આ પુસ્તક તમે વાંચ્યું ?
(મારો અસબાબ (નિબંધસંગ્રહ) લે. જનક ત્રિવેદી. પ્ર.આ.૨૦૦૮, પ્ર. સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા પાછળ, આશ્રમ રાડ, અમદાવાદ.કુલ પાનાં-૧૪૨, કિં. ૮૦.૦૦ રૂ.કાચું પૂંઠું, ડિમાઇ)
ધૂમકેતુની ગતિએ ગુજરાતી સાહિત્યની અડોઅડ પસાર થઇ ગયેલા તેજસ્વી વાર્તાકાર તરીકે જાણીતા જનક ત્રિવેદી અચાનક જ કાળમાં વિલિન પણ થઇ ગયાં..! પણ સંવેદનોથી ભરપૂર, જિંદગીના બધાં પ્રકારના ચઢાવ-ઉતારથી ભરપૂર,એકલતાથી માંડી ગાઢ મિત્રોની ગોઠડીથી ભરપૂર એવું હર્યું-ભર્યું જીવન જીવી ગયેલા જનક ત્રિવેદીના કેટલાંક છૂટક પ્રકાશિત નિબંધો અને કેટલાક અપ્રકાશિત રહી ગયેલા સંસ્મરણો, ડાયરીના પાનાંઓ અહીં પ્રકાશિત કરવામાં આવ્યાં છે. રેલવેના માનવમહેરામણથી બણબણતા ખાતામાં નોકરી કરી પણ અલગારો ને સમાનતાનો આગ્રહી સ્વભાવના કારણે એમની બદલીઓ થતી રહી ને જયાં સાવ ઓછી ટ્રેન આવતી હોય, જયાં પ્રકૃતિની નિરવ ગોદ સીવાય કશુ જ ન મળે એવી જગ્યાઓએ પરિવાર સાથે તો ક્યારેક પરિવારથી દૂર જિંદગી વિતાવવાના પ્રસંગો ઊભા થયેલા...પરિણામે એ એ સ્થળ સાથેના સંસ્મરણો, ત્યાંના રેલવેવાળા કર્મચારીઓ, ક્વાટર્સ, વૃક્ષો,પશુ-પક્ષીઓ અને રેલવેમાં ભટકીને જ શેષ જીવન પસાર કરી નાંખનારાં ભીખારી,ગાંડા, મજબૂર લોકોનો કંઇક જુદો,અનોખો પરિચય પામ્યાં.. તે આ નિબંધોમાં વિશિષ્ટ રીતે ઝીલાયો છે.
જનક ત્રિવેદી લેખક ઉપરાન્ત ચિત્રકાર પણ છે. એમણે કરેલા સ્કેચથી આ સંગ્રહનું મુખપૃષ્ઠ અને કેટલાક વચ્ચેના પૃષ્ઠ શોભે છે, પરિમાણમાં વધારો કરે છે. દરેક સર્જકની જેમ બાળપણના સંસ્મરણો નિબંધોમાં આલેખાયા છે, એમાં નરી મુગ્ધતા નથી, એમાં કઠોર એવું વાસ્તવ ઝીલાયું છે. પાત્રો-પ્રસંગો, સ્થળ સાથેનો એમનો લગાવ ઘનીષ્ઠ છે, ખાસ કરીને જયાં જયાં માનવેતર પાત્રો છે ત્યાં ત્યાં એ સ્નેહઘનતા બેહદ અનુભવાય છે. એની સરખામણીએ જયાં જયાં માનવપાત્રો આલેખ્યાં છે ત્યાં ત્યાં પ્રેમ ઉપરાન્ત કશુક ડંખનાર તત્ત્વ પણ હાજર છે- પછી એ વિચારસરણીઓના કારણે, ક્યાં તો એ સમાજના વિરોધી મૂલ્યોના કારણે હોય કે જડ રેલવે તંત્રના કારણે હોય- આવી સહોપસ્થિતી એમની સામાજિક મૂલ્યોની ખોખલાઇ તરફની સૂગ, કશાક વધારે સચ્ચાઇની અપેક્ષામાંથી જન્મી છે. એ જેટલા એકાંતમાં, જેટલા પ્રકૃતિ તત્ત્વોની સાથે ઘરોબો કેળવી શકે છે એટલા જ એ માનવમૈત્રી પણ ઝંખે છે- બંને પ્રકારે એ પૂરા ધબકારથી જિંદગીને માણનારાં છે, ખાસ કરીને સમાજમાં જે ફેંકાઇ ગયેલા છે, કશાક ને કશાક કારણે વંચિતો છે એમના તરફ એ આપો આપ પડખે ઊભા રહી જનારાં છે - સંવેદનશીલ, હિંમતવાળું, પ્રકૃતિપ્રેમી, કુટુંબ માટે વાત્સલ્યભાવથી તરબતર, રેલવેને અપાર પ્રેમ કરતાં પણ એના જડ તંત્રથી ત્રસ્ત, સારપને ગ્રહણ કરવા મથતાં નિબંધકારનું વ્યક્તિત્વ, મલ્ટિડાયમેન્શનલ વ્યક્તિત્વ આ નિબંધોમાંથી સરસ રીતે નિપજી આવે છે. અહીં કુલ ૧૫ રચનાઓ સમાવાઇ છે. એના વિશે થોડી વાત કરીએ.
