વિષયમાં પ્રવેશ કરીએ એ પહેલા અનુ-આધુનિક શબ્દને પણ સ્પષ્ટ કરવો જરૂરી બને એવો માહૌલ ગુજરાતી સાહિત્યમાં પ્રવર્તે છે. પશ્ચિમમાં મોર્ડન અને પછીના સાહિત્યને પોસ્ટ મોર્ડન- એવી સંજ્ઞા વપરાઈ છે. એથીએ આગળ વધીને પોસ્ટ-પોસ્ટ મોર્ડન એવી સંજ્ઞા પણ હવે પ્રયોજાવા લાગી છે. પણ પશ્ચિમમાં જે અર્થમાં પોસ્ટ મોર્ડન લિટરેચર સંજ્ઞા વપરાય છે, તે જ સ્વરૂપે આપણે અનુ-આધુનિક એવી સંજ્ઞા પ્રયોજતા નથી. આપણે ત્યાં બે-ચાર લાક્ષણિકતાનો સ્વીકાર કરીને ચલાવ્યું છે. ચંદ્રકાન્ત ટોપીવાળા અને સુમન શાહે પોતાના પુસ્તકોમાં વિગતે તો બીજા જાગૃત વિવેચકોએ છૂટક લેખોમાં એ વિશે વિગતે ચર્ચા-વિચારણા કરી છે. મણિલાલ હ. પટેલ, અજિત ઠાકોર, બાબુ સુથાર, જયેશ ભોગાયતા, ગણેશ દેવી, કિરીટ દૂધાત, ઇલા નાયક, શરીફા વીજાળીવાળા- વગેરેએ એ દિશામાં મજબૂત પ્રયાસો કર્યા છે.
ખાસ કરીને હાંસીયામાં ધકેલાયેલાઓનું સાહિત્ય(રંગભેદ, નારીવાદી, દલિત કે શોષિતોનું), મૂળ તરફ લઈ જતું તળનું સાહિત્ય, જેમાં વિશ્વ માનવ નહીં પણ જ્યાં એ સ્વસે છે, જીવે છે ત્યાંનું સાહિત્ય, એક કેન્દ્રનું નહીં પણ અનેક કેન્દ્રોમાં વિસ્તરતું, વિકેન્દ્રિકરણાં ખસતું સાહિત્ય, ડાયસ્પોરા સાહિત્ય- જેવા કેન્દ્રો ફરતે વિસ્તરતાં સાહિત્યને અનુઆધુનિક સંજ્ઞાથી ઓળખવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.
આધુનક સાહિત્યના કેન્દ્રમાં બે વાત મુખ્ય હતી- ઈશ્વરના અસ્તિત્વનું તિરોધાન કે લોપ અને સ્વ-ની સ્થાપના. વિવિધ વાદ-વિચારણાઓ અને વિદ્રોહી મનઃ સ્થિતીમાંથી જન્મેલા આધુનિક સાહિત્યએ આસપાસના સંદર્ભો, આસપાસનો સમાજ, ઇતિહાસ-પરંપરાનો ક્રમશઃ છેદ ઉડાડતા જઈ વ્યક્તિમત્તાનો રાજ્યાભિષેક કર્યો. બાહ્ય વિસ્તરણ છોડીને માનવચિત્તના અતલ ઊંડાણોને તાગવાની મથામણ કરી, સાથોસાથ વિદ્રોહના ભાગ રૂપે અરૂઢ પ્રયુક્તિઓ, માધ્યમનો અ-પૂર્વ ઉપયોગ જેવી બાબતો પર ભાર મુકાયો અને લગભગ વિશ્વભરના સાહિત્યને સ્પર્શે એવા સ્થિત્યંતર જન્માવ્યાં.
