જોઈ રહ્યાં. ઘડિયાળમાં દેખાયેલા શબ્દોનો તેમને ખ્યાલ આવ્યો ન હતો. ઝચારીઅસની નજર તેના પર પડી હતી. પણ એ વાક્યના સૂચિતાર્થ તરફ ધ્યાન આપી શકે તેવી સ્થિતિમાં ન હતા. પોતે બનાવેલી ઘડિયાળ જેવા યંત્ર સાથે પોતાના3 જીવનને જોડી અમર થવાની ગાંડી  ઘેલછાને પરિતૃપ્ત કવાના એકમાત્ર હેતુ ને મનમાં રાખીને તે બોલ્યા.
“જો જીરાડ...હું હજી જીવિત છું મારા શ્વાસ ચાલુ છે. મારી નસોમાં વહેતું લોહી હજી અટક્યું નથી. તું નથી ઇચ્છતી કે હું અનંત જીવું...? પિનોકીયોનો તારા પતિ તરીકે સ્વીકાર કર. તેથી આ ઘડિયાળનો માલિક બની હું અમરત્વ પ્રાપ્ત કરી શકું. ઇશ્વરની શક્તિઓનો પણ હું ભાગીદાર બની શકું.”
સ્કોલાસ્ટીક ગુસ્સે થઈ ગઈ હતી. તેણે ઝચારીઅસની વાતોની નિંદા કરી અને પિનોકીયોને ગાળો દીધી. એના ઉપર કે ઝરારીઅસ ઉપર સ્કોલિસ્ટીકના આક્રોશની કોઈ અસર દેખાતી ન હતી. ઝચારીઅસના મગજ ઉપર તો અમરત્વની ઘૂન સવાર હતી.
“જીરાડ તું આ માણસ સાથે જીવનભર ખુશ રહીશ. આ માણસને જો તારો ભાવિ જીવનસાથી. આ સમય છે..હું તારો પિતા છું. મેં તમને જીવન આપ્યું છે. હું જ આજે તારી પાસે મારા જીવનની ભીખ માંગું છું.
પિતાની કાકલૂદીથી જીરાડ સંભ્રમિત થઈ ગઈ હતી. અમરત્વ પ્રાપ્ત કરવાની પિતાની ધૂનમાં તે ખેંચાઈ ગઈ. અવાક્ બનીને પિતા તરફ એ આગળ વધી.
ઔબર્ટે આ જોયું. તે બરાડી ઉઠ્યો.
“જીરાડ...” જીરાડનું ધ્યાન પોતાના તરફ ખેંચવા તે બોલ્યો. “હું તને ખૂબ જ પ્રેમ કરું છું.”
“તે મારા પિતા છે.” જીરાડ દુઃખી ભાવે બોલી. તે ઝચારીઅસની વાતોથી પીગળી ગઈ હતી. પિતાના અમરત્વ માટે પિનોકીયોની પત્ની બનવા તે તૈયાર થઈ ગઈ.
“પિનોકીયો..જીરાડ હવે તારી છે. મેં શરત પૂરી કરી. હવે તું પણ તારું વચન પૂરું કર.”
“આ રહી ઘડિયાળની ચાવી...” રાક્ષસી અટ્ટહાસ્ય સાથે ઘડિયાળની ચાવી ઝચારીઅસને આપવા તે આગળ વધ્યો.
અમરત્વની એષણામાં ઝચારીઅસ હવે સાવ અંધ બની ગયા હતાં. પિનાકિયોના હાથમાંથી તેણે ઝડપથી ચાવી આંચકી લીધી. સીધા કરેલા સામ જેવી દેખાતી ચાવી લઈ ઝચારીઅસ દોડીને ઘડિયાળ પાસે ગયા. ચાવી ઘડિયાળમાં નાંખી ઝડપથી ફેરવવા લાગ્યાં. ચાવી ફેરવવાનો અવાજ આખા ખંડમાં સંભળાઈ રહ્યો. ઝચારીઅસની ઝડપ ખૂબ વધું હતી. તેમાંથી બધી સ્પ્રીંગ હલી રહી હોય એવો અવાજ આવતો હતો. ઝચારીઅસ એક શ્વાસે ચાવી ભરી રહ્યાં હતાં. એક પળ માટે પણ તે અટક્યાં ન હતા. ઘડિયાળના જીવન સાથે જ તો એમનું પોતાનું જીવન જોડાયેલું છે તેવું તે માનતા હતાં. ચાવી આખી ભરાઈ ગઈ ત્યાં સુધી તેમણે ચાલું રાખ્યું. 
“આહ, આખી ચાવી ભરાઈ ગઈ. એક સદી સુધી હવે ચાવી ભરવાની જરૂર નહીં રહે. હું પણ સો વર્ષ સુધી આ ઘડિયાળની જેમ જ જીવતો રહીશ.”
આ દૃશ્ય જોઈ ઔબર્ટથી રહેવાયું નહીં. તેને લાગ્યું કે તે પાગલ થઈ જશે. તરત જ  એ ખંડની બહાર નીકળી ગયો. થોડીવાર આમતેમ ભટક્યાં બાદ બહાર નીકળવાનો માર્ગ તે શોધી શક્યો. બહાર ખુલ્લી હવામાં આવી તેણે નીરાંત અનુભવી. નજીકમાં જ આવેલા નોસ્ટ્રા ડેમના વિશ્રામસ્થળે તે પાછો આવ્યો. એન્ડરમટની હવેલીમાં બની રહેલી ઘટનાની વિશ્રામગૃહના માલિકને ભારે હ્યદયે વાત કરી.  આ એકલવાસીએ તેમને મદદ કરવાનું વચન આપ્યું હતું. તે ઔબર્ટ સાથે એન્ડરમટની હવેલી તરફ આવવા નીકળ્યો.
કલાકો દરમિયાન જીરાડ હવેલીમાં ઝચારીઅસ અને પિનોકિયો સાથે હતી. તે સ્તબ્ધ હતી. મગજ કામ કરતું ન હતું. એ કશું વિચારી શકતી ન હતી. સુખ અને દુઃખ જાણે વિસારે પાડ્યાં હતાં. પિનાકિયો સાથેના અંધકારમય ભાવિનો પડદો એની નજર સામે છવાઈ ગયો હતો. એ રડી પણ શક્તી ન હતી.
માસ્ટર ઝચારીઅસ ત્યાં જ હતા. તેમણે જીરાડના દુઃખની પરવા ન હતી. વિશાળ ખંડમાં તેઓ ખુશીના માર્યા ગોળ ગોળ ઘૂમીને જાણે નૃત્ય કરી રહ્યા હતા. ઘડિયાળના એક એક ધબકારાના અવાજને માણી રહ્યાં હતા. સ્કોલાસ્ટીક પણ આ દૃશ્ય જોઈ બેબાકળી બની ગઈ. ઔબર્ટની ગેરહાજરીને કારણે તે સાવ એકલી હતી. શું કરવું તે તેને સૂઝતું ન હતું. ઘડિયાળમાં ફરી ટકોરા પડવા શરુ થયા. સાથે તેના ડાયલ નીચેની તકતીમાં શબ્દો ઝગમગી ઊઠ્યાં.

