બાઉન્ટિનો બળવો
ભાગ-3 (પૂર્ણ)
સાહસકથાઓ, વિજ્ઞાનકથાઓના મહાનસર્જક ફ્રેન્ચ લેખક જૂલે વર્નની કથાઃ બાઉન્ટિનો બળવો.
જૂલે વર્ન એટલે અભૂતપૂર્વ-અપૂર્વ અને અદભુત કથાઓના સર્જક. વિશ્વભરની ભાષાઓમાં એમની કેટલીએ કથાઓના અનુવાદો થયાં છે. આપણે ત્યાં પણ ગુજરાતીમાં મુળશંકર મો.ભટ્ટ દ્વારા એમની કેટલીક કથાઓના અનુવાદ થયાં છે. ત્યાર પછી નાયકબંધુઓએ એ અનુવાદની પરંપરા જાળવી રાખી. રહસ્ય-રોમાંચ, સાગરના જહાજી સાહસો, વૈજ્ઞાનિક કથાઓ, ઐતિહાસિક અને ભવ્ય લોકજીવનને આલેખતી ભવ્ય કથાઓના સર્જક જૂલે વર્ન બાળકથી માંડી વૃદ્ધો સુધીના વાચકોને એકી બેઠકે વાંચવા મજબૂર કરે એવું ગતિવંત આલેખન કરનારાં લેખક છે.
મારો સ્વાનુભવ જણાવું તો અગીયાર વર્ષની ઉમરે પહેલી વાર જૂલે વર્નની ‘સાગરસમ્રાટ’ કથા વાંચી...ત્યાર પછી એમની કથાઓનો વ્યસની કહી શકું એટલી હદે પ્રેમમાં પડી ગયો. અનુવાદ દ્વારા એમની કથાઓ વાંચતો ગયો. કેટલીએ વાર એવું બન્યું છે કે, ગ્રંથાલયમાં કોઈ પુસ્તક શોધવા મથતો હોય ને અચાનક જ જૂલે વર્નની કોઈ પણ કથા હાથ લાગી જાય- પછી ભલે ને તે પહેલા વીસ-પચ્ચીસ વાર કેમ ન વાંચી હોય.! છતાં પેલું શોધતો હોય તે પુસ્તક સાઈડમાં રહી જાય, અગત્યનું કામ કરતો હોય તે પણ સાઈડમાં રહી જાય અને ઊંઘ પણ પાછી ઊડી જાય..! એ કથાને ફરી ફરીને વાંચી ન જાઉં ત્યાં સુધી આરામથી સુવાનું હરામ થઈ જાય. આજે તો મારા પર્સનલ સંગ્રહમાં ગુજરાતી-હિન્દી અનુવાદો પડ્યા છે. એટલે ચિત્તને મનગમતો ખોરાક હાથ વગો બની ગયો છે.
મારો આ અનુભવ આપની સમક્ષ મુકવામાં જાતને રોકી નથી શક્યો એટલું ખેંચાણ તો છે જ, સાથે આનંદ એ વાતનો છે કે એ મહાન લેખક જૂલે વર્નની એક નવી જ (આપણા માટે નવી) લઘુકથા કે કથા હપ્તાવાર આ સામયિકમાં પ્રકાશિત કરવા જઈ રહ્યાં છીએ. એના અનુવાદક છે સુરત શહેરના યુવાન અને ઉત્સાહી લેખક શ્રી જીગર શાહ. આ પહેલા તેમણે ‘ડોલ્ફિન’ નામની આ લેખકની રચનાને ગુજરાતીમાં પુસ્તકરૂપે અનુદિત કરીને પ્રકાશિત કરેલ છે. અન્ય ત્રણ લઘુકથાઓ ટૂંક સમયમાં પ્રકાશિત થનાર છે.
આશા છે, ગુજરાતી વાચકોને ખાસ કરીને બાળકો, કિશોરો અને રસિક વાચકોને અમારો આ પ્રયાસ ગમશે.
તમારા અભિપ્રાય-પ્રતિભાવની અપેક્ષા રાખીએ છીએ..
નરેશ શુક્લ
અનુવાદકની નોંધ
જૂલે વર્નના લેખનની વાત આવે એટલે સામાન્ય રીતે તેના વાચકોને વિજ્ઞાનની કલ્પનાઓ આધારિત કથાઓ, જહાજી સાહસો, ભૌગોલિક, ઐતિહાસિક અને વિવિધ દેશોના લોકજીવન અને સંસ્કૃતિ સંબંધી સૂક્ષ્મ વર્ણનો જેવી બાબતો યાદ આવે છે. પણ જે બાબતનો ઉલ્લેખ મેં વાચકો-વિવેચકો દ્વારા ભાગ્યે જ થતો જોયો છે તે તેના ધૂની કહી શકાય તેવાં પાત્રોની. તેની મોટાભાગની કથાઓમાં વિજ્ઞાનને કે અન્ય સાહસને પોતાના જીવનનું સંપૂર્ણ ધ્યેય માની લીધું દાવ પર લગાડી દેનારાં પાત્રો તેના લેખનની એક આગવી વિશિષ્ટતા ગણાવી શકાય. એની લગભગ દરેક કથાઓમાં આવાં ધૂની પાત્રો એક સામાન્ય બાબત છે. આવાં પાત્રો દુનાયાથી અલિપ્ત થઈ પોતાના વિચારોમાં સતત ડૂબેલાં રહે છે. (પ્રકાશિત થનાર પુસ્તકની પ્રસ્તાવનામાંથી)
આ કથા એક સત્યઘટના પર આધારિત છે. પેસિફિકમાં આવેલા નાનકડા ટાપુ પિટકર્ન પર સૌ પ્રથમ વસાહતીઓ કેવી રીતે પહોંચ્યા એ અંગે બનેલી એક બળવાની ઘટનાને આ કથામાં આવરી લેવાઈ છે.
