ઇશ્વરની કૃતિ, પ્રકૃતિ‚ સંસ્કૃતિ‚ વિકૃતિ
પ્રસ્તાવના :
મનુષ્ય પણ અન્ય પ્રાણીઓની જેમ પ્રકૃતિનું બાળક છે. પણ મનુષ્યની બુધ્દ્ધિ એને પ્રકૃતિદત્ત અવસ્થામાં રહેવા દે એમ નથી. એટલે એમાં ફેરફાર કરવાના પ્રયત્નમાં એ પ્રકૃતિને સંસ્કૃત અને વિકૃત કરતો ગયો અને એવી અવસ્થાએ પહોંચ્યો કે વિકૃતિ અને સંસ્કૃતિ એકબીજાથી અલગ ન પડી શકે‚ મનુષ્યે પ્રકૃતિને છેડીને એને અંશતઃ વિકૃત એટલે કે બૂરા પરિણામ આપવાવાળી બનાવી અને અંશતઃ સંસ્કૃત એટલે કે સારા પરિણામ આપવાવાળી બનાવી.
મનુષ્ય પ્રકૃતિને સંસ્કૃત કરવા સતત મથતો રહ્યો અને સંસ્કૃત કરવા જતાં એને એ વિકૃત પણ કરતો ગયો‚ અને એ પણ સંસ્કૃત વિકૃત થતો ગયો.
પ્રકૃતિ :
‘જેવી પ્રકૃતિ પોતાની‚ જ્ઞાનીયે તેમ વર્તતો‚
સ્વભાવે જાય છે પ્રાણી‚ નિગ્રહે કેટલું વળે?’
આજનો માનવી પ્રકૃતિથી ઘણો દૂર ચાલ્યો ગયો છે. માનવીનો પરમાત્માની નિકટ સુધી પહોચવાનોં માર્ગ પ્રકૃતિ છે. પ્રકૃતિ દ્વારા પરમાત્માના રૂપોનું દર્શન કરતો હોય છે. માનવી જેટલો પ્રકૃતિથી દૂર જાય છે. તેટલો સ્વયં પોતાના ભીતરથી દૂર જાય છે. આથી જીવનમાં માનવીએ પ્રકૃતિ સાથે પોતાની નિકટતા સાધવી જોઈએ. કારણ કે મનુષ્ય જાતિ જે ભાવો અને ભાવનાઓ ગુમાવતી જાય છે. એ એને પ્રકૃતિ પાસેથી મળે છે.
પ્રકૃતિને વ્યાખ્યાયિત કરવી ખૂબ જ મુશ્કેલ છે. જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં તેને જુદી જુદી રીતે મૂલવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આમ, પ્રકૃતિની સંકલ્પના વિશાળ હોઈ તે સમજવા તેમાં રહેલા તમામ ઘટકોનો વિચાર કરવો જરૂરી છે.
ગુજરાતી જોડણી કોશ અનુસાર પ્રકૃતિ એટલે એક સંયોજન કે જેના તત્ત્વો નીચે પ્રમાણે વર્ણવી શકાય.
કુદરત :
કુદરતના તમામ ઘટકો કે જેમાં સજીવ અને નિર્જીવ બન્નેને સમાવી શકાય. કુદરતના ઘટકોને કારણે બનતી કુદરતી ઘટના એ પ્રકૃતિનું જ દર્શન કરાવે છે. તે તેના નિયમ-બંધારણને અનુરૂપ વર્તન વ્યવહાર કરે છે તે છે કુદરત. દા.ત. પશુ‚ પક્ષી‚ પહાડ‚ નદી‚ ઝરણા‚ અતિવૃષ્ટિ‚ ભૂકંપ‚ અછત વગેરે.
ધર્મઃ
ધર્મનો અર્થ છે વ્યવહાર અને વર્ણ મુજબ સજીવ પોતાનો વ્યવહાર ચલાવે અને તે વ્યવહાર ચલાવવા વર્તન કરે છે તે ધર્મ. દા.ત. વાઘ પોતાનો ખોરાક શિકાર દ્વારા મેળવે છે અને પોતાનો નિર્વાહ કરે છે તેથી શિકાર એ તેનો ધર્મ છે.
