ધુમાડાની ગંધ
સાહિત્યના વિધ-વિધ સ્વરૂપોમાં જ્યારે નિબંધ સ્વરૂપની વાત નિકળે ત્યારે નિબંધના જનક મોન્ટેઇન અવશ્ય યાદ આવે. તેમણે નિબંધ વિશે કહેલું ‘હું આલેખું છું મારી જાતને’ જાતને આલેખતો જતો સ્વાનુભવરસિક સર્જક એક સમયે સર્વાનુભવી બની જાય છે અને એમ તે ભાવકને અલૌકિક આનંદનો વિહાર કરાવે છે. નિબંધ સ્વરૂપની મજા એ છે કે તેમાં વિષયોની બાબતે મુક્ત વિહાર કરવા મળે છે. પરિણામ સ્વરૂપે તેમાં ચિંતન. પ્રકૃતિ, સમાજ વગેરે સહજ ઉતરી આવતા હોય છે. અલબત્ત નિબંધકારનું વ્યક્તિત્વ ઓગળીને મુખર થતું હોય છે.
અહીં આપણે નિબંધકાર વીનેશ અંતાણીના નિબંધ સંગ્રહ ‘ધુમાડાની જેમ’માંથી પસાર થઇએ છીએ ત્યારે તેમની સર્જકીય લીલાનો સુપેરે અનુભવ થાય છે. સંગ્રહની લાક્ષણિક્તા એ છે કે આ નિબંધો પોત પોતાનામાં સ્વત્રંત્ર હોવા છતાં નવલકથા જેમ સાદ્યંત આલેખાયા છે. અલબત્ત તમણે પોતે નિવેદનમાં કેફીયત નોંધી છે કે ‘આ કારણે અહીં ગ્રંથસ્થ કરેલું લખાણ તેનું મૂળ સ્વરૂપ ખોઇ બેઠું છે. એને નિબંધ કહી શકાય તેમ નથી. એ માત્ર સ્મૃતિઓ પણ નથી અને ડાયરીનું સ્વરૂપ પણ નથી. હું આ લખાણોને કોઇ ચોક્કસ સ્વરૂપમાં બાંધી શક્યો નથી, છતાં સુવિધાને ખાતર તેને અંગત નિબંધોના ખાનામાં જ મૂકું – કારણ કે મૂળ લખાણોને તો મેં એ જ સ્વરૂપમાં તાક્યાં હતાં.’
સર્જક આકાશવાણીની નોકરીના ભાગ રૂપે ચંડીગઢ ખાતે નોકરી અર્થે જાય છે. ત્યાનાં નિવાસ દરમિયાન આ નિબંધોનું સર્જન થયું છે. ત્યાં એક બાજુથી આતંકવાદીઓનો ડર અને બીજી બાજુ ન સહેવાતી એકલતા બંન્ને વિષમ પરિસ્થિતિ વચ્ચે લેખન કાર્ય સહજ બનતું રહ્યું. જો કે આ તેના માટે તેમનું પ્રેરકબળ સામયિકોમાં પ્રગટ થતી તેમની કોલમ પણ હતી. ‘દર અઠવાડિયે ‘સમકાલીન’ માટે ‘ડુબકી’ કૉલમ નિયમિત રીતે લાખવાનું ચાલુ રાખ્યું હતું. એ રીતે એ કોલમ મારા આંતર્જગતની ડાયરી જેવી બની ગઇ હતી. મારી અંદરનું- ઘણીવાર તો સાવ અંગત લાગે તેવું – પણ એમાં ઊતરતું હતું. આ લખાણો મારી એકલતાની રોજનીશી જેવાં બની ગયાં હતાં. બાહ્ય ઘટનાના થડકા પણ એમાં સંભળાતા હતા. મેં કરેલા પ્રવાસો તેમાં વર્ણવ્યા છે. તેમાં વ્યક્તિચિત્રો છે, વાંચેલા પુસ્તકો વિશેની વાતો પણ છે. અંદરથી બહાર અને બહારથી અંદર આવતા-જતા રહેવાની આખી પ્રક્રિયા એ લખાણોમાં સાક્ષીભાવે રચાતી ગઇ છે. તે સમયની મારી ક્ષુલ્લક ખુશીઓ પણ જાણે એ ભેંકારતામાં અનેક ઘણી પ્રચંડ બનીને મારી અંદર પડઘાતી રહી હતી. નાની નાની ખુશીઓ અને ખોતરી નાખતી પીડાઓના આલેખનની અંદર મેં મને માણસ તરીકે ઘડાતો જોયો છે. હું જોઇ શકતો હતો કે હું તૂટી પડ્યો નથી, પણ બચી રહ્યો છું અને પછી તો એવું પણ લાગ્યું હતું કે સ્થિર અને ટટ્ટાર ઊભા રહીને આસપાસનું ઘણું બધું જોઇ પણ રહ્યો છું.’ અહીં આપણને સંગ્રહમાંથી કેટલાંક પાસાઓ સ્પર્ષે છે