વાત ગુજરાતી સાહિત્ય પૂરતી મર્યાદીત રાખીએ તો આધુનિક ગુજરાતી સાહિત્ય અને પછીના સમયની વાર્તાઓની પ્રમુખ લાક્ષણિકતાઓ જોઈએ-
આધુનિક ટૂંકી વાર્તામાં કલાપદાર્થ નીપજાવવાની મથામણ છે, એ માટે રૂપરચના, આકાર અને એને નીપજાવવા માટે વિવિધ પ્રયુક્તિઓ અને પ્રયોગોને આવકારે છે. સમાજ અને આસપાસની સંસ્કૃતિ કે પરંપરાથી વિચ્છેદ ઈચ્છે છે. કેમકે, એના પર અનાસ્થા જન્મી છે.- જે કંઈ શ્રદ્ધા મુકવા જેવી બાબત લાગી છે તે સ્વ-ના વ્યક્તિત્વ પર. અસ્તિત્વ પર.- એની સામે અનુઆધુનિકોનું વલણ બદલાયું છે. એ પાછો પોતાને પોતાના સમાજ સાથે સાંકળીને એમાં પોતાનું અસ્તિત્વ ખોળવાની દીશા પકડે છે. પોતાના મૂળ-કૂળ, આસપાસનો પરિવેશ, પ્રશ્નો, પોતાનું ખોવાયેલ વ્યક્તિત્વ ને પરંપરામાં પોતાના હોવાની સ્થાપના કરવા ઈચ્છે.
આધુનિકોના મૂળમાં વિદ્રોહની ભાવના છે. રોમેન્ટિસિઝમના પ્રતિકારરૂપે, ચર્ચ અને એની આસપાસની શ્રદ્ધામાં પડેલા ભંગને કારણે જન્મેલી અસહાયતાને કારણે એ પરંપરાને છોડવા, તોડવા, નવું સર્જવા, નવી પહેચાન ઊભી કરવા સાથે પોતાના અસ્તિત્વનો અર્થ શોધવા તરફ ગતિ કરે છે ને એ માટે થઈને એ પોતાની ભાષા, પોતાની પરંપરા, પ્રતીકો, રૂઢ અર્થો, સ્વરૂપો આદિ સર્વનો ત્યાગ કરી નવી દિશા શોધવાની મથામણ કરે છે.- એની સામે નવી શ્રદ્ધા સાથે પરંપરા અને આધુનિક ગાળામાં નીપજેલા શુદ્ધ કલાપદાર્થના આસ્વાદ્ય પીંડને પણ એ નવેસરથી પોતાની રીતે, પોતાની સ્વસ્થ અનુભૂતિ સાથે મુકવા પ્રવૃત્ત થાય છે.
આધુનિકોએ કરેલા પ્રયોગો, પ્રયુક્તિઓના ઠઠારાઓ છોડી ફરીથી પરંપરાગત રીતે, ભાવકનેય જાણીતી છે એવી રીતે પણ કલાના ધોરણોને પણ જાળવી રાખવાની સભાનતા સાથે અનુઆધુનિકો પ્રવૃત્ત થાય છે. આવા પ્રયાસોને કોઈએ પરિસ્કૃત તો કોઈએ પ્રતિબદ્ધ સાહિત્ય જેવા નામે ઓળખાવવાના પ્રયાસો કર્યા છે.
અનુઆધુનિક સાહિત્યકારોની ટૂંકી વાર્તાઓમાં પણ આધુનિક ગાળાની પ્રયુક્તિઓ- સન્નિધિકરણ, પ્રતીક, કલ્પન, કપોળકલ્પના, ફ્લેસબેકથી માંડી વિવિધ કથનકેન્દ્રોના પ્રયોગોનો ઉપયોગ થાય છે. થોડાં રૂપભેદે મનઃસંચલનોનું આલેખન પણ જોવા મળે છે. પણ આ બધાના કેન્દ્રમાં પ્રયોગવૃત્તિ ઓછી ને બીજા સાથે કનેક્ટ થવાનું, સામે છેડે ભલે દૂર તો દૂર પણ ભાવકની હાજરીનો સ્વીકાર રહેલો છે. આધુનિકોએ કલાકૃતિને જ સર્વોપરી ગણી હતી. એમાં કલાકાર અને ભાવક બંને ગૌણ હતા. ખાસ કરીને ભાવકની અવગણનાને પણ કેટલાક આધુનિકોએ પોતાનો વિશેષ ગણ્યો હતો.