પ્રધાન ગુણ:
પ્રકૃતિ અનુસાર ગુણ એ વ્યકિતગત કે સામુહિક હોય છે. સામાન્યતઃ પ્રકૃતિના ગુણને ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. સત્વગુણ‚ રજસ ગુણ‚ અને તમસ ગુણ.
પ્રકૃતિની દરેક ઘટના કે ઘટકને કોઇને કોઇ પ્રધાન ગુણ હોય જ છે અને તે મુજબ તે પ્રકૃતિમાં રહે છે.
તબિયતઃ
તબિયતનો વ્યાપક અર્થ સ્વાસ્થ્ય કે તંદુરસ્તીનો નથી‚ તબિયત અર્થાત સજીવ અને નિર્જીવ દરેક પોતાના અનુકુલન મુજબ વર્તે છે તે તેની તબિયત છે.
સ્વભાવ:
પ્રકૃતિમાં દરેકને પોતાના દુર્ગુણો અને સદ્ગુણોને આધારે સ્વભાવમાં રહેવાનો અધિકાર છે અને તે તેની પ્રકૃતિ બને છે. આ ઉપરાંત પ્રજા, પુરુષથી ભિન્ન એવું જગત કે અમાષ્યવર્ગ વગેરે છે.
પ્રકૃતિનું અનુસરણઃ
ગાયત્રી મંત્રનો આઠમો અક્ષર ‘સ્વ’ કુદરતના સાનિધ્યમાં રહીને તે પ્રમાણેનું જીવન ગુજારવા માટે શિક્ષણ આપે છે.
"ન્યસ્યંતે યે નરાઃ પાદાન પ્રકૃત્યાજ્ઞાનુસારતઃ
સ્વસ્થાઃ સંતુસ્તુ તે નૂનં રોગમુક્તા ભવંતિ હિ"
અર્થ–“ જે મનુષ્ય કુદરતના નિયમાનુસાર આહાર વિહાર રાખે છે. તે પોતાનું જીવન બધા જ રોગોથી મુકત રાખીને સ્વસ્થ રીતે વિતાવે છે.”
સ્વાસ્થ્યને સારું રાખવા અને સુધારવા માટેની જડીબુટ્ટી કુદરતના નિયમાનુસાર ચાલવું‚ કુદરતી આહાર – વિહારને અપનાવવા અને કુદરતી જીવન પસાર કરવું તે છે. અકુદરતી‚ અસ્વાભાવિક‚ કૃત્રિમ‚ આડંમ્બરી અને એશ – આરામી જીવન જીવવાથી લોકો બિમાર પડે છે અને નાની વયમાં જ કાળનો કોળિયો બની જાય છે.
મનુષ્ય સિવાય બધા જીવજંતુ ‚પશુ‚ પક્ષી‚ કુદરતના નિયમોનું પાલન કરે છે. ફળ સ્વરૂપે ન તો તેઓને જાત જાતના રોગો લાગુ પડે છે કે નથી તેઓને વૈધ ડોકટરોની જરૂરત પડતી. જે પશુ‚ પક્ષી‚ મનુષ્યો દ્વ્રારા ઉછરી રહ્યા છે અને અકુદરતી ખાનપાન અને રહેણીકરણી માટે લાચાર હોય તેઓ પણ બિમાર પડે છે. તેમને માટે પશુઓનાં દવાખાનાં ખોલવામાં આવ્યાં છે. પરંતુ સ્વતંત્ર રીતે જંગલો અને મેદાનોમાં રહેનારા પશુ પક્ષીઓમાં ક્યાંય બિમારી કે નાદુરસ્તીનું નામ પણ જોવા મળતું નથી. એટલું જ નહી ક્યારેક કોઇ દુર્ઘટના કે અંદર અંદરની લડાઇમાં જખમી કે અધમૂવા થઇ જાય છતાં પણ તેઓ પોતાની જાતે જ સારા થઇ જાય છે. પ્રકૃતિના નિયમોનું પાલન સમગ્રતાની કરવું તે તંદુરસ્તીનો સૌથી ઉત્તમ નિયમ છે.
