કાવ્યાસ્વાદઃ પાસપાસે તોય
પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ!
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.
રાત-દીનો સથવાર તે સામે મળવાનું તો
કોઈ દા’ડો સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;
આંસુનેય દઈ દીધો છે ભવનો કારાવાસ...
પાસપાસે તોય કેટલાં જોજન
ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાંનું સંભારણું હશે?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે?
પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ!
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.
- (તમે, માધવ રામાનુજ)
બંગાળી નવલકાર શરદબાબુની કોઈ એક નવલમાં આવું એક વાક્ય આવે છેઃ એક જ છત નીચે રહેતાં બે વ્યક્તિના વિચારો, ગમા-અણગમા જુદા જુદા હોઈ શકે. સંસ્કૃતમાં પણ એક સૂક્તિ છેઃ તુંડે તુંડે મતિભન્નાઃ. તુંડ એટલે મસ્તિષ્ક. મિજાજ. જુદી જુદી વ્યક્તિએ જુદા જુદા મત - બુદ્ધિ હોય જ. આ કાવ્યનો અહીં ઉપલબ્ધ આસ્વાદ અને વાચકનો કે ત્રીજી, ચોથી, પાંચમી વ્યક્તિનાં અનુભૂતિ, આસ્વાદ જુદાં જુદાં હોઈ શકે. પ્રસ્તુત કાવ્યમાં દંપતી વચ્ચે થયેલા અહમ્ના ટકરાવ અને એ પછી ઊભી થયેલી તણાવની સ્થિતિનું હૃદયસ્પર્શી આલેખન થયું છે.
સામાન્ય રીતે, પરંપરાનુસાર, સ્ત્રી પુરુષને પગલે ચાલે છે (ઘણીવાર પગલું દબાવીને ચાલે, પગેરું શાધતી ચાલે...). પતિના બધા નિર્ણયો, કરારોમાં પત્નીની મૂક સંમતિ માની લેવાય છે. સ્ત્રી ભાગ્યે જ પતિનો વિરોધ કરે. પણ, આવું જૂના કાળમાં થતું. હવે નથી થતું. સ્ત્રીસ્વાતંત્ર્ય-સમાનતાના અધિકારો, શિક્ષણને પરિણામે આવેલી જાગૃતિ અને ર્આિથક-વ્યાવસાયિક સ્વાભિમાનતાએ આજની નારીની ‘કાયપલટ’ કરી છે. હવે, સામાન્ય બાબતોમાં, નાની વાતોમાં પતિ-પત્નીના અહંકાર ટકરાય છે, અહમ્ ઘવાય છે. પરિણામે લગ્નકરાર ભાંગે છે. પ્રેમલગ્ન અને લગ્નપ્રેમ જેવો ભેદ હવે સામાજિક લગ્ન અને કરારલગ્નનોય ખરો. બધા વચ્ચે સમાનતા માત્ર પ્રેમની અને સંબંધની. પતિ-પત્ની વચ્ચે અહંકાર ટકરાય ત્યારે અબોલા ચાલે... એ અબોલા તૂટે ત્યાં સુધીનાં માનસિક સંચલનો આ કાવ્યમાં પ્રગટ થયાં છે. એમાંથી એક ભાવ જે મને સ્પર્શ્યો છે તે એ કે રિવાજિક લગ્ન પછી, અહમ્ના ટકરાવ બાદ કરારલગ્નની જેમ સાથે રહેતાં સ્ત્રી-પુરુષની સ્થિતિ એટલે આ કાવ્ય. કવિતાની ધ્રુવપંક્તિ મુખર છે. જે ભાવ પ્રગટ કરવો છે દૂરતાનો, તે પ્રગટપણે કહ્યો છે. તેમાં આપેલી ઉપમા દૂરતાના ભાવને વધુ સક્ષમ રીતે રજૂ કરે છેઃ
‘પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ!
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.’
પતિ-પત્ની સાવ પાસે હોય, તનમનથી એકાકાર ગણાય તેવાં; પરંતુ અહીં તો તનમનથી જુદાં પડ્યાંનો ભાવ છે. સાવ લગોલગ છે, આકાશ જેમ અડોઅડ છે તોયે દૂરતાનો ભાવ અને ભાસ છે. કારણ અધ્યાહાર છે પણ પરિણામ દૃશ્યમાન છે.
‘રાત-દીનો સથવાર’ હોવા છતાં મળવાનું સુખ કોઈ દિવસ મળતું નથી, એવું ગાઈને કવિએ સંબંધોમાં આવેલી ઓટનો નિર્દેશ કર્યો છે. સાથે છે પણ એકબીજાને મળતા નથી; મળે છે તો એમાં સગપણની હૂંફ નથી, ઉત્સાહ-ઉલ્લાસ-ઉમંગ નથી. માત્ર કૃતકતા છે.
