અનુવાદ વિશે....
અનુવાદની પરંપરા પ્રાચીન સમયથી અસ્તીત્વમાં આવી છે. અનુવાદ માનવ સંસ્કૃતિ અને સભ્યતાને વિકસાવતું અને વિકસતું જતું એક મહત્વનું પરિબળ છે. અનુવાદ મુળભુત રીતે માનવ એકતા, વ્યક્તિચેતના બલ્કે વિશ્વચેતનાનું સક્રિય સંવાહક છે. વિશ્વસંસ્કૃતિના વિકાસમાં અનુવાદનું યોગદાન અત્યંત મહત્વનું રહ્યું છે. ધર્મ અને દર્શન, વિજ્ઞાન અને ટેકનોલોજી, વેપાર અને વાણિજ્ય, રાજકારણ, સાહિત્ય, શિક્ષણ જેવા સંસ્કૃતિ અને સમાજના વિવિધ અંગો સાથે અનુવાદ સંકળાયેલ છે. સંસ્કૃતિના ભૌતિક, બૌધિક,આધ્યાત્મિક અને સંવેદનાઓને જીવંત અને વિકાસશીલ રાખવામાં અનુવાદની ભુમિકા મહત્વની છે. વિશ્વના ભિન્ન ભિન્ન ભૌગોલિક ભુભાગોમાં સંસ્કૃતિનો જે વિકાસ થયો છે તે એકબીજાના પ્રેરક અને પુરક છે. વિશ્વ સંસ્કૃતિની નિર્માણ પ્રક્રિયામાં વૈચારિક આદાન પ્રદાનનો સિંહફાળો છે. આ આદાન પ્રદાન અનુવાદને લીધે શક્ય બન્યું છે. દા.ત. બાઇબલ અને ગીતા જેવા આધ્યાત્મિક ગ્રંથો, પાશ્ચાત્ય સાહિત્યના ભારતીય ભાષાઓમાં તેમ ભારતીય સાહિત્યના પાશ્ચાત્ય ભાષાઓમાં થયેલા અનુવાદોએ પુર્વ અને પશ્ચીમની અનેક સીમાઓ તોડી નાખી.
પ્રાચીન બેબિલોનની સંસ્કૃતી બહુભાષી લોકોની સંસ્કૃતિ હોવાને કારણે ત્યાંના વ્યવહાર માટે અનુવાદ મધ્યસ્થી બને છે. રોમનોએ તો મોટાભાગે યવન સંસ્કૃતિને અનુવાદના માધ્યમથી અપનાવી હતી. યુરોપની નવજાગૃતિમાં ગ્રીક અને લેટીન ગ્રંથોનું યોગદાન પ્રબળ છે. આરબોએ ભારતના, આર્યભટ્ટ, વરાહમિહિર વગેરેનું ખગોલશાસ્ત્ર, ચરક, સુશ્રુત વગેરેનું આર્યુવેદ તેમજ ગણિતશાસ્ત્ર અને ગ્રીક ગ્રંથોનો અનુવાદ કરેલ છે. તેવીજ રીતે બૌધ ધર્મના માધ્યમથી ચીને પણ ભારતીય દર્શંનગ્રંથોનો અનુવાદ કરેલ છે. આ સઘળા અનુવાદોએ વિશ્વસંસ્કૃતિના વિકાસનો પાયો નાંખ્યો. આધુનિક જર્મનોના મહાન દાર્શનિક શોપનહોવરે ભારતીય ઉપનિષદોના અનુવાદમાંથી પ્રેરણા મળી હતી. એવીજ રીતે ભગવત ગીતા અને પતંજલીના યોગસુત્રનું પશ્ચિમી ભાષામાં અનુવાદ અને મેક્સમૂલર દ્વારા ‘પૂર્વના પવિત્ર ગ્રંથ’ નામની ગ્રંથમાળાના પ્રકાશને બંન્ને સંસ્કૃતિને ઘણી નજીક લાવી દીધી. પ્રાચીન ભારતનો મહત્વપૂર્ણ કથાસંગ્રહ ‘પંચતંત્ર’નો વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદ થયેલા છે. એજ રીતે એ પણ એટલુંજ પ્રસિદ્ધ છે કે જર્મન કવિ ગેટેને વિશ્વસાહિત્યની પરિકલ્પના વિકસિત કરવાની પ્રેરણા શાંકુંતલના અનુવાદમાંથી જ મળી હતી. ટાગોરનું વ્યક્તિત્વ અને તેની ગીતાંજલીએ આધુનિક ભારતીય સાહિત્યની આગવી ઓળખ વૈશ્વિક સ્તરે ઉભી કરી.યુનેસ્કો દ્વારા કરાયેલ અનુવાદ પ્રેમચંદની ‘ગોદાન’ વિભુતિભુષણની ‘પાથેરપાંચાલી’ વગેરે ગ્રંથોએ પણ ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે મુકી આપી છે.