સંસ્કૃતિઃ
માનવનું પ્રાકટ્ય પ્રાણિયોનીમાંથી થયું છે અને તેથી પ્રાણીઓના અનેક ગુણધર્મો એને વારસામાં મળ્યા છે. જે માણસમાત્ર આહાર‚ નિદ્રા‚ ભય અને મૈથુન આટલા જ વ્યવસાયોમાં જીવનભર ગુંથાયેલો રહે છે તે પ્રાકૃત માનવ છે. પ્રાકૃત એટલે પ્રકૃતિમાં રચ્યોપચ્યો રહેનારો એનાથી ઊલટા સંસ્કૃત મૂળ પ્રકૃતિમાં ફેરફાર કરી કોઇ નવા વધુ સારા ગુણધર્મો સંપાદન કરનારા માનવને સંસ્કૃત અથવા સંસ્કૃતિ સંપન્ન કહેવામાં આવે છે જે તત્ત્વો એને પશુની પ્રકૃતિમાંથી ઊંચે લાવી સંસ્કારી બનાવે છે તે બધા તત્ત્વોના સમુહને આપણે સંસ્કૃતિ કહીએ છીએ.
માનવી જયારે સામુદાયિક રીતે સાથે સાથે રહે છે ત્યારે તેના પરિણામે એક એવુ તત્ત્વ તેના સમૂહમાં અન્ય પશુ સિધ્દ્ધિઓથી વિખૂટું અનોખું નિરાળું પડી ઓળખાઇ આવે છે. જેને આપણે સંસ્કાર સંસ્કૃતિ સભ્યતા શિષ્ટતાને નામે ઓળખીએ છીએ॰ એની જુદી જુદી વ્યાખ્યાઓ અને સમજુતીઓ આપવાના પ્રયાસોમાંથી થોડા નિહાળી લઇએ.
ટાઇલર એને આમ ઓળખાવે છે.
સમાજના સભ્ય તરીકે માનવી જે સંકુલ વિશિષ્ટતાનું એકમ સર્જે છે એનું નામ સંસ્કૃતિ. જેમાં આખું સામાજિકજ્ઞાન‚ માન્યતાઓ‚ કલા‚ નૈતિકભાવના‚ કાયદો‚ રૂઢિ વિશિષ્ટતા‚ શકિતઓ અને દેવભાવનાનો સમાવેશ થાય છે.
વિઝલ સંસ્કૃતિને કોઇપણ માનવસમૂહના આચારો અને વિચારોના સરવાળા aggregate કરતા કાંઇ ઓછું પણ નહિ અને વધારે પણ નહિ એ રીતે ઓળખાવે છે.
વોલીસના મતે, “આપણા આદર્શો‚ પ્રવૃત્તિઓ અને વર્ણનોનો સમન્વય એનુ˙ નામ સંસ્કૃતિ.”
According to Ralph Linton : “A Culture is the configuration of learned behaviour and results at behaviour whose components elements are shared and transmitted by members of particular society.”
બીજા શબ્દોમાં કહીએ તો આસપાસના માહોલમાં આપણે જે રીતે આપણા કાર્યો કરીએ છીએ તે સંસ્કૃતિ છે.
ઉપરની વ્યાખ્યા અને સમજૂતીને આધારે સંસ્કૃતિના ત્રણ મુખ્ય ઘટકો નીચે પ્રમાણે નોંધી શકાય.
(1) માન્યતાઓ (Belief)
(2) મૂલ્યો (Values)
(3) રૂઢિઓ (Customs)
મૂલ્યો‚ માન્યતાઓ અને રૂઢિઓ સમાજ સાથે વણાઇ જાય છે. આપણે અન્ય દેશોની સંસ્કૃતિના સંપર્કમાં આવીએ ત્યારે જ આપણને આપણી સંસ્કૃતિની વિશેષતાઓનો ખ્યાલ આવે છે.
