સંપાદકીય
તારીખ હતી 16 જુલાઈ 2020. સવારના દસેક વાગ્યાની આસપાસ પગમાં કળતર શરૂ થઈ ને સાંજ સુધીમાં તો આખાય શરીર પર તાવનો કબ્જો હતો. દવાનો કોર્સ શરૂ કર્યો ને છેક 23 તારીખ સુધીમાં કોઈ જ ફેર ન પડ્યો તે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો, એ પોઝિટિવ આવ્યો ને પછી શરૂ થઈ દવાખાના અને દવાઓની યાત્રા. બીજા દિવસે પત્ની તન્વીનો ટેસ્ટ પણ પોઝિટિવ. હા, બાળકો અને બીજાં સભ્યોના ટેસ્ટ નેગેટિવ આવ્યા એ આ આખીએ ઘટનાની કાળી વાદળીમાં સોનેરી કોર હતી! પણ એનાથી મુશ્કેલીઓમાં ખાસ કંઈ ફેર ન પડી જાય. આઠ અને સાડા નવ વર્ષનાં બાળકો ક્યારેય દૂર રહ્યાં ન હોય ને એમના માટે આ છેલ્લા ત્રણ મહિનાથી ‘કોરોના એટલે ખેલ ખતમ’ ના સમાચારો જાણ્યે-અજાણ્યેય ચિત્તમાં અંકિત થઈ ગયેલા એટલે ઍમ્બ્યુલન્સમાં લઈ જવાતો હતો ત્યારે એમના ચહેરા પરના ભાવ જોઈને જ અડધા ભાંગી જવાય. સોસાયટી અને પછી શહેરના રોડ પરથી સાયરન સાથે પસાર થતી ઍમ્બ્યુલન્સની બારીમાંથી બેય પડખે ઊભા રહીને આશંકાથી, દયાથી, વિસ્મયથી અને કદાચ ભયથી જોતાં લોકોનાં ટોળાં આંખ સામે તરવરે છે. ઍમ્બ્યુલન્સનો ડ્રાઇવર તો એની મસ્તીમાં જોરશોરથી ફિલ્મી ગીત વગાડતો મસ્તીમાં દવાખાના બાજુ હંકારી રહ્યો હતો. ખખડધજ ડબ્બા જેવી ઍમ્બ્યુલન્સ આખીએ ખખડતી હતી. ચિત્ત અનેકવિધ ભાવોથી ઉભરાતું હતું. ક્ષણેકવાર એવોય વિચાર આવી જતો કે ‘આ રસ્તે પાછા ફરવાનું બનશે કે આખરી સફર ?’ પણ, ના મન મક્કમ હતું. તાર્કિક દલીલો ચાલતી હતી. માત્ર સાતથી આઠ ટકા જ મૃત્યુદર છે, બાકી તો બધા સાજા થઈ જાય છે; વળી, સમયસર દવાઓ અને સારવાર મળી જાય તો કોઈ વાંધો આવતો નથી... -ઘણું ચાલ્યું ચિત્તમાં.
પત્ની પણ તાવમાં ઝઝૂમતી હતી, સરકારી દવાખાનામાં ભરતી થયા પછી થોડા જ સમયમાં બીજા દવાખાનામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો, એ જ રીતે બીજા દિવસે પત્નીને પણ સરકારી દવાખાનામાં ચોવીસ કલાક રાખ્યા પછી બીજા દવાખાનામાં. ઘરમાં બીજા એક સભ્યને ય પોઝિટિવ રિપોર્ટ ને તકલીફોની ચરસસીમા શરૂ. ત્રણ દવાખાનામાં, ઘરમાં પાંચેક બાળકો, એક વૃદ્ધા ને જે યુવાન હતા એ ય તાવમાં ગરકાવ! આ નાગચૂડમાં ફસાયા એમાં વચ્ચેના ત્રણ દિવસ બહુ ખતરનાક હતા. કંઈક ખાવાનો વિચાર આવે તો પણ ઉલ્ટીઓ ચાલુ થઈ જાય. સામે કંઈ ખાવાની વસ્તુ આવે તો ઉલ્ટી થયા વિના રહે જ નહીં! કંઈ જ ભાવે નહીં, જીભ સાવ ચૂંથાઈ ગયેલી. મને ખાંસી-કફ સાવ ઓછાં હતાં. ક્યારેક જ ખાંસી આવતી હતી. ઑક્સિજન લેવલ ક્યારેય ઘટ્યું નહોતું. બ્લડપ્રેશર અને તાવ પણ આવવાનો બંધ થઈ ગયો હતો. જે તકલીફ હતી એ કળતરની. જીવનમાં ક્યારેય અનુભવી ન હોય એ હદે થતી કળતરે મગજને હલબલાવી નાંખેલું. પગ કાપી નાંખવાનું મન થાય એવો દુખાવો, અસહ્ય હતો, અ-પૂર્વ હતો. કોઈ દવાનીયે જાણે એને અસર નહોતી થતી. બીજી બાજુ ખાઈ ન શકવાને કારણે અશક્તિએ કબજો જમાવી લીધેલો. હાથ ઊંચો કરવામાંય જાણે પહાડ ઊંચકવાનો હોય એવું ફિલ થતું. પરિણામે મલ્ટિવિટામિનના બાટલા ચડાવવાનું શરૂ કર્યું. એ ભયાનક દિવસોમાં ડૉ. પાર્થ રાવલ અને ડૉ. મયૂર ગોહિલ તથા નર્સ શ્વેતાબેને સતત સાથ આપ્યો. વારાફરતી આવીને હિંમત આપતાં રહ્યાં. મને રીતસર ફિલ થતું કે, અંતઘડી નજીક છે. પોતાના અંતના ડર કરતાંય પછીની પરિવારની ગતિ વિશેની ચિંતા ભલભલાના ભુક્કા બોલાવી નાંખે - એ સમયને સાવ નિકટતાથી અનુભવ્યો ને 28 જુલાઈની રાત્રે જાણે કે ઉજાસ દેખાયો. પહેલીવાર શરીરમાં નવી ઊર્જા પ્રગટી ને સાથે કશુંક બળ જન્મી આવ્યું. ઊભો થયો, મનોમન ઈશ્વરને વંદન કર્યાં ને મારા રૂમમાં ચક્કર લગાવ્યાં. સ્વજનોને યાદ કર્યાં ને દૃઢ થયો ‘મારે હજી ઘણું કામ બાકી છે.’ આ બધું ગાંધીનગરની ભૂમિ પર ભજવાયું. ત્યાં વિશાળ કુટુંબ, મિત્રોનો સમૂહ અને જાણતી હોસ્પિટલ્સ હોવાથી રાહત રહી.
સતત પંદરેક દિવસ ચાલેલો જંગ આખરે જીતી જવાયો, સૌ સારાં વાનાં થયાં ને સાજા થયા પછી ઘરે પણ આવી જવાયું. એમાં ડૉક્ટર્સ, નર્સ, કુટુંબીઓ, મિત્રો અને સરકારી તંત્રએ જે રીતે ખડે પગે મહેનત કરી છે એ જ એક કારણ પાછા આવવાનું. અશક્તિએ પીછો નથી છોડ્યો પણ હવે શ્રદ્ધા છે એ બધું કવર થઈ જશે. આ વાત આમ તો એકદમ અંગત છે, અહીં શા માટે કરવી જોઈએ એ પ્રશ્ન મને છે પણ શરૂઆત અહીંથી કરવાનું કારણ એ જ કે, ત્રણ-ચાર મહિનાથી કોરોના (કોવિડ-19) શબ્દ અને એની ભયાનક પ્રસરણશીલતાના આંકડા, દુનિયાભરના દેશોમાં એનો ગાળિયો જે રીતે ધીમે ધીમે ફિટ થઈ રહ્યો હતો એનો આ એક પ્રત્યક્ષ અનુભવ અને એ જ કોરોના જ્યારે શરીરમાં ઘૂસી આવ્યો, ક્યાંથી એ ખબર જ પડી નથી. માસ્ક છોડ્યું નથી, સેનિટાઇઝર વિના બહાર નીકળ્યો નથી, ભીડમાં ગયો નથી, કોઈ રોગગ્રસ્તના સીધા સંપર્કમાં આવ્યો નથી ને છતાંય ક્યાંથી આવ્યો આ વાઇરસ? એ કોરોનાના પ્રત્યક્ષ અનુભવ પછીનું જગત – મારે આ કહેવું જોઈએ, એવું મને લાગે છે.