કૃતકતા એટલી બધી છે કે બંને વચ્ચે આવકારાનો ભાવ પણ જાગતો નથી. આપણે કોઈને મળીએ અને એ મોં ફેરવી જાય અથવા ‘આવો’ એમ પણ ના કહે તો...? કવિએ આ વાતને કલ્પનનો આધાર આપ્યો છે, જુઓઃ
‘આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી.’
‘આવકારાનું વન’ અડાબીડ - વન હોય એ અડાબીડ જ હોય - એની સાથે ‘બારણું’ અને ‘ફળિયું’ યોજીને ‘ઘર’નો આભાસ રચવાનું તો કવિજીવની કલ્પનામાં જ હોય. પતિ-પત્ની વચ્ચે અબોલા છે, એ તોડવા માટે બંને તડપે-તલસે છે, પણ પહેલ કોણ કરે? બંનેમાં એકબીજાને બોલાવવાની ‘આવકારો’ આપવાની ઇચ્છા જીવ પર આવી ગઈ છે (જીભ પર નથી આવતી), એનો સળવળાટ હૃદયમાં થયા કરે છે પણ અહમ્ના ‘આગળા’ ઓગળતા નથી, તેથી ‘બારણું ખોલી ફળિયામાં સળવળતા નથી’.
‘આંસુનેય દઈ દીધો છે ભવનો કારાવાસ...’
આ પંક્તિમાં પ્રગટતો તિરસ્કાર, તરછોડ્યાનો ભાવ નિયતકાલીન છે. બે માણસ વચ્ચેના અબોલા તૂટી શકે છે, સમાધાનની શક્યતા પણ ખરી, પરંતુ સંબંધમાં પડેલી તિરાડ, હૃદયમાં પડેલો ચિરાડો શેં પુરાય? અને સામાન્યતઃ હૃદયનો તારસંબંધ તૂટે ત્યારે દુઃખ થાય અને દુઃખ સાથે આંસુનો સંબંધ તો અકાટ્ય છે, અકબંધ. પણ પતિ-પત્નીના આ નાજુક ઝઘડામાં વાત એટલે સુધી વણસી છે કે ‘આંસુ’ને ‘ભવનો કારાવાસ’ આપ્યો છે. કવિનું કલ્પન માણવા જેવું છે. કારવાસમાંથી છૂટી નથી શકાતું, ભવનો છે. જન્મારો આખો એણે બંધિયાર રહેવાનું છે. સગપણને યાદ કરી રડવાનું નથી.જોકે, કારાવાસમાંથી છૂટી નથી શકાતું એ સાચું પણ ભાગી શકાય ખરું. એ રીતે ક્યારેક જૂનાં સગપણ આંસુનો ધોધ વહાવે પણ ખરાં... સ્મરણની દુનિયા જ નિરાળી છે. એટલે જ કવિ બીજા અંતરામાં એનો નિર્દેશકરે છે. એમાંય કલ્પન માણવા જેવું છેઃ
‘ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાંનું સંભારણું હશે.’
પંક્તિ વાંચતાં જ ઝાડ-ડાળ-પાંદડું બધું આંખ સામે તાદૃશ થાય છે. વળી, પાંદડાં ખરવાની વાત સાથે કૂંપળનું ફૂટવું, ખીલવું, ફાલવું, પીળા પડવું ને ખરવું એ બધુંય સાદૃશ્યમૂલક જ. કવિ કલ્પનાને સલામ. એક ઝાડના પાંદડાને ખરતાં એમાં કેટલાંય કિરણ આથમવાની વાત એક જુદા જ ભાવવિશ્વમાં ભાવકને ખેંચી જાય છે. એ પાંદડાએ અલ્પ આયુષમાંય કંઈકેટલાય સંયોગ-વિયોગ જોયા હશે, પ્રણયઘેલાં મત્તમસ્ત યુગલોની કંઈકેટલીય ક્રીડાવ્રીડાપીડાના સાક્ષી બનવાનું સદ્ભાગ-દુર્ભાગ પ્રાપ્ત થયું હશે... એવાં અનેક પરિમાણ એમાં સમાયેલાં છે.
અને આ સંભારણાંનો આધાર લઈને અંતરાની બીજી પંક્તિમાં કવિ કહે છેઃ
‘આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે?’