આધુનિક ગુજરાતી વાર્તાકારે આસપાસના પરિવેશને, આસપાસના સમાજને, પોતાની બોલીને, અરે પોતાની આસપાસ ઘટતી મોટી મોટી ઘટનાઓને પણ અવગણીને વ્યક્તિચેતનાના સંવેદનો, વિશ્વચેતનાના સંવેદનો, વૈશ્વિક પ્રવાહો અને વિચારસરણી સાથે પોતાને જોડવા પ્રયાસ કર્યો હતો. તો એની સામે અનુઆધુનક લેખક એવા વ્યાપક ફલકને તાકવાને બદલે તળને આલેખવા તરફ વળે છે.
કેટલાક અનુઆધુનિક લેખકોમાં પણ પ્રયોગશીલ વલણ રહેલું છે. એ કથનરીતિ, સન્નિધિકરણ, આધુનિક ઉપકરણોની સામેલગીરી, બોલીનો બળકટ અને ટોટલ વિનિયોગ, પત્ર શૈલી, નિબંધ શૈલી,અહેવાલ શૈલી, ફેન્ટસી, ઓઠા-શૈલી, પુરાણકથાઓની શૈલી, ફ્લેશ બેક, સિનેમાની શૈલી જેવા ઉપકરણો પ્રયોજીને વાર્તા નીપજાવવાની મથામણ કરતા જોવા મળે છે.
અનુઆધુનકોએ પોતાની આસપાસનો સ્વીકાર કર્યો એટલે સ્વાભાવિક જ જ્ઞાતિ-જાતિ, રીત-રિવાજો, ઊંચ-નીચના વાડા, બોલીના વિવિધ સ્તરો, ન્યાય-અન્યાયના પ્રસંગો, આસપાસની ભૂગોળ, સંસ્કૃતિ, મૂલ્યો, મૂલ્યહનન, જડ સામાજિક માળખાઓ અને સમસ્યાઓ, પુરુષ-સ્ત્રીની અસમાનતાના પ્રશ્નો, વંચિત, દુરિત, સંપ્રદાયોથી માંડી આધુનિક ફૅશનો અને ભૌતિકવાદી દોડ-બધું જ વાર્તાની સામગ્રીરૂપે, ક્યારેક અંતિમ ધ્યેયરૂપે ય આકારાવા લાગ્યું છે. કેટલાક સભાન સર્જકો આ પ્રશ્નોની સાથો-સાથ આધુનિકગાળાનો આગ્રહ એવો કલાપદાર્થ સર્જવાની મથામણ પણ કરતા જણાય છે. પણ એ બહુ ઓછી માત્રામાં-એ પણ કહેવું પડે.
હજી વધારે વાત થઈ શકે. પણ કેટલીક વાર્તાઓને આધાર રાખીને અનુઆધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાઓમાં પ્રયુક્તિઓ વિશે વાત કરવા ધારું છું.
અજય રાવલે નોંધ્યું છે[1] તેમ 1982માં ભૂપેશ અધ્વર્યુના વાર્તાસંગ્રહ- હનુમાનલવકુશમિલનની વાર્તાઓ- વડ તેમ જ લીમડાનું સફેદ ઝાડ-જેવી વાર્તાઓ એના વિષયને લઈને જુદી પડેલી જણાય છે. એમાં તળપદી બોલી અને તત્કાલીન વાર્તાથી જૂદો પડતો પરિવેશ હતો. એ પછી તરત 1984માં કિરીટ દૂધાત બાપાની પીંપળ, દલપત ચૌહાણ- બદલો લઈને આવ્યા. આ વાર્તાની ભોંય બદલાયેલી છે. એમાં કળાકીય માવજતની સાથોસાથ બદલાયેલ સર્જકચિત્તનો અનુભવ થાય છે. પણ બળૂકો અવાજ અને તદ્દન જૂદી દિશામાં ગતિ કરતો હિમાંશી શેલતનો વાર્તાસંગ્રહ અન્તરાલ અને હરિકૃષ્ણ પાઠક મોરબંગલો વાર્તાસંગ્રહ લઈને આવે છે. એ જ વર્ષોમાં અજિત ઠાકોર વિ અને ભરત નાયક ગદ્યપર્વનો આરંભ બદલાયેલી વાર્તાઓ સાથે કરે છે. આ જ અરસામાં ગુજરાતી દલિત વાર્તા-નામે મોહન પરમાર અને હરીશ મંગલમ્-નું વાર્તાઓનું સંપાદન પણ પ્રગટ થાય છે.