માનવી ઈશ્વરની સમકક્ષ બનવાના પ્રયત્નો કરશે.

ઘડિયાળમાં ચમકેલા આ શબ્દોથી ઝચારીઅસને કોઈ આશ્ચર્ય ન થયું. તેણે બેફિકરાઈથી આ વાક્ય વાંચ્યું અને પોતાની ધૂનમાં ખોવાઈ ગયા.
આખો દિવસ આમ જ વીતી ગયો. અંધારું છવાઈ ગયું. જીરાડ અને પિનાકીયોના લગ્ન માટેના કરાર ઉપર સહી કરવાની ઘડી આવી. જીરાડ બેભાન જેવી સ્થિતિમાં હતી. તેની આંખો ખૂલતી ન હતી કે મોઢામાંથી એક શબ્દ પણ બોલવાની શક્તિ તેનામાં ન હતી. તેની સહમતી નામપૂરતી જ હતી. ખંડમાં માત્ર ઝચારીઅસના બબડાટનો અવાજ સંભળાતો હતો. પિનોકિયો તેમના આવા વર્તનને જોઈને મનોમન હસતો હતો.
ઘડિયાળમાં અગીયાર વાગ્યાના સૂચક ટકોરા પડવા શરુ થયાં. ઝચારીઅસે ઘડિયાળના ડાયલ નીચે ચમકેલા શબ્દો ઊંચા અવાજે વાંચ્યા.

માનવી વિજ્ઞાનનો ગુલામ બનશે. તે માટે તેના પરિવારજોનો અને સ્નેહીઓનું બલિદાન આપવા પણ તૈયાર થઈ જશે.