સંસ્કૃતિના સ્તરો/ ધોરણો :
રાષ્ટ્ર્રીય સંસ્કૃતિના સંદર્ભમાં કોફી સ્ટીડે મુખ્યત્વે નીચે દર્શાવેલા ધોરણો દર્શાવ્યા છે.
(1) દેશના આધાર મુજબનું રાષ્ટ્ર્રીય ધોરણ કે જે આપણી મૂળભૂત સાંસ્કૃતિક ધારણાઓ દર્શાવે .
(2) પાયાની ધાર્મિક સાંસ્કૃતિક માન્યતાઓ નક્કી કરતું પ્રાંતીય જાતિગત ધાર્મિક ભાષાકીય સંલગ્નતા દર્શાવતું ધોરણ
(3) જન્મ પામેલ બાળકનુ છોકરા કે છોકરી તરીકે જાતિગત ધોરણ.
(4) વારસાગત ધોરણ કે જે સંતાનો‚ માતા – પિતા અને દાદા – દાદીને અલગ દર્શાવે છે.
(5) સામાજિક વર્ગનું ધોરણ કે જેનો સંબંધ શૈક્ષણિક તકો અને વ્યકિતના ધંધા અને વ્યવસાય સાથે જોડાયેલ હોય છે.
સંસ્કૃતિના ઘટકોઃ
ટર્પસ્ટ્રા અને સારથીના મત પ્રમાણે નીચે દર્શાવેલ સંસ્કૃતિ અંગેના આઠ ધટકો સંસ્કૃતિની તપાસ માટેનું યોગ્ય માળખું પૂરું પાડે છે.
સંસ્કૃતિનાં મૂળતત્ત્વો :
પૂર્વે માનવનું જીવન જંગલી પ્રાણીઓના જેવું હતું. પણ જેમ જેમ વખત વીતતો ગયો તેમ તેમ માનવમાં હોવા જોઇતા સ્વાભાવિક તત્વો એનામાં વિકસતા ગયા અને પશુ પંખીઓના સ્વરૂપથી એ વધારે ને વધારે જુદો પડતો ગયો. જે કંઇ તત્વોએ એને આમ પ્રાણીઓથી જુદો પાડ્યો તે બધાં સંસ્કૃતિના અંગો કહેવાય.
આ બધા તત્વોને આપણે સામાન્ય રીતે નીચે પ્રમાણેના વર્ગીકરણમાં ગોઠવી શકીએ.
(1) બાહ્યજીવનને સ્પર્શતા :
રાજતંત્રઃ રાજનીતિ-યુદ્ધશાસ્ત્ર‚ કાયદો‚ સંસ્થાન‚ સામ્રાજય વગેરેના સ્થાપન.
અર્થતંત્રઃ ખેતીવાડી‚ વેપાર‚ ધંધા‚ ઉદ્યોગો.
સમાજતંત્રઃ ધર્મ‚ નીતિ‚ લિપિશાસ્ત્ર.
(2) આંતરજીવનને સ્પર્શતા :
કલાઃ સંગીત‚ ચિત્ર‚ શિલ્પ‚ સ્થાપત્ય ઇત્યાદિ લલિતકલાઓ‚ કારીગરીઓ ભરત‚ ગૂંથણ વગેરે ઔપચારિકકલાઓ.
વિદ્યા: ગણિતશાસ્ત્રો‚ વિજ્ઞાનશાસ્ત્ર‚ વૈદિકસાહિત્ય‚ તત્ત્વજ્ઞાન
(3) સૌથી અંદરના (અંતરાત્મા) જીવનને સ્પર્શતાઃ
અધ્યાત્મજ્ઞાન‚ યોગ વગેરે
એક નજરે આપણે એમ કહી શકીએ કે સંસ્કૃતિનું મુખ્ય લક્ષણ એ છે કે એના વડે માનવનો પ્રકૃતિ ઉપરનો અંકુશ વૃધ્દ્ધિ પામતો જાય છે અને એવો અંકુશ પ્રાપ્ત કરવા માટે સંસ્કૃતિના આ બધા અંગો સાધનો બને છે.
