ભગવદગીતામાં દૈવી અને આસુરી સંપત્ દ્વારા પ્રકાશિત જીવનમૂલ્ય
શ્રીમદ્ ભગવદ્ગીતાના ૧૬મા અધ્યાયમાં શ્રીકૃષ્ણએ દૈવી સંપતિ અને આસુરી સંપતિનું વિસ્તૃત નિરૂપણ કર્યું છે. પ્રસ્તુત અભ્યાસલેખમાં દૈવી સંપત્ ગુણો ધરાવતી વ્યક્તિ અને આસુરસંપત લક્ષણો ધરાવતી વ્યક્તિઓની કુટુંબ અને સમાજ ઉપર પડતી અસરો તેમજ જીવનમાં તેમનું મૂલ્ય આ બાબતે ચર્ચા કરવામાં આવી છે.
દૈવી અને આસુરી સંપત્ શબ્દોનો અર્થ
૧. દૈવીસંપત્ :
દૈવી શબ્દ ‘દૈવ’ શબ્દ ઉપરથી નિષ્પન્ન થયો છે. ‘‘ દૈવ સંબંધી’’ આ અર્થમાં દૈવીશબ્દ સંપત્ શબ્દનું વિશેષણ હોવાથી દૈવી સંપત્ એવા સ્વરૂપમાં સ્ત્રીલિંગમાં પ્રયુક્ત થયો છે. દૈવી શબ્દ પણ ‘દેવ’ શબ્દ ઉપરથી નિષ્પન્ન થયો છે. દૈવી સંપત્માંના દૈવ શબ્દનો મૂળ શબ્દ ‘‘બ્ઘ્પ્રુબ્ભ શ્નબ્ભ ઘ્શ્વઃ’’ અર્થાત્ જે પ્રકાશે છે તે આ અર્થમાં બ્ઘ્ૅ ધાતુ ‘‘પ્રકાશવું’’ એવા અર્થમાં પણ પ્રયુક્ત થયો છે.
૨. આસુરી સંપત્:
આસુરી સંપત્ શબ્દ પણ તદ્ધિત, સામાસિક શબ્દ છે. ‘અસુરને લગતું’, ‘આસુર સંબંધી’ આ અર્થમાં આસુર શબ્દને સ્ત્રીલિંગમાં ડીષ્ પ્રત્યય થતાં ‘આસુરી’ શબ્દ નિષ્પન્ન થાય છે. સમ્પત્ શબ્દ સમ્ ઉપસર્ગપૂર્વક ‘પત્’ ધાતુ ઉપરથી નિષ્પન્ન થયો છે. અહીં, સમ્પત્ શબ્દનો અર્થ સમૃદ્ધિ કે સંપત્તિ એવો જે લોકમાં પ્રચલિત છે તે અર્થ ગીતાકારને અભિપ્રેત નથી ‘‘પણ અનાદિ વાસનામાં સંસ્પર્શને કારણે માનવજાતને પ્રાપ્ત થનારા સંસ્કારોથી ઉત્પન્ન ગુણધર્મો જન્મની સાથે જે આવી પડે છે. તેવો લેવાનો’’ છે.
દૈવી સંપત્તિના ૨૬ ગુણધર્મોનો ઉદ્ધેશ ક્રમ
ગીતાકારે સોળમાં અધ્યાયના આરંભના ૧,૨ અને ૩ શ્લોકોમાં દૈવી સંપત્તિના લક્ષણો નિરૂપ્યા છે. તે આ મુજબ છે. ૧. અભય ૨. સત્વસંશુદ્ધિ ૩. જ્ઞાનયોગ વ્યવસ્થિતિ ૪. દાન ૫. દમ ૬. યજ્ઞ ૭. સ્વાધ્યાય ૮. તપ ૯. આર્જવ ૧૦. અહિંસા ૧૧. સત્ય ૧૨. અક્રોધ ૧૩. ત્યાગ ૧૪. શાંતિ ૧૫. અપૈશુન ૧૬. પ્રાણીમાત્ર પ્રત્યે દયા ૧૭. અલોલુપત્વ ૧૮. માર્દવ ૧૯. લજજા ૨૦. અચાપલ ૨૧. તેજ ૨૨. ક્ષમા ૨૩. ધૃતિ ૨૪. અદ્રોહ ૨૫. નાતિમાનિતા
ઉપર્યુક્ત ૨૬ ગુણોનું લક્ષણ
રજસ્ ગુણની સહાયથી સત્ત્વનો ઉત્કર્ષ થતા પ્રકૃતિનો જે આવિર્ભાવ અને વિકાસક્રમ સધાય છે. તેને દૈવી પ્રકૃતિ કહેવાય છે. શંકરાચાર્યે તેમના ભાષ્યમાં ઉપરોક્ત ૨૬ ગુણોને સમજાવ્યા છે. જે નીચે મુજબ છે.