આમ, આપણી સમક્ષ એક આખી વૈશ્વિક પરંપરા ‘અનુવાદની મહતત્તાની સાક્ષી છે. આજે વિશ્વમાં જ્ઞાનભુખ પ્રબળ રીતે વધવાને કારણે અનુવાદની માંગ અને મહત્વ ખુબજ વધ્યાં છે. ભારત જેવા બહુભાષી દેશમાં તો અનુવાદનું મહત્વ સ્વાભાવિક છે. ભારતના વિવિધ પ્રાંતોનું મુલ્ય ટકાવવા અને પ્રાંતિય એકતા માટે અનુવાદ એક જ એવું માધ્યમ છે કે જેના દ્વારા ભારતને સાંસ્કૃતિક, રાજકીય અને આર્થીક સમાનતા અખંડ રહે.
અનુવાદ: અર્થ અને મહત્વ
આપણે ‘અનુવાદ’ સાથે પ્રાચીનકાળથી ઘનિષ્ઠ રીતે સંકળાતા આવ્યા છીએ. જે આજે વિસ્તરીને,વિકસીને સૃષ્ટિના વિકસનનું અવિભાજ્ય અંગ બની રહ્યું છે. આજના યુગમાં અનુવાદનું મહત્વ અને તેની ઉપયોગીતા માત્ર ભાષા અને સાહિત્ય સુધીજ મર્યાદિત નથી રહી. તે આપણી સાંસ્કૃતિક, ઐતિહાસિક અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનું માધ્યમ છે. ભાષાઓની સીમા પાર કરીને વૈષ્વિક ચિંતન અને સાહિત્યની સર્જનાત્મક ચેતનાનો આવિષ્કાર ઝીલે છે. સાથે સાથે વર્તમાન ટેકનોલોજી અને વૈજ્ઞાનિક યુગની જરૂરીયાતો પુરી કરે છે. પરસ્પરના જ્ઞાન-વિજ્ઞાનને સમૃદ્ધ કરે છે. અન્ય ભાષાનો કોઇ વ્યક્તિ આજે સંપર્ક માટે, તો કોઇ આંતરરાષ્ટ્રીય વ્યવહાર માટે, કોઇ અન્ય ભાષામાં નિરૂપીત રસના આસ્વાદ માટે, કોઇ અન્ય સંસ્કૃતિ-જીવન-પરંપરા જાણવા માટે એમ ભાતભાતના હેતુથી અનુવાદનો સહારો લે છે. એમાંયે આપણા જેવા બહુભાષી દેશમાં તો આજે સંસ્કૃતિને ટકાવી રાખવા,તેને પુરસ્કૃત કરવા અનુવાદ આવશ્યક અંગ બની રહ્યું છે. અલબત્ત અનુવાદકાર્ય કઠિન અને જટિલ કાર્ય છે. અનુવાદકે અહીં સર્જનાત્મક કોટીએ અસાધારણ ભુમિકા ભજવવી પડે છે. આ પડકારભરી ક્રિયાને અનુવાદકાર્યના પ્રારંભકાળથીજ જાજુ મહત્વ નથી આપવામાં આવ્યું. એમ મનાતું કે પહેલાં કહેવાઇ ગયેલીજ બાબત છે અથવા તો કશું જ મૌલિક નથી. હકિકતે તો અનુવાદકાર્ય એટલું જટિલ અને પેચીદું કાર્ય છે કે તેને સમજવું-સમજાવવું ઘણું મુશ્કેલ છે. અર્થને, તેના કૃતિમાં નિરૂપીત ભાવને જેમનો તેમ રાખીને અન્યભાષામાં પરિવર્તિત કરવાની આ ક્રિયા થોડી અટપટી જરૂર છે પણ અસંભવ નથી. અનુવાદ શબ્દનો પારિભાષિક અર્થ જો શોધવા બેસીએ તો વિશ્વની અલગ-અલગ ભાષાઓમાં તેના અર્થ રૂઢ થયેલા જોવા મળે છે.