આ બાઉન્ટિનો બળવોની ઘટના આધારિત એક ફિલ્મ પણ હોલિવૂડમાં –મ્યુટિની ઓફ બાઉન્ટિ-નામે બની છે. બાઉન્ટિના કેપ્ટન બ્લિઘે આ ઘટના આધારિત પુસ્તક મ્યુટિની ઓફ બાઉન્ટિ પણ લખ્યું હતું. જે જૂની ક્લાસિક સાહસકથાઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. કથા અંગે વધુ રસભંગ ન કરતાં આપ એને વાંચી લેશો. (પત્રમાંથી)
જીગર શાહ
3
પિટકર્ન ટાપુના વસાહતીઓ
કેપ્ટન બ્લિઘ અને તેના સાથીઓને ખુલ્લા સમુદ્રમાં રઝળતા મૂક્યા બાદ બાઉન્ટિએ પોતાનો મોરો તાહિતી તરફ ફેરવ્યો. તે દિવસે જ બાઉન્ટિ તૌબાઈ ટાપુ પર પહોંચી ગયું. ચારેબાજુ પરવાળાઓથી ઘેરાયેલા આ નાનકડા સુંદર ટાપુ ઉપર લાંગરવાનું કિશ્ચિયને નક્કી કર્યું. પણ ટાપુની નજીક પહોંચતા જ ત્યાંના સ્થાનિક આદિવાસીઓ દેખાયા. તેઓ અજાણ્યા આગંતુકો પ્રત્યે આક્રમક જણાતાં બાઉન્ટિએ ત્યાંનું રોકાણ મોકૂફ રાખી તાહિતી તરફ આગળ વધવું પડ્યું.
થોડા દિવસ બાઉન્ટિ ખુલ્લા દરિયામાં હંકારતું રહ્યું. છટ્ઠી જૂન 1789ના દિવસે બાઉન્ટિના લંગરને માતાવાઈની ખાડીમાં ફરી એકવાર ઉતારવામાં આવ્યું. તાહિતીના સ્થાનિકોએ બાઉન્ટિને ખુશીથી આવકાર્યું. આ ટાપુ પરની આગલી મુલાકાત વખતે બાઉન્ટિના નાવિકો અને સ્થાનિકો વચ્ચે સુમેળભર્યા સંબંધો બંધાયા હતા. કેપ્ટન કૂકની સફર વખતે પણ તેમણે અહીં ઉતરાણ કર્યું હતું. તેને અહીંના રહેવાસીઓ સારી રીતે જાણતા હતા. અને તેનું નામ તેમને જણાવતાં તેમણે બાઉન્ટિના નાવિકો સાથે પણ મૈત્રીપૂર્ણ વ્યવહાર કર્યો.
29મી જૂનના દિવસે બળવાખોરોએ બાઉન્ટિને તૌબાઈ ટાપુની દિશામાં ઉપાડ્યું. તેમનો હેતુ અન્ય જહાજોના સામાન્ય પ્રવાસમાર્ગથી દૂર, કોઈ એકલવાયા ટાપુની શોધનો હતો. જેની જમીન ખેતી માટે પૂરતી ફળદ્રૂપ હોય અને તેમાં ખેતી કરી પોતાના ખોરાકની જરૂરિયાતને પૂરી કરી શકાય. સાથે સાથે તેમને બ્રિટિશ નૌકાદળનો પણ ભય હતો. જેથી દૂરના આવા ટાપુ પર તેઓ સલામતીપૂર્વક રહી શકે તેમ હતું.
તેઓ રસ્તામાં આવતા કેટલાય ટાપુઓ પર રખડતા રહ્યાં. ત્યાં વસી શકાય તે માટે દરેક પ્રકારની ન્યુનતમ્ જરૂરિયાતોને સંતોષવામાં તે ટાપુઓ ઉપયોગી બની શકે તેમ હતા કે નહીં તેની ચકાસણીનો જ તેમનો મુખ્ય હેતુ હતો. દરિયામાં ઘણી રખડપટ્ટી બાદ તેમને કોઈ ટાપુ યોગ્ય ન જણાતા તેઓ ફરી તાહિતી તરફ આકર્ષાયા. ત્યાંના સ્થાનિકોનો વ્યવહાર પણ મૈત્રીપૂર્ણ હતો. તેઓ ફરી તાહિતી પર પાછા ફર્યા. બે તૃતિયાંશ જેટલા નાવિકો આ ટાપુ પર ઉતરી અંદર તરફ ગયા. પણ તે સાંજે બાઉન્ટિએ પોતાનું લંગર ઉપાડ્યું અને દરિયામાં અદૃશ્ય બની ગયું. ક્રિશ્ચિયન તેના મોટા ભાગના સાથીઓને લીધા વિના જ ત્યાંથી નીકળી પડ્યો હતો.