આ વાર્તાનું કલેવર બદલનારાં નવ સર્જકો છે. એમાં વિષયવસ્તુ બદલાઈ ગયું છે. ઘટનાતિરોધાનનો વિરોધ તો શરુઆતથી જ થઈ ચૂકેલો. આ બદલાયેલી વાર્તાઓમાં ઘટનાઓ પાછી કેન્દ્રમાં આવે છે, પણ મોટો બદલાવ છે એ પરિવેશની અભિન્નતા. આધુનિકો તો નાયક-નાયિકાના નામ ભૂંસવા સુધી ને એની જગ્યાએ अ કે ब જેવા ન-નામથી, સમય અને સ્થળના ઈંગિતો પણ કાઢી નાંખીને વિસ્તરવા તરફ હતા-એની જગ્યાએ આ નવા વાર્તાકારોએ પોતાની આસપાસની ભૂગોળને, પોતાના જ્ઞાતિ-જાતિ વિશેષને, પોતાના અસ્તિત્વની સમાજસંદર્ભે શોધ અર્થે, પોતાની આસપાસના પ્રશ્નો, પોતાની આસપાસની પ્રકૃતિ, પોતાની આસપાસના માહૌલને કેન્દ્રમાં રાખીને વાર્તા સર્જવાની દિશામાં કદમ માંડ્યાં.
પરિવેશ આવે છે ત્યારે ઘણું બધું એની સાથે ગૂંથાઈને આવતું હોય છે. પરંપરા તો ખરી જ, સાથો સાથ પ્રદેશભેદ, સામાજિક દરજ્જો, બોલી, ચોક્કસ સમસ્યાઓ, ચોક્કસ વિચારો અને સ્થાનિક કક્ષાએ પ્રવર્તતા મૂલ્યોના સ્વીકાર-અસ્વીકાર પણ એમાં આવી જતું હોય છે. જેમ કે, મોહન પરમાર, દલપત ચૌહાણ, હરીશ મંગલમ જેવા વાર્તાકારોએ હરિજનવાસ, સવર્ણોની જોહુકમી, દલિતપણાનો સતત પીડતો અહેસાસ, આભડછેટ અને શોષણના પ્રશ્નો, ઉચ્ચ વર્ગો પ્રત્યેનો મુખર આક્રોશ જેવા વિષયો સાહિત્યમાં નવી રીતે, પહેલીવાર પ્રયોજાવાની શરુઆત થાય છે.
આધુનિક વાર્તાકાર ભાષાને વાહનના બદલે વાર્તાના જ એક ઘટક તરીકે પ્રયોજવાનું વલણ દાખવે છે. પણ આ નવો વાર્તાકાર-અનુઆધુનિક વાર્તાકાર એટલો આગ્રહી નથી. એ તો ભાવકનો સીધો સ્વીકાર કરે છે, એટલું જ નહીં પોતાની સમસ્યાનો, પોતાના દર્શનને, પોતાની વાતને સામેના સુધી પહોંચાડવાના જ ઈરાદાથી સક્રિય થયો હોઈ ભાષા એ કથનનું માધ્યમ બને છે. હા,બોલીની ચોક્કસ મર્યાદાઓ એને નડે છે. બીજા પ્રદેશ કે એ બોલીના ભાષક ન હોય એવા ભાવક માટે બોલી એક વ્યવધાનરૂપ બનતી હોવા છતાં એ પોતાની તળની, પોતાના મૂળની વાત કરવા ઈચ્છતો હોઈ એવી માધ્યમની મર્યાદાને છોડવા તૈયાર નથી. એટલે કથક અને પાત્ર બોલીના ભેદ ઊભા કરવા સભાન થાય છે- એ પણ નોંધવું રહ્યું. મોહન પરમાર, દલપત ચૌહાણ, ધર્માભાઈ શ્રીમાળી, હરીશ મંગલમ વગેરે.
