સાહિત્ય અને માનવશાસ્ત્રનો સંબંધ- ‘અસ્તિ’નાં પરિપ્રેક્ષમાં
જગતમાં જે કંઈ ઘટનાઓ બને છે તે બધી જ ઘટનાઓ પહેલા માનવમનની અંદર બની ચૂકી હોય છે. માનવમનના વિચારો જ એને એક નવું રૂપ/આકાર આપે છે. કલાકારો તેમાં રંગો પૂરી એની છણાવટ કરે છે, તો સર્જક તેમાં શબ્દોની ગૂંફણી કરી નવી કેડી કંડારે છે. આ જગતની ઉત્પત્તિ કોઈ દૈવી અંશમાંથી થઈ છે. એવી માન્યતા હતી પરંતુ ડર્રાિવન આપેલા ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતને કારણે તેની આ શ્રદ્ધા ઉપર પાણી ફરી વળ્યું. મનના પણ ઘણા ભાગો છે એવું કોઈએ વિધાન કર્યું સૂતી વખતે પણ આપણું મન સતત કામ કરે છે, વિચારે છે એવા જે મનોવૈજ્ઞાનિક ખ્યાલો રજૂ થયા તેના કારણે માનવમાં જે કંઈપણ શ્રદ્ધા હતી તે બધી મરી પરવાડે છે. જગતમાં ચાલતી વિચારણાઓ, ધર્મ, શ્રદ્ધા, પુરાણ, ઇતિહાસ, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર વગેરેનાં ખ્યાલો, ગાંધી, રસ્કિન, ટાગોર, માર્ક્સ, રુસો વગેરેની વિચારસરણીઓ સર્જક ઝીલતો હોય છે તે એના સર્જનમાં દૃષ્ટિગોચર થાય છે.
ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન, મનોવિજ્ઞાન વગેરેમાં જે કંઈ બનાવો-ઘટના-શોધો- થાય છે. તેનો આમ જોઈએ તો સીધી રીતે કોઈ જ નાતો સાહિત્ય સાથે નથી. પરંતુ વિજ્ઞાનની શોધ કે સમાજની સમસ્યાનું નિરૂપણ સાહિત્યમાં થતું હોય છે. મનોવિજ્ઞાનનાં ખ્યાલો તો છેક ફ્રોઈડ પહેલા અથવા તો મનોવિજ્ઞાન જેવું ચોક્કસ નામભિકરણ નહોતું થયું તે પહેલાં મહાભારત-રામાયણ, ઓડિસી-ઇડીપસ જેવાં ગ્રંથોમાં, શેક્સપિયરનાં નાટકોમાં ઝીલાયું છે. માનવમનના આઘાત-પ્રત્યાઘાત, સત-અસત્ વચ્ચેનું દ્વન્દ્વ-શ્રેય-પ્રેય વચ્ચેનો તુમુલ સંઘર્ષ વગેરેનું સર્જન થયેલું જોવા મળે છે. ‘अश्वत्थामा हत: नरो वा कुंजरो वा’ જેવું બોલતા યુનિષ્ઠરે અનુભવેલું મનોમંથન.
ઈ.સ.૧૮પ૬માં મોરાવીયા (ઝેકોસ્લોવેકીઆ)માં જન્મેલા ફ્રોઈડને ખબર પણ નહીં હોય કે તે જે શોધ કરવાનો હતો તે માનવજાતની વિચારદિશા બદલી નાખવાનારું હશે. ફ્રોઈડે પોતાના મિત્ર ફલીસ પર જે પત્રો લખ્યા હતા. તેમાં મનોવિશ્લેષણ વિશે રોચક સામગ્રી છે. ફ્રોઈડની પુત્રી એના ફ્રોઈડે (Ana Freud) એમાંના કેટલાંક પત્રો પસંદ કરીને ‘Sigmad Freud’s Letters : The Oring of Psychoaralusis’ તરીકે પ્રગટ કરીને અનેક ચૈતસિક તત્ત્વોને ખુલ્લા કર્યા. ફ્રોઈડે પોતે લખેલું ‘The interpretation of Dreams’ નામનું પુસ્તક પ્રસિદ્ધ થયું અને એણે પણ ઘણા મનોગત રહસ્યોને