નવલકથાકાર : રાજેશ અંતાણી
દરેક સર્જકને પોતાના સર્જનકાળ દરરમિયાન સર્જન માટે આંતર-બાહ્ય પ્રેરણા મળતી હોય છે. સર્જક પોતાની સંવેદનાને વિસ્તારવા, પોતાના ભાવજગતને વ્યક્ત કરવા અવનવી રીતે રજૂ થતો હોય છે. ગુજરાતી સાહિત્યના લગભગ આધુનિકોત્તર કહેવાય તેવા સમયે કેટલાંક સર્જકો પાસેથી નોંધપાત્ર કહી શકાય એવું સર્જન પ્રાપ્ત થાય છે. જેમાં રાજેશ અંતાણીનું નામ અવશ્ય લેવું જોઇએ. આ સમયગાળામાં સ્વાભાવિક રીતે જ આધુનિકયુગનો પ્રભાવ વ્યાપક રીતે છવાયેલો હતો. સુરેશ જોષીથી માંડીને એ ધારાના અનેક સર્જકોની કલમ માતબર સર્જન કરી રહી હતી ત્યારે કચ્છના મહત્વના બે ગુજરાતી સાહિત્યકારો વિનેશ અંતાણી અને ધીરેન્દ્ર મહેતા આ આખાય માહોલની સાથે પોતાની પણ એક કેડી કંડારતા રહ્યા. આ સમયગાળા દરમિયાન જ રાજેશ અંતાણીનું સર્જનકાર્ય આરંભાય છે અને એ પણ આધુનિક સર્જકો અને પોતાના આ બે પૂર્વકાલીન કહેવાય તેવા બે સમકાલીનોથી થોડા જુદા પડીને આગવી મુદ્રા સાથે.
રાજેશ અંતાણી મુળે તો ટૂંકીવાર્તાના સર્જક પરંતુ તેમનું સર્જકીય ભાવજગત તેમને નવલકથા જેવા વિસ્તીર્ણ ફલક પર ઘસડી જાય છે. તેમની પોતાની કેફીયત પણ અહીં નોંધનીય છે. ‘વાર્તાસંગ્રહ ‘ પડાવ’ પ્રગટ થયો પછી જે વાર્તાઓ લખાઇ એમાં પ્રત્યેક વાર્તાની ઘટના વિસ્તાર માંગતી હોય એવું સતત લાગતું હતું. અનેક, વિશાળ ફલક પર લખી શકાય એવી ઘટનાઓ મન પર પથરાઇ જતી અને મન રોકાઇ જતું. સિદ્ધ-હસ્ત સર્જકોના બે-બે ચાર ચાર ભાગનાં પુસ્તકો જોઇને થતું હતું – કે આ બધા સર્જકો આટલું બધું કેમ લખી શકતા હશે. મનમાં તો એવો ખ્યાલ બંધાઇ ગયો કે હવે નવલકથા જ લખવી છે –‘ અને એમ રાજેશ અંતાણી પાસેથી બે લઘુનવલ અને પાંચ નવલકથા પ્રાપ્ત થાય છે.
તેમની પ્રથમ કૃતી ‘સંબંધની રેતી’ (૧૯૮૮) લઘુનવલ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. મર્યાદિત પાત્રસૃષ્ટિની આસપાસ તેમની કથા આકાર લે છે. ઓછા પાત્રો પાસેથી નવલક્થા જેવા સ્વરૂપમાં કામ લેવું દુષ્કર તો હતું જ પરંતુ લેખક અહી પાત્રોના મનોસંચલનોને આલેખી કથાને આકારે છે.
કથાના કેન્દ્રમાં નાયિકા તરીકે પન્ના ચૈતસિક સંઘર્ષ સાથે આંદોલીત થતી રહે છે. આ માટે સર્જક સમયના પરિમાણોને ખપમાં લે છે. નાયિકા પન્ના નાનપણથીજ પિતાની હુંફાળી છત્રછાયા હેઠળ ઉછરે છે. ભરજુવાનીમાં પત્ની રેણુને ગુમાવી બેઠેલા પ્રા.શુક્લા એક કર્મઠ અધ્યાપક છે. રેણુની ગેરહાજરી પિતા-પુત્રીના જીવનમાં ખાલીપાનો અહેસાસ કરાવે છે. ‘ આપણા હોવાપણા ઉપર ઝુલતો આ વીજળીનો પ્રકાશ જોઇએ. એને તાક્યા કરીએ, આપણે તદન ખાલી બની જઇએ, જાણે આ જ આપણો વર્તમાન, આ જ આપણો વિષાદ, આ જ આપણી વેદના, આપણા શ્વાસમાં વિસ્તરે એ જ આપણો ભુતકાળ...’ પન્નાની પરવરિશ માટે પિતા સંજોગોને પચાવી ચુક્યા છે. હેતાળ પિતાને સહારે ધીમે ધીમે પન્ના કોલેજની પરીક્ષાઓ પૂર્ણ કરે છે. આ સાથે જ પિતા-પુત્રી બન્ને પોતાના માદરે વતનમાં વેકેશન ગાળવાનો નિર્ણય કરે છે. વર્ષોથી બંધ રહેલા ઘરને નિહાળતા પિતા અને પિતાને નિહાળતી પન્ના. આ મનહર ચિત્રાત્મક દ્રશ્યમાં લેખકની કલાત્મકતા જોઇ શકાય છે.