સમગ્ર સંગ્રહમાં લેખકના મનોજગતનો વિસ્તાર ઊંડાણપૂર્વક આલેખાયો છે. અણજાણી ભૂમિ પર થોડા વિષાદ સાથે પણ પૂરી સ્વસ્થતાથી તેમનું વ્યક્તિત્વ દર્શન પ્રગટ થાય છે. ‘મારી અંદરનું – ઘણીવાર તો સાવ અંગત લાગે તેવું – પણ એમાં ઊતરતું હતું. આ લખાણો મારી એકલતાની રોજનીશી જેવાં બની ગયાં હતાં.બાહ્ય ઘટનાના થડકા પણ એમાં સંભળાતા હતા. મેં કરેલા પ્રવાસો તેમાં વર્ણવ્યા છે. તેમાં વ્યક્તિચિત્રો છે, વાંચેલા પુસ્તકો વિશેની વાતો પણ છે. અંદરથી બહાર અને બહારથી અંદર આવતા-જતા રહેવાની આખી પ્રક્રિયા એ લખાણોમાં સાક્ષીભાવે રચાતી ગઇ છે. તે સમયની મારી ક્ષુલ્લક ખુશીઓ પણ જાણે એ ભેંકારતામાં અનેક ઘણી પ્રચંડ બનીને મારી અંદર પડઘાતી રહી હતી. નાની નાની ખુશીઓ અને ખોતરી નાખતી પીડાઓના આલેખની અંદર મેં મને માણસ તરીકે ઘડાતો જોયો છે.’
નિબંધ સંગ્રહની શરૂઆત જ લેખક ‘ચૌદમી મે સવાર ૧૯૯૩ની છે.’થી કરે છે જ્યારે તેમણે નોકરી અર્થે પહેલો પગ ચંડીગંઢ ખાતે મૂક્યો હતો. આતંકવાદના ખોફ હેઠળ ભાખરા-બિયાસ મેનેજમેન્ટ બોર્ડના ગેસ્ટહાઉસમાં જાતને ગોઠવવાનો પ્રયત્ન કરે છે. આગાઉના સ્ટેશન ડિરેક્ટર આતંકવાદનો ભોગ બનેલા હતા તે તેમની નજર સામે હતું. લેખક વિષાદ સાથે કહે છે.- ‘હું ત્યાં નથી, છતાં ત્યાં સ્થિર થવા માટે મથું છું.’ બારીમાંથી દેખાતા પોલીસના આટાફેરા, સિક્યુરિટી ગાર્ડસનુ અભેધ કવચ, એકલતા અને આતંકવાદના ભયનો ઓથાર વગેરેને લેખક તીવ્ર સંવેદનાથી આલેખે છે. જે ભાવકને પણ એક સમયે પોતાની જાતને ત્યાં હોવાની અનુભૂતિ કરાવે છે.
નવા અને અણજાણ્યા શહેરમાં લેખકને રહેવા માટે સ્થાયી મકાન નથી મળતું પરિણામે તે બેચેન રહે છે જે લેખકે વિસ્તારથી આલેખ્યું છે. અલબત્ત આવા સમયે પણ તેમનુ વ્યક્તિત્વ તો ડોકાય જ છે. ‘અજાણ્યા શહેરનો અંધકાર પણ અપરિચિત લાગે છે. અહીંના નિયત દ્રશ્યો અને અવાજોની હજી આદત પડી નથી તેથી અજવાળામાં જોયેલાં દ્રશ્યોની કલ્પના પણ કરી શકાતી નહોતી. બધું જ જાણે એની ધરી ખોઇ બેઠું હતું. માત્ર બરછટ અને કાળો અંધકાર બાકી રહી ગયો હતો અંધકારની તીક્ષ્ણ અણીઓ બાવળની અસંખ્ય શૂળોની જેમ મારી ચામડી પર ભોંકાતી હતી. મારી આસપાસથી જાણે ગુરુત્વાકર્ષણનું બળ શોષાઇ ગયું હતું અને હું અંધકારમાં તરતો રહ્યો હતો. અંધારાનો લાભ લઇને ઉદ્વેગ અને હતાશાના આતંકે આક્રમણ કર્યું હતું.’