યુ બેંક નામનો અભ્યાસી આ બધી વ્યાખ્યાઓ અને વર્ણનોનો સમન્વય કરી સંસ્કૃતિના મુખ્ય તત્વોને નીચે પ્રમાણે વિચારે છે.
(1) સંસ્કૃતિ માનવકૃત હોય : કુદરતની કૃતિઓમાં માનવીએ હાથ અડાડયો ન હોય એવી કૃતિથી ભિન્ન.
(2) સંસ્કૃતિમાં માણસની સિધ્દ્ધિઓ સમાઇ જાય જે અપાર્થિવ અને દેખાય નહિ એવી હોય. ઉપરાંત માનવીના હસ્તે ઉપજાવેલી પાર્થિવ વસ્તુઓ પણ હોય.
(3) સંસ્કૃતિ સચવાય છે‚ ભેગી થાય છે અને નવા નવા તત્વો ભળતાં તેની જટિલતા અને જથ્થો વધતો રહે છે.
(4) માનસિક રીતે એક વ્યકિતમાંથી બીજી વ્યકિતને એક સમૂહમાંથી બીજા સમૂહને એક પેઢીમાંથી બીજી પેઢીને આપી શકાય તેવું તેનું સ્વરૂપ છે.
ભારતીય સંસ્કૃતિ પર થતાં આક્રમણ :
ભારતીય સંસ્કૃતિના હાર્દ સમી વૈદિક સંસ્કૃતિ પર આઠ જાતનું આક્રમણ આજે થઇ રહ્યુ છે. જે વાત આપણા ખ્યાલમાં એકદમ આવતી નથી. જાતિવાદ‚ જ્ઞાતિવાદ‚ સંપ્રદાયવાદ‚ ત્રાસવાદ‚ આતંકવાદ‚ ફેશન‚ ભોગવાદ‚ બેકારી‚ ગરીબી‚ નારીપીડન‚ પશ્ચિમી સંસ્કૃતિ અને ભોગવાદી વૈભવી જીવનશૈલી વગેરેના આક્રમણને સમજવું અને તેને ખાળવા તે અતિ જરૂરી છે. તે માટે જાતિવાદમુક્ત સમાજ (2) ત્રાસવાદમુક્ત સમાજ (3) શોષણમુક્ત સમાજ (4) નારી ઉત્પીડિનમુક્ત સમાજ (5) ભ્રષ્ટાચારમુક્ત સમાજ (6) પાખંડમુક્ત સમાજ (7) ભોગવાદમુક્ત સમાજ (8) ગરીબીમુક્ત સમાજ રચવાનું મહાન કાર્ય આ દેશના હિતમાં થવું અતિ જરૂરી છે અને ત્યારે જ ભારતીય સંસ્કૃતિનું સાચું રક્ષણ થઇ શકશે.
પશ્ચિમી સંસ્કૃતિનું વેધક પરીક્ષણ કરતાં ગાંધીજી લખે છે : આ સુધારાની ખરી ઓળખ તો એ છે કે માણસો બહિરની શોધોમાં અને શરીર સુખમાં સાર્થક અને પુરુષાર્થ માને છે.
ગાંધીજીના વિચાર ગુરુ ટોલસ્ટોયે પણ આધુનિક સંસ્કૃતિની આવી જ વેધક ટીકા કરતાં જણાવ્યું છે : વીજળી‚ રેલ્વે‚ તાર‚ ટપાલ- આ બધું આજે આપણને ચકરાવે ચડાવી રહ્યું છે. રેલવે‚ યુનિવર્સિટીઓ‚ ગંજાવર ઉદ્યોગો‚ નૌકાકાફલો‚ અખબારો‚ પુસ્તકો‚ રાજકીયપક્ષો‚ ધારાસભાઓ - બસ આટલું હોય તો તે સૌથી વધુ સભ્ય અને સંસ્કારી રાષ્ટ્ર ગણાય.
લુઇ મમફર્ડ પણ કહે છે “આધુનિક સંસ્કૃતિની સૌથી આકરામાં આકરી ટીકા એ છે કે માણસે ઊભી કરેલી અનેક સમસ્યાઓને આફતો ઉપરાંત એ માનવીય દૃષ્ટિએ બિલકુલ રસહીન છે.”