મમ્મી-પપ્પાની યાદોને સાચવી રાખેલ એ ઘર, એ વતન, પોતાનું જન્મસ્થળ પન્ના પપ્પાની નજરે નિહાળે છે. પ્રો.શુક્લ અને રેણુનો સ્નેહ અહી સચવાયને પડેલો છે. પ્રો.શુક્લ એ પ્રેમને ફરી જીવે છે. અલબત્ત એ જ તેમનું ચાલકબળ છે. ધીમે ધીમે પન્ના અહી ગોઠવાતી જાય છે. ગામની ભાગોળે આવેલ નદી પન્નાના જીવનમાં સ્થાન જમાવી ચુકે છે. ‘નદીનો રેતાળ પટ આંદોમાં ઉતરી ગયો. પન્નાએ કદી પણ ન અનુભવેલી ધૃજારી શરીરમાંથી પસાર થઇ ગઇ.’ આ રેતાળ નદી પન્નાના જીવનને પ્રવાહિત કરે છે. ગામમાં એન્જિનિયર તરીકે આવેલ અપૂર્વ સાથે પન્નાને નદી તટ પર મુલાકાત થાય છે. ધીમે ધીમે એ મુલાકાત પરસ્પરમાં આકર્ષણ જન્માવે છે. આ આકર્ષણ આગળ જતાં – ‘આપણું ભવિષ્ય નક્કી છે પન્ના, આપણે...આપણે... લગ્ન કરીશું.’ સુધી પહોંચે છે. પણ કુદરતને આ મંજુર ન હોય તેમ રેતાળ નદી પ્રવાહિત ન થઇ શકી. પન્ના-અપૂર્વના લગ્ન થાય એ પહેલાં અકસ્માતને કારણે અપૂર્વનું મૃત્યુ થાય છે. નવી સૃષ્ટીમાં પલ્લવિત થતી પન્નાના જીવનમાં ફરી પાછો અંધકાર. પણ લેખકને તો સંબંધની અનંતતાને દર્શાવવી હતી. અપૂર્વના મૃત્યુ બાદ વ્યથિત બનેલી પન્નાને અપૂર્વના મિત્ર નિકુલનો સહારો મળે છે. ફરી સ્નેહનો તંતુ જોડાય છે-વિસ્તરે છે.
અપૂર્વની યાદમાં બન્ને ધીમે ધીમે એકબીજામાં પ્રવાહિત થઇ જાય છે. નકુલ, પન્નાને કહે છે- ‘આપણી વચ્ચે વહેતી સમાંતર વેદનામાં હું તમારા તરફ ખેંચાયો, હું મર્યાદા ઓળંગી રહ્યો હતો. જે અહીં અપૂર્વનું છે તે અકબંધ રાખવા માંગતો હતો ત્યાં, નકુલ બોલતાં બોલતાં રોકાઇ ગયો.’ લેખકે અહી સ્નેહને, લાગણીને જીવંત રાખી છે. જીવનમાં રહેલી હકારાત્મક વલણની શક્યતાને આલેખી છે. સંઘર્ષનું નિરૂપણ છે, પણ બોજીલ નથી લાગતું બલ્કે ‘જીવન સાથે વણાયેલ એક અભિન્ન પાસુ છે’ – આ સત્યને લેખક કથાના હાર્દ તરીકે ઉપસાવી શક્યા છે.
લેખકની બીજી લઘુનવલ ‘વાંસવનમાં વરસાદ’ (૧૯૯૧) પહેલાતો ટૂંકીવાર્તા સ્વરૂપે પ્રગટ થાય છે. બાદમાં સર્જક તેના કથાવસ્તુમાં આલેખાયેલ ઘટનાને વિસ્તારી પાત્રોના ભાવજગતને મોકળુ મેદાન આપે છે. ડો.ધીરેન્દ્ર મહેતા પ્રસ્તાવનામાં નોંધે છે – ત્રણ પૃષ્ઠની વાર્તામાં રાજેશે વસ્તુનો આ સંભાર કર્યો હતો. એમાં લગભગ બધું ઉલ્લેખો કે ટાંચણો રૂપે રહી જતું હતું. જ્યારે એ જોઇ શકાતું કે આમાં પ્રસંગ, પરિસ્થિતિ અને પાત્રના સંદર્ભમાં એવું કેટલુંય છે જે વિકસવા કરે છે.’ કૃતિનું ભાવજગત એટલું બળકટ છે કે કથા એકધારી તીવ્ર ગતીએ આગળ વધે છે. મુખ્ય બે પાત્રોની આસપાસ ઘુંટાતી સંવેદનાને લેખકે બખુબી આલેખી છે. કૃતિમાં ઘણી વખત નાયક શેખર અને નાયિકા ૠતુ અપ્રત્યક્ષ રહીને પણ પ્રત્યક્ષીકરણનો સંવાદ રચી આપે છે. પરદેશ અભ્યાસાર્થે ગયેલ પ્રિયતમ એવો શેખર પરત વતનમાં આવે છે, એવા સમાચારથી ૠતુનુ મન ખળભળી ઉઠે છે. અલબત્ત લેખક અહીં નાયિકાના મનમાં જાગેલા તોફાનનો અદભુત્ત ચૈતસિક સંઘર્ષ નિરૂપી શક્યા છે. ૠતુના મનમાં ભયનો એક ઓથાર છે- પરદેશથી પરત આવતો પોતાનો પ્રિયતમ મારી અપંગતાને સ્વીકારશે ? શેખરના આવવાના સમાચારે ૠતુને સ્તબ્ધ બનાવી દીધી. નાયિકા પોતાના પ્રણયને –પ્રણયીથી અળગા થવાના ખયાલોથી અચેતન જેવી નિર્ભાંત શ્તિતિ અનુભવે છે. અહીં નાયિકાના મનોસંઘર્ષની તીવ્ર પરાકાષ્ઠા અનુભવે છે.