બાઉન્ટિ દ્વારા તેના નાવિકોને આ રીતે ત્યજી દેવાયા બાદ નાવિકો પાસે કોઈ રસ્તો બચ્યો ન હતો. તેઓ ટાપુના જુદા જુદા ભાગોમાં વસી ગયા. જ્યોર્જ સ્ટુવર્ટ અને પિટર હેયવૂડ નામના બે અધિકારીઓ જેમણે કેપ્ટન બ્લિઘ સામેના બળવામાં ભાગ લીધો ન હોવા છતાં તેમની ઇચ્છા વિરુદ્ધ ક્રિશ્ચિયને તેમને જહાજ પર રાખ્યાં હતા, તેઓ માતાવઈની ખાડી પાસેના સ્થાનિક કબીલામાં જ વસી ગયા. સ્ટુવર્ટ કબીલાના રાજા ટીપ્પાઓની બહેન સાથે જ પરણી ગયો. મોરીસન, પેનો નામના કબીલાના સરદાર સાથે રહી ગયો. તેનો મનમેળ તેની સાથે વધુ હતો. જ્યારે અન્ય નાવિકો ટાપુના વધુ અંદરના ભાગોમાં જઈ વસ્યા હતા. લગભગ બધાએ ત્યાંની સ્થાનિક સ્ત્રીઓ સાથે લગ્ન કરી ત્યાં જ નવજીવનની શરૂઆત કરી.
ચર્ચિલ અને થોમસન નામનો ગાંડો નાવિક આ ટાપુ પર આવી બેકાબૂ બની ગયા હતા. તેઓ ટાપુવાસીઓ સાથે સતત ઝઘડતા રહેતા. ચર્ચિલનું સ્થાનિક સાથેના સંઘર્ષમાં જ મૃત્યું થયું. થોમસનને પણ સ્થાનિકોએ પથ્થરો મારીને મારી નાંખ્યો.
બળવામાં મુખ્ય ભાગ ભજવનારા બંને નાવિકોને સ્થાનિકોએ બેરહેમીથી મારી નાંખ્યાં છતાં તેમનું વર્તન અન્ય નાવિકો પ્રત્યે સુમેળભર્યું જ રહ્યું. નાવિકો પણ તેમની સાથે હળીભળી ગયા હતા.
મોરીસન અને અન્ય નાવિકોને હંમેશા બ્રિટિશનૌકાદળના હાથે ઝડપાઈ જવાનો અને બળવાની સજાનો ભય સતાવતો હતો. બ્રિટિશ નૌકાદળના જાણીતા આ ટાપુપર લાંબો સમય છૂપાઈને રહી શકાય તેમ ન હતું. તેથી તેમણે નાનકડું જહાજ બાંધવાનું નક્કી કર્યું. જેમાં તેઓ બાટાવીયા ટાપુ સુધીની સફર ખેડી, ત્યાં જઇ વસી શકે તેમ હતું. ત્યાંની સંસ્કૃત પ્રજામાં સરળતાથી હળીભળી જઈ બ્રિટિશ નૌકાદળથી છૂપાઈને રહી શકે તેમ હતું. તેના અન્ય આઠ સાથીઓ સાથે થોડા ઘણા સુથારીકામના સાધનો વડે નાનકડાં જહાજનું બાંધકામ તેમણે શરુ કર્યું. ટાપુના પાછળના ભાગમાં આવેલી વિનસ પોઇન્ટની ખાડીમાં આ નાનકડા જહાજનું બાંધકામ તેમણે છૂપી રીતે શરુ કર્યું.
આ સમય દરમિયાન આ બધાથી અજાણ સ્ટુવર્ટ આખો દિવસ બગીચાના સંવર્ધન અને ખેતીના કામમાં મશગુલ રહેતો. જ્યારે તેનો સાથી પિટર હેયવૂડ ત્યાંની સ્થાનિક ભાષાના શબ્દોનો શબ્દકોષ તૈયાર કરવામાં સમય વિતાવતો. જે ભવિષ્યમાં અહીં આવનારાં ખ્રિસ્તી ધર્મપ્રચારકોને ખુબ મદદરૂપ પૂરવાર થવાનો હતો.
દોઢ વર્ષ કરતાં વધું સમય પસાર થઈ ગયો. 23મી માર્ચ 1791ના દિવસે માતાવઈ ખાડીમાં એક જહાજ લાંગર્યું. એ બ્રિટિશ નૌકાદળનું પેન્ડોરા હતું. બાઉન્ટિના બળવાખોરોને શોધવા બ્રિટિશ નૌકાદળે તેને મોકલ્યું હતું.
