અનંતવિધ વાસ્તવિકતાઓ લઈને નવલકથાવિશ્વમાં પ્રવેશનાર લેખક જયંત ગાડિત રૂપ, રીતિ અને વિષયવૈવિધ્યની આગવી છટા સાથે ઉભરી આવ્યા છે. તેમના કથાસાહિત્યમાં હંમેશા એક સાથે અનેક આયામો સિદ્ધ કરવાનો યત્ન રહ્યો છે. એક જ નવલકથા અનેક સ્તરને સ્પર્શતી જોવા મળે છે. ‘પ્રશાંમુ’ નવલકથામાં પણ અનેક વિષયોને નિશાન બનાવીને નવો પ્રયત્ન સિદ્ધ કર્યો છે, જેમાં પ્રવાસ, દલિતચેતના, ગુજરાતી વાચકોનું માનસ, રાજકારણ, નારીવાદ જેવા વિષયોને આવરી લેવાનો પ્રયાસ પ્રસંશનીય છે.
‘પ્રશાંમુ’માં બે વિષયો સવિશેષ ધ્યાન ખેંચે છે. પ્રવાસ અને દલિતચેતના બંને પરિમાણો વચ્ચે નવલકથા વિહાર કરે છે. આ નવલકથાની રચનારીતિ અન્ય નવલકથા કરતા ઘણી નવીન છે. તેમાં સંસ્કૃત સાહિત્યની જેમ પૂર્વે નાન્દી-1, 2, 3 અને નવલકથાને અંતે ભરતવાક્ય પણ આપવામાં આવ્યું છે. વળી અમદાવાદના એક હૉલમાં આ નવલકથા વંચાય છે જેના લેખત પ્રશાંત ઠાકર છે અને વાચક અશાંત દવે છે. નવલકથાના વાચનની સાથે સામે બેઠેલા ભાવકવર્ગમાંથી નવલકથા વિશે પ્રશ્નો, અભિપ્રાયો અને મંતવ્યો અપાતા રહે છે.
આ નવલકથાનો નાયક મફત પરમાર જે દલિત છે, જેને મંદિરનું ભારે આકર્ષણ છે અને તે ‘ગુજરાત સમાચાર’ માં ‘પ્રશાંમુ’ વિશે વાંચે છે અને તે જગ્યાએ પ્રવાસ માટે નીકળી પડે છે, અને મફત પરમારને જાતજાતના અનુભવ થાય છે. લેખકે અહીં ગુજરાતીઓના પ્રવાસશોખ વિશે કટાક્ષ કર્યો છે. લેખક પ્રવાસશોખીનો વિશે જણાવે છે.
“ત્યાં કઈ હૉટલ સારી છે? ક્યાં જમવાનું સ્વાદીષ્ટ મળે છે ? કઈ સીઝનમાં હૉટલમાં રહેવાનો ભાવ કેટલો બદલાય છે? ફરવા લઈ જનારા ટ્રાવેલ્સમાં કયા રીલાયેબલ છે ? એ દરેક વિશે બધું મોઢે” (પૃ.17)
પરંતુ ગુજરાતીઓના પ્રશાંમુ બાબતેના મંતવ્યને પણ કેવી સચોટતાથી રજૂ કરે છે તે જુઓ.
“પણ ગુજરાતીબંધુને પૂછો કે ‘પ્રશાંમુ’ જોયું છે? તરત એ પીઠ ફેરવી જવાનો એ કઈ બલા છે ? તરત એ મોં મચકોડશે. પોતે જોયું નથી એ જોવાલાયક નથી એવું સર્ટીફીકેટ એ તરત ફાડીને તમારા હાથમાં મુકી દેશે.” (પૃ. 17)
ઉપરોક્ત બાબતો ‘પ્રશાંમુ’ને એક પ્રવાસકથા પુરવાર કરે છે એ સિવાય ગાંધીનગરથી પ્રશાંમુ જવા નીકળેલો મફત પરમાર સ્વપ્નાંશુ સુધી રેલવે મુસાફરી કરી, સ્વપ્નાંશુથી ‘પ્રશાંમુ’ની બસ મુસાફરી પ્રારંભે; બસના મુસાફરોમાં મફતને બાદ કરતાં તમામ વિદેશી મુસાફરો હોય; પંદર કલાકની મુસાફરી અજાણ્યા ડ્રાયવર કંડક્ટરને કારણે અડતાલીસ કલાક સુધી લંબાય; ભૂખ, ભય, થાક ને ઊંઘ વચ્ચે મફત પરમાર અને વિદેશી પર્યટકોના માનસનો વિરોધ કરે. આ તમામ બાબતો આ ગ્રંથને પ્રવાસકથા કહેવા પૂરતી છે. પ્રવાસ માત્ર સ્થૂળ યાત્રા નથી બનતી પરંતુ માનવની અંતરયાત્રા પણ બની રહે છે અને અહીં “મનુષ્યની અસ્તિત્વની શોધની ઝંખનાનો નિર્દેશ પણ કથાન્તર્ગત છે.”1 આટલી મુસાફરી બાદ પણ “પ્રવાસીઓને ક્યાંય પહોંચ્યાનો કે કશું વિશિષ્ટ જોવા મળ્યાનો અનુભવતો થતો જ નથી.”2 આ આખીય મુસાફરી દરમિયાન નાયક મફત પરમાર પોતાના વડદલા વિશે પણ વિચારતો રહે છે અને તેમાંથી જ દલિતચેતનાનો રણકો સંભળાય છે.