‘ડર’ - એ આ સમયનું સૌથી મોટું પરિબળ છે. ડરવું જ પડે એવી પરિસ્થિતિ છે. ખાલી ‘કોવિડ-19’ વાઇરસ જ નહીં, એની સાથે કેટલીયે કુદરતી અને માનવસર્જિત આફતો હાથ મિલાવીને આ ધરતી પર આવી છે. ધરતી પરનો લગભગ કોઈ જ ખંડ, કોઈ જ દેશ કુદરતી આપત્તિઓથી બાકાત નથી આ વર્ષે. ધરતીકંપના ઝટકા, દુનિયાનાં ગીચ જંગલો છે ત્યાં દાવાનળ, અનેક જગ્યાઓએ બરફનો વરસાદ, કમોસમી વરસાદનો એટલો મારો થયો છે કે અનેક દેશોમાં કેટલાય પ્રદેશો પાણીમાં ડૂબેલા છે. ભારતમાં જ પૂર્વાંચલ, બિહાર, ઉ.પ્રદેશના કેટલાય પ્રદેશો, મુંબઈ જેવાં મહાનગરો પાણીમાં ગરકાવ થયેલાં છે. દુનિયાભરમાં આઘાતજનક રીતે વીજળી પડી રહી છે. અનેક લોકો વીજળી પડવાથી મરી ગયા, અનેક લોકો દવાખાનામાં કોરોનાની સારવાર લેતા હોય ને આકસ્મિક દવાખાનામાં લાગેલી આગથી મૃત્યુ પામ્યાં. લોકડાઉન ખૂલ્યા પછી પાકિસ્તાનમાં ઇદ મનાવવા ઘરે જતાં પેસેન્જરો સાથેનું પ્લેન કરાંચીમાં ક્રેશ થયું તો હજી આજે જ તા.8-8-20ના રોજ કેરળમાં એર ઇન્ડિયાનું દુબઈથી આવતું પ્લેન ક્રેશ થયું, જેમાં 21થી વધારે જિંદગી હોમાઈ ગઈ. આ બધાં કોરોનાકાળમાં ફસાયેલાં લોકો હતાં. લાંબા ઇંતઝાર પછી આશામાં સ્થળાંતર કરનારાં લોકો હતાં.
શહેરોમાં વધતા સંક્રમણથી બચવા, બેકારી અને બેરોજગારીથી બચવા માટે ભારતમાં મોટા પાયે ગામડાઓ તરફ હિજરત ચાલુ થઈ. આ એક સ્વતંત્ર સંશોધન અને આલેખનનો મોટો વિષય છે. લોકડાઉનના એ કપરા કાળમાં મજૂરો-ગરીબોની આ પગપાળા હિજરત - ને એનાથી સર્જાયેલી કરુણ ઘટનાઓનો પાર નથી. આ પ્રશ્ન કદાચ અન્ય કોઈ દેશમાં સર્જાયો નથી. મજૂરોની હિજરત ગજબની હતી. ખાસ કરીને મુંબઈ તો કોરોનાનું સેન્ટર બન્યું ને ત્યાંથી યુ.પી. અને બિહારમાં જનારાં શ્રમિકોનાં ધાડાંએ નવા નવા વિક્રમો સર્જ્યાં. પગપાળા સાતસો કિ.મી.નો પ્રવાસ કર્યો હોય એવાય કિસ્સા આવ્યા તો એક યુવતીએ એના પિતાને સાઇકલ પર બેસાડીને ચારસો કિ.મી. સાઇકલ ચલાવી ઘરે પહોંચ્યાના દાખલાઓ પણ બન્યા. એ શ્રમિકોના છોલાયેલા પગ, રસ્તામાં જ દમ તોડી દેતાં બાળકો ને સ્ત્રીઓની તસ્વીરો હચમચાવી મૂકવા પૂરતી છે. માનવની દયાથી માનવની ક્રૂરતા સુધીનાં વ્યાપક રૂપો એમાં ખુલ્લાં પડ્યાં. અનેક સ્ત્રીઓ ને બાળકોએ અધરસ્તે જ જિંદગી ખોઈ નાંખી, કોઈ રેલવે ટ્રેક પર થાકીને સૂઈ ગયેલાં તે માલગાડીનાં પૈડાઓ નીચે કચડાઈ મૂઆ, કોઈ ટ્રકો કે બીજાં વાહનોમાં ઘેટાં-બકરાં જેમ પુરાઈને વતનવાપસી કરી રહ્યાં હતાં ત્યારે અકસ્માત સર્જાયા ને એમાં કચડાઈને મર્યાં, કોઈ વાહન ખીણમાં પટકાયાં ને એમાં સેંકડો મર્યાં! જિંદગીનાં આ ગોઝારાં રૂપોએ માનવની રૂહને કંપાવી નાંખી.
સરકારે કશી જ આગોતરી જાહેરાત વિના, લોકોને સ્વસ્થાને પહોંચવાની તક આપ્યા વિના લોકડાઉન કર્યું તે એક તર્કથી જરૂર સારો નિર્ણય લાગે પણ જેમ જેમ સમય પસાર થતો ગયો ને સમસ્યાઓ વિકરાળરૂપ લેવા લાગી ત્યારે લાગે કે સરકારે થોડું આયોજનપૂર્વક ચાલવા જેવું હતું. ખરેખર તો અનલોકની પ્રક્રિયા શરૂ કરી ત્યાર પછી જ કોરોનાએ દેશમાં ગતિ પકડી, કોમ્યુનિટી સ્પ્રેડની ઘટના શરૂ થઈ. કોઈ પણ સરકાર માટે આવી અણધારી આફત વેળાએ નિર્ણયો લેવા સહેલા નથી હોતા. આગોતરાં આયોજન પણ સહેલાં નથી હોતાં પણ ઇતિહાસમાંથી શીખવા જેવું છે - એ વાત સામાન્ય માણસ ન સમજે તે સમજાય પણ સરકારો પાસેય આયોજન ન હોય તો એ કેમ ચાલે...?
ધર્મસ્થાનોએ માનવતાનું રૂપ દેખાડીને લાખો લોકોનાં પેટ ભર્યાંની ઘટનાઓય બની છે, તો સામે ધાર્મિક અંધતાએ કોરોનાના પ્રસરણ માટેના પ્રયત્નો પણ કર્યા, ડૉક્ટરો-નર્સો ને પોલીસકર્મીઓ ઉપર પથ્થરમારાની ઘટનાઓ પણ કદાચ વિશ્વમાં ક્યાંય નહીં બની હોય. એ ભારતમાં બની. આ માનવીય ક્રૂરતાની પરિસીમા છે. તો એની સામે અનેક લોકનાયકો જન્મી આવ્યા જેમણે, હિજરત કરતાં લોકોને વતન પહોંચવા તન-મન-ધન અને ભોજનની વ્યવસ્થા કરી આપી. રોગથી બચાવનારા મૅડિકલ ક્ષેત્રના કર્મચારીઓ, પોલીસકર્મીઓ, સરકારી તંત્રના કર્મચારીઓથી માંડી અધિકારીઓ અને કેટલાક નેતાઓએ આ સમયે બધું ભૂલીને માનવસેવાને મોટો ધર્મ માન્યો. માનવજાતના રક્ષણ માટે દિવસરાત જોયા વિના પ્રયત્નો કર્યા તેની કથાઓ પણ આ ઇતિહાસનાં પાનાઓમાં અંકિત છે.
એક બાજુ કોરોના અને બીજી બાજુ એની સહયોગી એવી આ કુદરતી આપત્તિઓમાં ઉમેરાય બૉમ્બ વિસ્ફોટ, ખુદ કોરોના વાઇરસ જ લૅબોરેટરીમાં બનાવવામાં આવ્યો હોવાની આશંકાથી પણ માનવજાત બાકાત નથી. ચીન દ્વારા દુનિયાભરને તબાહ કરવાના કાવતરાના ભાગરૂપે પણ આ વાઇરસના ફેલાવાની પેટર્નને જોવામાં આવે છે. બેરૂતમાં થયેલા વિસ્ફોટથી આખુંય જગત સ્તબ્ધ છે. હજી ખબર નથી પડતી કે એ અકસ્માત છે કે હુમલો. મિડલ ઈસ્ટના દેશો, ચીની સમુદ્ર, ચીન અને ભારત બૉર્ડર પરનો વિખવાદ, તુર્કસ્તાનની લડાઈ, અફઘાનિસ્તાનમાં સતત થતી હત્યાઓ, ઇરાનના અણુકાર્યક્રમના કારણે સતત ભડકેલું રહેતું અમેરિકા, તાઈવાન, હોંગકોંગ અને ચીન વચ્ચેના સંઘર્ષો, ઇઝરાયલ અને મિડલ ઈસ્ટના દેશો વચ્ચેનું વધતું ટેન્શન, રશિયાની ન સમજાય એવી રાજનૈતિક ભૂમિકા અને શસ્ત્રોના વ્યાપારમાં થયેલો વધારો એ આ સમયની મોટી ચિંતા છે.
