જાત સાથે વાત (સામાને કહેવા) : સુમન શાહ
ડફેર ડફણું
પુસ્તકો જોડે જ વરસો વીત્યાં એટલે એની એક ગડ એ બેઠી કે એ વસે છે માત્ર ચિત્તમાં. જોડે એવી પણ ગડ બેઠી કે જન્મે છે પણ ચિત્તમાં. કબાટ કે પુસ્તકાલયમાં તો એમના જાડા-પાતળા આકારો ગોઠવાયા હોય છે. આ ‘ગડ’ શબ્દ કેવોક દેખાય છે ? જાતને પૂછું છું. નથી એને કાનો, નથી માતર. ‘ગ’ અને ‘ડ’. બન્નેને વારાફરતી જોયા કરું છું. જવાબ એ મળ્યો કે એના જેવા જોવા લાયક તો ઘણા છે : ડ-ગ, મ-ગ, પ-ગ, ર-મ, ભ-મ...આગળ વધીએ તો, મ-ફ-ત, સ-ર-લ, ભ-ર-ત, મ-ગ-ન, છ-ગ-ન, ર-મ-ણ, બ-ગ-લ, ગ-ગ-લ, મ-ગ-ર, ટ-ગ-ર, અ-સ-ર, ક-સ-ર, કંઇ કેટલાય...! આ મારા વ્હાલા, કાનોમાતર-વાળાની સરખામણીએ, દેખાય બહુ ચોખ્ખા ! હ્રસ્વ કે દીર્ઘ ઇ-ઉ-વાળાની તુલનામાં ખરડાયેલા જરાય લાગે નહીં, નિર્દોષ દેખાય. ટૂંકમાં, સહજ. સ-હ-જ.
મને નથી ખબર, જીવનમાં ‘ગડ’ મને પહેલી વાર ક્યારે મળેલો. શબ્દો આપણને મળવાને ક્યારે નીકળી પડે છે, કેવી રીતે શોધી કાઢે છે, ને સીધા આપણાં મગજમાં ક્યારે ઘૂસી જાય છે; રામ જાણે. ને પછી, ખાસ તો એ, કે કયા કારણે કાયમ માટે ત્યાં રહી પડે છે; નથી ખબર.
છોટાલાલ દવે બીજી ગુજરાતીમાં મારા માસ્તર. ક્હૅ, તને બકારી થઇ ગઇ તે સારું થયું. મારા મોઢા પર પ્રશ્ન છવાઇ ગયેલો –બકારી શું ? ચશ્માં ઊંચે લીધાં, આંખો સ્થિર, મને જોતા રહી ગયેલા. એમની એ છટા એમ ક્હૅતી’તી કે ડોબા, એટલી ખબર નથી--? ખરેખર તો, રીસેસમાં મને ‘ઊલટી’ થયેલી –ભણેલાં જન અંગ્રેજીમાં જેને ‘વૉમિટ’ કહે છે. જોકે ગામડા ગામમાં આધેડ વયની અભણ બાઇઓ પણ ‘વામિટ’ બોલે છે; વધુમાં કહે છે, બાપડાને ‘પરૉબ્લેમ’ થઇ ગયો. અમારી કામવાળી તખીબેનને કોઇ પણ કામ બતાવીએ તો તરત ક્હૅ, ‘ઑલરાઇટ’. આ અંગ્રેજી શબ્દો છે; સાચું છે. પેલી બાજુ, પણ્ડિતો કહે છે, ગુજરાતી ભાષા મરી રહી છે; એ પણ સાચું છે. સવાલ એ છે કે આમાં છોટાલાલનો, બાઇઓનો કે તખીબેનનો કયો વાંક. હા, તો પણ્ડિતોનો ય કયો વાંક ? એ બાપડા એમનો ધરમ સંભાળે છે. શું કરે ? જોકે એ લોકોએ આપણને એ હમજાવવું જોઇએ કે વાક્યમાં ‘બકારી’ પછી વારાફરતી ‘વૉમિટ’, ‘વામિટ’ કે ‘ઊલટી’ બદલાતા ચાલે, તો ય ક્હૅવાય કે ગુજરાતી મરી રહી છે--?
