મનોવૈજ્ઞાનિક સિધ્ધાંતોનું સાહિત્યમાં પ્રયોજન: સંભાવનાઓ અને મર્યાદાઓ
(૧) પ્રસ્તાવના :
સંસ્કૃતિની શરૂઆતમાં જયારે બધા શાસ્ત્રો, વિજ્ઞાનો માત્ર તત્ત્વજ્ઞાનની આસપાસ વિચારવામાં આવતા હતા ત્યારે રૂડોલ્ફ ગોકલે દ્રારા ’’Psychology’’ શબ્દનો ઉપયોગ કરાયો હતો. શબ્દ વ્યુત્પત્તિશાસ્ત્રની દ્ષ્ટિએ ’’Psyche’’ શબ્દનો અર્થ આત્મા થાય છે. અને ’’Logos’’ શબ્દનો અર્થ વિજ્ઞાન થાય છે. આથી શરૂઆતની વ્યાખ્યા મનોવિજ્ઞાનને આત્માના વિજ્ઞાન તરીકે આપવામાં આવી હતી. ત્યારબાદ મનોવિજ્ઞાને ‘મન’ ના વિજ્ઞાનને તરીકે ઓળખવામાં આવ્યૂં. ગ્રીક તત્ત્વચિંતનમાં ’’Psyche’’ શબ્દ મન અને આત્મા એમ બંને અર્થમાં વપરાયેલો છે. અને તેથી કેટલાક ચિંતકો મનોવિજ્ઞાનને મન અને માનસિક કિ્રયાનો અભ્યાસ કરતા શાસ્ત્ર તરીકે ઓળખતા. હોફડીંગના મતે મનોવિજ્ઞાનના અભ્યાસમાં જ્ઞાન, લાગણી અને પ્રવૃતિનો સમાવેશ થાય છે. આ ત્રણેય બાબતો મનની ક્રિયા છે. ભૌતિકવાદીઓ પ્રમાણે મન એ મગજની એક પ્રવૃતિ છે, અનુભવવાદીઓ મનને ચેતનાનો સમૂહ ગણે છે. અને બુધ્ધિવાદીઓ મનને માનિસક શકિતઓ, ક્રિયાઓ અને મનોવ્યપારનો સમૂહ માને છે. ત્યારબાદ વિલ્હેમ વુંટ, ટીચનર અને અન્ય રચનાવાદીઓએ મનોવિજ્ઞાનને ‘ચેતનાનું’ નું વિજ્ઞાન માન્યું હતું મનોવિજ્ઞાનનું મુખ્ય કાર્ય માનવ-પ્રાણી ચેતનાના ધટકોનું પૃથક્કરણ કરવાનું છે. ત્યારબાદ વર્તનવાદના પ્રણેતા મનોવિજ્ઞાનિક વોટ્સન મનોવિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન માનતો હતો. આમ આધુનિક મનોવૈજ્ઞાનિકો પણ મનોવિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન માને છે.
પાશ્ચાત્ય મનોવિજ્ઞાન અને ભારતીય પરંપરાગત મનોવિજ્ઞાનમાં સામ્યતા જોવા મળે છે.‘તારી જાતને ઓળખ’ આ પ્રકારની ઝંખના દરેક વ્યકિતનમાં જોવા મળે છે. ભારતીય ઋષિમુનિએ અને શાસ્ત્રોકારોએ આ ઝંખનાને સંતોષવાના, પોતાની જાતને ઓળખવાના પ્રયાસ કર્યા છે અને આમાં જ દરેક વ્યકિતનાં સર્જનાત્મક પાસાંઓ રહેલા છે. ભારતીય તત્ત્વજ્ઞોએ સુષુપ્તિ, સ્વપ્ન, જાગૃતિ અને તુર્ય એમ ચાર અવસ્થાઓનું અસ્તિત્વ સ્વીકાયું છે અને બહુ લાંબા સમય પછી ફ્રોઈડ, યુંગ અને બીજા મનોવૈજ્ઞાનિકોએ આ ખ્યાલ સ્વીકાર્યો છે. આ લોકોના મતે બોધ સ્તરની તુલનામાં અબોધ સ્તર વિશાળ, ઊંડુ અને અગાધ છે. આ અબોધ મનમાં મૂળ વૃતિઓ, સામાજીક જરૂરતો, આવેગો, વર્તન પાછળની કામના, વિનાશવૃતિ વગેરે રહેલા હોય છે. આ તમામ બાબતો થકી સાહિત્યકારો, કવિઓ, લેખકો, સર્જકો પોતાની સર્જનાત્મકતા સમાજમાં રજૂ કરતા હોય છે. મનોવિજ્ઞાનની ભાષામાં આ વર્તનનો એક પ્રકાર જ છે.