કલ્પનયોજના ને વ્યત્યયનો સુભગ-સુચારુ સમન્વય આ પંક્તિમાં છે. ‘ન’કારનો, વિરોધનો ભાવ પણ આમાંથી પ્રગટ્યો છે.
‘આવજોની ભીંત’નું હોવુંમાં, ‘આવજો’ દ્વારા ‘આવકાર’નો ભાવ દર્શાવાય છે પણ આગળનો ‘વચ્ચે’ અવરોધનો નિર્દેશક છે, પછીના શબ્દો ‘યાદ જેવું બારણું’નો પ્રશ્નાર્થ આવકારનો ‘ન’કાર અને ‘યાદ’નું આવાગમન જ દર્શાવે છે. ‘યાદ’ માટે વપરાયેલું ‘બારણું’નું અલંકરણ ર્ગિભતાર્થ ધરાવે છે. બારણું અંદર આવવા માટેનું સ્થળ છે તો બહાર પણ ત્યાંથી જ જવાય. યાદ આવતી-જતી રહે... ‘આવકાર’ અને‘છૂટા પડવા’ની અસંભવિત પરિસ્થિતિનો નિર્દેશ આ પંક્તિમાં જોવા મળે છે.
પતિ-પત્ની વચ્ચે શારીરિક-દૈહિક સંબંધ હોય એ સ્વાભાવિક છે, એને પશ્ચાદ્ભૂમાં રાખીને હવે પછીની પંક્તિઓ માણવાની મજા આવે છે. લગ્ન પછીનો પ્રેમાળ સમય અને તકરાર પછીનો તિરસ્કારભર્યો વર્તાવ આ પંક્તિમાં ઝિલાયો છેઃ
‘પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ!’
તકરાર પછી પતિ-પત્ની સાથે, એક બિછાને સૂતાં હોય તો બંને વચ્ચે અહંકાર, અહમ્ની અદૃશ્ય દીવાલ ખોડાઈ જાય છે. મનામણાં કોણે કરવાં, પહેલ કોણે કરવી, હાર કોણે માનવી, સમાધાન કોણે કરવું એવી મીઠી મૂંઝવણ બંને જીવ અનુભવતા હોય અને ‘પહેલે આપ... પહેલે આપ’માં રાત ઝાઝી વીતી જાય, અને નિદ્રા તો ન આવે તંદ્રામાં સરી પડાય અને એ તંદ્રાવસ્થામાં જૂનાં, મિલનનાં સ્મરણો સળવળી ઊઠે, સ્પર્શની ભાષા ઊકલી જાય અને હૃદયમાં રામાંચ અનુભવવાની મજા મળે, મણાય. પણ એ સ્થિતિ છેવટ જતાં તો કૃતક જ ને. પતિ-પત્ની વચ્ચે એવો ‘શમણાં’નો સંબંધ હોય એ લગ્નજીવન માટે, પરિણય માટે ખતરનાક સાબિત થાય.
ગીતમાંથી પ્રગટતો ભાવ સતત એવી અનુભૂતિ કરાવતો રહે કે, લગ્ન પછી છૂટાં પડવાનો વિચાર કરતાં પતિ-પત્ની થોડો સમય માટે કરાર-લગ્ન જેવું જીવન જીવી લે. જોઈએ સાથે કેવુંક ફાવે છે? જો ફાવશે તો સાથે રહીશું; નહીંતર, છુટ્ટાં. વળી, બે વ્યક્તિ, સ્ત્રી-પુરુષ, પતિ-પત્ની બંનેની વિચારસૃષ્ટિ અલગ હોય છે એવો ભાવ પણ પ્રસ્તુત કાવ્યમાં આબાદ ઝિલાયો છે.
કવિએ યોજેલાં કલ્પનો, શબ્દની ચાટુક્તિઓ માણવા જેવાં છે. ‘જેમ કે ગગન સાવ અડોઅડ’, ‘આવકારાનું વન’, ‘ઝાડથી ખરે પાંદડું’, ‘કિરણ આથમ્યાનું સંભારણું’, ‘આવજોની ભીંત’, ‘યાદ જેવું બારણું’, ‘શમણાનો સહવાસ’માં કવિત્વ ઝળકે છે. તો, વાસ, ભાસ, કારાવાસ, સહવાસનો અંત્યાનુપ્રાસ પણ ગમતીલો છે. ગીત વાંચતાં સુગમના ચાહકભાવકને રાસબિહારીના હલક-કંઠની યાદ આવી જાય....
અજિત મકવાણા, સેક્ટર નં. ૧૩એ, પ્લોટનં. ૬૬૨/૨, ગાંધીનગર, સેલફોન નં. ૯૩૭૪૬ ૦૬૫૫૪