બીજી બાજુ દુનિયાભરના દેશોમાં કોરોનાના કારણે સર્જાયેલી આર્થિક મંદી. કેમ કે લગભગ ફેબ્રુઆરી-માર્ચ 2020થી વેપાર-વાણિજ્ય ઠપ છે. અતિઆવશ્યક સેવાઓ સિવાયની કોઈ ચીજવસ્તુઓની આયાત-નિકાસ બંધ છે. આંતરરાષ્ટ્રીય વાહનવ્યવહાર ઠપ છે. વાર્તાલાપો ને સંમેલનોથી માંડી રાજકીય ગતિવિધિઓમાં સુસ્તી પ્રસરી ગઈ છે. સ્વાભાવિક જ કલાઓ, રમતગમતો, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાસંમેલનો, આદાન-પ્રદાન, હળવું-મળવું તો સાવ ઠપ થઈ ચૂક્યું છે. દરેક દેશ વિશાળ અર્થમાં જોઈએ તો સ્વૈચ્છિક એવા કેદખાનામાં ફેરવાઈ ગયા છે. સામાન્ય જનજીવનથી માંડી વ્યાપક અર્થમાં જીવન જ લકવાગ્રસ્ત છે. સંશયગ્રસ્ત છે. અસ્પૃશ્યતા એ જ આજનો મોટો ધર્મ બની રહ્યો. આ મોટો આઘાત છે. સ્પર્શ અને લાગણીનું આદાન-પ્રદાન જ સ્થગિત થઈ જાય ત્યારે જીવનનો અર્થ જ શો રહે?
દસ વર્ષની નીચેની પેઢી માટે તો જીવનનો મોટો ટર્નિંગ પૉઇન્ટ બની રહેશે. બાળપણ દીવાલો વચ્ચે ખોવાઈ ગયું, સ્પર્શની દુનિયા છીનવાઈ ગઈ, ચહેરાઓ પરના માસ્કે વ્યક્તિની ઓળખને સીમિત કરી નાંખી. ખુલ્લું આકાશ, ઊર્જાથી ઊભરાતાં મેદાનો, સમાન વયનાં બાળકોની કિલકારીઓથી ગુંજતાં શાળાનાં મેદાનો, હસી-મજાકથી છલકાતા ક્લાસરૂમો, શેરીઓમાં રમાતી રમતોથી આ બાળકો કેટલાં દૂર થઈ ગયાં....? ક્યાં ગયા એ દિવસો. હાથમાં વારંવાર સેનિટાઇઝર લગાવતાં, કાનની ખીંટીએ લટકતા માસ્કમાં ગૂંગળાતો ડર; કોઈ પણ સ્પર્શમાં પહેલાં જન્મતો ખૌફ અને અજાણ્યા તરફનો સ્વાભાવિક જ તિરસ્કાર જાણે કે આજની કડવી વાસ્તવિકતા બની ગઈ છે. કોઈ કોઈને સ્વસ્થ સ્વરૂપે જોઈ શકે એવી સ્થિતિમાં નથી.
હોસ્પિટલો ઉભરાઈ ચૂકી છે. સરકારી અને પ્રાઇવેટ હૉસ્પિટલ ઉપરાન્ત કામચલાઉ તૈયાર કરાયેલાં સેન્ટર, ક્વોરન્ટાઇન હાઉસમાં હવે દર્દીઓની સંખ્યા એટલી બધી છે કે રાખવા ક્યાં તે પ્રશ્ન છે. મોટાં શહેરોની હાલત આ છે તો હવે સંક્રમણની પેટર્ન બદલાઈ રહી છે. શહેરોથી ભાગીને ગામડે ગયેલાં સંક્રમિતોના કારણે હવે ગામડાઓમાં કોરોના પ્રસરી રહ્યો છે. સામે કોરોનાની સારવારની તાલીમ પામેલો સ્ટાફ ઓછો પડી રહ્યો છે. આ પરિસ્થિતિ સ્વસ્થ એવા નાગરિકોમાં ડર જન્માવી રહી છે. સતત આશંકા, ડર, સંક્રમણનો ભય અને સામે પક્ષે બચતો પણ પૂરી થઈ ગઈ હોવાથી જીવનધોરણ ટકાવવા માટેની મથામણો, રોજગાર મેળવવા માટેની અધિરાઈ, વેપાર-ધંધાના નુકસાનને ભરપાઈ કરવા માટેની જદોજહેદ - આ બધાની વચ્ચે મધ્યમ અને અપરમધ્યમવર્ગ મથી રહ્યો છે. ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા નોકરિયાતો, કૉન્ટ્રાક્ટ પદ્ધતિએ કામ કરતા કર્મચારીઓ, નાના વેપારીઓ, રોજિંદું કમાઈ ખાતા મજૂરો, દાડિયાઓ અને રોકાણ કરી બેઠેલા ઉદ્યોગસાહસિકો અને ખાસ તો મોટી મોટી ફી ઉઘરાવતી પ્રાઇવેટ સ્કૂલોમાં ફિક્સ પગારોમાં નોકરી કરતા હજ્જારો શિક્ષકોની હાલત દયામણી કરી મૂકી છે. આ મહામારીએ મરણતોલ ફટકો માર્યો છે. સરકારની અનેક પ્રકારની મદદ પછીયે એમને ટકવું અને ઊભા થવું આસાન નથી. જો કે, એય હકીકત છે માનવજાત ગજબ છે. એ પડી પછી બેવડા ઉત્સાહથી લડે, હજ્જારો ઉદાહરણ છે, અનેક અફતો વટાવ્યા પછી એણે જે નવસર્જન કર્યું છે એ અભૂતપૂર્વ હોય છે. મને પૂરી ખાતરી છે એક-બે વર્ષમાં માનવજાત ફરી બમણી રફતારથી લાગી પડશે.
સૌથી વધુ સંક્રમિત દેશોમાં ભારત એકથી ત્રણમાં આવી ગયો છે. આશ્વાસન લેવા જેવી વાત એટલી જ છે કે ભારતમાં મૃત્યુદર ઓછો છે. અને રિકવરી રેટ 70 ટકાથી ઉપર પહોંચ્યો છે. લોકડાઉનના કપરા તબક્કા પાર કરીને હાલ અનલોક-3ના સમયમાં પસાર થઈ રહ્યા છીએ. મોટા ભાગે ઉદ્યોગ-ધંધા ખૂલી ગયા છે પણ કોરોનાનો ખૌફ એના પર હાવિ છે. એટલે કે, કશુંય પૂર્વવત્ નથી. ધર્મસ્થાનો પણ ખોલી દેવાયાં છે. લગ્ન અને સામાજિક પ્રસંગોની ઉજવણી પર નિયમનો આવી ગયાં છે. રાજકીય કે સાંસ્કૃતિક કે કોઈ પણ જાતના ઉત્સવોને જાહેરમાં ઊજવવા પર ઉચિત એવા પ્રતિબંધો છે. શાળા-કોલેજો અને સિનેમાગૃહો, સભાગૃહો બંધ છે ને હજી મહિનો-બે મહિના ખોલી શકાય એવી કોઈ શક્યતા જણાતી નથી. દેશના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી રતન ટાટાનું એક વિધાન આ સમયે બહુ જ પ્રચલિત થયું છે – ‘આ 2020નું વર્ષ જીવી જવાય તે જ મોટી સફળતા માનવી જોઈએ.’