જર્મન કૌતુકરાગી (Romanticism) વૈજ્ઞાનિકપરંપરાઓએ ફ્રોઈક ઉપર પ્રત્યક્ષ અસર જન્માવી છે. ફ્રોઈડના માનવસ્વભાવના અભ્યાસ માટે અભિરૂચિ અને સૂઝમાં ગએટેનો અને જર્મન સાહિત્યનો ફાળો નાનોસૂનો નથી, વ્યકિત ઈતિહાસ પધ્ધતિનું માળખું ફ્રોઈકડને આ સાહિત્યમાંથી મળ્યું ફ્રોઈડની ભાષાકિય શાબ્દિક રજૂઆતમાં કુશળતા તેમજ વેધકતા તેમજ શબ્દોનો વૈજ્ઞાનિક પરિભાષામાં ઉપયોગ કરવાની સૂઝ તેને સાહિત્યના અભ્યાસમાં સાંપડયા હતા. તેમાં મનોવિજ્ઞાનમાં રહેલા કેન્દ્ર્તી ખ્યાલો પ્રેરણા, આવેગ, સંધર્ષ વગેરે કળા અને સાહિત્યમાં કેન્દ્સ્થાન ધરાવે છે.
(ર) સિધ્ધાંતોની પરિભાષા :
(૧) "જેના દ્રારા હકીકતોની સમજૂતી આપી શકાય અને ભાવિ બનાવો તેમજ પ્રયોગોનાં પરિણામોની આગાહી કરી શકાય એવું વૈજ્ઞાનિક સામાન્યીકરણ"
(ર) "સિધ્ધાંત એટલે વિજ્ઞાનના સંશોધનમાં એક પ્રકારની વિધિસરની વૈચારિક પ્રકિયા, જે આનુભિવક પ્રકિયાથી વિરોધી છે"
(૩) "સિધ્ધાંત એટલે આનુભિવક ધટનાઓની સમજૂતિ અથવા સ્પષ્ટીકરણ અર્થે આ ધટનાઓ ઉપરથી તારવેલો સામાન્ય નિયમ"
(૪) "પરિવર્ત્યો વચ્ચેના સંબંધોને સમજાવતી કલ્પનાને પુરાવાઓનો ટેકો મળતો હોય તો તે કલ્પનાને સિધ્ધાંતનો દરજજો મળે છે"
(પ) "સિધ્ધાંત એટલે એવા વિધાનો કે જેમાથી મોટી સંખ્યામાં આનુભિવક નિરીક્ષણો તારવી શકાય"
(૩) સાહિત્યમાં મનોવૈજ્ઞાનિક સિધ્ધાંતોના પ્રયોજનની સંભાવનાઓ :
(૩.૧) ર્ડો. સિગમંડ ફ્રોઈડ :
મનોવિશ્લેષણઃ- દર્દી કોઈની પ્રત્યે જે માન, પ્રેમ, ધિક્કાર કે વિરોધની લાગણીઓ અનુભવતો હતો તે ભાવગ્રંથિઓની અભિવ્યકિત સાહિત્યમાં વિવિધ કથાઓ કે પાત્રોમાં સંક્રમિત થતી. આપણે જોઈ શકીએ છીએ જેનો ઉકેલ મનોવિશ્લેષણમાં ઉપચાર દરમ્યાન લાવવામાં આવે છે. સવિશેષ અંગ્રેજી સાહિત્યમાં વિખ્યાત સાહિત્યકાર શેક્સપિયરની રચનાઓમાં પાત્રોમાં વિવિધ મનોવૈજ્ઞાનિક સંધર્ષો અને વિવિધ પ્રકારના વર્તનો દ્વારા તેની અભિવ્યકિત દર્શાવવામાં આવી હોય છે. ઉદા. શેકસપિયર રચિત નાટકમાં "મેકબેથ" માં લેડી મેકબેથ વારંવાર હાથ ધોવાનું કાર્ય કરતી દર્શાવવામાં આવે છે. આ અસાધારણ મનોવિકૃતિ અનિવાર્ય ક્રિયાદબાણની બિમારી તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યકિત આંતરિક રીતે તીવ્ર વધારે પડતા પ્રમાણમાં અપરાધ ભાવ અનુભવતી હોય તે સ્વચ્છતાના આગ્રહી હોય છે અને વારંવાર હાથ ધોવાની ક્રિયા મનમાં ઉદ્ભવેલા સંધર્ષો પાપ ધોવાની ક્રિયાનું પરિણામ હોય છે. અમુક પ્રકારના વિચારો કર્યા વગર માણસ રહી ના શકે, જેને અનિવાર્ય મનોદબાણ કહેવામાં આવે છે તે પણ સાહિત્યમાં સવિશેષ જોવા મળે છે.