“હા,” ઝચારીઅસર ગેલમાં આવી બોલ્યા. “આ દુનિયામાં વિજ્ઞાન સર્વસ્વ છે. તેનાથી ઉન્નત બીજું કઈ ના હોઈ શકે.”
ત્યાર બાદ થોડી મિનિટો વીતી ગઈ. ઘડિયાળમાં અચાનક કોઈ ગડબડ થઈ હોય તેવો અવાજ એમાંથી આવ્યો. તેના કાંટાઓ અસંતુલિત રીતે ગતિ કરવા લાગ્યા. ઝચારીઅસ પણ આ જોઈ સ્તબ્ધ બની ગયા. ત્યાં ઊભા ઊભા જ તે જમીન પર પટકાયા. તેમની છાતીમાં દુઃખાવો થઈ રહ્યો હતો. તે તડપી રહ્યાં હતાં. તે કંઈ બોલવા ઈચ્છતા હતા પણ તેમના ગળામાંથી એક-બે શબ્દો માંડ નીકળી શક્યા. “જિંદગી-વિજ્ઞાન”
એ જ સમયે ઔબર્ટ તથા વિશ્રામગૃહનો માલિક ત્યાં આવી પહોંચ્યો. ઝચારીઅસ જમીન પર પડ્યા હતાં. જીરાડ અર્ધબેભાન અવસ્થામાં પિતાની બાજુમાં બેઠી હતી. પિતાની ક્ષેમકુશળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી. ઘડિયાળમાં ગરબડ વધી રહી હતી તેના અંદરના ભાગોમાંથી અવાજ આવી રહ્યો હતો.
ઝચારીઅસર બોલ્યા...”મધ્યરાત્રી...મધ્યરાત્રી.”
ઔબર્ટ અને તેની સાથે આવેલા એકાંતવાસીએ ઝચારીઅસનું માથું ખોળામાં લીધું. રાત્રીના બાર વાગ્યાં હતાં. પણ તેના ટકોરા ઘડિયાળમાં ન પડ્યાં.
ઝચારીઅસની નજર ઘડિયાળમાં દેખાયેલી નવી તકતીના વાક્ય પર પડી. તે પોક મુકીને રડવા લાગ્યાં.

જે વ્યક્તિ ઇશ્વરની સમકક્ષ બનવાના પ્રયત્નો કરે છે તે ધિક્કારને પાત્ર છે.

એ સાથે જ ઘડિયાળમાં એક મોટો ધડાકો થયો. તેની સ્પ્રિંગ, ચક્રો અને અન્ય ભાગો વિશાળ ખંડમાં ચારેબાજુ વીખેરાઈ ગયાં. ઘડિયાળની સાથે જ પોતાના જીવનનો અંત આવી રહ્યો હોવાની માન્યતાના લીધે ઝચારીઅસ આ દૃશ્ય સહી ન શક્યા. તેમનામાં કોઈ અદૃશ્ય શક્તિ આવી. તે ઊભા થયા અને ખંડમાં ચારેબાજુ વિખરાયેલા ઘડિયાળના ભાગોને એકઠા કરવા પ્રયત્નો કરવા લાગ્યા. તેઓ બૂમો પાડી રહ્યાં હતાં.... “મારો આત્મા...મારો આત્મા....”
જેમ જેમ ઘડિયાળના ભાગો એકત્ર કરવા તે પ્રયત્ન કરતા, તેમ તેમ તે ભાગો એમનાથી દૂર ને દૂર વીખરાતા જતા હતાં. તેમના પ્રયત્નો, તેમની નિષ્ફળતાને વધારી રહ્યાં હતાં. પોતાના વેરવિખેર બની રહેલા જીવનને ફરીથી જોડવાતેઓ હવાતિયાં મારી રહ્યાં.
છેવટે પિનોકિયોએ ઘડિયાળના બધા ભાગોને થોડી પળોમાં એકત્ર કરી લીધા. અને તેની સાથે જ અદૃશ્ય થઈ ગયો. કોઈને ખ્યાલ ન આવ્યો કે તે જમીનમાં સમાઈ ગયો કે આકાશમાં ઓગળી ગયો.
ઝચારીઅસનું નિર્જીવ શરીર ત્યાં જ પડ્યું હતું. તેમાં જીવનની કોઈ નિશાની રહી ન હતી.
આ વૃદ્ધ ઘડિયાળીના દેહને એન્ડરમટની હવેલીના ચોગાનમાં જ દફનાવવામાં આવ્યો. તેમના મૃતદેહને જીનીવા સુધી પાછા લઈ જવું શક્ય ન હતું.
ઔબર્ટ, જીરાડ અને સ્કોલાસ્ટિક જીનીવા પરત આવ્યાં. થોડા સમય બાદ સંત પિયરેના પ્રાચીન ચર્ચમાં જીરાડ અને ઔબર્ટના સાદાઈથી લગ્ન થયાં. વિજ્ઞાનને જ પોતાનું સર્વસ્વ માની પોતાના જીવનને તેના માટે ન્યોચ્છાવર કરી દેનારા ઝચારીઅસના આત્માની શાંતિ માટે તેઓ દરરોજ ઈશ્વરને પ્રાર્થના કરતાં.
(સંપૂર્ણ)

000000000

***