‘શેષ’- નિબંધ ગુજરાતી નિબંધની પરંપરાથી સુવાસિત લાગે, ગામડાનાં ઘર સાથેના લગાવને આલેખતાં ઘણાં નિબંધો આપણને મળ્યા છે- એ પરંપરામાં બેસતો આ ઉત્તમ નિબંધ છે. શહેરીકરણ, નોકરીઓના કારણે સંતાનો મૂળ ગામ છોડીને દૂર દૂર શહેરોમાં રહેવા જતાં રહ્યાં હોય ને એમના ચિત્તમાં ગામનું ઘર, એ ઘર સાથે જોડાયેલ બાળપણ,દુનિયા છોડી ગયેલા સ્વજનો, એ ઘરમાં ઉજવાયેલા સારાં-માઠાં પ્રસંગોની જે કશ્મકશ ચાલતી હોય તે સ-રસ આલેખાઇ છે. કોઇ પણ સંવેદનશીલ વ્યક્તિની આંખો ભરાઇ આવે એવું આલેખન પામ્યાં છે આ પાત્રો ને એમાં શ્વસતું ને આખરી શ્વાસ લેતું ઘર. ‘શ્રાવણનાં થોડાં માવઠાં-૧ અને ૨’ એ બંને નિબંધમાં પણ આ તંતુ લંબાતો અનુભવાય છે. એકમાં બાપા વિશે લખવાનું આમંત્રણ છે- ગુજરાતી વ્યક્તિચિત્રોમાં લેખકો જયારે પિતા વિશે લખે છે ત્યારે એમાં જે અહોભાવ ટપકતો હોય છે, એમાં જે ભવ્ય પિતા આલેખાતા હોય છે તેના પણ ધારદાર કટાક્ષ કરવા સાથે પોતે શા માટે આ પ્રકારનો નિબંધ નહીં લખી શકે તેની વિચારણા કરતાં કરતાં નિબંધ રચાતો આવે છે. પોતાના કંજૂસ, દીર્ઘદૃષ્ટિ વિનાના, ઘર-બાળકો પ્રત્યે તદ્ન ઉદાસીન એવા બાપા વિશે શું લખવું ? એમ કહેતા કહતા જે રીતે પિતાનું વ્યક્તિત્વ કંડારી આપે છે તે કાબિલે તારીફ છે ! આ નહીં.. આ નહીં..ની શૈલીએ રચાતા પિતા સામાન્ય ગામઠી પણ દિલથી વિરાટ એવા વ્યક્તિત્વના દર્શન થયાં વિના રહેતા નથી. એ પિતાને સતત ધિક્કારતા હોવાનું જ જણાય.. છતાં એમનો પ્રેમ અછાનો નથી રહેતો. એક જગ્યાએ તો લખી નાંખે છે ‘બૂરું થજો બાપાના આત્માનું’.
‘ઇશ્વરને તલાક’,‘કિન્નર’,‘ચક્કર બે’ નામની રચનાઓમાં વ્યક્તિઓ આલેખાયા છે. આ રચનાઓમાં લેખકની સમસંવેદન અનુભવવાની ગજબની શક્તિ ઉપરાન્ત એમની સેન્સ ઓફ હ્યુમર સરસ રીતે નિપજી આવે છે. આ ત્રણેય રચનાઓ એક અર્થમાં નિબંધ કરતાં વાર્તા વિશેષ બને છે. ઇશ્વરના નામે જો કંઇ પણ મળે તો ન ખપેની અનેરી રટ લઇ બેઠેલો પોપટ, અને સાઠ વર્ષની સીધી જિંદગી જીવેલ એક સજજન ભવાન અચાનક જ જાદુગરીના ખેલ પાછળ બધું ખૂંવાર કરી નાંખે, બધાથી અલગ પડતો-સાથી મિત્રો સતત ચીડવતા રહેતા એ મુનસફનું નિબંધના અંતે પ્રગટતું વ્યક્તિત્વ આપણાં ચિત્તમાં જડાય જાય તેવા આલેખાયા છે.