અભય : અભય અર્થાત્ નિર્ભયતા. સરળ લાગતો આ ગુણ અત્યન્ત મહત્વનો છે.
સત્વસંશુદ્ધિ : અર્થાત્ ‘‘વ્યવહારમાં અન્ય વ્યક્તિ સાથે ઠગાઈ,કપટ અને અસત્ય વગેરે ત્યજીને શુદ્ધભાવથી આચરણ કરવું. ’’
જ્ઞાનયોગ વ્યવસ્થિતિ: જ્ઞાનયોગ વ્યવસ્થિતિ એટલે આગમ ગ્રન્થો દ્વારા અને આચાર્યોના વચનો દ્વારા આત્મા-પરમાત્માનું જ્ઞાન થવું અને યોગ એટલે કે જેઓનું સ્પષ્ટ જ્ઞાન થયું છે. તેવા આત્મ-પરમાત્મા તત્ત્વનો સાક્ષાત્કાર કરવો તે.
દાન : વ્યક્તિની પોતાની માલિકીના અન્ન-ધન વગેરે પદાર્થોનું સમાજના કલ્યાણ માટે વિભાગપૂર્વકનું વિતરણ કરવું તે.
દમ : બાહ્ય ઈન્દ્રિયો ઉપરનો સંયમ એટલે દમ.
સ્વાધ્યાય : નહિ દેખાતી એવી આધિદૈવીક, આધિભૌતિક અને આધ્યાત્મિક આપત્તિઓના શમન માટે ઋગ્વેદાદિ વેદોનું અધ્યયન.
તપ : વ્યક્તિ, સમાજ અને વિશ્વની ઉન્નતિ માટે કરવામાં આવતો શારીરિક અને માનસિક પરિશ્રમ એટલે તપ.
આર્જવ : વર્તન અને સ્વભાવની સદૈવ સરળતા એટલે આર્જવ.
અહિંસા : માનસિક કે શારિરીક પરપીડનનો અભાવ એટલે અહિંસા.
સત્ય : અપ્રિય અને અનીતિથી ર્વિજત એવું યથાર્થ ભાષણ એટલે સત્ય.
શાંતિ : મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની નિર્મલતા અને અત્યન્ત પ્રસન્નતા એટલે શાંતિ
અપૈશુન : કોઈ અન્ય વ્યક્તિ પાસે અન્ય વ્યક્તિના દોષો પ્રગટ ન કરવો તે.
અલૌલુપત્વ: વિષયોની સાથે ઈન્દ્રિયોનો સંયોગ થવા છતા તેમાં વિકાર ન આવવો તે.
માર્દવ : સ્વભાવની કોમળતા એટલે માર્દવ.
હ્રી : એટલે લજજા
તેજ : તેજ એટલે બુદ્ધિની તેજસ્વીતા.
ક્ષમા : અન્ય વ્યકિતના ખરાબ વર્તન છતાં મનમાં વિકાર ઉત્પન્ન ન થવો એટલે ક્ષમા. અને ઉત્પન્ન થયેલ વિકારને શાંત કરવો.
ધૃતિ : ધૃતિ એટલે શરીર અને ઈન્દ્રિયોમાં થાક ઉત્પન્ન થવાથી તે થાકને દૂર કરનાર અંતઃકરણની વૃત્તિ.
શૌચ : શૌચ અર્થાત્ આંતરિક અને બાહ્ય એમ બંને પ્રકારની શુદ્ધિ.