હેયવુડ અને સ્ટુવર્ડને તેની જાણ થતાં તેઓ ઝડપથી જહાજના તૂતક પર પહોંચી ગયા. તેમણે જહાજના કેપ્ટનને તેઓના નામ અને બાઉન્ટિ જહાજમાં તેમના હોદ્દાની જાણ કરી. તેમણે બળવામાં ભાગ નહીં લીધો હોવાનું પણ કેપ્ટનને જણાવ્યું. પણ પેન્ડોરાના નાવિકોને તેમના પર ભરોસો ન હતો. તેમણે બંનેને બંદી બનાવી કેદ કર્યાં. ટાપુ પર તેમણે અન્ય નાવિકોની પણ શોધ ચલાવી. તેમના હાથે પકડાયેલા નાવિકોના કોઈ પણ ખુલાસા સાંભળ્યા વિના સૌને કેદ કરવામાં આવ્યાં. ત્યાંની સ્થાનિક ભાષાના જાણકારો મારફતે ત્યાંના સ્થાનિકોને આ કેદીઓ ગુનેગાર હોવાનું જણાવ્યું. પકડાયેલા બધા બળવાખોર નાવિકોને જહાજના તૂતકના પાછળના ભાગ તરફ 11 ફૂટ લાંબા કેદખાનામાં પૂરવામાં આવ્યાં. કેદીઓએ આ પિંજરાને ખ્રિસ્તી ધર્મકથામાં આવતા પેન્ડોરા બોક્સની ઉપાધી આપી. લાંબા રોકાણ છતાં પેન્ડોરાના નાવિકોને આ ટાપુ પર છૂપાયેલ બધા બળવાખોરોનો પત્તો મેળવવામાં સફળતા ન મળી.
આખરે 19મી મેના દિવસે પેન્ડોરાએ તાહિતીના બારામાંથી લંગર ઉપાડ્યું. ત્યાર બાદ ત્રણ મહિના સુધી તેણે ત્યાંના ટાપુઓ પર બાઉન્ટિના બળવાના મુખ્ય સુત્રધાર ક્રિશ્ચિયન ફ્લેચર અને તેના અન્ય સાથીઓની શોધ ચલાવી. પણ કંઈ નક્કર પરિણામ આવ્યું નહીં. એક ટાપુ પરથી જાણકારી મળી કે બાઉન્ટિ છેલ્લે ચોધામ ટાપુ પાસે દેખાયું હતું. ત્યાર બાદ તેનો કોઈ પત્તો નથી. તેમ છતાં પેન્ડોરા બાઉન્ટિની શોધમાં ઘણા દિવસો સમુદ્રમાં ભમતું રહ્યું. પણ બાઉન્ટિ કે તેમના બાકી નાવિકોને શોધવામાં તેને સફળતા મળી નહીં.
પેન્ડોરા પકડાયેલા કેદીઓ સાથે પરત ફર્યું. વળતી સફર દરમિયાન ટોરેસની ખાડીના પરવાળાનાં ટાપુઓ પાસે તેને ગંભીર અકસ્માત નડ્યો. તેના એકત્રીસ નાવિકો અને ચાર બળવાખોરો આ અકસ્માતમાં મૃત્યુ પામ્યાં.
કેદીઓ અને જહાજના અન્ય નાવિકો બચાવનૌકામાં મહામુશ્કેલીએ નજીકના ટાપુ સુધી પહોંચ્યા. તેમની પાસે રહેલા મર્યાદિત સામાનમાંથી તંબુ બાંધી તેમાં જહાજના ઉચ્ચાધિકારીઓ અને નાવિકો રહેવા લાગ્યા. પણ બળવાખોરોને તો ખુલ્લામાં જ રહેવું પડતું. સૂર્યનો તાપ તેમને માટે અસહ્ય બનતો હતો. તેઓ ગરમી સામે રક્ષણ મેળવવા ગળાથી પગ સુધી માટીમાં લથબથ થઈ જતાં. જેથી તેમને સૂર્યના કિરણો સામે થોડું રક્ષણ મળે.
ભેંકાર ટાપુ પર થોડા દિવસ રોકાણ કર્યા બાદ બધા પન્ડોરાની બચાવનૌકામાં તિમોર પહોંચ્યા. આ સફર દરમિયાન બળવાખોરો પર સતત નજર રાખવામાં આવતી કે જેથી કોઈ છટકી ન જાય. બળવાખોરો પર રાખવામાં આવતી સખત નજરને કારણે તેઓ ભયના ઓથાર તળે જીવતા હતા. તેમને થનારી ભાવિ સજાનો તેમને ખ્યાલ હતો. એમાંથી બચવા તેઓ ગમે તે ભોગે ભાગી છૂટવા ઇચ્છતા હતા. પણ તેમાં તેમને સફળતા હાથ લાગતી ન હતી.
જૂન 1792માં પેન્ડોરાની સમગ્ર ટૂકડી બાઉન્ટિના બળવાખોર નાવિકોને લઈ ઈંગ્લેન્ડ પહોંચી. જ્યાં બળવાખોરો ઉપર લશ્કરી કાયદાઓ અંતર્ગત ખટલો ચલાવવામાં આવ્યો. એડમિરલ હૂડ દ્વારા ચલાવાયેલો આ ખટલો છ દિવસ ચાલ્યો. કાર્યવાહીના અંતે છ નાવિકોને જહાજ પર બળવો કરવા અને તેમને સોંપેલી ફરજ નહીં નિભાવવાના ગુના બદલ દેહાંતદંડની સજા કરવામાં આવી. છ માંથી ચાર નાવિકોને એક યુદ્ધ જહાજના તૂતક પર જ ફાંસીની સજાનો અમલ કરવામાં આવ્યો. જ્યારે અન્ય બે આરોપીઓ સ્ટુવર્ટ અને પિટર હેયવુડની માફીની અરજી માન્ય કરવામાં આવી. કેપ્ટન બ્લિઘે પણ તેમણે બળવામાં સક્રિય ભાગ નહીં ભજવવાની જુબાનીની તરફેણ કરી. તેમને સજામાંથી મુક્તિ આપવામાં આવી.