સંસ્કૃતમાં ‘अनुवाद’ તત્સમ શબ્દ છે. સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે તે ‘वद’ ધાતુ પરથી બનેલો છે. ‘वद’ એટલે બોલવું અથવા કહેવું ‘वद’ ધાતુની સાથે ‘घञ्’ પ્રત્યય લાગવાથી તે ભાવવાચક સંજ્ઞા ‘वाद’ બને છે. વાદ એટલે કહેવાની ક્રિયા અથવા કહેલી વાત. ‘वाद’ની આગળ ‘अनु’ ઉપસર્ગ લગાવવાથી અનુવાદ એમ શબ્દ બને છે. જ્યારે ‘अनु’ ઉપસર્ગનો અર્થ સામાન્ય રીતે ‘પછી’ એવો થાય છે. આ રીતે અનુવાદ એટલે સંસ્કૃત પ્રમાણે ‘કહ્યા પછી કહેવું’ એમ થાય છે. ઘણા કોશોમાં અનુવાદ એટલે અનુવાદ તેમજ અનુવાદ એટલે ‘અનુવચન’ એમ ઘટાવવામાં આવ્યો છે. શબ્દાર્થ ચિંતામણી કોશમાં અનુવાદનો અર્થ ‘પહેલા કહેવાય ગયેલ ફરીથી કહેવું’ આપવામાં આવ્યો છે. તેમજ પ્રાચીન સમયમાં ગુરૂકુળોમાં જે અભ્યાસ કરાવવામાં આવતો હતો તે મૌલિક હતો. શિષ્યો ગુરુએ આપેલી શિક્ષાને પુન:ઉચ્ચારણ કરતા આ પ્રક્રિયાને સંસ્કૃતમાં ‘અનુવચન’ કહેવામાં આવતું હતું. પાણિનીએ પોતાના અષ્ટધ્યાયીમાં અનુવાદને ‘Aअनुवाद॓ चरणानाम्’ એવો ઉલ્લેખ કરેલો છે. ટીકાકારોએ પછીથી તેનો અર્થ ‘કહેવાઇ ગયેલી વાતને પુન: કહેવી’ એમ કર્યો છે. આ ઉપરાંત સંસ્કૃતના વિવિધ ગ્રંથો તેમજ મીમાંસકોએ ‘અનુવાદ’ને ઉપરોક્ત અર્થમાંજ ઘટાવ્યો છે. ભર્તુહરીએ ‘પુન:કથન’ કહ્યું છે. આમ પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં ‘અનુવાદ’ મુખ્યત્વે સમજુતિ, સ્પષ્ટિકરણના અર્થમાં પ્રયોજાય છે.