ઉદ્ઘાટિત કરી આપ્યા. આ રીતે અજ્ઞાતમનની ગતિસ્થિતિનો તાગ મળતો ગયો. જાગૃત મન, અર્ધજાગૃત મન, અચેતન મન અને અવચેતન મનરૂપે ફ્રોઈડે માનવમનનું વિશ્લેષણ કર્યું. મનને એણે ઉત્તરધ્રુવના સાગરમાં હિમખડક (Lceland) સાથે સરખાવ્યું અને જાગૃત મન તો એની ટોચ પર દેખાતા થોડા ભાગ જેવો છે એમ કહી એને અર્ધજાગૃત (Sobconscious) અજાગૃત (unconscions) અને અવચેતન (id)નો ત્રણ ચતુર્થાંશ ભાગ તો અપ્રગટ રહે છે એમ સ્પષ્ટ કર્યું. આ ઉપરાંત Ego (અહં) અને Super Ego (વિશિષ્ટ અતિઅહં) રૂપે માનવ મનના જુદા જુદા આવિષ્કારોનો પરિચય કરાવ્યો. નિમ્ન અહં (id) સામૂહિક અવચેતનની ઝાંખીઓ અને અહં (Ego) જાગૃત મનનો અવિર્ભાવ છે. જયારે અતિ અહં (Super Ego) નૈતિક મન્યતાઓ કે ભાવનઓનાં સંસ્કાર પ્રગટ કરે છે. આપણી જાગૃત અવસ્થામાં જાગ્રત મનનો ચોકી પહેરો હોવાથી અજાગ્રત કે અવચેતન અવસ્થામાં પડેલી ઈચ્છાઓ વ્યક્ત થઈ શકતી નથી, પણ દબાઈ જાય છે. પરંતુ નિદ્રાવસ્થામાં આ સર્વ દમિત વાંછનાઓ સ્વપ્નરૂપે ભિન્ન ભિન્ન આભાસો રચે છે. એ જુદાં-જુદાં પ્રતીકો રૂપે દેખાય છે.
ફ્રોઈડના મનોવૈજ્ઞાનિક ચિકિત્સા પ્રયોગોએ અને એના સંશોધનનો નિર્દેશ કરીએ તો એક ઇડિપસ ગ્રંથિ-માતૃરાગની ગ્રંથિ (Oedipus Complet) અને બીજી પિતૃરાગની ગ્રંથિ (Electra Complet) પુત્રને માતા પ્રત્યે થતા જાતીય આકર્ષણ કે રાગની વૃત્તિને ઇડિપસ ગ્રંથિ તરીકે અને પુત્રીને થતા પિતા પ્રત્યેના રાગની ગ્રંથિને એણે ઈલેક્ટ્રા ગ્રંથિ તરીકે ઓળખાવી છે. ફ્રોઈડે આ ગ્રંથિઓના મૂળમાં અત્યંત પ્રાકૃત જાતીય સુખ શોધતી આવેગવૃત્તિ- Libido ને જોઈ છે. વ્યવહારિક જીવનમાં એનું દર્શન થતાં આ પ્રકારની ગ્રંથિઓ બંધાઈ જાય છે. દમિત વાસનાઓ અને ઈચ્છાઓ આવી અનેક પ્રકારની વિલક્ષણ ગ્રંથિઓના ઉદ્ભવનું કારણ બને છે. ld (અવચેતન) અને મન (Psyche) ના અંતરતમ ભાગ છે, જેમાં ઈચ્છાઓ (Passions) મૂળભૂત જાતીય આવેગ (Libido) અને વિનાશકવૃત્તિ એ બધું સમાવિષ્ટ થઈ જાય છે. અને આ બધું સ્વપ્નાઓમાં વિહાર કરે છે. સ્વપ્નમા પાણી દેખાય તો એ જન્મનું, મુસાફરીનો આભાસ મૃત્યુનું, વિમાનના ઉડ્ડયનનું સ્વપ્ન વાસનાવિહારનું અને રાજારાણીના સ્વપ્નાભાસ માતા પિતાનું પ્રતીક બને છે. ગોકળગાય, ઉંદર, લાકડી, છત્રીનો હાથો, સર્પ વગેરે પુરુષલિંગના અને પોલાણવાળી વસ્તુઓ જેવી કે પેટી-પટારા, ખાડા-ખીણો, ફુલો વગેરે સ્ત્રીયોનિના પ્રતીકો બનીને એનું સૂચન કરે છે. એમ ફ્રોઈડે પોતાના ચિકિત્સા પ્રયોગોને આધારે પ્રતિપાદિત કર્યું છે.