ખરેખર, આજે સૌથી મોટી સફળતા ટકી જવું એ છે. વિકાસ, ધંધા-રોજગાર, સફળતા ને નવાં ઇનિશિયેટિવ્સનો આ સમય નથી. હાલ, બધા અર્થમાં બધું જ સ્થગિત છે. કશું જ સાહસ શક્ય નથી. ઘરથી નીકળીને ચાર રસ્તે આવેલી ચાની કિટલીએ જઈ ચા પીવી એ પણ આજનું બહુ મોટું સાહસ બની ગયું છે. એ દરમિયાન તમે સંક્રમિત થાવ તો ગયા કામથી. સંક્રમિત થવાનો અર્થ મૃત્યુ નથી પણ એનાથી જરા ઓછું પણ નથી. દવાઓ શોધાઈ નથી, જે દાવાઓ થાય છે એમાં હજી વિશ્વાસ ભળ્યો નથી. કેટલીક દવાઓ બજારમાં મળવા લાગી છે પણ કોઈ ખોંખારીને કહી શકે એવી સ્થિતિમાં નથી. રસી શોધાઈ હોવાના દાવા અનેક સંશોધનસંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે પણ સાથોસાથ એના અંતિમ ટેસ્ટ ચાલી રહ્યા છે – એટલે હજી પણ બજારમાં આવતાં પહેલાં બે-ત્રણ મહિનાનો સમય જવાનો છે. જે કંઈ ઉપચારો થાય છે એ પરંપરાગત ફ્લૂ ને ન્યુમોનિયાને લગતા થાય છે. ઉકાળા પી પીને આખો સમાજ ઊકળી ઊઠ્યો છે. આયુર્વેદની દવાઓ, હોમિયોપથીની દવાઓ, ઘરગથ્થુ નુસ્ખાઓએ માઝા મૂકી છે. સવારથી સાંજ સુધી શરદી અને તાવથી દૂર રહેવા માટે શરીરમાં ગરમ પદાર્થો નાંખવાનો ઉદ્યમ પૂરજોશમાં ચાલે છે. કોઈનેય ખબર નથી, કોરોના આવે છે ક્યાંથી? મટે છે શાનાથી? ને ચોક્કસ નથી કે આ રીતે ઉપચાર કરવાથી સો ટકા પરિણામ મળે છે. ઘરમાં પુરાઈ રહેલાંઓને કોરોના વળગી પડ્યો છે ને જે કચરાના ઢેરમાં સબડે છે, જે ચોવીસ કલાક કોરોનાના દર્દીઓ વચ્ચે અસુરક્ષિત અવસ્થામાં રહે છે એવા મૅડિકલ વેસ્ટનો નિકાલ કરતા સેવાકર્મીઓને કોરોના નથી પણ થયો! આવી સ્થિતિમાં હાલ કોઈ ગણિત કામ લાગતાં નથી. કોઈ રીત કારગત લાગતી નથી. વીસ-પચીસ વર્ષના યુવાન ડૉક્ટરો, સેવાભાવીઓથી માંડી અનેક એવા લોકો કોરોના સામેનો જંગ હારી ચૂક્યા છે જેમને ખરેખર અદ્યતન સારવાર આપવામાં આવી હોય, મોંઘી અને લેટેસ્ટમાં લેટેસ્ટ સારવાર પછીયે બચાવી ન શકાયા હોય એવા અનેક લોકોનાં નામ જાણીને આઘાત લાગે તો એની સામે 90 વર્ષથી ઉપરની ઉંમરવાળા વ્યક્તિઓ, બીમારીઓથી ગ્રસ્ત હોય, અશક્ત અને આમ પણ મૃત્યુની નિકટ હોય એવા અનેક વ્યક્તિઓ કોરોના સામે સામાન્ય સારવાર લઈને, મહિનો દહાડો હૉસ્પિટલમાં કાઢીને, અરે કેટલાક તો વેન્ટિલેટર પર પંદર દિવસ કાઢ્યા પછીયે ઘરે પરત થયા છે! આ ખરેખર કમાલ છે કુદરતનો; કમાલ છે કોરોનાનો. એ કઈ રીતે જન્મે છે, વિકસે છે ને પ્રસરે છે એની અનેક એનિમેશન ફિલ્મો, અનેક લેખો, અનેક ડૉક્ટરો અને વિજ્ઞાનીઓએ આપેલી સમજ પછીયે જાણે કે કશુંક એવું ફેક્ટર છે જે હજી હાથમાં આવ્યું નથી!
આ કોરોનાકાળની સૌથી મોટી ઉપલબ્ધિ હોય તો એ છે માનવસંવેદનની અભિવ્યક્તિની ખૂલેલી દિશાઓ. સોશિયલ મિડિયાએ માનવને આ સંકટની ઘડીમાં સાવ નવા રૂપે ઘડ્યો, સોશિયલ મિડિયાના પ્લેટફોર્મ પર માનવ એનાં અનેકવિધરૂપે ખૂલીને પ્રગટ્યો છે. દુનિયાભરની ભાષામાં કેટલી બધું સર્જાયું હશે?! કોરોનાના કારણે ચાર દીવાલો વચ્ચે પુરાઈ રહેલાં લોકોને મુક્તિનો માર્ગ આ સમૂહમાધ્યમે આપ્યો. ફેસબુક, ટ્વીટર, બ્લૉગ, વોટ્સએપ અને વિડિયો એપના માધ્યમથી કેટલું બધું ઠલવાયું છે!! લોકોની વૈયક્તિક સંવેદનાઓથી માંડી આસપાસના અનુભવો, બદલાયેલું આ જીવન ને એમાં પ્રગટેલાં નવાં નવાં પરિમાણો, કટાક્ષવૃત્તિ, સાહસવૃત્તિ, બ્લૅક હ્યુમર, રાજનેતાઓ - સમાજવ્યવસ્થાઓ - ધર્મસત્તાઓની ખોખલાઈ, લોકોનાં વિવિધ પ્રકારનાં પલાયનોના વિડિયોએ ધૂમ મચાવી છે. કેટલાય નવાં નવાં સોશિયલ મિડિયાની સેલિબ્રેટીઓ પ્રગટી આવી. પતિ-પત્નીથી માંડી કુટુંબજીવનમાં આવેલી વૈવિધ્યસભર પરિસ્થિતિઓએ હિંસાચાર વધારી મૂક્યાના આંકડાએ પણ આઘાત સર્જી આપ્યો છે. કલ્પના ન હોય એવા એવા વિષયો પર અનેક પ્રકારના ન્યૂઝ જન્મ્યા, વ્યૂઝ જન્મ્યા ને અ-પૂર્વ એવાં માનવસંવેદનો જન્મ્યાં. સારાં-નરસાં પાસાઓનો પાર નથી. આ બધું તો બાથમાં લેવું શક્ય પણ નથી.
માનવજાત સાવ ઠપ થઈ ગઈ એટલે માનવથી ઈતર એવી પંખીસૃષ્ટિ, પ્રાણીસૃષ્ટિ, જીવસૃષ્ટિ, નદી-તળાવો, બરફાચ્છાદિત શિખરોથી માંડી શહેરોમાં વ્યાપેલાં પ્રદૂષણો, દુનિયાભરના વાહનવ્યવહાર ઠપ થવાના કારણે જન્મેલો અવકાશ ને એમાંથી સર્જાયેલાં સારાં પાસાઓ, ઓછું થયેલું પ્રદૂષણ, વાતાવરણમાં આવેલી નરમાઈ, શહેરોના નિર્જન રોડ પર આવી ગયેલાં જંગલી પ્રાણીઓ ને આ બધાં કારણે કલ્પના બહારનાં જે દૃશ્યો સર્જાયાં એની તસવીરોએ ધૂમ મચાવી. સોશિયલ મિડિયાએ એનો ભરપૂર આનંદ ઉઠાવ્યો છે. ઓઝોનનું પડ સંધાવાથી માંડી, દિલ્હી, મુંબઈ, મદ્રાસ જેવાં શહેરોમાં પ્રદૂષણની માત્રા અતિ ઓછી થઈ હોવાના સમાચારોએ પુલકિત પણ કર્યા. લોકો માટે આ ઘરમાં લોકડાઉન થઈને રહેવાનો અનુભવ વિશિષ્ટ હતો - દિવસ-રાત રખડ્યા કરતો, ઉદ્યમમાં રત રહેતો માણસ સાવ અચાનક પૅરૅલાઇઝ્ડ થઈ ગયો ને પરિણામે જીવનમાં જે બદલાવો આવ્યા તે અભૂતપૂર્વ હતા. એ એણે શબ્દોમાં અનુભવરૂપે વ્યક્ત કર્યા, કેટલાકે વિડિયોમાં કંડાર્યા, કેટલાકે કવિતા તો વાર્તાઓમાં ઢાળ્યા ને કેટલાય લોકોએ આ સોશિયલ માધ્યમો પર અનુભવોને લાઇવ શૅર કર્યા. આ નિમિત્તે વિશ્વભરમાં આવેલી મહામારીઓની સ્મૃતિઓ, તસવીરો, ભૂતકાળની પેઢીના અનુભવો, એના પર લખાયેલા સાહિત્યથી માંડી અનેક વાર્તાઓ, લેખો, વિવેચનોને આ નિમિત્તે પુનઃ પ્રકાશમાં લાવવામાં આવ્યાં.
