Editorial - સંપાદકીય
આપના તરફથી મળતા સૂચનો, પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને અમે આ સામયિકને વધુને વધુ આકારબદ્ધ કરતા જઈએ છીએ.
ગુજરાતી સાહિત્યના વિવિધ સ્વરૂપો જેવાકે, કવિતા(અને એના પેટા પ્રકારો), નિબંધ, ટૂંકી વાર્તા, એકાંકીઓ, મહત્વના વિવેચન લેખો, સંશોધનો આદિને જો સક્રિય વાચકો, લેખકો, વિવેચકો અને ખાસ તો જેમને ગુજરાતી ટાઈપિંગ ફાવે છે એવા મિત્રોનો સહકાર મળે તો અમારું આયોજન એવું છે કે છેક દલપતરામ-નર્મદથી શરૂ કરીને આજ સુધીના આવા વિવિધ સ્વરૂપોની રચનાઓને તમારી સામે પુનઃ પ્રકાશિત કરવી. એનાથી આપણને બે રીતનો ફાયદો થાય તેમ છે. એક તો આપણે પુનઃ આપણી પરંપરાને જાણી-માણી શકીશું. નવી પેઢીને શક્ય છે કે એ બધાનો પરિચય ન હોય તો એ પણ થાય. અને બીજો મોટો ફાયદો આવનારી પેઢીઓને એ થશે કે એમને આ બધી જ સામગ્રી ક્રમશઃ ઇન્ટરનેટ પર મળતી થઈ જશે.
અત્યારે કેટલાય મિત્રો આ કામ વિવિધ રીતે, વિવિધ રૂચિ પ્રમાણે કરી રહ્યાં છે ને એ રીતે ગુજરાતી સાહિત્યની ઘણી રચનાઓ હવે નેટ પર ઉપલબ્ધ થઈ રહી છે. પણ એમાં જે મોટી મર્યાદા છે એ છે, મોટાભાગના કવિઓ, વાચકો વર્તમાન સમયના કે હમણાના લેખકો-કવિઓની રચનાઓને જ અપલોડ કરી રહ્યાં છે. ખાસ કરીને કવિતાઓમાં તો એટલું બધું અપલોડ થઈ રહ્યું છે કે સારું, ગુણવત્તાસભર રચના શોધવી વાચક માટે મુશ્કેલ થઈ પડે. એટલે આપણે અહીં નીવડેલા જાણકારો પાસે રચનાઓ પસંદ કરાવીને કે કરીને, કવિતા સીવાયનું પણ જે કંઈ ગુણવત્તા સભર છે એ સાહિત્યસેતુના અંકમાં ક્રમશઃ પુનઃ પ્રકાશિત કરતા જઈશું. કવિતાઓને આસ્વાદ સાથે શ્રી અજિત મકવાણા અહીં મુકી જ રહ્યાં છે એ જ રીતે ડૉ. ભાવેશ જેઠવા દર વખતે એક જૂની વાર્તાને પુનઃ પ્રગટ કરી રહ્યાં છે. એ જ રીતે બીજા સ્વરૂપોની રચનાઓ પણ જો કોઈ મિત્ર રસ લઇને પ્રકાશિત કરવામાં સહાય આપે તો એ દિશામાં ચોક્કસ આપણે આગળ વધી શકીએ. એ માટે આપનો સહકાર ઇચ્છીએ છીએ.
આપ આપની પસંદગીની રચનાઓ અથવા તો એના નામ મોકલી શકો છો. અમે એને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરીશું.
આપનો સહકાર અમારા ઉત્સાહને બેવડાવી રહ્યો છે. અને એ માટે આભારી છીએ.
ડૉ. નરેશ શુક્લ
મુખ્ય સંપાદક