સ્વપ્ન પૃથ્થકરણઃ- ફ્રોઈડે કહયું છે કે સ્વપ્નમાં જે પ્રગટ પાસું હોય છે તે તો તેની પાછળ રહેલા ગુપ્ત પાસાં ઉપરનો અચંળો છે. પ્રગટ સ્વપ્ન તો તેની પાછળ રહેલ ગુપ્ત, અપ્રગટ ઈચ્છાઓને વ્યકત કરે છે. Psycho-Pathology of Everyday Life’’ માં ફ્રોઈડે દર્શાવ્યૂં છે કે બોલવામાં, લખવામાં કે સ્મરણમાં જે ક્ષતિઓ થાય છે તે આકસ્મિક, સ્વાભાવિક કે અર્થહિન હોતી નથી. તેની પાછળ અપ્રગટ અહ્મની ઈચ્છાઓ, ગ્રંથિઓ રહેલી હોય છે.આ બાબતની સાબિતિ પણ આપણને સાહિત્યમાં જોવા મળે છે. સ્વપ્ન પ્રકિયા વિકૃતિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. અબોધ વાસનાઓ છદ્મવેશે પ્રતિકો રૂપે સ્વપ્નમાં પ્રગટ થાય છે. અબોધ તત્વને વાસ્તવિક જગત સાથે સંબંધ નથી. તે અબોધ હોવાથી અનુભવોમાં તેમનું ધ્યાન રહેતું નથી. ભવિષ્ય વિશે કરેલી કલ્પના કે ભૂતકાળમાં થયેલા અનુભવ બંને સ્વપ્નમાં વર્તમાનમાં બનતી ધટનાઓના રૂપમાં રજૂ થાય છે. અબોધમાં નકાર કરવાની શકિત હોતી નથી, એટલે તે પરસ્પર વિચારો વચ્ચેની અસંગતિ પારખી શકતું નથી, પરિણામે એક જ પ્રતિક કેટલીકવાર એક વિચાર અને તેના વિરોધી બંનેને રજૂ કરતું હોય છે. બધા જ સ્વપ્નો ઈચ્છાપૂર્તિના નથી હોતા, કેટલાક દુઃખદ, ભયજનક કે ડરામણા હોય છે. કેટલાક સ્વપ્નોમાં તીવ્ર સંધર્ષ પણ પ્રગટ પામે છે. આવા સ્વપ્ન આવે ત્યારે અહ્મ ડરી જાય છે. વ્યકિત ઊંધમાંથી પણ જાગી જાય છે.