‘ઘર પછવાડેની ઘટનાઓ’,‘આકાશનો અધિકાર’,‘પડાવ’, ‘રાધા’ નામની રચનાઓ બહુધા પ્રકૃતિના પરિમાણો પ્રગટાવે છે. પક્ષીઓ, વૃક્ષો સાથેના લેખક પરિવારના ઉષ્માપૂર્ણ સંબંધો, લેખક જ નહીં પત્ની અને બંને બાળકો પણ કેવા આ સૌ સાથે એકરૂપ બની ગયા છે તે જાણીને આનંદ થાય છે. ગાંધીનગરમાં વસતા લેખકના પુત્ર ધર્મેન્દ્ર ત્રિવેદી આજે પણ પ્રકૃતિની જાળવણી માટે કેવા પ્રયત્નશીલ છે તે જાણીતું છે. એ સંસ્કાર ક્યાંથી કયા રૂપે મળ્યા તે આ નિબંધોમાં પ્રગટી આવે છે. કાબરનું બચ્ચુ, રાધા નામની લંગડી કૂતરી, પાનેલી મોટીના રેલ્વે સ્ટેશનના એ ક્વાટર પાછળના બગીચામાં આકાર લેતા પ્રસંગો મનભાવન રીતે આલેખાયા છે. એ આખોય પરિવેશ આપણાં ચિત્તમાં મૂર્ત થતો અનુભવાય છે.
‘ઇશ્વરને તલાક’, ‘સૂકાં બોધિવૃક્ષ અને અમે બધા’, ‘અવાજોની બંદિશો’, ‘બાપુની ગાડી અને બીજા કિસ્સાઓ’ જેવી રચનાઓમાં રેલવે સ્ટેશનનો પરિવેશ, રેલવે સાથે સંકળાયેલ કર્મચારીઓની વિચારસરણીઓ, એમની ભલાઇ અને બૂરાઇઓ, રેલવે સાથે જોડાયેલી અવાજોની દુનીયા અહીં આગવી રીતે આલેખાઇ છે.
આ નિબંધો લેખકના સૂક્ષ્મ સંવેદનોથી આરંભીને એમની સમાજવાદી વિચારસરણી, કૌટુંબિક પરિવેશને આપણી સામે મૂર્ત કરી આપે છે. નિબંધમાં અનિવાર્ય એવું સર્જક વ્યક્તિત્વ એમની વિશિષ્ટ શૈલીથી ઉપસી આવે છે. આ નિબંધસંગ્રહ ગુજરાતી નિબંધોમાં એક મહત્વપૂર્ણ ઉમેરણ બની રહેશે.
(ઇંતિઝાર હુસૈનની વાર્તાઓ, અનુ. શરીફા વીજળીવાળા. પ્ર.આ.ઓકટોબર-૨૦૦૮, પ્ર. ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, ગાંધીરોડ, અમદાવાદ.કુલ પાનાં-૩૦૮, કિંમત-૨૧૫-૦૦ રૂ. પાકું પૂઠું, ડિમાઇ)
પાકિસ્તાન અને ભારતમાં પણ ઉર્દૂ ગદ્યકાર તરીકે પ્રસિદ્ધ એવા ઇંતિઝાર હુસૈનની વાર્તાઓના અનુવાદ જાણીતા વિવેચક અને અનુવાદક એવા શરીફા વીજળીવાળાએ કર્યા છે. હુસૈનની વાર્તાઓનું અનુસંધાન પ્રાચીન ભારતીય સાહિત્ય સાથે સીધું અનુભવાય છે. ભારતની જ ભૂમિમાં જન્મેલા પણ ભાગલા પછી પાકિસ્તાન જઇ વસેલા હુસૈનની વાર્તાઓ આપણા માટે અજાણ્યા પરિવેશની કે અજાણ્યાં પાત્રોની નથી લાગતી, અજાણી લાગતી નથી. પાકિસ્તાન પાસે સ્વાભાવિક જ પોતાનો કોઇ આગવો વારસો નથી, એને સાંસ્કૃતિક રીતે સ્વતંત્ર એવું કોઇ પૂર્વ અસ્તિત્વ નથી- બીજી બાજુ કટ્ટરવાદી પરિબળો ભાગલા પહેલાનું કંઇ સ્વીકારવા તૈયાર પણ નથી અને સ્વીકારનારને પણ પાકિસ્તાનમાં સ્વીકારવા તૈયાર ન હોવાથી ખાસ કરીને બૌદ્ધિક વર્ગ માટે, કલાકારો માટે મુશ્કેલ અવસ્થા ઊભી થાય. એવી જ સ્થિતી છે લાચાર, પરવશ અને વિચારશૂન્ય થઇ ગયેલા સામાન્ય જન માટે- એ તો અનુસરનારાં છે, ઘેટા જેમ દોરવાઇને પાકિસ્તાનમાં હિજરત કરી ગયેલો વર્ગ. એ પણ એની સામે આવેલી દારૂણ વાસ્તવિકતાના કારણે સ્તબ્ધ છે. સંપાદકે લખ્યું છે તેમ- ‘સપનું બની ગયેલાં ગામ-ઘર, ગામની ગલીઓ, ત્યાં વીતેલું બાળપણ વગેરે આલેખતા હુસૈન જાણે કે વાર્તા-નવલકથા દ્વારા જિવાયેલા જીવનને ફરીથી જીવે છે... ઇંતિઝાર હસૈન જેવા સર્જકોનું સાહિત્ય આપણને દિલાસો આપે છે કે ભારતનું વિભાજન રાજનૈતિક વિભાજન હતું, સાંસ્કૃતિક નહીં, કારણ કે સંસ્કૃતિને કોઇ વિભાજિત કરી શકે જ નહીં.’