0000
1814નું વર્ષ હતું. બાઉન્ટિના બળવાની ઘટનાને પચ્ચીસ વર્ષ વીતી ગયા હતાં. કેપ્ટન સ્ટેઈન્સની આગેવાનીમાં બે બ્રિટિશ યુદ્ધ જહાજો વિશાળ દરિયામાં ભટકી રહ્યાં હતાં. તેમણે જોયું કે તેઓ કેટલાક ભયાનક લાગી રહેલા અજાણ્યા ટાપુ સમુહોની દક્ષિણે હતા. કેપ્ટને નકશા ચકાસતા માલુમ પડ્યું કે આ ટાપુઓ કાર્ટરેટે વિશ્વની ફરતે પરિક્રમા કરતાં શોધ્યાં હતા. તેણે તેને પિટકર્ન ટાપુ એવું નામ પણ આપ્યું હતું. તેમણે તે પિટર્કન ટાપુ હોવાનું જ માની લીધું. ટાપુનો કાંઠો ક્યાંય દેખાતો ન હતો. નાનકડા ટાપુ પર ચારે બાજુ ગીચ હરિયાળી પથરાયેલી હતી.
આ ટાપુની અગાઉ કોઇએ મુલાકાત લીધાની કોઈ સત્તાવાર માહિતી ન હતી. ટાપુ તાહિતીથી 1200 માઈલના અંતરે આવેલો હતો. 25.4 દક્ષિણ અક્ષાંશવૃત્ત અને 130.8 પશ્ચિમ રેખાંશવૃત્ત પર આવેલો આ ટાપુ માત્ર સાડાચાર ચોરસ કિ.મી.નું ક્ષેત્રફળ ધરાવતો હતો. ટાપુની મહત્તમ પહોળાઈ તો માંડ દોઢ કિ.મી. જેટલી જ હતી. કાર્ટરેટે આ ટાપુની શોધ વખતે શું માહિતી એકઠી કરી હતી તેની કોઈને જાણ હતી નહીં.
કેપ્ટન સ્ટેઈન્સે આ ટાપુની મુલાકાત લેવાનું અને શક્ય એટલી વધું માહિતી એકઠી કરી બ્રિટિશ નૌકાદળને આપવાનું નક્કી કર્યું.
કાંઠા તરફ આગળ વધતા જહાજના નાવિકોના આશ્ચર્યનો પાર ન રહ્યો. કાંઠા પર થોડી ઝૂંપડીઓ હતી. આજુબાજુમાં વિવિધ ફળોની ખેતી પણ થયેલી જોઈ શકાતી હતી. આમ આ ટાપુ પર માનવ વસાહતો હતી. બે સ્થાનિકો કાંઠા પરથી નૌકા ઉતારી જહાજો તરફ આવતા જણાયા પણ તેમના આશ્ચર્યની સીમા ન રહી. કેમકે બંને સ્થાનિકો દ્વારા સ્પષ્ટ અંગ્રેજીમાં તેમને સંબોધતા શબ્દો કાને પડ્યા.
‘હેલ્લો આ તરફ જાઓ...તમે દોરડું ફેંકશો... જેથી અમે જહાજ પર આવી શકીએ..?’.
‘નાવિકોએ દોરડું ઉતાર્યું તેઓ તૂતક પર આવ્યા. મજબૂત બાંધાના બંને યુવાનોને જોઈ અંગ્રેજ નાવિકો ચોંકી ગયા હતા. નાવિકોએ કેપ્ટન સાથે થયેલ મુલાકાત થાય તે પહેલાં જ પ્રશ્નોનો મારો ચલાવ્યો.
‘તમે કોણ છો...?’
‘મારું નામ થર્ઝડે ઓક્ટોબર ક્રિશ્ચિયન છે. અને મારા સાથીનું નામ નેડ યંગ.’
આ નામ જાણી કેપ્ટન સ્ટેઈન્સ કંઈ પણ સમજી શકે તેમ ન હતું. બાઉન્ટિના બળવાખોરો અંગેનો એમને વિચાર સુદ્ધાં આવે તેમ ન હતું.
‘તમે અહીં કેટલા સમયથી વસો છો...?’
‘અમે અહીં જ જન્મ્યા છીએ...’
‘તમારી ઉમર કેટલી છે..?’
‘હું પાંચ અને વીસ વર્ષનો છું. અને યંગ અઢાર વર્ષનો છે.’
‘તમારા માતા-પિતા, કોઈ જહાજની દુર્ઘટના બાદ ક્યારે અહીં સહી સલામત પહોંચ્યા હતા. તેનો તમને કંઈ ખ્યાલ છે ?’