ફ્રોઈડના મનોવૈજ્ઞાનિક સંશોધને કળાસાહિત્યમાં મનોવિશ્લેષણની એક નવી પદ્ધતિ માટેની ભૂમિકા તૈયાર કરી એટલું જ નહિ. પણ શૃંગારરસના નિરૂપણ માટે પણ એક નૂતન દિશા ખોલી આપી. ફ્રોઈડનાં આ વિચારને લઈને કેટલીય કૃતિઓનું સર્જન થયું. જોમ્સ જોયસ, ર્વિજનિયા વૂલ્ફ આપણે ત્યાં સરોજ પાઠક, ધીરુબેન, લા.ઠા, ચિનુ મોદી, શ્રીકાંત શાહ જેવાં સર્જકો તેનાં અખતરા કરે છે. અને તેમાં નવા પરિમાણો ઊભા કરે છે. પહેલા જે જાગૃત મનથી લખાતું હતું તે હવે અર્ધજાગ્રત કે મનની અંદર ચાલતા સંચલનનોનું આલેખન થયું. બીજા કરતાં ભીતરને રજૂ કરવાનો નવો ખ્યાલ ઊભો થયો. તેનાં પ્રયોગો થયા અને સર્જકે તેમાં સફળતા પણ મેળવી.
ઈ.સ.૧૯૬૬માં શ્રીકાંત શાહ ‘અસ્તિ’ લઈને આવે છે. ‘અસ્તિ’નો નાયક ‘તે’ ગલીનો વાળંક પસાર કરી બધુ જુએ છે. અને ત્યારબાદ તેને વર્ણવે છે. તેનાં વિશે વિચારે છે મનોમંથન કરે છે, ક્યારેક તેનાં આઘાતો અનુભવે છે. તેને દુઃખ, ગ્લાનિ, ઘૃણા પણ થાય છે.
કોઈપણ કૃતિને જયારે આપણે તપાસતા હોઈએ છીએ ત્યારે તેનાં નક્કી થયેલા ચોક્કસ સ્વરૂપની અંદર રહીને જ આપણે તેનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. પરંતુ કેટલીક એવી પણ કૃતિઓ રચાય છે જે તેના ચોક્કસ બંધાયેલા માળખાને ઓળંગીને નવો ચીલો ચિતરતી હોય છે.પરિસ્થિતિ, પાત્રાલેખન, સંવિધાનકળા આદિ સંકેતો બદલાઈ જાય છે. ‘અસ્તિ’નો નાયક ‘તે’ છે. ‘તે’ જુએ છે, અનુભવે છે તેનું આલેખન સર્જકે કર્યું છે. આ ‘તે’ એટલે ‘હું’, ‘તું’ કે ‘તમે’ નહીં પણ પેલો દૂર રહેલો આપણા બધાથી જુદો પડી ગયેલો વ્યક્તિ છે. ‘તે’ તે ત્રીજો પુરુષ એકવચન સર્વનામ છે. આ ‘તે’ આપણાથી ખૂબ નિરાળો કે વિચિત્ર પણ છે.
‘અસ્તિ’માં જાગ્રત મનથી ઝિલાયેલા અને પ્રતિકંપિત, પ્રતિબિંબિત થતા ર્બિહજગતનું સતત પુનર્ઘટન થતું રહે છે. પરંપરાથી જેવી રીતે માણસો જીવી રહ્યા છે તે બધાથી અલિપ્ત એવો આ તે, લગભગ એકલો અને એકધારી જિંદગી જીવતો, પોતાના નામની પણ ઓળખ નહી ધરાવતો આ ‘તે’ બહારનું જગત જુએ છે અને તે બધાને શબ્દચિત્રો આપી રજૂ કરે છે. ક્યારેક કલ્પનોમાં સરી પડે છે. તો કયારેક દુઃખ અનુભવે છે.
આ ‘તે’ કોણ છે ? આ તે કોઈ મજૂર, કોક વૃદ્ધનો પુત્ર, એને પોતાની માલિકીનું એક રસોડું છે. તે શેરીમાં રહે છે અને શેરી એક શહેરમાં છે. તેને યાદ આવે છે કે પાડોશીએ સાચવી રાખેલું દૂધ એમનું એમ હશે. અને તેનાથી એને થોડો આનંદ પણ થાય છે.