અલબત્ત નાયિકાના મનોસંઘર્ષની આ તીવ્ર પરાકાષ્ઠા ભાવકપક્ષે અનુભુતિજન્ય બની રહે છે. શેખરના વતન પરત ફર્યા પછી પણ બન્ને તીવ્ર સંઘર્ષમાંથી પસાર થાય છે. એક બાજુ ૠતુ આવનારી પરિસ્થિતિના પરિણામના ભય હેઠળ સમયના ચકકર સાથે ઘુમરાય છે તો બીજી તરફ શેખર પણ ૠતુ પ્રત્યેની તીવ્ર ખેંચાણ અનુભવે છે. લેખકે બન્ને પાત્રોનો મેળાપ કરવામાં જરાપણ ઉતાવળ નથી કરી, બળકટ તાલાવેલી સહજ પેદા થવા દીધી છે. એક તરફ નાયિકાના મનોસંચલનોને વાચા આપવા વિશાખા અને પાપા છે તો બીજી તરફ નાયકની વ્યાકુળતાના પોષક બને છે – મિત્ર સંજય અને કુટુંબીજનો. નાયિકાની આ મનોદશા પાછળ જે અપંગ હોવાની વિભિષિકા છે તેને લેખકે અંત સુધી કળાવા દીધું નથી. અને કદાચ એજ બાબત ભાવકવર્ગને અંત સુધી જકડી રાખે છે. આ સંઘર્ષ છેક નાયક-નાયિકાના મિલનની ક્ષણો સુધી લંબાવી લેખકે તીવ્ર સંવેદના આલેખી બતાવી છે.-
‘ૠતુના મનમાં અચાનક બોલવાની હિંમત આવી ગઇ. એ બોલી : ‘રહેવા દે શેખર.’
આ ૠતુનો અવાજ. ૠતુ અટકી .શેખર સ્થિર હતો. ફરી બોલી, ‘રહેવા દે શેખર. તું અજવાળું સહન નહીં કરી શકે. અંધકારમાં રહેલા સત્યને કાયમ માટે આ કમરામાં રહેવા દે.’
‘તું આ શું કહે છે ૠતુ ? મને તો કંઇ સમજાતું નથી. વરસોથી તરસી છે આંખો તને જોવા માટે. મને મનભરીને જોવા દે તને.’
સંવેદનાનો તીવ્ર ભાવાવેગ, સાથે ઘટનાની ગતી પરનો કાબુ લેખક સહજ નિરૂપી શક્યા છે. અહીં ચીલાચાલુ હૈયાફાટ રૂદનને કે સ્થુળ એવા સર્જાતા પરિમાણો નથી. અહી તો છે ઇંગીતો વડે સંધાતી ભાવવ્યંજના. અતીતના ખયાલો નાયિકાને વર્તમાનમાં વ્યથિત કરે છે તો સાથે ભાવીની કલ્પનાઓ કથાને વિકસાવે છે. ત્રણે કાળની પરિસ્થિતિઓને લઘુનવલમાં આલેખીને લેખકે આપણી સમક્ષ ચિત્રાત્મકતા ઉભી કરી છે. અહી વાંસવન,નાયક અને નાયિકાના સંસ્મરણો સાથે જોડાયેલું પ્રતિક બને છે અને એમાં પ્રગાઢ પ્રણયના ધોધમાર વરસાદે એ વાંસવનને તરબોળ કરી નાખે છે.
કૃતિની કલાત્મકતા પ્રત્યે લેખક સભાન રહ્યાં છે. માનવજીવનની સંવેદનાઓને, તેની લાગણીઓને સહજભાવે નિરૂપી છે. પરિસ્થિતિ નિર્માણ કરવામાં ક્યારેક કથકે વચ્ચે આવવું પડે છે. પણ કથકના પ્રવેશથી કૃતિની સહજતાને આંચ આવતી નથી બલ્કે એક ચિત્રસૃષ્ટિ રચી આપે છે. આ માટે કારણભૂત બને છે સર્જકીય ભાષાનો લય કે જે ક્યારેક ઔચિત્યપૂર્વકની કાવ્યાત્મકતા ખડી કરે છે. આમ શિર્ષકને યોગ્ય ઠરાવતી આ લઘુનવલ સીમાચિહ્નરૂપ બની રહે છે.
રાજેશ અંતાણી ક્રમશ: ટૂંકીવાર્તા, લઘુનવલ અને ત્યારબાદ નવલકથાની સીમાઓમાં પ્રવેશે છે. ૧૯૯૧માં તેમની નવલકથા ‘સફેદ ઓરડો’ પ્રસિદ્ધ થાય છે. માનવજીવનના અટપટા વહેણો કેવા વળાંકો લેતી હોય છે તેનું આલેખન પ્રસ્તુત કૃતિમાં જોવા મળે છે. મુખ્યત્વે કચ્છ પ્રદેશ સાથે નાતો ધરાવતી આ કથાની પાત્રસૃષ્ટિ આમતો વિશાળ છે પણ ઘણું કરીને નાયક જસવંતની આસપાસજ કથાનો તંતુ સધાયેલો રહે છે. રવીભાઇ, વર્ષાભાભી, મેતાજી, હર્ષા, હંસરાજકાકા, મનસુખ, માલતી વગેરે પાત્રો જસવંતની સાથે રહીને કથાની એક ગતિશીલ સાંકળ રચે છે. કથા સાથે સંકળાયેલા તમામ પાત્રોની કલાત્મકત માવજત લેખક કરી શક્યા છે.