જીવનને સ્પર્શતી કોઈ પણ બાબત એવી નહીં હોય જેના પર કોરોનાની આ મહામારીએ અસર ન પાડી હોય. 2020ના આરંભથી જ આ વાઇરસે દેખા દઈ દીધેલી. દુનિયાના કેટલાક ડાહ્યા દેશો ને સમાજોએ અગમચેતી વાપરીને કોરોનાથી બચવાના ઉપાયો વહેલા શરૂ કરી દીધેલા. જેમ કે, જાપાનને બીજા વિશ્વયુદ્ધ વખતે જે મહાક્રૂર અનુભવ મળેલો એમાંથી એ પ્રજાએ શીખ લઈને માસ્ક પહેરવાને જીવનનો ભાગ જ બનાવી દીધેલો. રૅડિયેશન અને રોગચાળાથી બચવા માટે જાપાનીઓ રોજિંદા જીવનમાં માસ્કનો અને સોશિયલ ડિસ્ટન્સનો પ્રયોગ સહજ રીત જ કરતા હોવાથી ચીનથી સાવ નજીક હોવા છતાં કોરોના કહેરથી ખાસ્સા બચી શક્યા. એની સામે ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાનથી માંડી અનેક આફ્રિકન દેશોમાં કોરોના જે રીતે ફેલાયો પણ મૃત્યુઆંક યુરોપ-અમેરિકાને મુકાબલે ઓછો રહ્યો. એનું એક કારણ આવા દેશોમાં ચાલતા રસીકરણના કાર્યક્રમો પણ રહ્યા. સાથોસાથ આ મોટી વસ્તી ધરાવતા સમાજોની કેટલીક લાક્ષણિકતાઓ અને જીવનશૈલીએ એમનામાં સહજ રીતે ઘડેલી ઇમ્યુનિટી સિસ્ટમનો પણ સાથ રહ્યો. યુરોપ-અમેરિકન દેશોમાં રહેલી ચોખ્ખાઈ અને પરિણામસ્વરૂપ ત્યાંની પ્રજાની પ્રતિરોધક્ષમતા સ્વાભાવિક જ ઓછી મજબૂત હોવાથી ત્યાં સંક્રમણનો વ્યાપ વધારે ફેલાયો, મરણઆંક પણ ઘણો ઊંચો રહ્યો ને ઉચ્ચ ગુણવત્તાવાળી મૅડિકલ સિસ્ટમ પણ નિષ્ફળ ગઈ! આ બધું તો હજી આરંભિક કહેવાય એવા નિષ્કર્ષો છે. એમાં હજી વૈજ્ઞાનિક તાર્કિકતા ઉમેરાશે, સંશોધનોના અંતે પછી સ્પષ્ટ થશે. પણ એક વાત તો માનવજાતને સમજાઈ જ ગઈ કે કુદરતના ચક્રને ડિસ્ટર્બ કર્યાનાં ખરાબ ફળ હવે માનવજાતે વિવિધરૂપે ભોગવવા તૈયાર રહેવું પડશે.
આ કોરોનાની મહામારીએ માનવને નગ્ન કરી મૂક્યો એ એની બીજી મોટી ઉપલબ્ધિ.
આટલો કપરો કાળ છે. કોઈ પણ માણસને કોઈ પણ સમયે કંઈ પણ થઈ શકે એવા સંજોગો છે. એણે કરેલાં સંશોધનો, મૅડિકલક્ષેત્રમાં આધુનિકતમ એવી ઉપલબ્ધિઓ પછીએ કોવિડ-19ને નાથી શકવાની ક્ષમતા વરસ પછીયે હાથ લાગી નથી એ સૌથી મોટી લાચારી. અંધારામાં તીર ચલાવવા જેવી સારવારો થઈ રહી છે. આદિમ અવસ્થામાં હશે એટલો લાચાર આજે પણ હોય એ સૌથી મોટું લેસન ન ગણાય...!?
આ લેસનને ઊંડાણથી સમજવું પડે એમ છે. સામાન્ય થિયરી મુજબ આ વાઇરસ ચામાચીડિયામાંથી માનવજાતમાં આવ્યો છે. ચીનની પ્રજા જાતભાતનું ખાવા માટે દુનિયામાં કુખ્યાત છે. કહેવાય છે કે માનવભ્રૂણથી માંડી ભાગ્યે જ કોઈ જીવ એવો હશે જે ચીનીના મેનુમાં ન હોય! આ ખાલી ખાવાની વાત હોય તો મેલો પૂળો. માંસાહારીઓથી દુનિયા ઉભરાય છે ને એમ ન હોય તો ધરતી ઉપર એટલું પાકતું ય નથી કે માનવજાતનું પેટ ભરાય. સી ફૂડ અને ઉછેરેલ મીટથી ચલાવી શકાય એટલી સમજ માનવજાત હવે ય ન કેળવે તો કુદરતનું સંતુલન ક્યાં સુધી બરકરાર રહે....!? આ ધરતી માત્ર માણસજાત માટે જ છે એવું તો નથી. સમુદ્રના પેટાળથી માંડી હવાઓના સ્તરોમાં અનેક જીવો જન્મે છે, જીવે છે ને વ્યાપક એવા જીવનચક્રને ચલાવે છે. માનવજાતે આ ક્રમને પોતાની અનુકૂળતા મુજબ, પોતાના નિજી સ્વાર્થ અનુસાર અને હદ બહાર ડિસ્ટર્બ કરવાનું કાર્ય છેલ્લી બે સદીથી કર્યું છે. હદ બહાર કુદરતી સંપત્તિનું દોહન કરીને સંતુલન ખોરવી નાંખ્યું છે. કુદરત સૌ જીવોને જીવવા જેટલું આપી રહે એવી વ્યવસ્થા સદીઓથી જોવા મળી પણ માનવજાતના સ્વાર્થને કોઈ સીમા નથી. આજે આ હકીકત બિહામણી આફતોરૂપે આખી ધરતી પર વ્યાપી રહી છે. વિજ્ઞાનીઓ અને સભાન એવા સંવેદનશીલ માનવો ચિંતિત છે આ બદલાવોથી. એમને ખબર છે કે, ધ્રુવો પરનો સદીઓ જૂનો બરફ ઓગળી રહ્યો છે એ જલસ્તરને તો અસંતુલિત કરી જ રહ્યો છે પણ સાથોસાથ એ બરફની નીચે થીજી ગયેલા લાખો-કરોડો વર્ષ જૂના કાળના વાઇરસ જીવન્ત થઈ પુનઃ આવી રહ્યા છે. માનવેતર જીવોમાં રહેલાં બૅક્ટેરિયા અને વાઇરસ માનવજાતમાં સંક્રમિત થવાની ગતિ ક્રમશઃ વેગ પકડી રહી છે ને માનવજાતને સદીઓથી ટકાવનાર, મદદરૂપ થનાર મૅડિકલક્ષેત્ર સામે અણધારી આફતો આવી રહી છે. પ્લેગ, હડકવા, શીતળાથી શરૂ કરી ઍન્થ્રેક્સ, સાર્સ અને આ કોરોના (કોવિડ-19) કેટલાક નમૂના છે. આ સિવાય અનેક નવાં નવાં બૅક્ટેરિયા અને વાઇરસનો ઉપદ્રવ વધી રહ્યો છે.
માનવજાતે જો ઉકેલ જ શોધ્યા કરવાનો હોય તો જીવન આમ જ ફફડાટમાં વીતે એવું લાગે છે. વિકાસની સાથે જો રોગો વધ્યા જ કરવાના હોય તો એવા વિકાસનો શો અર્થ...? માનવજાતની મોટી કમનસીબી એ છે કે, જે કુદરતી કહેવાય એવી પ્રક્રિયા પણ કુદરતી રીતે નથી થતી. બાળકના જન્મ પહેલાંથી જ ડૉક્ટરો અને દવાનો આશ્રય સહજ બની ગયો છે. બાળકને જન્મથી જ વિવિધ દવાઓ, રસીઓ, સપ્લિમેન્ટરી સહાયકો આપવામાં આવે છે ને એ પછીયે જીવન દરમિયાન એ ભાગ્યે જ રોગમુક્ત જીવન જીવતો હોય ત્યારે આ આખા તંત્રના વજૂદ પ્રત્યે જ પ્રશ્ન જન્મે એવી સ્થિતિ છે. મૅડિકલક્ષેત્ર એ માનવજાત માટે ઉપકારક છે એ તો સ્વીકારવું પડે એવા હજ્જારો-લાખો દાખલા છે, ખાસ કરીને અકસ્માતો અને કેટલાક જીવનભર જોડાઈ રહેતા રોગોના કિસ્સામાં મૅડિકલક્ષેત્રની સિદ્ધિઓ અનન્ય છે પણ સાથોસાથ એ પણ ભૂલવા જેવું નથી કે આ જ મૅડિકલક્ષેત્રમાં થયેલાં સંશોધનોના વ્યાપની સાથોસાથ રોગો અને માનવસ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ અનેકગણી વધી છે, વસ્તીના પ્રમાણમાં દવાખાનાઓનું પ્રમાણ પણ એટલું જ વધતું ચાલ્યું છે. શારીરિક અને માનસિક રોગોની માત્રા વધતી રહી છે. આ અસંતુલન કઈ રીતે કાબુમાં લેવું એ સમજવામાં આ તંત્ર સફળ નથી. એક ગાઢ એવું જટિલ તંત્ર સર્જાઈ રહ્યું છે જેની નાગચૂડમાંથી માનવ છૂટી શકતો નથી. શારીરિક સ્વાસ્થ્ય મેળવવાની લહાયમાં એ આર્થિક રીતે સાવ પાયમાલ થઈ જાય છે. પછીનું જીવન જાણે જીવન જ રહેતું નથી. અથવા તો આજીવન લાઇફ સપોર્ટ સાધનોના આશ્રયે કોમા જેવી હાલતમાં જીવતા હજ્જારો દર્દીઓ એ મૅડિકલ વિશ્વની અજાયબ એવી સિદ્ધિ સમજવી કે માનવજાતની કમનસીબી સમજવી?! એ સમજાય નહીં એવી સ્થિતિ છે.
