જુવારની રજોટી ધોવાઈ ન જાય એવી કાળજીપૂર્વક સર્જાયેલ ‘માવઠું’

નાવમા-દસમા દાયકાથી ટૂંકીવાર્તા ક્ષેત્રે સતત સર્જનરત રહી પોતાની ઓળખ પ્રગટાવતા અજિત ઠાકોરનો વાર્તાસંગ્રહ ‘તખુની વાર્તા’ રૂપે ૨૦૦૬માં પ્રગટ થયો છે. એ વાર્તાસંગ્રહ એમના સર્જનની ગુણવત્તાની પ્રતીતિ કરાવે છે. ૧૯૮૮થી વાર્તાક્ષેત્રે સક્રિય થનાર આ સર્જકની કલમ હજુ પોતાની ધરની તાકાત બતાવી રહી છે. ટૂંકીવાર્તામાં નવી વિચારણા ‘પરિષ્કૃતિ’ રજૂ કરી, એ વિભાવનાની બહુપરિમાંણીય શક્યતાઓને એમની વાર્તા તાકતી રહી છે.
‘તખુની વાર્તા’માં તાખુની  વિવિધ ઉમરના ભાવજગતને આલેખ્યું છે. આ વાર્તાઓ જે અતીતને રજૂ કરે છે ઇ વર્તમાન સંદર્ભે જ. આ સંગ્રહની એક મહત્વનીવાર્તા ‘માવઠું’ છે.અજિત ઠાકોર ‘માવઠું’ શીર્ષક દ્વારા જે વ્યંજના પ્રગટ કરવા ઈચ્છે છે તે આ વાર્તામાં બનતી પ્રકૃતિની ઘટના અને દિયર-ભોજાઇ વચ્છે જન્મેલી, પરિણામ સુધી પહોચતા બચી ગયેલી એવી ઘટના દ્વારા વ્યંજિત થાય છે. સર્જકે ‘માવઠું’ના પ્રતીક દ્વારા જાતીયતાના સંદર્ભને ઉપસાવવાનો  પ્રયત્ન કર્યો છે.
‘માવઠું’ વાર્તાનો વિશેષ તેના તળપદ પરિવેશમાં પડેલો છે. ગ્રામજીવનને પરિતોષતી સીધીસાદી સરળ શૈલી વાર્તામાં જાતીયતાને ખીલવવામાં વધુ ઉપકારક પુરવાર થઇ છે. વાર્તામાં ઝીણી ઝીણી વિગતો ઘૂંટીઘૂંટીને સૂક્ષ્મતાપૂર્વક સર્જકે જાતીય માહોલ રચ્યો છે. માનવજીવનના શારીરિક મનોવિજ્ઞાનના વાસ્તવ દર્શનના માધ્યમથી જીવતા જીવનની વાસ્તવિકતાનું નિરૂપણ અહીં પ્રકૃતિસહજ લાગે છે. મનુષ્યના ભાવો અને એષણાઓનુંચિત્ર ખડું થાય છે. વાર્તાની રચનાપ્રક્રિયા રહસ્યગર્ભને  પોતાની અંદર સૂક્ષ્મતાથી છુપાવી દે છે. લેખકે સંકેતોથી કામ લીધું છે.