લેખકનું વ્યક્તિત્વ સંવેદનશીલ છે. તેમની ઓફીસમાં વગર પરમિશને પ્રવેશેલ ડ્યુટી ઓફિસર નારાજગી સાથે કડક શબ્દોમાં ઠપકો આપે છે પરંતુ પાછળથી ખબર પડે છે કે તે પૂર્વ સ્ટેશન ડિરેક્ટર સ્વ. આર.કે. તાલીબનો પુત્ર છે ત્યારે લેખક પોતાનો ખેદ વ્યક્ત કરે છે. ‘રાજીવ, તું મારા માટે માત્ર ડ્યુટી ઑફિસર જ નથી. તુમ તાલીસા’ બ કે બેટે ભી હો...હું સ્ટેશન ડિરેક્ટરની ખુરસી પર જ નહી, તારા પપ્પા જ્યાં બેસતા તે ખુરસી પર પણ બેસું છું.’ લેખકનો જીવન પ્રત્યેનો અભિગમ આશાવાદી છે તેઓ વિષાદ અને શુષ્કતા વચ્ચે પણ હંમેશ હકારાત્મક વાતાવરણની હોંશ રાખે છે. તેમને આશા છે કે આજની પ્રતિકુળ પરિસ્થિતી આવતી કાલે નહી હોય. પંજાબમાં આતંકવાદે ફેલાવેલી જાનહાની અને તારાજીમાંથી તે ફરી પાછુ બેઠું થશે. ‘લાશો અને ચિત્કારોની વચ્ચે ખોવાઇ ગયેલી પંજાબની લોકસંસ્કૃતિ અને લોકજીવન હવે ફરીથી પોતાની ઓળખ પાછી ઝંખે છે, એથી તો લોહિયાળ દસકા પછી શાંતિના અણસાર પંજાબમાં દેખાવા લગ્યા છે. લોકોની વાતો પરથી સમજાય છે કે એ લોકો ઘૂંટણ પર હાથ મૂકીને ફરીથી ઊભા થવા મથે છે. એમને એમનાં ગીતો ફરી ગાવાં છે. ઉત્સવો ફરી ઊજવવા છે.’ આમ ઉપસી આવે છે કે વીનેશ અંતાણીનું વ્યક્તિત્વ હકારાત્મક અને આશાવાદી છે.
લેખકના નિબંધોમાંથી અવારનવાર વતનપ્રેમ પ્રગટ થતો જોવા મળે છે. માદરે વતન કચ્છ અને પ્રદેશ ગુજરાતની યાદ વિવિધ સંદર્ભે અને પ્રસંગોએ તેમને સતાવ્યા કરે છે.’ એ ઘર ક્યાં ગયું, જેમાં મેં ‘પ્રિયજન’ નવલકથા લખી હતી ? રસ્તા પર બારી પડતી હતી. બાજુમાં આવેલા ગેરેજમાં વેલ્ડિંગ થતું હોય અને તેનો ઝબુક ઝબુક પ્રકાશ વેન્ટીલેશનમાંથી મારા ઘરની દીવાલો પર દેખાતો રહેતો. અમદાવાદનું એ ઘર, જ્યાં ‘સુરજની પાર દરિયો’ લખી હતી અને જ્યાં ‘કાફલો’ લખી હતી તે વડોદરાનું ઘર ? એન્ટોપહિલના કમરામાં મેં ‘પાતાળગઢ’ નવલકથાને ઝાંખી ઝાંખી દૂર ઊભેલી જોઇ હતી અને પછી નેપિયન સી રોડ પર આવેલા ફ્લેટમાં તેનું પહેલું લાંબુ પ્રકરણ લખ્યું હતું. પછી અમદાવાદ તરફ પ્રસ્થાન કરવા મેં સામાન બાંધ્યો હતો.’ આ બધું લેખકને પરિસ્થિતીવશ યાદ આવે છે. બાળપણમાં વિતાવેલા દિવસો, દાદા-દાદીનો સહવાસ, ગામડાનું એ ઉષ્મા ભર્યું વાતાવરણ આ બધું લેખકને કોરી ખાય છે. તો વળી ભુજ ખાતે રહેલ તેમના મિત્રના પત્રને યાદ કરીને કહે છે ‘આજે એક મિત્રનો ભુજથી પત્ર આવ્યો. અમે બાર-પંદર વર્ષ પહેલાં ભુજમાં સાથે હતા તે દિવસોને એણે પત્રમાં યાદ કર્યા હતા.’ ભુજનુ એ મહાદેવ નાકું, સુખ્યાત હમિરસર તળાવ, ભુજની એ શેરીઓ, છતેડી અને ક્યારેક એ નિર્જન સડકો વગેરે સ્મરણમાં આવી જાય છે.