કુલ અઢાર વાર્તાઓ આ સંગ્રહમાં પ્રાપ્ત થાય છે. કોલેજ શિક્ષણ સુધી ભારતમાં વસેલા હુસૈનસાહેબ વિભાજન પછી પાકિસ્તાનમાં જઇ વસે છે. એમની વાર્તાઓમાં અને પછી મુલાકાતમાં પણ અવાર નવાર જે વાત પડઘાય છે તે છે ક્ષણિક આવેગમાં લેવાયેલો હિજરત કરી જવાનો નિર્ણય એના જીવનમાં અને સાહિત્યમાં એક મોટી ઘટના બની રહે છે. વતનમાંથી મૂળીયા ઉખડી ગયા પછીની વેદના, વતન સાથે જોડાયેલ સ્મૃતિઓ, નવી જગ્યાએ ધારેલી કલ્પનાઓનો ભંગાર, અને ખાસ તો સંસ્કૃતિ સાથેનું, મૂળ સાથે જોડાયેલ વંશપરંપરા સાથેનું અનુસંધાન એમની રચનાઓમાં અનેક રૂપે અને વ્યાપક પરિમાણ સાથે આલેખન પામે છે. વાર્તાઓના વર્તમાન પ્રચલિત સ્વરૂપ સાથે મેળ ન ખાય એવી આ વાર્તાઓના મૂળ છે ભારતીય ઉપખંડના સાહિત્યવારસામાં. મહાભારત, રામાયણ, જાતક કથાઓ, એરેબિયન નાઇટ્સ, ઇસ્લામીક સાહિત્યની પરંપરા સાથે એ સીધું જ અનુસંધાન ધરાવે છે તેમ કહેવું પુરતું નહીં ગણાય, એમણે જે વાસ્તવનો સામનો કર્યો, રાષ્ટ્રવિભાજન અને એ સમયે થયેલ કત્લેઆમ, રાજકિય ઇચ્છાશક્તિએ સામાન્ય માણસના ચિત્ત પર કેવો વજ્રાઘાત કરી દીધો હોવાની અનુભૂતિ, બે-વતન થયેલાઓના ચિત્તમાં આ સ્વરુપના વિભાજનનો શો અર્થ હતો તે શોધવાની મથામણ, આગવું અસ્તિત્વ ધરાવતાં પાકિસ્તાનના ઉદ્ભવ પછી પણ ત્યાં મુસ્લીમ-મુસ્લીમ વચ્ચે થતી કતલો, અંધાધૂધીભર્યો રાજયવહિવટ અને અસ્થિરતા આદિના કારણે એક સંવેદનશીલ વ્યક્તિનું ચિત્ત કેવો સંક્ષોભ અનુભવે છે - તેનું આલેખન આ વાર્તાઓમાં આગવી શૈલીએ કરવામાં આવ્યું છે. મન્ટો, કૃષ્ણચંદર, ફૈજ આદિ સર્જકોથી આ લેખક આગવી દિશા કંડારે છે અને એમાં એવી સિદ્ધિ મેળવે છે કે જેનું અનુસરણ ભાગ્યે જ કોઇ કરી શકે. હજી સુધી તો નહીં જ. સંપાદકે સાચું જ કહ્યું છે- ‘પોતાની મોટાભાગની કૃતિઓમાં હુસૈન હિન્દુસ્તાની હોવાની અને મુસ્લીમ હોવાની પ્રબળ છાપ પાડે છે. ઇતિહાસે એમને ભારતીય હોવું અને મુસ્લીમ હોવું એ બે વચ્ચેની પસંદગી સામે મૂકી આપ્યાં છે. બંને પક્ષે એકસાથે વફાદારી નિભાવવાની, બંને વચ્ચે તાણાવાણાની નાજુક જાળ ગૂંથવાની તક વિભાજને કમનસીબે એમની પાસેથી ઝૂંટવી લીધી છે. પોતાની જાતને હિન્દુ-મુસ્લીમ સંસ્કૃતિના સંતાન તરીકે ઓળખાવતાં હુસૈન ભારતીય મુસ્લીમ સંસ્કૃતિ વિશેના, પાકિસ્તાનના બનવા વિશેના, હિજરત વિશેના વિચારો મૌલિક છે. આગવા છે.’