દિયર-ભોજાઇના સંબંધને વાર્તાકારે કલાત્મક રૂપ આપ્યું છે. દિયર પોતાની યૌવનસહજ વૃત્તિને રોકી શકતો નથી, કદાચ એટલે જ એ વેકેશન ન હોવા છતાં વાંચવાની રજામાં ઘરે આવ્યો કારણ કે-
“આ વખતે હોસ્ટેલ-મેસની ચપાતી કરડી કરડી કંટાળ્યો. ઇન્ટરનલ પતિ એટલે થયું : એન્યુઅલને મહિનોક વાર છે તે બેચાર દા’ડા જરા ઘેર જતો આવું. પછી કૈં પટ્ટી નૈં પડે. આખું વરહ મુનશીની કાકાની શશી ને શશીના કાકા ઉર્ફે કનૈયાલાલની લીલાવતી ને લીલાવતીના કનૈયાલાલ કરતાં કરતાં માથું પાકી ગયું છે તે જરા ચેન્જ રહેશે”
અને એટલું જ નહીં એને બદલાયેલી પરિસ્થિતિ અને બદલાયેલી ભાભીની ગંધ પણ આવી ગય છે. ભાભી જ કદાચ એને આકર્ષે છે. એ પણ આકર્ષાયો છે અને એના આકર્ષણનું મૂળ એ દિવાળીએ આવેલ ત્યારે જ અનુભવેલ : “જોકે દિવાળીએ જતી ફેરા જ એના અણહારા આવી ગયેલા. નહીતર આગલી ફેરા કૉલેજમાં દાખલ થવા ગયેલો ત્યારે કૂખે ચૂંટિયો ને દિવાળી પર તો નેણાં ઝુકાવીને જ : આવજો ! એવું કેમ ? ભાભીએ ખાલી નેણાં જ ઝુકાવેલા એવું નૈં ડાબા અંગૂઠે ભોય હો ખોતરવા માંડેલી. ખોતરતાં ખોતરતાં સોપારી જેવો કાંકરો નડ્યો તે ઉખેડી હળવી ઠોકરે ગબડાવી મેલેલો. ગબડાવી મેલેલો તો એવો ગબડાવી મેલેલો કે સીધ્ધો મારા જમણા અંગૂઠે આવીને અટકેલો. મેં જરી અટકી અંગૂઠા તળે દાબવા જોર કરેલું તો અંગૂઠો તો ઝઝરી ઉઠેલો. સાલો જબરો કઠણો દેખું ને !”
દિવાળીએ આવેલ ગંધને કારણે, થોડું ચેન્જ કરવા આવેલ નાયક શહેર મૂકીને આવ્યો છે અને અહી આવ્યો છે તો બધું ગામડાનું માણી લેવા માંગે છે. અને એટલે જ એ દાતણ કરવું, કાથીની ખાટલીમાં આળોટવું વગેરે ક્રિયાઓ કરે છે. એમાં પણ નાયકની ભીતર સળવળી ઊઠેલ જાતીયતાની ભૂખનો સંકેત થયો છે. એના આવવાથી અને એને જોઈ ભાભી પણ બદલાય છે. કદાચ એની પણ અતૃપ્તિ જાગી ઊઠી છે, આળસ મરડી બેથી થઈ ગઈ છે. જુઓ- “ભાભીનો હાથ પૂંઠે કેમ ફરે છે ? આંખ કેમ ઈજમેટિયા પાનના બીડા જેવી ? અંદરબહાર બધું રવરવ રવરવ કેમ થાય ? હસતા વંકુડિયા હોઠ...”
આવા બદલાયેલા બંનેના માનસ છે. જે મૂળ ઘટના ઘટવાની છે દિયર-ભોજાઈ વચ્ચે, એ ઘટનાના બીજ પણ વાર્તાના આરંભની એક ઘટનામાં પડેલા જોઈ શકાય છે. એ વાર્તામાં આગળ  બનવાની હકીકતને છતી કરે છે. ભાભી પોતાનો દિયર ખાટલીમાં સુતો છે ત્યાં એની મજાક કરે છે એમાં વાર્તાની મુખ્ય ઘટનાનું બીજારોપણ થાય છે : “ભાભી મારા ગમી ઉંદરિયું હિલ્લોળવા લાગ્યા. એ ખસ્યું પતરું. એ કૂદ્યો મારા પર. હાથ ઝંઝેરું. ચારસો ઉસેટું. ઉંદર કૂદીને ભાભી પર. ભાભીએ ચીસ પાડી : આ હગલાને ઝંઝેરો કોઈ ! કબજા પરનો પાલવ ઊંચોનીચો  થતો જોઈ મેં ઝાપટ મારી.પાલવમાં ગૂંચાયેલો ગભરાયેલો ઉંદર કૂદીને કોઢારિયાની ભીંતના દરમાં... જોંઉ તો છાતી પર લાલમલાલ ન્હોરિયા ! ભાભી શરમાઇને પાલવ સરખો કરતાં ત્રાંસી નજરે કહે : અ’વે મારા દિયરજીનો માંડવો બંધાવવાનું કે’વું પડહે ગલાબબાને ! મેં ભાભીજીની કાનની બૂટ ઝાલી લીધી. ઉફાડે ચડેલી ગાય વાછડાને જોઇને ડાહીડમરી થઇ જાય એમ ભાભી શાંત થઇ ગયાં.”