ખરું એ છે કે એક માણસ બોલે છે ને બીજો એને સાંભળે છે. બેમાંથી એકેય એ ઘડીએ એવું થોડું વિચારે છે કે હું જે આ બોલું છે તે ગુજરાતી છે ? કે હું જે આ સાંભળું છું તે ગુજરાતી છે ? મને યાદ છે, હું ઍમેમાં ભાષાની વ્યાખ્યા ભણાવતો ત્યારે એક વિદ્વાનની એક નાનકડી વાત હમેશાં કરતો. એમ કે, ‘ભાષા શ્વાસોચ્છ્વાસ જેવી સહજ વસ્તુ છે –ઍઝ નેચરલ ઍઝ બ્રીધિન્ગ’. આ મને આજે પણ બિલકુલ સાચું લાગે છે. પ્રાણીઓ એમ ગણે છે કદી કે એક, આ લીધો તે શ્વાસ, બે, આ કાઢ્યો તે ઉચ્છ્વાસ--? બોલનારાને કાં ભાનસાન હોય છે કે વચ્ચે વચ્ચે પોતે અંગ્રેજી શબ્દો વાપરી બેસે છે ? આઇ મીન, છોટાલાલ, ગામડાંની બાઇઓ કે તખીબેનનાં મગજ ગ-ડ મ-ગ કે પ-ગ જેવાં નેચરલ નથી તો શું છે ? આઇ મીન, સહજ છે. સ-હ-જ.
પણ ભણેલાંગણેલાં ને તેમાંય વિદ્વાન હોય એ લોકોની તો વાત જ જુદી. જીવન આખ્ખું બુધ્ધિ વાપરી વાપરીને ને ગણી ગણીને જીવે. સમજી શકાય, ભણ્યા તે એટલું તો કરે કે નહીં ? પણ એમાં અતિ કરનારા ય હોય છે. એક રમૂજી દાખલો છે મારી પાસે. એક દૂરના મિત્ર છે. ડૉક્ટર છે, પીઍચડી ડૉક્ટર. અમ્બુભૈ. ગુજરાતીના છે, છતાં, અંગ્રેજી શબ્દો બહુ વાપરે છે. એટલે અને ગામ ઉજ્જડિયું છે તેથી અમ્બુભૈની વિદ્વત્તા હવાની જેમ ચોપાસ ફેલાઇ ગઇ છે. મળતિયા ય એટલે જ આપોઆપ જડી ગયા છે. મળતિયા ક્હૅ છે, ગુજરાતની કોઇ યુનિવર્સિટીએ અમ્બુભાઇને ડીલિટ્ કરી દેવા જોઇએ. બાપડાઓનો મતલબ એમ કે અમ્બુભાઇને ડી લિટ્-ની ડીગ્રી આપી દેવી જોઇએ. મને ખાતરી છે, કાગારોળ મચાવશે, ને અપાવીને રહેશે. સાંભળી અમ્બુભૈથી મન્દ મન્દ સ્મિત થઇ જાય છે. નિત્યક્રમે સવારે ૫.૩૦ વાગ્યે જાગે ને સીધા ચાલવા જાય. રાત્રે બરાબ્બર ૧૦.