સર્વોદયી સંસ્કૃતિ તરફ ગતિ કરવાનો રાહ ચીંધતા આલ્બર્ટ સ્વટ્ઝર જણાવે છે : “આજનું અત્યંત જટિલતંત્ર સેંકડો રીતે માણસ ઉપર પોતાનો અંકુશ જમાવે છે. તેમાં માણસે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ખીલવવું પડશે અને આ તંત્રને પણ પોતાની અસર હેઠળ રાખવું પડશે. તંત્રે તેને વ્યક્તિહીન દશામાં રાખવા માટે બધા જ પ્રયત્નો કરી છૂટશે કેમકે માણસની તે સ્થિતિ તંત્રને અનુકુળ છે‚ તંત્ર વ્યક્તિત્વથી ડરે છે. કેમકે જે આત્મા અને સત્યને રૂંધવા માંગે છે. તેને જ આ વ્યક્તિત્વ દ્વારા અભિવ્યક્ત થવાનો મોકો મળે છે ને દુર્ભાગ્યે તંત્રની શકિત પણ તેના ડર જેટલી જ ભારે છે.”
આજને તબક્કે આધ્યાત્મિક જાગૃતિ દ્વારા જ માનવ સંસ્કૃતિનો પુનર્જન્મ થઇ શકશે. આપણા માર્ગમાંની મુશ્કેલીઓ અને અવરોધો વિશે સભાન જરૂર રહીએ પણ આ શકય છે કે એવી શંકા ખસુસ ન સેવીએ. આજની પરિસ્થિતિમાં પણ જો સંસ્કૃતિને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે માણસની નૈતિક ચેતના ઝઝૂમશે. અને એક વિશ્વની ભાવના જાગૃત થશે તો આપણે જરૂર ફરી સંસ્કૃતિની સ્થાપના કરી શકીશુ.
ગાંધીજી જણાવે છે : સુધારો એ વર્તન છે કે જેથી માણસ પોતાની ફરજ બજાવે. ફરજ બજાવવી તે નીતિ પાળવી એ છે. નીતિ પાળવી એ આપણા મનને તથા આપણી ઇન્દ્રિયોને વશ રાખવી એ છે. એમ કરતાં આપણે આપણને ઓળખીયે છીએ. આ જ ‘સુ’ એટલે સારો ધારો છે. તેથી જે વિરુધ્દ્ધ તે કુધારો છે.
પ્રકૃતિ —> સંસ્કૃતિ —> વિકૃતિ :
સંસ્કૃતિ માનવપ્રકૃતિને તે પ્રયત્નપૂર્વક અંશતઃ ફેરવી શકે છે. તે ફેરફાર વિકૃત અને સંસ્કૃત બન્ને પ્રકારના હોય છે. એટલે માણસ પ્રાકૃત‚ સંસ્કૃત અને વિકૃત એમ ત્રિવિધ પ્રાણી છે. એ જયારે પોતાની પ્રકૃતિથી ઉપર ઉઠીને એમાં સુધારો કરવાનો પુરુષાર્થ કરે ત્યારે સંસ્કૃતિ ઉત્પન્ન થાય છે અને એ જયારે પ્રકૃતિથી નીચે પડે ત્યારે વિકૃતિ આવે. દૂધમાંથી માખણ બનાવવું એ સંસ્કૃતિ છે પણ દ્રાક્ષમાંથી દારૂ બનાવવો એ વિકૃતિ છે.
માનવ જાતિ એ પ્રકૃતિમાંથી સંસ્કૃતિ તરફ પ્રયાણ કરવાનો જે પુરુષાર્થ કર્યો તે દરમ્યાન અનેક વખતે અનેક સ્થળોએ વિવિધ પ્રકારની વિકૃતિઓનો ભોગ પણ એ જાણે અજાણે બનતી ગઇ.