આ કૃતિ દલિતકથા તરીકે પણ નિવડેલી છે. જો કે ગુણવંત વ્યાસ કહે છે.
“આ દલિત નવલકથા નથી. અહીં દલિતોની સ્થિતિનું વર્ણન છે. દલિતો પ્રત્યેની, જનસમાજની ઉપેક્ષાનું આલેખન પણ કર્યું છે.”3
જો કે આ વિધાનમાં તથ્ય હોવા છતાં નવલકથા ભલે સમગ્રતયા રીતે દલિતકૃત નથી બનતી પરંતુ મફત પરમાર સાથે થયેલા અન્યાય, શોષણ અને વિવષતામાં પણ દલિત તત્વ આપણને જોવા મળે છે.
લેખકે કથાનાયકના મંદિરો પ્રત્યેના આકર્ષણ વિશેનો, મફત પરમારના બચપણ વિશેનો પ્રસંગ નોંધ્યો છે મફત જ્યારે નાનો હતો ત્યારે કેલેન્ડરમાં ગળામાં સાપ વીંટાળેલા શિવજીનું ચિત્ર તેને ગમી ગયેલું અને ચોરીછુપીથી તે ગામમાં આવેલા શિવજીના મંદિરમાં જાય છે પરંતુ તેને શિવજીની મૂર્તિની જગ્યાએ શિવલિંગ જ જોવા મળે છે. આખરે ન રહેવાતા તે પોતાના પિતાને પૂછે છે જવાબમાં પિતાજીએ તે ઝાપટી નાંખેલો.
“દીયોર મંદિરમાં જવાન થ્યા ચે. આ ઠાકોરને કણબી તારીને વાસની ખાલ ઉખાડી નાખહે, ખબર સે !” (પૃ. 23)
અહીં દલિતો માટે મંદિર પ્રવેશ નિષેધ હતો તે બાબતના ત્રાસની વાત જણાવવામાં આવી છે.
અહીં આ નવલકથા જ્યારે વંચાતી હોય છે. ત્યારે સર્જક પ્રશાંત ઠાકોર અને કણબા શબ્દનો ઉચ્ચારણ કરે છે ત્યારે શ્રોતાગણ ઉશ્કેરાય છે પરંતુ આ તો મફત પરમારના વિચારો છે સર્જકના નહિ એમ કરીને શ્રોતાગણને શાંત પાડવામાં આવે છે. ત્યારે શ્રોતાગણમાં પણ આ વિષયક ચર્ચા ચાલે છે.
“આપણેય ક્યાં ઢેઢીયાને ભંગીયા શબ્દ ખાનગીમાં વાપરતા નથી ! આ કંઈક એના જેવું છે” (પૃ. 25)
અહીં દલિતો સાથે થતો છૂપો અન્યાય પણ પ્રકટ કર્યો છે.
દલિતો સાથે થતા અન્યાયની સામે મફત પરમારનો રોશ પણ જોવા મળે છે.
“આ ક્યાંનો ન્યાય ! ઠાકોરની ગુલામી લખી આપી છે ? બતાવો ક્યાં લખ્યું છે” (પૃ. 40) પરંતુ સામે પક્ષે મફત પરમારનો બાપ ગુલામ માનસ ધરાવે છે આથીતે જવાબ આપે છે.
“પેઢી દર પેઠી ચાલ્યો આવતો નિયમ. કાયદા કરતા વધારે સાચો. એને ઉથાપીએ તો માતાના દોશી બનીએ”
ત્યારે મફત જણાવે છે કે,
“તમારે માન્ય હશે. અમને નથી. આખી જિંદગી એમના સાથી બની શું મેળવવાનું ? ઘેંસના ડુઆ પીને ને વરસના બે થેપાડા આપે તે શરીરે વિંટાળી જિંદગી પૂરી કરવાની ? ગુલામી ખત નથી લખી આપ્યું.” (પૃ. 40)
આમ, અહીં ભણેલો મફત જે દલિત છે છતાં પોતાના હક પ્રત્યે સભાન છે. પરંતુ શું તે હક તેને આસાનીથી મળે છે ? અને એથી જ તે પોતાના દેશવાસીઓ કરતા વિદેશીઓને વધારે વખાણે છે.
“આ વિદેશીઓમાં કોઈ જ્ઞાતિબાતીની ઝંઝટ નહિ કોઈ ઊંચા નહિ ને કોઈ નીચા નહિ. આ ઊંચા-નીચાએ જ આપણા દેશની મા પૈણી નાંખી છે” (પૃ. 46)
ગામમાં દલિતો પર સવર્ણોનો ત્રાસ અને એની સામે પ્રકટ થતો મફત પરમારનો રોશ પણ સર્જકે ઉપસાવ્યો છે.