આસુરીસંપત્ના લક્ષણો:
દંભ : દંભ એટલે સ્વયંને સમાજના મોટા ધર્મનિષ્ક રૂપે સ્થાપિત કરવા માટે ધર્મનો ઢોંગ કરવો તે. ટૂંકમાં દંભ એટલે મિથ્યાહંકાર
દર્પ : દર્પ એટલે સંપત્તિ અને સમૃદ્ધિના કારણે થનારો ગર્વ.
અતિમાન : અતિમાન એટલે મનુષ્યની પોતાની જાત પ્રત્યે અતિશય પૂજયભાવ.
પારૂષ્ય : પારૂષ્ય એટલે કઠોરવચન.
અજ્ઞાન : અજ્ઞાન એટલે કર્તવ્ય અકર્તવ્યના વિષયમાં ઉલટો નિશ્ચય કરવો તે.
દૈવી સંપત્ ગુણોનું જીવનમાં મૂલ્ય
વ્યક્તિના વ્યક્તિગત શ્રેય અને પ્રેયની સિદ્ધિમાં તથા વ્યક્તિના જીવનમાં, ઉપર્યુક્ત દૈવીસંપત્ ૨૬ ગુણોનું ખૂબ જ મહત્વ છે. પ્રસ્તુત ૨૬ ગુણો દ્વારા વ્યક્તિની ઉન્નતિ થતાં કુટુંબની ઉન્નતિ થાય છે. કુટુંબની ઉન્નતિ થતા સમાજની ઉન્નતિ થાય છે. સમાજની ઉન્નતિ થતા રાષ્ટ્રની ઉન્નતિ થતા અને રાષ્ટ્રની ઉન્નતિ થતા સમગ્ર વિશ્વની ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. જે ઉપર્યુક્ત ૨૬ ગુણોને આભારી છે. ઉપર્યુક્ત ૨૬ ગુણો વ્યક્તિ અને સમાજ માટે કેવી હકારાત્મક અસરો કરે છે. તથા જીવનમાં તેનું શું મૂલ્ય છે ? તે બાબત હવે થોડી વિસ્તારપૂર્વક સમજીએ. પ્રથમ ગુણ તે ‘અભય’ છે. વ્યક્તિ આ ગુણ કેળવી લે તો, નિર્ભય માણસ સમાજ કે રાષ્ટ્ર, અન્ય વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રને ભયથી આતંકિત કરવાનો પ્રયત્ન ન જ કરે, તે સ્વાભાવિક છે. આમ, જગતની સુખ અને શાંતિપૂર્ણ જીવનનિર્વાહ પદ્ધતિમાં આ ગુણનું મૂૂલ્ય ખૂબ જ છે. નિભર્થ વ્યક્તિ સમાજમાં અથવા અન્ય ક્યાંય જાહેર જગ્યાએ કરવામાં આવતા ખોટા કામોનો પણ સામનો કરી શકે છે. આમ, તે અન્ય વ્યક્તિનું સંરક્ષણ કરી શકે છે. ત્યારબાદ બીજો ગુણ છે. ‘સત્વ સંશુદ્ધિ’ આ ગુણને અપનાવેલ વ્યક્તિ વ્યવહારમાં કે અન્ય જગ્યાએ, અન્ય વ્યક્તિ સાથે ઠગાઈ, કપટ વગેરે આચરતો નથી અને આવા વ્યક્તિ પોતાના શુદ્ધ વર્તન દ્વારા સમાજના અન્ય વ્યક્તિઓ માટે પણ ઉત્તમ ઉદાહરણ બની રહે છે. તેના શુદ્ધ આચરણને અન્ય લોકો પણ અપનાવે છે. આમ, અંતઃકરણની શુદ્ધિ વગર અન્ય સિદ્ધિઓ પણ શક્ય નથી.