‘અસ્તિ’ એક મનોવૈજ્ઞાનિક નવલકથા બની રહે છે. અચેતન મનના પ્રવાહનાં નિરૂપણ કરતા ચેતન મન બાહ્ય વિશ્વથી પ્રકંપિત થતાં જે સૂક્ષ્મ સંચલનો જાગે તેના ઘણાં દૃષ્ટાંતો મળે છે. સંવેદનો અને મનનાં તરંગોથી વિસ્મય જાગે છે અને સંયોજાતા તૂટતા દૃશ્યોની એક વણઝાર રચાય છે. "માણસોએ શા માટે જીવવું જોઈએ તેનું કોઈ કારણ, હેતુ, આ આખીયે પરિસ્થિતિમાં કયાંયે દેખાતાં ન હતાં. આ આખીયે કરામત કોઈ જંગલી નાગાપૂગા છોકરાએ કોઈને બિવડાવ્યા કરેલી પથ્થર-દોરીની કરામત જેવી સહેતુક હતી. બધું યથાવત હતું. વિકાસ ન હતો ફેરફાર ન હતો. પ્રગતિ ન હતી. ઓચિંતી કોલાહલની અબરખ જેવી તીક્ષ્ણ પોપડીઓ હવામાં ફેલાવા માંડી. અબરખની પારર્દિશતામાંથી દૃશ્યોના લંબચોરસ ખંડો ધૂધળા દેખાવા માંડ્યા. સામેના સ્થિર મકાને એક વર્તુળ બનાવ્યું અને એ વર્તુળમાં ઘેરાઈ ચક્કર ખાતો અંધકાર એક તંતુ જેવો લાગવા માંડ્યો. અજવાળાની સેરો આછોતરી બની આડી અવળી દોડવા માંડી અને વીજળીના થાંભલા ઉપર ચોંટેલા આગિયાની ઉઘાડ-બંધ પાંખોમાં પુરાઈ રહેલો સમય પીગળી જઈ ગઠ્ઠા જેવો બની ગયો !’ આ બધા જ વર્ણનમાં ‘તે’ના જાગ્રત મનમાં જે છબી ઝીલાય છે. તેનું બયાન આપ્યું છે. તો ક્યારેક દાદાજીની વાત સાંભળતો હોય ત્યારે તે ભૂતકાળમાં પણ સરી જાય છે. ‘દાદાજી ઘણીવાર બરફની, પહાડની, હરણની, સોનચંપાની વાર્તાઓ તેને સંભળાવતા. તે અપલક નેત્રે સાંભળી રહેતો. તેનું મન દાદાજીના ખાટલાની ઈસ છોડી બહાર ભટકવા નીકળી પડતું. બરફનાં તોફાનો વચ્ચેથી માર્ગ કાઢી,કેસરિયા ઘોડાને એડી મારતાં વિશાળ સરોવરનાં કાંઠે આવી ઊભું રહ્યું". જેવી ખૂબ જ ઝીણી વાતને લેખકે કલાત્મક રીતે રજૂ કરી છે. અને છેલ્લે ઉમેર્યું છે. ‘દાદાજી વાર્તાઓ કહેતા રહેતા’ અતીતને આમ સામ્પ્રત સાથે જોડી આપે છે. દૃશ્ય જગતની વિભિન્ન મુદ્દાઓ ચેતન મનમાં કેવી રીતે ઝીલાય છે. આ ‘તે’ બધુ જુએ છે. ‘પવનથી બાજુના બારણાએ ભીંત ઉપર આઘાત કર્યો. એક રાહદારીના થૂંકનું માઈક્રોસ્કોપ તેના ગાલ ઉપર પડ્યું. સિગારેટનું ફેંકેલું ખાલી ખોખું તેના પગ આગળ ઊડી આવી પડ્યું... પુસ્તકોને સ્તનના ઉભાર ઉપર દબાવી પસાર થતી એક યુવતીની વિધવા છાતી દેખાઈ. એક વૃદ્ધની ધ્રુજતી આંગળીમાં વળગેલું તેની સગર્ભા પુત્રીનું શબ દેખાયું. પોલીસના રાંટા પડતા પગ અને પટ્ટો તૂટી ગયેલા સેન્ડલ દેખાયા. બાર વર્ષની એક છોકરીના મોઢા ઉપર ન પીછી શકાય તેવી ગંભીરતા દેખાઈ. ઝડપથી જતી એક સ્ત્રીના ચોળાયેલાં કપડાં દેખાયા. ખૂણે સંતાઈ ઊભા રહી ચા પીતા એક માણસના હોઠ ઉપર એક વેશ્યાનું લચી પડેલું કાળું-દીંટી વગરનું સ્તન દેખાયું. રસ્તો ઓળંગતા ખંચકાતી ઊભેલી ત્રણ નાની છોકરીના ખભે ભેરવેલા ચામડાના દફતરનું ઉપસી ગયેલું પેટાળ દેખાયું." લોકો કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે. તેનો બધાના ભૂતકાળ આગળ આપણને ‘તે’ લઈ જાય છે. પસાર થતી યુવતીની ‘વિધવા છાતી’ અને સગર્ભા પુત્રીનું શબ. કેવી યાતનાઓમાંથી પસાર થયા હશે તેનો સંકેત આપણી સામે મૂકી આપે છે. તો પોલીસની લાચારીને પણ એમ જ મૂકી આપી છે.