પાત્રોના ચહેરાઓ સ્પષ્ટ ન થાય તે રીતનું આલેખન હેતુઃપૂર્વક કર્યું છે. પરિવેશ પણ કોઇ સ્થળ-કાળને સ્પષ્ટ ન કરે તે રીતે આલેખન કરવાનું સ્વીકારે છે. ઘણી વાર્તાઓમાં તો દુનીયાના કોઇપણ છેડે થયેલ બે-વતન લોકોનું પ્રતિનિધિત્વ કરે તે પ્રકારનું વૈશ્વિક આલેખન કરી શક્યાં છે. ભારતીય સાહિત્ય વારસાનો, ઇસ્લામીક કથાઓનો, બૌદ્ધ સાથે સંકળાયેલી કથાઓનો ભાગ્યે જ આટલો અર્થસભર વિનિયોગ અન્યત્ર જોવા મળે. આવી પૌરાણિક કથાઓ જયારે વિભાજન અને પછીના સમયગાળાની સામાન્યજનની માનસિકતાને ઉજાગર કરનારી નીવડે ત્યારે આશ્ચર્ય ચકિત થઇ જવાય- તે હદનું એમનું અર્થઘટન આપણને પ્રાપ્ત થાય છે. પશ્ચિમી સાહિત્યના અભ્યાસી હોવા છતાં સર્જન કરતી વેળાએ પૂરાં ભારતીય-ઉપખંડના બની રહ્યાં છે તે એમની અનન્ય સિદ્ધિ છે. વિવિધ સ્તરે વિસ્તરેલ વિભાજનની વ્યથા, બેવતન થવાનું દુઃખ, વર્તમાનની નિઃસારતા, એક બોઝિલ એવું ભારેખમ વાર્તાવિશ્વ આપણાં ચિત્ત પર હાવિ થાય છે. એક રીતે તે વિશેષ છે તો તે જ એમની સર્જકિય દાયરાની મર્યાદા પણ બની રહે છે. કોઇ પણ વાર્તામાં બાળપણના સંદર્ભ સાથે આછેરી આનંદની લહર અનુભવાય બાકી ભારેખમ. સહ્યદયોને આ વાર્તાઓ ખુબ ગમશે.
અનુવાદક શરીફા વીજળીવાળાની સજજતા દાખવતું આ સંપાદન અભ્યાસપૂર્ણ છે. આ વાર્તાઓની ચૈતસિક ભૂમિકા રચી આપતો દીર્ઘ સંપાદકીય લેખ, મહેનત કરીને પ્રાપ્ત કરેલ સામગ્રીનો સરસ વિનિયોગ. લેખકનો પરિચય, એમની સાથે લેવાયેલ મુલાકાતો, સંદર્ભ સામગ્રીનું વિવિરણ અને ખાસ તો જે તે ગુજરાતી સામયિકમાં આ વાર્તાઓ પ્રકાશિત થઇ ત્યારે વાર્તા વિશે એમણે કરેલી નોંધ ભાવકને પૂરક સામગ્રી બની રહે છે. વાર્તાને સમજવામાં ઉપયોગી નીવડે તેવી છે. કોઇ યુનિર્વિસટી જો પાઠ્યક્રમમાં આ પુસ્તક સામેલ કરે તો વિદ્યાર્થીઓને તો જલસા પડી જાય તેવું, સીધું જ ગળે ઉતરી જાય તે પ્રકારનું પૂર્ણ પુસ્તક પ્રાપ્ત થાય તેવું આ સંપાદન અને લેખમાંનું વિવેચન છે.
(સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી હાસ્ય સાહિત્યઃ એક અભ્યાસ.(સંશોધન), લાભુભાઇ પી. લાવરિયા. પ્ર.આ.ફેબ્રુઆરી-૨૦૦૯, પ્ર.પોતે. રુમ નંબર-૭, જવાહર નવોદય વિદ્યાલય, ધ્રાંગધ્રા-૩૬૩૩૧૦.કુલ પૃષ્ઠ-૨૪૦, કિંમત-૧૨૫.૦૦ રૂ.કાચું પૂઠું, ડિમાઇ)
જીવનમાં હાસ્યનું મહત્વ કેટલું છે એ વિશે સભાનતા પણ વધી છે અને હાસ્ય વિશેની ગંભીર ચર્ચા-વિચારણા પણ આજના યુગમાં વધી પડી છે. થેરેપી તરીકે હાસ્યનો ઉપયોગ થવા લાગ્યો છે. સામે પરંપરાગત રીતે સાહિત્યમાં હાસ્યને ગૌણ સ્થાન મળ્યું છે. એ મુખ્યધારા તરીકે ક્યારેય અને વિશ્વભરના કોઇ પણ સાહિત્યમાં ક્યારેય સ્વીકાર્ય બન્યું નથી. સ્વભાવિક જ સતત હસતા રહેવું તે પણ યોગ્ય ક્યાં ગણાયું છે ? પણ કોઇ પણ દશા-અવદશામાં હસતા રહેવું તે જીવનની સૌથી મોટી ફિલોસોફી પણ ગણાય છે ! ગુજરાતી સાહિત્યમાં હાસ્યનું ક્ષેત્ર પાતળી ધારા રુપે વહ્યાં કર્યું છે. મધ્યકાળની સરખામણીએ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં પ્રમાણમાં સભાન રીતે હાસ્યસાહિત્ય ખેડાવાની શરુઆત થઇ. પણ એય મર્યાદિત માત્રામાં જ. ડો. લાભુભાઇ લાવરિયાએ હાસ્યસાહિત્યને તપાસવાનું, એને સંશોધિત કરીને ગુજરાતના સુજ્ઞ વાચકો સામે ગુજરાતી હાસ્ય સાહિત્યની તસવીર મુકી આપવાનું કામ પોતાના પીએચ.ડી.ના સંશોધન નિમિત્તે કર્યું છે.