ત્યારપછીનો ગુણ છે. દાન આ ગુણ પણ મહત્વનો છે. સમાજના કલ્યાણ માટે તેમજ યોગ્ય વિકાસ માટે અન્ન, ધન વગેરે વસ્તુઓનું વિતરણ થવાથી મનુષ્યોની જરૂરિયાતો સંતોષાય છે અને સમાજમાં વ્યવસ્થા અને શાંતિ જળવાઈ રહે છે. ત્યાર પછી ‘તપ’ નામના ગુણનું પણ ખૂબ જ મહત્વ છે. અહીં, તપ એટલે શારીરિક કષ્ટ એવો અર્થ ન લેતા, તપ એટલે અન્ય મનુષ્યોના કલ્યાણ માટે કરવામાં આવતો શારિરીક અનેે માનસિક પરિશ્રમ. મનુષ્ય પોતાના જીવનનો અમુક સમય જરૂરિયાતવાળા માણસો માટે ફાળવી તેમને ઉપયોગી થાય તો તેવી વ્યક્તિઓને ઘણી રાહત મળી રહે છે. આમ દાન અને તપ નામના ગુણો મહત્ત્વના છે. આજે સમાજ ચોરી, લૂંટફાટ વગેરે જેવી ગેરવ્યવસ્થા ફેલાયેલી છે.તો તેવું શા માટે થાય છે ? ઘણા ભાગના કિસ્સાઓમાં મોંઘવારી અને ગરીબીના લીધે વ્યક્તિઓની મૂળભૂત જરૂરિયાતો સંતોષાતી નથી. તેથી આવા બનાવો બને છે. દાન દ્વારા વ્યક્તિઓને જીવનજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓની સમાન વહેંચણી થવાથી આવી ગેરવ્યવસ્થા ફેલાતી અટકે છે.
ત્યાર પછીનો ગુણ છે. આર્જવમ્-આર્જવમ્ એટલે સરળતા. આ ગુણ કેળવેલી વ્યક્તિ પોતાનું અને તેના જીવન સાથે સંકળાયેલી વ્યક્તિઓનું જીવન પણ સરળ કરી આવે છે. સરળ વ્યકિત ક્યાંય ખોટો દંભ કરતો નથી, ખોટા ખ્યાલોમાં રાચતો નથી અને આ દ્વારા ખોટા કલેશ, કંકાસઅને મુશ્કેલીઓને ટાળી શકાય છે. ત્યારપછીના ગુણો છે. સત્ય,અહિંસા અને શાંતિ આ ગુણોથી ભાગ્ય જ કોઈ અજાણ હશે.તેથી તેનો અહીં વિસ્તાર કરવો આવશ્યક નથી. પરંતુ ‘સત્ય’ નામના ગુણ સંદર્ભે એટલું કહી શકાય છે સત્ય બોલનાર વ્યક્તિ અન્યનું ભલુ તો કરે છે. પરંતુ તે પોતાને પણ મદદ કરે છે. આ બાબતને જરા મનોવૈજ્ઞાનિક રીતે સમજીએ તો, ખોટું અથવા અસત્ય બોલવા માટે વ્યક્તિને ઘણો માનસિક પરિક્ષમ કરવો પડે. અસત્ય પણ ઘણીવાર સરળ રીતે કહી શકાતું નથી. અસત્ય વાતે ગોઠવી-ગોઠવીને સામેની વ્યક્તિ સામે રજૂ કરવી પડે છે. તેથી વ્યક્તિનો ઘણો સમય પણ વેડફાય છે. તથા અસત્ય વાત જાહેરમાં ખુલ્લી પડી જાય તો સરવાળે સહન પણ ધણું કરવું પડે છે અને વ્યક્તિને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડેે છે અને સમાજમાં પોતાનું માન ગુમાવે છે. જયારે સત્ય બોલવામાં કોઈ વિચાર કરવો પડતો નથી અને સરળતાથી તે કહી શકાય છે.