આ ઘટનાના વર્ણનમાં જાતીયતાનું નિરૂપણ જોઇ શકાય છે. દિયર અને ભાભી બન્ને કદાચ એકબીજાને પામી ગયાં છે. ભાભી તો પોતાનાં પતિ અને દિયર બન્નેને સરખાં જ ગણે છે અને એટલે જ એ કહે છે કે મારેમન તો તમારા ભાઇ ને તમે બંને હરખા ! નાયક દાતણ કરવા બેસે છે અને ભાભી ‘હોઠ મરડી’ને કહે છે કે દાતણ તો અમારીજેવા ગામડિયાને ફાવે. અહીં આ વક્યોમાં ભાભીનો ભાવ છતો થાય છે. નાયક ચા પીવા બેસે છે, ને એ જ સમયે ભાભી નાવણિયામાં પેસે છે. લૂગડાં ભૂલીને નાવણિયામાં ગયેલી ભાભીને લૂગડાં આપવા ગયેલો તરૂણ ભાભીના શરીરને પણ નિરખી લે છે. તે દર્શનના સમાન સાદૃશ્ય રૂપે તેનાં મનમાં પ્રગટેલ વિચારો નયકના મનોગતને ખોલી આપે છે જુઓ – “કરાંઠીની શામળી ટટ્ટીમાંથી ઉજમાળી કાયા ઝરે. ઝરે રે કાયાનો મીઠો મધપૂડો. ઝરતી કાયાની ઊડે ઝેણ રે. ઊડી ઊડીને વાગે ઝેણ હોઠને.
ઊઠીને લૂગડાં પેલી કોર મૂકું. પાણીમાં તણાતા રેશમ વાળ. લાવ, કસકસાવી આંગળીએ વીંટું. નૈ આગળની લટ ઉખેડીને વીંટું.”
તો ચામાં મકોડો પડે3 છે અને ભાભી વાળ કોરા કરતા કરતા જ બહાર આવે છે ને જે બને છે ત્યાં પણ સંકેત છે, ઉકેલી જુઓ : “ભાભી વાળ કોરા કરવા પાછળ ઉલાળતા આવે. મંકોડો તર્જની પર લે. ગભરયેલો મંકોડો મોં ઊંચુનીચું કરે, પંજાથી મોં પરના બંને ડંખ સાફ કરે. ભાભી મસ્તીમાં અંગૂઠે કરી પગ દબાવે : ઓ માં રે ! જોઉં તો આંગળી પર ચોંટી ગયેલો.”