સરકારોની કામગીરી વિશે પણ નિરાંતવી સમીક્ષાઓ થવાની છે, થતી રહી છે. ભારતમાં 22 માર્ચના રોજ વડાપ્રધાન મોદીએ સ્વૈચ્છિક લોકડાઉનનો દિવસ જાહેર કર્યો. એ રીતે પ્રજાને આ મહામારી સાથે પ્રથમવાર સાંકળી. પછીથી 24 માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર એકસાથે ટ્રેન, પ્લેન અને જાહેર પરિવહનનાં પૈડાં થંભી ગયાં. લગભગ બધી જ સેવાઓ બંધ, બજારો બંધ, નોકરી-ધંધાથી માંડી સામાન્ય આવાગમન પણ સંપૂર્ણ બંધ. પછી લોકડાઉનની અવધિ વધતી ચાલી. માણસો ઘરમાં કેદ થઈ ગયા ને પછી જે દૃશ્યો સર્જાયાં, જે રીતના સમાચારો વહેતા થયા ને જે રીતના કાર્યક્રમો વડાપ્રધાનનાં વચનો પર વિશ્વાસ મૂકીને યોજાતા ગયા તે બધું યાદગાર બની રહેશે. આરંભે સંધ્યાસમયે થાળી વગાડીને કોરોના વોરિયર્સના ઉત્સાહને વધારવામાં આવ્યો ને પછી દીપ પ્રગટાવીને કોરોના સામે એકતાનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ કાર્યક્રમોના સમર્થનમાં મોટા ભાગના ભારતીયો જોડાયા તો કેટલાકે એનો વિરોધ પણ કર્યો હતો. એકંદરે આરંભના એ દિવસોમાં દેશને એકજૂથ કરવામાં ખાસ્સી સફળતા મળી. પોલીસકર્મીઓ, ડૉક્ટર્સ અને મૅડિકલ સ્ટાફ માટે આરંભના એ દિવસો બહુ ચૅલેન્જિંગ રહ્યા. આરંભના તબક્કામાં બહુ જ ચગેલ તબલીગી જમાતના કારનામાઓએ દેશને સ્તબ્ધ કરી મૂક્યો હતો, તો પછીથી લોકડાઉન તોડવા, ગેરકાયદેસર વસ્તુઓની હેરફેર અને ચિત્ર-વિચિત્ર લાગે એવા કિસ્સા બહાર આવતા ગયા ને પોલીસ દ્વારા થતી સખ્તીના ફોટા, વિડિયો, રમૂજોથી માંડી કરુણ પ્રસંગોએ પ્રજા માનસ પર ભયાનક અસરો પાડી. એ સમયે કોરોનાનું પ્રસરણ પ્રમાણમાં બહુ ઓછું હતું પણ કોરોનામાં ઝડપાતાં લોકોને જે રીતે સારવાર માટે લઈ જવાતાં અને એનાં કુટુંબોને, સોસાયટીઓને જે રીતે ક્વોરન્ટાઇન કરવાની ફુલપ્રૂફ પ્રક્રિયા થતી એ ભલભલાં સાજાં-સમાં લોકો માટેય ખૌફનો અનુભવ કરાવનારી હતી. દુનિયા આખીમાં આ જ પ્રકારની પરિસ્થિતિ હોવાના સમાચારોએ માનવજાતને અંદરબહારથી થથરાવી મૂકી. ડર અંદર સુધી પ્રવેશી ગયેલો. ત્રણ ત્રણ લોકડાઉન વેળાએ એટલાં બધાં લોકો પોતાના ઘરથી, વતનથી દૂર ફસાયેલાં હતાં, કેટલાંય લોકો વ્યવસાય અર્થે, કેટલાંય લોકો સામાજિક પ્રસંગો માટે, કેટલાંય લોકો હરવા-ફરવા ને કેટલાંય લોકો અનેક કારણોથી ઘરથી દૂર ફસાઈને બે-ત્રણ મહિનાથી સ્વજનોથી દૂર હોય એ સ્થિતિએ બહુ સમસ્યાઓ સર્જી. સરકારે પાસ આપવાની વ્યવસ્થા શરૂ કરી, ચોક્કસ નિયમો સાથે એમના આવાગમનની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી. પણ એ બધું સીધું અને સરળ નહોતું. લોકોએ પહેલીવાર સુરતથી અમદાવાદ આવવા પણ જાણે વિઝા લેવા પડ્યા. એમાં નિરક્ષરો, મજૂરો અને સામાન્ય વર્ગના માણસો માટે તો કઠિનાઈ અને અજ્ઞાનના કારણે મુશ્કેલીઓનો પાર નહોતો.
સ્પેશિયલ ટ્રેન, બસ અને એક શહેરથી બીજા શહેર, એક રાજ્યથી બીજા રાજ્ય વચ્ચે સૌથી મુશ્કેલ કાર્ય બન્યું મજૂરો અને વતનમાં વાપસી કરનારાં લોકોની વ્યવસ્થા કરવી. એક બાજુ સંક્રમણનો ડર, ક્વોરન્ટાઇન સેન્ટર તૈયાર કરીને એમાં હજ્જારો-લાખો લોકોના ખાવા-પીવા, રહેવાની વ્યવસ્થા કરવી એ પડકાર નાનો નથી. રોજગાર વિહીન થઈ ગયેલાં લોકો, ગરીબો, રઝળતાં લોકોની આ બધી વ્યવસ્થાની જવાબદારી સરકારોની હતી. મોટા ભાગે અભૂતપૂર્વ એવી વ્યવસ્થાઓ ઊભી પણ કરવામાં આવી. એમાં માનવીય, પ્રશાસનિક મર્યાદાઓ, સામે પક્ષે પ્રજાની અણસમજ અને અધિરાઈ તથા દોંગાઈનાં રૂપો ખતરનાક રીતે પ્રગટ્યાં હતાં.
રાજ્યવાર, પ્રદેશવાર, જ્યાં વિદેશથી આવનારાં લોકોની સંખ્યા વધુ હતી એવાં રાજ્યો મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ અને ગુજરાતમાં સ્થિતિ વધારે વણસી. મહાનગરોની ગીચતાએ પણ કોરોનાને ફેલાવવામાં અનુકૂળતા કરી આપી. ધીમે ધીમે એ પ્રસરણની પેટર્ન બદલાતી રહી ને તંત્ર પણ ભૂલ અને સુધારના નિયમ અનુસાર વધારે સજ્જ થતું ગયું. દુનિયામાં ક્યાંય નહીં થઈ હોય એવી અભૂતપૂર્વ એવી કોવિડ સેન્ટરની વ્યવસ્થા ભારતમાં ઊભી થઈ. લોકડાઉનમાં ઠપ થઈ ગયેલી ટ્રેનોના ડબ્બાઓને હૉસ્પિટલમાં ફેરવી નંખાયા. કમ્યુનિટી હોલ, હૉસ્ટેલ્સથી માંડી બંધ પડેલી હૉટેલ્સના રૂમો ને શાળા-કોલેજોનાં મકાનોને ડૉક્ટર્સ હાઉસમાં ફેરવી નંખાયાં. મૅડિકલ કર્મીઓને ઘરથી દૂર રહેવું જરૂરી હતું આ સંક્રમણના કારણે. આ બધી સ્થિતિમાં અભૂતપૂર્વ એવાં માનવીય સંવેદનો પણ એટલી જ માત્રામાં જન્મી આવ્યાં.
ભારતનું સામાજિક માળખું અલગ છે. એમાં વિશિષ્ટ અને આગવી લવચિકતા છે. કૌટુંબિક માળખાથી માંડીને વિસ્તરતા વર્તુળમાં તપાસીએ તો એમાં એક આગવી ગૂંથણી છે ને એ સામાન્ય દિવસોમાં કદાચ નજરે ન ચડે પણ કુદરતી આપત્તિઓથી માંડી કોઈ રાષ્ટ્રીય સમસ્યાઓ આવે ત્યારે એ એના વ્યાપકરૂપે પ્રગટી આવતું અનેક વખત અનુભવવા મળ્યું છે. એ છે માનવીય જીવનનું વિશિષ્ટ એવું મૂલ્ય. આવા ભયાનક કોરોનાકાળમાં માનવ-માનવ વચ્ચે જાણે સૌથી મોટો અનિવાર્ય એવો નિયમ જન્મ્યો તે એકબીજાની દૂરી - સોશિયલ ડિસ્ટન્સિંગનો. આ ભારતીય માળખામાં બહુ અઘરી બાબત છે. એક તો વસ્તી એટલી મોટી કે આ નિયમ જાળવવો બહુ અઘરો; એમાં ભળે જાત-ભાતનાં સામાજિક અને ધાર્મિક નિયમો ને મૂલ્યો; સતત આવતા તહેવારો ને સામાજિક પ્રસંગોનું જાળું. પરિણામસ્વરૂપ ભયંકર હદે આ રોગ વકરશે એવી આગાહી અનેક નિષ્ણાતો દ્વારા અવાર-નવાર કરવામાં આવતી રહી. પણ સુખદ આશ્ચર્ય વચ્ચે પ્રજાએ નવા નિયમોને અપનાવ્યા. જ્યાં નિમ્નવર્ગ તો એકાદ ઓરડામાં પાંચ-દસ વ્યક્તિઓ રહેતા હોય ત્યાં આવું અંતર જાળવવું શક્ય ન હોવા છતાં એવું અંતર ઊભું કરવાના નુસ્ખા, જુગાડ કરાયા.