૦૦ વાગ્યે સૂઇ જાય. કલાક કાંટો ૧૦ ઉપર હોય ને જેવો મિનિટ કાંટો ૧૨-ને અડે, પાંપણો પાડી દે. એમનાં પત્નીએ પણ એમ જ કરવાનું, કેમકે આટઆટલી ચીકાશવાળું જીવવાનું અમ્બુભૈને એમણે તો શીખવ્યું છે. જ્યોતિબેન. બન્નેની પાસે આખા દિવસનું ભલે જુદું જુદું, પણ ટાઇમટેબલ છે. બન્ને એને તન્તોતન્ત વળગી રહે છે. જો અમ્બુભૈની ભૂલ થાય તો જ્યોતિ ઝાળ ઝાળ થઇ જાય. એમનો ઊધડો લઇ નાખે –‘વ્હૉટ નૉન્સૅન્સ ! હાઉ કમ ?’ --છોડે નહીં. પણ જો ભૂલ એ કરે, તો અમ્બુભૈ ગલવૈ જાય, ને તેથી બોલે ખરા, પણ પોચુંપોચું-- ‘ઓ માય ગૂડનેસ ! બટ નો પ્રૉબ્લેમ ડાર્લિન્ગ, ઇટ હૅપન્સ સમ્ટાઇમ !’ લખે ત્યારે બન્ને ગુજરાતી જ લખે, પણ એમાં અંગ્રેજી શબ્દોની ટીકડીઓ ચૉંટાડ્યા વિના છોડે નહીં. કાળી કાળી ટીકડીઓ દેખાઇ આવે. ગુજરાતી થઇને આવું કરે એ વાતનો પેલા પણ્ડિતોને સખત વાંધો છે. વળી, ભાષા મરવા પડી છે એ ગાયનમાં એ લોકો આ લીટી ખાસ ગાય છે –કે ભણેલાં અંગ્રેજી ગાળો બોલે છે એટલે ગુજરાતીની સારામાંની ભુલાઇ રહી છે, કેમકે એમનું જોઇને બીજાં પણ અંગ્રેજી ઠપકારે છે ! અમ્બુભૈને ખબર હોય, રૂપિયાની નૉટ ક્યારે વપરાય, પાંચની ક્યારે, અને દસની ક્યારે. એક જમાનામાં સામાને પરચૂરણ જ પધરાવે, પણ જેવી ખબર પડી કે તંગી થઇ છે, તો એક-ની બે-ની કે પાંચ-ની, નૉટ જ પકડાવે ! જેમ ખબર હોય એમને કે પોતે ગઇ કાલે સવારે કે તેની આગલી રાતે કયું શાક ખાધેલું, કારેલાંનું કે શક્કરિયાનું, તેમ એમને ચોક્ક્સ ખબર એ પણ હોય કે ક્યારે પોતે કયો અંગ્રેજી શબ્દ કેમ વાપરેલો. બધા ભલેને બકે કે વટ પાડવા કરે છે--! વચમાં ગુપ્તાજી મળ્યા ત્યારે પોતે કેવા હિન્દીમાં ચાલુ પડી ગયેલા; જાણે. બિલકુલ જાણે ! બજારમાં જ્યાં જ્યાં રૉન્ગ પાર્કિન્ગ જુએ, તિરસ્કારથી બબડે, ‘ડૉન્કી સાલા !’ ને ખબર હોય એમને કે બીજું, પછીનું રૉન્ગ, કયે ઠેકાણે આવશે-- ‘ડૉન્કી સાલા’ તૈયાર રાખ્યું હોય, ફટકારી દે. મને થાય, આ માણસ કેટલો વ્યવસ્થિત છે. પોતા પાસે છે એ વિધ વિધના બધ્ધા શબ્દોને કેવો કેટલી સિફતથી વાપરી બતાવે છે ! ને નોંધવા જેવું તો એ છે કે એક પણ શબ્દને સંઘરી રાખતો નથી. જાણ્યો નથી, ને વાપર્યો નથી !