ક્રિશ્ચિયન ફ્લેચરના પુત્રએ કેપ્ટન સ્ટેઈન્સને આખી ઘટનાનું વિવરણ કરતાં જણાવ્યું.
‘બાઉન્ટિ જહાજે તાહિતી ટાપુ પર તેનાં એકવીસ જેટલા નાવિકોને છોડી દીધા. બાદ ક્રિશ્ચિયન ફ્લેચરે કાર્ટરેટની સફરને ધ્યાનમાં રાખી બાઉન્ટિને પિટકર્ન ટાપુ તરફ ઉપાડ્યું હતું. તેને અહીંની જમીન પણ ખેતી માટે ફળદ્રુપ જણાઈ હતી. બાઉન્ટિ અહીં આવ્યું ત્યારે તેની ઉપરની સભ્ય સંખ્યા અઠ્યાવીસ જેટલી હતી. તેમાં ક્રિશ્ચિયન ફ્લેચર પોતે, તેનો સાથી યંગ અને અન્ય સાત જેટલા બાઉન્ટિના નાવિકો હતા. એ સિવાય છ તાહિતીવાસીઓને પણ તાહિતીથી નીકળતાં તેણે સાથે લીધા હતા. તેમાંથી ત્રણ સાથે તેમની પત્નીઓ પણ હતી. અને એક દસ માસનું નાનકડું બાળક પણ હતું. તેમણે ત્રણ અન્ય પુરુષો અને છ જેટલી સ્ત્રીઓનો સમાવેશ, રૌબાઈ ટાપુ પરના સ્થાનિક રહેવાસીઓમાંથી કર્યો હતો.
આ ટાપુ પર આવ્યા બાદ ક્રિશ્ચિયન અને તેના સાથીઓએ પહેલું પગલું બાઉન્ટિ જહાજના વિધ્વંશનું કર્યું હતું. તેના કાટમાળને પણ એવી રીતે છૂપાવી દીધો હતો કે, તેને શોધી ન શકાય. બાઉન્ટિના નાશથી તેઓ સદાને માટે આ ટાપુ પર કેદ બનવાના હતા. પણ તેમની સલામતી માટે તે જરૂરી પણ હતું. બ્રિટિશ નૌકાદળ તેમની શોધ આ વિસ્તારમાં ચલાવશે તેવો તેમને ભય હતો.
આ ટાપુ પર તેમની નાનકડી દુનીયા વસાવવાનું એટલું સરળ ન હતું. તેમના વચ્ચેની આત્મીયતા જળવાઈ રહે તેવું એક પણ તત્ત્વ હાજર ન હતું. તેમની વચ્ચે જહાજ પર થયેલા બળવામમાં એકબીજાને સાથ આપવા સીવાય કોઈ સંબંધ ન હતો. તેમની વચ્ચે વારંવાર ઝઘડા થયાં કરતાં. તાહિતીવાસીઓ અને નાવિકોને તો જરા પણ મનમેળ આવતો ન હતો. ઘણીવાર તેમના ઝઘડા હિંસકરૂપ પણ લઈ લેતા. 1794ના વર્ષ સુધીમાં તો નવમાંથી માત્ર ચાર જેટલા બાઉન્ટિના મૂળ નાવિકો જીવિત બચ્યા હતા. ક્રિશ્ચિયન પણ એક તાહિતીવાસી સાથે થયેલા ઝઘડામાં મૃત્યુ પામ્યો હતો. તાહિતીવાસીઓ ખૂબ જ હિંસક સ્વભાવના હતા.
એક અંગ્રેજ નાવિકે ટાપુ પર થતા એક છોડના મૂળિયામાંથી દારુ બનાવવાનું શોધી કાઢ્યું હતું. તે આગળ જતાં નશાનો બંધાણી બની ગયો. આખો દિવસ તે ઘેનમાં રહેતો. તેણે ટાપુની એક ઊંચી કરાડ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી.
અન્ય એક નાવિકે પણ આવી નશાની હાલતમાં જ યંગ ઉપર હુમલો કર્યો હતો. યંગનું રક્ષણ કરવા જતાં જ્હોન એડમ્સ નામના નાવિકે તેને પણ મારી નાંખ્યો હતો. 1800ના વર્ષમાં દમના હુમલામાં યંગનું મૃત્યું થયું.
બાઉન્ટિના બળવાખોરોના આ ટાપુ પર આવીને વસ્યાના માત્ર એક દાયકા બાદ, જ્હોન એડમ્સ નામનો એક માત્ર બળવાખોર બચવા પામ્યો હતો. તે સીવાય ટાપુ પર થોડા ઘણા તાહિતીવાસી પુરુષો, સ્ત્રીઓ અને વીસેક જેટલાં બાળકો હતાં. મોટા ભાગનાં બાળકોનો જન્મ અહીં આવીને વસ્યા બાદ જહાજના નાવિકો અને તાહિતીની સ્ત્રીઓના લગ્નના પરિણામરૂપે થયો હતો. જ્હોન એડમ્સના સ્વભાવમાં મોટું પરિવર્તન આવ્યું હતું. તે માંડ છત્રસ વર્ષનો હતો. પણ આટલી ઉંમરમાં તેણે અનેક હિંસક ઘટનાઓ અને ખૂના-મરકી નિહાળી હતી. માનવ સ્વભાવના સૌથી હિંસક સ્વરૂપનાં પરિણામોનો તે સાક્ષી હતો. તેના બધા સાથીઓ આંતરિક કલહમાં મૃત્યુ પામ્યા હતા. આ દુઃખદ ઘટનાએ તેનું હ્ય્દય પરિવર્તન કરી તેને ધર્મ તરફ વાળ્યો હતો.