સુખ સિધ્ધાંતઃ- ફ્રોઈડે સુખતત્વને મહત્વનું સ્થાન આપ્યું છે. તેના મતે મનષ્યની દરેક પ્રકારની પ્રવૃતિ સુખને પ્રાપ્ત કરવા અને અસુખને ટાળવાના હેતુથી જ પ્રેરાયેલી હોય છે. માનસતંત્રમાં રહેલી ઉત્તેજનાને ઘટાડવા કવિઓ, સાહિત્યકારો અને સર્જકો પોતાના લેખ, રચના અથવા કૃતિનો સહારો લેતા હોય છે. જાતિયતા સાથે સંબંધિત રચનાઓમાં કે લેખોમાં ફ્રોઈડના મતે કામશકિત કામ કરતી હોય છે. આ કામશકિત માત્ર બાહય પદાર્થો પ્રત્યે નહિ, વ્યકિતની પોતાની પ્રત્યે પણ વળે છે. પોતાની જાત સાથે જ મોહમાં પડવાના વલણને ગ્રીક દંતકથાના નાયક નારસીસના નામ ઉપરથી તેને ‘નારસીસીઝમ’ તરીકે ઓળખાવ્યું છે. જયારે જે સાહિત્યકારો, સર્જકો, લેખકો કે કવિઓ ની રચના જાતને પીડા આપતી, નુકસાન કરતી, ઈજા કરતી, ઉતારી પાડતી, નાશ કરતી વગેરે પ્રકારની હોય તો તેને ફ્રોઈડ મૃત્યુ પ્રેરણાની મૂળવૃતિ સાથે સરખાવે છે.
મનોવિજ્ઞાન ના વિવિધ સંપ્રદાયો કે વિચારધારાઓ અંતર્ગત મનોવિશ્લેષણ સંપ્રદાયમાં પ્રેરણા, આવેગ અને સંધર્ષની અનુભૂતિ અને અભિવ્યકિતનું વિષદ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સાહિત્યમાં સવિશેષમાં પ્રેરણા, આવેગ અને સંધર્ષનું વિવિધ સ્વરૂપોમાં થતી અનુભૂતિ અને અભિવ્યકિત જ પ્રગટ થતી હોય છે જે પણ સાહિત્ય અને મનોવિજ્ઞાનને જોડવાનું સહજ કારણ બને છે. સાહિત્ય એટલે મનનું પ્રતિબિંબ દર્પણ.
(૩.ર) કાર્લ ગુસ્ટાવ યુંગ :
યુંગના મતે સાહિત્યકારોની પ્રર્વતમાન પરિસ્થિતિ, તેના ધ્યેયો અને આકાંક્ષાઓ, મનોવલણો વગેરેનો ઉલ્લેખ તેના વર્તનને સમજવા માટે જરૂરી છે. યુંગે તેની વિચારસરણીમાં કારણત્વ અને હેતુત્વ, ભૂતકાલીન અનુભવો અને ભવિષ્ય વિશેની આકાંક્ષા બંનેનો સુમેળ કર્યો છે. યુંગે જીવન શકિતનો ખ્યાલ આપ્યો, જીવન શકિતનું રૂપાંતરણ કરનારા મનોવૈજ્ઞાનિક તંત્રને યુંગ ‘પ્રતિક’ કહે છે. સર્જકો ચિન્હો અને શબ્દો દ્રારા પોતાની બાબતોને રજૂ કરે છે. અપરિચિત બાબતોનું અર્થધટન પ્રતિકોની મદદથી થાય છે. પ્રતિકો માનવ મનના અબોધ સ્તરમાંથી પ્રગટે છે. પ્રતિકોની રચના વિચારપૂર્વક નહિ પરંતુ સ્વંયભૂ રીતે થાય છે. સર્જકોમાં આ બાબત રચનાત્મક પ્રવૃતિઓમાં માર્ગદર્શક બને છે.
યુંગે ‘ભાવગ્રંથિનો’ નો શબ્દ વહેતો કર્યો, ભાવગ્રંથિ એટલે વ્યકિતગત અબોધમાં રહેલી લાગણીઓ,વિચારો, પ્રત્યક્ષો અને સ્મૃતિઓના વ્યવસ્થિત સમૂહ કે શકિતપૂંજ છે. આ ભાવગ્રંથિ દરેક સાહિત્યકાર, સર્જક, લેખક કે કવિમાં હોય છે. જે ભાવગ્રંથિ વધુ પ્રબળ હોય તે રીતે સાહિત્યકારો પોતાની રચના રચતા હોય છે. જેમ કે પ્રેમ, આક્રમકતા, રહસ્ય વગેરે. યુંગના મતે સર્જકોમાં ચાર પ્રકારના આદ્યસંસ્કાર હોય છે. (૧) મહોરુ - ’’Persona’’ (ર) છાયા - ’’Shadow’’ (૩) પુરૂષ શકિત - ’’Anima’’ (૪) સ્ત્રી શકિત - ’’Animus’’. આ ચાર સંસ્કારોમાંથી જે સંસ્કાર પ્રબળ હોય છે તેવી કૃતિનું સર્જન સર્જકોમાં જોવા મળે છે.