વિશ્વના તમામ સજીવ અને નિર્જીવ જે પણ અસ્તિત્વ ધરાવે છે તેને વાસ્તવિક રૂપમાં અને સ્વાભાવિક સ્વરૂપમાં નિહાળવાની વાત પ્રકૃતિમાં કરવામાં આવી છે. નિર્જીવ વસ્તુઓનું સ્વરૂપ સ્થાયી રહે છે . જ્યારે સજીવમાં તે પરિવર્તનશીલ બને છે. મૂળભૂત ગુણોને જાળવી રાખવાની વાત એ પ્રકૃતિ છે. જ્યારે તેમાં પરિવર્તનથી મેળવેલ લાભ એ સંસ્કૃતિ છે અને ઊભો થયેલો ગેરલાભ એ વિકૃતિ છે. દા.ત. શિકાર એ જો સ્વબચાવ માટે કરવામાં આવે કે જીવન રક્ષણ માટે કરવામાં આવે ત્યારે તે પ્રકૃતિથી સંસ્કૃતિ તરફનું પ્રયાણ છે. પરંતુ આ જ શિકાર જો ભોજન કે અન્ન–લાભ મેળવવા માટે કરવામાં આવે ત્યારે તે વિકૃતિ બની જાય છે. પ્રકૃતિએ સ્વતંત્રતા છે જ્યારે સંસ્કૃતિમાં માલિકીપણાનો ભાવ જોવા મળે છે અને તેને કારણે જ તે પ્રકૃતિથી દૂર થાય છે અને તે સ્વયંથી પણ દૂર બને છે. પ્રકૃતિનો દુરુપયોગ વ્યક્તિને સંસ્કૃતિથી વિકૃતિ અને તેને પરિણામે તે સંબંધ અને સમન્વયથી દૂર બને છે. વ્યક્તિને વ્યક્તિથી નજીક લાવે તે સંત સંસ્કૃતિ છે જ્યારે શિષ્ટાચાર શીખવે તે ભદ્ર સંસ્કૃતિ છે. આમ ભદ્ર સંસ્કૃતિ એ ભૌતિક સુખ માટે થયેલો એક વિકાસ છે. સંસ્કૃતિને સામાન્ય રીતે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે પૂર્વીય અને પશ્ચિમ. પૂર્વીય સંસ્કૃતિ ત્યાગ‚ જ્યારે પશ્ચિમ સંસ્કૃતિ ભોગ શિખવે છે. ધર્મ‚ અર્થ‚ કામ અને મોક્ષનો ક્રમ સંસ્કૃતિ તરફ છે‚ જયારે તેમાંથી ધર્મ અને મોક્ષ દૂર થાય ત્યારે તે વિકૃતિ બની જાય છે. દરેક બાબતમાં વિવેક એ સંસ્કૃતિનો પાયો છે. જ્યારે તેમાં આવતો અવિવેક એ વિકૃતિ છે ગાંધીજીના શબ્દોમાં તપ એ પ્રકૃતિ છે‚ તપોબળનો વિકાસ એ સંસ્કૃતિ છે. જયારે તોપબળનો વિકાસ એ વિકૃતિ છે. એથી જ તો એમણે એમ પણ કહ્યુ છે કે જે યંત્રો બેકારી અને બેરોજગારી લાવે તે વિકૃતિ છે પરંતુ કાર્યમાં મદદરૂપ થાય તે સંસ્કૃતિ છે.
પ્રકૃતિએ હંમેંશા જોડવાનુ કામ કરે છે. તેમાં જયારે વ્યક્તિગત સ્વાર્થ ઉમેરાય ત્યારે તે તોડવાનું કામ કરે છે. આમ તે સંસ્કૃતિથી વિકૃતિ તરફ પ્રયાણ કરે છે.
પ્રકૃતિથી પર એ સંસ્કૃતિ છે જયારે નીચે એ વિકૃતિ છે. પ્રકૃતિ સ્વવિકાસની વાત છે. સંસ્કૃતિ સમૂહ વિકાસની છે જયારે વિકૃતિ તેમના ખંડનની વાત છે.
Dr. D. M. Bakrania, Associate Prof., Dept. of Education, K. S. K. V. Kachchh University, Bhuj. (M)09374080988