બાઉન્ટિના નાનકડા પુસ્તકાલયને આ ટાપુ પર જ સ્થાપિત કરવામાં આવ્યું હતું. જેમાં બાઉબલ ઉપરાંત અને પ્રાર્થનાપોથીઓ હતી. જ્હોન એડમ્સ દૈનિક પ્રાર્થનાઓનો પાઠ કરતો. તે ટાપુ પર ઉછરી રહેલી નવી પેઢીને પણ ધર્મના ઉપદેશો આપતો. ટાપુવાસીઓ તેને પિતા તરીકે જ સંબોધતા. પિટર્કન નાનકડી દુનિયામાં પાદરી તરીકેની, વિવિધ ઝઘડામાં સર્વોચ્ચ ન્યાયાધીશ તરીકેની તેમજ રાજા તરીકેની અનેક ભૂમિકા તેણે અદા કરવાની હતી.
જહાજના બળવાખોર તરીકે બ્રિટિશ નૌકાદળ દ્વારા પોતાની ધરપકડ બાબતમાં એડમ્સ ચિંતત રહેતો. એ માટે તેણે 1814 સુધી તકેદારી રાખી હતી. 1795ની સાલમાં એક જહાજ પિટર્કન ટાપુ પર લાંગર્યું હતું. ત્યારે ટાપુ પર બચેલા ચાર બળવાખોર નાવિકો ટાપુના અંદરના ભાગમાં છૂપાઈ ગયા હતા. જહાજના ગયા બાદ જ તેમણે જાહેરમાં આવવાની હિંમત કરી હતી. 1808માં બીજી વખત એક અમેરિકી જહાજ લાંગર્યું હતું. ત્યારે પણ જ્હોન એડમ્સ તેમના હાથમાં ના આવે તેમ છૂપાઈ ગયો હતો. આ જહાજના નાવિકોને અહીંથી બાઉન્ટિનું હોકાયંત્ર અને ઘડિયાળ હાથ લાગ્યાં હતાં. જે તેઓ સાથે લઈ ગયા હતા. આ બંને વસ્તુઓ તેમણે બ્રિટિશ નૌકાદળને પહોંચતી પણ કરી હતી. બાઉન્ટિના બળવાના વર્ષો બાદ મળેલા તેના અવશેષોને બ્રિટિશ નૌકાદળે ગંભીરતાથી લીધા ન હતા. તેમની પાસે બાઉન્ટિની શોધ ચલાવવા કરતાં અત્યંત વધુ મહત્વના કામો હતા. આથી તેમણે એવા જૂના અવશેષો ઉપર બહુ ધ્યાન આપ્યું ન હતું.
પિટકર્નના બે સ્થાનિકોએ કેપ્ટન સ્ટેઈન્સ સમક્ષ બાઉન્ટિની આખી કથાનું વિવરણ કર્યું હતું. જેમાંથી એક ક્રિશ્ચિયનનો પુત્ર હતો, જ્યારે બીજો યંગનો. પણ જ્યારે કેપ્ટન સ્ટેઈન્સે જ્હોન એડમ્સને મળવાની ઇચ્છા બતાવી ત્યારે બંને યુવાનોએ તેમની આ માંગણી ઠુકરાવી હતી. તેમને જ્હોનની ધરપકડ થવાનો ભય હતો.
કેપ્ટન સ્ટેઇન્સે બંને યુવાનોને જ્હોન એડમ્સની સલામતીની ખાતરી આપી. બાઉન્ટિના બળવાની ઘટનાને પચ્ચીસ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હતો. તેવી સ્થિતિમાં કેપ્ટને તેના બળવાખોરને રીઢા ગુનેગાર તરીકે લેખ્યો ન હતો. કેપ્ટનની ખાતરી બાદ તેઓ ટાપુના કાંઠે ઉતર્યા. ટાપુ પર 46 જેટલા યુવાન સ્ત્રી-પુરુષો હતાં. તેમજ કેટલાંય બાળકો ત્યાં રમી રહ્યાં હતા. બધા દેખાવે અંગ્રેજ પ્રજા જેવા ઊંચા અને મજબૂત બાંધાના હતા. ટાપુ પરની છોકરીઓ પણ ખૂબ જ સુંદર હતી. તેમની નમ્રતા અને શિષ્ટાચાર તેમના સૌંદર્યમાં વધારો કરતા હતા.