યુંગના મતે અંતર્મુખી વ્યકિતત્વ ધરાવતા સાહિત્યકારો પોતાની કૃતિ સમાજ દ્વારા થતા અત્યાચારો, સંધર્ષો, એકલતા, સમાજમાંથી ન મળતા ન્યાય ના પ્રશ્ન સાથે જોડાયેલી હોય છે અને તદ્ન તેનાથી વિરુધ્ધ પ્રકારની કૃતિ બહિર્મુખી વ્યકિતત્વ ધરાવનારની હોય છે.
(૩.૩) આલ્ફ્રેડ એડલર :
એડલરે માન્યું કે માનવવર્તનનાં પ્રેરકો સામાજિક છે અને તેથી એડલરે સામાજિક પરિબળો અને સામાજિક અભિરૂચિને મહત્વ આપ્યું. એડલરના મતે દરેક વ્યકિત તેનાં પ્રેરકો, વ્યકિતત્વ ગુણો, અભિરૂચિઓ, મૂલ્યોનું વિશિષ્ટ સંગઠન છે અને વ્યકિતના દરેક વ્યવહાર ઉપર તેની વિશિષ્ટ જીવનશૈલીની છાપ હોય છે. એડલરનો સિધ્ધાંત બતાવે છે કે સાહિત્યકારોમાં પોતાના એક ગુણ હોય છે. તે ગુણને ધ્યાનમાં રાખી સાહિત્યકારો પોતાની રચના રજુ કરતા હોય છે. તેમાં પોતાની અભિરૂચિ પણ સંકળાયેલી હોય છે. પણ આ સિધ્ધાંત મુજબ સર્જકો સમાજની બાબતોને ધ્યાનમાં રાખી ને પોતાની કૃતિ રજુ કરતા હોય છે. મનુષ્ય મુખ્યત્વે સામાજીક છે. તેનામાં ઉત્પન્ન થતી લધુતાઓ માત્ર જાતીય બાબતો પરત્વે જ હોતી નથી. શારીરિક અને મનોવૈજ્ઞાનિક બધી બાબતો પ્રત્યે લધુતા અનુભવાય છે, એટલે કે દરેક જાતીયતા ઉપર લખાયેલી કૃતિ કામપ્રેરણામાંથી હોતી નથી. માનવી ધ્યેય, માન્યતા અને મહત્વકાંક્ષા સાથે જોડયેલો છે. માનવીનું અંતિમ ધ્યેય વાસ્તિવક ન હોય, કાલ્પનિક પણ ન હોય, સિધ્ધ ન થઈ શકે તેવું અશકય હોય છતાં માનવી તે વિચારને વેગ આપવા માટે સાહિત્યિક રચના રચી તે વિચારને ગતિ આપવાનો પ્રયત્ન કરે છે. ટૂંકમાં સાહિત્ય સર્જન પાછળનું એક કારણ ક્ષતિપૂર્તિ પણ હોય શકે છે.
એડલરે ‘શકિત માટેની ઝંખના’ નો ખ્યાલ દાખલ કર્યો. સ્ત્રી અને પુરુષ બંને તેમની અયોગ્યતા, નબળાઈ અને લધુતા ઢાંકવા માટે વધારે પડતા પુરક પ્રયત્ન કરે છે. આ પ્રયત્નો આક્રમકતા, પ્રેમ, નાયક, વિરોધી ભાવના, હિંસા, સામાજીક ન્યાય, સ્વાર્થ, અભિમાન, સંતોષ વગેરે દ્રારા સાહિત્યમાં રજૂ થાય છે.