લાભુભાઇ સામે બે પડકારો છે. એમાંનો સૌથી મોટો પડકાર છે એમનું પ્રજ્ઞાચક્ષુપણું. જે કંઇ વાંચવાનું છે એ બીજાની સહાયથી વાંચવાનું છે. કોઇ પાસે વંચાવી એની રેકોર્ડ તૈયાર કરવાની, પછી વારંવાર એને સાંભળવાની અને એ વિશે નોંધ કરવાની.વળી પોતે જે કહેવું છે તે બ્રેઇલમાં લખી, બીજા પાસે ગુજરાતીમાં લખાવી તે ગાઇડ સમક્ષ રજુ કરવાનું, એમાં જે સુધારા વધારા આવે તે ફરી કરવા માટે પહેલેથી એકડો ઘૂંટવાનો ! બીજો પડકાર છે હાસ્ય સાહિત્ય પોતે. આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યથી આરંભીને આજ સુધીમાં થોડાં અપવાદને બાદ કરતાં હાસ્ય વિશે ગંભીરતાથી શાસ્ત્રીય ચર્ચા થઇ જ નથી. હાસ્યની વ્યાખ્યાથી માંડી એના પ્રકારો, પ્રકારોની સ્પષ્ટ સમજ- વિશે બહુ ઓછાં વિવેચકો, શાસ્ત્રજ્ઞોએ વાત કરી છે. એવી જ સ્થિતી પશ્ચિમમાં પણ છે (જો કે, તેમ છતાં પ્રમાણમાં સારું એવું ચિન્તન ત્યાં થયેલું જોવા મળે છે.) બંને પડકારોને લાભુ ઝીલી લે છે સારી રીતે.
લાભુભાઇએ બંને પરંપરાને ખપમાં લઇ હાસ્યના સ્વરુપ વિશે વિગતે વિચારણા કરી છે. હાસ્યના પ્રકારો, એ પ્રકારોને અનુરૂપ ગુજરાતી કૃતિઓ, એના અંશો દૃષ્ટાંતરૂપ રજૂ કરતાં જઇ જે તે પ્રકારને સ્પષ્ટ તારવીને આપણી સામે રજૂ કરે છે. સ્વાતંત્ર્યોત્તર યુગ વિભાવનાને પણ હાસ્યના સંદર્ભે સ્પષ્ટ કરે છે અને સાથોસાથ ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસનો વિકાસ કઇ રીતે થયો છે- તેની માંડીને વાત કરે છે. જૂની ગુજરાતીથી માંડી મધ્યકાલીન સાહિત્યમાં હાસ્યરસ અતિ ગૌણ સ્વરુપે ક્યાં ને કેવી રીતે આલેખાયો છે તેની વિગતે છણાવટ કરી છે. અર્વાચીન હાસ્ય લેખકો વિશે વાત કર્યા પછી છેલ્લા પચાસ-સાઠ વર્ષમાં સક્રિય એવા હાસ્ય લેખકો વિશે વિગતે વિચારણા કરી છે. જયોતિન્દ્ર દવે,ધનસુખલાલ મહેતા, બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટ, મધુસૂદન પારેખ, રતિલાલ બોરીસાગર, તારક મહેતા, દિગીશ મહેતા, ખોડભાઇ પટેલ, નવનીત સેવક, પ્રદ્યુમ્ન જોશીપુરા, અશોક દવે જેવા પ્રમુખપણે હાસ્યકાર તરીકે જ પ્રસિદ્ધ છે એમની રચનાઓનું પ્રત્યક્ષ મુલ્યાંકન કરીને હાસ્યના સ્વરુપ તરીકે મૂલવણી કરી આપી છે. વર્તમાનપત્રો અને સામયિકોની કોલમ રૂપે લખાયેલ એવું મોટાભાગનું હાસ્ય સાહિત્ય ક્યારે સાહિત્યિક ગુણવત્તા પ્રાપ્ત કરે છે ને ક્યારે એમાંથી બહાર આવી ચીલાચાલુ બની રહે છે તેની ઉદાહરણ સાથે વિવેચના કરી આપી છે. તો આપણાં પ્રમુખ સાહિત્યકારો પૈકી રમેશ પારેખ, સિતાંશુ યશશ્ચંદ્ર,લાભશંકર ઠાકર આદિની હાસ્ય કેન્દ્રી રચનાઓને પણ એમણે હાસ્યશાસ્ત્રના દૃષ્ટિકોણથી મૂલવવાનો પ્રયત્ન કર્યો છે.