ટાપુ પર જીવન નિર્વાહના કાયદાઓ સરળ હતા. નાણાંકીય ચલણ જેવું કંઈ હતું જ નહીં. દરેક દ્વારા થતાં દૈનિક કાર્યની નોંધ એક રજિસ્ટરમાં રાખવામાં આવતી. તેમની વચ્ચેના બધા જ વ્યવહારો વસ્તુના વિનિમય દ્વારા જ કરવામાં આવતાં હતાં. તેમની જરૂરિયાતો ખૂબ જ સીમિત હતી. ખોરાક સીવાયની અન્ય વસ્તુના ઉત્પાદન માટે કોઈ કારખાનાં કે ઉત્પાદકીય એકમો ન હતા. બધા હાથે બનાવેલી વસ્તુઓનો જ ઉપયોગ કરતા હતા. કપડા તરીકે ત્યાંના રહેવાસીઓ દ્વારા સુકા ઘાસમાંથી ગૂંથેલી ટોપી અને અન્ય પહેરવેશનો ઉપયોગ કરતા. માછીમારી અને ખેતી આ ટાપુના રહેવાસીઓની મુખ્ય કામગીરી હતી. લગ્ન માત્ર એડમ્સની સંમતિ બાદ જ થતાં હતાં. લગ્ન પહેલા એડમ્સ ખાતરી કરી લેતો કે લગ્નોત્સુક પુરુષ પાસે ખેતી લાયક પુરતી જમીન છે કે નહીં. અને તે તેના ભાવિ પરિવારનું ભરણપોષણ કરી શકવા સક્ષમ છે કે નહીં. આવી ખાતરી બાદ જ એડમ્સ દ્વારા લગ્નની મંજૂરી આપવામાં આવતી.
પેસિફિક મહાસાગરના વણખેડાયેલા આ ભાગમાં દુનીયાથી અજાણ્યા આ ટાપુ વિશે કેપ્ટન સ્ટેઇન્સે અનેક રસપ્રદ અને આશ્ચર્યમાં મૂકે એવી માહિતી એકઠી કરી અને યુરોપ તરફ પોતાનો વળતો પ્રવાસ શરુ કર્યો.
ત્યાર બાદ જ્હોન એડમ્સે ટાપુ પર અનેક જવાબદારીઓ ભરી સત્તામાંથી મુક્તિ મેળવી. તેણે તેના અનુગામી તરીકે જ્હોન નોબ્સની નિમણૂંક કરી. 1829માં જ્હોન એડમ્સના મૃત્યુ બાદ, તે ટાપુ પર પાદરી, ડોક્ટર અને શિક્ષક તરીકેની ફરજો તે નિભાવતો હતો.
1853ના વર્ષ સુધીમાં બાઉન્ટિના બળવાખોરોએ વસાવેલી આ દુનીયાના વસાહતીઓની સંખ્યા એકસોને સિત્તેર પર પહોંચી હતી. તેમની વસ્તીમાં થયેલા વધારાએ ટાપુની ગીચતામાં વધારો કર્યો હતો. તેમાંના કેટલાકે નજીકમાં આવેલા નોરફોક ટાપુ પર જઈ વસવાનો નિર્ણય લીધો. આ ટાપુનો ઉપયોગ સજા પામેલા કેદીઓને નિર્વાસિત કરવા માટે તેઓ કરતા હતા. નોરફોક ટાપુ પર જઈ વસેલા રહેવાસીઓ પિટકર્ન ટાપુને ખૂબ યાદ કરતા હતા. નોરફોક ટાપુ પિટકર્ન કરતા ચાર ગણો મોટો હતો. તેની જમીન પણ ખુબ જ ફળદ્રૂપ હતી. ત્યાંનું જીવન ખુબજ સરળ અને સુલભતાભર્યું હતું. તેમ છતાં ત્યાં જઈને વસ્યા બાદ બે જ વર્ષમાં મોટાભાગના પરિવારો પિટકર્ન ટાપુ પર પાછા ફર્યા. તેમને તેમની માતૃભૂમિની યાદ સતત સતાવતી રહેતી હતી. પાછા આવ્યા બાદ આખું જીવન તેમણે પિટકર્ન ટાપુ પર જ ગાળ્યું.
જીવન ટકાવી રાખવાની આ સાહસી કથાની શરુઆત અત્યંત દુઃખદ સ્થિતિમાં થઈ હતી.
જીવનમાં બળવાખોર, આંતરિક હિંસા, પાલગપનથી ભરેલી વર્તણૂક જેવી અનેક તકલીફો વેઠ્યા બાદ ખ્રિસ્તી ઉપદેશો અને મૂલ્યોથી પ્રભાવિત થઈ સુસંકૃત સમાજની પુનઃરચના થઈ શકી. તેમાંથી કેટલાકનું લોહી પણ રેડાયું હતું. ટાપુ પર અંગ્રેજ નાવિકો સાથે તાહિતીના તદન અણઘટ સ્થાનિકો પણ અહીં આવી વસ્યા હતા. પરંતુ સમય જતાં તેઓ નમ્ર, આતિથ્યશીલ અને આનંદી સ્વભાવ ધરાવતાં વસાહતીઓની દુનીયામાં ફેરવાઈ ગયા હતા.
(સંપૂર્ણ)
અનુવાદક- જીગર હર્ષદકુમાર શાહ, E-501, સેન્ટપાર્ક સોસાયટી, દેવયશા એપાર્ટમેન્ટ. ગુજરાત ગેસ સર્કલ, અડાજણ, સુરત-395009 ફોન-9426777001 Mail id:- jhs143in@yahoo.co.in