(૩.૪) ઓટો રેન્ક :
ઓટો રેન્ક પોતાના સિધ્ધાંતમાં બતાવે છે કે જયારે વ્યકિત સામાજિક દબાણો અને જાતીયતાના દબાણોને વશ થાય છે તે તેના વિકાસની નિમ્નતમ્ અવસ્થા કહેવાય. પરંતુ વ્યકિત પોતે પોતાના વિચારો અને આદર્શો અનુસાર વિકાસ સાધે છે ત્યારે તે આત્મચિંતન કરે છે અને આ વિચારો અને આ આત્મચિંતન વ્યકિતને કાંઈક સર્જન કરવા માટે પ્રેરે છે. આમ વિકાસની અવસ્થા મુજબ વ્યકિત જયારે આત્મચિંતનની અવસ્થાએ પહોંચે છે ત્યારે તેનામાં સર્જનાત્મક વિચારણા વિકાસ પામી ગઈ હોય છે અને તેને આધારે જ સાહિત્યકારો, લેખકો કે સર્જકો પોતાના વિચારો કોઈ રચના દ્રારા રજૂ કરે છે. જીવનમાં સતત સર્જન, વિસર્જન અને પુનસર્જનનાં પ્રયાસોને પરિણામે વ્યકિતની સર્જનાત્મક શકિત પૂર્ણ વિકાસ પામી હોય છે અને તે પોતે સ્વંય પોતાનું સ્વાયત જગત રચે છે એટલે કે તેને ગમતી કૃતિ સાહિત્યિક રચનાઓ રચે છે અને તેમા જ તે સંતોષ મેળવે છે.
સર્જનાત્મક કલાકારનું વ્યકિતત્વ સ્વાયત સંકલ્પવાળું, નવીન સંગઠન ધરાવતું પ્રબળ વ્યકિતત્વ છે. સર્જનાત્મક વ્યકિતત્વ ધરાવતી વ્યકિત આવેગો ઉપર કાબૂ ધરાવે છે અને ઈચ્છા મુજબ વ્યવહારો કરી શકે છે. પોતાની મેળે પોતે પસંદ કરેલા ધ્યેયો અનુસાર અહમ આદર્શ ઉપજાવી શકે છે. સર્જનાત્મક વ્યકિતત્વ ધરાવતી વ્યકિત જાતીય ઉતેજનાનાં જૈવિય દબાણો અને આવેગાત્મક ઉત્તેજનાનાં મનોવૈજ્ઞાનિક દબાણો ઉપર કાબુ પ્રાપ્ત કરે છે. આવા પ્રકારની વ્યકિતની રચનામાં અભદ્રતા દેખાતી નથી.
(૩.પ) માનવતાવાદી મનોવૈજ્ઞાનિક :
અબ્રાહમ મેસ્લો પ્રેરણાના સિધ્ધાંત માટે જગવિખ્યાત છે. માસ્લોના મતાનુસાર માનવી મૂળભૂત શારીરિક જરૂરિયાતોથી જીવનની શરૂઆત કરીને ક્રમશઃ સલામતીની, પ્રેમની, આત્મગૌરવની, અને સ્વ આવિષ્કારની જરૂરિયાત સંતોષવા માટે પ્રયત્નશીલ બનતી હોય છે. માસ્લો માને છે કે જયાં સુધી નિમ્નકક્ષાની જરૂરિયાતો ન સંતોષાય ત્યાં સુધી ઉચ્ચકક્ષાની જરૂરિયાત સંતોષવા પ્રયત્નશીલ બનવું લગભગ અઘરું બની જાય છે. માસ્લોના મતે માનવી વિચારશીલ પ્રાણી છે. તેની પાસે સંકુલ એવું મગજ છે. જેને ઉદ્રીપનની જરૂરિયાત હોય છે. આ એક બોધાત્મક જરૂરિયાત છે. વ્યકિત કોયડાઓને ઉકેલે છે અને આગળ વધે છે. વ્યકિત સ્વ આવિષ્કાર કરવા મથે છે. પોતાની શકિતનું પ્રગટીકરણ ઈચ્છે છે. આપણામાં રહેલો સાહિત્યકાર, કવિ કે કલાકાર પ્રગટ થવા મથે છે.માનવી માત્ર ભૂખ તરસથી જ દોરાતો નથી પણ એને ‘કંઈક’ બનવું હોય છે.