‘હાસ્યની પોતાની પણ મર્યાદા છે કે એનો ભાવ સ્થાયી રાખવો મુશ્કેલ છે. એટલે જ એ ગૌણ ગણાયો છે...જીવનમાં પણ કોઇ માણસ આખો દિવસ ઉદાસ ફરે તો વાંધો આવતો નથી,પણ જો આખો દિવસ હસ્યા કરે તો કોઇ એને સ્વીકારશે નહીં, એને પાગલ ગણશે. જે જીવનમાં ગૌણ છે એ સાહિત્યમાં પણ હોય.’- એમ કહેતા લાભુભાઇ આખાય સંશોધન પછી જે તારણ પર આવે છે તે બહુ આશા જગવતા નથી. હાસ્યની સ્થિતી સમય સાથે જ જોડાયેલી છે. સમય બદલાવા સાથે નવું જન્મે તે જ હસાવી શકે. એમાં સંદર્ભોની ભૂમિકા ખાસ્સી રહેલી હોય છે એટલે ઓલ ટાઇમ હસાવી શકે તેવી કૃતિઓ ઓછી જ રહેવાની તે નીચોડ સાથે સહમત થવું જ પડે તેમ છે. હા, સમુહમાધ્યમો અને સ્વાસ્થ્ય સાથે હાસ્યને સાંકળવામાં આવ્યું હોવાથી એ દિશામાં નવાં નવાં પ્રયોગો સરસ રીતે ચાલી રહ્યાં છે. એ વાતની નોંધ એમણે વૈશ્વિક કક્ષાનું ચિત્ર રજૂ કરીને લીધી છે.
પ્રુફની ભૂલો (દા.ત. પાન નંબર-૧૦૯) અને સંશોધનમાં સ્વાભાવિક જ આવી જતાં પુનરાવર્તનો પુસ્તકરૂપે પ્રકાશિત કરતાં પહેલા ટાળી શકાયા હોત. પણ એ બધાને નજરઅંદાજ કરીને ય કહેવું પડે કે લાભુભાઇ લાવરિયાએ કરેલ આ સંશોધનકાર્ય આપણાં હાસ્યસાહિત્યને ચોક્કસ દિશા-દોર આપવામાં, એનું એક વ્યવસ્થિત સ્વરૂપ ગ્રથિત કરવામાં ઉપયોગી નીવડશે. અને પોતાની મર્યાદાઓથી ઉપર ઉઠવાનો એમનો પ્રયાસ અનેક સંશોધાર્થીઓ માટે પણ પ્રેરક બની રહેશે તેમાં શંકા નથી.
(છાતીમાં વાવ્યાં છે વહાલ (વાર્તાઓ) પરાજિત પટેલ.પ્ર.આ.૨૦૦૯,પ્ર.ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધીરોડ, અમદાવાદ-૦૧, કુલ પાનાં-૨૮૦, કિં.૧૭૦.૦૦ રૂ. પાકું પૂંઠું, ક્રાઉન)
ગુજરાતના અગ્રણી એવા વર્તમાનપત્રમાં નિયમિત કટારલેખક તરીકે જાણીતા લોકપ્રિય લેખક પરાજિત પટેલનો આ વાર્તાસંગ્રહ - ‘છાતીમાં વાવ્યાં છે વહાલ’ એ એમની ‘ઝાકળઝંઝા’ અને ‘રણને તરસ ગુલાબની’ કટારમાં પ્રકાશિત થયેલી કથાઓને પ્રકાશિત કરે છે. સ્વભાવિક જ આ વાર્તાઓ બહોળા વાચકવર્ગને એક સાથે આનંદ આપે એ પ્રકારે, ખાસ કહીએ તો રોજે અનિવાર્યરીતે લખવાની ફરજના ભાગ રૂપે લખાયેલી કથાઓ છે. મોટાભાગની વાર્તાઓમાં મળતાં નિર્દેશ પ્રમાણે સમાજમાં ક્યાંક ને ક્યાંક બનતી ઘટનાઓ, સત્ય ઘટનાઓને આ કથાઓ આલેખે છે. પરાજિત પટેલ એ પ્રકારની કથાઓ લખવામાં ખાસ્સા લોકપ્રિય બન્યાં છે.
આ સંગ્રહમાં કુલ ૩૮ ઘટનાઓ કહેવાઇ છે. દરેક વાર્તા તમને એક જ બેઠકે, રસપૂર્વક વાંચી જવી ગમે તેવી રીતે આલેખાઇ છે. આ વાર્તામાં સંસારના સારા-નરસાં માણસોના ચરિત્રો આલેખાયા છે. વાર્તાને પોષક નીવડે તેવો પરિવેશ, વિશેષણોથી ભરપૂર ભાષાવૈભવ, દરેક વર્ગને સ્પર્શે તે પ્રકારનું વાર્તાવરણ રચવામાં પરાજિત પટેલ અપરાજિત છે. આવો એમનો પરિચય એમની જ લેખિનીથી કરીએ. ‘આ સંગ્રહની બધી જ વાર્તાઓમાં ક્યાંક ને ક્યાંક, એકાદ ખૂણામાં પણ, વહાલ તો પડેલું જ છે. કોઇનું વહાલ મળે, કોઇ એટલે ? કોઇ મનગમતાનું વહાલ મળે, તો ન્યાલ થઇ જવાય ! હા, કથાઓમાં છે વહાલ વત્તા ખ્યાલ વત્તા સંસારનો તાલ, વત્તા સ્મરણોનો તાજમહાલ.. આટલું ન મળે તો માણસ બની જાય કંકાલ !’