આજના સંદર્ભમાં ‘અનુવાદ’ પ્રયોજાય છે તેનો અર્થ સંદર્ભ સાવ જ અલગ તરી આવે છે. અંગ્રેજીમાં ‘અનુવાદ’ માટે ‘TRANASLATION’ શબ્દ વપરાય છે. આ અંગ્રેજી ટ્રાંસલેશન શબ્દ લેટીનના મુળ બે શબ્દો ‘TRANS’ અને ‘LATION’ પરથી બનેલ છે એટલે એક ભાષામાંથી બીજી ભાષામાં લઇ જવું એજ ધરાવે છે. જેમકે ફ્રેંચ (Traduire), જર્મન (Upersetzen), ચીન (Fan-i), રશિયા (Perevode), સ્પેન (Trasladur) વગેરે શાબ્દિક અર્થ મળે છે. જો કે માત્ર અહીં જવું એમ ઘટાવાય છે. થોડા ઘણા શાબ્દિક ફેરફારો મળશે ખરા પરંતુ સંદર્ભ તો એજ રહ્યો છે. તેમ છતાં આજના સંદર્ભને વધુ સારી રીતે સમજવા તેની અનેકાધીક પરીભાષાને સમજવી પડશે. શરૂઆતના તબક્કામાં અંગ્રેજી સાહિત્યમાં આ સંદર્ભે વિવિધ પરિભાષા જોવા મળે છે.
અહી કેટલાંક વિદ્વાનોના પારિભાષિક સંદર્ભો જોવાથી ખ્યાલ આવશે કે દરેક પાસે કંઇક નવું અર્થઘટન છે, કંઇક આગવો જ સંદર્ભ છે. યુજીન નોઇડાના મંતવ્ય અનુસાર અનુવાદનો અર્થ એ થાય કે મૂળભાષાના સંદેશને નજીકથી અને સહજ સમાનતાથી લક્ષભાષામાં રજૂ કરવું. જેમાં પ્રથમ સ્થાન અર્થને છે અને બીજુ સ્થાન શૈલીનું છે. અનુવાદમાં અર્થનું સ્થાન ભલે મહત્વનું હોય પરંતુ શૈલીની પણ એટલીજ મહત્વની ભૂમિકા છે. નોઇડાનો આ વિચાર અનુવાદની સમગ્ર પ્રક્રિયા પર અસરકારક છે. આ પ્રક્રિયા એટલે અર્થ અને શૈલીની સમતુલા જાળવી રાખવાની મથામણ. ડો.જોહન્સન પણ આ અર્થમાં પોતાનો વિચાર રજૂ કરે છે. તેમના મંતવ્ય અનુસાર અનુવાદનો અર્થ એ થાય કે મુળભાષાનો અર્થ સાચવીને બીજી ભાષામાં અવતરણ કરાવવું. તેમનો આ વિચાર અત્યંત મહત્વપૂર્ણ છે. કેમકે જ્યારે મુળભાષાનો અનુવાદ કરતા હોઇએ છીએ ત્યારે તેનાં કેટલાંક પ્રભાવક અંશો છુટી જવાની સંભાવના રહે છે. આ માટે અનુવાદક મુળકૃતિની અભિવ્યક્તિ પ્રત્યે જેટલો આત્મનિષ્ઠ તેટલું વધારે સારું. પીટર ન્યુમાર્ક થોડી અલગ રીતે પણ વાત તો અંતરણની જ કરે છે. તેમના મતે અનુવાદ એક શીલ્પ છે. જેમાં એક ભાષામાં લખાયેલા સંદેશના સ્થાને બીજી ભાષામાં તેજ સંદેશને મુકી આપવો. ભાષાવૈજ્ઞાનિક જે.સી.