સમાન્તરે શહેરમાં રહેતા કે નગરનાં જ જીવ હોય એવા વાર્તાકારોનો પ્રવાહ પણ છે. એ પણ પોતાની આસપાસની સમસ્યા, નગરજીવનના આંતરસંબંધોની સમસ્યાઓ, ભૌતિકવાદે આપેલા યાંત્રિક જીવનની સમસ્યાઓ, વિધવાઓ, નારીઓ, મજૂરો, આદિવાસીઓ, અપંગ કે અશક્તો-ની એક આખી મસમોટી વસાહતને પોતાની વાર્તાઓમાં રજૂ કરવા તરફની ગતિ કરે છે. એમાં પરિવેશ, એમાં બોલી અને શહેરી ભાષા, એમાં ક્યારેક પ્રતીકાત્મક તો ક્યારેક ભાષાના બીજા અલંકરણોને ખપમાં લઈને નીજી વિશ્વ આલેખવાનો પ્રયત્ન હિમાંશી શેલત, હરીશ નાગ્રેચા, રમેશ ર. દવે, સુમન શાહ, કંદર્પ દેસાઈ, પારુલ કંદર્પ દેસાઈ, રાજેન્દ્ર પટેલ, પરેશ નાયક, બિપીન પટેલ, હર્ષદ ત્રિવેદી, બિંદુ ભટ્ટ, નવનીત જાની, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ, રામ મોરીથી માંડી વર્તમાન સામયિકોમાં અવાર-નવાર જેમની વાર્તાઓ પ્રકાશિત થાય છે એવા કેટલાય વાર્તાકારોના નામ લઈ શકાય.
મોના પાત્રાવાલા, માય ડિયર જયુ, અજિત ઠાકોર, નાઝિર મન્સુરી, મનોહર ત્રિવેદી, દલપત ચૌહાણ, માવજી માહેશ્વરીથી માંડી કેટલાક એવા વાર્તાકારો પણ છે જે ચોક્કસ પ્રદેશ, ચોક્કસ સંસ્કૃતિને પ્રગટ કરવા માટે મથામણ કરે છે. એમની વાર્તાઓમાં ટેકનિકના ભાગરૂપે પરિવેશ મહત્વનો થઈ પડે છે. વસ્તુ કદાચ નવું ન હોય, સમસ્યાઓ પણ નવી ન હોય પણ એ ઉપસાવવા માટે પરિવેશને જે રીતે ખપમાં લે છે તે અ-પૂર્વ હોય છે. એ એમની વાર્તાની પ્રયુક્તિરૂપ હોય છે.
ચોક્કસ વાદ કે વિચારને કેન્દ્રમાં રાખીને લખતા વાર્તાકારો સમાજની વિવિધ ઘટનાઓ, સમસ્યાઓને જ પ્રયુક્તિરૂપ લઈને વાર્તાઓ લખે છે- એ ઘટનાઓ જ એવી હોય જેનાથી વાર્તા-વિશ્વ સર્જાય. જેમકે, નારીવાદી વલણો. પુરુષનો ઉગ્ર વિરોધ કે એનાથી સ્વતંત્ર થવાની મથામણ, પુરુષો દ્વારા થતાં અન્યાયના પ્રસંગો, સ્ત્રી વ્યક્તિત્વને સ્પષ્ટ કરતા પ્રસંગો, સ્ત્રી કોઈ વિશેષ કે અલગ નહીં પણ પુરુષ જેવું જ સ્વતંત્ર અસ્તિત્વ છે- એવી વાતને કેન્દ્રમાં રાખીને લખાતી વાર્તાઓ. એ જ રીતે વંચિતો, શોષિતો, દલિતો, સર્વહારાઓની સંવેદનાઓને કેન્દ્રમાં રાખતી ઘટનાઓ પોતે જ વાર્તાનું ચાલક બળ બનીને રચના સંભવે એ પ્રકારના વસ્તુને આજની વાર્તાની પ્રયુક્તિ લેખવી પડે- એ રીતે આલેખાતી જોવા મળે છે.
