ગઝલ
એક-બે પીંછા મઢાવી જોઈએ,
એમ પંખીને મનાવી જોઈએ.
શક્ય છે કે કોઈ આવે પણ ખરું.
બારણે તોરણ લગાવી જોઈએ.
આ સમયનો ક્યાંક ભેટો થાય જો,
તો જરા પાછો વળાવી જોઈએ.
એ નદીની રેતમાં બેસી અને,
ચાલ પાછું ઘર બનાવી જોઈએ.
જીવને આ શું થયું છે..ચાલને,
આપણે ફોટો પડાવી જોઈએ.
કોણ સૂતું છે અહીં આ ભીતર ?
લાવ થોડું હચમચાવી જોઈએ.
છે નિલામી આ હવાની આજતો,
લ્યો હવે શ્વાસો ગણાવી જોઈએ.
ગીરીશ પરમાર, અમદાવાદ