બે યુવા હૈયાઓનો પ્રણય-સંઘર્ષ : ‘શ્રાવણી મેળો’

 

ગુજરાતી સાહિત્યના સમર્થ સર્જકોમાં જેમનું નામ ગૌરવથી લેવાય છે એવા શ્રી ઉમાશંકર જોશીનું સ્થાન સાહિત્યજગતમાં અનેરું છે. ગાંધીયુગના સર્જક તરીકેની ઓળખ પામેલા શ્રી ઉમાશંકરે ગુજરાતી ભાષાસાહિત્યમાં ખૂબ મહત્વનું પ્રદાન કર્યુ છે. બહુમુખી પ્રતિભા ધરાવનાર ઉમાશંકર જોશી ઈ.સ.1911માં ઉતર ગુજરાતના એક નાનકડા પર્વતપ્રદેશમાં જન્મેલા. વીસમી સદીના સાહિત્યમાં તેમનું પ્રદાન ગુજરાતી સાહિત્યની વિકાસયાત્રામાં સીમાસ્થંભરૂપ ગણાય છે. વિશ્વશાંતિની ખેવના કરનાર ઉમાશંકર એક વ્યકિત જ નહિ પણ વિશ્વનાગરિક તરીકેની ભાવનાથી છલોછલ છે. જ્યાં જ્યાં શક્ય બન્યું ત્યાં ત્યાં જાહેર જીવનમાં પણ એક વિશ્વનાગરિક બનીને જીવવાનું તેઓ ચુક્યા નથી.
        કવિતા, વાર્તા, નિબંધ, નવલકથા, એકાંકી, રેખાચિત્ર, પ્રવાસ, અનુવાદ તેમજ વિવેચન જેવા અનેક ક્ષેત્રોમાં તેઓએ સફળતાપૂર્વક ખેડાણ કર્યુ છે અને અનન્ય સિઘ્ઘિઓ હાંસલ કરી છે. ઈ.સ.1988માં આ વિરલ પ્રતિભાએ દૈહિક વિદાય લીઘી. આજેય એમના સર્જનો દ્વારા એમના પ્રભાવક જીવનનો ચિતાર વાચકને મળે છે.
        ઉચી કોટિની સર્જકતા ઘરાવતા ઉમાશંકર જોશી  પાસેથી વાર્તાકળાની દ્રષ્ટિએ સમૃધ્ધ અનેક વાર્તાઓ મળે છે. ‘મારી ચંપાનો વર’, ‘ગુજરીની ગોદડી’, ‘ઝાકળિયું’, ‘શ્રાવણી મેળો’, ‘પગલીનો પાડનાર’, ‘લોહી તરસ્યો’, ‘છેલ્લું છાણું’ વગેરે એમની ઉત્તમ પ્રસિઘ્ઘ વાર્તાઓ છે. એક ઉત્કૃષ્ટ વાર્તાકાર તરીકેનો તેમનો પરિચય મેળવવા માટે ‘શ્રાવણી મેળો’ નામની વાર્તાનો આસ્વાદ કરાવવાનો  અહીં ઉપક્રમ છે.
        શ્રાવણ મહીનાના છેલ્લા રવિવારે ત્રણ ડુંગરોની વચ્ચે ભરાતા મેળાના આનંદ-ઉલ્લાસના વાતાવરણથી આરંભાતી આ વાર્તા અંતે તદ્દન ભિન્ન એવી કરુણાંતિકા સર્જીને પૂરી થાય છે. મેળામાં આવતી વનકન્યાઓ પોતાના કોડ લઈને આવતી અને કોઇ યોગ્ય સાથી મળી જતાં તેનો હાથ જાલીને પોતાની પસંદગીનો કળશ એની ઉપર ઢોળી એક જ જીવનપથ પર ચાલી નીકળતી. આવી અનોખી રસમમાં વાર્તાના નાયક-નાયિકા (દેવો-અંબી) પણ રંગાય છે અને એકમેકનો હાથ ઝાલીને ભાવિજીવનના સ્વપ્નાઓ સાથે ચાલી નીકળે છે. અહીં દેવા અને અંબીનો થનગનાટ જોતા કોઇપણ વાચક તેમનાં સુખી દાંપત્યની કલ્પના કર્યા વિના રહી શકતો નથી પણ અહીં વાર્તામાં