નવલકથાનો પટ બે ભાગમાં-બે સ્થળ પર વિસ્તરે છે. મહાનગરી મુંબઇ અને કચ્છ પ્રદેશનું મુન્દ્રા શહેર. કથાનો આરંભ મુંબઇની ભૂમિ પર આકાર લે છે. કથાનાયક જસવંતના ચિતમાં અનેક પ્રશ્નો અને પરિસ્થિતિ પેદા થાય છે. તેમનું ચિત્ત અહીં ચોટતું નથી. રવિભાઇનો ગુસ્સાવાળો સ્વભાવ, દુકાનના કામોની મગજમારી અને ઊંડે ઊંડે વતનનું આકર્ષણ તેમના માટે વિકટ બની રહે છે. આ તબક્કે પરિસ્થિતિ એવી નિર્માણ થાય છે કે વતન મુન્દ્રામાં રહેલું તેમનું ઘર વેચવા માટે રવિભાઇ જસવંતને કચ્છ વતનમાં મોકલે છે. અહી લેખક સરસ પ્રયુક્તિ યોજે છે. ટ્રેનમાં વતન આવવા નીકળેલ જસવંત પાસેથી અતીત અને વર્તમાનનો આછો ચિતાર મળે છે, સાથે સાથે ભાવકની સામે ચિત્રાત્મકતા ખડી થાય છે. આ વાતને લેખક ટ્રેનની ગતિ સાથે પ્રતિકાત્મક રીતે જોડી આપે છે. મુંબઇ મધ્યેના વસવાટ દરમિયાન જસવંતને મળતાં આશ્વાસનોમાં હર્ષાભાભી પણ હતાં અને મિત્ર રસિક પણ હતો. પરંતુ રવિભાઇનો ગુસ્સો ક્યારેક એટલી તીવ્ર અસર કરી જતો કે જસવંતને વતન સાદ દેતું હોય તેમ લાગતું. મુંબઇની સ્થિતિ જસવંત માટે અંધકારમય હતી. ન તો તેમના ભવિષ્યની ચોક્કસ દીશા કે ન તો તેમનું સ્વાતંત્ર્ય.
સંસ્મરણોનું ભાથુ લઇને આવતી ટ્રેન વતન કચ્છમાં આવતાંજ કોઇ કેદમાંથી મુક્તિ મળી હોય તેમ ચોતરફ વિસ્તરી જાય છે. વતન તરફનો પોતાનો અનુરાગ કે મુંબઇ શહેરનો તીરસ્કાર તેના ચિત્ત પર સવાર છે એ કળવું મુશ્કેલ હતું.-‘આખીય ટ્રેનનો પહેલો પ્રવાસી જસવંત કૂદકો મારીને પ્લેટફોર્મ ઊપર ઊતર્યો. કૂદકો મારી લીધા પછી પગના તળીયામાં ચચરાટી થઇ. અને વતનના પ્લેટફોર્મ ઉપર પગ મૂકતાંની સાથે આછો કંપ... એ કંપની સાથે જસવંતના મનપ્રદેશમાંથી ઊછળીને આત્મવિશ્વાસ અચાનક બોલ્યો-યાદ રાખ જસુડા ! તું કાયમને માટે અહીંયા આવ્યો છે-હવે મુંબઇ બુંબઇ નગરીને ભૂલી જા દીકરા તું હવે અહીંયા સમજ્યો ? હવે ચમન કર વતનમાં, સમજ્યો?’ આ આખીય વાત જસવંતના મનમાં એવી રીતે વમળાઇ રહી છે કે તે જાણે નવી જીંદગી શરૂ કરવા જઇ રહ્યો છે. અલબત્ત વતનમાં પણ બધું જ એવું નથી રહ્યું. કંઇક, ક્યાંક ખાલીપા જેવું અનુભવાય છે. વતનમાં પગ મૂકતાંજ પોતાના જુના સંસ્મરણો તેને ઘેરી વળે છે. એ સંસ્મરણોની સાથે તાર સાંધવાની મથામણ તેમના મનમાં ચાલે છે. રમજુ ટાંગાવાળો, ઉંમરકાકા, શહેરની શેરીઓ-રસ્તાઓ, પોતાના અતીતને સાચવીને બેઠેલું ઘર, દયારામભાઇ, હંસરાજકાકા, શાંતાકાકી, હર્ષા, બાળગોઠિયો મનસુખ, ભાગોળે આવેલું તળાવ વગેરે સાથે વિતાવેલા કાળની ગર્તામાં તેનું ચિત્ત ચકરાવે ચડે છે. તેને લાગે છે આ અગિયાર વર્ષનો સમય માણસના અસ્તિત્વને સ્પર્શીને દૂર ચાલ્યો ગયો છે. અગિયાર વરસના એ ખાલીપાએ ઉભી કરેલી ખોટ પૂરતો હોય તેમ ભાવુક બની જાય છે. ક્યારેક અંદર ધરબાઇને બેઠેલી કડવાશ ઉચાળા મારી તેને અસ્તવ્યસ્ત કરી જાય છે, પણ માદરે વતનની હુંફ તેને સંકોરતી રહે છે.