મારું તો મને, હાવ ઠેકાણા વગરનું દીસે છે. મારામાં મોટા ભાગના શબ્દો તો જાતે જ ઘૂસેલા છે, એ ખરું કે કોઇ કોઇને મેં વસાવેલા છે, પણ અમ્બુભૈ જેવો પ્રદર્શનિયો વપરાશ તો આવડ્યો જ નહીં. એટલે ઘણા બધા એમ-ના-એમ જ પડી રહ્યા છે, કેટલાક તો ઠરીને ઠીકરું થઇ ગયા છે. ખરેખર, અંદર નજર નાખતાં ગભરૈ જવાય છે. મને થાય, ઉપર જઇશ ત્યારે તો શબ્દોના હજડબમ્ ગોદામ જેવું આ મસ્તક લઇને જવાનો-- તે, નીચે મોકલનારા ભગવાનને લાગશે કેવું ! અફસોસ કરશે ! મને થાય, આવ્યો ત્યારે તો ચિત્ત માગશરના આકાશ જેવું કેવું સ્વચ્છ હતું ! જિજ્ઞાસા કેવી ઝગમગતી’તી, શુક્રના તારા જેવી ! પણ એની પર ભાષાની ચાદર, જાડા રગ જેવી, આ લોકોએ ઓઢાડી દીધી. ખસેડી ખસેડાતી નથી. આ લોકો એટલે ? બીજીમાં મળેલા એ છોટાલાલ ! ને એ પછી જેટલા મળ્યા એ બધા જ માસ્તરો, છોટાલાલો ! ફૉર્મલ ભણવાનું પતી ગયું પછી મૅતે ને મૅતે મથું છું, આજની તારીખ લગી, તો પણ માસ્તરો, નવા ને નવા, મને મળ્યા જ કરે છે, મળ્યા જ કરે છે. ને નવાઇની વાત તો એ છે કે દરેક જણો જુદા જુદા શબ્દોમાં મને એક જ વસ્તુ સમજાવે છે : તને (ડોબા !) બકારી થઇ ગઇ તે સારું થયું...
મને અત્યારે પણ બકારી જેવું થાય છે. આમેય બધા નથી ક્હૅતા કે જીવન એક મૂંઝારો છે ? જોકે હું નથી માનતો. પણ કોણ જાણે હમણાંનો પાણી બહુ પીધા કરું છું, જલ્દી જલ્દી જમું છું, બનાવટી બનાવટી બગાસાં ખાઉં છું, કારણ વગરનો એકદમ ફાસ્ટ ચાલું છું. એટલે --એટલે નહીં, એને પરિણામે, હા, એને પરિણામે, એક દિવસ જોગ-સંજોગ એવો રચાયો, કે મને અમ્બુભૈ મળી ગયા. બહુ ખુશ હતા. મને થયું, ડીલિટ્ થઇ– પણ, ફટાક્ બોલ્યા, ઑક્સફર્ડમાં ‘વૂટ’ ઉમેરાયો ! વૂટ એટલે અત્યુત્સાહ, જોસ્સો. ‘સાઇબર-બુલિન્ગ’ પણ ઉમેરાયો. એટલે કે ઇલેક્ટ્રૉનિક મીડિયાના ઉપયોગથી કોઇને હેરાનપરેશાન કરી મૂકવો. પહેલાં તો સમજાયું નહીં કે ઉમેરાયો ઉમેરાયો કરે છે તે કોણ ને ક્યાં. પછી ગડ બેઠી કે ઉમેરાયા તે આ શબ્દો, ને ઑક્સફર્ડમાં એટલે ઑક્સફર્ડ ડિક્ષનેરીમાં. અમ્બુભૈ ઉમેરાયેલા ત્રીજા ‘મૅન્કિનિ’-ની વાત કરવા તત્પર હતા, એમની જીભ વલવલ થતી’તી, બોલ્યા પણ ખરા, ‘બિકિનિ’-નો પુલ્લિન્ગ ! મને થયું, ભૈ અટકશે નહીં, એટલે મેં જરા ચૅંકાઇને પૂછ્યું : અમુક જૂથોમાં ફૂટી નીકળેલા આવા શબ્દો થોડા થોડા વખતે ડિક્ષનેરીમાં ઉમેરાય તેથી બીજાઓએ શું કરવાનું, હૅં, શું ? તો ગુસ્સાથી બોલ્યા : જખ મારવાની ! હમણાં ને હમણાં આવા ૪૦૦ પ્રયોગો ઉમેરાયા છે. તને ખબર નથી એથી દુનિયા આખીનું શબ્દભંડોળ કેટલું રીચ થાય છે, રીચ ! : મારે ક્હૅવું’તું, દુનિયાના ભંડોળની મને શી પડી છે ! મારું ય રીચ છે ! આટલા તતડીને શાના બોલો છો ? મને એમેય થયું, છોટાલાલનું, બાઇઓનું ને તખીબેનનું ય રીચ નથી તો શું છે ? દરેક ગાંઠનું વાપરે છે ને બદલામાં જે મળે છે, એને જીવી લે છે ! મને થાય, આ ભૈ શું કામને આટલા હરખપદુડા થાતા હોશે ? એમના ઑક્સફર્ડની માને પૈણે એનો બાપ !