જમવામાં બાએ બંને ભાઇઓને ભાવતાં, એકબીજને ન ભાવતાં શાક ભેગા રાંધ્યાં છે. આહીં પણ સૂચક રીતે સંકેતોની મદદથી સર્જકે વાર્તાની કલાને ખીલવી છે. તો ભાઇની બીડી સળગાવવા ગયેલ નાયકને ‘બીડી સળગતી રખવા’ ભાભી જ દમ મારવાનું કહે છે. છતાં ભાઇ સુધી પહોંચેલી બીડી ભાઇથી સળગતી નથી. તો ભાઇની એઠી ચા નાયક કમને પણ પીવા તૈયાર થાય છે, ભાભી એને જણે મજબૂર કરે છે એઠી ચા પીવા. પરંતુ ચા હજુ પીવે એ પેલા જ વંટોળિયો આવી ચડે છે ને એઠી ચા પડતી મૂકવી પડે છે તેમાં ‘કસ્તર-ધૂળ’ પડવાના કરણે. સંકેતોની ભરમારનું ‘માવઠું’ જાણે વાર્તામાં મંડાયું છે. તો બીજી બાજુ વંટોળ ચડી આવ્યો છે. ડમરીનું વર્ણન પણ જીવંત થયું છે. ડમરી ચડવાની સાથે જ એક કરતાં વધુ ઘટનાઓ એકસાથે બની જાય છે, ભાઇ ખળીમાં દોડી જાય છે. ભાભી વાડામાં દોડી જાય છે. ભાઇ, વજેસંગનું છાપરું ઉડે છે. વરસાદ પણ શરુ થાય છે. ભાઇ ઊડી ગયેલ છાપરાનો શામાન લેવા દોડે છે. નાયક દોડીને ઘરમાં ભરાય છે. ભાભી પણ ઊડી ગયેલા કપડાં ભેગા કરી લઇને ઘરમાં આવે છે. ઘરમાં પણ ધૂળ ન પેસી જાય માટે ભાભી નાયકને બારણું બંધ કરવાનું કહે છે, નાયક બારણું બંધ કરે છે. ભાભીનો પાલવ બારણાંમાં ફસાઈને ચીરાઇ જાય છે. ભાભી ઘૂમરીખાઇ સીધા જ નાયકઉપર પડે છે. અચાનક આવી પડેલી આ ક્ષણ બંનેને કોઇ વિચાર કરવાની તક આપતીનથી. બંનેની અંદરની જાતીય વૃત્તિ જાગી ઊઠે છે ને થોડી વાર માટે ભુલવી દે છે બંનેને પોતાના સંબંધો. પછી જે ઘટના ઘટે છે એ જ માવઠું. એ સમયે સર્જકે વર્ણવેલ દૃશ્ય જુઓ :
“ઊના ઊના શ્વાસમાં વીંટળાઉ. કબૂતર પાંખ ફફડાવે. ડોક બહાર કાઢે, પંપાળું, દીંટડીનું ખરબચડું બટન દબાવું. કળી ચૂંટું, મસળું, પૂંઠે ઘુમાવી ડોકે ચૂમું. કાનની બૂટથી ખભાના ઢોળવ લગી ચૂમીનીદીપાવલી પેટાવું.આગળ ઘુમાવી કમળ હથેળીની છાબડીમાં ઝીલું. સૂંઘું. અંધારામાં રાતીકળી ખીલવું, કઠ્ઠણ દીંટા છતીએ ઘસું. અગ્નિ ચેતવું. અંબોડો ઝાલી હોઠ ચૂસું. મોંમાં જીભ ફેરવું. જીભ જીભથી ચુસાય. કરડું. લોહી ચાખું. કમાન વાળી નાભિની અંધારી ગુફા ખોળું. ટેરવાં અડે ને ચકચક ઝરે. ગોઠણ પડી જીભ અડાડું. ઘૂંટડે ઘૂંટડે ખટુમડો રસ ગટગટાવું.
કેડેથી અધ્ધર કરે. કૂખમાં કીડી ચટકાવે. છતીએ ન્હોરિયાં ભરે. પીઠ પસવારે. હીસકારે હીસકારે છાતીમાં નાક રગડે. વાળમાં આંગળી ફેરવે. ચણિયાની દોરી ખેંચું. કેમ ખૂલતો નથી ? બૉ ઉતાવળો ! : અવાજ ઘોઘરો ઘેઘૂર ઘેનાયેલો. ગાંઠ પડી નક્કી. છોડવા તોડવા ઉધામાં કરું. થાનોલું ઊંચકી મોંમાં ધરે. ચૂસવા જાઉ... બગલેથી વાસ. અમૂંઝણ થાય. આ તો બગલ કે લૂમઝૂમ પીલૂડી ? વાછડું થાનમાં માંથું મારે એમ બગલમાં માંથું મારું. સૂંઘું. ગટગટાવું. પીલૂડા એક એક કરી દાંત વચ્ચે પટ ફોડું. મૂંઝાઉ. ભાભીના કાનની બૂટને વળગી પડું. બૂટ પસવારું. હળવે દબાવું....”