કૈટ્ફોર્ડ અંતરણની વાત કરે છે પણ સાથે સાથે વૈયાકરણિય પાસાઓને પણ વણી લે છે. તે કહે છે કે અનુવાદ મુળભાષાની પાઠ્યસામગ્રીનું બીજી ભાષાની પાઠ્ય સામગ્રીમાં સમતુલીત પ્રત્યારોપણ છે. અહીં બીજી ભાષામાં રૂપાંતરણ વખતે ખપમાં લેવાતાં ભાષાના રૂપ અને તત્વ તેમજ વ્યાકરણિક પાસાઓની અગત્યતાને પણ તેઓ મહત્વ આપે છે. આમ અનુવાદ એ અંતરણની પ્રક્રિયા છે એ બાબતને જેમ પ્રધાનતા આપવામાં આવી છે તેમ અન્ય દ્રષ્ટિકોણથી પણ વિચારણા થયેલી છે. મૈનિલવસ્કી જેવા સમાજશાસ્ત્રીએ સામાજીક અને સાંસ્કૃતિક બાબતોને સાથે રાખીને વિચારણા કરી છે.તેમના મતે પ્રત્યેક ભાષાને પોતાનો એક સાંસ્કૃતિક પરિવેશ હોય છે. જેના નિર્માણમાં એ સંસ્કૃતિના લોકોની પરંપરા, ઇતિહાસ તેમજ ભૌગોલિક પૃષ્ઠભૂમિ વગેરેનો સંદર્ભ રહેલો હોય છે. દરેકભાષામાં એવા અનેક શબ્દો હોય છે જેનાથી એક લાંબો સાંસ્કૃતિક સંદર્ભ જોડાયેલો રહે છે. સંસ્કૃતિ એટલે લોકોની જીવનશૈલી, તેમની પરંપરાઓ તેમજ અન્ય સામાજીક અને ભૌગોલિક વિશિષ્ટતાઓ. આ બાબતોથી અભિમુખ થવું એ લક્ષભાષા માટે ખુબજ જરૂરી છે. સૈદ્ધાંતિક અને વિશ્લેષણાત્મક વિચારણાઓ સાથે વ્યાખ્યાયિત વિચારણ પણ થયેલી છે.જેમકે રોમન જૈકબસના કહેવા પ્રમાણે ‘ભાષાઓ વચ્ચેનો અનુવાદ એટલે એક ભાષાના શાબ્દિક પ્રતિકોની અન્ય ભાષાના શાબ્દિક પ્રતિકો દ્વારા વ્યાખ્યા’ એજ રીતે જેમ્સ હોલ્મેસ ‘બધા પ્રકારનું અનુવાદકાર્ય વિવેચનાત્મક વ્યાખ્યા છે.’ કહે છે. આમ વ્યાખ્યાના સ્વરૂપે પણ આપણને ભિન્ન પ્રકારેના ખયાલ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અંગ્રેજી સાહિત્ય પાસેથી ઘણી બધી વિચારણાઓ પ્રાપ્ત થાય છે. એ.એચ.સ્મિથ, રોબર્ટ ગોબ્ઝ, વિલિયમ કાઉપર, ડીસ્ટર્ટ, એમ.એ.કે.હેલીદે, આર.એચ.રોબિંસ વગેરે પાસેથી અનુવાદલક્ષી વિચારણાઓ મળે છે.
અનુવાદ : કલા-કૌશલ-વિજ્ઞાન
‘અનુવાદ’ની આસપાસ રહેલા તાણાવાણાને જાણવાથી અનુવાદ વિશેની બધી બાબતો સ્પષ્ટ થઇ નથી જતી. કેમકે આખરેતો પ્રશ્ન ઉઠવાનો કે અનુવાદ કઇ રીતે ? મુલાધાર થી લક્ષ્ય સુધી પહોંચવા માટે કશીક તો પ્રક્રિયા થવાની જ તો જ પરીણામ મળશે પરંતુ આ પ્રક્રિયાને જાણાવા માટે પહેલાં તો એ અંકે કરવું પડે કે અનુવાદ આખરે તો કલા છે, કૌશલ છે કે વિજ્ઞાન. આ બાબતે પ્રથમ તો એમ કહી શકાય કે તે બધાંજ એક બીજાના પુરક છે. જ્યારે બીજી બાજુ એમ કહી શકાય કે તેની ભૂમિકા અલગ અલગ હોઇ શકે. સાહિત્યિક રચનાઓનો અનુવાદક એમ માને છે કે અનુવાદ એક કલા છે, અન્ય બાબતોનો અનુવાદક તેને કૌશલ માને છે,જ્યારે વિજ્ઞાન અને ઉદ્યોગોને લગતા વિષયોનો અનુવાદક તેને વિજ્ઞાન માને છે.