કેમ ચૂપ થઇ ગયો ? : બસ એમ જ : પણ પછી, મુદ્દો બદલવાના ઇરાદાથી, અને, માસ્તરોમાં સારું થયું-માં ખપ્યા કરતી મારી બકારીઓ યાદ આવતાં, એ બાબતે, અમ્બુભૈને મેં જરા માંડીને વાત કરી, ને નરમાશથી પૂછી જોયું : અમ્બુભાઇ, બધા મને આવું કેમ ક્હૅ છે ? તો ક્હૅ : જો, બોલ, ક્હૅ, જણાવ મને, દુનિયાના એક પણ માણસનું મગજ ક્યારેય શબ્દ વગરનું હોય છે ખરું ? આસપાસમાં કે દૂર દેશાવરના, કે અરે, પરદેશના કોઇપણ શહેરમાં કસબામાં ગામડામાં, કે આદિવાસી કોઇ પણ જનપદમાં જઇ આવ. આસામના દિબ્રુગઢમાં જા, નાગાલૅન્ડના કોહિમામાં જા, ચિનના શાંઘાઇમાં જા, યુરપના આમ્સ્ટર્ડામમાં, બાજુમાં લન્ડનમાં, લેઇસ્ટરમાં, અમેરિકાના શિકાગોમાં, સિન્સિનાટીમાં, આટલાન્ટામાં કે જર્સિ સિટીમાં જા, કૅનેડાના ટૉરન્ટોમાં, આફ્રિકાના નૈરોબીમાં, કે પછી, ચિલી કે સિડની જા, કરાંચી જા, શ્રીલંકા જા, મથુરાં જા, અમદાવાદમાં, રાયપુરમાં, વસ્ત્રાપુરમાં, નડિયાદ કપડવંજ વડોદરા બારડોલી વાપી કિમ બોડેલી કે નવસારી...કોઇ પણ જગ્યાએ જા...માણસ નામનું એક પણ પ્રાણી શબ્દ વગરનું છે ખરું ? :
એઓ ‘પ્રાણી’ બોલ્યા તે મને ગમ્યું કેમકે પ્રાણની એટલે કે શ્વાસોચ્છ્વાસની નજીક પૂગ્યા દેખાયા. મને લગીર સંતોષ થયેલો. એટલે મેં કહ્યું, બરોબર. આશા પડેલી કે મને હમણાં ક્હૅશે-- હા, તું સાચો છું, ભાષા સહજ વસ્તુ છે. પણ, હું આગળ કંઇ બોલું એ પ્હૅલાં જ બોલ્યા, આઇ ડોન્ટ ઍગ્રી વિથ યૂ ! હું ગૂંચવાયો, ઍગ્રી શું--? એટલે મને થયું, પૂછું એમને-- કે ઓકે, નૉટ ઍગ્રી, ઓકે, બટ ફૉર વ્હૉટ --? પણ પૂછું એ પ્હૅલાં એમણે બીજા શબ્દોમાં કહી દીધું –આઇ ડિફર વિથ યૂ ! હા પણ અમ્બુભૈ, ફોડ પાડો, ને સાંભળો...મારે બૂમ પાડીને બોલવું પડેલું કેમકે એઓશ્રી ઝટ કરતાકને નીકળી ગયેલા...જલ્દી જલ્દી બોલી ગયેલા, જ્યોતિ મારી રાહ જોતી હશે યાઆર...એમની પૂંઠ દેખાતી’તી ત્યારે મને યાદ આવ્યું કે બધા મને, ડોબાને, બકારી થઇ ગઇ કહે છે તે કેમ કહે છે નામના મારા એ સીધાસાદા પણ અઘરા સવાલને અમ્બુભૈ સિફતથી ચાતરી ગયેલા...