લેખકની કથનરીતિની લાક્ષણિક્તા અહીં તાદ્રશ્ય થાય છે. જાતજાતના ખયાલો સાથે વતન આવેલ જસવંત અહી તદન અણધાર્યા વાતાવરણનો સામનો કરે છે. જાણે અજાણે બંન્ને શહેરોની તુલનામાં પણ સરી પડે છે જે નાયકના સંઘર્ષનું કારણ બને છે. લેખકે જસવંતના મુંબઇ વસવાટ દરમિયાન કચ્છને જીવંત રાખ્યું છે તો વતન પરત ફરવા છતાં મુંબઇને ભુલી નથી ગયા. હર્ષાના લગ્નજીવનની વિટંબણા, દયારામભાઇની વતનમાં ગેરહાજરી, માલતી પ્રત્યેનું આકર્ષણ, મકાન વેચવાના રવિભાઇના નિર્ણનો મક્કમતાથી વિરોધ, પોતાનો સંસાર માંડવો વગેરે પ્રસંગો સહજતાથી એકબીજામાં ગુંથાઇને કથાઘટમાં ગોઠવાઇ ગયાં છે. વતન પરત ફરેલાં જસવંતના ચિત્ત પર કોઇ એક જ સ્થિતિનું આક્રમણ નથી. ક્રમશ: તેની આસપાસ સમસ્યાઓ-ઉકેલોનું એક જાળું બાઝતું જાય છે. અને એમ કથા સાતત્યપૂર્વક આગળ વધતાં અંતભાગમાં જસવંત અને તેની પ્રિયતમા માલતી સાથેના સુખદ લગ્નજીવન સાથે પૂર્ણ થાય છે. જેમાં આખરે તો અંધાધુંધીભરી જીવનની ઘટમાળમાં સરળતાનો જ વિજય જોઇ શકાય છે.
જીવનની અભાવગ્રસ્ત કથનીને આલેખતી નવલકથા ‘અભાવનો દરિયો’ ૧૯૯રમાં પ્રગટ થાય છે. માનવીય જીવન,માનવીય સ્વભાવ હંમેશા લાગણીઓના તાંતણે બંધાયેલું હોય છે. જ્યાંથી લાગણીના તંતુ ઢીલા પડે ત્યાંથી તેને પોતાનું જીવન નીરસ, શુષ્ક અને અભાવયુક્ત લાગવાનું જ. પ્રસ્તુત કથા એવાજ તાણાવાણાઓને લઇને આવે છે. કથાના પાત્ર નીરાના અંગતજીવનમાં ઊભી થયેલી અભાવની ખાઇ આગળ જતાં મોના, નિરજ અને છેક જીતેન સુધી વિસ્તરે છે. લેખકે નાયક નાયિકા તરીકે એક-બે નહી પણ ચાર ચાર પાત્રોને આલેખ્યાં છે. નીરાને પતિ જીતેનના પ્રેમનો અભાવ છે. તો નિરાના પોતાને છોડી પિયર ગયાં પછીનું પોતાનું જીવન ખાલીપો અનુભવે છે. તો વળી મોના પોતાના લાગણીસભર બા સાથે યોગ્યજીવનસાથીની શોધમાં પોતાની આશા ટકાવી રાખે છે એજ રીતે જેને ભુતકાળમાં ચાહી છે એવી નીરાને પોતે પામી ન શક્યાનો વસવસો નિરજને રહ્યો છે.
કથાની શરૂઆતમાં લેખક પોતાના નિવેદનમાં નોંધે છે કે – ‘અભાવના દરિયાની આસપાસ ‘શીર્ષકથી ટૂંકીવાર્તા કરી હતી એ વાર્તામાં અભાવગ્રસ્ત સ્ત્રીની વેદનાની વાત સંક્ષેપમાં મુકાઇ હતી. વરસો પછી આ વાર્તાનું બીજ ફરી મનમાં આવ્યું. સંક્ષેપમાં કહેવાયેલી અભાવગ્રસ્ત સ્ત્રીની વાતે મનમાં ખળભળાટ મચાવી દીધો-પછી અંદર અંદર ઘણું બધું વિસ્તરતું ગયું. – અને પછી...પછી...’લેખકે કથેલું આ વિધાન ખરેખર આપણે અનુભુત કરી શકીએ છીએ. અભાવની વાત માત્ર નીરા સુધી સીમિત ન રહેતાં એ વિસ્તરે છે અને છેક એ ભાવક ચિત્ત સુધી સ્પર્શે છે. જીવનની સરળ ઘટમાળને લેખકે કલાત્મક રીતે આલેખી છે. ભાવકના મનને આ બધું સમજવા મનને કસવું નથી પડતું એમ જ પ્રવાહી રીતે કથા આગળ વહ્યા કરે છે. જે લેખક પક્ષે મોટી ઉપલબ્ધી કહી શકાય.
