Editorial - સંપાદકીય
આ અંક સાથે સાહિત્યસેતુ ઇ-જર્નલ શરુ થયાને વર્ષ પૂરું થયું.
ઇચ્છા હતી કે આ અંક વિશેષાંકરૂપે પ્રકાશિત પ્રકાશિત થાય. પરંતુ પૂરતા પ્રમાણમાં એની તૈયારી ન કરી શકવાના કારણે એ ઇચ્છાને અત્યારે સ્થગિત કરવી પડી છે. ભવિષ્યમાં એ દિશામાં આગળ વધવાના છીએ.
સર્જનાત્મક લખાણની તુલનાએ આસ્વાદ-વિવેચન, સંશોધનના લેખોનું પ્રમાણ વધારે રહ્યું છે. ખાસ કરીને રાજ્યભરમાં વ્યાપેલી વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજોના અધ્યાપકોએ ખાસ્સો સહકાર આપ્યો છે એનો આનંદ છે. કવિતા, વાર્તા, નવલકથા મેળવવાના પ્રયત્નો ખાસ્સા કર્યા પણ છેલ્લા વર્ષોમાં જો ગુજરાતી સામયિકોમાં નજર નાંખશો તો આ પ્રકારોમાં એટલી બધી સમૃદ્ધિ વરતાતી નથી. ગઝલ અને અછાંદસ જેવી રચનાઓ વધારે પ્રકાશિત થાય છે. વાર્તાઓ પ્રગટ થાય છે, પણ એ વાર્તાઓમાં વર્ણનભાર વધ્યો છે, એકધારાપણું ખાસ્સું પ્રવેશેલું જોઈ શકાય છે. નવલકથાઓનું પણ એવું જ. ચિત્તને સાવ નવો જ આનંદ આપે, કથાનકથી માંડી રચનારીતિ સુધી નાવિન્ય હોય એવી નવલકથા પણ પ્રગટી હોય તેવું યાદ નથી.
દેશ, સમાજમાં જે કંઈ ચાલી રહ્યું છે એને રચનાઓમાં ઝીલાતી જોવાની ઇચ્છા છે પણ ગુજરાતી સાહિત્યમાં સાવ ઓછું બનતું અનુભવાયું છે. રાજકારણ, વિજ્ઞાન, શહેરી સંવેદનાઓ, કરપ્શન, ફ્રેશ કલ્પનાઓનું ક્ષેત્ર જાણે વણખેડેલું જ રહ્યું છે. થોડું લખાય છે એ એવું એવરેજ લખાણ હોય છે કે જાણે ક્રિયાકાણ્ડસમુ થઈ પડ્યું છે. સાહિત્યિક સંસ્થાઓના કાર્યક્રમો વધ્યા છે, સેમિનારોની ભરમાળ લાગી છે, સાહિત્યિક કહેવાય એવા કાર્યક્રમો પણ ખુબ થાય છે...! સાહિત્યકારોના અભિવાદનો પણ સારી માત્રામાં કહી શકાય એવા થાય છે પણ કલાપદાર્થની ગેરહાજરી ઉડીને આંખે વળગે એવી છે...!
આ ચિન્તા કરવા જેવી બાબત છે.
આવું વિધાન બધા કરે છે. ચિન્તા સૌ કોઈને છે. ઉકેલો પણ બધાને સૂઝે એ જણાવે છે, પણ...નવી પેઢી જોઈએ એટલા પ્રમાણમાં વાચનશોખ તરફ કે પ્રશિષ્ટ સાહિત્યના વાચન તરફ વળતા જણાતા નથી એ હકીકત છે. અને એનું કારણ બધા જાણે છે તેમ સાહિત્યના અને સામાન્ય પ્રવાહના શિક્ષણ તરફની ઉદાસીન શિક્ષણનીતિ છે. કલાઓ ક્યારેય સીધા જ વ્યવસાહનું માધ્યમ ન હોઈ શકે એ જો શિક્ષણ આપનારાં નહીં સમજે તો ક્રમશઃ વ્યવસાયલક્ષી શિક્ષણ જ કેન્દ્રમાં આવતું જશે અને કારીગરો, સંવેદનને ઓછું સમજનારાં સમાજ-મશીનના પાર્ટ જ પેદા કરી શકીશું. આ થઈ પણ રહ્યું છે.
આ દિશામાં વિચારવા, આપના મત પ્રગટ કરવા વિનંતી છે. એને આપણે પ્રતિભાવોરૂપે આ સાઈટ પર પ્રગટ કરશું.
આભાર.
ડૉ. નરેશ શુક્લ
મુખ્ય સંપાદક