પરાજિત પટેલની વાર્તાઓમાં પ્રેમમાં વિશ્વાસઘાત, પ્રેમમાં સર્વસ્વનું બલિદાન, સંબંધોના આટાપાટા, ધંધા-રોજગારમાં ઉતારચડાવ, નસીબનું પરિમાણ- જેવી બાબતો વધારે આલેખાય છે. અપ-મૃત્યુ, ગરીબથી અમીર વર્ગન સ્ત્રી પુરુષોની સંઘર્ષ કથાઓ અહીં અભિધામાં, વિશેષણોથી ભરપૂર શૈલીએ, બધું જ સ્પષ્ટ કરી દેવાની ઇચ્છાથી આલેખાયું છે. વર્ણનો આપણને મજા કરાવે છે, જુઓ લેખક પ્રેમમીમાંસા કરે છે, પાત્રના મુખે- "લેખકજી, મેં પ્રેમલગ્ન કર્યાં છે, પણ છેલ્લા કેટલાક સમયથી પ્રેમ શબ્દનું શબ મારા ઘરમાં પડ્યું પડ્યું ગંધાય છે. પ્રેમ કરીને હું પસ્તાયો છું. એ પછી લગ્ન કરીને તો પોશ પોશ પાણીડે રડ્યો છું. અમારી વચ્ચે બોલ-ચાલના સંબંધો પણ નથી રહ્યાં આજે." હું એને કહું" પાત્રને પૂર્ણ પણે પિછાણ્યા વગર કૂદી પડનારની આ જ સ્થિતિ થાય ! પ્રેમમાં તો કેવળ ન્યોછાવરી ! ત્યાગ ! પીડામાં સતત પલળવાનું !"
દરેક વાર્તાની શરૂઆત એક શેઅર - શાયરીથી થાય છે. ઉદાહરણ જોઇએ- ‘આકારમાં તો એકસરખાં હોય છે માણસ બધાં, કિન્તુ દિલના દ્વાર ખુંલ્લાં હોય છે એકાદના’ , ‘મન શું કામ બોલાવી રહ્યા છો, આ રીતે, લાશ છું, ને લાશને ક્યાં શ્વાસ જેવું હોય છે ?’ અને કથાનો અંત મોટાભાગે સુખાન્ત આવે છે. દુખાન્ત હોય ત્યાં કશોક આદર્શ આપણી સામે આવે છે. સરેરાસ સમાજમાં લગભગ દરેકનું જેવું એક્શન રિએક્શન હોય છે ઘટનાઓ પ્રત્યે તે પ્રકારનું ‘એક્શન રિ-એકશન’ વાર્તાકાર દ્વારા આલેખવામાં આવે છે. બીજું કે વર્ણનો સ્થૂળ અને જાણીતા પરિવેશના આપવા, પાત્રોનું વર્તન, ભાષા, વિચારોની રેન્જ, મૂલ્યો વિશેની આપણી સર્વસામાન્ય સમજ, થોડું રહસ્ય જગવે તે પ્રકારે ઘટનાક્રમને ઉલટસૂલટ કરવો, ભરપૂર વિશેષણો, એટલા જ ભરપૂર આશ્ચર્યચિહ્નોનો ઉપયોગ (ઘણીવાર તો આશ્ચર્યચિહ્યન અમુક જગ્યા કેમ છે એ વિશે પણ આશ્ચર્ય જન્મી આવે તેટલો અને તેવો ઉપયોગ ! ! !), છાપામાં આવતી ઘટનાઓને રિપોર્ટરની ભાષાથી એક સ્ટેજ આગળ જતી ભાષામાં મુકવાની હથોટી- આ રેસિપી પરનું પ્રભુત્વ આનંદ જન્માવે છે. એમને ખુબ ખુબ અભિનંદન. બહોળા વાચક વર્ગને વાંચતા કરવા માટે પણ. મજા આવી. મજા આપશે બધાને.
પણ વાંચી લીધા પછી થોડા જ સમયમાં ભૂલી જવાશે કેમકે, આવી ઘટનાઓ તો રોજે આપણી આસપાસ બન્યાં જ કરે છે, બનતી જ રહેવાની. પાડોશમાં ઝઘડતા હોય ને જેટલી ઘડી રસ પડે છે તેવું જ કંઇક અહીં પણ થાય છે. પૂર્તી વાંચતા વાંચતા સૂઇ ગયા પછી જાગો ત્યારે શું વાંચ્યું હતું ? એ મોટાભાગે ભૂલાઇ જ જતું હોય છે.
ડો.નરેશ શુક્લ, 53-એ, હરિનગર સોસાયટી, મુ.પો.વાવોલ. જિ.ગાંધીનગર, પીન-382016, ફોન નં- 94280 49235