લેખકને વતનની યાદો કોઇ ને કોઇ સંદર્ભ સાથે જોડાતી રહે છે. અલબત્ત તેમના નિબંધો પરથી સતત એવું લાગ્યા કરે છે કે વતનપ્રેમ એ લેખક માટે એક ટોનિક બની ગયુ છે. જે તેને ચંડીગઢના નિવાસ દરમિયાન હંમેશા જીવાડતું રહ્યું છે. લેખકની સ્મૃતિઓ તેમના ચિત્ત પર વારંવાર કબજો લઇ લે છે ‘ઉનાળાનો સૂનો બપોર લંબાતો જ રહે છે – અંદર અને બહાર, સ્મૃતિમાં અને વર્તમાનમાં.’ અલબત્ત વતન તરફનું અપાર ખેંચાણ પણ એક કારણ બની શકે કે જે તેને વર્તમાન અને અતીત વચ્ચે દોલાયિત કરતું રહે છે. આજ સ્મૃતિઓ અને સંસ્મરણની પ્રભાવક્તા એટલી ક્યારેક તીવ્ર બનીને ચિત્ત પર સવાર થઇ જાય છે કે તત્ક્ષણ તે વિહવળ બની જાય છે લેખક તો ત્યાં સુધી વ્યક્ત થયા છે કે ચંડીગઢ ખાતેના તેના એક નવા ઘરમાં આવેલ ગોખલાને, તેમાં રહેલી ભેજયુક્ત ગંધ તેમની સ્મૃતિઓનું પ્રતિક બની જાય છે. ‘ અજાણ્યા ઘરનો એક ઠંડો, ભેજલ ગોખલો મારી સ્મૃતિઓનું પ્રતિક બની ગયો. એ ક્યા સમયની સ્મૃતિઓ હતી ? મારા પૂર્વજન્મોની સ્મૃતિઓ આ શહેરના એક ઘરના ગોખલામાં વર્ષોથી બંધ પડી હોય અને તેનો નિકાલ કરવા માટે મારે અહીં આવવું પડ્યું છે કે શું ?’ ક્યારેક આવી લાગણીની તીવ્રતા સહજજીવનને બાધક બની જતી હોય એવી પ્રતિતી થયા કરે છે. જો કે લેખકની આવી દરેક પળને તેની સર્જકતાએ સાચવી લીધી છે. તેમનામાં રહેલું સર્જકત્વ ફરી પાછા વર્તમાનની આહલાદક પળોમાં લાવી મૂકે છે.
વીનેશ અંતાણીનું વ્યક્તિત્વ ઘડતરમાં નોકરીનો ફાળો પણ મહત્વનો રહ્યો છે. નોકરી અર્થે તેમને વારંવાર સ્થળો બદલવા પડ્યા છે, અવનવા વ્યક્તિત્વોના પરિચયમાં આવવાનું બન્યું છે. પરંતુ તેમની પાસેથી સર્જન સમયાંતરે મળતું રહ્યું છે. સર્જનયાત્રાની લગોલગ વાંચનયાત્રા પણ સતત ચાલતી રહી છે. સઘળું રસાઇને તેમના જીવનમાં ઉતર્યું છે. તેથી જ તેમના લખાણોમાં વારંવાર સાહિત્યસેવીઓનું સાહિત્ય આલેખાતું રહ્યું છે. પંજાબના એક યુવાન કવિ સિધુ દમદમી જે આકાશવાણીમાં કામ કરે છે તેનો કવિ તરીકે વિસ્તારથી પરિચય મળે છે એટલુંજ નહી તેમનો કાવ્યનો ગદ્યાનુવાદ સુદ્ધા નિરૂપે છે. તો હિન્દી કવિ નિર્મલ વર્માની કૃતિઓનો અનુવાદ પોતે કરવાના હોય તેમને પણ તે અલગ સંદર્ભે યાદ કરે છે.- નિર્મલ વર્માને નવી દિલ્હીમાં ‘સાધના સન્માન’ પુરસ્કાર મળ્યો ત્યારે એમણે કહ્યું હતું : ‘આજે શબ્દો, જેમનું ઘર ઊજડી ગયું છે તેવા લોકો જેવા, શરણાર્થી બની ગયા છે – જે હોઇને પણ ન હોવાની સ્થિતિમાં છે...માત્ર શબ્દો જ,નિર્મલજી?’