“એ ડંખીલી ને મેલી જાતને આપણાથી ન પહોંચાય... આવા ખોબલા ગામમાં આપણને બધાને ઉપર પહોંચાડી દે એવી જાત. પેટનું પાણીય ન હાલે.” (પૃ. 53)
આવા ભયંકર ત્રાસની સામે મફત ચુપ બેસી રે તેવો નથી તે બોલી ઉઠે છે.
“હાળી પાયલી પ્રજા. નઈતર એમનાય બે હાથ ને પગ. આપણાય એટલા. એ પાડે એ પહેલા આપડે જ ન પાડી દઈએ ?” (પૃ. 53)
મફત પરમારના બાળપણા મિત્રોમાં પણ આ બાબત આપણને જોવા મળે છે. જેમાં સુનિલ જોશી જે માત્ર નિશાળમાં જ મિત્રતા રાખે છે. મહેશ પરીખ જે ઝાડ પાછળ સંતાઈ અને કોઈ દેખે નહિ એમ મફત પરમાર પાસેથી ગણિતની નોટ લઈ જતો.
દલિતોને આજના જમાનામાં પણ માત્ર અનુભૂતિને પાત્ર જ ગણવામાં આવે છે તેના પર પણ સર્જકે પ્રકાશ પાથર્યો છે.
“સાલા છાપાવાળાઓ એના એ જ ગાણા. દલિતો પ્રત્યે સહાનુભૂતિ. અનુકંપાની વહેતી ધારાઓ શા માટે ? હજી અમે સહાનુભૂતિ પાત્ર ! મફતે દાંત કચકચાવ્યા.” (પૃ. 69)
અહીં એક દલિત ઉપર ગુજારાયેલા ત્રાસની સામે તેનો ક્રોધ અને પડઘો કેવાં હોઈ શકે તે બાબત અહીં દર્શાવવામાં આવી છે. જે મફત પરમારની અને દલિતોની માનસિકતા છતી કરે છે.
“ગાંધીજીએ હરિજનોનો ઉદ્ધાર નથી કર્યો. આંબેડકરે જ બંધારણમાં જોગવાઈ કરાવી દલિતોનો ઉદ્ધાર કર્યો... સવર્ણોનું કદીય હૃદયપરિવર્તન ન થાય. હક્કો માંગો. પૈસા ને સત્તા મેળવો. એટલે સવર્ણો પગે પડતાં આવશે.” (પૃ. 80)
દલિતો આજે ખ્રિસ્તી ધર્મ અપનાવે છે. તેના ઉપર પણ અહીં પ્રકાશ પાથરવામાં આવ્યો છે. મફતના વડદાદા ખ્રિસ્તી થવા માટે તૈયાર થઈ ગયેલા અને ગામના લોકોના કાવાદાવાથી તે બની શક્યું નહોતું. વળી અન્ય ગામમાં ખ્રિસ્તી બનેલા દલિતોના છોકરાઓને શાળામાં સવર્ણોના છોકરાઓ ખીજાવતા ‘ઢેઢને માથે મોરપીંછ’.
ગામમાં દલિત સ્ત્રીઓની છેડતી કરવાના બનાવો પણ જાણે ઘણા જ સામાન્ય બની રહે છે. જેમાં જાલમસંગ મફતની પત્ની સુશીની છેડતી કરે છે તે બનાવ પણ અહીં મૂકવામાં આવ્યો છે. જ્યારે જાલમસંગ સુશીની પાછળ પાછળ આવે છે અને સુશીને જુએ છે ત્યારે
“ઓત્ તારી માની બુન, આતો ઢેડી છે. ઓહોહો, શું પટેલ વાણિયાના વેશ કાઢ્યા છે ને ! સ્વેટરને મફલર ને સેન્ડલ. ઓ હો હો આ રાજે તમને બાદશા બનાવી દીધાં”
અને પછી એ સુશીલાનો હાથ પકડીને બોલે છે.
“એ મેંતી સાંભળી લે. તુ મેંતી તારા ગામમાં. અહીં તો વહવાયાની બૈરી. સમજી ? આ નખરાં અહીં ન ચાલે. વહવાયાની જેમ રેવાનું. એમની જેમ પેરવાનું અને ઓઢવાનું. આવા વેશ વડદલામાં નહીં નહિતર પછી એવી ઘાલી દઈશ. કોઈ દા’ડે ન નીકરે.” (પૃ. 105)
અને આખરે તે સુશીલાના માથાનું મફલર અને પગના સેન્ડલ કઢાવી હાથમાં પકડાવ્યાં.
આ તમામ બાબતોને જોતાં અને પ્રવાસ કરતા મફત પરમાર પ્રવાસકથાનો નાયક છે પણ તેની ભીતરી સફરમાં તે દલિતકથાનો નાયક બની રહે છે. આથી આ કૃતિ બાહ્ય દૃષ્ટિએ પ્રવાસકથા છે પરંતુ ભીતરી સફરમાં તે જરૂર દલિત કથા બને છે. સંદર્ભસૂચિ