ત્યાર પછીના ગુણો છે. અપૈશુનમ અને અલોલુપત્વમ્ અપૈશુનમ્ ગુણ કેળવેલી વ્યક્તિ કોઈની ખોટી ચાડી-ચુગલી કરતી નથી. કોઈના દોષો કે ગુપ્તવાતોને અન્યની સામે પ્રગટ કરતી નથી. આમ, તે પરોક્ષ રીતે પણ સમાજને ઉપયોગી નીવડે છે. અલોલુપત્વ ગુણ અપનાવેલી વ્યક્તિ કોઈપણ કિંમતી વસ્તુ કે પદાર્થ પ્રત્યે લાલચ રાખતી નથી. આ ગુણ દ્વારા પણ સમાજ ફેલાતી ગેરવ્યવસ્થા અટકી શકે છે. ઘણી વાર વ્યક્તિ પાસે અમુક વસ્તુઓ હોવા છતાં, અન્યની વસ્તુઓ પ્રત્યે લાલચ રાખીને તેને મેળવવાનો પ્રયત્ન કરે છે. પરિણામે ખૂન, ચોરી જેવા બનાવો બને છે. ત્યાર પછીના ગુણો છે. ‘ તેજ’ અને ‘ક્ષમા’ તેજ એટલે કે, બુદ્ધિમત્તા. આજના યુગમાં આ ગુણ કેટલો મહત્વનો છે તે સમજાવવાની જરૂર રહેતી નથી.બુદ્ધિથી તેજસ્વી વ્યક્તિ જીવનના ઊંચામાં ઊંચા શિખરો સર કરે છે. ઊંચી સિદ્ધિઓ મળે છે. વર્તમાન સમયમાં જે ભૌતિક શોધ-સંશોધનો થયા છે. તે વ્યક્તિની બુદ્ધિની તેજસ્વીતાને આભારી છે. જેના લીધે વ્યક્તિનું રોજિદું જીવન સરળ બન્યુ છે, સમયનો પણ બચાવ થયો છે. ક્ષમા નામનો ગુણ કેળવવાથી સમાજમાં ફેલાતા વેરઝેર, ઝગડા, મન દુઃખ વગેરે ટાળી શકાય છે. વિશાળ મનની વ્યક્તિ ક્ષમા દ્વારા ઘણી મુશ્કેલી અને દુઃખો જે વર્તમાન સમયમાં ઊભા થાય છે, તેને ટાળી શકે છે.
શૌચ એટલે વ્યક્તિની બાહ્ય અને આંતરિક શુદ્ધિ, આંતરિક શુદ્ધિની વાત આગળ કરવામાં આવી ગઈ છે. હવે બાહ્ય શુદ્ધિ એટલે કે, પાણી તથા બીજા પદાર્થો દ્વારા શરીર સ્વચ્છ રાખવુ તે. આમ, થવાથી શારીરિક રોગો થતા નથી તે આપણે બધા જાણીએ છીએ અને તંદુરસ્તી જળવાઈ રહે છે. અન્ય વ્યક્તિઓને પણ તેનો ચેપ લાગતો નથી. ત્યારબાદ અંતિમ બે ગુણો છે. અદ્રોહ અને નાતિમાનિતા. અદ્રોહ એટલે અન્યનું અહિત નહિ કરવું તે. આજનો માણસ પોતાના અંગત ફાયદા માટે અન્યનું બુરુ કરવા ગમે તે કક્ષાએ જાય છે. અદ્રોહનો ભાવ કેળવેલી વ્યક્તિ અન્યનું અહિત કરવાનો વિચાર પણ કરતી નથી. નાતિમાનિતા એટલે અભિમાનનો અભાવ. અભિમાન એવો દુર્ગુણ છે જે વ્યક્તિને, અન્ય કરતા પોતાને ઘણું નુકશાન પહોંચાડે છે. ખોટુ અભિમાન કે અહમ્ રાખવાથી વ્યક્તિના શરીર અને મન ઉપર તેની નકારાત્મક અસરો ઊભી થાય છે. મિથ્યા અહં રાખનારી વ્યક્તિ સમાજથી અથવા કુટુંબથી વિખૂટી પડી જાય છે. તેથી સ્વમાન હોવું જરૂરી છે. પરંતુ ખોટુ અભિમાન હિતકારક નથી.
આમ, ઉપરોક્ત ૨૬ ગુણોનું વ્યક્તિ, કુટુંબ, સમાજમાં ખૂબ જ ઊંચું મૂલ્ય છે. આવા ગુણો દ્વારા જ એક તંદુરસ્ત સમાજ ઘડાય છે. જે વર્તમાન સમયની એક મોટી જરૂરિયાત છે.