બાબુ સુથારના પ્રયોગોને તપાસ્યા વિના આ વાત અધુરી રહે. બાબુ સુથાર નવી જ કેડી આકારવા સ્વરૂપનું તિરોધાન કરવાના આશયથી વાર્તા જેવું લખવાનું આરંભે છે. આપણી બોધકથા, પંચતંત્ર, હિતોપદેશની કથાઓની જે શૈલી છે, વાર્તામાં વાર્તા ને એમાંય પાછી વાર્તાઓની હારમાળા સર્જવાની રીતને ખપમાં લઈને, સાથો સાથ શ્રીમદ્ કાગડા પચ્ચીસીમાં જોઈએ તો જમણી બાજુના પાને અને ડાબી બાજુના પાને જાણે એકબીજાથી સ્વતંત્ર હોય એવી કથા વહેતી જાય છે, વાચક એક પાનું છોડી બીજા પાનાં પર કેન્દ્રિત થાય ત્યાં પાછા વાર્તાકાર એક પ્રવાહમાં ચાલતી વાતનો દૌર પાનાં બદલીને પાછા કશાક બીજા જ કથનમાં લઈ જાય- આ પ્રયોગો અને પ્રયુક્તિ પણ ખાસ નોંધવા જેવી છે.
પ્રથમ પુરુષ એક વચન અને સર્વજ્ઞની કથન પદ્ધતિ સ્વાભાવિક જ વિશેષરૂપે સ્વીકૃતિ પામી છે. પ્રતીતિકરતાનું એલિમેન્ટ ઉમેરવા માટે પ્રથમ પુરુષ એકવચનની રીતિ અજમાવાય છે. એ ઉપરાન્ત ફ્લેશ બેક, ક્યારેક ફ્લેશ ફોર્વર્ડ, (પારુલ કં.દેસાઈ- જેવી વાર્તાઓમાં સન્નિધિકરણની પ્રયુક્તિ યોજવામાં આવી છે. ખાસ નોંધનીય પ્રયુક્તિ હોય તો એ છે બોલીનો બળૂકો વિનીયોગ. સુમન શાહની વાર્તાઓ આ દૃષ્ટિએ ખાસ તપાસવા જેવી છે. પહેલા આધુનિક વાર્તાઓમાં અવરશુંકેલુબ જેવો પ્રયોગખોર વાર્તાસંગ્રહ આપ્યો. આજે એમની વાર્તાઓમાં વર્તમાનને ઝીલવા સાથે આંતર-માનસને આલેખવા અને વિવિધ પ્રયુક્તિઓ, વિવિધ કથનપ્રયોગો, ભાષા અને બોલીના વિવિધ સ્તરો આલેખવા અને નિરાંતવા આલેખવા માટે જાણીતા છે. ઘણીવાર દીર્ઘ નવલિકાના પટમાં પ્રવેશી જાય એવી લાંબી વાર્તાઓ સુમન શાહની ઓળખ બનતી જાય છે. ફટફટિયું, જામફળિયામાં છોકરી, ખાસ તો કંચન થોડો ગીલી ગીલી છે- કે નો આઈડિયા, ગેટ આઈડિયા...જેવી વાર્તાઓમાં ખરા અર્થમાં રચનાપ્રયુક્તિઓને કેન્દ્રમાં રાખી તપાસવા જેવી છે.
થોડી તાજી લાગતી પ્રયુક્તિઓ જોવી હોય તો જિજ્ઞેશ બ્રહ્મભટ્ટનો વાર્તા સંગ્રહ- મહોરા- જોવા જેવો છે. ફિલ્મોમાં જે રીતે દૃશ્ય પરિવર્તન, દૃશ્યાંતર, એક સ્ક્રિનમાં બીજા સ્ક્રિનની સામેલગીરી જેવા પ્રયોગો, વાંદરાભાઈના પાત્ર દ્વારા વાર્તા-માળાનું સર્જન કરીને ફેન્ટસીનો જુદા જ પ્રકારનો પ્રયોગ જોવા મળે તો મહેન્દ્રસિંહ પરમાર એમની વાર્તાઓમાં હળવાશની શૈલીએ ગંભીર પ્રશ્નો ઉપસાવે છે. મિત્રો વચ્ચેના કોમ્યુનિકેશ માટે આરંભે પોસ્ટકાર્ડના લખાણો દ્વારા સરસ વાર્તા નીપજાવી છે, એને તથાપિમાં અલગ રીતે પ્રકાશિત પણ કરવામાં આવી છે- એ પ્રયુક્તિ ભલે પ્રયોગસ્તરની હોય પણ નાવિન્ય સભર છે.