વાચકની તમામ ભાવિ કલ્પનાઓ પોકળ સાબિત થાય છે અને માત્ર અણઘાર્યા વળાંકો જ વાર્તાપ્રવાહને ક્યાંય દૂર સુઘી ઢસડી જાય છે. વરસાદ વરસતી વાટે બંને યૌવન હૈયા ઝાડની નીચે ઊભા ઊભા એકમેકમાં ખોવાઈ જાય છે. તે જ પળે ત્યાંથી ટટ્ટુ પર પસાર થતાં વીરચંદ શેઠ દેવાના મનમાં તેની વાસ્તવિક સ્થિતિના ઝેરને ઢોળતાં જાય છે જેના પરિણામે દેવો વિચલીત બને છે અને સુખી લગ્નજીવનનાં સપનાં જોતી અંબીને વીરચંદ શેઠ અને પોતાના વચ્ચે થયેલી કોઇ વાત જણાવતો નથી એટલું જ નહીં તે અંબીને વીરચંદ શેઠ ભલા માણસ હોવાનું જણાવે છે.
        માનસિક રીતે વ્યથિત થયેલો દેવો પોતાના બાપ કાના તરારે ગીરો મુકેલી પોતાની જમીન અને તેને પચાવી પાડવા મથતા વીરચંદ શેઠનો તોડ કાઢવાનું જ વિચારતો રહે છે. પોતાના બાપાને પોતાના પર કેટલો અખૂટ વિશ્વાસ હતો અને પોતે લગ્ન ન કરવાનું પ્રણ લઇને બેઠેલો આ શું કરી બેઠો એવા વિચારોથી રઘવાયો બની બેસે છે. વીરચંદ શેઠે કામ સોંપ્યું છે તેવું કહીને દેવો અંબીને મેળામાં પાછી લઇને જાય છે જેની પાછળનો એનો હેતુ તેના મનમાં ઘુમરાતા વિચારોથી દૂર થવાનો જ હતો. વળી, મેળામાં બંગડી ખરીદતાં અંબી તેની ગોઠણ સોનાને મળવા દેવાથી દૂર જાય છે અને અહીંથી આ બંને પાત્રોને જોજનો દૂર થઇ જતાં લેખકે દર્શાવ્યાં છે.
        અંબીના આવવાની રાહ જોઇને થાકેલો, એથી વિશેષ તો હારેલો દેવો પોતાના ગામ આડે આવતી નદીમાં ડુબી મરવાના વિચાર સાથે પડે છે તેમ છતાંયે  એ સામા કિનારે પહોંચે છે ત્યારે એને એના જીવતા રહેવા પર અને પોતાની તરવાની કળા પર અનહદ ક્રોધ ઉપજે છે.  આમ આવા અનેક મનોસંઘર્ષોને પરિણામે ક્રોધાગ્નિમાં બળતો દેવો અંતે ઘેર જઇને જીવતર દોજખ કરનાર વીરચંદ શેઠની હત્યા કરી નાંખે છે અને જેલવાસ વ્હોરી લે છે. અલબત્ત, આની વિશેષ છણાવટ લેખકે વાર્તામાં કરી નથી અને એની આવશ્યકતા પણ જણાતી નથી. આમ, વાર્તા એક અત્યંત અણધાર્યો કરુણાંત પામે છે.
        પ્રસ્તુત વાર્તામાંની પાત્રસૃષ્ટિનો અભ્યાસ કરીએ તો સમગ્ર પાત્રોની રચનામાં એક નાટ્યાત્મકતા આણી હોય એવું પ્રતીત થાય છે. પોતાના દિકરા દેવા પર અખૂટ શ્રધ્ધા રાખનાર કાના તરારે ભવિષ્યની જરા પણ ચિંતા કર્યા વગર શેઠ વીરચંદ પાસેથી જમીનના બદલામાં ઋણ લીધેલું છતાં પણ તે શેઠને કહી સંભળાવતાં જરાય અચકાયેલો નહીં. પોતાના બાપની શ્રધ્ધાને ટકાવી રાખવા દેવો પરણવાનો વિચાર માંડી વાળે છે.