સર્જક રાજેશ અંતાણીની નવલકથા ‘અલગ’ ૧૯૯૩ની વાત કરતાં પહેલાં તેમની પોતાની કેફીયત નોંધપાત્ર છે. – ‘દુષ્કાળના વરસોમાં રણવિસ્તારના ખાલી થતા ગામને જોઇને શહેરને છેવાડે ખુલ્લા મેદાનમાં શિયાળુ સાંજે પડાવ નાખીને, તાપણું કરીને બેઠેલા લોકોને જોઇને, બસની બારીમાંથી વહેલી સવારે ઊંટ પર તમામ ઘરવખરી ગોઠવીને નીકળી પડેલા, સડકને કિનારે કતારમાં ચાલતાં લોકોને જોઇને, કોઇનું ઘર બદલતાં ખુલ્લી સડક પર એમનો સર-સામાન જોઇને કે પછી મિત્રોને સામાન-સમેત વતન છોડીને જતાં જોઇને કે પછી મારો પોતાનો સામાન...ધુંધળી છાયા ઊપસી આવી આ બધામાંથી... આ જ ધુંધળી છાયા મનમાં સંવેદનરૂપે વિસ્તરીને ‘અલગ’ રૂપે લખાઇ.’ આ કૃતિમાં લેખક માનવીય ચેતના અને સંવેદન જગતને આલેખે છે. કથાનાયક અભિષેક કુટુંબ સાથે લાગણી અને સ્નેહના તાંતણે બંધાયેલો બેંકમાં નોકરી કરતો યુવાન છે. પ્રમોશન અર્થે તેની વડોદરા બદલી થાય છે. પ્રમોશન લેવાં જતાં પરિવારથી અલગ પડવાનું બને છે. જે અભિષેક માટે પીડાદાયક બની રહે છે. આ બાબતે અભિષેકનું સંવેદન જગત ભારે સંઘર્ષ અનુભવે છે. માતા સરયુબેન, પિતા શિશિરભાઇ, ભાઇ તર્પણ, નાનાકાકા, દર્શના, નંદશંકર કાકા વગેરે સાથેનો તેનો નાતો તુટી જવાનો છે. આવી સ્થિતિમાં પત્ની માધુરી આ વાતને સહજ લેવાનું કહે છે. પણ સર્જકે નાની એવી આ ઘટનાને સંવેદનાના તાંતણે કલાત્મક રીતે ગુંથી લીધી છે. ઘણીબધી ગડમથલ ને અંતે વડોદરાનું પ્રમોશન સ્વીકારી ત્યાં જવા તૈયાર થાય છે.
સાવ જ અજાણ્યા એવા વડોદરા શહેરમાં તેમના પરિચિત ખાસ તો કોઇ નથી પરંતુ મિત્ર પરિતોષ અને તેની પત્ની શુભાંગી ‘અલગ’ હોવાપણાને દૂર કરી શકે તેમ છે. અહી પણ સંજોગો એવા રચાય છે કે અભિષેક પોતે પરિવારજનોથી અલગ પડે છે પરંતુ વડોદરના પોતાના મિત્ર પરિતોષ અને શુભાંગીના અસ્તવ્યસ્તજીવનને વ્યવસ્થિત કરવામાં નિમિત્ત બને છે. તો વળી એજ અભિષેક દર્શનાના સંસારજીવનને ગોઠવવામાં પણ નિમિત્ત બને છે. લેખકે ‘અલગ’ના વિવિધ સમિકરણો પ્રયોજીને કૃતિને જીવંતતા બક્ષી છે. કથાનો પ્રવાહ પ્રસંગોની ભરમાર સાથે એકધારો ગતિશીલ રહે છે. ‘અલગ’ પડવાના ભયથી મનોસંઘર્ષ અનુભવતો નાયક અભિષેક પોતાની ગેરહાજરીમાં માતા-પિતાએ કરેલી વાત માધુરી મુખે સાંભળતાંજ હચમચી ઉઠે છે. અહી ‘અલગ’ના બે સમીકરણો રચાય છે. એકબાજુ લાગણીસભર પરિવારજનોથી અલગ થવાનો ભાવ તો બીજી તરફ પરિવારનો સભ્ય ન હોવાનો અહેસાસ- આ બન્ને ભુમિકાએ અભિષેકને ‘અલગ’ જ અનુભૂતિ થાય છે.’ હું તને કઇ રીતે સમજાવું પરિ કે મને મારા વિશે વિચિત્ર વાત સાંભળવા મળી છે. હું સરયુબેનનો પુત્ર નથી. મેં કુટુંબ માટે આટલું બધું લાગણીથી કર્યું એ બધાં મને કુટુંબથી અલગ કરવા માગે છે. હું અહીં આવ્યો તે સંયોગોવશાત પણ એ લોકોની તો તૈયારી હતી જ. મને અલગ કરવાની.’ અભિષેકની મનોદશાનું ચિત્રણ કરવામાં લેખકની સર્જનાત્મકતા ઉપસી આવે છે. તેમના પરોપકારી અને લાગણીયુક્ત સ્વભાવને કારણે હંમેશા સંસારજીવનમાં ટકી રહેવા માટેનું જે આત્મબળ જોઇએ તે ઔચિત્યપૂર્વક નિરૂપાયું છે. મુખ્ય કથાનાયક અભિષેકની સાથે દરેક પાત્ર પોતાનું વ્યક્તિગત સંવેદન લઇને ઘુમરાયા કરે છે. પુત્રી ૠચા એક સંપૂર્ણ પરિવારની ઓળખ સ્થપિત કરતી હોય એવી પ્રતિતી થાય છે આમ સમગ્ર કથામાં માનસિક સંચલનો વડે મનોવ્યાપારની એક નવી જ ભાત ઉપસતી જોઇ શકાય છે.