આસુરીસંપત્ લક્ષણોનું જીવનમાં મૂલ્ય
આસુરીસંપત્ યુક્ત લક્ષણો ધરાવનાર વ્યક્તિ સમાજ અને રાષ્ટ્ર માટે કેટલો જોખમી છે. તે હવે થોડું વિસ્તાર પૂર્વક સમજીએ. પ્રથમ તો આસુરસંપત્ લક્ષણો ધરાવનાર વ્યક્તિ પોતાના જીવનમાં અને અન્યના જીવનમાં નકારાત્મક અસરો ઊભી કરે છે. આસુરીસંપત્નું પ્રથમ લક્ષણ છે. દમ્ભ દમ્ભ એટસે સચોટ શબ્દોમાં કહીએ તો મિથ્યાચાર. અર્થાત્ વ્યક્તિ જે નથી, તેવી દેખાવવાનો પ્રયત્ન કરે છે. આ પ્રકારના મિથ્યાચાર દ્વારા અન્ય વ્યક્તિ મન ઉપર તે ખોટી છાપ અંકીત કરે છે. ખોટા દંભ દ્વારા તે અન્ય વ્યક્તિને ગેરમાર્ગે દોરે છે. તેથી સામાજીક-વ્યવહાર રુકાવટ આવે છે. અન્ય વ્યક્તિને ગેરમાર્ગે દોરીને તેને માટે મુશ્કેલી ઊભી કરે છે. આ દ્વારા તે પોતાનો અને અન્ય વ્યક્તિના સમયનો પણ બગાડ કરે છે. દંભ દ્વારા તે માન અને પ્રતિષ્ઠા તો મેળવી શકે છે. પરંતુ આવો માણસ અંદરથી ખોખલો બની જાય છે. કારણ કે, ખોટો દંભ કરવા માટે વ્યક્તિએ ઘણીવાર ખૂબ જ નાણાં અને સમયનો પણ વ્યય કરવો પડે છે. ત્યાર પછીનું લક્ષણ છે. ‘દર્પ’ દર્પ એટલે કે વ્યક્તિએ જે ધન, સંપત્તિ, સિદ્ધિઓ મેળવી છે તેનું અભિમન કરવું તે. હવે ધન-સંપત્તિ કે સિદ્ધિઓ પ્રત્યે અભિમાન કરનાર વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે સરળતાથી હળી ભળી શકતી નથી. તેની ધન-સંપત્તિ અન્ય માટે પણ ઉપયોગમાં આવી શકતી નથી. પોતે જે અભ્યાસ કે કેળવણી પ્રાપ્ત કર્યા છે. તે અન્યમાં વહેંચી શકતી નથી. આમ, આવી વ્યક્તિ કે જે આસુર સંપત્નું આ પ્રકારનું લક્ષણ ધરાવે છે. સમાજમાં તેનું મૂલ્ય નકારાત્મક છે. ત્યારબાદ ‘અતિમાન’ એટલે કે પોતાની જાત પ્રત્યે ખૂબ જ પૂજયભાવ ધરાવતો તેનો સમાવેશ દર્પ નામના લક્ષણમાં થઈ જાય છે.
ત્યાર પછીનું લક્ષણ છે. પારૂષ્ય. પારૂષ્ય એટલે ‘કઠોરવચન’. અન્ય વ્યક્તિને કઠોર અથવા સખત વચનો કહી તેનું મન દુભવવું તે પણ એક પ્રકારની હિંસા જ છે. આપણી કોઈપણ વાતને અન્ય સમક્ષ રજૂ કરવા જો, ખૂબ જ શાંતિ તેમજ સૌમ્યતા પૂર્ણ વ્યવહાર કરીએ તો આપણી વાત સરળતાથી તેને સમજાવી શકીએ છીએ તેના બદલે રુક્ષાપૂર્વક વર્તન કરવાથી વાત બગડે છે. ઘણીવાર આપણી વાત સાચી હોય તો પણ તેનો સ્વીકાર થતો નથી. કારણ કે, તેને કહેવાની પદ્ધતિ અયોગ્ય છે માટે અને છેલ્લું લક્ષણ છે. અજ્ઞાન, અહીં અજ્ઞાન એટલે ભણતરનો અભાવ તેવો અર્થ ન કરતા, અજ્ઞાન એટલે યોગ્ય સમજ, સાચી જાણકારીનો અભાવ. તેમ કરવો ઠીક રહેશે. આવી વ્યક્તિઓ પોતે પણ ખોટા માર્ગે જાય છે અને અન્ય વ્યક્તિઓને પણ ખોટા માાર્ગે દોરે છે.
સંદર્ભ ગ્રન્થ-સૂચિ
ધારિણી કે. મહેતા, બી-100, નાલંદા-2, ટાઉનશીપ, માલપુર રોડ, મોડાસા.