(૪) સાહિત્યમાં મનોવૈજ્ઞાનિક સિધ્ધાંતોના પ્રયોજનની મર્યાદાઓ :
(૪.૧) ર્ડો. સિગમંડ ફ્રોઈડ :
ફ્રોઈડના તમામ સિધ્ધાંતો, રચનાઓના મનોવૈજ્ઞાનિક મહત્વનો સ્વીકાર કર્યો છે. જાતીયતા, દમન, ઇડીપસ, ગ્રંથિઓ, આત્મ, ભાવસંક્રમણ, વ્યકિતત્વ પ્રકારો અને ચારિત્ર્ય વગેરે ખ્યાલોના સંદર્ભમાં માનવવર્તનું કરેલું વિશ્લેષ્ણ વાસ્તવિક અને સાચું છે. પરંતુ ફ્રોઈડના આ ખ્યાલોને તેના મૂળવૃતિ સિધ્ધાંતના સંદર્ભમાં નહિ, પરંતુ તેના સમયમાં પ્રવર્તમાન, સામાજિક વાસ્તવિકતાના સંદર્ભ સમજવા જોઈએ. ફ્રોઈડના મોટા ભાગના દર્દીઓ તેના સમયના પિતૃસતાક, પુરુષપ્રધાન રૂઢિચુસ્ત નૈતિક મૂલ્યોનો ઝંડો પકડી રાખનાર મધ્યમવર્ગીય સમાજમાંથી આવતા હતા.
(૪.ર) કાર્લ ગુસ્ટાવ યુંગ :
વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના વિકાસમાં યુંગના વ્યકતિત્વ સિધ્ધાંત અને અંતર્મુખતા - બહિર્મુખતાના પાસા સિવાય કોઈ મહત્વનો ફાળો નથી. કારણ કે તેણે આદ્યસંસ્કારની વાતો કરી તે વાતો અમુક મનોવૈજ્ઞાનિકોએ ઉડાવી નાંખી છે. સાહિત્યકારો હોય કે સામાન્ય માણસ હોય પણ તેની રચના પાછળ તેનો વારસો અને વાતાવરણ બંને ભાગ ભજવે છે. દરેક સર્જક અને વ્યકિતમાં દરેક પ્રકારના ભાવો રહેલા જ હોય છે પરંતુ સાહિત્યકારો તે ભાવોને સમાજની વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે વર્ણવે છે. એટલે માત્ર ભાવ જ પ્રબળ હોય તે મહત્વનું નથી પણ વ્યકિતમાં સર્જનાત્મતાનું પાસું કેટલું પ્રબળ છે તે મહત્વનું છે.
(૪.૩) આલ્ફ્રેડ એડલર :
એડલરે પોતાના સિધ્ધાંતોમાં ઘણા પ્રશ્નો અનુત્તર રાખ્યા છે. જેમકે સાહિત્યકારોમાં સર્જનાત્મકતા શું છે. તે બતાવી શકતા નથી. માનવી પોતાના ધ્યેયોન્મુખ કેમ બને છે. તે પણ બતાવી શકતા નથી. સાહિત્યકારો માત્ર સમાજને જ ધ્યાનમાં રાખીને સર્જન કરે છે તો પછી કોઈ વ્યકિત ભૂતકાળની ધટનાને લઈને સર્જન કરે એ કોઈ પ્રકૃતિ ઉપરનું સર્જન કરે તો તેના કયાં સિધ્ધાંત દ્રારા સમજાવી શકાય આ બાબત પણ તેના મતે રહસ્યમય છે. શું બધા જ માણસો શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા હશે? આ પણ એક અનુત્તર પશ્ન છે.
(૪.૪) ઓટો રેન્ક :
ઓટો રેન્ક પોતે માનતા હતા કે માનવ જ પોતાની જાતનો સર્જક હોય શકે છે. તો પછી અબોધ મનમાં પડેલા વિચારો કયાં જાય છે? ઉપરાંત પ્રતિભાશાળી વ્યકિતને કેવી રીતે અને કયાં સિધ્ધાંત સાથે જોડી શકાય? આ પણ એક પશ્ન જ છે. સર્જકો કેવી રીતે સર્જક બને છે પોતાના પ્રપત્નથી કે પછી જન્મજાત લક્ષણોથી?