અહીં સર્જકે પ્રગટપણે રતિરાગનું નિરૂપણ, વર્ણન કર્યું છે. તે અશ્લીલ ન બને તેની પણ કાળજીપૂર્વક ખેવના કરી છે. સંયમ રાખ્યો છે. આ સંયમના કારણે જ વાર્તા, વર્તાનાયક ભાભી એક ભયસ્થાનમાંથી બચી ગયાં છે. અને વાર્તા સાદ્યંત આસ્વાદ્ય બની રહી છે. અંતમાં આ વાર્તા સંદર્ભે મોહન પરમાર ‘૧૯૯૪ની શ્રેષ્ઠ વાર્તાઓ’ સંપાદનમાં નોંધે છે તે જોઈએ : “માવઠું એટલે ક્મોસમનો વરસાદ. તો  ખરેખર કમોસમનો  વરસાદ થયો  છે ? કે પછી આવતાં આવતાં રહી ગયો ? ભાભીના વિધાનોમાં આ વાતની પ્રતીતિ થતી જણાય છે. શિવપાર્વતીના ગોખલામાંથી ઉછળીને પડેલું લિંગ ભાભી આંખે અડાડે, ફોટો ચતો કરે, લૂગડાંથી માથું ઓઢવા મથે- ભાભીની આ ક્રિયાઓમાં પલટાયેલા સંજોગોના ઈંગિતો છે. બા કહે છે : “જુવારની રજોટી ધોઈ નાખે એવું ની ઉતું એટલે જુવાર તો બચી ગઈ ! જુવારનો સંદર્ભ નાયક કોરો રહ્યો તેની સાથે છે. બાને જે પ્રત્યક્ષ દેખાય છે તે વિષે વાત કરીને એ માવઠામાં રસાય છે પણ ગોપિત વિગતો ભાભી અને કથાનાયક ‘હું’ના આંતર મનમાં પડેલી છે. કથાનાયક માવઠું થયા પછી બધું ઉબાઈ ગયાનો અનુભવ કરે છે. અહી તેની માનસિક પ્રક્રિયા પલટાવવામાં કતાનાયાકના માંનોમંથનો કરતાં વાતાવરણના પરિવર્તનમાં વાર્તાકારે નિજી વર્તાકલા ઉપસાવવાનો ઉદ્યમ કર્યો છે. નાયક ગામ છોડીને શહેરમાં જવા તત્પર બને ત્યારે બાના શબ્દોમાં કહીએ તો : ‘ચારેક દા’ડા રે’વાનો અતો ને હું થ્યું પાછુ ?’માં સમાયેલો ગુઢાર્થ અંતે તો ભાવકને સમજયા વિના રહેતો નથી. ભાભીની પલાટાયેલી વૃત્તિમાં રસાતા જવાનું નાયક માટે હવે સહજ રહ્યું નથી. સૃષ્ટિની પરિવર્તનશીલતા કેવી આકસ્મિક છે તેનાં નિર્દેશો કથાનાયકની પલાયન વૃત્તિમાં પડેલાં છે. તેમની પલાયનવૃત્તિમાં પાછળ જે મહત્વનું કારણ છે તે લેખકે ટૂંકીવાર્તાના ક્રિયાતંત્રની ચુસ્તતા જાળવવા માટે અધ્યાહાર રાખીને પણ વાર્તાને વધુ સૂક્ષ્મ બનાવી છે. આ સૂક્ષ્મતા કૃતિનાં આંતરગર્ભમાંથી પ્રગટી આવી છે તેથી દાદને પાત્ર છે. દિયર-ભાભીના સંબંધમાં બે સ્તરે સંવેદનો પ્રગટ્યાં છે. ભાભી-દિયરની માતાપુત્ર અને પ્રેયસી-પ્રિયતમની સંધિસ્થાનમૂલ સંવેદના પાવાગઢના પતઈ-કાલિકાની મધ્યકાલીન કથા સંદર્ભે પ્રગટી છે.”

 

ડૉ. ભરત એમ. મકવાણા
વ્યાખ્યાતા સહાયક,
ગવર્મેન્ટ આર્ટ્સ & કોમર્સ કૉલેજ,
રાપર-કચ્છ

000000000

***