આ ઉપરાંત સાહિત્યના અનેક સેવીઓ તેમના નિબંધોમાં જૂદા-જૂદા સંદર્ભે અને પ્રસંગે આલેખાતા રહ્યા છે. જેમાં લેખક પીકો ઐયર, પંજાબી કવિ શિવકુમાર બટાલવી, સુરજિત પાતર, વાર્તાકાર મણિ મધુકર, ગુજરાતી નવલકથાકાર રજનીકુમાર પંડ્યા, નાટ્યકાર ભીષ્મ સાહની, ગઝલકાર નિદા ફાઝલી, વાર્તાકાર રોઆલ્ડ ડાહલ,કવિ કૃષ્ણ મોહન ઝા, નવલકથાકાર એરિક સેગલ, નવલકથાકાર ગોવિંદ મિશ્ર, વાર્તા-કવિતા-નવલકથાકાર દલીપ કૌર તિવાના, મિલાન કુન્દેરા, પંજાબી વાર્તાકાર ગુલઝાર સિંહ સંધુ, કવિ રામસિંહ ચહલ, પંજાબી કવિ જસવંત દીદ, કવયિત્રી રાજીન્દર કૌર, યુવા કવિ મિન્દર અને અંબરિશ, પ્રયોગશીલ કવિ ગુલ ચૌહાણ વગેરેના ઉલ્લેખો જોવા મળે છે. તો સાથે હરિયાણાના ઉત્સવોની વાત કરતી વેળાએ ઇસર-ગણગૌરની અમર પ્રણયકથાની યાદમાં હોળીના બીજા દીવસે ગવાતા ગીતોનો ઉલ્લેખ પણ કરે છે-
હરી હરી દૂબ લ્યો,
ગણગૌર પૂજ લ્યો,
રાણી પૂજ રાજનૈ,
મ્હં પૂજાં સુહાગનૈ...,
રાણી કો રાજ તપતો જાયે,
મ્હ કો સુહાગ બઢતો જાયે...
ઉપરાંત પોતાના સર્જનની વાતોનો ઉલ્લેખ પણ તેઓ સંગ્રહમાં કરતા રહ્યા છે.પોતે મૂળે સર્જક જીવ હોવાને નાતે આ બધા સાહિત્યિક સંદર્ભો સહજભાવે નિરૂપાતા જાય છે. વાચક વર્ગને પણ તે રૂચીકર લાગે તેવા છે. ઘણીવાર તો આવા સંદર્ભો વિસ્તારથી પ્રયોજાતા જોવા મળે છે જેમકે નાટ્યકાર ભીષ્મ સાહનીના નાટકની વાત, વાર્તાકાર ગુલઝાર સિંહ સંધુની વાર્તાના કથાંશો, સુરજિત પાતરના ‘યેરમા’ નાટકનો સાર વગેરે નિબંધના માળખામાં રહીને યથાતથ વ્યક્ત થાય છે.