મનોવૈજ્ઞાનિક નવલકથામાં જે કલ્પનો-પ્રતીકો રચાય છે.તે આપણને ‘અસ્તિ’ માં પણ જોવા મળે છે.‘તે’નો જે ‘મનોવિહાર’ છે. પ્રથમ પાના ઉપર જ તેનું દૃશ્યાંકન થયેલું જોવા મળે છે. ગોળ ફરતું પૈડું, દૃષ્ટિને આરાની વચ્ચે ઘોંચવી, પુસ્તકોને સ્તનના ઉભાર વચ્ચે દબાવીને પસાર થતી એક યુવતીની વિધવા છાતી, છિદ્ર પડેલી ત્વચમાંથી ઊડતો પ્રાણ વાયું. દાદાજીની વાર્તામાં આવતા કલ્પનો વગેરે ચીલાચાલું ન બનતા એક નવું દૃશ્યજગત ઊભું કરે છે. કૃતિમાં રજૂ થયેલા પ્રતીકો પણ એટલાં જ ધ્યાનહાર છે. "કરોળિયાની લાળનો એક તંતુ, પીંડીની રૂંવાટી પર શેરીમાંથી ઊડીને આવતી અને ત્યાં બેસતી માખી, અશ્વના ડાબલાઓના પડછંદાથી સૂંઢ ઘસતી માખીનું ઊડી જવું, પતંગિયાની જેમ પગને સ્પર્શતી બારણાની સાંકળનો વિચિત્ર રોમાંચ, પથારી પર પાસે મૂકેલા ઓશિકા પર લાળ વેરતો કરોળિયો" વગેરે સામગ્રીનો વિનિયોગ સાધી પ્રતીકો રચ્યા છે. રૂઢ ફ્રોઈડીઅન પ્રતીકોથી આગળ વધીને કૃતિના આંતર વાસ્તવને અનુરૂપ એવાં નૂતન પ્રતીકો, પ્રતીકાત્મક, ઘટના પરિવેશ, પ્રતીકાત્મક કથનાંશો આદિને પ્રયોજવાનો ‘અસ્તી’ના સર્જકનો પ્રયાસ સ્તુત્ય બની રહે છે. આ કૃતિ મનોવૈજ્ઞાનિક નવલકથા હોવાથી જેમ મનનાં વિચારો કયારેય ક્રમિક નથી હોતાં તેવી જ રીતે અહીં થયેલ નિરૂપણ ક્રમિક નહીં પરંતુ ખંડિત છે. અને છતાં કયાંય આપણને એ ખંડિતતા દેખાતી નથી. કથાનો નાયક ‘તે’ જે આપણાથી અજાણ છે. નિરાળો છે અને તે આપણ બધા કરતાં આ જીવતા જીવનને જુદુ જ રીતે જીવે છે. તેમને જુદી રીતે ઓળખે છે અને જુદી રીતે તેમનું મૂલ્યાંકન પણ કરે છે. અને એટલે તે કહે છે "માનવતા, શહીદી, દેશભક્તિ, પ્રેમ, નીતિ, આત્મા, ત્યાગ, બલિદાન, ધર્મ, કરુણા, દયા, સહાનુભૂતિ વગેરે શબ્દો મનુષ્યની સચોટ વિચારસરણીમાં એક અવકાશ બનાવી અને અવકાશ વાટે ધીમે રહી કલિની પેઠે, મૂલ્યો, આદર્શો વગેરે પ્રવેશી જઈ જીવનને વધારે અકારું બનાવવામાં પોતાનો ભાગ ભજવે છે. શબ્દકોષમાંથી અને માણસના દૈનંદિન વ્યવહારમાંથી આ શબ્દો કાઢી નાખી મનુષ્યને જીવવાની થોડી નવરાશ આપી શકાય."
આમ, ફ્રોઈડે જે ચેતન-અચેતન મનના ખ્યાલો આપયા તેવા ખ્યાલો અસ્તિમાં દૃષ્ટિગોચર થાય છે.
સંદર્ભ ગ્રંથો
પ્રા. દેવજી સોલંકી