અજય સરવૈયા, - જેવા વાર્તાકારોની વાર્તામાં વર્તમાન વાર્તાઓ કરતા આધુનિક વાર્તા સાથેનું અનુસંધાન વધારે જોવા મળે. એમાં સ્વભાવિક જ નિરૂપણ રીતિથી માંડી આધુનિક ગાળાનું સંવેદનવિશ્વ પણ અનુભવવા મળે છે.
માય ડિયર જયુ અને સુમન શાહ દ્વારા જે વાર્તાઓ લખાય છે તે નોંખી છે. માય ડિયર જયુ- બોલી, પરિવેશ, કથનકેન્દ્ર, સન્નિધિકરણ, કપોળકલ્પનથી માંડી અનેક રીતની પ્રયુક્તિઓ અજમાવવા ને નવી દિશા ખોળવાની મથામણ કરતા મજબૂત વાર્તાકાર છે. એમણે આપેલાં થોડાં ઓઠા- ભલે પરંપરાગત કથનપદ્ધતિના હોય, આપણી મધ્યકાલીન, કે ગામઠી ગામ-ગપાટાની શૈલીના હોય પણ એ જે અસરકારક બંધ ધરાવે છે એ માણવા જેવો છે. ભગત, બાપુ, વાળંદ જેવા પાત્રો પાસેથી જે કામ લીધું છે તે અદભુત છે.
મણિલાલ હ. પટેલ કહે છે તેમ- પુરોગામીઓની નીવડેલી વાર્તાઓને વાંચી પ્રમાણીને પોતાની નિસબતથી વાર્તા માટે નવી ભોંય ભાંગવા સક્રિય થયેલો વાર્તાસર્જક જુદી રીતભાતે આધુનિક પણ છે. ..માત્ર દુર્બોધતા અને ભાષારમતોને કળા ગણવાનો આત્યંતિક અભિનિવેશ સાહિત્યિક- વાતાવરણ માટે કેવો તો વિઘાતક છે એ પામી ગયેલો આજનો વાર્તાકાર વાર્તા ચેતનશૂન્ય ખોખું ના બની રહે બલકે રસકીય કળાપદાર્થ બને એની ચીવટ રાખે છે.[2]
પણ પરિસ્કૃત કે અનુઆધુનિક કે આધુનિકોત્તર વાર્તાની જોરશોરથી તરફદારી કરનારાં આ મોટાભાગના વિવેચકોએ આ વાર્તાઓમાં હવે કૃતકતા પ્રવેશી હોવાનો સ્વીકાર કર્યો છે. હર્ષદ ત્રિવેદી અને હરિકૃષ્ણ પાઠક જેવાએ તાર સ્વરે કહ્યું છે કે, 2000 પછીની વાર્તાઓમાં વર્ણન મેદ વધ્યો છે, વિષયોમાં પુનરાવર્તનો થયા કરે છે, બોલી અને રચના કહેવાની રીતિ અને ઠેરની ઠેર રહેતી સમસ્યાઓથી ઉબાઈ જવાય એવું વાતાવરણ સર્જાવા લાગ્યું છે. નવોદિત વાર્તાકાર આ ગાળાના પ્રમુખ ગણાવાયેલા વાર્તાકારોના ચીલે દોડવા લાગ્યા હોવાના સૂર પણ નીકળે છે. ફરી પાછું વાતાવરણ ડહોળાવું જોઈએ, ફરી કોઈ મજબૂત પ્રતિભા આ સ્વરૂપને નવા સ્થિત્યંત તરફ દોરી જાય તે માટે આપણા જેવા વાર્તારસિયા એ તો રાહ જોવાની શરુ કરી જ દીધી છે...