લેખકની વધુ એક નવલકથા ‘ખાલીછીપ’ ૧૯૯પમાં પ્રગટ થાય છે. સર્જક રાજેશ અંતાણીની નવલકથાઓ વાંચતા આપણે અનુભાવિત થઇ જે તે પાત્રોના ચિતપ્રદેશ સુધી પહોચી જઇએ છીએ કેમકે તેમની પાત્રસૃષ્ટી તીવ્રસંવેદનયુક્ત અને ગતિશીલ હોય છે. અહી પણ તેમની કથાનું કેન્દ્ર સંવેદનની પાંખે વિસ્તરે છે. ‘ત્રણ પાત્રો છે : બે પુરૂષ અને એક સ્ત્રી, આ ત્રણ પાત્રો વચ્ચેનો સંબંધ – જેને પરિણામે ઊભો થતો સંઘર્ષ, આવેગો, સંવેદનો અને લાગણીનું ખેંચતાણ – ઉપલક દ્રષ્ટિએ પ્રણય ત્રિકોણનો આભાસ ઊભો કરે પણ ત્રણેય પાત્રોની ભીતર આ બધા આવેગો-સંવેદનો અને લાગણીના ખેંચતાણના સંચલનો સમાંતરે, જુદી રીતે ચાલે એવું કથાવસ્તુ લઇને આવે છે આ નવલક્થા ‘ખાલીછીપ’’
અહી નિરૂપાયેલ ત્રણ મુખ્ય પાત્રોનો મનોસંઘર્ષ છે. ભિન્ન છે અને છતાં બધાનું કેન્દ્રબિંદુ પ્રણય જ છે. ત્રણે પાત્રો પ્રણયના તાંતણે પરસ્પર સંકળાયેલ છે પણ એ પ્રણયમાંથી સંઘર્ષ જન્મે છે તે કથાનું મુખ્ય બળ છે. વળી આ સંઘર્ષ એકબીજાની સમાંતરે વિસ્તરે છે. અહી લેખકની નિરૂપણ રિતિની કસોટી થાય છે. કથામાં વચ્ચે આવતાં બીજા ગૌણ પાત્રો સાવિત્રીબેન , નીલા, ત્રિભુવનકાકા, બેલા, બલદેવ, રેવા, ડો.છાયા, વૈભવીબહેન વગેરે – કથામાં આલેખાયેલા સંવેદનો, આવેગો અને લાગણ્રીઓને પોષકરૂપ બને છે. સારંગ અને દુષ્યંત બન્ને બાળપણના ગાઢ મિત્રો હોય છે. જ્યારે પુર્વી દુષ્યંત અને સારંગની દોસ્તી વચ્ચે પ્રણય વૈફલ્ય સભર આલેખન પામે છે. અલબત્ત લેખક કથાનો પ્રારંભ નાટકીય રીતે કરાવે છે. આ બન્ને મિત્રો કોઇ અગમ્ય કારણોસર જુદા પડે છે. એકાએક બન્નેનો ભેટો થાય છે. વિખુટા પડેલા બન્ને મિત્રો ફરી મળે છે ત્યારે અતીતના સંસ્મરણો તેને પીડે છે. કથાનો અડધો ભાગ વિતેલા અતીતની ગાથા છે. જે વર્તમાનમાં સતત અહેસાસ કરાવે છે. પોતાની સારવાર અર્થે ડો.છાયા અને વૈભવીબેનને ત્યાં રહેતો દુષ્યંત જ્યારે હવાફેર માટે સેનેટોરિયમ જવા નીકળી છે ત્યાં રસ્તામાં વિખુટા પડી ગયેલા મિત્ર સારંગનો ભેટો થાય છે. અહીથી કથાનો પ્રવાહ બદલાય છે અને કથા વર્તમાન અતીતમાં ઝોલા ખાય છે.
કથાનું ઘટનાચક્ર સતત ગતિમાન રહે છે. ભાવકના ચિતપ્રદેશને જકડી રાખે છે. લેખક, કથાનું મુખ્ય બળ સંઘર્ષ નિરૂપણની કસોટીમાંથી પાર ઉતર્યાની અનુભુતિ થાય છે. સારંગ અને દુષ્યંત બે પુરૂષ પાત્રોની મૈત્રી સ્ત્રી પૂર્વીને અન્યાય કરી બેસે છે એ વાતને એક સ્ત્રીત્વના સ્વમાન સુધી લઇ જવાની ઘટના કૃતિનું કરુણ પાસું છે. તો પૂર્વીની આંખ ‘ખાલીછીપ’ જેવી રાખવાના કોલ આપનાર દુષ્યંત પોતે મનોદશાથી પીડાય છે. ‘દુષ્યંતે પૂર્વીને ધીમેથી કહ્યું : પૂર્વી, મેં મનોમન કહેલું કે તારી છીપ જેવી આંખો ખાલી રાખીશ. જીવનપર્યંત. પણ તેમ હું ન કરી શક્યો એનું મને દુ:ખ છે,તારી ખાલીછીપમાં મેં વિષાદ અને પીડા ભરી દીધાં’ આમ, કથાના ત્રણે પાત્રો પીડીત છે. છતાં પણ પરસ્પરમાં પ્રબળ ભાવાવેગ ઉત્કટ રીતે આલેખાયેલો છે. આથી જ લેખકની અન્ય કૃતિઓથી અલગ ભાત પાડતી આ નવલક્થા ગુજરાતી સાહિત્ય માટે નોંધપાત્ર બની રહે છે.