શું કરવાનું...મને થાય, ‘વૂટ’ને મારા પર પહેલી વાર વાપર્યાની મજો લેતા ગયા ! બુલિઇન્ગ નહીં તો બીજું શું ? એમનું ચાલત તો મૅન્કિનિ પણ વાપરી બતાવત ! એમનાં ‘આઇ ડિફર વિથ યૂ !’ અને ‘આઇ ડોન્ટ ઍગ્રી વિથ યૂ !’ મને ક્યાંય લગી સંભળાતાં રહ્યાં. મને થાય, કોઇ અમ્બુ કે જમ્બુ જો આમ લોઢાનો હથોડો લઇને ડિફર થવા જ નીસર્યો હોય, આપણું કિંચિત્ પણ સમજવા-સાંભળવા માગતો જ ન હોય, તો એને હમ્મેશને માટે છોડી દેવો એ જ કર્તવ્ય ગણાય. બાકી, રીચનું સાંભળીને હું ચૂપ હતો, મારો મત તો જણાવ્યો ન્હૉતો, જાણવાની એમણે દરકારે ય નહીં કરેલી...પણ, તો પછી, શેના, શેને વાસ્તે ડિફર થતા’તા ? વિજયી અદામાં જતા રહ્યા; તે પણ, પત્નીને બ્હાને ! બાકી મારે તો, યુ આર, રાઇટ છો, પણ શ્રીમાન અમ્બુભૈ, ડિફરનું નામ તો પાડો, વગેરે કહીને વાતને પાટા પર આગળ ધપાવવી’તી !...પણ શું કરવાનું...
જોકે બન્યું છે એમ કે ‘ડિફર’ને લીધે હાલ જ મને ‘ડફેર’ શબ્દ દેખાતો થયો છે...એને જોઉં ન જોઉં ત્યાં તો મારાથી ‘ડફણું’ પણ જોવાયો છે. ત્રણ સવાલ થયા છે : ક્યાંથી આવ્યા હશે ? કેમ આવ્યા હશે ? ને, અત્યારે જ કેમ ? જવાબ ન મળ્યા એટલે મને થયું, બન્નેને એકમેક જોડે અથાડું તો કેવું ? અને ખરેખર, મેં બન્નેને અથાડ્યા : ડફેર ડફણું. ડફણું ડફેર. અથાડવાની મને બહુ મજા આવી ગઇ, તે આગળ વધ્યો : ડફેર ડફણું ડફણું ડફેર ડફેર ડફણું ડફણું ડફેર ડફેર ડફણું ડફણું ડફેર...આમ તો શબ્દોને અથાડવાનું સહેલું કાં છે ? ને અથાડ્યા પછી જિરવવાનું પણ કાં સરળ છે ? ખરી વાત જુદી છે. કેટલાય સમયથી જે કંઇ લખું છું તે કમ્પ્યૂટરના સ્ક્રીન પર જ લખું છું. આ ડફેર-ડફણા-નું જે કીધું ને, તે કૉપી-પેસ્ટ કરી કીધેલું છે ! અત્તારે જ, બીજી વાર અથાડી બતાવું ? રેડી છે ! લૉ, જુઓ, બોલી પણ જુઓ --ડફેર ડફણું ડફણું ડફેર ડફેર ડફણું ડફણું ડફેર ડફેર ડફણું ડફણું ડફેર...તમે ય કૉપી-પેસ્ટ કરી લો, તમેય અથાડી જુઓ : ડફેર ડફણું ડફણું ડફેર ડફેર ડફણું ડફણું ડફેર ડફેર ડફણું ડફણું ડફેર...
પણ એક વસ્તુ છે : શબ્દોને અથાડીએ ત્યારે એ આપણને પણ અથાડતા હોય છે. જાત જોડે, બીજા જોડે, ત્રીજા જોડે...ત્યારે ઠેકઠેકાણે વાગ્યું પણ હોય છે...મજાની વાત એ છે કે એ વાગેલું ક્યારેય દેખાતું નથી...ખબર હશે આ ખરી વસ્તુની અમ્બુભૈને ? કોણ જાણે !
ડો. સુમન શાહ, જી । 730 શબરી ટાવર, વસ્ત્રાપુર અમદાવાદ-380015 ફોન- 079-26749635. મેઈલ આઈ.ડી. suman_g_shah@yahoo.com