‘મારે પેરવા નથી ઝુલડી કે ની આઉં મેળામાં’
પ્રસ્તુત પંકિત દ્વારા દેવાની કરુણતા રજુ થાય છે. મેળામાં ન જાનારો દેવો માત્ર ચગડોળમાં થોડી વાર ફરી આવવાની ઇચ્છા સાથે મેળે જાય છે તો બીજી બાજુ અંબી પણ પોતાની ગોઠણ સોના સાથે મેળામાં જાય છે. મેળામાં પાવો વગાડતા દેવાને જોઇને અંબી દેવાની પાવો વગાડવાની કળા પર વારી જાય છે. બંનેની આંખો એકમેકને મળતાં જ તેઓ અન્યોન્ય જીવનના કોડ પૂરા કરવાનું નક્કી કરી આગળ વધે છે પણ એમાં મહત્વની ભૂમિકા લેખકે સોનાના પાત્ર પાસે પણ ભજવાઇ છે. સોનાનું પાત્ર વાર્તામાં નાનું છતાંય અતિ મૂલ્યવાન ભાસે છે. નાયક-નાયિકાના પ્રણયભાવની આડે લેખકે ખલનાયક તરીકેનું પાત્ર વીરચંદ શેઠનું મૂક્યું છે. જે વાર્તામાંની પોતાની નાનકડી હાજરી અને ઓછા સંવાદો છતાં પણ વાર્તાના પ્રવાહને તદ્દન અણધારી દિશા તરફ વાળી મૂકે છે. આમ મુખ્યત્વે ચાર પાત્રો ઉપરાંત વીરચંદ શેઠના દિકરાઓ તથા અંબીની મૃત માતાના પાત્રની માત્ર એક લીટીના આછા પરિચય સાથેના ગૌણ પાત્રો દ્વારા લેખકે કૃતિને આહ્લાદક ઓપ આપ્યો છે.
 વાર્તામાં સંઘર્ષની વાત કરીએ તો વીરચંદ શેઠના આગમનથી જ તે આરંભાય છે. એકમેકમાં મસ્ત બનીને જીવતાં દેવા-અંબીને જાણે ખલેલ પહોંચાડવા જ એ ન સર્જાયું હોય! શેઠનું આગમન દેવાના પ્રણય પૂરતું જ નહીં, પણ સમગ્ર જીવનમાં પ્રચંડ ઝંઝાવાત લાવનારું સાબીત થાય છે. ટટ્ટુ પરથી પસાર થતાં શેઠ, ‘આ જરી પડી ગયું છે તે આપને’ કહીને દેવાને પાસે બોલાવીને અનેક કટુ વચનો સંભળાવે છે. શેઠ દ્વારા બોલાયેલા તીખા વાક્યોની સચોટ અસર છતી કરવા લેખકે દેવાની મનોસ્થિતિનું વર્ણન કંઇક આમ કર્યું છે: ‘‘નીચેથી એક દશ શેરીયો ઉપાડીને જ વાત કરત પણ ‘એને(અંબીને) લીધેસ્તો ’’ એમ બોલાય ત્યાં જ શેઠે સોટીથી વડ નીચે ઉભેલી અંબી તરફ ઈશારો કર્યો. આમ, વીરચંદ શેઠના વાર્તામાં થયેલા આગમનથી દેવાના મનમાં સંઘર્ષનો ઉદય થાય છે જે છેક વીરચંદ શેઠની હત્યા સુધી સતત ચાલતો જોવા મળે છે.