રાજેશ અંતાણીની છેલ્લી નવલકથા ‘સંધીરેખા’ ર૦૦૩માં પ્રગટ થાય છે. લેખક ફરી એકવાર વ્યક્તિના આંતરસંઘર્ષની કથા લઇને આપણી સમક્ષ આવે છે. પ્રસ્તુત કથામાં માનસિક રીતે વારંવાર આઘાત જન્માવતું પાત્ર વસુધાના આંતરસંઘર્ષની કથા લઇને આપણી સમક્ષ આવે છે. પ્રસ્તુત કથામાં માનસિક રીતે વારંવાર આઘાત જન્માવતું પાત્ર વસુધાની આસપાસ કથા મંડરાય છે. સર્જકના શબ્દોમાં ‘ રાજકોટની ગોંધીયા હોસ્પીટલના એક ખુણામાં બેંચ પર બેઠેલી મનોવિચ્છિન્ન સ્થિતિમાં આધેડવયની એક સ્ત્રીને જોઇ. એની આ સ્થિતિ, એના હાવભાવ જોઇને મનમાં ઘણાબધા પ્રશ્નો ઊપસ્યા. સ્થિતિને સમયમાં મૂકતાં એક એવો ખ્યાલ મનમાં બંધાયો કે આપણે બે સમયમાં જીવીએ છીએ : ભૌતિક સમય અને ચૈતસિક સમય અહીં આ સ્ત્રીના મન પર સંઘાત જનમ્યો હશે. જેને કારણે એ બે સમયની સંધિરેખા વચ્ચે વહેંચાઇ ગઇ છે. વસુધાનું પાત્ર કેન્દ્રમાં છે. એના પતિ-પુલિનના મૃત્યુ પછે જીવનમાં પ્રસરેલો અવકાશ-બાળકોની સ્થિતિ-બધું અચાનકજ. પતિ સાથે જોડાયેલો સમય અને સંતાનોની સાથે પતિ વિનાનું શેષ જીવન-એ બે સમયનું પરિમાણ આ નવલકથામાં જાળવી-સાચવી-સમજીને લખાયું છે.’નાયિકા વસુધા પોતાના પતિ પુલિનના મૃત્યુને સ્વીકારી શકતી નથી. તેની સ્મૃતિઓ વારંવાર તેના માનસ પર છવાઇને પોતાના હોવાનો અહેસાસ કરાવે છે.
કથાને લેખકે અતીત-વર્તમાનના ફલક પર નિરૂપી છે. વર્તમાનની વસુધા અને ભુતકાળની વસુધા, તેના સંસ્મરણો. આ માટે લેખક કથાના મધ્યભાગને વિસ્તારે છે. પુત્રી રીમાને ત્યાં જતી વેળાએ ટ્રેનમાં વસુધાનું ચિત ટ્રેનની ગતિ સાથે પુલિન સાથેના સંસ્મરણો લયબદ્ધ રીતે તેના માનસપટ પઋ છવાય જાય છે. બેનપણી પારુ સાથેનું સખીપણું તેના ચિતને કોઇ આહલાદ સૃષ્ટિમાં લઇ જાય છે. પુલિન સાથે લગ્ન થયા પહેલા મુગ્ધભાવે વિચરતી વસુધા અને લગ્નબાદ સુખી દામ્પત્યજીવનમાં રાચતી વસુધા ભાવકચિત પર છવાઇ જાય છે.
આમ, રાજેશ અંતાણીની નવલકથાઓમાંથી પસાર થઇએ છી ત્યારે સર્જક તરીકે તેમની ઘણી બધી લાક્ષણિકતાઓ નજરે ચઢી આવે છે-જેમકે તેમના પાત્રો સંવેદનથી ભરપુર છે. પછી એ ૠતુ-શેખર હોય કે સારંગ-દુષ્યંત-પૂર્વી હોય , તો વળી વસુધા,અભિષેક, જસવંત આ બધા પાત્રો તીવ્ર ભાવાવેગથી આલેખાયેલા છે. પુરક પાત્રોના નિરૂપણમાં પણ લેખકે કલાત્મક વિનિયોગ કર્યો છે. જે તે પ્રસંગે, પરિસ્થિતિમાં સહાયક તરીકે લેખક ક્યાંય વિસ્તરી બન્યા નથી. લેખકનું બીજું નોંધનીય પાસુ એ રહ્યું છે કે તેમની કથાનો વેગ પ્રબળ છે. તેઓ ઘટનાને ઝડપથી એટલી તીવ્ર ગતિથી નિરૂપે છે કે ભાવક સતત તેનામાં રસજ્ઞ બની રહે છે. કથા સાથે સમય અને કલરના પરિમાણોને એવી રીતે વણી લીધા છે કી ક્યારેક તો સમગ્ર પ્રતિકાત્મક બની રહે છે. સર્જકભાષા સરળ અને ભાવવાહી છે. કચ્છ પ્રદેશની ભાષા પ્રયોજે છે પણ સાથે તેનો અનુવાદ મુકીને આગવી સુઝ બતાવી છે. તેમના પ્રતિકો પણ કૃતિના પિંડમાંથી જ ઉપસે છે. એ જ રીતે વર્ણનોમાં ભારજલ્લા શબ્દો કે ઉક્તિઓને સ્થાન નથી. આલંકારિક શૈલી છે પણ એ કથાના વેગને પ્રવાહી બનાવવામાં ઉપકારક નીવડે છે. તેમની નવલકથાઓમાં મોટાભાગે જીવનમાં રહેલા લાગણીના વિવિધ સંબંધો કલાત્મક રીતે રજુ થાય છે. સંબંધોના અવનવા પરિમાણો સર્જવા મથતા રાજેશ અંતાણી પાસેથી આવનારા સમયમાં વધુને વધુ કથાઓ ગુજરાતી સાહિત્યને મળે એજ તેમની સાર્થકતા હશે-હોવી જોઇશે.
ડૉ. ભાવેશ જેઠવા, આસિ. પ્રોફેસર, ગુજરાતી વિભાગ, શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભૂજ (કચ્છ)