(૪.પ) માનવતાવાદી મનોવૈજ્ઞાનિક :
માસ્લોની જરૂરિયાતોનો શ્રેણીક્રમ અનેક લોકોને સ્પર્શી ગયો છે પરંતુ તેને ખાસ આનુભવિક આધાર મળ્યો નથી. આ શ્રેણીના સોપાનો બધા માટે એક સરખા રહે તેવુ બનતું નથી. એટલે કે ક્રમ બદલાય જાય છે. કેટલીકવાર તેઓ સફળતાની એટલી બધી તમન્ના ધરાવે છે કે સલામતી અને સુરક્ષાને બાજુમાં ધકેલી દે છે પિતાને મારીને પુત્ર રાજગાદી મેળવે છે. ઈતિહાસ તેની સાક્ષી પુરે છે. સફળતા મેળવવા માટે તેઓ પોતાના સંબંધીઓનો ભોગ લે છે. કહેવાય છે કે "પ્રેમ અને યુધ્ધમાં તો બધુ જ ચાલે" અહિં પણ પશ્ન છે કે માતૃભૂમિ માટે મરી ફીટતા શહીદોને આપણે કયાં ગોઠવીશું? આત્મઘાતી હુમલો કરનાર મરી જનાર આતંકવાદીને અહીં કયા ક્રમમાં ગોઠવીશું ?
(પ) ઉપસંહારઃ
મનોવિજ્ઞાનનાં વિવિધ સિધ્ધાંતોનો સાહિત્યમાં ઉપયોગ થાય છે. એમાં આપણે જોયું પણ એની રજૂઆતમાં રહેલી જટિલતા એ સૈધ્ધાંતિક કરતા ભાવનાત્મક વધારે લાગે છે. તમામ પ્રકારની ઊર્મિઓનું વિષદ વિશ્લેષણ મનોવિજ્ઞાન કરી શકતું નથી We all know that’’ સાહિત્ય એ વિજ્ઞાનની આગળ જ રહયું છે. કેમ કે ભવિષ્યની કલ્પનાઓ સાહિત્યમાં ખૂબ જ અસરકારક રીતે અભિવ્યકત થતી આપણે જોઈએ છીએ.
મનોવિજ્ઞાનના મનોવિશ્લેષણવાદ સાથે સંકળાયેલા મનોવિજ્ઞાનીઓ સાહિત્યમાં રજૂ થયેલ સાહિત્યકારના દ્રષ્ટિ્બિંદુને આધારે સાહિત્યકારની વિકૃતિ પ્રત્યે નકારાત્મક દ્રષ્ટિ્બિંદુ ધરાવે છે. ફ્રોઈડની જાતિય દ્ષ્ટિ એ આક્રમકવૃતિનું સ્થાનાંતરણ, એડલરના મતાનુસાર લઘુતાગ્રંંથિ કે ક્ષતિપૂર્તિનું સ્થાનાંતરણ વગેરે સાહિત્યમાં થાય છે. સાહિત્યમાં વિવિધ વિષયોને ધ્યાનમાં રાખીને સર્જક કે સાહિત્યકારના રજૂ થતા દ્ષ્ટિબિંદુને હંમેશા નકારાત્મક અર્થમાં જોઈ શકાય નહિ અને તે કલાકાર કે સાહિત્યકારને વિવિધ વિષયો પરત્વે પોતાનો આગવો વ્યૂહ હોય છે. જેનાથી પોતે સ્વતંત્ર પણ હોઈ શકે છે. હા તે એ બાબતો વિશે વધુ સંવેદનશીલ જરૂર હોય શકે. અર્થાત સ્વસ્થ વ્યકિત પણ અસ્વસ્થ કે વિકૃત વર્તન તરાહો વિશે પોતાનો વ્યૂહ મૂકી શકવા સમર્થ હોઈ શકે છે જે સ્વીકારવું જ રહયું.
સંદર્ભ સાહિત્યઃ
પ્રા. ડૉ. હરેશ ડી. પંચોલી, મનોવિજ્ઞાન વિભાગ, એમ.એન.કોલેજ, વિસનગર