નિબંધ હોય એટલે વર્ણનો તો આવવાનાજ. પરંતુ તે જો લેખકના ચિત્તમાંથી રસાઇને આવે તો તેની ભાત અનેરી જ હોય છે. અહી લેખકને નિબંધ લખવા કદાચ એવા દ્રશ્યો કે એવી પરિસ્થિતી મજબૂર કરતી હશે એવું લાગે છે. કેમકે પ્રસંગ જ એવા બનતા જાય છે કે વાતને જો લાલિત્યનો ઓપ આપીને કહેવામાં આવે તો નિબંધનો નિખાર વધુ ઉપસી આવે. પછી તે મનાલી-સિમલા હોય કે પોતાના નિવાસની બારી બહારનું દ્રશ્ય હોય સર્જક જીવ તેની નોંધ લીધા વિના થોડો રહે. ‘રાતના વરસાદ પછી આજે સવારથી તીખો તડકો ઊગ્યો છે. હિમાલયના પહાડો પરથી નીચે ઊતરી આવેલાં વાદળાં સ્મૃતિઓ જેવાં લાગે છે. દૂર દૂરનાં સ્મરણોની જેમ મારા આકાશ સુધી ખેંચાઇ આવ્યાં છે. હું લીલાશ અને ભીનાશની માયાજાળમાં લપેટાયેલો એકલો ઉભો છું. ઘડીમાં વિષાદ, ઘડીમાં પ્રસન્નતાની લહેરખીઓ. વીજળીના તાર પર તોળાયેલાં જળબિંદુઓ સવારના તડકામાં ચમકે છે, બાલકનીની નીચેથી પસાર થતી એક કન્યાના માથા પર ટપાક દઇને પાણીનું ટીપું ટપક્યું અને એ ચોંકી જાય છે. વિસ્મયથી ઉપર જુએ છે. કોરા આકાશ નીચે પણ ભીંજાય જવાય તેવી ઋતુ કન્યાના મનમાં ઊગી આવી હશે. એ ખસતી નથી.’ પાણીના ટીપાનું ‘ટપાક દઇને’ પડવું નાદની જે શોભા છે તે વાચકના મનને હરી લે છે.
લેખક જ્યારે સહજભાવે કશુંક કહેવા માગે છે ત્યારે પણ તેમાં લાલિત્યની છટા જોવા મળે છે. અલબત્ત તેમના વર્ણનોની ખાસિયત એ રહેવા પામી છે કે જ્યારે જ્યારે લેખક પ્રકૃતિ સાથે નાતો જોડે છે ત્યારે તેમા એકલતા, વિષાદ અને ખાલીપાની ગંધ જરૂર આવે છે. ‘કેટલાંક ઘટદાર વૃક્ષોનાં પાંદડા પીળા થઇ ગયાં છે અને કેટલાંક વૃક્ષો પર નવાં પર્ણો ફૂટ્યાં છે. બે ઋતુઓનો ભાર ઝીલવો અઘરું પડે છે. વૃક્ષો પર વસંત બેઠી છે અને પાનખર હજી ઓસરી નથી. મારું મન પણ એવું જ થઇ ગયું છે. ઘડીમાં પ્રસન્નતા અને ઘડીમાં ખોતરતી વેદના. થોડી ક્ષણો પહેલાં બધું નવપલ્લવિત થયેલું લાગતું હોય ત્યાં જ એકાએક સૂકા પાંદડા જેવું કશુંક ખરવા લાગે છે.’ લેખકને કોરી ખાતી એકલતા તેમને વિષાદ તરફ લઇ જાય છે. તેની અસર તેમના વર્ણનોમાં જોવા મળે છે.
આ સમગ્ર સંગ્રહ એક રીતે તો સ્મૃતિગ્રંથ જેવો બની રહ્યો છે. પુસ્તકની ધૃવ પંક્તિના ભાગ રૂપે અંતે તેઓ પોતે જ નોંધે છે કે ‘ચંડીગઢ નિવાસ દરમિયાનનો સમય જાણે હું ધુમાડાની જેમ જીવ્યો છું. વાસ્તવમાં હોય છે, છતાં આપણે તેને હાથમાં પકડી શકતા નથી, સ્પર્શી પણ શકતા નથી. વળી એક સમયે નરી આંખે દેખાતો ધુમાડો થોડા વખત પછી ક્યાંક અદ્રશ્ય થઇ જાય છે, જાણે તે ક્યાંય-કદીય હતો પણ નહીં. એ રીતે મેં ચંડીગઢમાં વિતાવેલો સમય, ત્યારની એકલતાનો પ્રછન્ન અનુભવ;દૂર હોવાની પીડ વગેરે એક સમયે દ્રશ્ય સ્વરૂપે મારે સામે હતું અને હવે તેમાનું કશું જ દેખાતું નથી. માત્ર સ્મૃતિ ઊઠતી રહે છે અને મારી અંદર તે સ્મૃતિની ગંધ ઊઠ્યા કરે છે-અદ્રશ્ય થઇ જતા ધુમાડાની પાછળ રહી જતી ગંધ જેવી જ આ ગંધ છે.’
ડો. ભાવેશ જેઠવા, આસી. પ્રોફેસર, ગુજરાતી વિભાગ, કે. એસ. કે. વી. કચ્છ યુનિવર્સિટી, ભુજ