ભારતીય પ્રજા મુશ્કેલીમાં એક થઈ જાય છે એ ફરી ફરી પ્રગટી આવ્યું. દેશના સૌથી સમૃદ્ધ એવા ઉદ્યોગપતિઓથી આરંભી કલાકારો, ખેલાડીઓથી માંડી ધર્મસ્થાનો, સંસ્થાઓ, વેપારીઓથી માંડી સામાન્ય માણસો પણ પોતાનાથી બનતી આર્થિક મદદથી માંડી અનેક પ્રકારની સેવાઓ આપવા સામેથી જ આગળ આવ્યા. વડાપ્રધાન નિધિમાં દાનનો બહુ મોટો અને અકલ્પનીય પ્રવાહ શરૂ થયો. દવાખાનાઓમાં જરૂરી ઇક્વિપમેન્ટ, પીપીઇ કિટથી માંડી અનેક પ્રકારની સુવિધાઓ ભારતમાં નહોતી. બહારથી આયાત કરવામાં આવતી હતી. ખાસ કરીને વેન્ટિલેટરની તો સામાન્ય દિવસોમાંય અછત હતી પણ એક-દોઢ મહિનામાં એ બધું ભારતમાં બનવા લાગ્યું, એટલું જ નહીં, નિકાસ કરીને બીજા દેશોને મદદ કરતા થઈ ગયા. એ જ રીતે હાઇડ્રોક્લોરોક્વિન બનાવવામાં દુનિયાભરમાં ભારત મોખરાનો ને લગભગ એકમાત્ર દેશ હોવાથી અમેરિકાથી માંડી અનેક સાવ અવિકસિત દેશોને આ દવાની મોટી જરૂરિયાત ઊભી થઈ. એક બાજુ ભારતના પોતાના કરોડો લોકોની જિંદગી માટે જરૂરી એવી આ દવાનો સંગ્રહ જરૂરી હોવા સાથે માનવતાના નાતે બીજા દેશોની પ્રજા માટેય મદદ કરવી જરૂરી હતી. ભારતે એ મદદ કરી. દુનિયાના ઘણા બધા દેશોએ એ માટે ભારતના ઋણનો સ્વીકાર કર્યો છે. ‘વિશ્વમ્ કુટુંબકમ્’-નું સૂત્ર માત્ર વ્યાખ્યાનો માટે નથી, ભારત એને આત્માથી સાકાર કરવા મથે છે એ વાત દુનિયાને સમજાઈ.
આમ તો કોરોના સાથે સીધી રીતે સંકળાયેલી બાબત નથી પણ એની નોંધ લીધા વિના ન ચાલે તે છે રામજન્મભૂમિ પર થયેલું ભૂમિપૂજન. તા. 5 ઑગસ્ટ 2020ના રોજ અયોધ્યામાં આ મર્યાદિત મહાનુભાવોની હાજરીમાં યોજવામાં આવ્યું. આવનારાં બે-ત્રણ વર્ષોમાં ત્યાં રામમંદિરનું નિર્માણ થશે એવું આયોજન છે. છેલ્લી ચાર સદીથી આ ભૂમિ પર વિવાદ ચાલતો હતો. આઝાદી પછી આ વિવાદે રાજકીયરૂપ ધારણ કર્યું ને અનેક આંદોલનો, સંઘર્ષો અને માનવસંહાર પછી આખરે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સુખદ રીતે અંત આવ્યો ને ભારતીય સમાજ અને રાજકારણનું એક સળગતું પ્રકરણ સારી રીતે પાર પડ્યું. આ એક વ્યાપક અર્થમાં સાંસ્કૃતિક ઘટના છે. પાંચ ઑગસ્ટના રોજ કરવામાં આવેલો આ શિલાન્યાસ વિધિનો દિવસ જમ્મુ-કાશ્મીર રાજ્યને કેન્દ્રશાસિત બનાવવાની વરસીના દિવસ તરીકે પણ ઉજવાયો. આ સિવાય કોરોનાકાળમાં કેટલાંક રાજ્યોમાં સરકારોની થયેલી ઊથલ-પાથલો, રાજ્યસભાની ચૂંટણીઓ, કેટલીક રાજકીય ઘટનાઓ અને વિવાદો પણ આ સમયનું એક આગવું પરિબળ બની રહેશે. ખાસ કરીને ભારતમાં હિન્દુ-મુસ્લીમ વચ્ચેના સંવાદ-વિસંવાદનાં આ વર્ષો અનેક રીતે ભવિષ્ય ઘડનારાં બની રહેશે એમાં શંકા નથી. બદલાતા ભારતની તાસીર અને તસવીર ચીતરાઈ રહી હોવાનો અહેસાસ હવામાં પ્રસરી રહ્યો છે.
ચીન. પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મલેશિયા સાથેના ભારતના પરંપરાગત સંબંધોમાંય ઘણાં પરિમાણો બદલાયાં છે. સાથોસાથ વિશ્વની રાજનીતિમાંય ભારતની વિદેશનીતિમાં આવેલાં મોટાં પરિવર્તનો નોંધવા જેવાં છે. વારંવાર સર્જાતી રાજકીય ઘટનાઓ અને એકસાથે અનેક દેશો જેવા કે, અમેરિકા, ભારત, ચીન, રશિયા, ઇરાન, તુર્કસ્તાન, ઇઝરાયલ, ઉત્તર કોરિયા, જર્મની, ફ્રાંસ જેવા દેશોમાં મજબૂત નેતાગીરી એકસાથે ઊભરી આવી હોવાથી પાવરસંતુલન ખોરવાયું છે ને પરિણામસ્વરૂપે ગણિત બદલાઈ રહ્યાં છે. ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા જન્મી આવે એવા પ્રસંગોએ આ કોરોનાકાળના ઉદ્વેગમાં ખાસ્સો વધારો કર્યો છે. એક બાજુ અમેરિકા અને એનાં નવાં મિત્રરાષ્ટ્રો ને સામે મોરચો સંભાળ્યો છે ચીન અને એના મિત્રોએ. માત્ર ભારતમાં જ નહીં નેશનાલિઝમની નવી પરિભાષાઓ અનેક દેશમાં જન્મી રહી છે. કટ્ટર વલણો ઊભરી રહ્યાં છે. બાહુબલી નેતાઓ પેલા ગોરીલાની જેમ રણહાંક બજવી રહ્યા છે! માનવજાતને જાણે કશો જ ડર નથી. જાણે ફરીથી આદિમ અવસ્થામાં જવાનીયે બીક નથી!
કાળ સતત આપણને બાથમાં લેતો હોય છે. એ એનો સિકંજો ક્રમશઃ કસતો રહે છે. આમ તો બીજાં પ્રાણીઓની સરખામણીએ આપણે કાળનો બહુ સભાન ઉપયોગ પણ કરીએ છીએ - એના બધા અર્થમાં. છેક આદિમ અવસ્થાથી આરંભી આજ સુધી ઉત્ક્રાંતિના આ ચક્રમાં શ્રી ડાર્વિને કહ્યું છે એમ સૌથી ફિટ એવો જીવ ટકે છે ને વિકસે છે. આજે આપણી દૃષ્ટિએ માનવજાત ઉત્ક્રાંતિની ટોચ પર બેઠી છે. પૃથ્વી ઉપર અને પૃથ્વી બહાર સૂર્યમાળામાં માનવે એનું પ્રભુત્વ સ્થાપ્યું છે - એ હકીકત જોઈ શકાય છે. માનવજાતે આ માટે હજ્જારો વર્ષનો સંઘર્ષ કર્યો છે. ખાલી સંઘર્ષ નહીં, સાર્થક સંઘર્ષ અને સંશોધનવૃત્તિભર્યો સંઘર્ષ કર્યો છે. કદાચ માનવેતર કોઈ જીવ એવો નહીં હોય જેને વિષાણુઓ અને કિટાણુઓની ઓળખ હશે! માનવે એની આસપાસને ઓળખવામાં સદીઓ કાઢી છે. સૂક્ષ્મ જીવોથી માંડી વિરાટકાય પ્રાણીઓને અંકુશમાં લાવવા મથ્યો ને ખાસ્સો સફળ પણ થયો છે અને નિષ્ફળતા પણ સતત મળતી રહી છે. આજે કોવિડ-19ની ચૅલેન્જ એના માટે નાની નથી. એનો ઉકેલ જરૂર મળશે પણ એ માટે ચૂકવવી પડેલી કિંમત અધધ કહેવાય એવી છે.
