દીકરી
દીકરીનો જનમ થાશે રે પછી,
ઘરમાં લક્ષ્મીનો ભંડાર આવશે રે.
દીકરીની આંગળી પકડીને એ તો,
શાળાએ મૂકવાને જાશે રે.
દીકરીને મૂકવા શાળાએ જાશે પછી,
જોયેલા સપના સાચા થાશે રે.
દીકરીનું સપનું સાકાર કરવા,
એડીચોટીનું જોર લગાવશે રે.
દીકરીનું સગપણ કરવાને માટે એ તો,
અનેક મુરતિયા જોઈ નાંખશે રે.
દીકરીનું સગપણ નક્કી થયા પછી,
સાસરે વળાવવાના કોડ જાગશે રે.
દીકરીનું પાનેતર ખરીદવા જાશે પછી,
જુદાઈના બીજ રોપી આવશે રે.
દીકરીના લગનનું ટાણું રે આવશે,
હરખથી હાથ પીળા કરશે રે.
દીકરીની વિદાયનો સમય આવશે,
ચોધાર આંસુડા છલકાશે રે.
દીકરીને ભેટીને કાનમાં રે કેશે,
સસરાનું ઘર તું ઉજાળજે રે.
દીકરીને વળાવવા પાદરે જાશે પછી,
પાદરનો રસ્તો કાપી લાવશે રે.
દીકરી વળાવીને ઘરે સૌ આવશે,
તાજા રે પગલાં સહુ શોધશે રે.
દીકરીના પગલાં શોધીને થાકશે પછી,
દીકરીની ખોટ સહુને સાલશે રે.
ભરતકુમાર લાલજીભાઈ ચૌહાણ, રેલવે સ્ટેશન સામે, સથવારા સોસાયટી, ધંધુકા, તા.ધંધુકા, જિ.અમદાવાદ