વાર્તાકાર વાર્તાને ‘Symbol’ ના સ્તરે નહીં પણ ‘Actual’ ના સ્તરે ગતિ કરાવતા જોવા મળે છે. ઘટનાની ભાવનાત્મકતા સિદ્ધ કર્યા પછી પણ તેના વ્યવહારીક સ્તરની સિદ્ધિનું વલણ દેખાય છે અને તેથી જ ‘Lyrical’ ની સાથે જ ‘Virtual’ પણ લેખકનું ધ્યેય રહે છે. આ ‘Virtual’ નું ધ્યેય સિદ્ધ કરવા જ જાણે શેઠની વિદાય પછીની ઘટનાઓ નિરૂપવી પડી છે. જેના પરિણામ રૂપે શેઠે ગીરવે રાખેલી જમીનનો પ્રસંગ દેવાના મનમાં જાણે ( ફ્લેશબૅક પદ્ધતિએ ) સજીવન થતો બતાવાયો છે. અંબીની પાસે પહોંચેલો દેવો શેઠના પ્રતાપે બદલાયેલો છે. હવે દેવાની ચિંતા લગ્નની વાત બહાર પડી જવાથી એક જ રહી છે કે, શેઠ ગામ-ઘેર પહોંચે તે પહેલાં પોતે પહોંચી જવું. આમ, ‘Timebound’ ( સમયબદ્ધ ) પરિસ્થિતીને લીધે એક પ્રકારની ‘Crisis’ ( કટોકટી ) ઉભી થયેલી જોઇ શકાય છે.
આ વાર્તા પ્રભાવક બની છે તેનું કારણ ઉમાશંકર જોશી પાસે વિષયવસ્તુને કલાઘાટ આપવા માટે અનિવાર્ય એવી કળાપ્રયુક્તિઓ યોજવાની દ્રષ્ટિ અને સામર્થ્યને ગણાવી શકાય. આમ, આ વાર્તામાં બે પરસ્પર વિરોધી પરિસ્થિતિને ‘Juxtapo’se’( જકસ્ટપોઝ-એકબીજાની પાસે પાસે મૂકવું ) કરીને લેખકે પાત્રની મનોસ્થિતિને વધારે વેધક રીતે આલેખી છે. શેઠ પ્રત્યેના ભારોભાર રોષ સાથે પણ દેવાને અંબી સાથે મીઠી-મીઠી વાતો કરવી પડે છે જે વિરોધાભાસી લાગણીઓ વચ્ચે સંતુલન કરવાની મથામણ કરતા દેવાનું એક યાદગાર ચિત્ર સર્જે છે. શેઠ પ્રત્યે તેને અનહદ ઝનુન ઉભરાયું છે છતાં પ્રગટપણે તો તેણે, ‘ભલો જીવ હોંકે’! એમ કહેવું પડે છે એ કેવો વિરોધાભાસ! વળી, પલંગના પાયા લેવા માટે ફરી મેળામાં જવાનું હોવાથી અત્યંત આનંદિત થઇને વાત કરતી અંબા અને તેમાં માનસિક રીતે ખળભળી ઊઠેલો તથા માત્ર હોંકારા પુરાવતો દેવો ઉમાશંકરની અનોખી પાત્રાલેખનકળાનો સુંદર પરિચય પણ કરાવે છે.

આમ, અત્યંત આશાસ્પદ લાગતું એક દેવા-અંબીનું ભાવિજીવન દેવાના મનમાં ચાલી રહેલા ગાઢ સંઘર્ષને કારણે અંતે રોળાઇ જાય છે અને વાર્તા કરુણ અંત તરફ ફંટાઇ જાય છે. લેખકે કુનેહપૂર્વક અહીં સામાન્ય માનવીના આશા-અરમાનના વિરોધે તેના જીવનના કઠોર વાસ્તવને દર્શાવીને એમાં રહેંસાઇ જતી જિન્દગીનું મર્મસ્પર્શી ચિત્ર આલેખ્યું છે, જે ભાવકના ચિત્ત ઉપર અમીટ છાપ છોડી જાય છે. માનવસંવેદના અને સંઘર્ષને કળાઘાટ આપતી આ વાર્તા ઉમાશંકર જોશીની વાર્તાકળાનો અવિસ્મરણીય પરિચય કરાવે છે એમ તો કહેવું જ રહ્યુ.

 

પ્રા.ભાર્ગવ પં. ભટ્ટ
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદ.
જિ- બનાસકાંઠા.

 

000000000

***