આ પહેલાંના વૈશ્વિક રોગચાળાઓએ માનવજિંદગી હણી લીધી હતી. બહુ મોટી સંખ્યામાં, કરોડોની સંખ્યામાં વસ્તી નાશ પામી હતી. એમાં પ્લેગ, મેલેરિયા, ટી.બી., હડકવા, શીતળા જેવા રોગોનાં નામ તરત ચિત્તમાં આવે છે. આ રોગોએ હાહાકાર મચાવેલો ને દુનિયાની ત્રીસ ટકાથી વધારે વસ્તીને સાફ કરી નાંખી હતી. આ વખતે કોરોનાની મહામારીએ જે નવું પરિમાણ જન્માવ્યું એ, જાનહાનિ કરતાંય આર્થિક રીતે જે પાયમાલી સર્જી છે એ, ભવિષ્યનો બહુ મોટો ખતરો સાબિત થવાની છે. માનવજાત સિવાયની સૃષ્ટિ ધબકી રહી છે, જીવનનો આનંદ લઈ રહી છે ને સૌથી વધારે પ્રવૃત્તિશીલ એવો માણસ ઘરમાં કેદ થઈને પુરાઈ રહ્યો છે! ખેર, માનવજાત ફરી ઊભી થશે. ફરી જિંદગી ધબકતી થશે.
આ વિશેષાંકનો વિચાર એપ્રિલના અંતિમ દિવસોમાં આવ્યો હતો. એ સમયે સ્માર્ટ ફોનના હીંચકે બેસીને જ સમય પસાર કરવો પડે એવી સ્થિતિ હતી. હજી મન આ સર્જાયેલા લોકડાઉનથી હિજરાયા કરતું હતું તો સામે નવી નવી અનુભૂતિઓની ઘોષણાઓ કરતી સોશિયલ મિડિયાની પોસ્ટ, ખાસ કરીને બ્લૉગ અને ફેસબુક પર અનેક લેખકો, નવયુવાનો લખવાનું શરૂ કરે છે. કોઈ સાંપ્રત પરિસ્થિતિને આલેખે છે તો મોટા ભાગના લોકો પોતાના ભૂતકાળને આલેખવા, સંભારવા અને એ રીતે વર્તમાનને જીરવવાની મથામણ કરતા જોઉં છું. ગુજરાતના કેટલાક નામી લેખકો, કવિઓને આ માધ્યમથી સક્રિય થતા જોઈને મન થયું કે આ બધું એનાએ રૂપે સચવાવું જોઈએ. ભવિષ્યના સંશોધકો માટે, ઉત્સુક લોકો માટે આ સામગ્રી એકઠી કરી રાખવી એ આપણી ફરજ છે. ધીમે ધીમે વિચાર વિસ્તરતો ગયો. વિડિયો કોલિંગથી સંપાદકમંડળ સાથે સાપ્તાહિક મિટિંગ થતી રહી. થયું કે એ સમયે પ્રચલિત થયેલું અને હવે જેના પર પ્રતિબંધ છે એ ટીકટોક વિડિયો પર જે નવતર વિચારો ને દૃશ્યો જન્મ્યાં તે આશ્ચર્યમાં ગરકાવ કરનારાં હતાં, ઘરમાં પુરાઈને દૂર બેઠેલાં પ્રેમીઓ, અચાનક લોકડાઉને સર્જેલો વિયોગ, પતિ-પત્નીને ફરજિયાત ચોવીસે કલાક સાથે રહેવાનું આવ્યું ને સર્જાયેલા ડોમેસ્ટિક હિંસાના પ્રસંગો, પુરુષોની આદતોમાં આવેલા બદલાવો, બાળકો ઘર છોડીને શેરીમાંય ન જઈ શકે એવી સ્થિતિ આવી. આ અચાનક આવી પડેલી નવરાશના સમયે દરેક પેઢીના લોકોની ક્રિએટિવિટી પ્રગટી આવી જુદાં જુદાં માધ્યમોમાં - એને સાચવી લેવી જરૂરી લાગી. ભલે એનું કોઈ કલાકીય મૂલ્ય ન હોય, ભલે એ ભવિષ્યમાં સાવ અપ્રસ્તુત બની રહેવાનું હોય પણ એ આજનું સત્ય છે. એ વાસ્તવ છે જે અમે જીવ્યા છીએ. અમારી પેઢીએ આ કાળમુખા સમયને જે રીતે જોક્સમાં હસી કાઢ્યો છે, જે રીતે એની પાસે ઘૂંટણિયે પડીને રડ્યા છીએ, જે રીતે અમારી નબળાઈઓ બહાર આવી છે એ બધું ભવિષ્યની પેઢી જાણશે, કોઈ સંશોધકને રસ પડશે ને આ વિશેષાંકમાં સંગૃહીત સામગ્રીમાંથી પસાર થશે ત્યારે આ ધબકી ગયેલી, કોરોનાથી થાકી ગયેલી ને લડતાં લડતાં ટટ્ટાર રહી તૂટી પણ ગયેલી ને જીતી ગયેલી પેઢીનો મિજાજ એમનેય સ્પર્શશે. એ વાત અમારા માટે રોમાંચક છે.
આ વિશેષાંકને સાકાર કરવામાં અનેક લોકોનો ફાળો છે. કેટલા બધા લેખકો, કવિઓ, કલાકારો, બ્લૉગરો અને ફેસબુક રાઇટર્સનો સહકાર મળ્યો છે. અનેક મિત્રોએ યાદ રાખીને કોરોનાને લગતી માહિતીઓ અમારા તરફ મોકલી આપી છે. બધાના ઑરિજનલ સૉર્સ જાણવા શક્ય બન્યા નથી. આ તો લોકસાહિત્ય જેવું માધ્યમ છે. લોકો એમાં પોતાનું ઉમેરણ કરી કરીને આગળ ધપાવે છે. શક્ય હોય ત્યાં સુધી અમે જ્યાંથી સામગ્રી મળી ત્યાંનો સંદર્ભ આપવા પ્રયત્ન કર્યો છે. બધે એવું શક્ય નથી બન્યું. પોતાની રચનાઓ મોકલનાર સૌનો આભાર માનું છું. કેટલાક લેખકોની રચનાઓ અમે સામયિકો અને બીજી રીતે મેળવીને પણ છાપી છે - એ સૌ કવિ-લેખકોનો અમે આભાર માનીએ છીએ. આ સામગ્રી એકઠી કરવામાં જે જે મિત્રોએ, વિદ્યાર્થીઓએ મદદ કરી છે એ સૌનો આભાર.
ખાસ કરીને મારા સહસંપાદકો શ્રી હસમુખ પટેલ, શ્રી નિયાઝ પઠાણ, શ્રી ભાવેશ જેઠવા અને આ અંક માટે અમારા આમંત્રણને માન આપીને સક્રિય થયેલા શ્રી દીપક ભા. ભટ્ટ અને શ્રી અજિત મકવાણાએ કરેલી મહેનત બહુ મોટી છે. સામગ્રીનો ધોધ જ વહેતો હતો. એમાંથી પસંદ કરવી, ડુપ્લિકેશન હટાવવું, ગુણવત્તા અને ખાસ તો ક્યાંય હલકી ભાષા પ્રવેશી ન જાય એ ધ્યાન રાખવું સહેલું નહોતું. આ મિત્રોની મદદથી એ શક્ય બન્યું. શ્રી સંવેદન પંડ્યાએ પણ ઉપકારક મદદ કરી છે. એ સિવાય પણ અનેક મિત્રો છે જેમના થકી આ સામગ્રી તમારી સામે રજૂ કરી શક્યા છીએ. એ સૌનો આભાર.
પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે મદદરૂપ થનાર, પ્રતિભાવો આપનાર અને વાચકો તથા ભવિષ્યના વાચકોનો પણ અમે આભાર માનીએ છીએ. માત્ર તમારા પ્રતિભાવરૂપ બે બોલ અમારા માટે મોટી મૂડી બની રહેશે. આપ જરૂર લાઇક કરો, કમેન્ટ કરો, સૂચન કરો એવી વિનંતી કરીએ છીએ. સૌનો આભાર.
નરેશ શુક્લ, મુખ્ય સંપાદક, સાહિત્યસેતુ
તા. 7 અને 8 ઑગસ્ટ, 2020
શુક્રવાર-શનિવાર