અનુવાદ ‘કલા’ મુજબ જેવી રીતે સર્જનક્રિયા માટે પ્રતિભા, જન્મગત સંસ્કાર હોવા જોઇએ તેવી રીતે અનુવાદ માટે પણ તે જરૂરી છે. એટલા માટે કે કોઇપણ સાહિત્યિક કૃતિઓ અંતર્ગત નિરૂપાયેલ સંદર્ભને, તેના પરિવેશને કારયિત્રી પ્રતિભા વધુ સારી રીતે સમજી શકે. આખે આખી કૃતિને બીજી ભાષામાં મુકવાની થાય છે ત્યારે તેને સર્જન પ્રક્રિયા જેટલીજ આવશ્યકતા રહે છે.
અનુવાદ ‘કૌશલ’ મુજબ અનુવાદ અભ્યાસમુલક કૌશલ છે. જેને પરિશ્રમ અને અભ્યાસની જરૂર પડે છે. એ સાચુ કે તેનો નાતો શબ્દ કે ભાષા સાથેનો છે પરંતુ તે કૌશલથી સિદ્ધ કરી શકાય છે. અનુવાદની અભિવ્યક્તિ અને અવગતતા તો તેની સાથે સાથી તે અનુવાદકને પ્રયોગાત્મક રીતે પણ સમજાવે છે તો આ સમયે વિદ્યાર્થી અનુવાદ કાર્યસિદ્ધાંતની સાથે અનુવાદ કરવાનું પણ શીખે છે. આમ, ભાષાવ્યવહાર એક કૌશલ છે તો અનુવાદકાર્ય પણ એક કૌશલ છે.
અનુવાદ ‘વિજ્ઞાન’ છે મુજબ અનુવાદ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. ભાષા પાસે રહેલા પૂર્વનિર્ધારીત પર્યાયોના જ્ઞાન માધ્યમથી અનુવાદકાર્ય થાય છે. જો કે આ ખયાલ વિજ્ઞાન અને ટેકનોલોજીની દ્રષ્ટીએ સાચી પણ છે કેમકે તે તેમના વિષય અનુરૂપ તેમને તથ્યાત્મક ભાષાંતરણ કરે છે. એટલેજ તેનો અનુવાદ ક્રમબદ્ધ અને યાંત્રિક જેવો હોય છે.
અનુવાદને ઉપરોક્ત ત્રણે બાબતોના પુરક તરીકે જોઇએ તો તે કલા પણ છે, કૌશલ પણ છે અને વિજ્ઞાન પણ છે. એટલા માટે કે અનુવાદ સર્જનાત્મક અને અનુકરણ વચ્ચેની કલા છે, તે અનુસર્જનાત્મક કલા છે. જ્યારે તેમાં ઊંડુ પરિશીલન પણ આવશ્યક છે. અનુવાદકાર્ય પ્રત્યેની નિપુણતા અને સમગ્રતયા બારીક અભ્યાસ વગર અનુવાદકાર્ય અશક્ય છે. એજ રીતે દરેક કૃતિની અંદર કેટલાયે સ્થાન પર શબ્દને પુર્વનિર્ધારીત પર્યાયો હોય છે. જે રૂઢિગત રીતે આવતા પારિભાષિક, વ્યાકરણિક તેમજ વ્યક્તિવાચક સંજ્ઞાઓ સહજભાવે અનુદિતકૃતિમાં આવતાં હોય છે. આમ ત્રણે બાબતોના સહિત્વથી સમગ્ર કાર્ય સિદ્ધ થાય છે. આ સમયે કોઇ એક બાબત પ્રધાનપણે ભુમિકા ભજવે એમ બની શકે.
આમ આપણે ઉપરોક્ત બાબત પરથી નિર્વિવાદ કહી શકીએ કે અનુવાદક્રિયાને અલગ અલગ ભેદબિંદુએ જોવા કરતાં એક બીજાના પુરક તરીકે કાર્ય કરે છે એ ન ભુલવું જોઇએ.
સંદર્ભગ્રંથ :
ડૉ. ભાવેશ જેઠવા, આસિ. પ્રોફેસર, ગુજરાતી વિભાગ, શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભૂજ (કચ્છ)